Opinion Magazine
Number of visits: 9446693
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાની દેણગી

આશા બૂચ|Opinion - Opinion|28 June 2020

કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો, દુનિયાના મોટા ભાગના દેશોમાં લોક ડાઉન – તાળાબંધી થઇ, હજારોના જાન ગયા. ઘણી ખરી સરકારી કચેરીઓએ સાચા આંકડા છુપાવ્યા. સરકારી અધિકારીઓએ વૈજ્ઞાનિકોની અને મેડિકલ સાયન્સના ધુરંધરોની સલાહ એક કાને સંભાળી, પોતાના રાજકીય હેતુઓને પોષે તેવી માન્ય રાખીને બાકીની સલાહોને ‘અર્થકારણને પુનર્જીવિત કરવા’ના ઉમદા હેતુસર બીજા કાનેથી કાઢી નાખી. અને આવું આવું તો ઘણું છેલ્લા છએક મહિનામાં બની ગયું.

હવે જે દેશોએ ડહાપણ વાપરી લોક ડાઉન વહેલું અજમાવ્યું, ટેસ્ટટિંગ-ટ્રેસીંગ-ટ્રેકીંગની વ્યવસ્થાને પણ ચાલતી-દોડતી કરી અને તેને પરિણામે જાનહાનિનો માર ઓછો ખાધો, એ દેશોએ હરખભેર લોક ડાઉન હળવું કરીને જીવન રાબેતા મુજબ કરવા પગલાં ભર્યાં. પણ એમ આ કાળો દૈત્ય ગાંજ્યો જાય તેમ નથી. બિલાડી જોઈને જેમ ઉંદર દરમાં પાછો પેસી જાય તેમ એ દેશોમાં કોરોના સંક્રમિત કેસીસની સંખ્યા વધતાં લોકોને ફરીને પોતપોતાની ગુફાઓમાં પાછા ઢંકાઈ જવાની ફરજ પાડવામાં આવી રહી છે. ગોડ, અલ્લાહ, ભગવાન, વાહે ગુરુજી બધાને પૂછ્યું, આ ઉપાધિ ક્યારે ટળશે? બધાએ ખભ્ભા ઉલાળી, હાથ પહોળા કરીને એકબીજા સામે જોઈ, મૌન સેવ્યું.

એટલે હવે ઘરમાં બેઠા કોરોનાની દેણગી વિષે બમણા જોરથી વિચારો આવવા લાગ્યા. તેમાંના કેટલાક પ્રસ્તુત છે.

સુપર માર્કેટમાં કામ કરનારાઓને ‘હીરો’ ગણીને ખૂબ નવાજ્યા એ વ્યાજબી છે. ઘેર બેઠા નોંધાવેલી વસ્તુઓ આપી જાય, ક્લીક અને કલેકટથી આપણે પણ માર્કેટમાં પ્રવેશ કર્યા વિના કરિયાણું લાવી શકીએ અને હવે બે મીટરનું અંતર રાખી, મુખવટો પહેરીને લહેરથી ખરીદી કરી શકીએ એ કઇં ઓછા નસીબની વાત નથી. પરંતુ નાના વેપારીઓ, છૂટક કામ કરનારાઓ અને સ્વરોજગારીથી પેટ ભરનારાઓને દેવાળું કાઢવાનો, નોકરી ગુમાવવાનો અને ધંધા બંધ કરવાનો વારો આવ્યો એ હકીકત બતાવે છે કે કોર્પોરેટ ધંધાઓ આધારિત અર્થવ્યવસ્થાના ચક્રમાં ગોઠવાઈ ગયા હોય તેમને જ જીવવાની તક રહેશે.

બીજી એક હકીકત નજરે ચડી આવી તે એ કે શહેરો અને ગીચ વસતી ધરાવતા લત્તાઓમાં રોગ ઝડપથી ફેલાયા. ભૂતકાળમાં ખેલાયેલા મોટા યુદ્ધો અને આજની નાની લડાઈઓ ટાણે પણ એ જ હાલત થતી જોઈ છે. તો ઔદ્યોગિકરણ અને શહેરીકરણ કરવાની ઘેલછામાં ગામડાં ભાંગ્યાં ત્યારે ભવિષ્યમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય શહેરી ગીચ વિસ્તારમાં જાળવવાં મુશ્કેલ બનશે એ વિચાર નહોતો આવ્યો? અમસ્તું પણ ટૉલ્સ્ટૉયને જ્યારે તેઓ પોતાના વતનને છોડીને મોસ્કો જઈને વસ્યા ત્યારે ભાન થયેલું કે શહેરમાં વ્યાપેલી ગરીબી ઘણી ભૂંડી હોય છે.

હજુ એક વધુ સત્ય ઘણું દબાવવા છતાં છતું થયું. આર્થિક, સ્વાસ્થ્યને લગતી અને સામાજિક અસમાનતાઓ તથા જાતિ, જ્ઞાતિ અને ધર્મના આધારે રચેલા ભેદભાવોને કારણે બિન લાભાન્વિત પ્રજામાં મોતની સંખ્યા વધુ છે, એ હકીકત ઊડીને આંખે વળગી. આ વાત અન્યાયી આર્થિક અને સામાજિક વ્યવસ્થા રચતાં પહેલાં કેમ ન સમજાઈ? 

પર્યાવરણ અને પ્રદૂષણને આ રોગ સાથે જોડવામાં આવે છે. લોક ડાઉનના આદેશનું પાલન કરવાને કારણે વાહનોની ભાગંભાગ ઓછી થઇ અને રસ્તાઓ ધૂંધળા હતા તે સાફ દેખાવા લાગ્યા. પ્રાણી-પક્ષીઓ છૂટથી ફરતાં દેખાયાં. આજે  જીવન પદ્ધતિના સુધારા પર જોર મુકાય છે, તો શું એ વિષે આપણે પહેલાં અજાણ હતા?

એક સમાચાર સાંભળ્યા, યુનાઇટેડ કિંગ્ડમમાં 3 લાખ લોકોએ ધૂમ્રપાન છોડ્યું અને બીજા પણ કોશિશ કરે છે. શુભ સમાચાર. ઘણા લોકો વજન ઘટાડવા કૃતનિશ્ચયી બન્યા છે. એ એથી ય વધુ આવકાર્ય સમાચાર. જ્યારે પબ, ક્લબ, સિનેમા અને રેસ્ટોરન્ટના દ્વાર ખુલશે ત્યારે તેમની પ્રતિજ્ઞા જળવાશે? જે સમાજમાં આત્મસંયમ અને વ્રત પાલનનો ખ્યાલ જમાનાઓથી બારી બહાર ફેંકાયેલો છે એવા ભૌતિક સુખ પાછળ દોડનાર પ્રજાને લીધેલ નિર્ણયો પાળવામાં મુશ્કેલી નડશે. વધુને વધુ સરકારી નિયંત્રણોની જરૂર છે કે સારાસારનો વિવેક કેળવી શકે તેવી સ્વતંત્ર વિચાર ધરાવતી પ્રજાની?

આજકાલ ઘરની અંદર અને બહાર સફાઈ પર ખૂબ જોર અપાય છે. દરિયા, નદી, હવા, શેરીની સડકો, જાહેર રસ્તાઓ સાફ થયાં જણાય છે. આનું ભાન પહેલા કેમ નહોતું થયું?

ખોરાક આ વાયરસના ફેલાવાનું નિમિત્ત છે, એવી ધારણા છે. એક સિદ્ધાંત મુજબ ચામાચીડિયાને થયેલ રોગ બીજા પ્રાણીઓને થયો (કયા પ્રાણીઓમાં ફેલાયો તે વિષે ચોક્કસ માહિતી નથી) અને તેને આરોગવાથી માણસોને એ ચેપ લાગ્યો. જ્યાં ફરીને આ રોગે દેખા દીધી છે ત્યાં પણ કતલખાનાં અને નિરામિષ વાનગીઓનો વિક્ર્ય કરનારાઓ પર પાબંદી લગાવવી પડી છે. માનવ જાત ક્યારે બને તેટલા વધુ પ્રમાણમાં શાકાહારી બનવા તરફ વળશે? હજુ આનાથી વધુ કપરો કાળ આવે તેની રાહ જોવી પોસાય તેમ નથી.

આમ જુઓ તો સ્વાસ્થ્યને લગતી કટોકટી સર્જાઈ, પણ તેની અસર આર્થિકની માફક સામાજિક ક્ષેત્રે પણ પડી એક તરફ લોકો ઘરમાં રહીને કસરત કરે, ગાયન-વાદનથી એકબીજાને મનોરંજન કરાવે, જેને કદી પહેલાં જોયા પણ ન હોય તેવા પડોશીઓ મદદ કરવા દોડી આવે એવું અદ્દભુત માનવતાભર્યું વાતાવરણ ખડું થયું છે. તો બીજી બાજુ કેટલાક લોકો ડ્રગ્સ વધુ લેવા લાગ્યા, ઘરેલુ હિંસાની સંખ્યામાં વધારો થયો એવા સમાચાર પણ છે. જે લોકોને કોરોના વાયરસે કાળના ખપ્પરમાં હોમી દીધા તેમની ખોટ તો પુરાશે નહીં. બાકી રહેલ બે ત્રણ પેઢી સુધી આર્થિક સંકડામણનો અનુભવ કરશે તેમ બને. નાના ઉદ્યોગો અને વેપાર-ધંધા પડી ભાંગશે. એરલાઇનથી માંડીને કાર બનાવનારી ફેકટરીઓ બંધ પડશે (શસ્ત્રો બનવનાર કારખાનાઓનું શું થશે તે વિષે સરકાર મૌન છે તે નોંધવું રહ્યું) અને એવા તો કેટલા ય વ્યવસાયોમાં મંદીને કારણે બેકારી આવશે. હજુ એ ઓછું હોય તેમ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં વિકાસમાં પ્રગતિ થવાને કારણે ડ્રાઈવર વિનાની કાર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવશે એટલે દુનિયા બેકારોથી બેહદ બૂરી રીતે ઘેરાઈ જશે. તો એટલી મોટી સંખ્યાના શિક્ષિતોને સંસ્કૃત કરવા કોણ બીડું ઝડપશે?

જો કે કોરોના દેવીએ બધું જ બૂરું નથી કર્યું. ઘેર રહીને કામ કરવાના આદેશ અને શાળા-કોલેજો-ઓફિસો બંધ હોવાના ઘણા ફાયદાઓમાંનો એક, પતિ-પત્ની અને બાળકો એક બીજાંના કામના પ્રકાર, એ કરવાની રીત અને એ માટે જરૂરી લગન, ખંત અને મહેનતથી વાકેફ થશે. પરસ્પર માટે સમજણ કેળવાશે, આદર વધશે અને સંવાદિતા આવશે. પાડોશીઓ અને કુટુંબીઓની લાગણી અને સહવાસનું મૂલ્ય સમજાવા લાગ્યું છે. સબંધીઓ સમય કાઢીને એકબીજાનો સંપર્ક કરી હાલચાલ પૂછે એ હવે નવી ઘટના ગણાય, પણ ચાલુ રહે તેમ પ્રાર્થીએ. અરે, કેટલાકમાં રમૂજવૃત્તિ ખીલી, પ્રાણાયામ અને માઇન્ડફુલનેસનો પ્રચાર વધ્યો એ કંઈ જેવી તેવી સિદ્ધિ છે?

દુનિયાના ઇતિહાસમાં આજ સુધી ઘણા ચેપી રોગચાળાઓ ફેલાયા નોંધાયા છે. ઘણાં યુદ્ધો અને લડાઈઓ બાદ શરણાર્થીઓ અને હારેલી પ્રજાઓ અકથ્ય પીડા, ભૂખમરો અને બેકારી અનુભવી ચુક્યા છે. પરંતુ કોરોના થકી જેટલું આત્મપરીક્ષણ ક્યારે ય થયાનું જાણ્યું નથી. જ્યાં જુઓ ત્યાં ઉચ્ચ વિચારોની આપ-લે, જીવન રીતિ સુધારવાના સૂચનો, કુદરત અને ઈશ્વર-ભગવાન-રબ-ગોડને સમજવાના રસ્તાઓ, માણસની નૈતિક ફરજોની યાદી વગેરે વિષે અવિરત વાતો થાય છે. માનવ આટલો બધો આધ્યાત્મિક ક્યારે થઇ ગયો? શું આપણે કોરોના વાયરસનો આભાર માનવો પડશે? લોકોને એમ કહેતાં સાંભળ્યા છે કે ભગવન તો દિલમાં રહે છે, બહાર ભજવાની શી જરૂર?

હવે જ્યારે કોરોનાનો ઓથાર ઓછો થવાની શક્યતા વધે છે ત્યારે આટલું વિચારીએ. ખરું જુઓ તો જીવન જીવવા બહુ જ થોડી વસ્તુઓની જરૂર છે એ સમજાઈ ગયું, પરંતુ માણસ શું કાયમ માત્ર પાયાની જરૂરતો પર જીવશે? આનંદ-પ્રમોદ, તહેવાર-પ્રસંગોની ઉજવણી વિના જીવન નીરસ બની જાય. તો એ માટે મધ્યમ માર્ગ શોધવો રહ્યો. ફાસ્ટ ફૂડ, તૈયાર ભોજન અને બહુરાષ્ટ્રીય કંપનીના ખોરાક વિના જરૂર ચાલશે તે સ્વીકારવું જરૂરી થશે. એવી જ રીતે પોતપોતાના દેશમાં તેમ જ વિદેશોમાં ફરવા જવું જરૂર, પણ તે માત્ર પ્રકૃતિ દર્શન અને જ્ઞાન પ્રાપ્તિ માટે જવું વ્યાજબી થશે. દેશ-વિદેશ રહેતા કુટુંબીઓને મળવા વારંવાર દોડી જવું અને નોકરીને બહાને પ્લેનની મુસાફરી કરવાનું બંધ કરવું રહ્યું. રાજકારણીઓએ તો ચાર્ટર્ડ પ્લેન કરી બીજા દેશોની મુલાકાતોથી પોતાના દેશવાસીઓને ખાસ કઇં મેળવ્યા-દીધાનું જાણ્યું નથી, તો એ તો સદંતર અટકવું જોઈશે.

બીજી મહત્ત્વની વાત : કપડાં, ઘરેણાં અને બીજી અંગત વસ્તુઓ જરૂર પડ્યે જ ખરીદવી નહીં કે નવરા બેઠા છીએ, સમય પસાર કરવા શોપિંગ સેન્ટરમાં આંટા મારતાં સેલના પાટિયાં ઝૂલતાં જોઈ મન લોભાઈ જાય અને બિન જરૂરી વસ્તુઓ ખરીદીને કબાટો ભરી દઈએ. હવે જીવનમાં નૈતિકતાને સ્થાન આપવું પડશે.

સવાલ થાય કે પોસ્ટ કોરોના યુગમાં આપણી આદતો અને અભિગમ બદલશે? ઘણી મહામારીઓ આવી અને ગઈ, ઘણી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ વેઠી, હવે જો આપણે તેમાંથી કઇં ન શીખીએ તો આ હવે છેલ્લી તક છે આપણી જાતને સલામત અને જીવિત રાખવાની એ શું નહીં સમજાય?

ડેનિશ સંસ્કૃતિ HYGGE – ‘હૂંફાળી ક્ષણો’ ભોગવવા ગમતા લોકો સાથે ગમતી પ્રવૃત્તિઓ કરવાનું શીખવે છે એ આપણે અપનાવીશું? લાગે છે, કુદરત તરફથી આ તાકીદ છે. આપણે ખોટી દિશામાં બહુ ઝડપથી દોડી રહ્યા છીએ. વધુ પડતો ઝડપી વાહનવ્યવહાર અને દૂરસુદૂર આવેલ કામનાં સ્થળોએ કામ કરવાની સંસ્કૃતિએ શું લાભ અપાવ્યો? જરા વિચારીએ. 

નોકરી કરવા જતાં, મુક્ત વિહાર અને આનંદ કરવા જતાં ઉપલી બાબતો સતત ધ્યાનમાં લેતાં રહેશું તો દાયકાને અંતે ‘સબ સલામત’નો નાદ સંભળાશે. કે પછી એક બોર્ડ, જેમાં “ચેતીને ચાલો, નહિ તો હું પાછો આવીશ’ લિ. તમારો દુષ્મન કોરોના” લખેલ હોય તે મૂકવું પડશે?

e.mail : 71abuch@gmail.com

Loading

28 June 2020 admin
← જિંદગી એક બાર ફિર મિલના, ઇસ દફા તુજ કો પ્યાર કર ના સકે તેરા દામન ખુશી સે ભર ના સકે, તુજ કો કહ ભી ના સકે હમ અપના
Lives of Marginalized Matter: When will their suffocation End? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved