Opinion Magazine
Number of visits: 9481968
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંપો ને કેળ

ચુનીલાલ મડિયા|Opinion - Short Stories|25 October 2021

વેજલકોઠાનો અરધો પંથ માંડ કપાયો હશે ત્યાં તો બકુને એની આદત મુજબ પાણીની તરસ લાગી ગઈ અને અણસમજુ બાળક ‘બા! ભૂ પા’નું વેન લઈ બેસે એવી જ રીતે સાથે આવેલા ભોમિયા ગીગાભાઈ સમક્ષ એણે માગણી મૂકી : ‘ગીગાભાઈ! પાણી પીવું પડશે.’

‘ભાઈ! આંહીં અંતરિયાળ પાણી ક્યાંથી કાઢવું? જરાક પગ ઉપાડો તો અબઘડી વેજલકોઠે પોગાડી દઉં. પછી પાવરાપાટમાંથી એ … ને પેટ ભરીને પાણી પી લેજો. જરાક ઝપાટો કરો …’ ગીગાભાઈએ હાથની ચપટી વગાડતાં પગ ઉપાડ્યા.

‘જયલાલ! આપણાથી ઝપાટો નહિ થાય.’ બકુએ મારો ખભો ઝાલીને અટકાવવા મથતાં કહ્યું, ‘જરૂર પડે તો કોઈનું ઊંટ મારીને પણ પાણી તો પીવું જ પડશે!’

‘તો હાલો જરાક આડા તરીએ.’ ગીગાભાઈએ બકુ આગળ નમતું જોખતાં સૂચવ્યું. ‘ભેખડિયે નેહડે ધારોભાઈ રાંઢવા ને રાશ્યું–મોડા વણતો બેઠો હશે. પાણી પીને થાશું વે’તા પણ પંથ જરાક ફેરમાં આવશે હો! હાલવું વધારે પડશે.’

‘આઇ ડોન્ટ માઇન્ડ.’ પાણીની આશાએ બકુના પગમાં બમણું જોર આવી ગયું.

ઊંટ માર્યું હોત તો પણ જેટલું પાણી ન મળત એટલું બધું પાણી બકુ ગટગટાવી ગયો. મેં જરા ચેતવ્યો : ‘જોજે હો, પાણી ભલે પારકું રહ્યું, પેટ પારકું નથી. ને આ તો ગીરનું પાણી છે.’

પણ મમતે ચડેલો માણસ – અને તેમાં પણ પાછો બકુ – કોઈનું કહ્યું માને ખરો! વળી ઓછામાં પૂરું ધારાભાઈનાં ઘરવાળાં રખમાઈએ રોટલાનો લોટ મસળતાં મસળતાં બકુને આગ્રહ કર્યો : ‘પિયો બાપ! પિયો, ધરાઈને પીજો, હો! પાણીના તો માણહ પિયાવા બંધાવે છે.’

પાણી પીતાં પીતાં પણ બકુની ચંચળ આંખો આખા નેસનું નિરીક્ષણ કરી રહી હતી. ધારોભાઈ જઈફ અને બેવડ વળી ગયેલો આદમી હતો. સાગના તોતિંગ થડમાં ગાળિયો પરોવીને એ રાંઢવાં વણતો હતો. સંપૂર્ણ શ્વેતકેશી હતો. અવસ્થાએ આંખો ઊંડી ગઈ હતી પણ એમાં ય જીવન ઉપરની અખૂટ શ્રદ્ધા અછતી નહોતી રહેતી. રખમાઈ દેખાવ ઉપરથી તે ધાર્યા કરતાં ય વધારે વૃદ્ધ લાગતાં હતાં, અનેક ચોમાસાના ચાસ એમના કરચલિયાળા મોં પર મોજૂદ હતા.

ગીગાભાઈએ વેજલકોઠાની લાંબા પંથની ઉપરાઉપરી યાદ ન આપી હોત તો બકુ આ નેસમાંથી ઊઠત જ નહિ.

માંડ માંડ ત્રિપુટી આગળ વધી ત્યારે બકુની ચાલવાની ગતિ – પાણીના ભારને કારણે જ હશે – ધીમી પડતી ગઈ પણ જીભ તો વંટોળિયામાં ચડેલ પાનખરના પાંદડાની જેમ ઊપડી.

‘આ… હા… હા… શું સુખી જીવન છે, જયલાલ!’ આ ઊર્મિલ માણસથી બોલ્યા વિના ન રહેવાયું. ‘શ્રમજીવન જ સાચું સુખી જીવન નીવડે છે. પેલા માર્ક્સિસ્ટ્સ પણ સાચું કહે છે કે શ્રમમાંથી જ સર્વ કલાઓ અને સંગીન સાહિત્ય નીપજે છે.’

જીવન અને સાહિત્ય ઉપરના આ આલાપોને અમારા તરફથી કશો પ્રત્યુત્તર ન મળતાં બકુએ દાંપત્ય ઉપર વિવેચન શરૂ કર્યું : ‘આવાં આદર્શ પતિપત્ની હજી સુધી ક્યાં ય જોવા નહોતાં મળ્યાં.’

સાહિત્ય અને કલા ઉપરના વિવેચનમાં તો ગીગાભાઈ કશું સમજી શક્યા નહોતા, એટલે તેઓ મૂંગા જ રહેલા, પણ આ ‘પતિપત્ની’ શબ્દ તો તેઓ સમજી શકે એમ હતા. તુરત ગીગાભાઈએ વચ્ચે ખુલાસો કર્યો : ‘મોટા શેઠ! આ ધારો ને રખમાઈ ધણીધણિયાણી નથી, હો!’

‘નથી! ધણીધણિયાણી નથી? ત્યારે શું છે?’

‘એનું સગપણ હવે કાંઈ નો ગણાય. એક વાર ધણીધણિયાણી હતાં ખરાં પણ ઈ વાતને પળ પલટી…’

ગીગાનું આ કથન ચમકાવનારું હતું. બકુ જેવા ગંધીલા માણસનું કુતૂહલ કેમ કરી હાથ રહી શકે?

‘લ્યો સાંભળો વાત! ધણીધણિયાણી ન હોવા છતાં સાથે રહે છે. કમ્પેનિયનેટ મૅરેજ તો નહિ હોય ને, જયલાલ?’ બકુએ પૂછ્યું.

રોંઢો નમતો જતો હતો અને રસ્તો વિકટ આવતો હતો. ગીગાએ અમને સાબદા કર્યા : ‘હવે હાલવામાં ઝપાટો નંઈ કરીએ તો સાંજ મોરે વેજલકોઠે નંઈ અંબાય હો!’

‘પણ રખમાઈ–ધારાની વાત કરો. એ પહેલાં આપણા પગ નહિ ઊપડે.’ બકુએ હઠ લીધી.

ગીરની એક પછી એક ધાર ચડતા-ઊતરતા અમે આગળ વધતા હતા. ચારે બાજુ જામેલી ઘટાટોપ વનરાજીમાંથી જીવજંતુઓ અને પક્ષીઓના વિચિત્ર અવાજો એકસામટા સંભળાતા હતા.

‘ભાઈ! ધારો આજ તો અવસ્થાએ પહોંચી ગયો. પણ એક વાર આ ગર્યમાં એનો દાયકો હાલતો’તો. ધારાને નેહડે પાંચ વીહુથી બમણા માલનું ખાડું દૂઝે. નેહડે રખમાઈ રોટલા ઘડતી થઈ તે દીથી ધારાનો આવતો દી થ્યો એમ ધારો પંડ્યે કબૂલ કરતો. રખમાઈ લીલ–પગલી લખમી હતી.

‘આખી ગર્યમાં ધારાના નામની ફે ફાટે. ચાચાઈના ડુંગરમાં એક દીપડાને ડંગોરે ડંગોરે ગૂડી નાખ્યો તે દીથી ધારાની હાક બોલવા માંડી. જેવી ધારાની જુવાની, એવી જ રખમાઈની. કાચાપોચો માટી તો રખમાઈના મોં ઉપર બે આંખ ન ફેરવી શકે એવાં એનાં જાજરમાન તેજ. એક વાર કોઈ મકરાણી ફોજદાર ઘોડે ચઢીને ધારાના નેહડા પાસેથી નીકળ્યો. રખમાઈને જોઈને મિયાંભાઈએ કાંઈક ચાળો કર્યો. પછી જોઈ લ્યો એની મજા! મકરાણીને ઘર ભેગું થાવું ભોંયભારે થઈ પડ્યું. રખમાઈના પગમાં આળોટીને કહે : ‘માવડી! મેં તેરી ગઉઆ!’ આવી જોગમાયા ધારાનું પડખું સેવે. ભગવાને સામું જોયું ને ઘેર ઘોડિયું બંધાણું. દેવના ચક્કર જેવો ઘેરે દીકરો અમરો અવતર્યો.

‘ધારાનું નામ મોટું એમ રોટલેય પો’ળો. ત્રીશે રોજ મે’માન તો ઊભા જ હોય. એકને વળાવે ત્યાં બીજો આવી પૂગે. એક વાર સાથે ડુંગરેથી ભાઈબંધ પૂનમશી આવ્યો. ઝડવઝડ દી હતો ને મે’માન આવ્યા એટલે ધારે અને રખમાઈએ તાણ્ય કરીને રાતવાસો રોક્યા. બીકાણી ગર્યમાં સૂરજ આથમ્યે માણસ માઠું બહાર નીકળે. ભૂખ્યાં ડાંહ સાવજડાં મારણ કરવા હડિયાપટી કરતાં હોય એવે ટાણે મે’માનને કોણ હાલવા દિયે? પૂનમશી તો રાતવાસો રઈ ગયો.

‘નેહડાની બા’ર ધારાએ પોતાના પડખામાં પૂનમશીનો ખાટલો ઢાળ્યો ને બેય ભાઈબંધુ માથા નીચે કડિયાળી ડાંગું મૂકીને સૂતા. ગાય–ભેંસુનો માલ સંધોય વાડામાં પૂર્યો’તો ઈની ગંધ્ય ઉપર સાવજડાં છાતી ફાટી જાય ઈવી વાણ્યું નાખતા’તા, પણ ધારાના પેટમાં તો પાણી નો હાલે. ઈ તો એમ જ માને કે કૂતરો વાડ્ય ઠેકીને અંદર ખાબકે, ઈ ભેગો જ આ કડિયાળીએ ગૂડી નાખું.’

ગીગાભાઈએ એ વાત કરતાં કરતાં વિસામો લીધો – વાર્તાનું પ્રકરણ બદલાતું હોય એવી રીતે. પછી કશીક માર્મિક વાત અમને અબુધોને સમજાવવી હોય એવા ધીરા અવાજે કહ્યું : ‘ભાઈ! આ ગર્યની વસતિમાં રહેનારાંને નોખા નોખા ઓરડા ન જડે એટલે ભાયડામાતર બારણે ખાટલા ઢાળે ને બાયડીઉં નેહડામાં; છૈયાંછોકરાં જંપી જાય એટલે ઈ ઘડીક બારણે આવીને ધણીને પડખું દઈ જાય.’

આ પ્રદેશના જિન્સી જીવનની સમજૂતી બકુને ગળે ઊતરી ગઈ એટલે એણે ‘હં… હં… બરોબર’ કહીને સૂચક હોંકારો આપી દીધો અને ગીગાભાઈએ વાત આગળ વધારીઃ

‘આજે તો મે’માન છે એટલે રખમાઈ પડખું દેવા નઈ આવે એમ સમજીને ધારો તો પાછલી રાતે ઘોરી ગયો. પણ ભાઈ રખમાઈ તો ઈ વારીમાં જુવાનજોધ; ને પાછું ચડતું લોહી. નેહડા બાર્ય તો સોયરું ઘૂટ્યું હોય એવી કાળીડિબાંગ રાત્ય જામી’તી. મે’માન તો નીંદરમાં હશે, ને આવે અંધારે કોણ ભાળશે, એમ વિચાર કરીને રખમાઈ તો બાર્ય આવીને ખાટલાની પાંગતે બેઠી. એને મે’માનના ખાટલાનું ઓસાણ ન રિયું.

‘ભાઈ! બનવાકાળ છે ને, તી ધારાએ કોઈ દી નંઈ ને આજ ખાટલા ઢાળવામાં ભૂલ્ય કરી નાખી’તી. પોતાનો ખાટલો જમણી દૃશ્યને સાટે ડાબી કોર્ય ઢાળ્યો’તો. ધારો તો ઘરડ ઘરડ નાખોરાં બોલાવતો થાક્યોપાક્યો ઘોરતો’તો. થોડીક વાર ઈ પડખું ફર્યો તંયે કડલી રણકતી સાંભળી. અષાડ મૈ’નાની મેઘલી રાત્રે વીજળી ઝબકે એવો જાણે કે કડલી સાંભળતાં ઝબકાર થઈ ગ્યો. એને રખમાઈ યાદ આવી ને તરત એણે રોજની ટેવ પ્રમાણે ખોંખારો ખાધો…’

‘રખમાઈ નેહડામાં જાવા ઊઠતી’તી ત્યાં જ પડખેને ખાટલેથી ધણીનો ખોંખાર સાંભળ્યો ને એને ભૂલ્ય સમજાઈ ગઈ. સૂતો મે’માન પણ ઊભો થઈ ગયો ને ધારાને જગાડીને કીધું કે મેં તારું દૂધરોટલાનું વાળુ લજવ્યું છે. જોઈએ તો મારું માથું ઉતારી લે, હું ઊંકારો ય કરું તો મને લોબડીઆળી ભરખે! પણ ધારો કાંઈ અડબંગ નો’તો કે એક ઘા ને બે કટકા કરી નાખે. વચ્ચાર કરતાં એને પોતાની જ ભૂલ સમજાઈ ગઈ.’

‘ધારો કિયે કે મારી ભૂલ થઈ, ને રખમાઈ કિયે કે મારી ભૂલ થઈ. આમ ઘડીક તો ધણીધણિયાણી વચ્ચે ધડ્ય ચાલી. અંતે રખમાઈએ કીધું કે, મેં મારું સત ખોયું ને એક ભવમાં બીજો ભવ કર્યો, એટલે આ નેહડામાં પગ મેલીને એને અભડાવાય નહિ, હું મે’માન ભેગી હાલી નીકળીશ. તું આછુંપાતળું ગોતી લેજે.’ 

‘આહાહા! ડ્રામૅટિક!’ બકુ બોલ્યો.

‘તારી કૉમેન્ટરી હમણાં જરા બંધ રાખીશ?’ મેં બકુને વચ્ચે બોલતો અટકાવ્યો, ‘પછી સવારે શું થયું એ કહો, ગીગાભાઈ!’

‘ભાઈ! પછી ત્રણેય જણને અજંપો થઈ ગયો તી પ્રાગડ વાઈ ત્યાં લગણ કોઈ ઊંઘ્યું જ નંઈ. રમખાઈને પૂનમશીના રોટલા ઘડવાની ધારે છૂટ આપી પણ એક શરત કરી …’

‘ત્યારે તો કન્ડિશનલ કહો ને! શી શરત કરી?’ બકુએ પૂછ્યું.

‘ધારે વાત મૂકી કે અમરાને આંગળિયાત કરીને ભેગો લઈ જાવો; ને છોકરો મોટો થાય એટલે વરાવવો, પરણાવવો ને મારા પંડ્યના જ ગોતરીજને જારતો કરવો …’

‘એનું કારણ શું?’

‘ભાઈ! પંડ્યના દેવ કોને વા’લા ન હોય? ધારાને એમ કે હું બીજું ઘર કરું કે નો કરું ને બીજો દીકરો થાય કે નો થાય, આ સગો દીકરો અમરો વાંહે વાશ્ય તો નાખે ને? ને પોતાના કુળદેવને પૂજે તો બાપની સદ્ગતિ થાય ને?’

‘સવાર પડતાં જ પૂનમશીની સાંઢ ઉપર રખમાઈ ને એના ખોળામાં અમરો બેહીને હાલતાં થિયાં. જાવા ટાણે રખમાઈ તો ખોબે પાણીએ રોતી જાય ને ધારાને કે’તી જાય : ‘મારો આ એક ગુનો માફ કરજે ને કોક દી આ દીકરાના વાવડ પૂછતો રે’જે. સાવ માયા મેલી દઈશ મા!’

થોડી વારે ગીગાભાઈએ આગળ ચલાવ્યું :

‘રખમાઈ જાતાં ધારો ભાંગી ગયો. એનું માલનું ખાડું વીંખાઈ ગયું ને પોતે ય ભરજવાનીમાં ખોખલો થઈ ગયો. ધીમે ધીમે ઢોર ઓછાં કરી નાખ્યાં. નાતીલાએ બઉ વીનવ્યો કે ભાઈ! આછુંપાતળું બીજું ઘર કરી લે, પણ ધારો તો કિયે કે સાવજ ઊઠીને હવે ખડ નો ખાય. રતન ગિયા પછી કાચને કટકે મન નો વળે … ભાઈ! રખમાઈ તો સાચે જ રતન હતી; એનાં મૂલ નો થાય.’

‘ધરેહાર ધારે એંટ ન મેલી ને અંતે ભરજુવાનીમાં વેરાગમાં ઊતરી ગયો.’

‘રખમાઈનાં પણ કરમ ફૂટેલાં તી થોડાક દીમાં જ પૂનમશી કોગળિયામાં પાછો થયો. ધણીના ગામતરા પછી સંધોય ભાર રખમાઈ ઉપર આવી પડ્યો. રખમાઈએ ભાયડાની ઘોડ્યે ભેઠ વાળીને ખાડું સાચવ્યું ને અમરાને ઉછેરીને મોટો કર્યો. મનને મારીને એણે કાચો રંડાપો ઉજાળ્યો. હજી ધારાનું વે’ણ ઈ નો’તી ભૂલી. આટલા દી તો ધારો કોક કોક વાર અમરાનું મોં જોવા ને એની સાંઈ પૂછવા સાણે ડુંગરે ડોક કાઢી જાતો, પણ વૈરાગમાં પડ્યા પછી દીકરાની માયા ય એણે ઓછી કરી નાખી. પણ રખમાઈએ તો બરોબર ધારાનું વેણ પાળ્યું. એણે અમરાને રંગેચંગે પરણાવ્યો ને ધારાના ગોતરીજને પગે લગાડ્યો. પણ…’

‘દેવદેવીઓનાં વળગણ પણ માણસને ઓછાં હેરાન નથી કરતાં હો, જયલાલ!’ બકુએ ફરી વચ્ચે ટમકો મૂક્યો.

‘તું વેજલકોઠા સુધી મૂંગો રહે તો મહેરબાની!’ મેં કહ્યું, ‘ગીગાભાઈ! તમતમારે વાત પૂરી કરો.’

‘પણ રખમાઈ કરમમાં સુખનો રોટલો લખાવીને નો’તી આવી. અમરાને કોણ જાણે કેવી અવળમત્ય સૂઝી’તી કે એણે રખમાઈને દખ દેવા માંડ્યું. દીકરો ને વહુ માને ઢોરમાર મારે તો ય રખમાઈ ઊંકારો ન કરે. પોતાના કરમનો વાંક કાઢે ને ભગવાન પાસે વે’લું વે’લું મોત માગ્યા કરે. પણ એક દી તો અમરાએ માને પેર્યે લૂગડે જ નેહડામાંથી કાઢી મેલી. એક વાર જેણે દોમદોમ રાજવળું ભોગવ્યું’તું ઈની ધણિયાણી હાથપગે હાલી નીકળી!’

બકુ કશું બોલવા તો જતો હતો પણ મારી આંખનો ખૂણો જોઈને એ મૂંગો રહી ગયો. ગીગાભાઈએ કહ્યું :

‘એક વાર ભાદરવા અમાસે તળશીશ્યામનો મેળો ભરાણો છે. શામજીબાપાના મંદિરના અરતાફરતા એકેક ગાઉમાં જાત્રાળનું કીડિયારું ઊભરાણું છે. પંથેપંથના બાવાસાધુ ને ગામેગામની ભજનમંડળિયું ડુંગરા રોકીને પડી છે. ઠેકાણે ઠેકાણે દુહા, ધોળ ને ભજનની રમઝટું બોલે છે. એમાં એક ઝાડ હેઠળ ધારો ભગવી કંથા પે’રીને હાથમાં કાંસીજોડાં વગાડે છે, કપાળમાં ભભૂત ચોળી છે ને ડોકમાં રુદરાખની માળા. રખમાઈએ આવીને એના પગ ઝાલ્યા. ધારે સંધીય વાત પૂછી ને રખમાઈએ રજેરજ કીધી. રખમાઈનું દુઃખ ધારાથી જોયું નો ગિયું. એણે કાંસીજોડાં ત્યાં ને ત્યાં મેલી દીધાં ને હાડપિંજર જેવી થઈ ગયેલી રખમાઈનો હાથ ઝાલીને હાલી નીકળ્યો.

‘રખમાઈએ ધારાને કીધું કે અમરાને સમજાવ કે આપણને રોટલો દિયે. પણ ધારો કિયે કે હવે ઈ છોકરાનું મોઢું આ ભવે તો નંઈ જોઉં. એની સગી જણનારીને જાકારો દિયે ઈ દીકરો નંઈ પણ દીપડો કે’વાય. એણે મારું કુળ ને દેવતા બેયને લજવ્યાં.’ રખમાઈએ પૂછ્યું કે આપણે ખાઈશું ક્યાંથી? ધારો કિયે કે આપણે કાઢ્યાં એટલાં તો હવે કાઢવાનાં નથી ને? હું રાશ્યું–મોડાં વણીશ ને તું વેચી આવજે. એક રોટલા જેટલું રળશું તો ય અરધો અરધો ખાઈને સાંઢેવાંઢે સંસાર નભાવશું.’

‘જયલાલ! સ્ત્રી માટે ગમે તે કહો, પણ આર્થિક રીતે તો એ અનાથ જ છે. એ જ વસ્તુ એના જીવનમાં…’

‘નો કૉન્મેટ્સ, પ્લીઝ! મેં કહ્યું.

ગીગાભાઈએ ઉમેર્યું : ‘આ તે દીથી ધારો ને રખમાઈ આ પંથકમાં સાચક ગણાય છે. નવી વહુવારુ રખમાઈને પગેપડણું કરે છે, ને કોઈને આડું આવે તંયે ધારાની નાડીનું પાણી લઈ જવાય છે.’

‘ગીગાભાઈ! ઓલ્યો સામે ઊભો એ કયો ડુંગર?’ બકુએ ઓચિંતું જ પૂછ્યું. 

‘નાંદીવેલો.’

‘ને ઓલી એની પડખે ઊભી એ ટેકરી?’

‘નાંદીવેલી ડુંગરી કે’વાય છે ઈ.’

‘વાહ!’ બકુએ કહ્યું, ‘નામ પણ ઠીક પાડ્યાં છે! ને આ તો પાછું પતિ-પત્નીનું સજીવારોપણ. આ કેવો અલંકાર કહેવાય, જયલાલ?’

‘અહીં વ્યાકરણ કે અલંકારશાસ્ત્ર કરતાં ખુદ જીવન જ વધારે જોરદાર છે.’ મેં કહ્યું.

‘ભાઈ! ઈ તો ડુંગર ને ડુંગરી પરખોપરખ ઊભાં છે એટલે આવાં ધણીધણિયાણી જેવાં નામ પાડ્યાં છે. બાકી તો સંધાય પાણા જ.’ ગીગાભાઈએ સમજાવ્યું.

‘પણ એ પાણાની જેમ પડખોપડખ ઊભાં રહી શકે એ જ પતિપત્ની.’ બકુએ કહ્યું.

‘અત્યાર સુધીમાં બકુએ આ એક જ ટકોર સ્વસ્થપણે ને સાચી રીતે કરી હતી.’ પછી એ કથાના કેફમાં જ મૂંગો મૂંગો ચાલ્યો.

વેજલકોઠે પહોંચવા આવ્યા ત્યારે રોળ્યકોળ્ય દિવસ રહ્યો હતો. પણ ગીગાભાઈના મોંએથી વાત સાંભળ્યા પછી બકુનું મોં સિવાઈ ગયું હતું.

સંધ્યાની રૂંઝ્યું રમવા માંડી ત્યારે વિરડીમાંથી નેસડે પાછો ફરતો કોઈ જુવાન ગોવાળ દર્દનાક અવાજે ગાતો હતો :

તોળીરાણી તમે રે ચંપો ને અમે કેળ્ય …
એકી રે ક્યારામાં દોનું રોપિયાં જી …

બકુ અગાઉની મલ્લીનાથીનું સાંધણ કરતાં પોકારી ઊઠ્યો : ‘બ્યૂટિફુલ! ગ્રાન્ડ! સુપર્બ!’

[‘ચંપો ને કેળ’]

સૌજન્ય : ’એકત્ર’ સંચાલિત ‘ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા’

Loading

25 October 2021 admin
← યસ, આઈ લાઈક માય માર્ગારિટા : 

પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સમન્વય કરતું નાટક ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved