
રાજ ગોસ્વામી
એક બહેતરીન હાસ્ય કલાકાર તરીકે અસરાનીએ ભલે આપણું મન ભરીને મનોરંજન કર્યું હોય, એક અભિનેતા તરીકે તેમને એ વસવસો રહી ગયો હતો કે ફિલ્મકારોએ તેમને કોમેડીના પિંજરામાં જ કેદ રાખ્યા. અસરાનીની એ તીવ્ર ઇચ્છા હતી કે તેઓ ખુદને એક ગંભીર અભિનેતા તરીકે સાબિત કરે. તેમણે ઘણી ભૂમિકાઓ પસંદ કરતી વખતે આ ઇચ્છાને ધ્યાનમાં પણ રાખી હતી. એટલું જ નહીં, ફિલ્મકારો તેમના વિશે કોમેડિયનથી આગળનું વિચારતા નહોતા એટલે અસરાનીએ ગાંઠનું ગોપીચંદન કરીને એક ફિલ્મ પણ બનાવી હતી, જેમાં તે હીરો હોય.
તે ફિલ્મ એટલે 1977માં આવેલી ‘ચલા મુરારી હીરો બનને.’ અસરાનીએ કહ્યું હતું કે તેમણે આ ફિલ્મ કેવળ મનોરંજન માટે નહોતી બનાવી, પરંતુ પોતાનાં સપનાંની અને તેને સાકાર કરવાના સંઘર્ષની વાર્તા કહેવા માટે બનાવી હતી.
‘ચલા મુરારી હીરો બનને’ની વાર્તા-રૂપરેખા ખુદ અસરાનીના અનુભવોથી પ્રેરિત હતી. મુરારી નામનો એક નાનકડા શહેરનો છોકરો સપનાંની નગરી મુંબઈમાં આવે છે, સંઘર્ષ કરે છે, હાર-જીત કરે છે અને અંતે સફળ થાય છે – આ વાર્તામાં અસરાનીએ પોતાના આંતરિક અવાજ અને અનુભવોને સમાવ્યા હતા.
ગયા અઠવાડિએ આપણે ‘ગુડ્ડી’ ફિલ્મની ચર્ચા કરી ત્યારે જોયું હતું કે પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગનો કોર્સ કરતા ગોવર્ધન કુમાર અસરાનીએ કેવી રીતે ઋષિકેશ મુખર્જીની પાછળ પડી જઈને એ ફિલ્મમાં કુંદન નામના એક ગામડિયા યુવાનનો રોલ મેળવ્યો હતો, જે ગ્લેમરથી અંજાઈને હીરો બનવા માટે મુંબઈ આવે છે અને પછી હતાશાનો ભોગ બને છે.
અસરાનીએ અનેક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે આ ફિલ્મ તેમની ‘હીરો બનવાની લાલચ’નું પ્રતિબિંબ હતી – તેમણે તેમની કોમેડિયનની છબીને તોડીને પોતાને મુખ્ય હીરો અને ફિલ્મ નિર્દેશક તરીકે જોવાની કોશિશ કરી હતી.

કોમેડિયન-અસરાનીની સરખામણીમાં નિર્દેશક-અસરાનીનો માર્ગ આસાન નહોતો. તેમણે જ્યારે આ ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો, ત્યારે ઘણા સહકલાકારોએ તેને નકારી કાઢ્યો હતો. એમાં અમુક તો તેમના મિત્રો પણ હતા. “હું સહ-અભિનેતા તરીકે બરાબર હતો,” અસરાનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “પણ જેવી મેં હીરો બનવાની વાત કરી, તો જે લોકો સાથે માટે ખાવા-પીવાના સંબંધો હતા તેમણે પણ ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં.”
અસરાનીને આનાથી બહુ દુઃખ થયું હતું. તે દરેક કલાકાર સાથે કામ કરવા માટે હરહંમેશ તૈયાર રહેતા હતા, પણ જ્યારે ખુદની ફિલ્મ બનાવી ત્યારે તેમાંથી ઘણાને તેમની નિર્દેશકની કાબેલિયત પર શંકા થવા લાગી હતી. “હીરો લોકોને એક કોમેડિયનની આજ્ઞાનું પાલન કરવાનું પચતું નહોતું,” એમ અસરાનીને લાગ્યું હતું.
ફિલ્મની નિર્માણ-પ્રક્રિયા દરમિયાન એવી ઘણી ક્ષણો આવી હતી; અસરાનીને તેમના આ નિર્ણય અંગે શંકા પડી હતી. તેમણે પહેલીવાર અનુભવ કર્યો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈમેજ અને સ્ટેટસનું ઘણું મહત્ત્વ છે. તેમણે જ્યારે ફિલ્મ નિર્દેશક બનવાનો નિર્ણય જાહેર કર્યો, ત્યારે ઘણા લોકોએ તેમને ચેતવ્યા હતા કે “જે લોકો પ્રસિદ્ધ છે તેમને તેમની ઈમેજ બદલતાં વાર લાગે છે.” મતલબ કે, અસરાનીને લોકો કોમેડિયન તરીકે જ જોવા ટેવાયેલા છે અને હીરો-નિર્દેશક તરીકે નહીં સ્વીકારે.
‘દીવાર’ અને ‘ત્રિશુલ’ જેવી ફિલ્મોના નિર્માતા ગુલશન રાયે અસરાનીને એક કડવી સલાહ આપી હતી કે “એકવાર એક્ટર ખુદને નિર્દેશક તરીકે જાહેર કરે છે, પછી ફિલ્મ જગતમાં લોકો તેને કલાકાર તરીકે જોવાનું બંધ કરે છે. આઈ.એસ. જોહર, મહેમૂદ, જોની વોકર અને દેવેન વર્મા સાથે એવું જ થયું હતું.”
તેમ છતાં, અસરાનીએ ફિલ્મ બનાવવાનું તેમનું સપનું પૂરું કર્યું. ‘ચલા મુરારી હીરો બનને’માં વાર્તાની શરૂઆત એક નાના શહેરમાંથી થાય છે. ત્યાં મુરારીના પિતા કપડાંની દુકાન ચલાવે છે અને મુરારી ફિલ્મોમાં જવાનાં સપનાં જુએ છે. ફિલ્મમાં, અસરાનીએ એ બતાવ્યું હતું કે કેવી રીતે સપનાં જોવામાં કેટલાં સરળ લાગે છે પરંતુ તેને સાકાર કરવામાં કેટલી અડચણો આવે છે.
ફિલ્મની થીમમાં તે સમયના સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનની ઝલક પણ જોવા મળે છે. એક તરફ ભારતના હજારો યુવાનોનાં સપનાં, રોમાંચ અને ફિલ્મના હીરો બનવાની ઇચ્છા છે; તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા, સંઘર્ષ અને કડવી હકીકત છે. એક રીતે, ‘ચલા મુરારી હીરો બનને’માં તે સમયની ફિલ્મોની ખોખલી દુનિયાને ઉજાગર કરવામાં આવી હતી.
ફિલ્મના નિર્માણ પાછળની અસરાનીની માનસિકતા વિશે વાત કરીએ તો, તેમણે જણાવ્યું કે આ ફિલ્મ બનાવી ત્યારે તેમની કેરિયરનો સૌથી નબળો તબક્કો ચાલતો હતો. તેઓ સહ-અભિનેતા તરીકે તો પ્રસિદ્ધ હતા, પરંતુ હીરો કે નિર્દેશક તરીકે તેમને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. આ ફિલ્મ પછી અસરાનીએ લોકોને મળવાનું અને તેમની સાથે ઉઠવા-બેસવાનું ઓછું કરી નાખ્યું હતું. તેમને મહેસૂસ થયું કે બોલ બચ્ચનથી કંઈ વળતું નથી, આ કઠોર દુનિયા છે અને લોકો તમને પાડવા માટે ટાંપીને બેઠા હોય છે.
ફિલ્મમાં અસરાનીએ અમુક યુક્તિઓ કરી હતી. જેમ કે મહેમાન કલાકાર તરીકે તેમાં મોટા સ્ટાર્સ હતા. જેમ કે – અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા મલિની, ઋષી કપૂર વગેરે. ફિલ્મને વ્યવસાયિક દૃષ્ટિએ ફાયદાકારક બનાવવા માટે એમાં અમુક નામો અને ચહેરા હોવા જરૂરી હતા. આર.ડી. બર્મન અને કિશોર કુમારે આ ફિલ્મમાં મધુર ગીતો પણ આપ્યાં હતાં.
આ ફિલ્મ બહુ મોટી હિટ તો સાબિત ન થઇ, પરંતુ અસરાનીને એ આશા તો બંધાઈ કે તેઓ તેમની વાત કહી શકે તેમ છે અને પોતાની રીતે કામ કરી શકે તેમ છે. આ ફિલ્મ પછી તેમણે નિર્દેશકના રૂપમાં વધુ પ્રયાસો કર્યા હતા. તેમની આ કોશિશથી એક સંદેશ મળ્યો કે એક સાચા કલાકારે એવી ઈમેજમાં કેદ રહેવાની જરૂર નથી જે ઇન્ડસ્ટ્રી તેમના માટે નક્કી કરે – પરંતુ તેમાં પરિવર્તન લાવવા માટે હિંમત રાખવી જોઈએ.
‘ચલા મુરારી હીરો બનને’ કેવળ એક ફિલ્મ માત્ર નથી, પરંતુ તે અસરાનીનાં બાહ્ય અને આંતરિક સંઘર્ષ, તેમની ઊંચી આકાંક્ષાઓ, ફિલ્મ જગતની નગ્ન વાસ્તવિકતાઓ અને સમાજના લોકોનાં સપનાં વચ્ચેના તનાવની પ્રતિક છે. આજે જ્યારે આપણે આ ફિલ્મને યાદ કરીએ છીએ ત્યારે, આપણે તેને મનોરંજન તરીકે નહીં પરંતુ અસરાનીના તે ભાવનાનું પણ સ્મરણ કરીએ છીએ, જેણે એક કોમેડિયનને હીરો અને નિર્દેશક બનવા માટેનો રસ્તો બનાવ્યો હતો.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 12 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

