Opinion Magazine
Number of visits: 9504785
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના સામેની લડતમાં સફળ કેરળ મૉડેલ અને નિષ્ફળ ગુજરાત મૉડેલ

રામચંદ્ર ગુહા [અનુવાદઃ ચંદુ મહેરિયા]|Opinion - Opinion|6 May 2020

નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળમાં, એકવીસમી સદીના પહેલા દાયકાના અંતે, ગુજરાત મૉડેલ નામનો શબ્દ ચર્ચામાં આવ્યો હતો. મોદી વારંવાર ગુજરાત મૉડેલની વાત કરતા હતા. પરંતુ પોતાના નામ આગળ ગુણગાનની  જેમ મૉડેલ શબ્દ જોડનાર ગુજરાત ભારતનું પહેલું રાજ્ય ન હતું. એવું પહેલું રાજ્ય કેરળ હતું.

૧૯૭૦ના દાયકામાં થયેલા એક અધ્યયન બાદ કેરળ મૉડેલની ચર્ચા પહેલી વાર થઈ હતી. આ અધ્યયન સેન્ટર ફોર ડેવલપમેન્ટ સ્ટડીઝ, તિરુવનંતપુરમ્‌ના અર્થશાસ્ત્રીઓએ કર્યું હતું. તેમાં દર્શાવ્યું હતું કે વસ્તી, શિક્ષણ અને આરોગ્યસંબંધી ઘણા માપદંડોમાં એક ગરીબ દેશનું આ નાનકડું રાજ્ય ભલભલાને પછાડતું હતું. વસ્તીવધારો, મહિલાશિક્ષણ, અને નવજાત બાળકોના મૃત્યુદરમાં ક્યારેક તો તે યુરોપ અને ઉત્તરી અમેરિકાનાં કેટલાંક રાજ્યોને પણ મહાત કરી દેતું હતું.

પહેલાં અર્થશાસ્ત્રીઓ-વસતિનિષ્ણાતોએ અને પછી સમાજશાસ્ત્રીઓ-રાજયશાસ્ત્રીઓએ પોતપોતાનાં કારણોથી કેરળ મૉડેલની પ્રશંસા કરી. એક તર્ક હતો કે વીસમી સદી દરમિયાન કેરળમાં જાતિ અને વર્ગની દીવાલો બહુ ઝડપથી તૂટી હતી. તો બીજો તર્ક હતો કે બંધારણના તોંતેરમા અને ચુંમોતેરમા સુધારાનો અમલ દેશનાં અન્ય રાજ્યોના મુકાબલે કેરળમાં વધુ સારી રીતે થતાં, પંચાયતો અને નગરપાલિકાઓ વધુ સશક્ત બની હતી.

અમેરિકાના એક સમયના પ્રમુખ જૉન એફ. કેનેડીનું પ્રખ્યાત વિધાન છે કે સફળતાના સો બાપ હોય છે, પણ નિષ્ફળતા અનાથ હોય છે. એટલે જ્યારે કેરળ મૉડેલની સફળતાઓ ચર્ચિત બની ત્યારે તેનું શ્રેય લેવાની હોડ લાગી. રાજ્યમાં દીર્ઘ સમય સુધી સત્તામાં રહેલા સામ્યવાદીઓએ કહ્યું કે આ પરિવર્તન તેમની ક્રાંતિકારી આર્થિક નીતિઓના કારણે આવ્યું છે. મહાન સમાજસુધારક નારાયણ ગુરુ(૧૮૫૫-૧૯૨૮)ના અનુયાયીઓનો દાવો હતો કે આ તેમના ગુરુના સમતાવાદી ઉપદેશનું પરિણામ છે. કેરળમાં એ સમયે ત્રાવણકોર અને કોચીન રાજવંશોના ઘણા વફાદારો પણ હયાત હતા. તેમનું કહેવું હતું કે શિક્ષણ અને તેમાં ય મહિલાશિક્ષણની બાબતમાં તેમના રાજ-ઘરાણાના રાજાઓ ભારતના બાકીના મહારાજાઓ અને નવાબોની તુલનામાં ઘણા પ્રગતિશીલ હતા, તેનું આ પરિણામ હતું. રાજ્યમાં સૌથી સારી શાળાઓ, કૉલેજો અને હૉસ્પિટલો ચર્ચ ચલાવે છે, એવો દાવો કરીને રાજ્યના ખ્રિસ્તી સમુદાયે પણ કેરળ મૉડેલનું શ્રેય લેવાનો પ્રયાસ કર્યો. ઓસ્ટ્રેલિયાના ચર્ચિત ઇતિહાસકાર રોબિન જેફરીએ આ તમામ દાવાઓની સમીક્ષા કરી હતી. કેરળ મૉડેલ અંગેના અધિકૃત દસ્તાવેજસમી કિતાબ ‘પોલિટિક્સ, વિમેન એન્ડ વેલબીઈંગ’માં કેરળ અને ભારતસંબંધી અભ્યાસો માટે મશહુર રોબિને કેરળ મૉડેલમાં કોનું કેટલું યોગદાન હતું, તે દર્શાવ્યું છે.

આ હતું કેરળ મૉડેલ. તો પછી સવાલ ઊઠે છે કે ૨૦૦૭માં જે ગુજરાત મૉડેલની ચર્ચા નરેન્દ્ર મોદીએ શરૂ કરી, તેમાં શું હતું? તે અંગે નરેન્દ્ર મોદીએ પણ બહુ સ્પષ્ટ રીતે કશું કહ્યું નથી. પરંતુ એમ લાગે છે કે  ગુજરાત મૉડેલ  શબ્દ પાછળની પ્રેરણા તેની પૂર્વેના કેરળ મૉડેલની હતી. નરેન્દ્ર મોદી એમ કહેતા હતા કે ગુજરાત મૉડેલ કેરળ મૉડેલથી અલગ અને વધુ સારું હશે. કેરળ મૉડેલની એક ખામી રાજ્યમાં ખાનગી મૂડીને આવકારવામાં આવી નહીં તે હતી. માર્કસવાદી વિચારધારા અને ટ્રેડ યુનિયન રાજનીતિ રાજ્યમાં ખાનગી મૂડીના રોકાણ માટે અવરોધરૂપ હતી. બીજી તરફ નરેન્દ્ર મોદીનાં વાઇબ્રન્ટ ગુજરાતનાં  આયોજનોનો સ્પષ્ટ ઉદ્દેશ રાજ્યમાં ખાનગી ઉદ્યોગોની સ્થાપનાનો હતો.

ખાનગી મૂડીનું ખુલ્લા દિલે સ્વાગત તે નરેન્દ્ર મોદીના સમર્થકો માટે સૌથી આકર્ષિત વાત હતી. આ જ કારણથી જ્યારે મોદીએ પોતાની જાતને ભા.જ.પ.ના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પેશ કરી, ત્યારે મોટા અને નાના ઉદ્યોગપતિઓ તેમના સમર્થનમાં આવ્યા. ભ્રષ્ટાચાર અને કેટલાક ખાસ લોકો પર કૃપાદૃષ્ટિની યુ.પી.એ. શાસનની સંસ્કૃતિથી તંગ આવી ગયેલા યુવા ઉદ્યોગપતિઓ પણ મોદીના સમર્થનમાં આવ્યા. તે બધાએ નરેન્દ્ર મોદીને ભારતને આર્થિક મહાશક્તિ બનાવનારા આધુનિક મસીહા તરીકે જોયા. આ ઉદ્યોગસમૂહો અને બીજા ઘણા વર્ગોના સમર્થનથી મે, ૨૦૧૪માં મોદી ભારતના વડાપ્રધાન બની ગયા.  

ગુજરાત મૉડેલનાં કેટલાંક બીજાં પાસાં પણ હતાં. નરેન્દ્ર મોદી તેની કદી વાત કરતા ન હતા. પરંતુ જે લોકો ગુજરાતને ભારતીય ઉદ્યોગજગતના દિગ્ગજોથી વધારે સારી રીતે જાણતા હતા, તેમને તેના વિશે ખબર હતી. લઘુમતી, ખાસ કરીને મુસ્લિમો સાથે ઉતરતી કક્ષાના નાગરિકો તરીકેનો વ્યવહાર, મુખ્યમંત્રીના હાથમાં તમામ સત્તાનું કેન્દ્રીકરણ, વ્યક્તિકેન્દ્રી સંસ્કૃતિ(પર્સનાલિટી કલ્ટ)નું સર્જન, યુનિવર્સિટીઓની સ્વતંત્રતા અને સ્વાયત્તતા પર હુમલો, મીડિયાની આઝાદી પર પ્રતિબંધો અને ટીકાકારો તથા રાજકીય વિરોધીઓ સામે બદલાની ભાવના પણ ગુજરાત મૉડેલની ખાસિયત છે.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદના અભિયાનમાં ગુજરાત મૉડેલની આ કાળી બાજુઓ દબાવી દેવામાં આવી. પરંતુ કેન્દ્રમાં તેમની સત્તાના છ વરસ બાદ આ સાફસાફ દેખાઈ રહ્યું છે. રાજનીતિ અને લોકવિમર્શનું સાંપ્રદાયિકરણ, સંસ્થાઓ પર કબજો, પ્રેસને ડરાવવું, વિરોધીઓને હેરાન કરવા માટે પોલીસ અને તપાસ એજન્સીઓનો ઉપયોગ અને શાયદ સૌથી વધુ તો પાર્ટી, સરકાર અને ગોદી મીડિયા દ્વારા એક નેતાને દેવતા બનાવી દેવો — આ બધી બાબતો નરેન્દ્ર મોદીના કાર્યકાળની વિશેષતાઓ રહી છે.

દરમિયાન ૨૦૧૪ પહેલાં જે ગુજરાત મૉડેલનાં સકારાત્મક પાસાંનો સૌથી વધારે પ્રચાર થયો હતો, તે તેનાથી જુદું જ નીકળ્યું ! નરેન્દ્ર મોદીનો અત્યાર સુધીનો કાર્યકાળ જે પ્રકારનો રહ્યો છે, તેમાં તે આર્થિક મોરચે મુક્ત બજારથી કંઈક વિશેષ, બધું જ પોતાના હાથમાં રાખવાનું વલણ ધરાવે છે. તેમના એક સમયના ઉત્સાહી સમર્થક એવા એક ઇન્વેસ્ટર-બૅન્કરે તાજેતરમાં મને કહ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી આપણા અત્યાર સુધીના સૌથી મોટા ડાબેરી વડાપ્રધાન નીકળ્યા છે. એ તો જવાહરલાલ નહેરુ કરતાં પણ વધારે ડાબેરી છે.’

આ બાબત મને ફરી એક વાર એ કેરળ મૉડેલ તરફ લઈ જાય છે. ગુજરાત મૉડેલ તેનું સ્થાન લેવા કે તેને ઉખાડી ફેંકવા માગતું હતું. એંસી અને નેવુના દાયકામાં કેરળ મૉડેલની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ હાલના વરસોમાં નીતિગત ચર્ચાઓ દરમિયાન તેની ખાસ ચર્ચા થતી નથી. શાયદ તે ઇતિહાસની કચરાટોપલીમાં ફેંકાઈ ચૂક્યું હતું. પરંતુ કોવિડ-૧૯ની મહામારીએ તેને બચાવી લીધું છે અને તે ચર્ચામાં છે. કોરોના વાઇરસથી પેદા થયેલા આ સંકટનો કેરળે જે પ્રકારે મુકાબલો કર્યો અને જે રીતે તેણે વાઇરસને અંકુશમાં લીધો છે, તેણે દુનિયાને દર્શાવી દીધું છે કે તે ભારત માટે જ નહીં દુનિયા માટે પણ એક મૉડેલ છે.

કેરળે જે રીતે કોરોના વાઇરસને ફેલાતો અટકાવ્યો તેની ચર્ચા કેટલાક મહત્ત્વના રિપોર્ટમાં થઈ છે. આ સફળતામાં રાજ્યના ઐતિહાસિક વારસાનું મોટું યોગદાન છે. કેરળમાં શિક્ષણનું સ્તર આખા દેશમાં સૌથી ઊંચું છે. તેથી કેરળના લોકોએ તેમના રોજબરોજના જીવનમાં સહજતાથી કેટલીક ટેવો પાડી છે. તેના લીધે આ વાઇરસનું સામુદાયિક સંક્રમણ ઓછામાં ઓછું થાય. કેરળનું આરોગ્યતંત્ર એટલું સારું છે કે કોરોનાના દરદીઓની સારવાર ખૂબ સારી રીતે અને ઝડપથી થઈ છે. કેરળમાં જાતિભેદ અને લિંગભેદનાં બંધનો ને તેની ભીંસ દેશનાં બાકી રાજ્યો જેટલી કઠોર નથી. આરોગ્યસુવિધાઓ અને તબીબી જાણકારી બાકીનાં રાજ્યો જેટલી મુશ્કેલ નથી. કેરળની શાસનવ્યવસ્થામાં વિકેન્દ્રીકરણ છેક નીચે સુધી છે. તેથી ગામના સરપંચોને જરૂરી કાર્યવાહી માટે કોઈ બિગ બૉસના ઈશારાની રાહ જોવી પડતી નથી.

કેરળની રાજનીતિક સંસ્કૃતિની બીજી બે વિશેષતા પણ છે, જેને લીધે હાલના સંકટનો તે અસરકારક રીતે મુકાબલો કરી રહ્યું છે. પહેલી વિશેષતા એ કે અહીંના ટોચના નેતાઓમાં બીજા રાજ્યોના નેતાઓમાં હોય છે એવો દેખાડો અને ઘમંડ નથી. બીજું, સંકટ સમયે પક્ષીય બાબતોથી પર રહીને એક સાથે મળીને કામ કરવાનો ભાવ પણ કેરળના રાજનેતાઓમાં વધારે છે.

એનો અર્થ એ નથી કે કેરળ એક આદર્શ રાજ્ય છે. એ સાચું કે અહીં દાયકાઓથી કોઈ કોમી રમખાણો થયાં નથી. પરંતુ એ બાબત પણ એટલી જ ખરી છે કે રોજિંદા વ્યવહારમાં હિંદુ, ખ્રિસ્તી અને મુસલમાનો વચ્ચે આજે પણ કેટલુંક અંતર રહે જ છે. જાતિ અને પિતૃસત્તાની પકડ કમજોર થઈ છે, ખતમ નથી થઈ. કેરળનો બૌદ્ધિક વર્ગ આજે ય ખાનગી ક્ષેત્રને સંદેહથી જુએ છે, જેનાથી કોરાનાકાળ પછીના સમયમાં જ્યારે અખાતી દેશોમાંથી આવતો નાણાંનો પ્રવાહ અટકી જશે ત્યારે રાજ્યને ઘણું નુકસાન થશે.

આ બધી ખામીઓ છતાં કેરળની રાજ્ય-વ્યવસ્થા અને તેના લોકો પાસે શેષ ભારતના આપણા જેવા લોકોએ ઘણું બધું શીખવા જેવું છે. વીત્યા એક દાયકામાં આપણે આ પાઠ ભૂલી ગયા હતા, પરંતુ હવે તેના પર ફરીથી ચર્ચા થઈ રહી છે. જેથી આપણે તેમાંથી પ્રેરણા મેળવી શકીએ. અતીત અને વર્તમાનમાં કેરળે જે સફળતા હાંસલ કરી છે તેનો આધાર છે વિજ્ઞાન, પારદર્શિતા, વિકેન્દ્રીકરણ અને સામાજિક સમાનતા. આ ચારેય બાબતો પહેલાંની જેમ આજે પણ કેરળ મૉડેલના આધારસ્તંભ છે.

બીજી તરફ ગુજરાત મૉડેલના ચાર સ્તંભ છે : અંધવિશ્વાસ, ગુપ્તતા, કેન્દ્રીકરણ અને સાંપ્રદાયિક કટ્ટરતા. તેથી, આપણા માટે હંમેશાં કેરળ મૉડેલ જ યોગ્ય છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 06 મે 2020

Loading

6 May 2020 admin
← આરોગ્યકર્મીઓને માન તો આપીએ, પણ એ અમારી આસપાસ ન હોવા જોઈએ
આપણે નાગરિકો છીએ, ચિયરલીડર નહીં! →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved