ઓક્ટોબર 2024માં, IOCએ નાણાકીય ગેરવહીવટ અને આંતરિક વિવાદોને કારણે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનને સોલિડેરિટી ચુકવણી અટકાવી દીધી. IOCનો સંદેશ સ્પષ્ટ હતો : ઓલિમ્પિકને લગતી ગંભીર ચર્ચા શરૂ થાય તે પહેલાં ઘર આંગણે બધું વ્યવસ્થિત કરો

ચિરંતના ભટ્ટ
જ્યારે 15 ઓક્ટોબરે કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજવાના સ્થળ તરીકે અમદાવાદને યજમાન શહેર બનાવવા માટે ભલામણ કરી, તેમાં માત્ર ખેલકૂદની અગત્યતા કરતા કંઇક ગણી અન્ય બાબતો વણાયેલી છે. 26 નવેમ્બરે ગ્લાસગોમાં અંતિમ બહાલી બાકી છે, પરંતુ ભારત માટે દિલ્હી 2010માં જે કોમનવેલ્થ ગેમ્સ આયોજાઇ તે પછી હવે આ ખેલ મહોત્સવનું વીસ વર્ષે પુનરાગમન છે—જો કે ત્યારની અને અત્યારની સ્થિતિમાં ફેર છે – સંજોગો ધરમૂળથી બદલાયા છે.
આ ફક્ત વાત માત્ર ખેલકૂદની નથી. આ “સોફ્ટ પાવર ડિપ્લોમસી” દ્વારા ભારતની વૈશ્વિક સ્થિતિ શું છે—તેનું સ્થાન શું છે તે બતાડવાનો મોકો છે. વળી ભારતે ભીડમાં બૂમ પાડીને પોતાની તરફ બળજબરીથી દુનિયાને પોતાની તરફ જોવા નથી આકર્ષવાની પણ આંતરરાષ્ટ્રીય સ્તરના મહોત્સવનું આયોજન કરવાની ક્ષમતાથી દ્વારા પ્રભાવિત કરવા માટે આ તક ઝડપવાની છે. અને કોમનવેલ્થ ગેઇમ્સ અમદાવાદ 2030 એ ભારતની 2036 ઓલિમ્પિક્સ માટેની મહત્ત્વાકાંક્ષી ચાલનું પહેલું પગલું છે.
2030માં આ ખેલ સમારોહ યોજવા માટે ભારતનો એકમાત્ર સ્પર્ધક નાઇજીરિયાનું અબુજા હતું. કેનેડાએ ખર્ચના કારણે પ્રસ્તાવ પાછો ખેંચી લીધો. 1930માં પહેલીવાર આ સમાહોર હેમિલ્ટનમાં યોજાયો હતો પણ ત્યાં પણ નાણાકીય અવરોધ નડ્યા. ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનની 2032 ઓલિમ્પિક્સ પાસે હોવાને કારણે આ મહોત્વમાં પડવાની સ્પષ્ટપણે ના પડી.
પેટર્ન સ્પષ્ટ છે : ધનાઢ્ય પશ્ચિમી રાષ્ટ્રો જેઓ એક સમયે કોમનવેલ્થ ગેમ્સની યજમાની પર પ્રભુત્વ ધરાવતા હતા—ઓસ્ટ્રેલિયા (5 વખત), કેનેડા (4 વખત), યુનાઇટેડ કિંગ્ડમ (7 વખત)—તે તમામ હવે પાછળ હઠી રહ્યા છે. વિક્ટોરિયાએ અંદાજીત $7 બિલિયન ખર્ચને કારણે 2026ની યજમાનીમાંથી હાથ ખસેડી લીધો ત્યારે આ સંકટ સ્પષ્ટ થયું.
આ ખાલી જગ્યામાં હવે વિકાશીલ દેશોને માટે તક ખડી થઇ છે. ભારત નિષ્ફળ થતી સંસ્થાને પરોપકારથી બચાવવા કૂદેલો દેશ નથી—આપણે એક તક ઝડપી રહ્યા છીએ.
વળી એ સમજી લેવું પડે કે આ ગણતરી સંપૂર્ણપણે નાણાકીય નથી—તે વ્યૂહાત્મક છે. યજમાની સંગઠનાત્મક ક્ષમતા અને રાજ્યની યોગ્યતા વૈશ્વિક મંચ પર દેખાડવાનો આ મોકો છે. વિકાસશીલ રાષ્ટ્રો માટે, આ એક ઘોષણા છે: અમે આ માટે સક્ષમ બની ગયા છીએ – અંગ્રેજીમાં કહીએ કે We Have Arrived – બસ એવું જ કંઇક. ટોકિયોએ 1964 એ યુદ્ધ પછી જાપાનના પુનરુત્થાનની જાહેરાત કરી. સિઓલ 1988એ દક્ષિણ કોરિયાના પરિવર્તનને દર્શાવ્યું. બેઇજિંગ 2008 ચીનનો મહાસત્તા તરીકેની તાજપોશીનો પુરાવો હતો.
દિલ્હીમાં જ્યારે 1982 એશિયન ગેમ્સ યોજાઇ, ત્યારે દેખીતા મૂર્ત લાભ મળ્યા : જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, શહેરના પ્રથમ ફ્લાયઓવર્સ, રંગીન ટેલિવિઝન પ્રસારણ, અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (1984માં સ્થપાયેલી). આ રમતોને કારણે આધુનિકીકરણને દાયકાઓ પહેલાં લવાયું.
દિલ્હી 2010માં જે કોનવેલ્થ ગેઇમ્સ યોજાઇ એમાં જરા કોકડું ગુંચવાયેલું હતું—સુરેશ કલમાડી માળે ભ્રષ્ટાચારનો ખેલ ખેલી ગયા પણ છતાં ય સારું જોવા જઇએ તો એ સમારોહને પગલે મેટ્રો સિસ્ટમ અને વૈશ્વિક સ્તરે દેખાવાની તક (101 મેડલ મેળવ્યા) આપી. જો કે, સંસ્થાકીય ઘા રહી ગયા. IOCને એ ખામીઓ યાદ છે. અમદાવાદ 2030એ આ ભૂત સાથે સામનો કરવાનો છે. ભૂતકાળનું ભૂત ધુણે નહીં એવું માનવાની કોઈ જરૂર નથી.
ભારતની વ્યૂહરચના સમજવા માટે, આપણે ચીનના ઉદાહરણને નજર સામે રાખવું જોઇએ. બેઇજિંગે 1990 એશિયન ગેમ્સનું આયોજન કર્યું—સુધારા પછી ચીનનો પ્રથમ મોટો આંતરરાષ્ટ્રીય રમતગમત મહોત્વ. ઓલિમ્પિક બિડ તરત જ અનુસરીને ચીને તે 2001માં જીતી, 2008માં $43 બિલિયન રોકાણ સાથે તે સફળતાપૂર્વક યોજવામાં આવી. 2022 વિન્ટર ઓલિમ્પિક્સે બેઇજિંગને એકમાત્ર “ડ્યુઅલ ઓલિમ્પિક સિટી” તરીકે સ્થાપિત કર્યું.
ચીનનો અભિગમ: ક્ષમતા હોય તે પહેલાં તેનું પ્રદર્શન કરો. આ ભવ્ય પ્રદર્શને ચીનની વૈશ્વિક સ્તરે અનિવાર્યતા બતાડી અને તે વૈશ્વિક રાજનીતિમાં મહાસત્તાના પુનઃ પ્રવેશ જાહેરાત પણ બન્યું.
પરંતુ ચીન પાસે નિર્ણાયક લાભ હતો: સરમુખત્યારશાહી કાર્યક્ષમતા. સંસાધનો માટે આદેશ આપવું સરળ હતું, વસ્તીને વિસ્થાપિત કરી એમા કોઇ કશુ બોલ્યું નહીં, અને લોકશાહી ઘર્ષણ વિના મોટા પાયે તમામ યોજનાઓનો અમલ કર્યો. ભારતનો માર્ગ મૂળભૂત રીતે જુદો છે—એટલે વધુ જટિલ પણ છે. ભારતને સંઘીય રાજકારણ અને લોકશાહી પ્રક્રિયા સાથે વાટાઘાટ કરવાના આવશે. જો ચીનની રમતો નિયંત્રિત રાજ્યનું પ્રદર્શન હતી, તો ભારતનું પ્રદર્શન આ ખેલ મહોત્સવમાં લોકશાહી સંકલનનું દૃષ્ટાંત બને તે જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ઠેર ઠેર સરમુખત્યારશાહીના દેકારા છે ત્યારે ભારતમાં લોકશાહી બરાબર છે તે જોઇ શકવું તેમને માટે અગત્યનું છે. ભારતે 2036 માટે IOCને પોતાનો લેટર ઑફ ઇન્ટ્રેસ્ટ સબમિટ કર્યો છે, ઇન્ડોનેશિયા, તુર્કી, ચિલી, કતાર અને સાઉદી અરેબિયાની સ્પર્ધામાં જોડાયા છે.
આપણે ભલે ખુશ થતા હોઇએ પણ ખરેખર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક મોટો પડકાર છે. અમદાવાદ પાસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે (1,32,000 ક્ષમતા ધરાવતું—વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ મેદાન) અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ વિકસાવી રહ્યું છે. પરંતુ ઓલિમ્પિક્સને વિશિષ્ટ સ્થળોની જરૂર હોય છે: વેલોડ્રોમ્સ, સેઇલિંગ સેન્ટર્સ, હોર્સ રાઇડિંગ સુવિધાઓ, ઓલિમ્પિક-સ્ટાન્ડર્ડ હાઉસિંગ, અને એન્ટી-ડોપિંગ સિસ્ટમ્સ વગેરે.
બીજી ચિંતા છે, શાસન કે વહીવટની. ઓક્ટોબર 2024માં, IOCએ નાણાકીય ગેરવહીવટ અને આંતરિક વિવાદોને કારણે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનને સોલિડેરિટી ચુકવણી અટકાવી દીધી. IOCનો સંદેશ સ્પષ્ટ હતો: ઓલિમ્પિકને લગતી ગંભીર ચર્ચા શરૂ થાય તે પહેલાં ઘર આંગણે બધું વ્યવસ્થિત કરો.
જ્યારે ચીને 2008 ઓલિમ્પિક્સનું આયોજન $3,400 જી.ડી.પી. સાથે કર્યું, તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા-પ્રોજેક્ટ્સથી પોતાની કાર્યક્ષમતા સાબિત કરી હતી. આજે આપણું પર કેપિટા જી.ડી.પી. વધુ છે ($2,800), પરંતુ આપણા પડકારો જુદા છે: સંઘીય જટિલતા, લોકશાહી પ્રક્રિયા, અમલદારશાહી ક્ષમતા – માળું આ ત્રિરાશીના જવાબ સાચો આવે એ જરૂરી છે.
અહીં અઘરો સવાલ એ છે કે શું લોકશાહી રાષ્ટ્ર નાગરિકોને કચડ્યા વિના ઓલિમ્પિક-સ્કેલની ભવ્યતા આપી શકે છે? આપણી વાત છોડો પણ રિયોથી ટોકિયો વગેરેમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સમારોહ શહેરી વિસ્થાપન, બજેટ ઓવરરન્સ અને પર્યાવરણીય નુકસાનોના વિવાદોથી કંલંકિત છે.
રમતગમત કૂટનીતિ 21મી સદી માટે એક પ્રભાવનું – ઇન્ફ્લુઅન્સ બતાડવાનું કેન્દ્ર બની ગઈ છે. લશ્કરી શક્તિ કે આર્થિક પ્રતિબંધો(હાર્ડ પાવર)થી વિપરીત, સોફ્ટ પાવર આકર્ષણ ખડું કરીને કામ કરે છે—વિશ્વ તમને કેવી રીતે સમજે છે કે જુએ છે તે દૃષ્ટિકોણ બદલવો. એક ડઝન રાજદ્વારી સમિટ કરતાં રાષ્ટ્રીય છબી બહેતર કરવામાં સફળ ઓલિમ્પિક્સ વધારે લેખે લાગે તેવી કવાયત છે.
ખેલકૂદ થકી રાષ્ટ્રવાદ ઉજવવાની વિશેષ મંજૂરી મળે છે. તેમાં રાષ્ટ્રવાદનું પ્રદર્શન વખોડાતું નથી. દુનિયાની નજર તમારા પર હોય અને સંગઠનાત્મક યોગ્યતા તમારામાં છે કે નહીં તે નક્કી થતું હોય છે. એક કાયમી છબી ઘડાય છે.
જ્યારે દક્ષિણ કોરિયાએ સિઓલ 1988નું આયોજન કર્યું ત્યારે એક યુદ્ધથી વિખેરાયેલા પછાત પ્રદેશની પોતાની વૈશ્વિક છબીને એક આર્થિક ગર્જના કરી શકતા વાઘમાં ફેરવી દીધી. ચીને બેઇજિંગમાં 2008માં ઓલિમ્પિક્સ યોજીની જાહેર કર્યું કે પોતાની શરતો પર ચીન પશ્ચિમ સાથે સ્પર્ધા કરી શકે તે સ્તરે પહોંચ્યો છે.
ભારતની વિદેશ નીતિ પહેલેથી સાંસ્કૃતિક આઉટરીચનો લાભ ઉઠાવે તેવી જ છે—યોગ કુટનીતિ, ડાયસ્પોરા નેટવર્ક્સ, બોલીવુડ. રમતગમત એ આ તમામનું કુદરતી વિસ્તરણ છે, જે એવા પ્રેક્ષકો સુધી પહોંચે છે જ્યાં સંસ્કૃતિ એકલી ન પહોંચી શકે.
કોમનવેલ્થ ગેમ્સ, સંસ્થાકીય પતન થયું હોવા છતાં, હજુ મહત્ત્વની છે. બોંતેર રાષ્ટ્રો અમદાવાદ 2030 કોમનવેલ્થમાં ભાગ લેશે. શતાબ્દી પ્રતીકવાદને કારણે વિઝિબિલીટી વધશે. જ્યારે પરંપરાગત યજમાનો પીછે હઠે ત્યારે આગળ આવવું એક એવો સંદેશ આપે છે: જ્યારે જૂની શક્તિઓ ઘટે છે, નવી શક્તિઓ નેતૃત્વ કરી શકે છે.
અમદાવાદની તૈયારીઓ દિલ્હી 1982નું પ્રતિબિંબ છે: એક સાથે સમયમર્યાદા સાથે આસપાસ મેટ્રો વિસ્તરણ, એરપોર્ટ અપગ્રેડ, રસ્તાઓ અને હોટેલ્સને ગોઠવવા. આ દાવ એ છે કે દબાણ હોય તો પ્રગતિ પણ સપાટી પર દેખાવા માંડે છે.
પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વારસો બે ધારી તલવાર છે. દિલ્હીમાં 2010માં ખડા થયેલા સ્થળો આજે પણ જાળવણી ખર્ચના સંઘર્ષમાં છે. ઘણા ઓલિમ્પિક સિટીઝમાં “સફેદ હાથી” છે—એકવાર ઉપયોગમાં લેવાયેલા સ્ટેડિયમ્સ, પછી ત્યજી દેવાય છે. મોન્ટ્રીઅલને તેના 1976 ઓલિમ્પિક્સ દેવું ચૂકવવા માટે 30 વર્ષ લાગ્યા.
વધુ સમજદાર રમત તો એ છે કે મોટા મહોત્સવ પછી એ જગ્યાની ઉપયોગિતા માટે ડિઝાઇન તૈયાર હોવી. રમતવીરોનાં ગામોને જાહેર આવાસમાં ફેરવવા. સ્પોર્ટ્સ એકેડમીઓને શાળાઓમાં ફેરવવી. જો અમદાવાદ આ યોગ્ય રીતે કરી શકે, તો તે ગ્લોબલ સાઉથ માટે એક પુનરાવર્તિત મોડેલ બનાવશે.
ભારતની રમતગમતની મહત્ત્વાકાંક્ષાઓ ગહન વ્યૂહાત્મક ગણતરીઓનું પ્રતિબિંબિ છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 એ ઓલિમ્પિક્સ ઓડિશન પહેલાં ભારતની પરીક્ષા છે. સફળતા મળે તો સાબિત થશે કે ભારત મોટા પાયે જટિલતાનું સંચાલન કરી શકે છે અને તે 2036ની ઓલિમ્પિક બિડને મજબૂત બનાવે છે. નિષ્ફળતા મળી અને તેમાં ય નોંધપાત્ર ગેરવહીવટ કે કૌભાંડ થયા તો એક પેઢી માટે ઓલિમ્પિક આશાઓનું ફિન્ડલું વળી જશે.
આ પગલું રમતગમતની બહાર વિસ્તરે છે. આપણે અત્યારે એવી સદીમાં છીએ જ્યાં તાકાત લશ્કરી ક્ષમતામાં દેખાય છે એવામાં ભારતની યજમાની કરવાની ક્ષમતા—યોગ્યપણે, ન્યાયી રીતે, ટકાઉપણે—વ્યાપક વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓ માટે પ્રોક્સી બની શકે છે.
જ્યારે દિલ્હીએ 1982 એશિયાડનું આયોજન કર્યું, ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવેગ જડ્યો. જ્યારે દિલ્હીમાં 2010નું આયોજન થયું, ત્યારે અવ્યવસ્થાનો ખર્ચ શોધ્યો. જો અમદાવાદ 2030 સફળ થાય છે, તો ભારત લોકશાહીની ભવ્યતા માટે સૂત્ર શોધી શકે છે—જવાબદારી દ્વારા સંતુલિત મહત્ત્વાકાંક્ષા.
અને જો 2036માં ઓલિમ્પિક જ્યોત ભારતીય શહેર ઉપર પ્રગટે, તો તે માત્ર રમતગમતની સિદ્ધિથી વધુ ચિહ્નિત કરશે. તે એક વ્યૂહાત્મક પ્રવાસને પ્રકાશિત કરશે: એક વસાહતી – કોલોનાઇઝ્ડ રાષ્ટ્રમાંથી આપણે આત્મવિશ્વાસપૂર્ણ વૈશ્વિક ખેલાડી રાષ્ટ્ર સુધી પહોંચ્યા એ સાબિત થશે.
રમતગમત વિશ્વની સૌથી સાર્વત્રિક ભાષા છે. ભારત આ ભાષા બોલવા તૈયાર છે—દર્શક તરીકે નહીં, પરંતુ યજમાન તરીકે. શું આ મહત્ત્વાકાંક્ષાને અમલમાં અનુવાદિત કરી શકીએ છે કે કેમ તે બાબત આપણા માત્ર રમતગમત વારસાને જ નહીં, પરંતુ આપણા ભૌગોલિક રાજકીય માર્ગને વ્યાખ્યાયિત કરશે. સમય આગળ વધી રહ્યો છે. 26 નવેમ્બર સત્તાવાર ચુકાદો લાવે. પછી નક્કર કામ શરૂ થશે.
બાય ધી વેઃ
ભારતે ઓલિમ્પિકમાં જે દેખાવ કર્યો છે એને કારણે ચિંતા વધે. પેરિસ 2024માં, ભારતે છ મેડલ જીત્યા (એક પણ સુવર્ણ ચંદ્રક નહીં), આપણે 71મા ક્રમે હતા—વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્ર અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે આ જરા નિરાશાજનક તો કહેવાય. ચીન સાથે તુલના કરીએ: ચીનની 2008 હોમ ઓલિમ્પિક્સમાં, તે 51 સુવર્ણ સાથે મેડલ ટેબલમાં ટોચ પર હતો. આ અઠવાડિયે શરૂ થયેલી ખેલો ભારત નીતિ સિસ્ટમિક મુદ્દાઓને સંબોધવાનો ધારે છે, પરંતુ ઇચ્છાઓને પરિણામોમાં ફેરવાતા વર્ષો લાગે છે. આપણા ખેલાડીઓ મહેનતુ છે પણ પછી રાજકારણીઓ તેમને સળી કર્યા વિના બેસી નથી શકતા, આપણું આંતરિક રાજકારણ ખેલકૂદની સિદ્ધિઓને નેવે મુકી દે છે અને પછી સાક્ષી મલિક, વિનેશ ફોગટ જેવા વિજયી ખેલાડીઓના વિરોધોના દૃશ્યો વિચલિત કરી દે ત્યારે બીજી કોઇ ચકાચોંધ કામે નથી લાગતી. ભ્રષ્ટાચાર, ખેલાડીઓની હેરાનગતિ અને ગંદુ રાજકારણ બાજી બગાડે નહીં એ જોવાની જવાબદારી સત્તાધીશોની છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 ઑક્ટોબર 2025