Opinion Magazine
Number of visits: 9504147
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચેતન આનંદ: ઇતિહાસના શિક્ષકથી ફિલ્મસર્જક સુધી

વિશાલ શાહ|Opinion - Opinion|2 June 2018

આજકાલ મીડિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલ છવાયેલો છે પણ મોટા ભાગના સમાચારોમાં વર્લ્ડ બેસ્ટ ફિલ્મોની વાતો ઓછી કે નહીં બરાબર હોય છે. આ અત્યંત ગંભીર પ્રકારના ફિલ્મ ફેસ્ટિવલનું મહત્તમ મીડિયા કવરેજ ડિઝાઈનર ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર ફોટોશૂટ કરાવતી અભિનેત્રીઓની રંગીન તસવીરો પૂરતું મર્યાદિત હોય છે.

હકીકતમાં ફિલ્મ કળા અને ઇતિહાસની દૃષ્ટિએ કાન ફિલ્મ ફેસ્ટિવલ ઓસ્કરથી પણ વધુ મહત્ત્વનો છે, પરંતુ 'ગોસિપ જર્નાલિઝમ'ના ભોગે ત્યાં રજૂ થતી વિવિધ ભાષાની ફિલ્મો, દાયકાઓ પહેલાં રજૂ થયેલી ક્લાસિક ફિલ્મોની ભૂલાયેલી વાતો તેમ જ વિશ્વભરના નવોદિત ફિલ્મકારોની માહિતી આપતા વિગતવાર અહેવાલોનો ભોગ લેવાઇ જાય છે.

ભારતીય ફિલ્મો કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાની શરૂઆત ૧૯૪૬માં થઈ હતી. એ જ વર્ષે ફિલ્મ ક્ષેત્રે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવાસવા આવેલા એક યુવાનની પહેલી જ ફિલ્મે કાનનો સર્વોચ્ચ 'ગ્રાન્ડ પ્રિક્સ' એવોર્ડ જીતીને મેદાન માર્યું હતું. આજે આ એવોર્ડ 'ગોલ્ડન પામ' તરીકે ઓળખાય છે. એ ફિલ્મ એટલે 'નીચા નગર' અને પેલો નવોસવો યુવક એટલે ચેતન આનંદ. આજે ભારતીય સિનેમાની યશકલગી સમાન એ ફિલ્મ વિશે વિગતે વાત.

બિમલ રોય અને સત્યજિત રેની પ્રેરણા

ભારતીય ખેડૂતના જીવનની વાત કહેતી બિમલ રોયની 'દો બીઘા જમીન' (૧૯૫૩) અને સામાન્ય ભારતીયની કશ્મકશનું કાવ્યાત્મક નિરુપણ કરતી સત્યજીત રેની 'પાથેર પાંચાલી'(૧૯૫૫)એ દુનિયાભરના સિનેમા નિષ્ણાતોને જબરદસ્ત પ્રભાવિત કર્યા હતા. 'દો બીઘા જમીન' કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૯૫૪માં રજૂ થઇ હતી. તેને ઈન્ટરનેશનલ પ્રાઈઝ મળ્યું પણ 'ગોલ્ડન પામ' મળી ના શક્યો. એ પછી ૧૯૫૬માં 'પાથેર પાંચાલી'એ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'ગોલ્ડન પામ' એવોર્ડ જીતવા દુનિયાભરની ચુનંદા ફિલ્મો સાથે સ્પર્ધા કરી, પરંતુ તેને પણ આ સન્માન ના મળ્યું. આમ છતાં, આ બંને ફિલ્મો વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ પણ 'ગોલ્ડન પામ' જીતનારી 'નીચા નગર' મહદ્અંશે ભૂલાઇ ગઇ છે. બિમલ રોય અને સત્યજિત રેેના સર્જન પર પણ આ ફિલ્મનો પ્રભાવ પડયો હતો.

સિનેમેટિક આર્ટની દૃષ્ટિએ 'નીચા નગર' માસ્ટર પીસ છે. આ ફિલ્મની વાર્તા સીધીસાદી છે. અમીરી અને ગરીબી વચ્ચેની લડાઈ, પરંતુ ચેતન આનંદની નાટયાત્મક રજૂઆત આ ફિલ્મને ખાસ બનાવે છે. મેક્સિમ ગોર્કીએ ૧૯૦૨માં લખેલા 'લૉઅર ડેપ્થ' નાટક પરથી પ્રેરણા લઈને આ ફિલ્મ લખવામાં આવી હતી. કાનમાં ગોલ્ડન પામ જીત્યાના ચારેક વર્ષ પછી, ૧૯૫૦માં, પંડિત નહેરુએ ચેતન આનંદને નવી દિલ્હી તેડાવ્યા. એ વખતે નહેરુ ચીન સાથે પંચશીલ કરારો કરવામાં વ્યસ્ત હતા. આ વ્યસ્તતા વચ્ચે તેમણે ચીનના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે 'નીચા નગર' જોઈ અને વખાણી.

આવી પ્રસિદ્ધિ મળ્યા પછીયે કોઈ ડિસ્ટ્રિબ્યુટર 'નીચા નગર' રિલીઝ કરવા તૈયાર ન હતો કારણ કે, તેમાં ગીત કે ડાન્સ ન હતા. જો કે, આ ફિલ્મ બનાવાઈ ત્યારે તેમાં એક ગીત અને નાનકડી ડાન્સ સિક્વન્સ હતી, પરંતુ મુંબઇમાં કોઇ લેવાલ નહીં મળતા નિર્માતાઓએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલતી વખતે તેમાંથી એ ગીત અને ડાન્સ પણ એડિટ કરી નાંખ્યા. છેવટે મુંબઈથી થોડે દૂરના કોઈ ગામમાં 'નીચા નગર' રિલીઝ કરાઈ પણ બોક્સ ઓફિસ પર તે ઊંધે માથે પછડાઈ.

ધ મેકિંગ ઓફ 'જિનિયસ' ચેતન આનંદ

ચેતન આનંદને મોટા ભાગના લોકો દેવ આનંદના ભાઈ તરીકે ઓળખે છે, પરંતુ 'નીચા નગર'ના સર્જક તરીકે એ ઓળખ તેમનો અનાદર કરવા બરાબર છે. ચેતન આનંદ પાંચ જ વર્ષની ઉંમરે હરિદ્વારના કાંગરી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવા પહોંચી ગયા હતા, જ્યાં તેમણે હિંદુ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. લાહોરની સરકારી કોલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક થયા. ત્યાર પછી ૧૯૪૦માં માંડ વીસેક વર્ષની ઉંમરે જ ઉત્તરાખંડની પ્રસિદ્ધ દૂન સ્કૂલમાં ઇતિહાસના શિક્ષક તરીકે નોકરી શરૂ કરી.

અહીં તેઓ ૧૯૪૪ સુધી રહ્યા અને આ સમયગાળામાં જ તેમને ફિલ્મમેકિંગનો કીડો ડંખ્યો. દૂન સ્કૂલના વિદ્યાર્થીઓએ ૧૯૩૦માં સ્કૂલ કેમ્પસમાં 'રોઝ બાઉલ' નામે એક એમ્ફિથિયેટર બનાવ્યું હતું. આશરે હજાર લોકોની ક્ષમતા ધરાવતા એ થિયેટરમાં પશ્ચિમી સાહિત્યનાં ક્લાસિક નાટકો ભજવાતાં, જાતભાતના પ્રયોગો થતા અને ચેતન આનંદ તેમાં ઊંડો રસ લેતા. દૂન સ્કૂલમાં ચેતન આનંદને એક જર્મન વિદ્યાર્થી સાથે પણ દોસ્તી હતી કારણ કે, તે પણ ફિલ્મમેકિંગમાં ઊંડો રસ લેતો હતો. એ જર્મન યુવકે ચેતન આનંદને 'ફિલ્મ ફોર્મ' અને 'ફિલ્મ સીન' નામનાં બે પુસ્તક ભેટમાં આપ્યા હતા. આ પુસ્તકો વાંચીને જ ચેતન આનંદે ૧૯૪૪માં રાજા અશોકના જીવન પરથી  ફિલ્મ બનાવવા જીવનની પહેલી ફિલ્મ સ્ક્રિપ્ટ લખી હતી.

આ દરમિયાન દૂન સ્કૂલમાં જ ચેતન આનંદની મુલાકાત લાહોરની સરકારી કોલેજના પ્રોફેસર ચેટરજીની પુત્રી ઉમા ચેટરજી સાથે થઇ. ઉમાને પણ ચેતન આનંદની જેમ વાચન, લેખન અને પર્ફોર્મિંગ આર્ટ્સમાં ઊંડો રસ હતો. તે બંનેએ જીવન ઘડતરના શરૂઆતના દિવસો દૂનમાં સાથે વીતાવ્યા અને ફિલ્મ-નાટય કળાને વધુ સારી રીતે સમજ્યા. ૧૯૪૩માં તેઓ પરણી ગયાં અને જીવનના અંત સુધી સાથે રહ્યાં.

મુંબઈમાં ફિલ્મ મેકિંગની શરૂઆત

ઉત્તરાખંડમાં ગાળેલા દિવસોમાં ચેતન આનંદ ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી પણ કરતા હતા. આઈ.સી.એસ.ની પરીક્ષા આપવા તેઓ લંડન ગયા, પરંતુ પાસ ના થયા. એ પછી તેમણે મુંબઇની વાટ પકડી અને રાજા અશોકની સ્ક્રિપ્ટ બતાવવા ધુરંધર ફિલ્મ ડિરેક્ટર ફણી મજુમદારની ઓફિસના ચક્કરો લગાવ્યા. મજુમદાર એટલે 'સ્ટ્રીટ સિંગર' (૧૯૩૮), 'આરતી' (૧૯૬૨) અને 'ઊંચે લોગ' (૧૯૬૫) જેવી ઉત્તમ ફિલ્મોના સર્જક. જો કે, મજુમદારે તેમની સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ ના બનાવી પણ 'રાજકુમાર' (૧૯૪૪) નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપી. આમ, મુંબઈમાં ચેતન આનંદનું ગાડું ગબડયું અને થોડા સમયમાં ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન(ઈપ્ટા)ના સભ્ય પણ બની ગયા.

આ દરમિયાન ચેતન આનંદના મિત્ર રફીક અનવર તેમની પાસે 'નીચા નગર' નામની ફિલ્મ બનાવવાની ઑફર લઈને આવ્યા. આ ફિલ્મની વાર્તા અને સંવાદો હિદાયતુલ્લાહ ખાન અને ખ્વાજા અહેમદ અબ્બાસે લખ્યા હતા. ચેતન આનંદે અગાઉ શોર્ટ ફિલ્મ પણ બનાવી ન હતી, પરંતુ તેમણે દુનિયાભરની ક્લાસિક ફિલ્મો જોઇ હતી અને ફિલ્મ કળા વિશે પણ ઘણું બધું વાંચ્યું હતું. તેમણે થોડા ખચકાટ સાથે ઑફર સ્વીકારી લીધી. 'નીચા નગર'માં મુખ્ય ભૂમિકામાં રફીક અનવર જ હતા. તેઓ 'નીચા નગર'ના નિર્માતા રશીદ અનવરના સગા ભાઈ હતા. ચેતન આનંદે બાકીના કલાકારો ઇપ્ટાના મિત્રોની મદદથી શોધ્યા. એ બધા જ નવોદિતો હતા.

આ કલાકારોમાં ઉમા કશ્યપ પણ હતાં. ચેતન આનંદે તેમનું નામ બદલીને કામિની કૌશલ કરી નાંખ્યું કારણ કે, કલાકારોની ટીમમાં ચેતન આનંદનાં પત્ની ઉમા આનંદનો પણ સમાવેશ થતો હતો. ચેતન આનંદને એક જ ફિલ્મમાં બે 'ઉમા' મંજૂર ન હતી. આ ફિલ્મની માંડ એક નાનકડી ડાન્સ કોરિયોગ્રાફીનું કામ ચેતન આનંદે ઝોહરા સેહગલને સોંપ્યું કારણ કે, તેઓ ફિલ્મમાં પણ મહત્ત્વની ભૂમિકામાં હતાં. ઝોહરા સેહગલ વિખ્યાત નૃત્યકાર ઉદય શંકરના કાફલામાં નૃત્યાંગના તરીકે કામ કરતાં હતાં. તેમની મદદથી 'નીચા નગર'ના સંગીતનું કામ ઉદય શંકરના નાના ભાઈ રવિ શંકરને સોંપાયું, જે પાછળથી વિખ્યાત સિતારવાદક પંડિત રવિ શંકર તરીકે જાણીતા થયા.

…અને કબાડી બજારમાંથી 'નીચા નગર'ની પ્રિન્ટ મળી

મુંબઈના પાલી હિલમાં આવેલા એક બંગલૉમાં ચેતન આનંદે નવોદિત કલાકારોનો શંભુમેળો ભેગો કર્યો અને જેમતેમ કરીને 'નીચા નગર'નું શૂટિંગ પૂરું કર્યું. જો કે, ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરો અને દર્શકોએ આ ફિલ્મમાં બિલકુલ રસ ના લીધો. આ ફિલ્મની નિષ્ફળતા માટે ભારતના ભાગલાનો દર્દનાક ઘટનાક્રમ પણ જવાબદાર હતો. મુંબઈ નજીક આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ભારતના ભાગલા થઇ ચૂક્યા હતા. ભાગલાના કારણે થયેલી હિંસાના કારણે હિંદુ અને મુસ્લિમો વચ્ચેનું વૈમનસ્ય વધી ગયું હતું. 'નીચા નગર'ના બંને નિર્માતા મુસ્લિમ હતા, રશીદ અનવર અને એ. હલીમ. આ કારણસર પણ અનેક લોકોએ 'નીચા નગર' માટે ઉત્સાહ ના બતાવ્યો.

ગરીબીને વળી શું ધર્મ અને શું જાત, પરંતુ કમનસીબે ગરીબોનો અવાજ બનીને આવેલી 'નીચા નગર' ધર્મની વાડાબંધીમાં સપડાઈ ગઈ. આ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો પાસેથી વર્ષો પછી આ વાત જાણવા મળી હતી. ભાગલા પછી 'નીચા નગર'ના નિર્માતાઓ પાકિસ્તાન જતા રહ્યા અને તેની પ્રિન્ટ પણ સાથે લઈ ગયા. જો કે, વર્ષો પછી પાકિસ્તાન કે ભારતમાં આ ફિલ્મની પ્રિન્ટ ઉપલબ્ધ નહીં હોવાનું મનાતું હતું, પરંતુ એક દિવસ ચમત્કાર થયો. બંગાળી ફિલ્મ કેમેરામેન સુબ્રતા મિત્રા કોલકાતાના કબાડી બજારમાં ખાંખાખોળા કરવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમને કોઈ જૂની ફિલ્મની પ્રિન્ટ મળી, જે તેમણે મફતના ભાવે ખરીદી લીધી. તપાસ કરતાં ખબર પડી કે, એ પ્રિન્ટ 'નીચા નગર'ની હતી. સુબ્રતા મિત્રા સત્યજિત રેની અનેક ફિલ્મોમાં કેમેરામેન તરીકે કામ કરી ચૂક્યા હતા. તેઓ 'નીચા નગર'નું મહત્ત્વ બખૂબી સમજતા હતા. એ પ્રિન્ટ તેમણે તાત્કાલિક પૂણેની નેશનલ આર્કાઇવ્સને સોંપી દીધી. આ પ્રિન્ટની મદદથી પહેલી નવેમ્બર, ૨૦૧૫ના રોજ મુંબઈના રિગલ સિનેમામાં 'નીચા નગર'નો સ્પેિશયલ શૉ કરાયો હતો. એ શૉમાં ૮૮ વર્ષની વયના કામિની કૌશલે પણ હાજરી આપી હતી.

***

ચેતન આનંદનાં પત્ની ઉમા આનંદ એક પત્રકાર, લેખક અને તંત્રી પણ હતાં. તેઓ ૧૯૬૫થી ૧૯૮૧ સુધી સંગીત નાટક અકાદમીની પ્રતિષ્ઠિત 'સંગીત નાટક' નામના જર્નલના તંત્રી રહ્યાં હતાં. ઉમા આનંદ લિખિત અનેક બાળપુસ્તકોનું નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશન કરાયું છે. તેમણે 'ચેતન આનંદ: ધ પોએટિક્સ ઓફ ફિલ્મ' નામનું પુસ્તક પણ લખ્યું છે.

આ પુસ્તકમાં એક રસપ્રદ કિસ્સો ટાંકતા તેઓ લખે છે કે: 'નીચા નગર'ને કોઈ ડિસ્ટ્રિબ્યુટર નહીં મળતા ચેતન નિરાશ થઇ ગયો હતો. આ દરમિયાન તેને કોલકાતાથી એક પત્ર મળે છે, જેમાં એ લેખકે લખ્યું હતું કે, હું તમારી 'નીચા નગર' ફિલ્મ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું અને હું પણ મારી પહેલી ફિલ્મ બનાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યો છું. એ પત્રની નીચે એ સ્ટ્રગલર યુવકે સહી પણ કરી હતી, સત્યજિત રે.

એવું તો શું હતું 'નીચા નગર'માં.  

– 2 –

નીચા નગરઃ ભારતીય સિનેમાની ભૂલાયેલી ક્લાસિક

બ્રિટિશ યુગમાં ચીલાચાલુ કથા ધરાવતી કોમર્શિયલ ફિલ્મોની બોલબાલા હતી, ત્યારે નવાસવા યુવકોએ મૂડીવાદીઓનાં શોષણ સામે અવાજ ઉઠાવવા 'નીચા નગર' બનાવી હતી

ભારતમાંથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થયેલી પહેલી જ ફિલ્મ 'નીચા નગર'(૧૯૪૬)ને સૌથી મોટો 'ગોલ્ડન પામ' એવોર્ડ મળ્યો હતો. આ લખાય છે ત્યાં સુધી ભારતની એક પણ ફિલ્મને 'નીચા નગર' જેવું સન્માન મળ્યું નથી. બિમલ રોયની 'દો બીઘા જમીન' અને સત્યજિત રેની 'પાથેર પાંચાલી' પણ આ સન્માન મેળવી શકી ન હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, ચેતન આનંદ જેવા નવાસવા ફિલ્મમેકરની એ પહેલી જ ફિલ્મ હતી.

[ગયા અઠવાડિયે] પહેલા ભાગની આ કોલમમાં આપણે ચેતન આનંદ વિશે વાત કરી. આજે 'નીચા નગર'ની વાત.

રશિયન સાહિત્યકાર મેક્સિમ ગોર્કીના ૧૯૦૨માં લખાયેલા 'લૉઅર ડેપ્થ' નાટકની ક્લાસિકમાં ગણના થાય છે. આ નાટક વાંચતી વખતે પાત્રોને લઈને થોડી મૂંઝવણ થઈ શકે. નાટકમાં ખાસ કોઈ પ્લોટ પણ નહીં, સીધેસીધી વાત આગળ વધ્યા કરે અને છતાં વાચક એકવાર વાંચવાનું ચાલુ કરે પછી તેમાં ખૂંપી જાય અને બીજી વાર વાંચવા મજબૂર થાય. આ નાટક પરથી આઠેક ફિલ્મો બની, જેમાં ચેતન આનંદની 'નીચા નગર' અને જાપાનના ધુરંધર ફિલ્મસર્જક અકીરા કુરોસાવાની 'ડોન્ઝોકો' પણ સામેલ છે. ચેતન આનંદના યુવાનીના દિવસો ઉત્તરાખંડમાં વીત્યા હતા. કદાચ એટલે 'નીચા નગર'માં પણ ઉત્તરાખંડ જેવો જ કુદરતી માહોલ છે.

નીચા નગર નામ પ્રમાણે જ પર્વતની તળેટીમાં આવેલું ગામ છે, જ્યાં ખેતી-મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકો રહે છે. એવી જ રીતે, ધનવાનો પર્વત પર આવેલા ઊંચા નગરના સુંદર ઘરોમાં રહે છે. ફિલ્મમાં ઘણાં બધાં પાત્રોની ભૂમિકા મહત્ત્વની છે. કોઈ એક જ પાત્ર પર ફોકસ નથી કરાયું, પણ અનેક પાત્રોના આધારે લાલચ, ભ્રષ્ટાચાર, પ્રેમ, મૂંઝવણ અને લાચારી જેવાં માનવીય પાસાંની વાત કરતાં કરતાં ફિલ્મ આગળ વધે છે.

નીચા નગરમાં રૂપા (કામિની કૌશલ) નામની યુવતી રહેતી હોય છે, જે તેના જ ગામમાં રહેતા સાગર(એસ.પી. ભાટિયા)ને ચાહે છે. રૂપાનો ભાઈ બલરાજ (રફીક અનવર) નીચા નગરનો આગળ પડતો છોકરો છે. બલરાજનું પાત્ર ખાસ છે કારણ કે, એ ભૂમિકા પહેલાં બલરાજ સાહનીને ઑફર થઇ હતી. એવું કહેવાય છે કે, 'નીચા નગર'ના લેખક હાયાતુલ્લાહ અન્સારીએ બલરાજ સાહનીને ધ્યાનમાં રાખીને જ 'બલરાજ'નું પાત્ર લખ્યું હતું.

રૂપા અને બલરાજના મોટા ભાઈની પત્નીની ભૂમિકામાં છે, ઝોહરા સેહગલ. ફિલ્મમાં તે ફક્ત 'ભાભી' તરીકે ઓળખાય છે. નીચા નગરથી દૂર પર્વત પર 'ઊંચા નગર' હોય છે, જ્યાં રફી પીર તેમના પરિવાર સાથે ભવ્ય બંગલૉમાં રહેતા હોય છે. રફી પીરને 'સરકાર' નામ અપાયું છે, જે બ્રિટિશ રાજની શોષણખોર નીતિ પર પણ પ્રહાર કરે છે. સરકારની પુત્રી માયા (ઉમા આનંદ) કોલેજમાં અભ્યાસ કરે છે. બલરાજ પણ માયાની જ કોલેજમાં અભ્યાસ કરે છે, અને, તેઓ બંને એકબીજાંને પસંદ કરે છે.

નીચા નગરની કમનસીબી એ હોય છે કે, તે પ્રાઈમ લોકેશન પર આવેલું છે. એ જમીન પર સરકાર મહાકાય બિલ્ડિંગો બનાવીને તગડો નફો કરવા ઈચ્છતો હોય છે, પરંતુ ત્યાં રહેતાં લોકો બીજે રહેવા જાય તો જ આ યોજના શક્ય બને. નીચા નગર નજીક ગંદા પાણીનું એક નાળું પણ ઊભરાતું હોય છે. જો એ વિસ્તાર સાફ થઇ જાય, તો કોઇ પણ રિયલ એસ્ટેટ ડેવલપરને વિશાળ જમીનની લાલચ આપીને આ યોજનામાં ઝડપથી સામેલ કરી શકાય.

લોભિયા અને ક્રૂર સરકારના શેતાની દિમાગમાં એક આઇડિયા આવે છે. ગંદકીથી ખદબદતું નાળું ખાલી કરવા તેને નીચા નગર તરફ વાળી દઇએ તો કેવું! એવું કરવાથી ત્યાં રહેતાં લોકો બીજે જતાં રહેશે અને બિલ્ડિંગ બનાવવાની યોજનાનો ઝડપથી અમલ થઇ શકશે. સરકાર આ આઈડિયાનો અમલ શરૂ કરે છે, અને ફિલ્મ શરૂ થાય છે.

બલરાજ, રૂપા, સાગર અને હકીમ યાકૂબ ખાન ઉર્ફ ચાચા (હમીદ બટ) સહિતના થોડાં ઘણાં લોકો સરકારને મળીને વિનંતી કરે છે કે, ગંદકીથી ખદબદતું નાળું 'નીચા નગર' તરફ આવશે, તો અમારું જીવવું હરામ થઇ જશે. જો કે, સરકાર પોતાની યોજના સાથે બાંધછોડ કરવા તૈયાર નથી. ઊલટાનું તે ગ્રામજનો કહે છે કે, એ ગંદકીથી ભરેલું નાળું નથી, પરંતુ કેનાલ છે. એ કેનાલ જ નીચા નગરમાં સમૃદ્ધિ લાવશે, ખેતીને સિંચાઇનું પાણી મળશે અને ખેડૂતોનાં ઢોરોને પણ પીવાનું પાણી મળશે. ગ્રામજનો તો સરકારની આવી દલીલોથી જ હેબતાઇ જાય છે. સરકાર ગ્રામજનોની વાત સમજવા જ તૈયાર નથી અને મ્યુિનસિપાલિટી પણ સરકારના ઈશારે નાચે છે.

સરકાર સાથેની બેઠક પછી નીચા નગરના રહેવાસીઓ મૂંઝાઇ જાય છે, પણ સાગર ખાસ કંઇ દુઃખી નથી. સાગર નીચા નગરમાં રહેતો આધુનિક યુવક છે. નીચા નગરના લોકો સીધાસાદા અને જમીન સાથે જોડાયેલાં લોકો છે, જ્યારે સાગર પોતાને તેમનાથી અલગ સમજે છે. ગ્રામજનો સરકારને મળવા જાય છે એ પહેલાં એ વાત સરસ રીતે કહેવાઇ છે.

જેમ કે, સરકારને મળવા જતી વખતે સાગર શૂઝ પોલિશ કરે છે અને કપડાં પરની કરચલીઓ પણ દૂર કરે છે. પહેલી મુલાકાતમાં સરકાર પણ સમજી જાય છે કે, આ બધા ગ્રામવાસીઓમાં ફક્ત સાગર જુદો છે. એટલે સરકાર સાગરને પ્રાઇવેટ મીટિંગ માટે તેડું મોકલે છે. સાગર પણ સરકારને ખુશી-ખુશી મળે છે. સરકાર સાગરને સીધી નોકરીની ઑફર કરે છે. મારા ત્યાં મહિને રૂ. ૩૦૦ના પગારે નોકરીએ આવી જા, પરંતુ નીચા નગરમાંથી કેનાલ પસાર કરાવવાની જવાબદારી તારી. એ પછી કોઈ દૃશ્ય બતાવાતું નથી, પરંતુ તેનો અર્થ સ્પષ્ટ હોય છે કે, હવે સાગર 'સરકારનો માણસ' છે. છેવટે નીચા નગરમાં ગંદકીનો ઢેર ઠલવાય છે. એ દૃશ્ય જબરદસ્ત છે.

નીચા નગર તરફ આવતી ભયાવહ ગંદકીના દૃશ્યમાં પાણીમાં તરતાં મૃત પશુઓ, ગંદવાડમાંથી ઊઠતા પરપોટા અને નાળાના કિનારે લાઈનસર બેઠેલાં ગીધડાં પણ દેખાય છે. લોકોના ઘરોમાં ગંદુ પાણી ઘૂસી જાય છે. ગામમાં રોગચાળો ફાટી નીકળે છે. બાળકોની સ્થિતિ સૌથી બદતર હોય છે. નીચા નગરનું એક પ્રતિનિધિમંડળ સરકારને ફરી એકવાર મળવા જાય છે, પરંતુ તે કશું સાંભળવા તૈયાર નથી. સરકાર નીચા નગરમાં એક હોસ્પિટલ બંધાવે છે, જ્યાં બિમારોની બિલકુલ ફ્રીમાં સારવાર કરવાનો ઢંઢેરો પીટાય છે. આ દરમિયાન બલરાજ, રૂપા અને યાકૂબ ચાચા સરકાર સામે જુદી રીતે લડાઈ શરૂ કરે છે. તેઓ બિમારોની સારવાર માટે 'સેવા ઘર' શરૂ કરે છે અને ગ્રામજનોને કહે છે કે, તમારે સરકારની હોસ્પિટલમાં જઇને તેના હાથા બનવાની જરૂર નથી.

આ દરમિયાન રૂપા અને બલરાજના મોટા ભાઈની પુત્રી બિમાર પડે છે. ત્યારે ભાભી (ઝોહરા સહેગલ) તેમની પુત્રીને સરકારની હોસ્પિટલમાં લઇ જવા દબાણ કરે છે. આ દૃશ્યમાં ગરીબોની લાચારી મજબૂત રીતે રજૂ કરાઇ છે. નીચા નગરના ગ્રામજનોને પૈસા અને સત્તાના જોરે મજબૂર કરી દેવાય છે. સખત મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ ગંદકીમાં જીવે છે કારણ કે, નીચા નગર છોડીને જવું હોય તો પણ જાય ક્યાં? એટલે ક્રૂર સરકાર બીજો હથકંડો અજમાવે છે. મ્યુિનસિપાલિટીમાં કહીને નીચા નગરના પીવાનાં પાણીનાં જોડાણો કપાવી દે છે. છેવટે બલરાજની આગેવાનીમાં ગ્રામજનો સરકાર સામે ક્રાંતિની મશાલ જલાવે છે. પિતા (સરકાર) અને પ્રેમી(બલરાજ)ના ઝગડામાં પીડા અનુભવતી માયા પણ આ આંદોલનમાં જોડાય છે.

આ દરમિયાન સરકારે ઉચ્ચ અધિકારીઓની એક મીટિંગ યોજી હોય છે. એ મીટિંગમાં સરકારના માણસો એવું સાબિત કરતા હોય છે કે, નીચા નગરમાંથી પસાર થનારું નાળું ગંદુ નથી, પણ તેમાંથી તો પી શકાય એવું પાણી વહે છે. ત્યારે સરકારની પુત્રી નાળામાં પડે છે, કાદવ-કીચડ અને ગંદકીથી ખરડાય છે અને પછી ભર મીટિંગમાં એન્ટ્રી મારે છે. માયા મીટિંગમાં આવીને પોતાના વાળમાંથી ગંદકી નીચોવીને લોકોને બતાવે છે કે, નીચા નગરમાંથી આવું નાળું પસાર થઇ રહ્યું છે. છેલ્લે સરકાર સામે નીચા નગરના રહેવાસીઓની જીત થાય છે.

'નીચા નગર'ની વાર્તા ખૂબ જ સામાન્ય છે. ધન અને સત્તા વિરુદ્ધ ગરીબી અને લાચારીની લડાઈ, પરંતુ ખ્વાજા અહેમદ અબ્બાસનું સટીક અને 'ટુ ધ પોઇન્ટ' સ્ક્રીન પ્લે તેમ જ ચેતન આનંદનું ડિરેક્શન 'નીચા નગર'ને ખાસ બનાવે છે. જેમ કે, 'નીચા નગર'માં બલરાજ-માયાની પ્રેમકથા ગૌણ છે. કોઈ સરેરાશ હિન્દી ફિલ્મની જેમ તેઓ ઝાડની આસપાસ દોડાદોડ કરીને ગીતો નથી ગાતા કે કાલાઘેલા સંવાદોથી માથું નથી દુઃખાડતા.

એવી જ રીતે, સાગર અને રૂપાની પ્રેમકથામાં પણ મેલોડ્રામા નથી. સાગર સરકારનો માણસ બની જતાં તેના રૂપા સાથેના સંબંધનો અંત આવે છે, સિમ્પલ. બીજી પણ એક વાત નોંધવા જેવી છે કે, બલરાજની સરકાર સામેની લડાઇમાં માયા કોઈ મુશ્કેલી ઊભી નથી કરતી અને રૂપા પણ સાગરને ભૂલીને સરકાર સામેના આંદોલનમાં સક્રિય થઇ જાય છે. એ રીતે 'નીચા નગર' મજબૂત સ્ત્રીપાત્રોને રજૂ કરે છે. (બ્રિટિશ યુગમાં બહુ ઓછા સાહિત્યકારોએ મજબૂત સ્ત્રીપાત્રો રજૂ કર્યાં હતાં, જેમાંના એક હતા રવીન્દ્રનાથ ટાગોર).

આ ફિલ્મમાં પણ ટેકનિકલ અને નબળા અભિનય (જેમ કે, માયાનો) જેવી ખામીઓ છે, પરંતુ બ્રિટિશયુગમાં આવેલી મોટા ભાગની ફિલ્મો ધર્મ, દોસ્તી-દુશ્મની કે પ્રેમની આસપાસ ચકરાવા લેતી હતી ત્યારે 'નીચા નગર'ની ટીમે સિનેમાની મદદથી અન્યાય સામે અવાજ ઊઠાવ્યો હતો. 'નીચા નગર' જમાનાથી આગળ હતી અને એટલે જ ક્લાસિક છે. ફિલ્મમાં સાત ગીત છે, જેમાં બે ક્રાંતિ ગીત છે અને સંગીતની દૃષ્ટિએ સારા છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરીએ ૧૯૪૬માં બીજી બધી જ ફિલ્મોના બદલે 'નીચા નગર'ને જ કેમ 'ગોલ્ડન પામ' માટે પસંદ કરી, એ સમજવા યૂ ટયૂબ પર 'નીચા નગર' જોઇ લેજો. [અહીં તેની લિન્ક આપીએ છીએ : વિ.ક.]

https://www.youtube.com/watch?v=Zi4vJQC-QJU

'નીચા નગર'નાં કલાકારો અને કસબીઓની આજકાલ

'નીચા નગર' બાદ ચેતન આનંદે ઘણી ફિલ્મો બનાવી, જેમાં 'ફંટૂશ', 'હકીકત', 'હીર રાંઝા', 'હસતે જખ્મ' અને 'હિંદુસ્તાન કી કસમ' જેવી અનેક ઉત્તમ ફિલ્મોનો સમાવેશ થાય છે. 'નીચા નગર'ના કલાકારોમાં કામિની કૌશલ (રૂપા)ની ફિલ્મ કારકિર્દી સૌથી લાંબી રહી.

‘બિરાજ બહુ' માટે ૧૯૫૫માં તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો હતો. 'નીચા નગર' બનાવવામાં પડદા પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવનારા રફીક અનવર('નીચા નગર'નો બલરાજ)ના પુત્રો પણ ફિલ્મ ક્ષેત્રે નામ કમાયા. રફીક અનવરે ઓસ્ટ્રેલિયન યહૂદી મૂળની એડિથ રીક સાથે લગ્ન કર્યા હતા. તેઓ છૂટા પડયા પછી એડિથ તેમના નાનકડા પુત્ર તારીકને લઇને લંડન જતાં રહ્યાં.

અત્યારે તારીક ૭૨ વર્ષના છે અને હજુયે ફિલ્મ એડિટિંગ ક્ષેત્રે સક્રિય છે. 'અમેરિકન બ્યુટી' (૧૯૯૯) અને 'ધ કિંગ્સ સ્પિચ' (૨૦૧૦) માટે તેઓ ઓસ્કાર એવોર્ડ (એડિટિંગ) માટે નોમિનેટ થયા હતા. 'અમેરિકન બ્યુટી'ના એડિટિંગ બદલ તેમને બાફ્ટા એવોર્ડ પણ મળ્યો હતો. તારીક અનવરનાં પુત્રી ગેબ્રિઅલ અનવર પણ અભિનય ક્ષેત્રે છે. ૧૯૯૨માં આવેલી 'સેન્ટ ઓફ અ વુમન'માં અંધ લશ્કરી અધિકારી અલ પચીનો સાથે ટેન્ગો ડાન્સ કરનારી યુવતી એટલે ગેબ્રિઅલ અનવર. ભારતીય દર્શકોમાં તેઓ ૨૦૦૭માં રિલીઝ થયેલી ટેલિવિઝન સિરીઝ 'બર્ન નોટિસ'ની ભૂમિકાથી જાણીતાં છે.

ચેતન આનંદે ઉમા આનંદ ('નીચા નગર'ની માયા) સાથે લગ્ન કર્યા હતા. એક સમયે તેઓ છૂટા પડયાં પછી, ચેતન આનંદ જાણીતી અભિનેત્રી પ્રિયા રાજવંશ સાથે રહેતા હતા. છઠ્ઠી જુલાઈ, ૧૯૯૭ના રોજ ચેતન આનંદનું મુંબઇમાં મૃત્યુ થયું હતું. એ પછી ૨૭મી માર્ચ, ૨૦૦૦ના રોજ પ્રિયા રાજવંશની મુંબઇમાં હત્યા થઇ. એ કેસમાં અદાલતે ચેતન આનંદના પુત્રો કેતન અને વિવેદ આનંદ સહિત તેમના બે નોકરને જન્મટીપની સજા ફટકારી હતી.

સૌજન્ય : ’ફ્રેન્કલી સ્પીકિંગ’ કોલમ, ’શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 16 તેમ જ 23 મે 2018

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/shatdal-magazine-gujarati-writer-frankly-speaking-vishal-shah-16-may-2018

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/shatdal-magazine-gujarati-writer-frankly-speaking-vishal-shah-23-may-2018

Loading

2 June 2018 admin
← તુતીકોરિનના ગોળીબાર પાછળ છે પક્ષોની પનાહ પામેલ બદનામ વેદાન્તા ગ્રુપનો બેફામ વિસ્તાર
સુજાતા →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved