Opinion Magazine
Number of visits: 9449207
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છાણના દેવ, કપાસિયાની આંખો : જેવી સરકાર, તેવા સૉલિસિટર જનરલ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|30 May 2020


મોડે મોડેથી સર્વોચ્ચ અદાલતે શ્રમિકોની અવદશા ભણી જોયું છે અને સામે ચાલીને, સુઓ-મોટો, કેસ દાખલ કર્યો છે. તેનું નામ છેઃ ‘પ્રૉબ્લેમ્સ એન્ડ મિઝરીઝ ઑફ માઇગ્રન્ટ વર્કર્સ’. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એમ.આર. શાહની બનેલી બૅન્ચે ૨૮ મે, ૨૦૨૦ના રોજ આ કેસની સુનાવણી દરમિયાન સરકારને ઘણા સવાલ કર્યા અને નિર્દેશો પણ આપ્યા.

તેમાંથી કેટલીક વિગતો પ્રસાર માધ્યમોનાં મથાળાંમાં આવી છે. પરંતુ સુનાવણી દરમિયાન સરકારનો પક્ષ રજૂ કરનાર સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતો ખાસ જાણવા જેવી છે. આટલી મોટી મહામારી અને શ્રમિકોની સરકારસર્જિત કારુણી પછી, સોલિસિટર જનરલ (હવે પછી SG) કઈ ભાષામાં વાત કરી રહ્યા છે અને શ્રમિકોની પીડા અંગે દાદ માગનાર સામે સહાનુભૂતિને બદલે સતત શેરીયુદ્ધછાપ વળતા પ્રહારની મુદ્રામાં જ પેશ આવે છે, એ જોવા જેવું છે. હોદ્દાને ભાગ્યે જ શોભે એવા તેમના આ મિજાજ પરથી તેમના સાહેબોની માનસિકતાનો પણ ઠીક અંદાજ મળી રહે એમ છે.

સૌથી પહેલાં તેમના કેટલાક સંવાદ જોઈએ, જે ‘લાઇવ લૉ’ વેબસાઇટના સૌજન્યથી અહીં ટાંક્યા છે. (મૂળ સંવાદમાંથી ધ્યાન ખેંચવા માટે આ લેખ પૂરતા કેટલાક શબ્દો અને શબ્દપ્રયોગોનો રંગ બદલ્યો છે)

SG : મારી એક ફરિયાદ છે. કેટલાક મીડિયા રિપોર્ટ અને કેટલાક લોકો વિશે — હું બે ફરિયાદ નોંધાવવા માગું છું. એવા કેટલાક લોકો છે — ‘પ્રૉફેટ ઓફ ડૂમ’ (કાળવાણી કાઢનારા) — જે ખોટી માહિતી ફેલાવે છે. દેશ માટે જરા ય વિવેક દર્શાવતા નથી. આ લોકો સોશિયલ મીડિયા પર લખ્યા કરે છે ને ઇન્ટરવ્યૂ આપતા ફરે છે. (સરકાર દ્વારા) જે થાય છે તેની સાદી પહોંચ સુદ્ધાં તે આપી શકતા નથી. રાજ્ય સરકારો અને મંત્રીઓ રાત જાગીને કામ કરી રહ્યા છે. તેની નોંધ લેવા જેટલો દેશપ્રેમ પણ તેમનામાં (ટીકાકારોમાં) નથી. માનવજાત સૌથી કઠણ પડકારનો સામનો કરી રહી છે. છે. કેન્દ્ર સરકાર કોવિડ-૧૯ને અટકાવવા માટે ઘણું કરી રહી છે, પણ આપણા દેશમાં રહેલા પ્રોફેટ્સ ઓફ ડૂમ નકારાત્મકતા, નકારાત્મકતા અને નકારાત્મકતા જ ફેલાવી રહ્યા છે. આ આર્મ ચેર ઇન્ટલેક્ચુઅલ્સ રાષ્ટ્રના પ્રયાસોને જોઈ શકતા નથી.

એક ફોટોગ્રાફર ૧૯૮૩માં સુદાન ગયો. ત્યાં એક બાળક બેહાલ અવસ્થામાં પડ્યું હતું અને ગીધ બાળકના મૃત્યુની રાહ જોતું બેઠું હતું. ફોટોગ્રાફરે એ ફોટો પાડ્યો. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં એ ફોટો છપાયો અને ફોટોગ્રાફરને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું. ચાર મહિના પછી તેણે આત્મહત્યા કરી લીધી. એક પત્રકારે તેને પૂછ્યું હતું, ‘પછી બાળકનું શું થયું?’ ફોટોગ્રાફરે કહ્યું, ‘મને ખબર નથી. હું તો ઘરે આવી ગયો હતો’. એટલે પત્રકારે તેને પૂછ્યું, ‘ત્યાં કેટલાં ગીધ હતાં?’ ફોટોગ્રાફરે કહ્યું ‘એક’. પત્રકાર કહે, ‘ના, બે હતાં. એકના હાથમાં કૅમેરા હતો’.

આ આર્મચેર એક્ટિવિસ્ટોને ન્યાયાધીશો તો જ તટસ્થ લાગે, જો તે સરકારની ઝાટકણી કાઢે. મુઠ્ઠીભર લોકો જ આખી સંસ્થા પર કબજો કરવા માગશે તો એ.ડી.એમ. જબલપુરના કિસ્સા જેવું થશે. (શ્રમિકોના મામલામાં) દરમિયાન થવા માગતા બધા લોકોએ બાળક અને ગીધવાળી વાત યાદ રાખવા જેવી છે.

પૂછવા જેવો સવાલ તો એ છે કે તેમણે શું પ્રદાન કર્યું? અદાલતે તેમને તેમના પ્રદાન વિશે એફિડેવિટ ફાઇલ કરવા કહેવું જોઈએ? સોશિયલ મીડિયા પર લખવા સિવાય, લેખો લખવા સિવાય કે ઇન્ટરવ્યૂ આપવા સિવાય? સફાઈ કર્મચારીથી માંડીને વડાપ્રધાન સુધીના લોકો અણથક કામ કરી રહ્યા છે.

કોઈને આ પ્લેટફોર્મ રાજકીય ઉપયોગ માટે વાપરવા ન દેતા. (શ્રમિકોનો મુદ્દો લઈને) અદાલતમાં આવનારા લોકોને પહેલાં એમના પ્રદાનની એફિડેવિટ ફાઇલ કરવા દો.

જસ્ટિસ સંજય કૃષ્ણ કૌલઃ સંસ્થાના હિસ્સારૂપ વ્યક્તિઓ જ માનતી હોય કે તેં સંસ્થાને ઉતારી પાડી શકે છે, તો તે કમનસીબ છે. આપણે આપણા અંતરાત્મા પ્રમાણે વર્તવું જોઈએ.

SG : કેટલીક હાઇ કોર્ટો સમાંતર સરકાર ચલાવી રહી છે.

***

આગળની વાતો સોલિસિટર જનરલે અદાલત સમક્ષ કરેલી આરંભિક રજૂઆતમાંથી લીધી છે. તેમાંથી ધ્યાન ખેંચે એવી કેટલીક બાબતોઃ

૧) સરકારના અણઘડ-અસંવેદનશીલ મૅનેજમૅન્ટની ટીકા કરનારા સામે SG પ્રાથમિક ધોરણે દેશ, દેશપ્રેમ, દેશ માટેનો વિવેક વચ્ચે લઈ આવે છે અને એવું સિદ્ધ કરવા માગે છે કે સરકારની ટીકા કરનારા બધા દેશવિરોધી છે અથવા તેમને દેશ માટે લાગણી નથી. આ તરકીબ જૂની ભલે થઈ, પણ સરકારને લાગે છે કે તે હજુ અસરકારક નીવડી શકે છે — ખાસ કરીને સરકારને વર્તમાન શરમજનક સ્થિતિમાંથી ઓછામાં ઓછા રાજકીય નુકસાન સાથે બહાર કાઢવામાં.

૨) બીજું શસ્ત્ર એટલે સચ્ચાઈને નકારાત્મકતા તરીકે ખપાવી દેવી અને પછી નકારાત્મકતાની ટીકા કરવી. આવી કહેવાતી, સગવડિયા અને કુશાસન પ્રત્યે આંખમીંચામણાંના પર્યાય જેવી હકારાત્મકતા વિશે આ પાનાં પર અગાઉ ઘણું આવી ચૂક્યું છે. તેના પુનરાવર્તનની જરૂર નથી.

૩) કરુણ સચ્ચાઈ બતાવતા પત્રકારો ને તસવીરકારો ખૂંચે છે. એટલે તેમને ગીધ તરીકે બદનામ કરી દેવાય તો નિરાંત થાય. જેમનાં પોતાનાં નાક કપાયેલાં હોય તેમને ખબર હોય છે કે પોતાનું નાક તો સાંધી શકાય તેમ નથી. એવા સંજોગોમાં શરમ કેમ છુપાવવી અને કેમ કરીને લાજવાને બદલે ગાજતા ફરવું? સિમ્પલઃ નાકવાળા લોકોનાં નાક પણ કાપવા માંડો. એટલે આપોઆપ બધા સરખા લાગશે, પછી રહેશે ફક્ત  નકટાઓ અને તેમાં તો આપણને કોણ પહોંચે એમ છે? બાકી, સરકાર રાતદિવસ જાગે છે તો પત્રકારો પણ રાતદિવસ એક કરીને પરિસ્થિતિ ઉજાગર કરી રહ્યા છે અને ઘણા કિસ્સામાં કોરોનાગ્રસ્ત પણ બની રહ્યા છે. પણ પોતાનું કામ નિષ્ઠાથી કરવા બદલ તેમને દેશના SG તેમની સરખામણી ગીધ સાથે કરવી જોઈએ, એવો ઈશારો કરે છે — અને હા, કાશ્મીરના ફોટોગ્રાફરોને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું તેની બળતરા પણ કાબૂમાં રહી શકતી નથી અને આવા ઠેકાણે પણ ફૂટી નીકળે છે.

૪) શ્રમિકોની મુશ્કેલી માટે અદાલતમાં આવનારાને સરખા જવાબ આપવાને બદલે તમે શું કર્યું? એવું દેશનો સોલિસિટર જનરલ પૂછે તે ‘વૉટઅબાઉટરી’ એટલે કે ‘ત્યારે-તમે-ક્યાં-હતા’ માનસિકતાનો કનિષ્ઠ નમૂનો છે. આ સરકારને કોઈ સવાલ પૂછે તેની એટલી બધી ચીડ હોય એમ લાગે છે કે પોતે લોકોને ઉત્તરદાયી છે એ વાત તેના વર્તનમાં ક્યાં ય દેખાતી જ નથી. અદાલતો કાંઠલા પકડીને પૂછે નહીં, ત્યાં સુધી તો તે પ્રશ્ન પણ સાંભળતા નથી – સીધા વળતા પ્રહાર માટે મચી પડે છે અને અદાલત પૂછે ત્યારે સાચા જવાબ આપવાને બદલે બીજાં તિકડમ લડાવે છે.

૫) પાછા અદાલતને પણ યાદ અપાવી દે છે કે આ લોકો તો તમારા વિશે પણ ખરાબ બોલે છે. (મતલબ, તમે આવા લોકોની વાત ગણકારશો?) પરંતુ કેટલાંક રાજ્યોની હાઇ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા આદેશ આપ્યા એ તેમનાથી સહન થતા નથી અને બખાળાબાજીમાં બોલી જાય છે કે કેટલીક હાઇ કોર્ટો સમાંતર સરકાર ચલાવે છે. તેમની આ વાત પરથી તેમના મનમાં અદાલતો માટે કેવો ભાવ છે, તે પણ સ્પષ્ટ થઈ જાય છે.

***

હવે કેટલીક વ્યક્તિઓ સાથે આ દેશના સોલિસિટર જનરલનો દલીલ કરવાનો અંદાજ જુઓઃ

અદાલતઃ શ્રમિકોની નોંધણી, પરિવહન અને ભોજન-પાણીની વ્યવસ્થામાં ઘણાં ગાબડાં અમારા ધ્યાને આવ્યાં છે. નોંધણી પછી પણ પોતાના વારા માટે શ્રમિકોએ બહુ વખત સુધી રાહ જોવી પડે છે.

ધારાશાસ્ત્રી ઇન્દિરા જયસિંઘઃ ચાર કરોડ સ્થળાંતરિત શ્રમિકો પાછા જવાની રાહ જોઈને બેઠાં છે. SG કહે છે કે આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર માટે વપરાતી ટ્રેનો બીજે વાળી શકાય નહીં. પણ અત્યારે કુલ ૩ ટકા ટ્રેનો વપરાઈ રહી છે.

SG: તમે જેમને પાછા જવું નથી એવા બાકીના શ્રમિકોને પાછા જવા માટે ઉશ્કેરી રહ્યા છો?

ઇન્દિરા જયસિંઘઃ (ટ્રેનોનું પ્રમાણ) અમે રેલવેની અખબારી યાદીમાંથી સંખ્યા આપી છે અને સ્થળાંતરિત શ્રમિકોનો આંકડો કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રત કરાયેલા એક અહેવાલમાંથી ટાંક્યો છે.

ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલઃ વર્તમાન સ્થિતિમાં બધા શ્રમિકોને ઘરે પહોંચતાં ત્રણ મહિના લાગી જશે.

SG: એ લોકો ઘરે જવા માગતા નથી, એ સમજાય છે તમને?

સિબ્બલઃ એવું તમે શી રીતે કહી શકો?

SG: મેં કહ્યું ને કે લોકો સ્થાનિક ઉશ્કેરણીને કારણે પગપાળા નીકળી પડ્યા હતા.

સિબ્બલઃ આ હ્યુમેનિટેરિઅન (લોકહિતને લગતી) કટોકટી છે. તેને રાજકારણ સાથે કશી લેવાદેવા નથી ને તેને અંગત રીતે લેવાની જરૂર નથી.

SG: આ રાજકીય મંચ ન બનવો જોઈએ.

સિબ્બલઃ આ હ્યુમેનિટેરિઅન કટોકટી છે.

SG: આ કટોકટીમાં તમારું શું યોગદાન છે?

સિબ્બલઃ ચાર કરોડ રૂ. એ મારું યોગદાન છે.

અદાલતઃ (બિહારના સરકારના ધારાશાસ્ત્રીને) તમારું રાજ્ય એક માત્ર એવું રાજ્ય છે, જે ટિકિટના રૂપિયા પાછા આપે છે. પણ માણસ પાસે (ટિકિટ ખરીદવાના) રૂપિયા તો હોવા જોઈએ ને. કોઈ શ્રમિક પાસેથી ભાડું વસૂલવાનું નથી. એ ખર્ચ માટે રાજ્યો વચ્ચે ગોઠવણ થવી જોઈએ.

બિહાર સરકાર વતી ધારાશાસ્ત્રી મનીષ કે. સિંઘવીઃ મેં તો સાંભળ્યું છે કે ટિકિટના રૂપિયા કેન્દ્ર-રાજ્ય ૮૫ ટકા-૧૫ ટકાના ધોરણે ચૂકવવાનાં છે.

SG: દરેક રાજ્યનું જુદું આયોજન છે.

***

સુનાવણીની શરૂઆતમાં અદાલતે વતન પાછા ફરતા શ્રમિકોના રેલવેના ભાડા બાબતે શી સ્થિતિ છે તેની ચોખવટ પૂછી. SGનો જવાબ હતોઃ શ્રમિકો જ્યાંથી બેસે તે રાજ્ય ટિકિટનો ખર્ચ ભોગવે છે કે પછી શ્રમિકો જ્યાં પહોંચ તે રાજ્ય એ ખર્ચ ભોગવે છે. કેટલાક કિસ્સામાં, શ્રમિકો જ્યાં પહોંચે છે તે રાજ્યો તેમને ટિકિટના રૂપિયા ચૂકવી આપે છે … શ્રમિકોનું ટિકિટભાડું કેન્દ્રસ્તરેથી નક્કી કરી શકાય નહીં. માટે એ રાજ્યો પર છોડી દેવાયું છે. (આપણને સવાલ થાય કે શ્રમિકો પાસેથી ભાડું લેવું જ નહીં, એવું તો કેન્દ્ર નક્કી કરી શકે કે નહીં? રેલવે તો કેન્દ્રની માલિકીની છે.) અદાલતે કહ્યું કે ‘શ્રમિકોને ખબર ન હોય કે કયું રાજ્ય ભાડું ચૂકવશે કે તેમની પાસે પરિવહનની કોઈ સુવિધા ઉપલબ્ધ છે કે નહીં. માટે આ બાબતે એકસરખી નીતિ હોવી જોઈએ. નહીંતર ગુંચવાડા થશે.’ ત્યાર પછી અદાલતે બધા સ્થળાંતરિતોને તેમના વતન પહોંચાડવા માટે કેટલો સમય લાગશે અને પ્રવાસ માટે નોંધણી કર્યા પછી તેમને કેટલો સમય રાહ જોવી પડે છે, તે પૂછ્યું. અદાલતના વધુ કેટલાક સવાલ હતાઃ ‘જેમને હજી લઈ જવાના બાકી છે, તેમની પાસેથી કોઈ પણ તબક્કે કોઈ પણ પ્રકારની રકમની માગણી કરવામાં આવી છે? ફુડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસે અનાજનો પૂરતો જથ્થો છે, એવા સંજોગોમાં પાછા જવાની વાટ જોતા લોકોને અન્ન પૂરું પાડવામાં આવે છે? તેમને જ્યાં જવું છે ત્યાં પહોંચાડવામાં કેટલો સમય લાગશે? તેમની અન્ન અને પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેની દેખરેખ માટે શી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે?’ અદાલતે કહ્યું કે કેન્દ્ર સરકાર કશું કરતી નથી એવું અમે કહેતા નથી. પણ હજુ ‘બીજાં પગલાં લેવાની જરૂર છે.’

SGએ જવાબ આપતાં કહ્યું કે આશરે ૧ કરોડ સ્થળાંતરિતોને અત્યાર લગીમાં તેમના સ્થાને પહોંચાડી દેવાયા છે. ઘણાં ઠેકાણે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થતાં શ્રમિકોએ પાછા જવાની ના પાડી છે. તેનો અંદાજ રાજ્યો વધુ સારી રીતે આપી શકશે.

અદાલતે ફરી પૂછ્યું, ‘સ્થળાંતરિતોને તેમના સ્થાને પહોંચાડવામાં કેટલો સમય લાગશે? તે માટે શી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે? તેમને ખબર છે કે તેમને પાંચમા કે સાતમા કે દસમા દિવસે લઈ જવામાં આવશે? એક માણસને કહેવામાં આવ્યું હોય કે તેને પાછો લઈ જવામાં આવશે તો કંઈક તો ઠેકાણું હોય ને કે તેને અઠવાડિયામાં કે દસ દહાડામાં લઈ જવાશે. એ સમયગાળો કેટલો છે?’

SGએ કહ્યું કે તેને લગતી ચોક્કસ માહિતી રાજ્યો પાસે હશે અને રાજ્યો તેને લગતો અહેવાલ સુપ્રત કરી શકે. ‘હું માહિતી એકત્ર કરીને પાછો આવીશ. એ વ્યવસ્થા રાજ્યસ્તરે ગોઠવાયેલી છે. એટલે તેમની પાસેથી માહિતી મેળવવી પડશે. હું જવાબદારી તેમના માથે નાખી રહ્યો નથી. રાજ્યો એકબીજા સાથે મળીને કામ કરી રહ્યાં છે.’

અગાઉ SGએ અદાલતને માહિતી આપતાં કહ્યું હતું કે ટ્રેનો થકી રોજના ૧.૮૫ લાખ શ્રમિકોને લઈ જવાયા છે. એ પ્રમાણે, ૫૦ લાખ શ્રમિકો ટ્રેનથી અને ૪૭ લાખ શ્રમિકોને સડકરસ્તે લઈ જવાયા છે. તેમણે કહ્યું કે ભારતીય રેલવે તરફથી ૮૪ લાખ ભોજન મફત આપવામાં આવ્યાં છે. ‘રેલવે દ્વારા ભોજન અને પાણી મફત અપાય છે. પહેલું ભોજન રાજ્ય સરકાર તરફથી હોય છે. એક વાર ટ્રેન ચાલુ થાય ત્યાર પછી રેલવે ભોજન આપે છે. મુસાફરી ટૂંકી હોય તો એક ભાણું ને લાંબી હોય તો બે ભાણાં.’

SGએ કહ્યું કે શ્રમિકોને પડેલી મુશ્કેલીઓના કેટલાક ‘છૂટાછવાયા બનાવો’ને મીડિયામાં વારંવાર બતાવવામાં આવે છે. ‘છૂટાછવાયા બનાવો વારંવાર બતાવવાને કારણે ઘેરી અસર પડે છે.’ તેમણે કહ્યું કે ‘ઘણા કિસ્સામાં સ્થાનિક ઉશ્કેરણીને કારણે શ્રમિકો ચાલતા જવા પ્રેરાયા. ચાલતા લોકો વિશે સરકારને (રાજ્યને) જેવી ખબર પડે કે તરત બસ તેમની પાસે પહોંચે છે અને તેમને નજીકના રેલવે સ્ટેશને લઈ જાય છે.’

***

ટૂંકમાં, સોલિસિટર જનરલની આક્રમક રજૂઆત પરથી એવું લાગે કે છૂટાછવાયા બનાવો સિવાય બધા શ્રમિકોનું સરકાર બરાબર ધ્યાન રાખી રહી છે, શ્રમિકોની પીડાને લગતા જે સમાચાર આવે છે તે નકારાત્મકતા કે પુનરાવર્તનનું પરિણામ છે. પીડિતોનાં વિરોધ પ્રદર્શન જ નહીં, દેશભરમાંથી લાખો લોકો સડક પર ચાલતા વતન જવા નીકળી પડે તેમાં સોલિસિટર જનરલને સ્થાનિક ઉશ્કેરણી જવાબદાર લાગે છે. શું અમદાવાદ કે શું દેશ, આ સરકારનું મિથ્યાભિમાન તેના કેટલાક અફસરોમાં એવું ઊતરી આવ્યું છે કે એ લોકો સચ્ચાઈનો ધરાર અને મક્કમતાપૂર્વક અસ્વીકાર કર્યે જ જાય છે.

સુનાવણી પછી અદાલતે કેટલાક વચગાળાના હુકમ આપ્યાઃ

૧) સ્થળાંતરિત શ્રમિકો પાસેથી બસ કે ટ્રેનનું ભાડું લેવું નહીં. રેલવે ભાડું રાજ્ય સરકારોએ ભોગવવું.

૨) સ્થળાંતરિત શ્રમિકોને સંબંધિત રાજ્યોએ કે કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમનો મુસાફરીનો વારો ન આવે ત્યાં સુધી ભોજન પૂરું પાડવું અને ભોજન ક્યાં પૂરું પાડવામાં આવશે, તે સ્થળની જાહેરાત કરવી.

૩) ટ્રેન મુસાફરી માટેનું પાણી અને ભોજન ટ્રેન જ્યાંથી ઉપડી હોય એ રાજ્યે પૂરું પાડવું. ભોજન અને પાણી બસોમાં પણ આપવું.

૪) શ્રમિકોની નોંધણી થાય અને તેમને વહેલી તકે પરિવહન મળે તેનું ધ્યાન રાજ્યે રાખવું.

૫) સડક પર ચાલતા દેખાય એ સૌ સ્થળાંતરિત શ્રમિકોને તત્કાળ આશ્રયગૃહમાં લઈ જવા અને તેમને ભોજન તથા બીજી બધી સુવિધા પૂરી પાડવી.

(SGએ કહ્યું, અમે એ કરી જ રહ્યા છીએ. યૉર લૉર્ડશીપ, આ નિર્દેશોથી વધુ લોકોને ચાલવાનું પ્રોત્સાહન મળશે.)

૬) રાજ્ય સરકારો જ્યારે ટ્રેનની માગણી કરે ત્યારે કેન્દ્ર સરકારે તે પૂરી પાડવી..

અદાલતે સરકારને પ જૂન,૨૦૨૦ સુધીની મુદ્દત આપી છે. પ જૂને સરકાર અદાલતમાં શ્રમિકોને લગતી માહિતી આપશે. ત્યારે પણ તેમનો અંદાજ બદલાશે કે નહીં, એ અત્યાર સુધીના વર્તન પરથી કલ્પી શકાય છે.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020

Loading

30 May 2020 admin
← કોવિડ-૧૯નો મુકાબલોઃ હજુ સાચા રસ્તે જવાની તક છે
ટૃમ્પના નિવેદનનું ગમે તે દિશામાં અર્થઘટન કરો, મામલો ચિંતા પેદા કરનારો છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved