“બેટા, હવે હું થોડી મિનિટોનો જ મહેમાન છું. જે વૉર્ડમાં મને રાખવામાં આવ્યો છે તેની હાલત બેહદ ખરાબ છે. મારી કોઈ સારવાર કરવામાં આવતી નથી. કોઈ ડૉક્ટર જોવા આવતા નથી. દવા પણ આપતા નથી.” ફોન પર આટલું બોલતાં બોલતાં તે રડી પડ્યા.
ફોન પર જ પુત્રે તેમને આશ્વાસન આપ્યું, “પાપા, તમે જલદી સાજા થઈ જશો. ગભરાશો નહીં. વાહેગુરુ બોલો.” પણ ફોન પર સામેથી રડવાનો અવાજ ચાલુ રહ્યો. “બેટા, થાય છે કે હું આપઘાત કરી લઉં અને છૂટકારો પામું.” આ સાંભળતા દીકરા પાસે બેઠેલાં તેનાં મમ્મીએ પતિને શાંત કરતાં કહ્યું, “હાય રે, તમે એવી વાત ન કરો.”
”પણ આ હૉસ્પિટલવાળા તમને મને મળવા કેમ આવવા નથી દેતા?”
“પાપા, અમે બધા અહીં બહાર જ બેઠાં છીએ. તમે જલદી સાજા થઈ જશો અને પછી ઘરે બધાંની સાથે હશો.”
“બેટા, જો તું મને જીવાડવા માંગતો હોય તો મને અહીંથી બીજી હૉસ્પિટલમાં લઈ જા. અહીં તો મને મારી નાખશે કે નહીં તો પછી હું જાતે જ મરી જઈશ.”
પંજાબના અમૃતસરની સરકારી ગુરુ નાનકદેવ હૉસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર લઈ રહેલા ૬૭ વરસના પદ્મશ્રી સન્માનિત રાગી નિર્મલસિંઘ ખાલસાના અંતિમ દિવસે કુટુંબ સાથેનો આ કરુણ સંવાદ હતો. ભા.જ.પા.શાસિત ગુજરાતના અમદાવાદની સરકારી સિવિલ હૉસ્પિટલ હોય કે કૉન્ગ્રેસશાસિત પંજાબના અમૃતસરની સરકારી હૉસ્પિટલ, કોવિડ-૧૯ સામે લડવામાં તે કઈ હદે ખાડે ગયાં છે, તેનો આ વધુ એક પુરાવો છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુરુવાણી ગાયક નિર્મલસિંઘ ખાલસા મૂળે પંજાબના જાલંધર જિલ્લાના લોહિયા ગામના હતા. ૬૨ રાગોમાં ગુરુવાણીનું ગાયન કરતા નિર્મલસિંઘ મજહબી શીખ હતા. જન્મે હિંદુ દલિત એવા નિર્મલસિંઘે ધર્મપરિવર્તન કરીને શીખ ધર્મ અંગીકાર કર્યો હતો. વર્ષ ૧૯૭૯માં તેમની નિમણૂક અમૃતસરના સુવર્ણમંદિરના હરિમંદિરમાં હુજુરી રાગી તરીકે કરવામાં આવી હતી. તેમના ગુરુવાણી-ગાયનના કાર્યને દેશના વર્ષ ૨૦૦૯માં ચોથા ક્રમના નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યું હતું. તત્કાલીન પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંઘ રાગી નિર્મલસિંઘના ગુરુવાણી ગાયનથી પ્રભાવિત હતા. તેમણે ગુરુ નાનકના પ્રકાશપર્વે દિલ્હીના પ્રધાનમંત્રી આવાસમાં તેમનું ગાયન યોજ્યું હતું. નિર્મલસિંઘને રાષ્ટ્રપતિભવનમાં પણ ગુરુવાણીનો પાઠ અને ગાયન કરવાનો અવસર મળ્યો હતો. વર્ષ ૧૯૭૯થી ચારેક દાયકા સુધી સુવર્ણમંદિરમાં રાગી તરીકે કાર્ય કરનાર અને ત્યારથી અમૃતસરને કર્મભૂમિ બનાવનાર આ કલાકારને નિવૃત્તિ પછી પણ અવારનવાર સુવર્ણ મંદિરમાં મહાનુભાવોની મુલાકાત પ્રસંગે ગાયન માટે નિમંત્રવામાં આવતા હતા. પંજાબમાં, દેશમાં અને વિદેશમાં તેમના ગુરુવાણી ગાયનના ઘણા કાર્યક્રમો થતા હતા.
નવેમ્બર ૨૦૧૯માં તેઓ આઠેક મહિના અમેરિકા રહીને ભારત પાછા આવ્યા. ૧૯મી માર્ચે ચંદીગઢમાં તેમણે એક કાર્યક્રમમાં ગાયું હતું. તે પછી શરદી-તાવની ફરિયાદથી તેમણે પહેલાં અમૃતસરની શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટિ સંચાલિત ગુરુ રામદાસ ચૅરિટેબલ હૉસ્પિટલમાં સારવાર લીધી. તેમના રિપોર્ટ સામાન્ય આવ્યા, પણ ફરિયાદ દૂર ન થઈ. એટલે પછીથી તેમને સારવાર માટે સરકારી ગુરુ નાનકદેવ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તે હૉસ્પિટલના ડોકટરોએ તેમને ૧૦ દિવસની દવા આપી. ૨૯મી માર્ચે તેમને શરીરમાં વધુ તકલીફ જણાતાં ફરી અમૃતસરની સરકારી કોવિડ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા. ત્યાં ત્રણેક દિવસની સારવાર બાદ ૨જી એપ્રિલની પરોઢે સાડા ચાર વાગ્યે તેમનું અવસાન થયું. નિર્મલસિંઘના પુત્ર અમિતેશ્વરસિંઘ અને પરિવારે સારવારમાં બેદરકારીનો આરોપ મૂક્યો છે, પરંતુ સરકાર અને હૉસ્પિટલ તંત્ર તેનો ઈન્કાર કરે છે.
રાગી નિર્મલસિંઘનું મૃત્યુ પંજાબમાં કોરોનાના કારણે અને લૉક ડાઉનના પહેલા અઠવાડિયામાં થયેલું પાંચમું મોત હતું. દેશમાં કોરોનાના સંક્રમણનો અને ભયનો માહોલ બરાબર ઊભો થઈ ચૂક્યો હતો, તે રાગીના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યો. પોલીસ અને વહીવટીતંત્ર તેમના જ્યાં જ્યાં અંતિમ સંસ્કાર કરવા માંગતા હતાં તે બધાં જ સ્થળોએ વિરોધ થયો. અમૃતસરથી પંદરેક કિલોમીટર દૂરના વેરકા ગામે જુદી જુદી જ્ઞાતિનાં આઠેક સ્મશાનઘરો હતાં, પણ તે સઘળાં રાગીના અંતિમ સંસ્કાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. વિરોધ માટે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની દલીલ હતી કે કોરોનાદરદીના અંતિમ સંસ્કાર પછી તેની જે રાખ ઊડે તેનાથી પણ ચેપ લાગે. એટલે કોઈ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર થઈ શકે તેમ નહોતા. સોળ કલાકની જહેમત પછી વેરકા અને ફતેહગઢ ગામની સીમા પરના એક ખાનગી માલિકીના ખેતરની થોડી ભોંય મળી, જ્યાં રાત્રે દસેક વાગે રાગી નિર્મલસિંઘના શબના દાહસંસ્કાર કરવામાં આવ્યા. સરકાર એવો પ્રચાર કરે છે કે “આપણે બીમારી સામે લડવાનું છે, બીમાર સામે નહીં”. પરંતુ કોરોનાગ્રસ્તના અંતિમ સંસ્કાર વખતે ઊભા થનારા વિરોધ સામે કાં તો આંખમીંચામણાં કરે છે કે કાં ઘૂંટણિયે પડી જાય છે.
રાગી નિર્મલસિંઘનું દલિત કે મજહબી શીખ હોવું તેમના અંતિમ સંસ્કારની અડચણોમાં કેટલું જવાબદાર છે તે સવાલ પણ ઊઠવો સ્વાભાવિક છે. પરિવાર આવો આરોપ મૂકે છે. દલિત રાજકારણીઓએ પંજાબના અનુસૂચિત જાતિ કમિશન સમક્ષ ફરિયાદ કરી છે, તો નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. સરકારે અંતિમ સંસ્કારમાં પડેલી મુશ્કેલી અંગે દિલગીરી જાહેર કરી છે અને રાગીના વતનમાં નવા બંધાતા આઇ.ટી.આઇ.ના મકાન સાથે તેમનું નામ જોડવાની જાહેરાત કરી છે. રાગી નિર્મલસિંઘના પુત્રને સી.એમ. “અમરિંદર અંકલ”નો આશ્વાસનનો ફોન આવ્યો છે. અકાલ તખ્ત અને સુવર્ણ મંદિરના હોદ્દેદારો પણ રાગીને ઉચિત સન્માન સાથે અંતિમ વિદાય ન આપી શકાઈ તેથી દુ:ખી છે.
પણ આ બધામાં આકરો પ્રતિભાવ રાગી ઝુઝારસિંઘનો છે. આજે હરમંદિરમાં રાગી તરીકે કાર્યરત ઝુઝારસિંઘ વેરકા ગામના લોકોના વિરોધકૃત્યથી એટલા નારાજ છે કે તેમણે જીવનભર વેરકામાં પગ ન મૂકવાની અને તે ગામમાં ગુરુવાણીનો પાઠ કે ગાયન કરવા આજીવન ન જવાની પ્રતિજ્ઞા જાહેર કરી છે. સ્વજનના જવાના દુ:ખ સાથે એને ઉચિત અંતિમ વિદાય નહીં આપી શકવાનું દુ:ખ કોરોનાકાળની વરવી વાસ્તવિકતા છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 મે 2020