Opinion Magazine
Number of visits: 9449106
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—93

દીપક મહેતા|Opinion - Opinion|1 May 2021

એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?

મુંબઈમાં ખભેખભા મિલાવીને ઊભા રહ્યા છે ગુજરાતી અને મરાઠી લોકો

વરસ ૧૮૨૦, મહિનો ઓગસ્ટ, તારીખ ૧૦. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનના પ્રમુખપદે મુંબઈમાં એક મિટિંગ મળી હતી. એ વખતે નવી નવી શરૂ કરેલી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં શીખવી શકાય એવાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે શું કરી શકાય એની વિચારણા કરવા માટે. પહેલો નિર્ણય લીધો ‘નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવાનો. તેનો કારભાર ચલાવવા માટે ૧૨ ‘દેશી’ સભ્યોની કમિટી પણ બનાવી. તેના ચાર પારસી સભ્યો : ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, અને સર જમશેદજી જીજીભાઈ. ચાર હિંદુ સભ્યો તે દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હરજી મોદી, જગન્નાથ શંકરશેઠ, અને ધાકજી દાદાજી. ચાર મુસ્લિમ સભ્યો, મુંબઈના કાજી, કાજી ગુલામ હુસેન, મોહમ્મદઅલી રોગે, અને મોહંમદ ઇબ્રાહિમ મકબા. અને તે દિવસથી જાહેર હિતનાં કામોમાં જૂદાં જૂદાં ભાષા અને ધર્મના લોકોને સાથે રાખવાનું મુંબઈમાં શરૂ કર્યું. સરકારના બીજા કેટલાક અધિકારીઓએ આનો સખત વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આજે પાઠ્યપુસ્તકો બનાવવાના કામમાં આ રીતે ‘દેશી’ઓને સાથે રાખશું, તો આવતી કાલે રાજના કારભારમાં પણ તેઓ માથું મારતા થશે. પણ એલ્ફિન્સ્ટન ટસના મસ ન થયા. બીજું, તેઓ દૃઢપણે માનતા હતા કે સ્કૂલનું શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ. અંગ્રેજી ભાષા અને સાહિત્ય શીખવવાનાં જરૂર, પણ દેશી ભાષાઓને બદલે નહિ, તેના ઉપરાંત.

મરાઠી પંડિતે લખેલું ગુજરાતી વ્યાકરણ

નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટીએ જે પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં તેમાનું એક હતું ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ.’ અને આ પુસ્તક તૈયાર કોણે કરેલું? ગંગાધર શાસ્ત્રી ફડકે નામના એક મરાઠી પંડિતે! પ્રસ્તાવનામાં લખે છે: ‘હું તો અસલ દક્ષણી, પણ મેં એ ભાષા ઉપર અભ્યાસ સારી પેઠે કર્યો તથા સંસ્કૃત વ્યાકરણ ભણેલો છઉં તેથી તથા મહારાષ્ટ્ર ભાષાનું વ્યાકરણ પણ મેં કર્યું છે તે ઉપરથી આ ગુજરાતી વ્યાકરણ બનાવ્યું છે.’ આ શાસ્ત્રીજી નિશાળોના ઇન્સ્પેક્ટર હતા એટલે વર્ગશિક્ષણની જરૂરિયાતોનો તેમને ખ્યાલ હતો. વળી નવા ‘મહેતાજીઓ’ તૈયાર કરવાની જવાબદારી પણ તેમને સોંપી હતી એટલે શિક્ષકોની જરૂરિયાતોથી પણ તેઓ વાકેફ હતા. પછીથી તેમણે આ ગુજરાતી વ્યાકરણને વધુ વિસ્તૃત કરીને તેની નવી આવૃત્તિઓ પણ તૈયાર કરી હતી.

૧૭૯૭માં પહેલી વાર ગુજરાતી લખાણ છપાયું – મુંબઈમાં

પણ માત્ર દેશી લોકોને જ ગુજરાતી-મરાઠી જેવી ભાષાઓ ભણાવવાથી એલ્ફિન્સ્ટનને સંતોષ નહોતો. લંડનમાં બેઠેલા કંપનીના ડિરેક્ટરો હિન્દુસ્તાન વિષે બહુ ઓછું જાણતા. એટલે તેઓ માનતા કે એ દેશમાં કામ કરવા જે અંગ્રેજ અમલદારોને મોકલીએ તેમને હિન્દુસ્તાની ભાષા આવડે એટલે ભયો ભયો. પણ મુંબઈ આવ્યા પછી એલ્ફિન્સ્ટનના ધ્યાનમાં એ વાત આવી કે બોમ્બે પ્રેસિડન્સીમાં કામ કરતા અંગ્રેજોને મરાઠી, ગુજરાતી, કાનડી, જેવી દેશી ભાષાઓ આવડે એ વધુ જરૂરી છે. એટલે તેમણે મુંબઈ ઇલાકા પૂરતો નિયમ કર્યો કે અહીં કામ કરતા અંગ્રેજ અમલદારોને હિન્દુસ્તાની ઉપરાંત ઓછામાં ઓછી એક ‘દેશી’ ભાષા આવડવી જ જોઈએ. અને અમલદારો એક કરતાં વધુ દેશી ભાષા શીખે તે માટે તેમણે એવો નિયમ કર્યો કે જે અમલદારો એક કરતાં વધુ દેશી ભાષા શીખે તેમને નોકરીમાં બઢતી આપવામાં આવશે. આ માટે વરસમાં ત્રણ વખત પરીક્ષા લેવાતી, અને તેમાં પાસ થાય તો જ અમલદાર ગુજરાતી કે મરાઠી કે કાનડી ભાષા જાણે છે એવું પ્રમાણપત્ર અપાતું. પરિણામે એ વખતે બોમ્બે પ્રેસિડન્સીમાં જે ૧૩૦ સિવિલ સર્વન્ટ્સ હતા તે બધા એક કે તેથી વધુ દેશી ભાષા જાણતા થયા હતા.

પણ એલ્ફિન્સ્ટન આ બધાં કામ કરી શક્યા કારણ તેઓ ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે મુંબઈના ગવર્નર બન્યા ત્યારે ભલે આછું પાતળું, પણ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હતું. માનશો? છેક ૧૮૪૫ સુધી અમદાવાદ શહેરમાં એક પણ છાપખાનું નહોતું! છાપખાનું નહોતું એટલે અખબાર અને સામયિકો નહોતાં, પુસ્તકો છપાતાં નહોતાં. જ્યારે મુંબઈમાં છેક ૧૭૭૭માં રુસ્તમજી ખરસેદજીએ બજાર ગેટ વિસ્તારમાં પહેલવહેલું છાપખાનું શરૂ કર્યું હતું. આ છાપખાનામાં છપાઈને ૧૭૮૦માં પહેલી વાર અંગ્રેજી કેલેન્ડર બહાર પડ્યું હતું. અને આ કેલેન્ડર તૈયાર કર્યું હતું તે પણ એક પારસીએ! પારસીઓ વિશેની માહિતીની ખાણ જેવા ‘પારસી પ્રકાશ’ના પહેલા દફતર(ભાગ)માં આ અંગે લખ્યું છે: ‘આએ વર્ષમાં (૧૭૮૦માં) રૂસ્તમજી કેરશાસ્પજી નામના એક પારસીએ પહેલવહેલાં ઇન્ગ્રેજીમાં ‘કાલેન્ડર’ છાપી પરગટ કીધી હતી.’ આમ, એલ્ફિન્સ્ટન ગવર્નર બન્યા તેનાં લગભગ ૩૨ વરસ પહેલાં મુંબઈમાં છાપખાનું આવી ગયું હતું.

તેવી જ રીતે એલ્ફિન્સ્ટનના આગમન પહેલાં જ મુંબઈમાં અંગ્રેજી છાપાં શરૂ થઈ ગયાં હતાં. છેક ૧૭૮૯માં બોમ્બે હેરાલ્ડ નામનું અખબાર શરૂ થયું જેનું નામ બદલીને ૧૭૯૧માં બોમ્બે ગેઝેટ કરવામાં આવ્યું. ૧૭૯૦માં શરૂ થયું બીજું અંગ્રેજી છાપું બોમ્બે કુરિયર. પહેલાં તો તેમાં બધા સમાચાર, જાહેર ખબર, વગેરે અંગ્રેજીમાં જ છપાતું. પણ પછી મુંબઈ સરકારને સમજાયું કે જો વાત લોકો સુધી પહોંચાડવી હોય તો તે ગુજરાતી-મરાઠી જેવી દેશી ભાષાઓમાં છાપવી જોઈએ. પણ બે મોટી મુશ્કેલી : એક તો આ ભાષાઓ છાપવા માટેનાં બીબાં, ટાઈપ, ફોન્ટ, કોઈએ બનાવ્યાં જ નહોતાં. અને એટલે આ ભાષાઓમાં અખબાર પણ છપાતાં નહોતાં. તો કરવું શુ? સરકારી અધિકારીઓએ બોમ્બે કુરિયરના માલિક એશબર્નર સાથે વાત કરી. તેણે કહ્યું કે નિયમિત રીતે જાહેર ખબર આપો તો સગવડ તો થઈ શકે. બહેરામજી છાપગર નામે એક પારસી ગુજરાતી એ પ્રેસમાં કમ્પોઝીટર – બીબાં ગોઠવનાર – તરીકે કામ કરે. તેને પૂછ્યું તો કહે કે જરૂર હોય તો ગુજરાતી બીબાં તો હું બનાવી દઉ. અને કેવળ આપસૂઝથી, હૈયા ઉકલતથી તેમણે પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં, અને તે વાપરીને બોમ્બે કુરિયરના ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯મી તારીખના અંકમાં પહેલવહેલી વાર ગુજરાતીમાં મજકૂર છપાયો. ગવર્નર જોનાથન ડંકનની સહીથી સરકારી જાહેરાત છપાઈ હતી જેમાં મુંબઈ શહેરમાં રસ્તા પર રખડતાં ઢોરને પકડીને પાંજરે પૂરવામાં આવશે અને તેના માલિકને પાંચ રૂપિયા દંડ થશે એમ જણાવવામાં આવ્યું હતું. ત્યારથી આ છાપામાં ગુજરાતીમાં અને પછી મરાઠીમાં જાહેરાતો અને જાહેર ખબરો છપાવા લાગી.

મુંબઈથી પહેલું ગુજરાતી માસિક શરૂ કરનાર નવરોજી ફરદુનજી

પછી ૧૮૧૨માં આવ્યું માત્ર ગુજરાતી છાપકામ કરતું છાપખાનું. ફરદુનજી મર્ઝબાનજીએ પોતાના આ છાપખાનામાં પહેલાં તો હિંદુ પંચાંગ છાપ્યું અને પછી છાપ્યાં પુસ્તકો. જો કે ૧૮૧૫ પહેલાં ત્યાં છપાયેલું કોઈ પુસ્તક આજે મળતું નથી. પણ ૧૮૧૫માં છપાયેલાં બે પુસ્તકો જોવા મળે છે : જ્યોતિષશાસ્ત્ર અંગેનું ‘ફલાદીશ’ અને ‘દબેસ્તાન’ નામનું અનુવાદિત પુસ્તક. અમદાવાદમાં પહેલું અખબાર છેક ૧૮૪૯મા શરૂ થયું, ‘વરતમાન.’ જ્યારે મુંબઈમાં પહેલું ગુજરાતી છાપું શરૂ થયું ૧૮૨૨માં.

ગુજરાતી ભાષા-સાહિત્યના ઇતિહાસનું કોઈ પણ પુસ્તક હાથમાં લો. તેમાં લખ્યું હશે કે ૧૮૫૦માં અમદાવાદથી પ્રગટ થયેલું ‘બુદ્ધિપ્રકાશ’ એ આપણી ભાષાનું પહેલું માસિક. પણ ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું તે પહેલાં મુંબઈથી ગુજરાતી છાપાં અને મેગેઝીન પ્રગટ થતાં હતાં તેનો પુરાવો ખુદ ‘બુદ્ધિપ્રકાશ’ના પહેલા જ અંકમાંથી મળી રહે છે. એ અંકની પ્રસ્તાવનામાં લખ્યું છે: ‘જેટલાં મુંબઈનાં વરતમાન અથવા ચોપાનિયા આવે છે તેને લોકો ગપાઊંસ (ગપ્પાં) કહે છે.’ એ વખતે મેગેઝીન માટે ‘ચોપાનિયું’ શબ્દ પ્રચલિત હતો. પણ આનો અર્થ એ થયો કે બુદ્ધિપ્રકાશ એ આપણું પહેલું મેગેઝીન નહિ. તો પહેલું કયું? ૧૮૪૦માં મુંબઈથી શરૂ થયેલું ‘વિદ્યાસાગર.’ એના સ્થાપક તંત્રી હતા નવરોજી ફરદુનજી. એલ્ફિન્સ્ટન કોલેજમાં અધ્યાપક તરીકે નીમાનાર તેવણ પહેલા ગુજરાતી. પારસી ધર્મ, સમાજ સુધારો, શિક્ષણ અંગે અનેક કામો કર્યાં. નવરોજીનો જન્મ ૧૮૧૭ના માર્ચની ૧૦મી તારીખે, ભરૂચમાં. બેહસ્તનશીન થયા મુંબઈમાં, ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૨૨મી તારીખે.

ગુજરાતીઓના મિત્ર અને મદદગાર ડો. ભાઉ દાજી

ઓગણીસમી સદીમાં મુંબઈ ઇલાકામાં જ નહિ, આખા દેશમાં ‘મહારાજ લાયબલ કેસ’ ખૂબ ચકચારભર્યો બન્યો હતો. એક ધાર્મિક સંપ્રદાયના મુખીના હીન ચારિત્ર્ય અંગે ‘સત્યપ્રકાશ’ નામના સામયિકમાં લેખ છપાયો. એ મહારાજે ‘સત્યપ્રકાશ’ના તંત્રી કરસનદાસ મૂળજી અને મુદ્રક નાનાભાઈ રૂસ્તમજી રાણીના પર બદનક્ષીનો કેસ માંડી ૫૦ હજાર રૂપિયાની નુકસાની માગી. આ રકમ એ વખતે ઘણી મોટી ગણાય. કરસનદાસ અને નાનાભાઈ કેસ જીતી ગયા તે મુખ્યત્વે એ જમાનાના પ્રખ્યાત મરાઠીભાષી ડોક્ટર ભાઉ દાજીની જુબાનીને કારણે. ડોક્ટરની ડિગ્રી લેતી વખતે લીધેલા શપથની ઉપરવટ જઈને સત્ય અને ન્યાયને ખાતર તેમણે અદાલતમાં કહ્યું કે આ મહારાજ જાતીય રોગની સારવાર કરાવવા મારી પાસે આવતા હતા. અદાલતે કહ્યું કે સાચી હકીકત છાપવાથી બદનક્ષી થતી નથી.

ઉમાશંકર જોશીએ કાવ્યની એક જ પંક્તિમાં બહુ વેધક સવાલ પૂછ્યો છે: ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’ ગુજરાતના ગુજરાતીઓની તો ખબર નથી, પણ મુંબઈના ગુજરાતીઓ ‘કેવળ ગુજરાતી’ નથી રહ્યા, મહારાષ્ટ્રી ગુજરાતી બન્યા છે, અને મરાઠીભાષીઓએ પણ તેમને પારકા નથી માન્યા. બંને ક્યારેક ઝગડ્યા પણ હશે, પણ વખત આવ્યે ખભેખભા મિલાવીને ઊભા રહ્યા છે.

પ્રિય વાચકો, આપ સૌને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના સ્થાપનાદિને હાર્દિક શુભેચ્છા.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 01 મે 2021

Loading

1 May 2021 admin
← જત ઉમેરવાનું કે…..
ભારત તરફ આખા વિશ્વની નજર છે, પણ હવે દૃષ્ટિકોણ બદલાઇ ચૂક્યો છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved