મરાઠી મુલગી અને બંગાળીબાબુની પ્રેમકથા
અલ્લડ અન્નપૂર્ણા બની રવિપ્રેમી નલિની
ગુરુદેવ ટાગોર મુંબઈના જમાઈરાજા બન્યા હોત?
જે જે પ્રેમકથાની વાત માંડવાની છે તેને ગયા શનિવારની ધર્મકથા સાથે સીધો સંબંધ છે. પ્રાર્થના સભાના પહેલા અધ્યક્ષ ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરને બે દીકરા અને ત્રણ દીકરી, અન્નપૂર્ણા, દુર્ગા અને માણેક. એ જમાનામાં પણ પિતાએ બધાં સંતાનોને ભણવા માટે વિલાયત મોકલેલાં. અન્નપૂર્ણા વીસેક વરસની ઉંમરે તો વિલાયતથી પાછી આવી ગયેલી. બીજી બાજુ દેશના પૂર્વ કિનારે બંગાળના મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરનાં કુલ ૧૫ સંતાનોમાંથી સૌથી નાનો દીકરો રવીન્દ્રનાથ. ૧૮૬૧માં તેનો જન્મ. એ જમાનાના ચાલ પ્રમાણે રવીન્દ્રનાથને બેરિસ્ટર બનાવવાની પિતાને હોંશ. ઇંગલન્ડની બ્રાઈટન કોલેજમાં એડમિશન પણ લઈ લીધું. રવીન્દ્રનાથના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ આઈ.સી.એસ. બનનારા પહેલવહેલા હિન્દી. એ માટેની પરીક્ષા આપવા એ વખતે ગ્રેટ બ્રિટન જવું પડતું. એટલે તેઓ વિલાયત ગયેલા અને આઈ.સી.એસ. થઈને ૧૮૬૪માં સ્વદેશ પાછા ફરેલા. તેમનું પહેલવહેલું પોસ્ટિંગ ચાર મહિના માટે મુંબઈમાં થયેલું. એ પછી તેમની બદલી અમદાવાદ થયેલી. ટાગોર કુટુંબ બ્રહ્મોસમાજી, અને ડો. આત્મારામ પ્રાર્થનાસમાજી. ડો. આત્મારામનો જન્મ ૧૮૨૩માં, સત્યેન્દ્રનાથનો જન્મ ૧૮૪૨માં. એટલે બંને વચ્ચે ઉંમરનો ખાસ્સો ફરક. પણ ઉચ્ચ શિક્ષણ, એકેશ્વરવાદ અને સમાજ સુધારાની ધગશને કારણે બંને વચ્ચે સમજણનો સેતુ રચાયો હશે. એટલે બંને વચ્ચે ચાર મહિનાના ટૂંકા ગાળામાં અંગત અને કૌટુંબિક સંબંધ બંધાયો. સત્યેન્દ્રનાથની બદલી અમદાવાદ થયા પછી પણ તે વધતો ગયેલો.
રવીન્દ્રનાથ ટાગોર ૧૭ વર્ષની ઉંમરે
બીજી બાજુ રવીન્દ્રનાથ કરતાં સત્યેન્દ્રનાથ લગભગ ૧૯ વરસ મોટા, એટલે પિતાતુલ્ય. રવીન્દ્રનાથનું વિલાયત જવાનું નક્કી થયું એટલે પિતાએ બ્રિટિશ રહેણીકરણી અને વ્યવહારુ અંગ્રેજી શીખવા માટે તેમને સત્યેન્દ્રનાથ પાસે અમદાવાદ મોકલ્યા. ૧૮૭૮ના મે મહિનાની ૧૫મી તારીખે રવીન્દ્રનાથ અમદાવાદ પહોંચ્યા. મહેલ જેવા શાહીબાગમાં સત્યેન્દ્રનાથ રહેતા હતા, પણ એકલા. એ બંગલામાં સુખસગવડનાં બધાં સાધનો હતાં, પણ સત્યેન્દ્રનાથ તો આખો દિવસ ઓફિસમાં હોય. ઘરે રવીન્દ્રનાથ એકલા. અલબત્ત, નોકર-ચાકરનો પાર નહીં, પણ પોતાનું કહી શકાય એવું આખો દિવસ ઘરમાં કોઈ નહિ. એટલે રવીન્દ્રનાથનો જીવ સોરાયા કરે.
અન્નપૂર્ણા ઉર્ફે નલિની તર્ખડકર
સત્યેન્દ્રનાથ જેવા વિચક્ષણ માણસના ધ્યાનમાં આ વાત આવ્યા વગર રહે? રવીન્દ્રનાથ જો કોઈ કુટુંબમાં રહે તો તેની એકલતા દૂર નહિ તો ય ઓછી તો થાય. અને સત્યેન્દ્રનાથના ધ્યાનમાં આવ્યું મુંબઈના મિત્ર ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરનું કુટુંબ. આખું કુટુંબ ભણેશરી. રહેણીકરણી પર અંગ્રેજોની ખાસ્સી અસર. અને અન્નપૂર્ણા તો હજી હમણાં જ વિલાયતથી પાછી આવેલી. એટલે સત્યેન્દ્રનાથે પોતાના ભાઈને મુંબઈ ડો. આત્મારામને ઘરે રહેવા મોકલવાનું નક્કી કર્યું. ટાગોર કુટુંબ અને તર્ખડકર કુટુંબ વચ્ચેનો સંબંધ સારો એવો ગાઢ ન હોય તો કોઈ પોતાના સત્તર વર્ષના ભાઈને આ રીતે બે-એક મહિના માટે રહેવા મોકલે નહિ.
સત્યેન્દ્રનાથ ટાગોર
પિતાતુલ્ય ભાઈ જે નક્કી કરે તે પ્રમાણે વર્તવાનું રવીન્દ્રનાથ માટે સ્વાભાવિક. એટલે તેઓ અમદાવાદથી નીકળીને ૧૮૭૮ના ઓગસ્ટમાં મુંબઈ પહોંચ્યા અને તર્ખડકર કુટુંબના કાંદાવાડીના ઘરે મહેમાન બની રહ્યા. અંગ્રેજોની રીતભાત, તેમના આચારવિચાર, ખાણીપીણીની ખાસિયતો, બોલાતી બ્રિટિશ અંગ્રેજી, વગેરેમાં તેમને પલોટવાનું કામ ડો. આત્મારામે વીસેક વરસની દીકરી અન્નપૂર્ણાને સોંપ્યું. અગાઉ આપણે આ કાંદાવાડી ઉર્ફે ખાડિલકર રોડની વાત કરી ત્યારે તેને અંગે બે વાત નોંધેલી : મુંબઈના સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત અહીંથી થયેલી અને ખાડિલકરે ‘નવાકાળ’ નામનું મરાઠી દૈનિક પણ અહીંથી શરૂ કરેલું. કાંદાવાડીના મુગટમાં હવે ત્રીજું પીછું ઉમેરાય છે : ગુરુદેવ ટાગોર ૧૭ વરસની ઉંમરે મુંબઈની પહેલી મુલાકાત વખતે આ કાંદાવાડીમાં જ રહેલા. એ વખતે પ્રાર્થના સમાજનું મકાન બંધાઈ ગયેલું એટલે ડો. આત્મારામ સાથે કંઈ નહિ તો બે-ચાર વાર ત્યાં ગયા પણ હોય. ગિરગામ રોડ પર ફર્યા પણ હોય. કદાચ ચોપાટી સુધી ફરવા ગયા હોય – એકલા કે કોઈની સાથે? કોઈની સાથે તો કોની સાથે? અન્નપૂર્ણા સાથે? આપણે નથી જાણતા, કારણ કોઈએ આવું કશું નોંધ્યું નથી. પણ આવું બન્યું હોય એવો સંભવ તો ખરો જ. કારણ સમૃદ્ધ કહી શકાય એવું તર્ખડકર કુટુંબ પોતાના મોંઘેરા મહેમાનની આગતાસ્વાગતા કર્યા વગર તો ન જ રહ્યું હોય.
એ જમાનાનો શબ્દ વાપરીને કહીએ તો અન્નપૂર્ણા થોડી અલ્લડ હશે, આજનો શબ્દ વાપરીએ તો થોડી બિન્દાસ હશે. અંગ્રેજોની રીતભાત, રહેણીકરણી વગેરે અંગે વાતો કરતાં એક વખત તેણે રવીન્દ્રનાથને કહ્યું કે વિલાયતમાં એવો રિવાજ છે કે કોઈ યુવતી સૂતી હોય એ વખતે કોઈ યુવક તેનાં હાથ મોજાં ચોરી લે, તો એ યુવતીને ચુંબન કરવાનો અધિકાર પેલા યુવકને મળી જાય. આ વાત કરીને થોડી વાર પછી પોતાનાં હાથમોજાં કાઢીને અન્નપૂર્ણા સૂઈ ગઈ – કે તેણે સૂવાનો દેખાવ કર્યો. થોડી વાર પછી જાગીને જોયું તો તેનાં હાથમોજાં મૂક્યાં હતાં ત્યાં જ હતાં, રવીન્દ્રનાથે તેને હાથ પણ અડાડ્યો નહોતો.
પછી વાતવાતમાં રવીન્દ્રનાથે કહ્યું કે હું કવિતા લખું છું. તેમનું પહેલું કાવ્ય ‘અભિલાષા’ તેમના નામ વગર ‘તત્ત્વબોધિનીપત્રિકા’ના નવેમ્બર ૧૮૭૪ના અંકમાં છપાયેલું. તેમના નામ સાથે પહેલું કાવ્ય ‘અમૃતબજાર પત્રિકા’ના ૨૫ ફેબ્રુઆરી ૧૮૭૫ના અંકમાં પ્રગટ થયેલું. ૧૮૭૭ના જુલાઈમાં રવીન્દ્રનાથના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોરે ‘ભારતી’ નામનું સામયિક શરૂ કર્યું ત્યારે તેના પહેલા જ અંકમાં રવીન્દ્રનાથની બે ગદ્ય કૃતિ અને એક કાવ્ય છાપ્યાં હતાં. પણ રવીન્દ્રનાથ મુંબઈ આવ્યા ત્યાં સુધીમાં તેમનું એકે પુસ્તક છપાયું નહોતું. તેમનું પહેલું પુસ્તક ‘કવિ-કાહિની’ ૧૮૭૮માં પ્રગટ થયું. (પદ્યકથાઓના આ પુસ્તકમાંની ૧૮ કૃતિઓનો ગદ્ય અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ ‘કુરબાનીની કથાઓ’ નામે કરેલો, જે ૧૯૨૨માં પ્રગટ થયો હતો.) છતાં બંગાળમાં રવીન્દ્રનાથનું નામ થોડું જાણીતું થયું હતું.
રવીન્દ્રનાથ કવિતા લખે છે એ જાણ્યું એટલે અન્નપૂર્ણાએ કહ્યું કે મને તમારાં કાવ્યો સંભળાવો. પહેલાં તો થોડાં બંગાળી કાવ્યો ગાઈ સંભળાવ્યાં, પણ દેખીતી રીતે જ અન્નપૂર્ણાને તેમાં ઝાઝી સમજ પડી નહિ, એટલે રવીન્દ્રનાથ અંગ્રેજીમાં અનુવાદ કરીને સંભળાવવા લાગ્યા. આમ, કવિતાને કારણે બંને વધુ નજીક આવ્યાં. રવીન્દ્રનાથે ખાસ નલિની માટે એક કાવ્ય લખ્યું અને તે ગાઈને સંભળાવ્યું. એ સાંભળીને નલિનીએ કહ્યું: ‘કવિ, મને લાગે છે કે જો હું મરણ પથારીએ પડી હોઉં ને, તો ય તમારાં કાવ્યો સાંભળીને મને તેમાંથી જીવી જવાનું બળ મળે.’ નલિનીએ રવીન્દ્રનાથને એક સલાહ પણ આપી : ‘કવિ, તમારો ચહેરો સ્ફટિક જેવો નિર્મળ છે. એ ચહેરાની રેખાઓ ઢંકાઈ જાય એવું કશું ક્યારે ય કરશો નહિ. ક્યારે ય દાઢી વધારશો નહિ.’ વર્ષો પછી રવીન્દ્રનાથે લખ્યું : ‘સૌ કોઈ જાણે છે કે મેં તેની સલાહ માની નથી, અને દાઢી વધારી છે. પણ એની સલાહની અવગણનાની ચાડી ખાતો મારો ચહેરો જોવા એ જીવતી રહી નહિ.’
એસ.એસ. સિટી ઓફ પૂના
પછી અન્નપૂર્ણાએ કહ્યું કે મારે માટે બીજું કોઈ સરસ નામ પાડો ને! એટલે રવીન્દ્રનાથે તેનું નામ પાડ્યું નલિની. આ નામ – અને તે પાડનાર પણ – અન્નપૂર્ણાના મનમાં વસી ગયાં. બંને ધીમે ધીમે વધુ નિકટ આવતાં ગયાં. પણ એ બંનેમાંથી કોઈએ આ વિષે લખ્યું નથી એટલે તેમની નિકટતાની વિગતો મળતી નથી. અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે મોટાભાઈ સત્યેન્દ્રનાથ સાથે ગ્રેટ બ્રિટન જવા રવીન્દ્રનાથ મુંબઈથી ૧૮૭૮ના સપ્ટેમ્બરની ૨૦મીએ તારીખે નીકળ્યા. એસ.એસ. સિટી ઓફ પૂના નામની સ્ટીમર સાંજે પાંચ વાગે મુંબઈથી ઊપડી. છ દિવસ પછી તે એડન પહોંચી. આ બધા દિવસ રવીન્દ્રનાથને દરિયો લાગ્યો હતો અને એટલે તેઓ કેબિનની બહાર નીકળ્યા જ નહોતા. એડનથી સુએઝ પહોંચતાં બીજા પાંચ દિવસ લાગ્યા. સુએઝના બંદરેથી સુએઝ રેલવે સ્ટેશને ગયા અને એલેકઝાન્ડ્રિયા જતી ટ્રેનમાં બેઠા. આખે રસ્તે ઊડતી ધૂળ રવીન્દ્રનાથના શરીર પર એવી તો જામી ગઈ હતી કે તે કોઈ ભભૂતિ ચોળેલા બાવા જેવા લાગતા હતા. એલેકઝાન્ડ્રિયાથી તેઓ ‘મોંગોલિયા’ નામની સ્ટીમરમાં બેઠા. પહેલું કામ નહાવાનું કર્યું. પાંચ દિવસ પછી આ સ્ટીમર ઇટલીના બ્રિનડીસી બંદરે પહોંચી. બીજે દિવસે ઘોડા ગાડી ભાડે કરીને ગામ જોવા નીકળ્યા. થોડું ફરીને બપોરે ત્રણ વાગે પેરિસ જતી ટ્રેનમાં બેઠા. ત્યાં માત્ર એક દિવસ રોકાઈને લંડન જવા નીકળ્યા. ત્યાં ફક્ત બે કલાક ગાળી બ્રાઈટન પહોંચ્યા. પછી અનેક વાર દુનિયાના જુદા જુદા દેશોની મુલાકાત લેનાર રવીન્દ્રનાથની પહેલી વિદેશની મુસાફરી મુંબઈની કાંદાવાડીથી શરૂ થઈ હતી.
દેવેન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથના ગયા પછી નલિની ઉર્ફે અન્નપૂર્ણાનાં કુટુંબીજનોને બંને વચ્ચેના પ્રેમસંબંધની ખબર પડી. મરાઠીમાં આ અંગે જે લખાયું છે તેમાંથી જાણવા મળે છે કે ૧૮૭૯ની શરૂઆતમાં નલિનીને લઈને ડો. આત્મારામ કલકત્તા ગયા હતા અને એ બંને જોડા સાંકોના ઘરે રવીન્દ્રનાથના પિતા દેવેન્દ્રનાથને મળ્યાં હતાં. અને બંનેના લગ્નની દરખાસ્ત રજૂ કરી હતી. પણ રવીન્દ્રનાથ કરતાં નલિની ઉંમરમાં ત્રણેક વર્ષ મોટી છે એ કારણ આગળ ધરી દેવેન્દ્રનાથે એ માગું સ્વીકાર્યું નહિ. જો કે આ અંગેનું ખરું કારણ દેવેન્દ્રનાથની ચુસ્ત જ્ઞાતિપરસ્તી હતું. ટાગોર કુટુંબ પીરાલી (પીર+અલી) બ્રાહ્મણ હતું. બ્રાહ્મણોની આ ઉપજાતિ આજના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં જ જોવા મળે છે. દેવેન્દ્રનાથની હયાતી દરમ્યાન કુટુંબમાં જેટલા છોકરાઓનાં લગ્ન થયાં તે બધાની પત્ની પીરાલી બ્રાહ્મણ કુટુંબની જ હતી, પછી ભલે તે અત્યંત ગરીબ કુટુંબની હોય. એટલે રવીન્દ્રનાથની પત્ની તરીકે દેવેન્દ્રનાથ નલિનીને સ્વીકારી શકે તેમ નહોતું.
૧૮૮૦ના માર્ચમાં કોઈ પણ ડિગ્રી મેળવ્યા વગર રવીન્દ્રનાથ હિન્દુસ્તાન પાછા આવ્યા. થોડા વખત પછી, ૧૮૮૦ના નવેમ્બરની ૧૧મી તારીખે અન્નપૂર્ણા ઉર્ફે નલિનીનાં લગ્ન એક સ્કોટિશ યુવક સાથે થયાં. એ વડીલોએ ગોઠવેલાં હતાં કે પ્રેમલગ્ન? જાણવા મળતું નથી. એ યુવકનું નામ હેરોલ્ડ લિટલડેલ. ૧૮૫૩ના ઓક્ટોબરની ત્રીજી તારીખે ડબ્લિનમાં જન્મ. પિતા હતા સોલિસિટર. ડબ્લિનની ટ્રિનિટી કોલેજમાં બી.એ., એમ.એ., અને પીએચ.ડી. થયા. હિન્દુસ્તાન આવી વડોદરાના મહારાજાએ ૧૮૮૧માં શરૂ કરેલી બરોડા કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર અને વાઈસ પ્રિન્સિપલ તરીકે જોડાયા. પછી ૧૮૭૯થી વડોદરા રાજ્યના કેળવણી ખાતાના ડિરેક્ટર તરીકે કામ કર્યું. એ દરમ્યાન યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો બન્યા. પણ પછી સ્વદેશ પાછા જઈ યુનિવર્સિટી કોલેજ ઓફ સાઉથ વેલ્સ એન્ડ મોનમાઉથશાયરમાં અંગ્રેજીના પ્રોફેસર બન્યા. ૧૮૯૧માં અન્નપૂર્ણા ઉર્ફે નલિનીનું એડનબરામાં અવસાન થયું.
પણ નલિની અને રવીન્દ્રનાથ એકબીજાંને ભૂલી શક્યાં હતાં? ના. છેવટ સુધી અન્નપૂર્ણાએ રવીન્દ્રનાથે આપેલા ‘નલિની’ નામથી જ ઓળખાવાનું પસંદ કર્યું હતું. પોતાના એક ભાઈને ત્યાં પુત્રજન્મ થયો ત્યારે તેનું નામ નલિનીએ પાડ્યું રવીન્દ્ર. તો બીજી બાજુ લગભગ ૮૦ વર્ષની ઉંમર સુધી લખાયેલાં ટાગોરનાં કાવ્યોમાં અવારનવાર નલિની નામ ડોકાતું જોવા મળે છે. એટલું જ નહિ, ૧૮૮૪માં તેમણે નલિની નામનું નાટક પણ લખ્યું અને તેનું અર્પણનું પાનું કોરું રાખ્યું હતું. આમ, નામ લખ્યા વગર તેમણે નાટક નલિનીને અર્પણ કર્યું. એંસી વરસની ઉંમરે ટાગોરે લખ્યું હતું: 'એ વખતે મેં જિંદગીમાં ખાસ કશું મેળવ્યું નહોતું. એટલે તેણે મારી ઉપેક્ષા કરી હોત તો એમાં એનો વાંક ન કાઢી શકાયો ન હોત. પણ તેણે એમ ન કર્યું. કવિતા એ એકમાત્ર પૂંજી મારી પાસે હતી જેનાથી હું તેનું ધ્યાન ખેંચી શકું. અને મારી કવિતા તરફ અને તેથી મારા તરફ તે આકર્ષાઈ હતી.’
ડો. આત્મારામ તર્ખડકરે કલકત્તા જઈ મહર્ષિ દેવેન્દ્રનાથ પાસે જે માગું નાખ્યું હતું તે તેમણે સ્વીકાર્યું હોત તો? તો ગુરુદેવ ટાગોર તર્ખડકર કુટુંબના અને તેથી મુંબઈ નગરીના જમાઈરાજા બન્યા હોત! પણ શું જીવનમાં કે શું ઇતિહાસમાં, જો-તોને ક્યારે ય સ્થાન હોતું નથી. એટલે મરાઠી મુલગી અને બંગાળી બાબુની પ્રેમકથાની વાત અહીં જ પૂરી કરીએ. આવતે શનિવારે નવી ગિલ્લી, નવો દાવ.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 13 જૂન 2020