નોટબંધીનાં પગલાંની યાદ આપતી એક માહિતી સમાચાર રૂપે અખબારોમાં જુલાઈના આરંભમાં પ્રગટ થઈ. પ્રજામાં ફરતી ચલણી નોટો જૂનના આરંભે રૂ. ૧૯.૩૨ લાખ કરોડની થઈ. આ આંકડો સમાચારનો વિષય બન્યો, તેનું કારણ સમજીએ. ૨૦૧૬ના નવેમ્બરની આઠમી તારીખે વડાપ્રધાને લોકો માટે સાવ અણધારી રીતે રૂ. ૫૦૦ અને હજારની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી, ત્યારે પ્રજામાં ફરતી ચલણી નોટો રૂ. ૧૭.૧૭ લાખ કરોડની હતી. નોટબંધીનાં પરિણામે ૬-૧-૧૭ના રોજ પ્રજામાં ફરતી ચલણી નોટો ઘટીને ૮.૭૮ લાખ કરોડની થઈ હતી. ૨૦૧૭માં પ્રજામાં ફરતી ચલણી નોટોનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ૯.૫ ટકા થઈ ગયું હતું, જે ૨૦૧૫માં ૧૨ ટકા હતું, ત્યારે વડાપ્રધાનશ્રીએ નોટબંધીની સફળતા વર્ણવતાં સગર્વ જાહેરાત કરી હતી કે ચલણી નોટોનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ઘટીને નવ ટકા થઈ ગયું છે. હવે ચલણી નોટો મૂલ્યમાં રૂ. ૨.૧૫ લાખ કરોડ વધીને ૧૯.૩૨ લાખ કરોડ પર પહોંચી છે અને જી.ડી.પી.ના ટકા રૂપે ૧૧.૨૭ ટકા પર પહોંચી છે. આમ, ચલણી નોટો ઘટાડી નાખવાનો નોટબંધીનો ઉદ્દેશ જો હોય, તો પાર પડ્યો નથી. તેેથી પ્રજામાં ફરતી ચલણી નોટોનો આ આંકડો સમાચારોનો વિષય બન્યો.
પ્રજામાં ફરતી ચલણી નોટોને એક અનિવાર્ય અનિષ્ટ સમજવાના મૂળમાં કાળાં નાણાં અંગેની (ગેર)સમજ રહેલી છે. રોકડ નાણાંમાં થતા વ્યવહારોમાં કરચોરી કરવાનું સરળ થઈ જાય છે, જેથી એક બાજુ સરકારની કરની આવક ઘટે છે અને બીજી બાજુ કાળાંનાણાંનાં ધારી લીધેલાં અનિષ્ટો સર્જાય છે. આ રોકવાનો એક અસરકારક ઉપાય, આ તર્ક પ્રમાણે ચલણનું પ્રમાણ ઘટાડી નાખવાનો છે, જેથી લોકોને ચુકવણીઓ કરવાના અન્ય વિકલ્પો અપનાવવાની ફરજ પડે, પણ આ વિચારધારામાં કોઈ તથ્ય નથી.
રશિયામાં પ્રજામાં ફરતું ચલણ જી.ડી.પી.ના ૮.૮ ટકા છે, જ્યારે સિંગાપુરમાં એ પ્રમાણ ૯.૩ ટકા છે. રશિયામાં ચલણનું પ્રમાણ, સિંગાપુરની તુલનામાં ઓછું છે, પણ રશિયામાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં પ્રવર્તે છે, જ્યારે સિંગાપુર ભ્રષ્ટાચારથી મુક્ત રાષ્ટ્ર ગણાય છે. આ બાબતમાં જાપાન એક આત્યંતિક સ્વરૂપનું રાષ્ટ્ર છે. આ એક અત્યંત વિકસિત દેશેમાં ચલણનું પ્રમાણ જી.ડી.પી.ના લગભગ ૨૧ ટકા જેટલું મોટું છે. રોકડ નાણાંનું આટલું મોટું પ્રમાણ હોવા છતાં જાપાનમાં કાળાં નાણાં કે અન્ય ભ્રષ્ટાચારોની કોઈ અસામાન્ય સમસ્યા પ્રવર્તતી નથી. મુદ્દો એ છે કે કરચોરી અને લાંચરુશ્વત જેવા ભ્રષ્ટાચારોને અર્થતંત્રમાં ફરતાં નાણાંના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. દુનિયાના દેશોમાં ચલણનું પ્રમાણ જી.ડી.પી.ના છ ટકાથી માંડીને વીસ ટકા જેટલું જોવા મળે છે. ચલણના પ્રમાણનો આધાર લોકોની આદત અને અર્થતંત્રના સ્વરૂપ ઉપર છે. ચલણ ઘટાડી નાખીને લોકોને ડિજિટલ ચુકવણી કરવાની ફરજ પાડી શકાતી નથી, એ ભારતના અનુભવ પરથી સમજાય છે.
ભારતમાં નોટબંધી કરવામાં આવી, ત્યારે જે ચલણ હતું (રૂ.૧૭.૧૭ લાખ કરોડ) તેને દોઢેક વર્ષમાં જ વટાવી જવામાં આવ્યું, તે હકીકત થોડી ચર્ચાનો વિષય બની છે. એના બે ખુલાસા આપવામાં આવ્યા છેઃ એક, લોકો નાણું સંઘરવા માંડ્યા છે. અને બીજું, ચૂંટણીઓ નજીક હોવાથી રાજકીય પક્ષો નાણું સંઘરવા માંડ્યા છે. રોકડ નાણાંના ઉપયોગ અંગે ઉપર લોકોની આદતનો જે ઉલ્લેખ કર્યો છે, તેનાં આ બે ઉદાહરણો છે. ભારતમાં બૅંકોમાં રહેલું નાણું જે હૂંફ આપે છે, સલામતીનો જે અનુભવ કરાવે છે. તેની તુલનામાં હાથ પર રહેલાં નાણાંમાં લોકો વધારે સલામતી અનુભવે છે. એ.ટી.એમ.ની સગવડ થયા પછી પણ અણધાર્યા ખર્ચ માટે લોકો ગજા પ્રમાણે નાણું ઘરમાં રાખવાનું પસંદ કરે છે. નોટબંધી કરવામાં આવી ત્યારે ગૃહિણીઓની એક આદત ઊપસી આવી હતી : ઘણી ગૃહિણીઓ પતિ ન જાણે તેમ કેટલુંક નાણું પોતાની પાસે છુપાવી રાખે છે. એનો હેતુ પણ સાવચેતીનો જ હોય છે. અર્થતંત્રમાં જેને અસંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેનો મોટા ભાગનો વ્યવહાર રોકડ નાણાં દ્વારા થાય છે. તેનું મોટું ઉદાહરણ ખેતીનું છે, જેની આવકને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે, તેથી તેના રોકડ વ્યવહારોને કારણે કરચોરીનો પ્રશ્ન ઊભો થતો નથી.
કરચોરીને રોકડ નાણાં અને અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્ર સાથે સાંકળવાનું કેટલું યોગ્ય છે, તે જી.એસ.ટી.ના અનુભવના આધારે તપાસવા જેવું છે. નાણાપ્રધાને જોરશોરથી પ્રચાર કર્યા પ્રમાણે જી.એસ.ટી.ના અમલ પછી કરદાતાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે, અર્થાત્ કરપાલનમાં વધારો થયો છે. કરપાલનમાં આ સુધારો કરના વહીવટી સુધારાનું પરિણામ છે એ સ્પષ્ટ છે. વધારામાં નવા કાયદાનો સફળ અમલ કરવા સાથે સરકારની પ્રતિષ્ઠા સંકળાયેલી છે. તેથી વહીવટીતંત્રને સતત સાબદું રાખવામાં આવ્યું છે. આ અનુભવનો બોધ સ્પષ્ટ છે : કરચોરી કરના અસરકારક વહીવટની ખામીમાંથી ઉદ્ભવતું અનિષ્ટ છે, એ કેવળ કરદાતાઓની અપ્રામાણિકતામાંથી ઉદ્ભવતું અનિષ્ટ નથી. તે કરના વહીવટની અણઘડતા અને કરના વહીવટીતંત્રમાં બેઠેલાઓની અપ્રામાણિકતા સાથે સંકળાયેલું અનિષ્ઠ પણ છે. મુદ્દો એ છે કે અર્થતંત્રમાં થતી કરચોરીને અર્થતંત્રમાં ફરતા નાણાંના પ્રમાણ સાથે સંબંધ નથી, કરના વહીવટીતંત્રની કાર્યક્ષમતા સાથે તે સંકળાયેલી છે.
લોકોને એમની આદતો બદલવાની ફરજ પાડી શકાતી નથી તે આ કિસ્સામાં પણ જોઈ શકાયું છે. અર્થતંત્ર એની ગતિએ ડિજિટલ ચુકવણીઓ તરફ આગળ વધી રહ્યું છે. પાંચેક વર્ષમાં ૬૦ ટકા જેટલી ચુકવણીઓ ડિજિટલ પ્રથા દ્વારા થશે, એવો અંદાજ પણ છે. નોટબંધીથી લોકોને રોકડ નાણાંની અછતને કારણે ડિજિટલ પ્રથાનો આશ્રય લેવાની ફરજ પડી, તેથી નોટબંધી પછીનાં દોઢેક વર્ષ દરમિયાન ડિજિટલ ચુકવણીઓમાં મોટો વધારો થયો, પરંતુ ચલણી નાણું પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતાં લોકો તેમની આદત પ્રમાણે રોકડેથી વ્યવહાર કરતા થઈ ગયા છે અને ડિજિટલ ચુકવણીઓની પ્રથા પોતાની રીતે વિસ્તરી રહી છે.
નોટબંધી કાળાં નાણાં પકડી પાડવાના જે ઉદ્દેશથી કરવામાં આવી હતી, તેમાં કોઈ સફળતા સાંપડી નહીં, પણ તેની મોટી કિંમત અર્થતંત્રને ચૂકવવી પડી. તથાપિ એ પગલું સદંતર નિષ્ફળ નીવડ્યું નથી, તે દેખાડવા માટે તેની સાથે બીજા ઉદ્દેશો જોડવામાં આવ્યા. એ ઉપજાવી કાઢવામાં આવેલા ઉદ્દેશોની બાબતમાં પણ કોઈ સફળતા સાંપડી નથી, તે પ્રજામાં ફરતાં ચલણમાં થયેલી મોટી વૃદ્ધિના દાખલામાં જોઈ શકાય છે. અર્થતંત્રમાં ફરતાં કાળાં નાણાંના જંગી જથ્થા અંગે તેમ જ તેનાં અનિષ્ટો અંગે લોકોમાં જે ભ્રામક માન્યતાઓને પોષવામાં આવી હતી, તેનો રાજકીય લાભ નોટબંધી દ્વારા વડાપ્રધાન લઈ શક્યા. લોકોની નજરમાં કાળાં નાણાંના અસુરનો વધ કરવા વડાપ્રધાન સંગ્રામ ખેલી રહ્યા છે, એવી તેમની પ્રતિમા ઊપસી આવી અને લોકોએ નોટબંધીએ સર્જેલી હાડમારી ભોગવી લીધી. મજૂર કાયદાઓમાં સુધારા અને ઍર ઇન્ડિયા જેવા જાહેરક્ષેત્રના ધોળા હાથીઓનું ખાનગીકરણ કરવા જેવા મોટા સુધારા કરવાની રાજકીય હિંમત દાખવવાના વિકલ્પે નોટબંધીનું નાટાકીય પગલું ભરવામાં આવ્યું હતું.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 04-05