Opinion Magazine
Number of visits: 9447695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—71

દીપક મહેતા|Opinion - Opinion|21 November 2020

કનૈયાલાલ મુનશી : મારા જીવનની શાળા છે મુંબઈ

એક નવલકથાને કારણે વકીલ મુનશી ગુનેગાર બની ગયા હોત

'ગુજરાત હજી નાનું છે. તે હજી હમણાં જ પગભર થાય છે. મહામહેનતે મેં મારી ઝૂંપડી ઊભી કરી છે. આર્યાવર્તનો મહેલ ચણવા જાઉં તો એ ઝૂંપડી ચગદાઈ જાય. સમજ્યા? તમને જે મહેલ બાંધવાની હોંસ છે તે તમે ભલે બાંધો. હું તો મારી મઢુલી જ સંભાળીશ.’ ક્યારે લખાયો હશે આ સંવાદ? શું ધારો છો? ૧૯૬૦ના અરસામાં ક્યારેક? ના, જી. એ લખાયો છે ૧૯૧૯માં. ‘ગુજરાતનો નાથ’ નવલકથાનાં બે પાત્રો મુંજાલ અને કીર્તિદેવ વચ્ચેનો છે આ સંવાદ. પાટણનો મહાઅમાત્ય મુંજાલ ‘ગુજરાતની અસ્મિતા’નો પ્રતિનિધિ છે. જ્યારે કીર્તિદેવનું સપનું છે એક અને અખંડ દેશનું. એ બે વચ્ચે વિરોધ નથી. પાણીમાં પથ્થર પડે અને વર્તુળો વિસ્તરતાં જાય તેમ પ્રાદેશિક અસ્મિતાનો વિસ્તાર કરીને તેને દેશવ્યાપી કરવાની હિમાયત છે કીર્તિદેવની. અને એ જ હિમાયત હંમેશાં રહી છે કનૈયાલાલ મુનશીની.

રવિશંકર રાવળની કલ્પનાના મુંજાલ મહેતા અને કીર્તિદેવ

પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, અને રાજાધિરાજ, એ ત્રણ નવલકથાઓ દ્વારા મુંબઈમાં બેઠેલા મુનશીએ એક ઐતિહાસિક કામ કર્યું. તે હતું ‘ગુજરાતની અસ્મિતા’નો આદર્શ ગુજરાતી પ્રજા સમક્ષ મૂકવાનું.

ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના આરંભમાં જ્યારે આપણા દેશનો ઇતિહાસ કરવટ બદલી રહ્યો હતો, ત્યારે દેશના જુદા જુદા પ્રદેશના સર્જકોએ ભૂતકાળની ગૌરવગાથાઓ નિરૂપવાનું અને તે દ્વારા પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય ભાવનાને સંકોરવાનું કામ કર્યું હતું. શિવાજીને લોકનેતા તરીકે અને તેમના શાસનને સુવર્ણકાળ તરીકે નિરૂપીને આ રીતે મહારાષ્ટ્રની અસ્મિતાને સંકોરવામાં આવી. ગુજરાતીમાં આ કામ કર્યું મુનશીએ. સોલંકી યુગ અને તે યુગનાં પાત્રોના નિરૂપણ દ્વારા તેમણે ગુજરાતની અસ્મિતાની ભાવના પ્રબળ રીતે પ્રગટ કરી. કીર્તિદેવનું સ્વપ્નદૃષ્ટા પાત્ર રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિનિધિ છે. ઇતિહાસની નાનીમોટી વિગતોમાં ક્યારેક સરતચૂક કે અસાવધાની બતાવનાર મુનશી ઇતિહાસબોધથી, સમયની શક્યતા-અશક્યતાથી પૂરેપૂરા સભાન છે. અને એટલે જ તેમણે કીર્તિદેવના આ સપનાને સપનું જ રહેતું બતાવ્યું છે. તેને હકીકત બનતું બતાવવાનો લોભ રાખ્યો નથી.

કીર્તિદેવના પાત્ર દ્વારા, અને તેના આ સ્વપ્ન દ્વારા મુનશીએ પોતાના જમાનાને અને આવનારી પેઢીઓને ભવિષ્યની શક્યતાનો જ નહિ, અનિવાર્યતાનો નિર્દેશ કર્યો છે. તે પછી છેક ૧૯૬૨માં મુનશીએ લખ્યું હતું : ‘ગુજરાતની અસ્મિતા એ મારે મન અખિલ ભારતીય અસ્મિતાના સ્થાનિક અંશરૂપ જ હતી. પિસ્તાલીસ વર્ષ પહેલાં મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસને આલેખતી મારી નવલકથા ‘ગુજરાતનો નાથ’માં મારી કલ્પનાએ એક ભવિષ્યવેત્તાની સ્પષ્ટતાથી કોઈ પણ ભોગે ગુજરાતને શક્તિશાળી જોવા ઝંખતા મુંજાલ અને અખિલ ભારતીય દૃષ્ટિબિંદુ ધરાવતા અને આવનારી આપત્તિને જોઈ શકતા તેના પુત્ર કીર્તિદેવ વચ્ચેનો સંઘર્ષ નિરૂપ્યો હતો. મુંજાલનો વિજય થયો અને કીર્તિદેવની એ ભીષણ આર્ષવાણી સાચી પડી.’ અને પછી જાણે નિસાસો નાખીને ઉમેરે છે : ‘મુંજાલ આજે ય ગુજરાતની અસ્મિતાનું વર્ચસ્ ધરાવે છે, અને કીર્તિદેવની ચેતવણીઓ બહેરા કાન પર અથડાય છે.’

૧૯૮૮માં બહાર પડેલી ટપાલ ટિકિટ

મુંબઈમાં બેસીને ગુજરાતની અને રાષ્ટ્રીય અસ્મિતાને સંકોરવાનું કામ મુનશીએ કર્યું મુખ્યત્વે તેમની ઐતિહાસિક નવલકથાઓ દ્વારા. પહેલી ઐતિહાસિક નવલકથા ‘પાટણની પ્રભુતા’ ૧૯૧૬માં પ્રગટ થઇ હતી, ‘ગુજરાતી’ સાપ્તાહિકના ‘ભેટ પુસ્તક’ તરીકે. એ જમાનામાં આપણાં ઘણાં સામયિકો વાર્ષિક લવાજમ ભરનારા ગ્રાહકોને વધારામાં એક નવું પુસ્તક ભેટ આપતા. આ પહેલી આવૃત્તિમાં લેખક તરીકે નામ લખ્યું છે: ‘ઘનશ્યામ’. મુનશી જેવા બાહોશ વકીલે એ વખતે માત્ર ૯૦ રૂપિયામાં આ નવલકથાના કોપી રાઈટ ‘ગુજરાતી’ને વેચી દીધા હતા! દાયકાઓ પછી હજારો રૂપિયાના ખર્ચે મુનશીનાં ગુજરાતી પુસ્તકોના પ્રકાશકોએ એ પાછા ખરીદ્યા હતા.

‘પાટણની પ્રભુતા’ પ્રગટ થયા પછી મુનશીને માથે અણધારી આફતના ભણકારા વાગવા લાગ્યા હતા. વકીલ તરીકેની પોતાની કારકિર્દી પર માઠી અસર ન પડે તે માટે અગમચેતી વાપરી તેમણે આ નવલકથા ‘ઘનશ્યામ’ના ઉપનામથી પ્રગટ કરેલી. પણ એક ધાર્મિક સંપ્રદાયના કેટલાક કટ્ટર અનુયાયીઓની તેથી ‘ધાર્મિક લાગણી’ દુભાઈ. ઘનશ્યામ કોણ છે તે શોધીને તેમણે ઇન્ડિયન પિનલ કોડની કલમ ૧૫૩(અ) પ્રમાણે જાતિઓ વચ્ચે વૈમનસ્ય કરાવવાના ગુના સબબ ફોજદારી કેસ માંડવાની ચળવળ શરૂ કરી. આત્મકથા ‘સીધાં ચઢાણ’માં મુનશી લખે છે કે અ વાત સાંભળીને મારાં હાંજાં ગગડી ગયાં. જો ‘એમ્પરર વિરુદ્ધ કનૈયાલાલ મુનશી, ઉર્ફે ઘનશ્યામ વ્યાસ’ની ફોજદારી થાય તો શું થાય?

જાણીતા સોલિસિટર અને માર્ગદર્શક જમિયતરામકાકા પાસે જઈને મુનશીએ કહ્યું: ‘કાકા, હું તો મુશ્કેલીમાં આવી પડ્યો છું.’ ‘શું ભાઈ?’ ‘મેં વાર્તાઓ લખી છે.’ ‘હું જાણતો જ હતો કે તમારાથી સખણા ધંધો થવાનો નથી. કઈ વાર્તાઓ?’ ‘વેરની વસૂલાત…' અને ચમત્કાર થયો. કાકાના મોઢા પરથી ક્રોધની રેખાઓ અદૃશ્ય થઈ ગઈ. અજાયબી પ્રસરી રહી. ‘તનમન તમે લખી? હું તો ધારતો હતો કે…વન્ડરફૂલ.' ‘પણ કાકા, મેં ‘પાટણની પ્રભુતા’ પણ લખી છે ને મારા પર ફોજદારી નોંધાવવાની તૈયારી ચાલી રહી છે.’ ‘હવે માંડી માંડી ફોજદારી.’ અને બીજે દિવસે કોર્ટના બારની લાયબ્રેરીમાં સામા પક્ષના વકીલ ગુલાબચંદ સાથે મુનશીની ઓળખાણ જમિયતરામકાકાએ કરાવી અને પછી કહ્યું : ‘તેમની ‘પાટણની પ્રભુતા’ પર ફોજદારી કેસ માંડવાની તૈયારીઓ ચાલે છે.' પેલા વકીલ કહે : ‘વેરની વસૂલાત અને ‘પાટણની પ્રભુતા’ બંને મેં વાંચી છે. એમાં જાતિવિગ્રહ જગાડવાનો ગુનો ક્યાંથી આવ્યો? એબ્સર્ડ. ડોન્ટ વરી, યંગ મેન.’ કેસની આફત તો ટળી. પણ પછી એ જ સંપ્રદાયના કેટલાક લોકો મુનશીને મળવા આવ્યા અને કહ્યું કે તમે ગુજરાતના રાજા કુમારપાળ વિષે નવલકથા લખો તો પાંચ સો રૂપિયા આપીએ. ૯૦ રૂપિયા ખાતર ‘પાટણની પ્રભુતા’ લખનાર મુનશી આ સાંભળીને ગુસ્સે થઈને બોલ્યા : ‘પૈસા કમાવા હું હાઈકોર્ટમાં આવ્યો છું. નસીબ હશે તો ત્યાં પૈસા મળશે. ઈશ્વરેચ્છા હશે તો કુમારપાળ પર વાર્તા લખીશ. પણ પહેલાં પૈસા લઈને તો નહિ જ.’

‘ગુજરાતનો નાથ’ના પ્રકાશનની જાહેરાત

હાજી મહંમદ અલારખિયા નામના સાહિત્ય અને કલાઓના પ્રેમીએ ૧૯૧૬ના એપ્રિલથી એ જમાનાની દૃષ્ટિએ અત્યંત કલાત્મક સામયિક ‘વીસમી સદી’ મુંબઈથી શરૂ કર્યું. ‘પાટણની પ્રભુતા’ના અનુસંધાનમાં લખાયેલી ‘ગુજરાતનો નાથ’ ૧૯૧૭ના એપ્રિલ અંકથી તેમાં હપ્તાવાર પ્રગટ થવા લાગી. શરૂઆતમાં તેના લેખક તરીકે ‘ઘનશ્યામ’ ઉપનામ જ છપાતું હતું. પણ એપ્રિલ ૧૯૧૮ના અંકથી લેખક તરીકે ‘ઘનશ્યામ’ ઉપનામ દૂર થયું અને ‘કનૈયાલાલ મા. મુનશી, એડવોકેટ’ એમ સાચું નામ મૂકવાનું શરૂ થયું. એટલે, મુનશીના પોતાના નામે પ્રગટ થયેલી આ પહેલી નવલકથા. દરેક હપ્તા સાથે રવિશંકર રાવળનાં ચિત્રો પણ છપાતાં હતાં. નવલકથા પૂરી થયા પછી નરસિંહરાવ દિવેટિયાએ લખેલો વિસ્તૃત ‘ઉપોદ્ઘાત’ ત્રણ અંકમાં પ્રગટ થયો.

૧૯૧૯ના મે મહિનાની ૧૫મીએ આ નવલકથા પુસ્તક રૂપે મુનશીએ પોતે પ્રગટ કરી. ૪૦ ચિત્રો પણ તેમાં હતાં. પુસ્તકની ૫૦૦ નકલ જ છાપેલી અને તેની કિંમત હતી ત્રણ રૂપિયા! નરસિંહરાવભાઈએ આ નવલકથાની સરખામણી ‘સરસ્વતીચંદ્ર’ સાથે કરેલી, અને કેટલીક બાબતોમાં તે ગોવર્ધનરામની નવલકથા કરતાં ચડિયાતી છે એમ કહેલું એટલે મુનશીના વિરોધીઓ આ નવલકથા પર અને નરસિંહરાવભાઈ પર તૂટી પડ્યા હતા. પણ વખત જતાં સમજાયું કે ગુજરાતી નવલકથાની વિકાસયાત્રામાં ‘સરસ્વતીચંદ્ર’ પછીનું એક મહત્ત્વનું સીમાચિહ્ન છે ‘ગુજરાતનો નાથ.’ અને તે લખાઈ અને છપાઈ મુંબઈમાં.

‘વીસમી સદી’ માસિકમાં પ્રગટ થયેલો ‘ગુજરાતનો નાથ’નો પહેલો હપ્તો

કનૈયાલાલ મુનશીએ ચોર્યાસી વર્ષની સફળ અને સુફળ જિંદગીમાં અનેક જુદાં જુદાં ક્ષેત્રો ખેડ્યાં એટલું જ નહીં, તેમાં અસાધારણ સફળતા પણ મેળવી. મુનશી એમના જમાનાના એક પ્રખર અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી હતા. યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં વિવિધ પદે રહી તેના કામકાજમાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેળવણીકાર હતા. ૧૯૧૫ની હોમરૂલની ચળવળથી માંડીને ૧૯૪૭ સુધીની દેશની આઝાદી માટેની લડતમાં સક્રિય ભાગ લેનાર અગ્રણી સેનાની હતા. આઝાદી પહેલાં મુંબઈ રાજ્યની અને આઝાદી પછી કેન્દ્રની સરકારમાં એમણે પ્રધાન તરીકે મહત્ત્વની કામગીરી બજાવી. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે હૈદરાબાદના મુક્તિ સંગ્રામની જવાબદારી હિંમત અને કૂનેહપૂર્વક પાર પાડી. ઉત્તર પ્રદેશ જેવા દેશના સૌથી મોટા રાજ્યના ગવર્નર બન્યા. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતરમાં મુનશીનું પ્રદાન અત્યંત મહત્ત્વનું છે. તેમણે મુંબઈમાં સાહિત્ય સંસદ અને ‘ગુજરાત’ સામયિકની સ્થાપના કરી. ૧૯૨૬થી ૧૯૫૫, લગભગ ત્રીસ વર્ષ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદને મુંબઈમાં રાખીને તેનું પાલન, પોષણ અને સંવર્ધન પોતાની રીતે કર્યું. ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને તે પછીનાં વર્ષોમાં તેની પ્રવૃત્તિઓનો અસાધારણ વિસ્તાર કર્યો. એક ગાંધીજીના અપવાદને બાદ કરતાં આટલાં બધાં વિવિધ ક્ષેત્રોમાં, આટલા લાંબા વખત સુધી, આટલી સફળતાપૂર્વક, આટલી અસાધારણ કામગીરી બજાવી હોય એવો બીજો કોઈ ગુજરાતી હજી સુધી પાક્યો નથી.

નદીનો ધસમસતો પ્રવાહ કાળમીંઢ શિલાઓને પણ ઘસી નાખીને નાનકડા કંકર બનાવી દે છે તેમ કાળનો સતત વહેતો પ્રવાહ પણ ગમે તેવી સમર્થ પ્રતિભા ધરાવતી વ્યક્તિની સાથે સંકળાયેલા કેટલાક અર્થોને ઘસી નાખે છે. જેમ જેમ વખત જતો જશે તેમ તેમ મુનશીના નામ સાથે સંકળાયેલા અનેક અર્થોમાંથી કેટલાક ઘસાઈ જશે, કેટલાક ખરી પણ જશે. પણ તેમણે લખેલાં ૫૬ જેટલાં ગુજરાતી અને ૩૬ જેટલાં અંગ્રેજી પુસ્તકોને પ્રતાપે મુનશીનું નામ ક્યારે ય સર્વથા વિસરાઈ જાય એ શક્ય નથી. ગુજરાતી જ નહિ, ભારતીય સાહિત્ય માટે મુનશી એક અનન્ય સાધારણ ઘટના છે. અને એ ઘટના બની છે મુંબઈમાં.

૧૯૬૯ના માર્ચની ત્રીજી તારીખે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મુનશીને માનપત્ર આપવાનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. માનપત્રના જવાબમાં બોલતાં મુનશીએ કહ્યું હતું : ‘મેં જે કાંઈ કર્યું છે તેનો યશ સારા પ્રમાણમાં મુંબઈને, આપણા આ મહાનગરને – મહેલો, ગંદકી, અને મંદિરોનું શહેર જ્યાં હું ૧૯૦૭માં કારકિર્દીની શોધમાં આવીને વસ્યો તેને – ફાળે જાય છે. મુંબઈ મારા જીવનની શાળા બની રહ્યું. એણે મને રાહ બતાવ્યો અને અવકાશ આપ્યો. અહીં મારા પગ સ્થિર કરીને મેં જીવનરૂપી સાહસમાં ઝંપલાવ્યું. મુંબઈના માર્ગો પર ચાલતાં, એના સાર્વજનિક પુસ્તકાલયોમાં જઈને વાંચતાં, ગ્રાન્ટ રોડનાં થિયેટરોની દુર્ગંધ મારતી નીચલા વર્ગની બેઠક પર બેસી મુંબઈની મોહિનીની તૃષ્ણા છીપાવતાં અને મૈત્રીભર્યા તથા વિરોધી પ્રતિભાવ મેળવતાં મેળવતાં મેં ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને વગર થંભ્યે કાર્ય કર્યે જવાની ધગશ કેળવી. મુંબઈ મોહમયી નગરી છે, મુંબઈ મનોહર નગરી છે. મુંબઈ પચરંગી શહેર છે અને રાષ્ટ્રના કેન્દ્ર જેવું છે. અહીં વિવિધ જાતિઓના, વિવિધ ભાષા બોલતા અને જુદા જુદા ધર્મ પાળતી કોમોના લોકો ત્રણસો ઉપરાંત વર્ષો થયાં સુખચેનમાં અને મિત્રભાવે સાથે રહેતા આવ્યા છે.’ આટલી મુક્ત કંઠે મુંબઈની પ્રશંસા અને તેનો ઋણસ્વીકાર બીજા કોઈ ગુજરાતી લેખકે ભાગ્યે જ કર્યાં હશે. 

આવી મુંબઈ નગરીએ અર્વાચીન ગુજરાતના ઘડતર અને ચણતરમાં જે અનન્ય ભાગ ભજવ્યો છે તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 21 નવેમ્બર 2020

Loading

21 November 2020 admin
← અમૅરિકાના 44મા રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નવા પુસ્તક ‘અ પ્રૉમિસ્ડ લૅન્ડ’ના પ્રકાશન ટાણે
આ દેશમાં ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ સ્વતંત્ર છે એમ કહેવાનું સાહસ કોઈ બેવકૂફ જ કરી શકે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved