જ્યાં સુધી પક્ષગત સત્તારોહણનો સવાલ છે, મોદી ભાજપ ત્રીજું વરસ બેસતે ‘અચ્છે દિન’નો દાવો જરૂર કરી શકે. આસામની ફતેહ સાથે દેશનાં નવ રાજ્યો અને ૩૫ ટકા વસ્તીને આવરી લઈ તે મુખ્ય પક્ષ તરીકે ઊભર્યો છે, તો કેરળ ખોવા સાથે કૉંગ્રેસ છ રાજ્યો અને ૭ ટકા વસ્તીમાં સમેટાઈ ગઈ છે. ભાજપ પ્રમુખ અમિત શાહે ‘કૉંગ્રેસમુક્ત ભારત’ ભણી અગ્રસર થયાનો વિશ્વાસ પ્રગટ કર્યો છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિણામોમાં પક્ષની વિચારધારા(આઇડિયોલોજી)ને ઉત્તરોત્તર મળતું સમર્થન વાંચ્યું છે. બીજી બાજુ, જો ચોમાસું ધાર્યું સારું ઉતરે તો એનડીએ-૨ની સ્થિતિ યુપીએ-૧નાં આરંભિક વર્ષો જેવી સોજ્જી બની રહે એવા સંકેતો મળી રહ્યા છે. બને કે એમાં લોક માટે ય ‘અચ્છે દિન’ જેવું કાંક હોય.
જો કે તરત જ, કોઈ કેવિયેટનુમા અંદાજમાં નહીં તો પણ વાસ્તવિક આકલનને ધોરણે અહીં નોંધવું રહે છે કે ચિત્ર એક પા કૉંગ્રેસ અને બીજી પા ભાજપ એવું છેક સરલ નથી. તરેહવાર પ્રાદેશિક પક્ષો ચિત્રમાં છે, અને કથિત રાષ્ટ્રીય વિકલ્પે એમની સાથે મેળ પાડ્યા વિના ચાલવાનું નથી. એ માટેની કોઈને કોઈ ફોર્મ્યુલા જરૂર હોઈ શકે, જેમ કે વિશ્વનાથ પ્રતાપસિંહના વારામાં નેશનલ ફ્રન્ટ અને ફેડરલ ફ્રન્ટને ધોરણે આગળ વધી શકાયું હતું. મુલાયમ, માયાવતી, જયલલિતા, મમતા, નીતિશ, કેજરીવાલ આદિને બાદ રાખીને ચાલી શકાવાનું નથી. પશ્ચિમ બંગાળમાં મમતા બૅનરજીની શપથવિધિ પ્રસંગે જે બધો જમાવડો થયો તે આ સંદર્ભમાં તરત ધ્યાન ખેંચે છે. એમાં જો એકબાજુ નીતિશની જેમ જ મમતા બૅનરજી, ચિત્રના કેન્દ્રમાં હોવાની શક્યતા કે ગણતરી સૂચવાય છે તેમ ભાજપ વિ. કૉંગ્રેસને બદલે ત્રીજા મોરચાનુંયે સૂચન પડેલું છે. લાલુ યાદવ અને ફારૂક અબદુલ્લાએ તે બોલી પણ બતાવ્યું છે.
ગમે તેમ પણ, કથિત કોંગ્રેસમુક્ત ભારત એટલે પરબારું ભાજપ ભારત એ સમીકરણ ધાર્યું સરલ નથી તે નોંધ્યા પછી અને છતાં જે એક અતિ મહત્ત્વનો મુદ્દો સમજવા અને તપાસવાનો રહે છે એ તો નમોએ જેને ‘વિચારધારાનો વિજય’ કહ્યો એને અંગે છે. સામાન્યપણે ભાજપની વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા તરીકે આગળ કરવામાં આવે છે. ટીકાકારો રાષ્ટ્રવાદની આ વ્યાખ્યામાં અનિવાર્યપણે અંગભૂત હિંદુત્વને લક્ષમાં રાખી તેને કોમવાદના ખાનામાં ખતવે છે. જો કે એનડીએ-૨માં મોદી આ વિચારધારાને ‘નૅશન ફર્સ્ટ’ રૂપે આગળ કરે છે. હમણે હમણે, દીનદયાલ ઉપાધ્યાયના શતાબ્દી વર્ષ નિમિત્તે એમના ઇન્ટિગ્રલ હ્યુમેનિઝમ(એકાત્મ માનવવાદ)ને ભાજપની પાયાની ફિલસૂફી રૂપે રજૂ કરવાનો દોર જારી છે. યથાપ્રસંગ, યથાવકાશ એની ચર્ચા કરીશું. પણ હમણાં તો એકાત્મ માનવવાદને રાજનાથસિંહની એ ઉક્તિને અનુષંગે સંભારવો રહે છે કે અમારી વિચારધારા કેવળ ‘ઇન્ડિયા-કન્સર્ન્ડ’ નથી તે તો માનવવાદ સમસ્તની છે. વાત જો આમ હોય તો એ તાત્ત્વિકપણે ‘નૅશન ફર્સ્ટ’થી હટીને મનુકુલસમગ્રલક્ષી બને છે, માનવકેન્દ્રી બને છે. તો પછી, એકલઠ્ઠ રાષ્ટ્રવાદ અને મજબૂત નેતાવાદનું શું કરીશું?
રાજનાથસિંહે નાગાલૅન્ડ અને મણિપુરની ચર્ચા કરતાં ત્યાં ‘ફ્રેમવર્ક એગ્રીમેન્ટ’ની જિકર કરી છે. ઇશાન ભારત સાથે દિલ્હી દરબારનો રવૈયો સાંસ્થાનિક સામ્રાજ્યશાહી સત્તાની તરેહનો રહ્યો છે. નહીં કે ત્યાં પ્રશ્નો નથી, નહીં કે તેને માટે દરમ્યાનગીરી અનિવાર્ય નથી. પણ કૉંગ્રેસ હો કે ભાજપ, ત્યાં આફ્સ્પા અખાડાનો રાષ્ટ્રવાદ ઉર્ફે સાંસ્થાનિક સામ્રાજ્યશાહી રવૈયો સામાન્યપણે બરકરાર રહ્યો છે. દિલ્હીકેન્દ્રી રાષ્ટ્રવાદથી માંડીને હિંદુ રાષ્ટ્રવાદ, કશાના બરની અહીં વાત નથી. સંદિગ્ધ અને ચર્ચાસ્પદ તો પણ જમ્મુ-કાશ્મીરના ભાજપ-પીડીપી જોડાણમાં તકવાદી/અનિવાર્ય હોઈ શકતું જે લચીલું વલણ છે એમાં પડેલી સ્વીકૃતિ કદાચ એ છે કે આટલા મોટા ભાતીગળ મુલકમાં બધા પ્રદેશોને એકલઠ્ઠ વિચારધારાવાદની રાષ્ટ્રવાદી લાકડીએ હાંક્યા હંકાય તેમ નથી.
ભાજપના આસામવિજયને જ તપાસો. વિદેશી ઘુસણખોરોનો મુદ્દો, ભાજપની હિંદુરાષ્ટ્વાદી પૃષ્ઠભૂને ઠીક માફક આવે છે. એની ‘ધ અધર’ની શોધ અને કૉંગ્રેસની મતબૅંકશોધ બેઉને માટે આ મુદ્દો કેવળ ‘ગવર્નન્સ’નો નહીં રહેતા પોતપોતાને છેડેથી ઉપયોગી બની રહે છે. ‘ધ અધર’ વળતા હિંદુ દૃઢીકરણ-ધ્રુવીકરણ સારુ ખાણદાણ પણ ખાસું પૂરું પાડે છે. ભાજપે જો કે વ્યૂહાત્મક રીતે આ વખતે આગળ કરેલું વાનું અસમિયા ઓળખનું હતું જેથી એનો નવો ટેકેદાર વર્ગ મુસ્લિમમુદ્દે પાછો ન પડે. પણ જેવું તમે અસમિયા ઓળખ પર ભાર મૂકવાનું વલણ લો છો તેવું પેલું હિંદુત્વ એક માત્ર ઓળખ મટીને તમારે સારુ પ્લુરલ ઓળખ અને બહુકેન્દ્રી સ્વીકૃતિનો સ્થિતિસંજોગ રચી રહે છે. બહુબધી ગલીકૂંચીમાં નહીં જતાં અહીં એટલું જ કહીશું કે આ ઘટનાપ્રક્રિયામાં વિચારધારાનો વિજય વાંચવા ઉપરાંત વિચારવાપણું છે.
કેેવળ હિંદુ ઓળખમાં બંધાઈ ન રહેતાં (અગર એને આછી બતાવવા માટે) અસમિયા ઓળખ આગળ કરવાના ભાજપી વ્યૂહને સફળતા મળી એમાં જેમ હિંદુસમાજના લિબરલ તબકાના નવા ટેકેદારોનો હિસ્સો હશે તેમ મુસ્લિમબહુલ મતવિસ્તારોમાં મુસ્લિમ મતો કૉંગ્રેસ અને બદરુદ્દીન અજમલની પાર્ટી વચ્ચે વહેંચાયા એ હકીકતનો પણ છે. જો અજમલ અને કૉંગ્રેસ વચ્ચે કારગત સમજૂતી હોત તો ભાજપનો ફતેહગાળો ઓછો તો નિઃશંક હોત.
ત્રીજા મોરચાની કહો, વિકલ્પની કહો, એ રાજનીતિની દૃષ્ટિએ હમણાંના દિવસોમાં કૉંગ્રેસ સમાજવાદી પક્ષના સ્થાપના દિવસ (૧૭ મે) આસપાસ જે વિચારવલોણું ચાલ્યું એનોયે ઉલ્લેખ કરવો જોઈએ. નીતિશે જગવેલી આશાઅપેક્ષાના ઉજાસમાં ચાલેલી આ ચર્ચા મુજબ હાલના મુખ્ય પ્રશ્નો બે છે : સત્તારૂઢ પક્ષનો કોમવાદ અને નિયો-લિબરલ આર્થિક નીતિઓ. લોકશાહી સમાજવાદમાં આ બંનેનું વારણ પડેલું છે. તરતમાં સંપૂર્ણ ક્રાંતિ દિવસ (૫ જૂન) નિમિત્તે જેપી આંદોલન સમયના તરુણ કાર્યકરો પણ મળી રહ્યાના સમાચાર છે. એમણે પણ કંઈક કહેવાનું હશે. એપ્રિલ ૨૦૧૬થી ચંપારણ લડતની શતાબ્દી મનાવાઈ રહી છે, એમાં પણ કંઈક પડેલું નથી એવું તો નથી. અહીં ૧૭ મે, ૫ જૂન અગર ચંપારણ શતાબ્દી આસપાસની વૈચારિક આપલે પોતે કરીને વિકલ્પ છે એમ કહેવાનો આશય અલબત્ત નથી. પ્રશ્ન, આ ઇતિહાસવારસાને સંકોરી, નવયોજી અત્યારના વિકલ્પવલોણાને સારુ સાતત્ય ને શોધનનું સંબલ સંપડાવવાનો છે. મુદ્દો કૉંગ્રેસમુક્ત કે ભાજપયુક્ત ભારતનો એટલો નથી જેટલો પાયાના પુનર્વિચારનો છે.
મે ૨૮, ૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 01-02