
રમેશ સવાણી
2030માં કૉમનવેલ્થ રમતોત્સવને 100 વર્ષ પૂર્ણ થશે. 26 નવેમ્બર 2025ના રોજ, કૉમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીની બેઠક મળી હતી, જેમાં અમદાવાદ શહેરને વર્ષ 2030નું યજમાનપદ સોંપવાની સર્વાનુમતે ઔપચારિક જાહેરાત કરાઈ હતી. ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું એક પ્રતિનિધિમંડળ સ્કૉટલૅન્ડના ગ્લાસગો ખાતે પહોંચ્યું હતું.
વર્ષ 2010માં દિલ્હી ખાતે કૉમનવેલ્થ રમતોત્સવનું આયોજન થયું હતું. આ પહેલાં આવતાં વર્ષે ગ્લાસગો ખાતે જ આ ખેલ મહાકુંભ યોજાશે. આ ખેલ મહોત્સવ દર ચાર વર્ષે આયોજિત કરવામાં આવે છે. બ્રિટિશરાજ હેઠળ આવતાં દેશો એટલે કે કૉમનવેલ્થ નૅશન્સ માટે આ રમતોત્સવ થતો હોવાથી તે કૉમનવેલ્થ ગૅમ્સ તરીકે ઓળખાય છે. જેમાં 74 દેશો અને વિસ્તારો ભાગ લે છે. કૉમનવેલ્થ ગૅમ્સમાં દોડવીર મિલ્ખાસિંહે ભારતને પ્રથમ વખત સુવર્ણપદક અપાવ્યો હતો. ભારત અત્યાર સુધીમાં કૉમનવેલ્થ રમતોમાં 500થી વધુ પદક જીતી ચૂક્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું હતું : “કૉમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ ભારતને મળ્યું છે, તે જાણીને ખુશી થઈ છે ! ભારતવાસીઓ તથા દેશની સ્પૉર્ટિંગ ઇકૉસિસ્ટમને અભિનંદન. આપણા સહિયારા સંકલ્પ અને ખેલદિલીની ભાવનાએ ભારતને દૃઢ રીતે વૈશ્વિક રમત નકશા પર મૂક્યું છે. વસુધૈવ કુટુંબકમ્ની વિભાવના સાથે અમે આ ઐતિહાસિક રમતોને ભારે ઉત્સાહ સાથે ઉજવવા માટે સજ્જ છીએ. અમે વિશ્વને આવકારવા સજ્જ છીએ !”
ગૃહ મંત્રી અમિત શાહ કહે છે : ”અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતે પ્રતિષ્ઠિત બીડ જીતી તે બદલ દરેક નાગરિકને અભિનંદન. આ ભારતને વૈશ્વિક રમતગમતના કેન્દ્રમાં ફેરવવાના વડા પ્રધાનના વિઝનનો પુરાવો છે. વડા પ્રધાન મોદીએ વિશ્વસ્તરીય રમતગમત માળખાનો વિકાસ કર્યો છે. આપણા રાષ્ટ્રની ક્ષમતાઓને વધારી છે.”
7 ડિસેમ્બર 2025ના રોજ ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં કહ્યું હતું : “વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થકી કોમનવેલ્થ 2030 / 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત / 2036માં ઓલમ્પિક માટે અમદાવાદે તૈયારી કરી છે.”
ભા.જ.પ.ના નેતાઓ અને અંધભક્તો કહે છે કે “આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ કેપિટલ બનશે !”
વર્ષ 2030 માટે નાઇજીરિયાનું અબુજા શહેર પણ સ્પર્ધામાં હતું. વર્ષ 2024માં ઑસ્ટ્રેલિયાના વિક્ટૉરિયા રાજ્યે કૉમનવેલ્થના આયોજનમાંથી હાથ પાછા ખેંચી લીધા હતા. એ પછી સ્કૉટલૅન્ડનું ગ્લાસગો શહેર વર્ષ 2026નો ખેલ મહોત્સવ આયોજિત કરવા આગળ આવ્યું હતું.

થોડા મુદ્દાઓ :
[1] ‘ભારતે પ્રતિષ્ઠિત બીડ જીતી તે બદલ દરેક નાગરિકને અભિનંદન’ની વાત પાછળનું રહસ્ય એ છે કે ‘કૉમનવેલ્થ ગેમ્સ 2030’ના યજમાનપદ માટે 74 દેશો વચ્ચે સ્પર્ધા ન હતી. માત્ર નાઇજીરિયાનું અબુજા શહેર પણ સ્પર્ધામાં હતું. એટલે મોટી જીત મેળવી છે એ ભ્રમ છે. વળી આમાં દરેક નાગરિકને અભિનંદન શા માટે? આ રહસ્યમય પ્રશ્ન છે. શું અમિત શાહ નાગરિકોને ગેરમાર્ગે દોરતા નથી? કૉમનવેલ્થ ગેમ્સથી નાગરિકોને શું ફાયદો થવાનો છે? જે ફાયદો થવાનો છે તે સત્તાપક્ષના નેતાઓને થવાનો છે, જેમની જમીનો અમદાવાદના સિંધુ ભવનથી લઈ સાણંદ સુધી છે. બિલ્ડર્સ / રિયલ એસ્ટેટમાં કાળાં નાણાંનું રોકાણ કરનારા / કોમર્શિયલ સેક્ટરમાં રોકાણ કરનારાઓ / ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ વગેરેને ગજબનો ફાયદો થશે.
[2] ‘વડા પ્રધાન મોદીએ વિશ્વસ્તરીય રમતગમત માળખાનો વિકાસ કર્યો છે’ આ તદ્દન જૂઠ છે. વડા પ્રધાનને રમત પ્રત્યે કે ખેલાડીઓ પ્રત્યે કોઈ રસ નથી. મેડલ વિજેતા ખેલાડીઓ સાથે ફોટો પડાવી જીતનો જશ લઈ લે છે. રમતગમત ક્ષેત્રે વિશ્વમાં ભારતને ગૌરવ અપાવનાર મહિલા ખેલાડીઓ સાથે મોદીજીએ કેવો વર્તાવ કર્યો હતો, તે આરંભ જાણીએ છીએ. ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની નિયમિત ભરતી કરવામાં આવી નથી, જેનાથી હજારો ખેલ શિક્ષકો અને ખેલ સહાયકો હાલાકી ભોગવી રહ્યા છે. અંદાજે 3,100થી વધુ ખેલ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. SAT-સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ પાસ કરી હોય તેવા ખેલ શિક્ષકો રોજમદાર તરીકે રાખવામાં આવે છે. સરકારને ખેલ શિક્ષકોમાં રુચિ નથી પણ કૉમનવેલ્થ ગેમ્સમાં રુચિ છે ! સમજાય છે?
[3] કૉમનવેલ્થ ગેમ્સ માટે કેમ કોઈ તૈયાર થતાં નથી? આ અતિ મોંઘો મહોત્સવ છે. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે વ્યાપક માળખાગત સુવિધાઓ અને વ્યવસ્થાઓની જરૂર પડે છે, જે નોંધપાત્ર નાણાંકીય બોજ ઊભો કરે છે. એટલું જ નહીં આ સુવિધાઓ ઊભી કરવામાં મોટો ભ્રષ્ટાચાર પણ થાય છે. કોમનવેલ્થ ગેમ્સમાં કોઈને હવે રસ નથી. તેને ગુલામીનું પ્રતિક છે માનવામાં આવે છે.
[4] મોદીજી કહે છે : ‘ભારતવાસીઓ તથા દેશની સ્પૉર્ટિંગ ઇકૉસિસ્ટમને અભિનંદન.’ પરંતુ કૉમનવેલ્થ ગેમ્સથી ભારત-ગુજરાત-અમદાવાદના નાગરિકોને ફાયદો થશે? ના, બિલકુલ નહીં થાય. ઊલટાની હેરાનગતિ થશે. 74 દેશમાંથી ખેલાડીઓ / મેનેજર / મહાનુભાવો આવશે. તેમને ગુજરાતનો વિકાસ દેખાડવો પડશે. એટલે અમદાવાદ શહેર તથા અન્ય શહેરોને રંગવા પડશે, સુશોભિત કરવા કરોડો રૂપિયા ખર્ચ કરવો પડશે ! ગરીબો ક્યાં ય ન દેખાય તે માટે લાંબી લાંબી અને ઊંચી દીવાલો ઊભી કરવી પડશે ! રોશની કરવી પડશે ! નૃત્ય મંડળો ઊતારવા પડશે ! સફાઈના કોન્ટ્રાક્ટ આપવા પડશે ! ભોજન સમારંભો યોજાશે ! બધા ખેલાડીઓને / મહાનુભાવોને સ્ટેચ્યુ ઑફ યુનિટી દેખાડવું પડશે ! આ માટે કરોડો-કરોડો-કરોડો રૂપિયા બેફામ વપરાશે ! આ બધો ખર્ચ; ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી GST / પેટ્રોલ, ડીઝલ પરના ટેક્સમાંથી એકત્ર કરેલ નાણાંમાંથી થશે ! વડા પ્રધાન કે ગૃહ પ્રધાન પોતાના ખિસ્સામાંથી એક રૂપિયો ખર્ચવાના નથી ! કૉમનવેલ્થ ગેમ્સ ચાલે ત્યાં સુધી સ્લમનિવાસી / ઝૂંપડપટ્ટી નિવાસી / છૂટક મજૂરી કરનારા / વંચિતો પર તવાઈ આવશે. શાકભાજીની રેંકડી / ખુમચાવાળાએ ભૂખ્યા રહેવું પડશે કેમ કે ટ્રાફિક પોલીસ તેમને રસ્તા પર આવવા જ નહીં દે !
[5] આ ગેમ્સથી 100% ફાયદો માલેતુજારોને, કાળાં નાણાં વાળાને થવાનો છે. સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડશે. 2001થી આ સરકારે એવી શાળાઓને / કોલેજોને માન્યતા આપી છે જ્યાં પ્લેગ્રાઉન્ડ જ નથી ! ગેમ્સ પ્રત્યે લગાવ હોય તો તેમની નીતિઓમાં દેખાય કે નહીં?
[6] ‘નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ કેપિટલ બનશે’ એવું જેમને લાગતું હોય તેમણે ચિંતન કરવાની જરૂર છે. આ કૉમનવેલ્થ ગેમ્સ રાજાશાહી માહોલ ઊભો કરશે. જેમાં નાગરિકો પ્રજા બની જશે. નેતાઓ રાજા બનશે ! જેમની પાસે કાળાં નાણાં છે / શોષણના નાણાં છે તેઓ ગેમ્સ નિહાળશે અને મોજ મજા કરશે. સત્તાપક્ષના નેતાઓ / બિલ્ડર્સ / રિયલ એસ્ટેટ બ્રોકર્સ / ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ વગેરે એટલાં નાણાં કમાશે કે તેને વિદેશમાં સંગ્રહ કરવાની ચિંતામાં મૂકાઈ જશે ! કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
10 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

