જ્યારે આખા મુંબઈ શહેરનું ભાડું હતું વર્ષે દસ પાઉન્ડ !
‘પરમાત્માની સહાયથી સતત વિકસવાને જ સર્જાયું છે આ શહેર’
મુંબઈમાં સિક્કા કંપની સરકારના, પણ નામ મોગલ બાદશાહનું
બ્રિટિશ ઢબછબનાં સૌથી જૂનાં મકાનો આજે મુંબઈમાં જોવાં હોય તો ક્યાં જવું પડે? જ્યાં પહેલવહેલું થિયેટર બંધાયું હતું તે બોમ્બે ગ્રીન વિસ્તારમાં. પોર્ટુગીઝો અને અંગ્રેજો બંનેને મન મુંબઈનું મહત્ત્વ હતું એક બંદર તરીકે. એક તો બંને સાગરખેડુ પ્રજા. બીજું, બંને સાહસિક વેપારી પ્રજા. પણ મુંબઈનો વિકાસ કરીને તેની સગવડનો પૂરો લાભ લેવાનું પોર્ટુગીઝોથી ન બન્યું. કદાચ મુંબઈનું ખરું મહત્ત્વ પણ તેમના મનમાં વસ્યું નહિ હોય. નહિતર ગ્રેટ બ્રિટનને લગ્નના દાયજામાં મુંબઈ આપી દે ખરા? તેમણે આ બોમ્બે ગ્રીન નજીક એક નાનકડો કિલ્લો બાંધેલો. આજે ત્યાં ભારતીય નૌકાસૈન્યનું આઈ.એન.એસ. આંગ્રે આવેલું છે. તેનો દરવાજો અને બીજા કેટલાક ભાગ એ મુંબઈના યુરોપિયન ઢબનાં સૌથી જૂનાં બાંધકામ. આ ઉપરાંત તેમણે મુંબઈમાં બાંધેલાં કેટલાંક ચર્ચ આજે પણ જોવા મળે. ગીરગામ અને દાદરમાં આવેલા ચર્ચને તો આજે પણ લોકો પોર્ટુગીઝ ચર્ચ તરીકે જ ઓળખે છે. પણ ગમે તે કારણે, પોર્ટુગીઝોને મુંબઈમાં ઝાઝો રસ નહિ પડ્યો હોય. એટલે ૧૬૬૧ના મે મહિનાની આઠમી તારીખે એક સંધિ પર સહીસિક્કા કરીને ગ્રેટ બ્રિટનના ચાર્લ્સ બીજા અને પોર્તુગાલની કુંવરી કેથેરાઈન ઓફ બ્રેગાન્ઝાનાં લગ્ન પ્રસંગે દાયજામાં આપી દીધું. તે પછી ઠેઠ ૧૬૬૨ના માર્ચની ૧૯મી તારીખે અબ્રહામ શિપમેનની મુંબઈના પહેલવહેલા બ્રિટિશ ગવર્નર અને જનરલ તરીકે નિમણૂક થઈ. હા જી, એ વખતે ગવર્નરના પદ સાથે જનરલનું પૂંછડું પણ લગાડવામાં આવતું.
પોર્તુંગીઝોએ બાંધેલા કિલ્લાનો દરવાજો, આજે આઈએનએસ આંગ્રેનું પ્રવેશદ્વાર
એ જ વરસના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેમનાં વહાણોનો કાફલો મુંબઈ આવી પહોંચ્યો. પણ તેમણે જ્યારે મુંબઈ અને સાલ્સેટના ટાપુઓનો કબજો માગ્યો ત્યારે પોર્તુગીઝ ગવર્નરે તો રોકડું પરખાવી દીધું કે દાયજામાં ફક્ત મુંબઈનો ટાપુ આપ્યો છે અમે, સાલસેટ નહિ. ભાગતા ભૂતની દુમ સહી, એ ન્યાયે શિપમેનસાહેબે કહ્યું કે એમ તો એમ. પણ પોર્ટુગીઝ ગવર્નર પહોંચેલી માયા. એણે દાયજાના કરારમાં વાંધાવચકા કાઢ્યા અને મુંબઈના ટાપુનો કબજો આપવાની પણ ઘસીને ના પાડી દીધી. અને આ બધી વાટાઘાટ કરવા માટે તેણે બ્રિટિશ ગવર્નર શિપમેનને પોર્ટુગીઝ કિલ્લામાં દાખલ પણ થવા દીધો નહોતો. કિલ્લાની બહાર, એટલે કે બોમ્બે ગ્રીન વિસ્તારમાં જ ક્યાંક વાતચીત કરીને તગેડી મૂકેલો. બિચારો આજના ગોવા નજીકના એક ટાપુ પર જઈ વસ્યો અને ૧૬૬૪ના ઓક્ટોબરમાં ત્યાં જ મર્યો! હમ્ફ્રી કૂક બીજો બ્રિટિશ ગવર્નર. ૧૬૬૪ના નવેમ્બરમાં આવીને કહ્યું કે ભલે, ફક્ત મુંબઈનો ટાપુ તો મુંબઈનો ટાપુ. પણ એ તો હવે આપો જ આપો. પોર્ટુગીઝોએ આપવો પડ્યો. કૂક પછી બીજા બે ગવર્નર આવ્યા, લુકાસ અને ગેરી. પણ બંનેએ ખાસ કશું ઉકાળ્યું હોય એવી માહિતી મળતી નથી.
બ્રિટિશ તાજને પણ મુંબઈનું મહત્ત્વ ઝાઝું સમજાયું નહિ હોય એટલે વરસના રોકડા દસ પાઉન્ડના ભાડાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પધરાવી દીધો. આ લખાય છે તે દિવસના ભાવ પ્રમાણે દસ પાઉન્ડ એટલે ૯૭૬ રૂપિયા અને ૩૪ પૈસા! આજે આટલા પૈસામાં મુંબઈમાં એક ઇંચ જેટલી જગ્યા પણ કોઈ ભાડે ન આપે. ૧૬૬૮ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે મુંબઈના ટાપુઓનો કબજો કંપની સરકારને સોંપવામાં આવ્યો. એ વખતે હજી બોમ્બે પ્રેસિડન્સીનું અસ્તિત્ત્વ નહોતું. હતી વેસ્ટર્ન એજન્સી, અને એનું વડુ મથક હતું સુરત. એટલે શરૂઆતમાં મુંબઈના ગવર્નરને સાથોસાથ સુરતની કાઉન્સિલના પ્રેસિડન્ટનો હોદ્દો પણ અપાતો અને તેઓ મુંબઈ કરતાં વધુ સમય સુરતમાં જ ગાળતા! મુંબઈનો વહીવટ ડેપ્યુટી ગવર્નર સંભાળતો.
બોમ્બે ગ્રીનમાં આવેલું સેન્ટ થોમસ કેથીડ્રલ
મુંબઈનું મહત્ત્વ પહેલી વાર વસ્યું કંપની સરકારના બીજા ગવર્નર જેરાલ્ડ ઓન્જિયર(૧૬૪૦-૧૬૭૭)ના મનમાં. ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે તેમણે હોદ્દો સંભાળ્યો અને આઠ વર્ષ સુધી, ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખે અવસાન થયું ત્યાં સુધી એ પદે રહ્યા. કમનસીબે તેમનો એક પણ ફોટો કે સ્કેચ ક્યાં ય સચવાયાં નથી. મુંબઈને જોઈને તેઓ બોલી ઊઠેલા : ‘પરમકૃપાળુ પરમાત્માની સહાયથી સતત વિકસવાને જ સર્જાયું છે આ શહેર.’ આજના ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી વેપારીઓને, શાહુકારોને, કારીગરોને તેઓ મુંબઈ લઈ આવ્યા. તેમણે અહીં પહેલી અદાલત સ્થાપી, ભંડારી કોમના ૬૦૦ યુવાનોને ભેગા કરી સ્થાનિક લશ્કરની ટુકડી ઊભી કરી, જેનો વખત જતાં ‘મુંબઈ પોલીસ’ તરીકે વિકાસ થયો. પોર્ટુગીઝ ગવર્નરોની જેમ ઓન્જિયાર પણ ‘બોમ્બે કાસલ’માં રહ્યા. પણ તેના ખખડધજ કિલ્લાને તેમણે સમારીને વધુ મજબૂત બનાવ્યો અને થોડો મોટો કરાવ્યો. આ બોમ્બે કાસલની બહારની ખુલ્લી હરિયાળી જગ્યા તે જ બોમ્બે ગ્રીનની શરૂઆત. અને હા, તેમણે જ પહેલી વાર લંડનના ડિરેક્ટરોને સૂચવ્યું કે કંપની સરકારનું પશ્ચિમ કિનારાનું વડું મથક સુરતથી મુંબઈ ખસેડવું જોઈએ. તેમના અવસાનનાં દસ વરસ પછી, ૧૬૮૭માં અ સૂચન સ્વીકારાયું અને વેસ્ટર્ન પ્રેસિડન્સીનું સ્થાન લીધું બોમ્બે પ્રેસિડન્સીએ.
અંગ્રેજોએ બાંધેલો બોમ્બે કાસલ અને તેની આગળનું બોમ્બે ગ્રીન
તેમને એ વાતનો પણ ખ્યાલ આવી ગયો કે વેપાર-વણજનો વિકાસ કરવો હોય તો મુંબઈમાં ટંકશાળ હોવી જોઈએ. એટલે ૧૬૭૬માં તેમણે મુંબઈમાં મિન્ટની સ્થાપના કરી. પણ માણસ હતો ચતુર-સુજાણ. એટલે સિક્કા પાડ્યા તે કંપની સરકારના નામના નહિ, મોગલ બાદશાહના નામના. ૧૬૭૨માં આ મિન્ટમાંથી પહેલો રૂપિયાનો સિક્કો બહાર પડ્યો. જો કે આજે ૧૭૧૯ પહેલાંનો આ મિન્ટનો કોઈ સિક્કો જોવા મળતો નથી. આ પહેલી મિન્ટ બોમ્બે કાસલની અંદર હતી, એટલે કે બોમ્બે ગ્રીન નજીક જ હતી. આજે મિન્ટનું જે મકાન આ જ વિસ્તારમાં ઊભું છે તે ૧૮૨૪ અને ૧૮૩૦ દરમ્યાન બંધાયું હતું. તો મુંબઈમાં પહેલી વખત ફાંસીની સજા આપવાનું અને તેનો અમલ કરાવવાનું કામ પણ ઓન્જિયારે જ કરેલું. ૧૬૭૪માં અંગ્રેજ સૈનિકોએ બળવો કર્યો. ઓન્જિયારે તેને કડક હાથે દાબી દીધો અને કોર્પોરલ ફેકને ફાંસીની સજા ફરમાવી. ૧૬૭૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે ગોળી મારીને તેને થયેલી દેહાંત દંડની શિક્ષા બજાવવામાં આવી.
૧૭૧૯માં બહાર પડેલ કંપની સરકારના સિક્કા પર નામ શાહજહાંનું
મુંબઈના મુખ્ય ટાપુ પર ગોદી વિસ્તારથી ડોંગરી સુધી કિલ્લો બાંધવો જોઈએ એવું પણ તેમણે જ સૂચવ્યું. જો કે મુંબઈનો કિલ્લો બાંધવાનું કામ પૂરું થયું છેક ૧૭૧૫માં, જ્યારે ચાર્લ્સ બૂન મુંબઈના ગવર્નર બન્યા ત્યારે. એ કિલ્લો બંધાઈ રહ્યો ત્યારે બોમ્બે ગ્રીન્સનો વિસ્તાર તેનો એક મહત્ત્વનો હિસ્સો બની રહ્યો. ઓન્જિયાર પછીનાં ઘણાં વર્ષો નાની-મોટી લડાઈઓમાં વીત્યાં. એક-બે ગવર્નરો તો દુશ્મનોને હાથે કેદ પણ પકડાયા. ૧૭૧૫માં બૂન્સ ગવર્નર બન્યા અને મુંબઈના સંરક્ષણની દ્રષ્ટિએ કિલ્લો બાંધવાનું ઓન્જિયારનું સૂચન કેટલું મહત્ત્વનું હતું તે તેમને સમજાયું. એમના શાસન દરમ્યાન જ મુંબઈનો ફોર્ટ કહેતાં કિલ્લો બંધાઈને પૂરો થયો. આજે એ કિલ્લાનું નામોનિશાન નથી, પણ એક આખો વિસ્તાર હજી પણ ફોર્ટ કે કોટ તરીકે જ ઓળખાય છે. તેમણે જ બોમ્બે ગ્રીન પર ૧૭૧૮માં સેન્ટ થોમસ કેથીડ્રલ બંધાવ્યું જે મુંબઈનું પહેલું એન્ગ્લિકન ચર્ચ. ત્યારથી બોમ્બે ગ્રીન વિસ્તારમાં આવેલા આ ચર્ચને મુંબઈનું મધ્યબિંદુ ગણવાનું શરૂ થયું. છેલ્લાં થોડાં વર્ષોમાં ખોદકામ દરમ્યાન મુંબઈના જૂદા જૂદા વિસ્તારોમાંથી કેટલાક માઈલ સ્ટોન મળી આવ્યા છે જેના પર મધ્યબિંદુથી એ જગ્યાનું અંતર કેટલું છે તે બતાવ્યું છે.
બોમ્બે ગ્રીનમાં આવેલો ગવર્નરનો બંગલો
વખત જતાં લાગ્યું કે ગવર્નર બોમ્બે કાસલમાં રહે તે યોગ્ય નથી. એટલે ૧૭૫૭માં એપોલો સ્ટ્રીટ પર આવેલું જોન સ્પેન્સરનું મકાન સરકારે ખરીદી લીધું અને ગવર્નર ત્યાં રહેવા ગયા. શરૂઆતમાં તે ‘ન્યૂ હાઉસ’ તરીકે, અને પછી ‘કંપની હાઉસ’ તરીકે ઓળખાતું. આ મકાન પણ બોમ્બે ગ્રીન વિસ્તારમાં હતું. ૧૭૭૧માં વિલિયમ હોર્નબી મુંબઈના ગવર્નર બન્યા ત્યારે તેમણે ગવર્નરનું રહેઠાણ પરેલ ખસેડ્યું. અને બોમ્બે ગ્રીન્સ થોડું ઝંખવાયું.
પાછળ ટાઉન હોલ અને બોમ્બે ગ્રીનમાં સોદા કરતા વેપારીઓ
પણ પછી ૧૮૧૧માં બોમ્બે ગ્રીન પર એક આકર્ષક ઈમારત બાંધવાનું નક્કી થયું. લોટરી કાઢીને તેને માટે પૈસા ભેગા કર્યા, પણ માત્ર દસ હજાર રૂપિયા ભેગા થયા. જેવા પ્લાન બનાવ્યા હતા તેવું ભવ્ય મકાન આટલી રકમમાંથી ઊભું થાય તેમ નહોતું. એટલે આ મકાન બાંધવાનું ઠરાવનાર લિટરરી સોસાયટી ઓફ બોમ્બેએ નક્કી કર્યું કે માત્ર પોતાના ઉપયોગ માટેનો લાઈબ્રેરી અને મ્યુઝિયમનો ભાગ જ બાંધવો. ૧૮૦૪માં સ્થપાયેલી આ સોસાયટી તે આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની પુરોગામી સંસ્થા. પોતાની પાસેના દસ હજાર ખર્ચાઈ ગયા પછી સોસાયટીએ સરકાર પાસે મદદ માગી. સરકાર ગમે ત્યાંની હોય, ગમે ત્યારની હોય, મોટે ભાગે તે ચાલે છે ગોકળ ગાયની ગતિએ. એટલે ટાઉન હોલની આખી ઈમારત છેક ૧૮૩૩માં બંધાઈ રહી! બોમ્બે એન્જિનિયર્સના કર્નલ થોમસ કોપરે આ ઈમારતની ડિઝાઈન બનાવી હતી. નિયોક્લાસિકલ સ્ટાઈલનું આ મકાન આખા વિસ્તારમાં આજે પણ અલગ તરી આવે છે. તેનાં પગથિયાં અનેક ફિલ્મ, ટી.વી. સીરિયલ, જાહેર ખબર વગેરે માટે વપરાયાં છે.
જેમ જેમ મુંબઈના બંદરનો વિકાસ થતો ગયો તેમ તેમ મુંબઈનાં વેપારવણજ વધતાં ગયાં. ડોક (ગોદી) નજીકના બોમ્બે ગ્રીનમાં મજૂરો, વેપારીઓ, શાહુકારો, આડતિયાઓ, વગેરેની અવરજવર વધતી ગઈ. એમના કામકાજને મદદરૂપ થાય તેવી નાની મોટી કચેરીઓ શરૂ થઈ. પણ છેક ૧૮૪૦ સુધી શાહુકારોની ધીરધાર પર જ વેપારનો બધો મદાર હતો. એટલે ઘણી સગવડોનો અભાવ હતો. આવી જ સ્થિતિ મદ્રાસ અને કલકત્તાની પણ હતી. એટલે કંપની સરકારે આ ત્રણે શહેરમાં બેંક શરૂ કરવાનો ઠરાવ કર્યો. સૌથી પહેલાં કલકત્તામાં બેંક શરૂ થઈ. તે પછી ૧૮૪૦ના એપ્રિલની ૧૫મી તારીખે ધ બેંક ઓફ બોમ્બે અસ્તિત્ત્વમાં આવી. આજની ભાષામાં કહીએ તો આ બેંક PPP મોડેલ પર શરૂ થઈ હતી. તેની કુલ થાપણમાં ૮૦% હિસ્સો લોકોનો હતો, માત્ર ૨૦% સરકારનો હતો. આ બેન્કને ચલણી નોટ છાપવાની પણ સત્તા સરકારે આપી હતી, અને તે પ્રમાણે બેંક નોટ છાપતી પણ ખરી. પણ પછી અમેરિકન સિવિલ વોર દરમ્યાન જ્યારે રૂની ધૂમ નિકાસ થવા લાગી અને વેપારીઓની માગને પહોંચી વળવા ત્રણે બેંકો આડેધડ નોટો છાપવા માંડી, ત્યારે સરકારે એ હક્ક પાછો લઈ લીધો. અમેરિકન સિવિલ વોર અણધારી રીતે પૂરી થતાં રૂનો વેપાર અને શેર બજાર કડડભૂસ થયાં. બોમ્બે બેંક ફડચામાં ગઈ. પણ ૧૮૬૮માં તેની રાખમાંથી ધ ન્યૂ બેંક ઓફ બોમ્બે ઊભી થઈ. ૧૮૪૦માં શરૂ થયેલી આ બેન્કની હેડ ઓફિસ બોમ્બે ગ્રીનથી થોડે દૂર રામપાર્ટ રો પર આવી હતી. અંગ્રેજી શબ્દ રામપાર્ટનો અર્થ થાય છે કિલ્લાની દિવાલ. આજે એ રસ્તાનું નામ છે ખુશરૂ દુબાશ માર્ગ. રામપાર્ટ રો નામ પડ્યું તે પહેલાં આ રસ્તાનું નામ હતું રોપ વોક સ્ટ્રીટ. કારણ અહીં વર્ષો સુધી દોરડાં બનાવવા માટેની કાથીના ઢગલેઢગલા અને તૈયાર થયેલાં દોરડાંનાં ગૂંચળાં પડ્યાં રહેતાં. એ વખતે હજી ‘પાલ’ એટલે કે શઢવાળાં વહાણોનો જમાનો હતો એટલે મુંબઈ આવતાં-જતાં વહાણોને અને બંદરને પણ દોરડાંનો પુષ્કળ ખપ રહેતો.
અંગ્રેજોએ બાંધેલા મુંબઈના કિલ્લાની અંદર, દરિયા અને બંદરની નજીક આવેલો લીલોછમ વિસ્તાર તે બોમ્બે ગ્રીન. પણ પછી તેનું નામ બે વખત બદલાયું. એ બદલાતાં નામ-રૂપ-રંગની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 સપ્ટેમ્બર 2020