કોરોના વાઇરસના શરૂઆતના તબક્કે તેને ફેલાવવામાં ધાર્મિક રીતરિવાજોની પણ નોંધપાત્ર ભૂમિકા રહી છે. બીજી તરફ, વાઇરસના ખોફને પારખ્યા પછી ઘણાં ધાર્મિક સંગઠનો વહેલાં કે મોડાં જાગ્યાં પણ છે. આ બંને બાબતોનાં કેટલાંક ઉદાહરણ.
દક્ષિણ કોરિયા
રાજધાની સીઓલની નજીક આવેલા ગ્યેઓનગી શહેરમાં ‘રીવર ગ્રેસ કોમ્યુનિટી‘ ચર્ચમાં તા. ૧ અને ૮ માર્ચના રોજ સોએક માણસ એકઠાં થયાં હતાં. સ્થાનિક પાદરીએ તે દરેકના મોંમાં ચમચી વડે મીઠાનું પાણી નાખ્યું. તેના માટે એક જ ચમચીનો ધોયા કે સાફ કર્યા વિના ઉપયોગ કર્યો હતો. વાત એવી હતી કે આવું પાણી પીવાથી કોરોનાનો ચેપ નહીં લાગે. પણ પહેલા જ તબક્કે, ૯ માર્ચના રોજ ૪૬ ભક્તોને કોરાનાનો ચેપ દેખાયો. વધારામાં પાદરી અને તેમનાં પત્ની પણ કોરોના પોઝિટિવ થયાં. પછી તે ચર્ચ બંધ કરવામાં આવ્યું.
મલેશિયા
રાજધાની કુઆલાલુમ્પુર પાસે આવેલી મસ્જિદમાં તબલિઘી જમાતે ફેબ્રુઆરીમાં ત્રણ દિવસનું સમૂહમિલન રાખ્યું હતું. તેમાં આશરે પંદરેક હજાર લોકો એકઠા થયા. તેમાંથી ચેપ મ્યાનમાર, સિંગાપુર, કમ્બોડિયા અને થાઇલૅન્ડથી આવેલા તબલિઘપંથીઓમાં ફેલાયો. પાડોશી દેશ ઇન્ડોનેશિયામાં તબલિઘી જમાતના નવેક હજાર અનુયાયીઓ એકત્ર થવાના હતા, પણ સ્થાનિક સરકારે તેની પરવાનગી ન આપી. જમાતે તેની ઉપરવટ જઈને સંમેલન યોજવાનું નક્કી કર્યું હતું, પણ છેવટ ઘડીએ તે પડતું મૂકાયું.
ભારત
ભારતમાં પણ સરકારી જાહેરાતની ઉપરવટ જઈને દિલ્હીમાં તબલિઘી જમાતના સંમેલનમાં ભેગા થયેલા લોકોને કારણે જુદાં જુદાં રાજ્યોમાં કોરોનાનો ચેપ ફેલાયો. અગમ્ય કારણોસર દિલ્હી સરકાર કે કેન્દ્ર સરકારે આ સંમેલનને અટકાવવાનાં કોઈ પગલાં લીધાં નહીં. ભારતમાં જાણીતાં મંદિરોમાં પણ ઘણા સમય સુધી ધાર્મિક ગતિવિધિઓ ચાલુ રહી હતી.
પાકિસ્તાન
વડા પ્રધાનની નમાઝ માટે ભેગા ન થવાની જાહેરાતનો ઘણા ધર્મગુરુઓએ વિરોધ કર્યો અને કહ્યું કે આવા સમયમાં તો નમાઝ-ઇબાદતની વધારે જરૂર છે. તેમણે સલામતીનાં બધાં પગલાં લેવાની બાંહેધરી આપી. આખરે, વડા પ્રધાને ઝૂકીને પ્રતિબંધો પાછા ખેંચવા પડ્યા. નોંધપાત્ર છે કે પાકિસ્તાન સિવાયના ઘણા ઇસ્લામી દેશોમાં મસ્જિદોમાં સમૂહમાં એકઠા થવા પર કડક પ્રતિબંધ મુકાયેલો છે.
અમેરિકા
ખ્રિસ્તી ધર્મના અમુક ફિરકા આરોગ્યલક્ષી પ્રતિબંધોને ગાંઠતા નથી. સત્તાધારી રૂઢિચુસ્ત રિપબ્લિકન પક્ષના નેતાઓ પણ તેમને પ્રોત્સાહન આપે છે. કેટલાંક ખ્રિસ્તી ધાર્મિક સંગઠનો તો અમેરિકામાં લૉક ડાઉનનો વિરોધ કરી રહ્યાં છે અને તે માટેનાં વિરોધ પ્રદર્શનોમાં મદદરૂપ થઈ રહ્યાં છે.
e.mail : shroffbipin@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020