Opinion Magazine
Number of visits: 9449877
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—49

દીપક મહેતા|Opinion - Opinion|21 June 2020

બે હતા રાજા, એક પરદેશી, એક દેશી

પરદેશી રાજાએ મુંબઈમાં જોયો ગુજરાતી ગરબો

દેશી રાજાનાં બન્યાં નાટક ને ફિલ્લમ

રાજા પાંચમા જ્યોર્જ અને રાણી મેરી

જેની ભૂમિ પર સૂર્યાસ્ત ક્યારે ય થતો નહોતો એવા બ્રિટિશ સામ્રાજ્યના શહેનશાહ પાંચમાં જ્યોર્જ. જેની જીભ પરથી અસત્યવચન ક્યારે ય સરી પડ્યું નહોતું એવા રાજા હરિશ્ચન્દ્ર. આ બે જૂદા દેશ-કાળના રાજાઓને એકબીજા સાથે કોઈ સંબંધ ખરો? હા, ભલે દૂરનો, પણ ઐતિહાસિક મહત્ત્વનો. પહેલાં વાત કરીએ પાંચમાં જયોર્જની. ૧૯૧૦ના મે મહિનાની છઠ્ઠી તારીખે તેમના પિતા સાતમા એડવર્ડનું અવસાન થયું અને તે જ દિવસથી પાંચમાં જ્યોર્જ બ્રિટિશ સામ્રાજ્યના શહેનશાહ બન્યા. શાહી શોકના દિવસો પૂરા થયા પછી ૧૯૧૧ના જૂનની ૨૨મી તારીખે પાંચમાં જ્યોર્જ અને રાણી મેરીનો કોરોનેશન, એટલે કે રાજ્યારોહણ સમારંભ લંડનની વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાયો. રાજવી બન્યા પછી લગભગ તરત પાંચમાં જ્યોર્જે જે નિર્ણયો લીધા તેમાંનો એક હતો હિન્દુસ્તાનની મુલાકાત લેવાનો અને એ દરમ્યાન ‘દિલ્હી દરબાર’નું આયોજન કરીને ‘એમ્પરર ઓફ ઇન્ડિયા’ તરીકે પોતાનું કોરોનેશન કરવાનો.

એસ.એસ. મદીના

ગ્રેટ બ્રિટનની એ વખતની વહાણવટાની કંપનીઓમાં અગ્રણી હતી પી એન્ડ ઓ નામની કંપની, જેનો દુનિયાના બીજા દેશો ઉપરાંત હિન્દુસ્તાન સાથે નિયમિત દરિયાઈ વ્યવહાર હતો. હિન્દુસ્તાનની મુલાકાતનો નિર્ણય લેવાયો એ વખતે એ કમ્પનીનુ ‘મદીના’ નામનું જહાજ લગભગ બંધાઈ રહેવા આવ્યું હતું. કંપનીને જણાવવામાં આવ્યું કે હિન્દુસ્તાનની મુસાફરી માટે શહેનશાહ અને મહારાણી આ જહાજનો ઉપયોગ કરશે અને એટલો વખત જહાજ બ્રિટિશ નૌકાસૈન્યનું જહાજ બનશે. શહેનશાહ અને તેમના રસાલાના માણસોનાં સુખ સગવડ સચવાય એવા કેટલાક ફેરફારો તાબડતોબ એ જહાજમાં કરવામાં આવ્યા. રાજા-રાણી માટે ભવ્ય આવાસ ઉપરાંત બીજા સહયાત્રીઓ માટે પણ વિશાળ કેબીનો કરવામાં અઆવી. તેનું બાંધકામ ૧૯૧૧ના ઓક્ટોબરની ૧૦મી તારીખે પૂરું થયું અને તેને બ્રિટિશ નેવીને સોંપી દેવામાં આવ્યું. આ નવી નક્કોર સ્ટીમર દ્વારા રાજા-રાણીએ ૧૯૧૧ના નવેમ્બરની ૧૧મી તારીખે બપોરે સ્વદેશનો કિનારો છોડ્યો. વચમાં કેટલાંક રોકાણો કર્યાં પછી બીજી ડિસેમ્બરે સવારે દસ વાગે ‘મદીના’ જહાજ મુંબઈના બારામાં નાંગર્યું.

ગેટ વે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું એપોલો બંદર

છેલ્લા કેટલા ય મહિનાઓથી મુંબઈમાં શાહી મહેમાનોના સ્વાગતની તૈયારી ચાલી રહી હતી. તેમના કાર્યક્રમની ઝીણામાં ઝીણી વિગતો નક્કી કરીને તે પ્રમાણેની સગવડો ઊભી કરવામાં આવી હતી. શાહી મુલાકાતની યાદગીરીમાં એપોલો બંદર પર એક ભવ્ય દરવાજો – ગેટ વે ઓફ ઇન્ડિયા – બાંધવાનું નક્કી થયું હતું, પણ આવડું મોટું સ્થાપત્ય કાંઈ રાતોરાત બાંધી શકાય નહિ, એટલે કામચલાઉ પૂંઠાનો દરવાજો ઊભો કરી દીધો હતો. તેની આગળ, થોડે દૂર ખાસ બાંધેલા સ્ટેજ પર નવાં નક્કોર બે સિંહાસન ગોઠવવામાં આવ્યાં હતાં. સ્ટેજની સામે લોકો માટે અર્ધચંદ્રાકાર સ્ટેડિયમ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આખા વિસ્તારને કેવળ સફેદ રંગની ધજાપતાકાથી શણગાર્યો હતો. મુંબઈના બારામાં જેટલાં જહાજો હતાં તે બધાં પણ શણગાર્યાં હતાં અને રાતે તેમના પર રોશની કરવાની વ્યવસ્થા થઈ હતી.

પૂંઠાના ગેટ વે ઓફ ઇન્ડિયાની આગળ રાજા-રાણીનું સ્વાગત

શાહી દંપતીને લઈને સ્ટીમ લોન્ચ એપોલો બંદર નજીક આવી ત્યારે ૧૦૧ તોપની સલામી અપાઈ અને તેમણે મુંબઈની ધરતી પર પગ મૂક્યો. શાહી મહેમાનો સિંહાસન પર બિરાજ્યાં તે પછી સૌથી પહેલાં મુંબઈની મ્યુનિસિપાલિટીના પ્રમુખ સર ફિરોઝશાહ મહેતાએ માનપત્ર વાંચી સંભળાવ્યું હતું. એ વખતે હજી માઈક્રોફોન કે લાઉડ સ્પીકર આવ્યાં નહોતાં પણ હાજર રહેલા બધા લોકો સાંભળી શકે એવા બુલંદ અવાજે સર ફિરોઝશાહ મહેતાએ વાંચી સંભળાવ્યું હતું. ત્યાર બાદ તે માનપત્ર ચાંદીના કાસ્કેટમાં મૂકીને શાહી દંપતીને ધરવામાં આવ્યું હતું. આ માનપત્રનો જવાબ શહેનશાહ આપશે એવું કોઈએ ધાર્યું નહોતું. પણ તેમણે પણ બુલંદ અવાજે જવાબ આપતાં ટૂંકુ ભાષણ કર્યું. તેમાં તેમણે અગાઉ પોતે પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે લીધેલી મુંબઈની મુલાકાતને યાદ કરીને કહ્યું હતું કે આજે અહીં ફરી આવતાં અમને આનંદ થાય છે.

મુંબઈના રસ્તા પર શાહી સવારી

ત્યાર બાદ શાહી દંપતીને ખાસ સજાવેલી બગીમાં સરઘસ આકારે મુંબઈમાં ફેરવવામાં આવ્યાં. કોટ વિસ્સ્તારના રસ્તાઓ સરકારે યુનિયન જેકના બે રંગો જ વાપરીને શણગાર્યા હતા. આ સરઘસ મુંબઈના કેટલાક મુખ્ય રસ્તાઓ પરથી ધીમી ગતિએ પસાર થયું હતું : એપોલો બંદર રોડ, એસ્પ્લનેડ રોડ, હોર્નબી રોડ, ક્રુકશેંક રોડ, કાલબાદેવી રોડ, પાયધુની, સેન્ડહર્સ્ટ રોડ, ક્વિન્સ રોડ, ચર્ચગેટ સ્ટ્રીટ, મેયો રોડ, અને ફરી એપોલો બંદર. કોટ વિસ્તારની બહાર મુંબઈના નાગરિકોએ જાતજાતના રંગની ધજા પતાકાથી રસ્તાઓ શણગાર્યા હતા. ઠેર ઠેર વેપારીઓએ રસ્તા પર વિશાળ કમાનો ઊભી કરી હતી – ક્યાંક ફૂલોની, ક્યાંક રૂની ગાંસડીઓની, ક્યાંક તાંબાપિત્તળનાં વાસણોની, તો ક્યાંક રંગબેરંગી કાપડના તાકાઓની. રસ્તાની બંને બાજુ હજારો લોકો શાહી દંપતીને જોવા શાંતિપૂર્વક ઊભા હતા. તેમાં પારસી, હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, વગેરે બધા ધર્મોના લોકો હતા. આખે રસ્તે થોડે થોડે અંતરે બેન્ડ ગોઠવવામાં આવેલાં. શાહી બગી આવતી દેખાય કે તરત બેન્ડ બ્રિટનના રાષ્ટ્રગીતના સૂર છેડતું. સરઘસ જ્યારે દરિયા કિનારા નજીકના ક્વિન્સ રોડ પર પહોચ્યું ત્યારે રસ્તાની બંને બાજુનાં હારબંધ વૃક્ષો અને દરિયાઈ પવનને કારણે વાતાવરણ થોડું ઠંડુ થયું હતું. (હા, જી. ત્યારે હજી મરીનડ્રાઈવનો રસ્તો બંધાયો નહોતો અને દરિયો છેક ક્વીન્સ રોડ સુધી આવતો.) છેવટે એપોલો બંદરથી મહેમાનો પાછા મદીના સ્ટીમર પર ગયાં હતાં.

બીજે દિવસે, રવિવારે, તેમણે બપોરનું ભોજન મલબાર હિલ પરના ગવર્નરના બંગલામાં લીધું અને પછી કેથેડ્રલ ચર્ચ ઓફ સેન્ટ થોમસમાં ‘ડિવાઈન સર્વિસ’માં હાજરી આપી. સોમવારે સવારે શાહી દંપતી બોમ્બે જિમખાના પાસેના મોટા મેદાન પર ગયાં હતાં. અંગ્રેજી, ગુજરાતી, મરાઠી અને ઊર્દૂ સ્કૂલોમાં ભણતાં ૨૬ હજાર જેટલાં બાળકોને અહીં ભેગાં કર્યાં હતાં. અહીં પણ મહેમાનો માટે ખાસ સ્ટેજની અને બાળકો માટે અર્ધ ગોળાકાર બેઠકની વ્યવસ્થા હતી. મહેમાનો આવતાંવેંત બાળકોએ બ્રિટનના રાષ્ટ્રગીતની બે-બે કડીઓ અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, અને હિન્દુસ્તાનીમાં ગાઈ હતી. ત્યારબાદ છોકરીઓએ શાહી મહેમાનોનું સ્વાગત કરતો ગુજરાતી ગરબો રજૂ કર્યો હતો. તેમાં ત્રણ વર્તુળમાં ગોઠવાયેલી ૨૩૦ છોકરીઓએ ભાગ લીધો હતો. પહેલા અને સૌથી મોટા વર્તુળમાં ૧૨૦ પારસી છોકરીઓ હતી. તેની અંદરના બીજા વર્તુળમાં ૬૦ હિંદુ છોકરીઓ હતી, અને ત્રીજા વર્તુળમાં ૫૦ હિંદુ અને પારસી છોકરીઓ હતી. તેમાંની કેટલીક છોકરીઓએ માથે બેડાં મૂક્યાં હતાં. બધી છોકરીઓએ ગુજરાતનો પરંપરાગત પોશાક પહેર્યો હતો પણ સાથોસાથ પગમાં બૂટ પણ પહેર્યા હતા! કારણ રાજા-રાણી સામે ઉઘાડા પગે હાજર થવું એ અપમાનજનક ગણાય છે. ગરબો પૂરો થયા પછી શાહી દંપતી છોકરીઓના વર્તુળની વચમાં ગયાં હતાં અને તેમણે ગરબાના વખાણ કર્યાં હતાં. બાજુમાં એક મકાનમાં મુંબઈના ઈતિહાસ વિશેનું પ્રદર્શન ગોઠવ્યું હતું તે પણ શાહી મહેમાનોએ જોયું હતું. ચાંદીના પતરાનો બનેલો મુંબઈના અસલ સાત ટાપુનો નકશો ત્યાં તેમને ભેટ અપાયો હતો.

પાંચમી તારીખે બપોરે શાહી મહેમાનોએ એલિફન્ટાની મુલાકાત લીધી. તે જ દિવસે રાતે શાહી મહેમાનો દિલ્હી જવા નીકળ્યાં હતાં. એ વખતે રોશની વડે રસ્તાઓ ઝળહળતા હતા, પણ શાહી સવારી ઝડપથી પસાર થઈ ગઈ હતી. વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન પર નાનો અને પ્રમાણમાં સાદો વિદાય સમારંભ યોજાયો હતો. રાતના બરાબર ૧૧ વાગ્યે શાહી મહેમાનોને લઈને ટ્રેન દિલ્હી જવા રવાના થઈ હતી. લંડનમાં રાજા પાંચમાં જ્યોર્જ અને રાણી મેરીનો રાજ્યાભિષેક થયો અને પછી દિલ્હી દરબારમાં પણ થયો તે પછી કેટલાક લોકોના મનમાં એક શબ્દ ઘર કરી ગયો હતો : કોરોનેશન, એટલે કે રાજ્યારોહણ. ઇતિ મહારાજ શ્રી પંચમ જ્યોર્જ પુરાણમ્ સમાપ્તમ્.

અથ મહારાજ શ્રી હરિશ્ચન્દ્ર પુરાણમ્. શ્રી રામના ઈક્ષ્વાકુ વંશના, પણ રામના પુરોગામી આ રાજા. તેમનો વંશ સૂર્યવંશ તરીકે પણ ઓળખાય છે. પિતા ત્રિશંકુ. મૂળ નામ સત્યવ્રત. ઉંમર થતાં રાજગાદી હરિશ્ચન્દ્રને સોંપી દીધી. આખી જિંદગીમાં તે ક્યારે ય જુઠ્ઠું બોલ્યા નહોતા એટલે સ્વર્ગમાં જવાના અધિકારી હતા. પણ તેમને સદેહે સ્વર્ગ જવાની ઇચ્છા થઈ. આ માટે જરૂરી વિધિ કરવા તેમણે ગુરુ વસિષ્ઠને વિનંતી કરી. ગુરુએ કહ્યું કે આવી વિધિ થાય નહિ, અને થાય તો સફળ ન થાય, કારણ કોઈ પણ માણસ માટે સદેહે સ્વર્ગે જવાનું શક્ય જ નથી. એટલે સત્યવ્રતે વસિષ્ઠના હરીફ વિશ્વામિત્રને સાધ્યા અને તેમની પાસે જરૂરી ક્રિયા કરાવી. પરિણામે સત્યવ્રત સદેહે સ્વર્ગ તરફ જવા લાગ્યા. આ જોઈ દેવો નારાજ થયા અને ઇન્દ્રે તથા બીજા દેવોએ તેમને ધક્કો મારીને નીચે પૃથ્વી પર મોકલ્યા. પણ તેમાં વિશ્વામિત્રને પોતાનું અપમાન લાગ્યું એટલે પોતાની શક્તિ વડે તેમણે સત્યવ્રતને પૃથ્વી પર પાછા આવતા અટકાવ્યા. પછી પોતાની શક્તિ વડે સત્યવ્રત માટે નવું સ્વર્ગ બનાવ્યું. આ જોઈ દેવો વિશ્વામિત્ર પાસે આવ્યા અને તેમને સમજાવ્યા. એટલે એવું નક્કી થયું કે આ નવું સ્વર્ગ ‘ત્રિશંકુના સ્વર્ગ’ તરીકે ઓળખાશે અને તેમાં તેના સિવાય બીજું કોઈ નહિ રહે. અને ત્રિશંકુ પણ કાયમ માટે ત્યાં ઊંધે માથે જ રહેશે જેથી તે દેવો પર આક્રમણ કરી સ્વર્ગ પચાવી ન પાડે. ત્યારથી જ્યારે કોઈ માણસ ન ઘરનો રહે, ન ઘાટનો, ત્યારે એની દશા તો ત્રિશંકુ જેવી થઈ એમ કહેવાય છે.

બ્રિટિશ મ્યુઝિયમમાંનું ચિત્ર : રાજા હરિશ્ચન્દ્ર, પુત્ર, અને પત્ની

આ ત્રિશંકુના દીકરા હરિશ્ચન્દ્રની કથા ઐતરેય બ્રાહ્મણ, મહાભારત, માર્કંડેય પુરાણ અને દેવી-ભાગવત પુરાણમાં જોવા મળે છે. પણ સૌથી વધુ પ્રચલિત થઈ છે તે માર્કંડેય પુરાણની કથા. આ કથા પ્રમાણે વિશ્વામિત્ર ઋષિને આપેલું વચન પાળવા ખાતર હરિશ્ચન્દ્ર પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિતાશ્વને વેચી નાખે છે. છતાં દેવું ભરપાઈ ન થતાં પોતાની જાતને એક ચાંડાલને વેચે છે. એ ચાંડાલ તેમને સ્મશાનમાં આવતા મૃતદેહોના અગ્નિસંસ્કાર પહેલાં કર ઉઘરાવવાનું કામ સોંપે છે જે હરિશ્ચન્દ્ર સ્વીકારે છે. થોડા વખત પછી તારામતી દીકરા રોહિતાશ્વનું શબ લઈને આવે છે ત્યારે હરિશ્ચન્દ્ર પોતાની નિર્ધન પત્ની પાસે પણ કરની રકમ માગે છે. આ જોઈ વિશ્વામિત્ર અને ધર્મ સાથે બીજા બધા દેવો પ્રગટ થાય છે  અને હરિશ્ચન્દ્રને સ્વર્ગમાં પધારવા આમંત્રણ આપે છે. પણ હરિશ્ચન્દ્ર કહે છે કે મારી વફાદાર પ્રજાને મૂકીને હું સ્વર્ગમાં ન આવી શકું. ઈન્દ્રદેવ એક દિવસ માટે પ્રજાને સ્વર્ગમાં આવવાની રજા આપે છે. બીજી બાજુ બાર વરસનું તપ પૂરું થતાં હરિશ્ચંદ્રને માથે જે વીતી હતી તેની ખબર તેના ગુરુ વસિષ્ઠને પડે છે એટલે તે વિશ્વામિત્ર સામે યુદ્ધ માંડે છે. પણ બ્રહ્મા પ્રગટ થઈને કહે છે કે વિશ્વામિત્ર હરિશ્ચંદ્રનું અહિત કરવા માગતા નહોતા. તેઓ તો માત્ર પરીક્ષા લઈ રહ્યા હતા, જેથી હરિશ્ચન્દ્ર સ્વર્ગમાં પ્રવેશી શકે.

ગાંધીજીએ આ કથાનકવાળું નાટક બાળપણમાં જોયું હતું અને તેની ખૂબ ઊંડી અસર તેમના પર પડી હતી. આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં તેઓ લખે છે: 'આ જ અરસામાં કોઈ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ચન્દ્રનું આખ્યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહિ. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચન્દ્રનાં સ્વપ્નાં આવે. ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ એ ધૂન ચાલી … હરિશ્ચન્દ્રનાં દુઃખ જોઈ, તેનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું.' નાટક બને તો આ  દેશી રાજા પર ફિલ્લમ કેમ ના બને?

પ્રિય વાચક! આજની આ બધી વાતોથી તમને પણ રોવું નહિ તો હસવું તો આવતું જ હશે : ક્યાં રાજા જ્યોર્જ, ને ક્યાં રાજા હરિશ્ચન્દ્ર. આ બે વચ્ચે તે વળી સંબંધ કેવી રીતે હોઈ શકે? પણ એ સંબંધ બંધાયો એક ફિલ્લમને કારણે, અને તે પણ ગિરગામમાં. પણ પ્લીઝ, આવતા શનિવાર સુધી ધીરજ ધરશો. તમારી દશા ત્રિશંકુ જેવી નહિ થાય એની ખાતરી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 20 જૂન 2020

Loading

21 June 2020 admin
← તો શું ?
ચીન દરેક પ્રકારની ‘બનાવટ’માં નામચીન છે →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved