Opinion Magazine
Number of visits: 9563565
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—89

દીપક મહેતા|Opinion - Opinion|3 April 2021

હોડીને દૂર શું? નજીક શું?

લંડનના સાહેબોની ઐસીતૈસી, બાંધો મુંબઈમાં સ્ટીમર

પહેલું બંદર બાંધવા પથરા પરદેશથી આવેલા

છોને છોડે એ ભૂમિના કિનારા
ને શહેરના મિનારા
કે હોડીને દૂર શું? નજીક શું?

ઉમાશંકર જોશીના આ જાણીતા ગીતમાં જેની વાત છે તેવી હોડીઓ અને શઢવાળાં વહાણ મુંબઈ આવતાં જતાં ત્યાં સુધી તો પાલવા બંદર, બોરી બંદર અને તેના જેવાં બીજાં બંદરોથી કામ ચાલી ગયું. માલસામાન અને મુસાફરો બંનેની ચડઉતર આ બંદરો પર થતી. પણ પછી આવ્યો આગબોટ કહેતાં સ્ટીમરનો જમાનો. મુંબઈના વિકાસમાં અસાધારણ ફાળો આપનાર ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને લંડનમાં બેઠેલા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરોને ૧૮૨૩માં ગ્રેટ બ્રિટન અને મુંબઈ વચ્ચે દરિયાઈ ટપાલ સેવા શરૂ કરવાની દરખાસ્ત મોકલી. પણ ડિરેક્ટરોએ દાદ દીધી નહિ. ૧૮૨૬માં ફરી એ જ દરખાસ્ત મોકલી. ફરી નન્નો.

એલ્ફિન્સ્ટન પછી ગવર્નર બન્યા સર જોન માલ્કમ. તેમણે કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કી ઐસી તૈસી. આપણે આપણો ધર્મ સંભાળવો. તેમણે સરકારી બોમ્બે ડોકયાર્ડને કહ્યું કે બાંધો મુંબઈથી સુએઝ જઈ શકે એવી સ્ટીમર. અને એ ડોકયાર્ડમાં બંધાયું એચ.સી.એસ. (ઓનરેબલ કંપનીઝ શીપ) Hugh Lindsay. ૧૮૨૯ના ઓક્ટોબરની ૧૪મી તારીખે લેડી ગવર્નરે તેને તરતું મૂક્યું ત્યારે આ જહાજ મુંબઈમાં બંધાયેલું પહેલવહેલું સ્ટીમશીપ બન્યું. અલબત્ત, જરૂર પડે ત્યારે વાપરી શકાય એટલા માટે તેના પર શઢ પણ બેસાડવામાં આવેલા. ૧૮૩૦ના માર્ચની ૨૦મી તારીખે તેણે સુએઝની પહેલી મુસાફરી શરૂ કરી, અને જહાજ ૨૧ દિવસ અને ૮ કલાક પછી સુએઝ પહોચ્યું. કમાન્ડર જોન એચ. વિલ્સન તેના કેપ્ટન હતા. આ પહેલી મુસાફરીમાં ટપાલ ઉપરાંત થોડા મુસાફરો પણ હતા.

મુંબઈનું બંદર ઈ.સ. ૧૭૫૦માં આવું હતું

આ પહેલવહેલી સ્ટીમર પછી મુંબઈના બારામાં નાની-મોટી સ્ટીમરોની આવ-જા વધતી ગઈ, પણ કોણ જાણે કેમ આ નવા યુગને અનુરૂપ ડોક બાંધવા તરફ કંપની સરકારે ધ્યાન જ ન આપ્યું. ૧૮૫૮માં કંપનીનું રાજ ગયું અને ક્રાઉનનું રાજ થયું. એ પછી પણ છેક ૧૮૭૩માં સરકારે ‘બોમ્બે પોર્ટ ટ્રસ્ટ એક્ટ’ પસાર કર્યો. અત્યાર સુધી જૂદી જૂદી એજન્સીઓના તાબામાં દરિયા કિનારાની અને બીજી જમીન હતી તે બધી આ નવા ટ્રસ્ટની બની. એ એજન્સીઓ જે જૂદાં જૂદાં કામ કરતી તે પણ હવે બોર્ડને સોપાયાં. આ ટ્રસ્ટના કુલ દસ ટ્રસ્ટીઓમાંથી ફક્ત બે જ ‘દેશી’ હતા: નારાયણ વાસુદેવ અને કેશવજી નાયક. કર્નલ જે.એ. બેલાર્ડ તેના પહેલા અધ્યક્ષ બન્યા. તેઓ સરકારી ટંકશાળના પણ વડા હતા. મુંબઈમાં સૌથી પહેલો વેટ ડોક ડેવિડ સાસૂને ૧૮૭૫માં કોલાબા ખાતે બાંધ્યો હતો. નવા સ્થપાયેલા ટ્રસ્ટે ૧૮૭૯માં એ ખરીદી લીધો. પણ સાચા અર્થમાં જેને વેટ ડોક કહી શકાય, જ્યાં મોટી સ્ટીમરો પણ નાંગરી શકે એવા પહેલા ડોકનું બાંધકામ ૧૮૭૫માં શરૂ થયું અને ૧૮૮૦માં પૂરું થયું. એ બાંધવાનો ખર્ચ આવ્યો હતો ૬૭ લાખ રૂપિયા!  તેને માટેના ગ્રેનાઈટ પથ્થર છેક સાઉથ વેલ્સથી મગાવવામાં આવ્યા હતા! તેના જેટલી જ ગુણવત્તાવાળા પથ્થર આ દેશમાં સહેલાઈથી મળતા હોવા છતાં આમ કેમ કરેલું એ સમજવું મુશ્કેલ છે. પનવેલ નદીના કિનારેથી ખોદીને રેતી લવાઈ હતી.

કર્નલ જે.એ. બેલાર્ડ

આ ડોક બાંધવા માટેનું ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે દરિયા નીચેની જમીનમાંથી ૩૦૦ જેટલાં અશ્મિભૂત ઝાડ મળી આવેલાં. આનું કારણ એ કે એક જમાનામાં મુંબઈના કિનારા પર ગાઢ જંગલ આવેલું હતું. પણ વખત જતાં કાંઠાની જમીન થોડી ઢળવાને કારણે આખું જંગલ દરિયામાં ડૂબી ગયું હતું. આ નવા બંધાયેલા ડોકનું નામ પાડવામાં આવ્યું પ્રિન્સીસ ડોક (Prince’s Dock) એટલે કે રાજકુમારનો ડોક. પણ વખત જતાં લોકજીભે તેનું નામ થઈ ગયું પ્રિન્સેસ ડોક, રાજકુમારીનો ડોક! આ ડોક બંધાયા પછી બે અઠવાડિયાં સુધી જહાજી કંપનીઓ કોઈક કારણસર તેનો બહિષ્કાર કર્યો હતો. બીજી નાની કંપનીઓએ તે વાપરાવાનું શરૂ કર્યા પછી પણ પી. એન્ડ ઓ. અને બી.આઈ. જેવી બે મોટી કંપનીઓએ બહિષ્કાર ચાલુ રાખ્યો હતો. અને તેમ છતાં આ ડોકના ઉદ્ઘાટન પછીના દોઢેક વરસમાં જ આવતી-જતી સ્ટીમરો માટે આ ડોક અપૂરતો હોવાનું જણાયું હતું. એટલે અ ડોકની બાજુમાં બીજો ડોક બાંધવાનું નક્કી થયું. ૧૮૮૫ના જાન્યુઆરીમાં આ નવા ડોકનું બાંધકામ શરૂ થયું અને ૧૮૮૮ના માર્ચની ૧૨મી તારીખે તેનું ઉદ્ઘાટન થયું. આ નવા ડોકને ગ્રેટ બ્રિટનની મહારાણી વિક્ટોરિયાનું નામ આપવામાં આવ્યું, વિક્ટોરિયા ડોક. અગાઉના મસ્જિદ બંદર અને નિકોલ બંદરને આ નવું બંદર ગળી ગયું! આ બે બંદર બંધાયા પછી તેની ધરખમ આવકને કારણે બોમ્બે પોર્ટ ટ્રસ્ટની આર્થિક સ્થિતિ ખૂબ સદ્ધર થઈ ગઈ હતી.

૧૯મી સદી પૂરી થાય તે પહેલાં મુંબઈનો વેપાર એટલો વધ્યો કે ત્રીજો ડોક બાંધવાની જરૂર જણાઈ. ૧૯૦૫માં હિન્દુસ્તાનની મુલાકાત દરમ્યાન પ્રિન્સ ઓફ વેલ્સે નવેમ્બરમાં ત્રીજા ડોકનો પાયો નાખ્યો હતો. પણ કેટલીક મુશ્કેલીને કારણે ત્રીજા ડોકનું કામ છેક ૧૯૦૭માં શરૂ થયું. કામકાજ ચાલતું હતું તે દરમ્યાન સરકારનાં લશ્કરી જહાજ પણ નાંગરી શકે એ હેતુથી ડોકની પહોળાઈ વધારવાનું સરકારે પોર્ટ ટ્રસ્ટને જણાવ્યું. બીજાં કેટલાંક કારણોને લીધે પણ કામ ધીમું ચાલ્યું. છેવટે ધારેલાં સાત વરસને બદલે નવ વરસમાં કામ પૂરું થયું. ૧૯૧૪માં તેનું કામ પૂરું થયું ત્યારે તેનું નામ પડ્યું એલેક્ઝાન્ડરા ડોક. ૧૯૭૨માં તેનું નામ બદલીને ઇન્દિરા ડોક રાખવામાં આવ્યું. પણ અગાઉના બે ડોકનાં બ્રિટિશ નામ જ આજ સુધી જળવાઈ રહ્યાં છે.

એલેકઝાન્ડરા ડોક

જો કે એક જમાનામાં આ ત્રણ ડોકની જેવી બોલબાલા હતી તેવી આજે હવે નથી રહી. કારણ? હવે વહાણવટામાં ધરખમ ફેરફાર થયા છે. હવે મોટાં મોટાં બલ્ક કેરિયર અને ટેન્કરોનો જમાનો છે. અને આવાં જહાજ આ ત્રણ ડોકમાં નાંગરવાનું શક્ય જ નથી. આવાં જહાજ માટે જે જગ્યા જોઈએ તે નથી આ ત્રણ ડોકમાં કે નથી તેની આસપાસ. એટલે સામી બાજુએ, તળભૂમિ પર, રાયગઢ જિલ્લામાં આ માટેની જરૂરી સગવડો સાથેનું જવાહરલાલ નેહરુ પોર્ટ તૈયાર થયું. ૧૯૮૯માં તે વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ બધાં પોર્ટ તો માલસામાન – કાર્ગો – માટેનાં. પણ એક જમાનામાં પરદેશ – ખાસ કરીને બ્રિટન – અને હિન્દુસ્તાન વચ્ચેની મુસાફરી માટે પણ સ્ટીમર સિવાય બીજું કોઈ સાધન હતું નહિ. એટલે પેસેન્જર સ્ટીમરો માટે બંધાયું બેલાર્ડ પિયર. મૂળ તો આજના બેલાર્ડ પિયરની પાછળ એક નાનકડી જેટી હતી તે બેલાર્ડ પિયર તરીકે ઓળખાતી. બોમ્બે પોર્ટ ટ્રસ્ટના પહેલા અધ્યક્ષનું નામ તેને અપાયેલું. પછી તેનું વિસ્તરણ કરીને તૈયાર થયું બેલાર્ડ બંદર. થોડા વખત પછી ફરી તેને મોટું કરવું પડ્યું. એક જમાનામાં માત્ર મુંબઈના જ નહિ, આખા દેશના વેપાર-વણજનું કેન્દ્ર હતું આ બેલાર્ડ પિયર. બેલાર્ડ એસ્ટેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં ૪૩ મોટાં મકાનો વ્યવસ્થિત યોજના પ્રમાણે બંધાયાં જેમાં આખા દેશની અગ્રગણ્ય વેપારી કંપનીઓની ઓફિસો હતી. આજે તો હવે ઠેકઠેકાણે બિઝનેસ સેન્ટરો ઊભાં થઈ ગયાં છે, પણ એ વખતે આખા એશિયામાં બેલાર્ડ પિયર એ પહેલવહેલું બિઝનેસ સેન્ટર હતું.

બેલાર્ડ પિયર રેલવે સ્ટેશન

એ જમાનામાં દરિયાઈ રસ્તે આવતા મુસાફરો માટે તો આ બેલાર્ડ પિયર એ જ ગેટવે ઓફ ઇન્ડિયા હતું. અહીં મુસ્સાફરો માટે બધી જ સગવડો બે માળના મકાનમાં હતી. તેમાં સેન્ટ્રલ રિસેપ્શન હોલ, કસ્ટમ્સ તપાસણી માટેનો હોલ, રેલવે સ્ટેશન સુધી ફેલાયેલો એક મોટો હોલ, જેવી સગવડો ભોંયતળિયે હતી. ઉપલો માળ પરદેશની ટપાલ માટે અલાયદો રાખ્યો હતો. એ જ માળ પર એક રેસ્ટોરાં ઉપરાંત રાતવાસો કરવા માટેના ઓરડા પણ હતા. મુસાફરો અને તેમના માલસામાનની ચડઉતર બને તેટલા ઓછા સમયમાં થાય તેવી ગોઠવણ હતી. જે મુસાફરો પોતે કસ્ટમ્સની વિધિ કરવા ન માગતા હોય તેમને માટેના કસ્ટમ એજન્ટોની ઓફિસો પણ અહીં હતી. નજીકમાં જ બાંધેલા રેલવે સ્ટેશન પર ચાર પ્લેટફોર્મ હતાં. ટપાલની સ્ટીમર આવવા કે જવાની હોય ત્યારે કલકતા, દિલ્હી, પેશાવર અને દેશના બીજા ભાગોની ટ્રેન સીધી બેલાર્ડ પિયર સ્ટેશન  સુધી આવી જતી. આ ઉપરાંત મુસાફરો માટે સ્ટીમર આવવા કે ઉપડવાના દિવસે જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલ્વેની ઈમ્પીરિયલ ઇન્ડિયન મેલ અને બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેની ફ્રન્ટિયર મેલ બેલાર્ડ પિયર સ્ટેશન સુધી આવતી. આ સ્ટીમરોમાં મુસાફરો તો આવ-જા કરતા જ, પણ બ્રિટિશ લશ્કરના સૈનિકો પણ મોટી સંખ્યામાં આવ-જા કરતા. પણ પછી આ બેલાર્ડ પિયરનું મહત્ત્વ સતત ઘટતું ગયું. કારણ, એક તો, હવે વિદેશો સાથેની હવાઈ મુસાફરી શક્ય બની હતી અને એટલે દરિયાઈ મુસાફરો ઘટતા જતા હતા. બીજું, બ્રિટિશ સૈનિકોની આવ-જાનો તો હવે સવાલ જ નહોતો રહ્યો. એક જમાનો એવો પણ આવ્યો કે જ્યારે આખો બેલાર્ડ એસ્ટેટ વિસ્તાર ભૂતિયા મહેલ જેવો લાગતો હતો. પણ છેલ્લાં થોડાં વરસમાં તેમાં ફરી જીવ આવ્યો છે. 

મુંબઈ પોર્ટ ટ્રસ્ટને ૧૯૯૯માં ૧૨૫ વરસ થયાં ત્યારે બહાર પડેલી ટિકિટ

પણ શુ બંદર પર કે શું રસ્તા પર, શું મેદાનમાં કે શું મકાનોની બહાર, ક્યાંક ને ક્યાંક યુનિફોર્મ પહેરેલો એક માણસ જોવા મળશે. મોટે ભાગે હાથમાં દંડૂકો, ક્યારેક રાઈફલ કે રિવોલ્વર પણ ખરી. એ માણસનું આગમન મુંબઈમાં ક્યારે, કઈ રીતે થયું એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 03 ઍપ્રિલ 2021

Loading

3 April 2021 admin
← નદી જોડાણની યોજનામાં આયોજન કેટલું?
આપણને હિંદુ રાષ્ટૃ શક્તિશાળી જોઈએ છે કે માથાભારે ? →

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved