આંગિકમ ભુવનમ યસ્ય
વાચિકં સર્વ વાડ્ગ્મયમ
આહાર્યં ચન્દ્ર તારાધિ
તં નમઃ સાત્ત્વિકં શિવમ્
તં નમઃ સાત્ત્વિકં શિવમ્
તં નમઃ સાત્ત્વિકં શિવમ્
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.
નમસ્કાર. સરિતા જોષીના વંદન વાંચજો. આ અમારા નાટકવાળાઓની સ્તુતિથી આપણે શરૂઆત કરી છે. આને આંગિકમ કહેવાય. હું કોઈ પણ કામ શરૂ કરું તો મને પહેલાં આ સ્તુતિની તો જરૂર હોય જ ને એમાં ય મારા પ્રિય પ્રેક્ષક, સૉરી, હવે પ્રિય વાચક સાથે વાતો કરવાની છે તો આ નવા કામ માટે મને એની ખૂબ જરૂર પડવાની છે. તેમની શુભેચ્છા, તેમના આશીર્વાદ અને મારી મનોકામના. આ બધાનો સુમેળ થવો જોઈએ એવી મારી ઇચ્છા છે અને એ ઇચ્છા ફળશે એનો મને વિશ્વાસ છે.
તો ચાલો શરૂઆત કરીએ આપણે.
એક લટાર યાદોની કુંજગલીમાં,
એક વિહાર સ્વપ્નોની કલ્પભૂમિમાં,
એકમાત્ર સરિતા. હા, એકમાત્ર સરિતા, ચાલો, એની સાથે વાતો કરીએ.
***
હું સરિતા જોષી, અહીં, આ જગ્યાએથી તમને એક સ્ત્રીના મનની વાત કરીશ, તેના બાળપણની, જેનું નામ હતું ઇન્દુમતી ભીમરાવ ભોસલે. એ નાનકડી છોકરી, જે એક-બે સ્ટેન્ડર્ડ સુધી ભણેલી છે અને તમારી સમક્ષ પદ્મશ્રી સરિતા જોષી બનીને કેટલી વાર નાટકો કર્યાં, નાના સ્ક્રીનમાં અભિનય કર્યો એટલે હું અહીં ટી.વી.ની વાત કરું છું. કોઈ કોઈ વાર તમે મને ગુજરાતી કે હિન્દી ફિલ્મોમાં જોઈ હશે, પણ પ્રેક્ષકો, તમારા પ્રેમ સાથે મને સતત પ્રોત્સાહન મળ્યું છે, સતત આશીર્વાદ મળ્યા છે. જ્યારે હું નાની હતી ત્યારે પણ, મોટી થઈ ત્યારે અને આ ઉંમરે પહોંચી ત્યારે પણ તમારો જે પ્રેમભાવ ‘સંતુ રંગીલી’ માટે હતો એ જ પ્રેમભાવ, એ જ વહાલ અને લાગણી આજે પણ મળતી રહે. મારી એવી ઇચ્છા છે કે હું આ જે કંઈ લખી રહી છું, લખવાની છું એમાં ક્યાં ય પણ કંઈક ભૂલચૂક થાય તો તમે તમારી રીતે એમાં સુધારો કરીને, ઉમેરો કરીને એને સરસ કરીને વાંચજો. લખવાની આ પ્રક્રિયા સાવ નવી છે, પહેલી વારની છે, પણ શીખ્યું એ જ છે હંમેશાં, નવું કરવાનું અને સતત નવું કરતા રહેવાનું અને નવું કરવા માટે ક્યારે ય કોઈ ઉંમર મોટી નથી હોતી.
આપણે અહીં કરીશું મારા મનની વાત. મારા જીવનમાં ઘડાયેલા પ્રસંગોની વાતો પણ થશે તો નાટકોની વાત પણ માંડીશું અને એ બધા માતબર કલાકારોની વાત, જેઓ મારા જીવનમાં આવ્યા અને મને આ, જ્યાં હું છું ત્યાં એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનું જે બિરુદ મળ્યું એ સ્તરે લઈ જવાનું કાર્ય કરી ગયા, જેઓ સૌ મારા આ યશના ભાગીદાર છે એ અમારા બૅકસ્ટેજ વર્કર, એ મેકઅપમૅન, એ મ્યુઝિશ્યન અને એ મારો પ્રેક્ષક. હા, એ બધા ભાગીદાર છે મારા કામ માટે, કામ દ્વારા પ્રાપ્ત કરેલી ખ્યાતિ માટે.
યાદીની આ કુંજગલીમાં વિહરતાં-વિહરતાં જીવનની એ સંધ્યા પણ યાદ કરીશું જેણે મારું જીવન માતબર બનાવ્યું, જેણે મારા જીવનને રાતરાણી જેવી મહેક ધરાવતી યાદો આપી અને જેણે આ આયખું, આ જીવન ખમતીધર બનાવ્યું, પણ એ બધી વાતો કરતાં પહેલાં આપણે વાત કરવાની છે હમણાંના છેલ્લા થોડા સમયની.
***
આ વર્ષની બે વાતે મને ઝંઝોડી, હા, રીતસર ધ્રુજાવી દીધી. પ૭ વર્ષ. ઉંમરની દૃષ્ટિએ પ૭ના વર્ષની વાત નથી કરતા આપણે, આપણે વાત કરીએ છીએ ઈસવી સન ૧૯પ૭ની. હા, ૧૯પ૭થી હું કામ કરું છું. બાળકો થયાં ત્યારે મેં પહેલાંના બેત્રણ મહિનાનો રેસ્ટ લીધો અને પછીના બેત્રણ મહિના એમ અંદાજે ૬-૭ મહિના જે રેસ્ટ જરૂરી હોય અને લેવા પડે એ રેસ્ટ લીધો, પણ બાકીના સમયમાં હું સતત કામ કરતી રહી છું, કોઈ બ્રેક નહીં, કોઈ રજા નહીં. કોઈ વેકેશન નહીં અને કોઈ પિકનિક નહીં. કામ જ મારું વેકેશન અને કામ જ મારો આરામ, પણ સડનલી એવું થયું કે ઓહોહોહોહો …
કોરોનાબહેન આવ્યાં કે પછી કહો કે કોરોનાભાઈ આવ્યા. આવીને મને કહ્યું, ‘ચાલ સરિતા, તું બહુ, બહુ, બહુ કામ કરે છે. જરા આરામ કર અને હમણાં ઘરની બહાર નીકળવાનું નથી.’
‘ઓકે …’
કહી દીધું આપણે હસતાં-હસતાં અને વાત પણ એવી જ સહજ રીતે, હસતાં-હસતાં જ લઈ લીધી અને પછી તો તાળીઓ પણ પાડી અને થાળીઓ પણ વગાડી. મંદિરમાં ઘંટ વાગે એમ ઘંટ પણ વગાડ્યા અને સાચું કહું, આનંદ મળ્યો, ખૂબ, ખૂબ ખૂબ આનંદ મળ્યો. પોતાના વડા પ્રધાન માટે આદર છે. ૨૫ માર્ચથી તેમણે લૉકડાઉન જાહેર કર્યું અને ૩૧ માર્ચે તેમણે બધાને આદર-સત્કાર માટે થાળી અને તાળી વગાડવાનું આહ્વાન કર્યું. આદર હોવો જ જોઈએ નરેન્દ્રભાઈ માટે. તેઓ આપણે માટે કામ કરે, સેવક બનીને કામ કરે. તેમનું માન તો રાખવું જ પડે.
લૉકડાઉન થયું એ પછી હું તો આનંદમાં હતી, મજા કરી બહુ સરસ રીતે. આરામ કર્યો અને પછી તો ધીરે-ધીરે ખાવાનું બનાવવા લાગ્યાં. નોકર-ચાકર તો બંધ હતા બધા પોતપોતાના ઘરમાં. હા, મારો ઘરમાં રહેતો બાળુ છે, તેનું નામ રામ ઝામણે, પણ હું તેને બાળુ કહું. તે એક ઘરમાં મારી સાથે રહે અને તે મને સતત સહાય કરે. પછી તો હું ઘરમાં વાસણ માંજવા જાઉં તો આવીને મને કામ કરતી રોકવા માટે કહે, ‘બહેન, તમે વાસણ માંજશો તો પછી હું નહીં માંજુ હોં …’
આ પ્રેમ છે સાહેબ, આ લાગણી છે, આ માયા છે. અજાણ્યા પોતીકા બન્યા અને પોતીકા વધુ નજીક આવ્યા. આ બધા અનુભવો અને બીજા પાસેથી સાંભળેલા અનુભવો, જેને દૃષ્ટાંત કહેવાય એ જ તમારું ઘડતર કરે છે. આવી વાતો તમને ઝંઝોડે અને કુદરતે આપેલા આ ઝંઝાવાતમાંથી જ અંદરની લાગણી જન્મે, પરસ્પર પ્રત્યે પ્રેમ સ્ફુરે.
કોરોનાએ આ સમયગાળામાં મને ઝંઝોડી તો એવી જ રીતે મને ઝંઝોડવાનું કામ બીજી પણ એક ઘટના કરી ગઈ, જેની વાતો આપણે આવતા મંગળવારે કરીશું.
સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 16 માર્ચ 2021