એક વખતનો ચર્ની રોડ, આજનો રાજા રામ મોહન રોય રોડ
તેના પર ચર્ચની નજીક પ્રાર્થના સમાજ
એ જોતાં સવાલ થાય : ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
લક્ષ્મીબાગ હોલ છોડીને આગળ વધીએ એ પહેલાં એક ખુશ ખબર. કોરોનાને કારણે આઈ.સી.યુ.માં હોય તેવો દરદી સાજો સારો થઈને પહેલાંની જેમ ચાલતો ઘરે આવે તો કેટલો આનંદ થાય? વચમાં ઘણાં વર્ષો વહી ગયાં, પણ પછી લક્ષ્મીબાગ હોલના ટ્રસ્ટીઓ – જે દાભોલકર કુટુંબના છે – તેમણે આ હોલની મૂળ હેરિટેજ ખાસિયતો જળવાઈ રહે એવી રીતે તેનું નવીનીકરણ કર્યું છે. મૂળ વાસ્તુને નડતરરૂપ ન બને એ રીતે એરકંડિશનિંગ ઉમેર્યું છે, એટલું જ નહિ, ત્યાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પણ ફરી શરૂ કર્યા છે. આ સપરમા સમાચાર આપવા માટે મિત્ર, ખ્યાતનામ સંતુરવાદક, સંગીતજ્ઞ અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહલ મઝુમદારનો આભાર.
રાજા રામ મોહન રોય
લક્ષ્મીબાગ હોલ પાસે ઊભા રહીને આસપાસમાં કોઈને પૂછીએ કે સેન્ટ ટેરેસા ચર્ચ ક્યાં આવ્યું, તો મોટે ભાગે ‘ખબર નથી’ એવો જવાબ મળશે. પણ જો પૂછીએ કે પોર્ટુગીઝ ચર્ચ ક્યાં આવ્યું તો તરત કહેશે કે જુઓ ને, પેલી નાકા ઉપરની લાલ ઈમારત. એ જ છે પોર્ટુગીઝ ચર્ચ. આપણે ત્યાં સુધી જઈને પછી ડાબે હાથે વળશું. આપણે ઊભા છીએ રાજા રામમોહન રોય રોડ પર. આ તો આજનું નામ. આ રોડનો એક છેડો ચર્ની રોડ સ્ટેશન સુધી પહોંચતો એટલે પહેલાં તે ચર્ની રોડ તરીકે ઓળખાતો. આજનું ચર્ચગેટ સ્ટેશન બંધાયું તે વખતે અગાઉનાં મરીન લાઈન્સ અને ચર્ની રોડ સ્ટેશનને તેના મૂળ સ્થાન કરતાં થોડા દક્ષિણ તરફ, એટલે કે ચર્ચગેટ તરફ, ખસેડાયાં હતાં. એટલે હવે આ રોડનો ચર્ની રોડ સ્ટેશન સાથે પણ બહુ સંબંધ રહ્યો નથી. હવે આ રોડને જેમનું નામ મળ્યું છે તે રાજા રામ મોહન રોયનો જન્મ ૧૭૭૨ના મે મહિનાની ૨૨મી તારીખે, અવસાન ૧૮૩૩ના સપ્ટેમ્બરની ૨૭મી તારીખે. માત્ર બંગાળના જ નહિ, આખા દેશના એમના જમાનાના અગ્રણી સમાજ સુધારક. રાજકારણ, શિક્ષણ, ધર્મ, એમ અનેક ક્ષેત્રોમાં ઊંડો રસ. સતીની પ્રથા અને બાળલગ્નોની કુરૂઢિ સામેની ચળવળના અગ્રણી.
ગિરગામ પોર્ટુગીઝ ચર્ચ
આ રસ્તા ઉપર આગળ વધીએ એટલે વિસ્તાર ‘પ્રાર્થના સમાજ’ તરીકે ઓળખાવા લાગે. ૧૯મી સદીમાં આપણા દેશના દરેકે દરેક ક્ષેત્રમાં ‘સુધારા’નો પવન ફૂંકાવા લાગ્યો હતો. હિંદુ ધર્મની સમૃદ્ધ પરંપરાનો ગર્વ હોવા છતાં કેટલાક અગ્રણીઓ માનતા હતા કે હિંદુ ધર્મમાં અનેક દેવ-દેવી અને ક્રિયાકાંડ, હોમહવન, પૂજાપાઠ, બાધાઆખડી વગેરેનાં જાળાં જામી ગયાં છે તેને દૂર કરવાની જરૂર છે. આ ચળવળની શરૂઆત બ્રહ્મોસમાજ દ્વારા બંગાળમાં થઈ. પછી ૧૮૪૦માં મુંબઈમાં શરૂ થઈ પરમહંસ મંડળી. જ્ઞાતિપ્રથાનો વિરોધ અને જ્ઞાતિનાં બંધનોનો ભંગ એ તેનો મુખ્ય આશય અને કાર્યક્રમ હતો. પણ આવાં કામ જાહેરમાં કરવાની અશક્તિને લીધે તેની બેઠકો ગુપ્તપણે મળતી જેમાં જૂદી જૂદી જ્ઞાતિના લોકો સાથે મળીને ભોજન કરતા. આ ઉપરાંત વિધવાવિવાહનો વિરોધ અને કન્યા કેળવણીની તરફેણ પણ આ મંડળી કરતી હતી. પણ આ મંડળીનું આયુષ્ય બહુ લાંબુ ન નીવડ્યું.
૧૮૬૭માં બ્રહ્મોસમાજી કેશવ ચંદ્ર સેન મુંબઈ આવ્યા. આપણા જ્ઞાની કવિ અખાએ સદીઓ પહેલાં પૂછ્યું હતું : ‘ઘણા પરમેશ્વર એ કયાંની વાત?’ કેશવ ચંદ્ર સેન પણ એક નિરાકાર ઈશ્વરની ઉપાસનાનો પુરસ્કાર કરવા આવ્યા હતા. તેમના ગયા પછી બીજા કેટલાક અગ્રણીઓ સાથે મળીને ૧૮૬૭ના માર્ચની ૩૧મી તારીખે આત્મારામ પાંડુરંગ તર્ખડકર, તેમના મોટા ભાઈ દાદોબા પાંડુરંગ તર્ખડકર, રામકૃષ્ણ ભાંડારકર વગેરેએ મુંબઈમાં પ્રાર્થના સમાજની સ્થાપના કરી. મહાદેવ ગોવિંદ રાનડે જોડાયા પછી પ્રાર્થના સમાજનો પ્રભાવ અને પ્રચાર ઘણો વધ્યો. પૂણે, અમદાવાદ, અને દક્ષિણ ભારતમાં પણ તેની શાખાઓ શરૂ થઈ. પ્રાર્થના સમાજના અનુયાયીઓ એક અને નિરાકાર, નિર્ગુણ ઈશ્વરની ઉપાસનામાં માનતા, બીજા કોઈ ક્રિયાકાંડમાં નહિ. ધાર્મિક ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ ‘સુધારા’નો પુરસ્કાર પ્રાર્થના સમાજના અનુયાયીઓ કરતા.
પ્રાર્થના સમાજનું મકાન, ૧૯૨૨માં આવું દેખાતું હતું
પ્રાર્થના સમાજની સ્થાપના થઈ ત્યારે તેની પોતાની કહી શકાય એવી કોઈ જગ્યા નહોતી. એટલે શરૂઆતમાં તેની અઠવાડિક સભાઓ પ્રાર્થના સમાજના પહેલા પ્રમુખ આત્મારામ પાંડુરંગના કાંદાવાડીમાં આવેલા ઘરે થતી. ચર્ની રોડ પર, પોર્ટુગીઝ ચર્ચથી થોડે દૂર એક બરફનું કારખાનું હતું. એ જગ્યા બેંક ઓફ વેસ્ટર્ન ઇન્ડિયાની માલિકીની હતી. પણ અગાઉ આપણે જેની વિગતે વાત કરી છે તે અમેરિકન આંતરવિગ્રહ પૂરો થયા પછી ૧૮૬૫માં શેર બજાર ઊંધે માથે પછડાયું અને અનેક બેન્કો રાતોરાત ભાંગી એમાં આ બેન્કનો પણ સમાવેશ થતો હતો. બેન્કના લિક્વિડેટરો વિનાયકરાવ જગન્નાથ શંકરશેટ, શેઠ લીમજીભાઈ જમશેદજી બાટલીભાઈ, અને મિસ્ટર જોન રોબિન્સન એ ત્રણેએ આ જગ્યાનો કબજો લીધો. તેમણે એક પાઈ પણ લીધા વગર એ જગ્યા પ્રાર્થના સમાજને વાપરવા માટે આપી, અને તેનું કામકાજ એ જગ્યાએ શરૂ થયું. ૧૮૭૨ સુધી તો કામ એ રીતે ચાલ્યું, પણ પછી એ જગ્યા વેચી નાખવાનું નક્કી થયું. હવે? આ જગ્યાની સામે જ ડો. માણેકજી આદરજીની જગ્યા આવેલી હતી. તે ભાડે લઈને પ્રાર્થના સમાજની પ્રવૃત્તિ ત્યાં ખસેડાઈ. એ વખતે જુદાં જુદાં ભાષા, ધર્મ, જાત-પાતના લોકો હળીમળીને અનેક સામાજિક કામ કરતા. પોતાના ધર્મની નહિ એવી પ્રવૃત્તિ માટે અગાઉ લીમજીભાઈ અને રોબિન્સને જગ્યા આપેલી તેમ ડો માણેકજીએ પોતાની જગ્યા ભાડે આપી એટલું જ નહિ, છેલ્લા વરસનું ભાડું પણ પ્રાર્થના સમાજ પાસેથી લીધું નહિ.
પ્રાર્થના સમાજના સ્થાપક સભ્યો
બીજી બાજુ વધુ પ્રવૃતિઓ કરી શકાય તે માટે પ્રાર્થના સમાજનું પોતાનું મકાન હોવું જોઈએ એમ તેના સભ્યોને લાગતું હતું અને તે માટે જગ્યા ખરીદવા માટે ફંડ પણ ઊભું કર્યું હતું. પણ સાતેક હજારની એ રકમ પૂરતી નહોતી. ત્યારે કચ્છના મહારાવે ૧૭૫૦ રૂપિયા ભેટરૂપે મોકલ્યા! એક બાજુ પારસી ડોક્ટર ભાડું જતું કરે છે તો બીજી બાજુ છેક કચ્છથી મહારાવ ભેટ મોકલે છે! એટલે પછી બરફના કારખાનાવાળી એ જગ્યા જ પ્રાર્થના સમાજે ખરીદી લીધી. ૧૮૭૨ના ડિસેમ્બરની ૨૯મી તારીખે મકાનનો પાયો નખાયો. પાયામાં એક કુંભ મૂકવામાં આવ્યો જેમાં તે વખતનાં ઇન્દુપ્રકાશ, નેટિવ ઓપિનિયન અને બીજાં છાપાંની નકલો અને મહાદેવ ગોવિંદ રાનડેનું એક અંગ્રેજી પુસ્તક મૂકવામાં આવ્યું. પાયાના પથ્થર પર શિલાન્યાસનાં તારીખ-વાર પછી જે શબ્દો કોતર્યા હતા તે છે: सत्यमेव जयते અને एकमेवाद्वितीयम्. આઝાદ ભારતે જે શબ્દોને પોતાના મુદ્રાલેખ તરીકે અપનાવ્યા તે પ્રાર્થના સમાજે છેક ૧૮૭૨માં અપનાવ્યા હતા! મકાનનું બાંધકામ ૧૮૭૪ના એપ્રિલમાં પૂરું થયું. હરિશ્ચન્દ્ર સદાશિવ નામના એન્જિનિયરે મકાન અંગેનું બધું જ કામ એક પાઈ પણ લીધા વગર કર્યું એટલું જ નહિ, સામેથી પચાસ રૂપિયા દાનમાં આપ્યા! તો જમીન ખરીદતી વખતે કાનૂની સલાહ આપીને બધી વિધિ પાર પાડવાનું કામ સોલિસિટર કમરૂદ્દીન તૈયબજીએ એકે દમડી લીધા વગર કરી આપ્યું. આ હતી ૧૯મી સદીના મુંબઈની તાસીર.
સંસ્કૃતના પ્રકાંડ પંડિત રામકૃષ્ણ ભાન્ડારકર
આ નવા પ્રાર્થના સમાજ મંદિરમાં પ્રવેશ કરવાનો સમારંભ ૧૮૭૪ના એપ્રિલની ૨૬મી તારીખે સવારે થયો. ડો. માણેકજીવાળી જૂની જગ્યામાંથી સરઘસાકારે નીકળીને સભ્યોએ સવારે સાડા સાત વાગ્યે નવા મકાનમાં પ્રવેશ કર્યો. એ વખતે રામચંદ્ર વિષ્ણુ માડગાંવકરે આ પ્રસંગ માટે ખાસ રચેલું પદ ‘પ્રભુ તેજોમયા, પુણ્યરૂપા દયા’ સૌએ સાથે મળીને ગાયું. પહેલવહેલું ઉપદેશ-પ્રવચન સંસ્કૃતના પ્રકાંડ પંડિત રામકૃષ્ણ ભાંડારકરે આપ્યું હતું. ૧૮૫૭માં સ્થાપાયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેએ ૧૮૬૨માં પહેલી વાર બી.એ. ડિગ્રી માટેની પરીક્ષા લીધી તેમાં માત્ર ચાર વિદ્યાર્થી જ પાસ થયા હતા. તેમાંના બેએ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. તેમાંના એક હતા રામકૃષ્ણ ભાંડારકર અને બીજા હતા મહાદેવ ગોવિંદ રાનડે. વખત જતાં આ મકાનમાં સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો માટે પ્રાર્થના સમાજની બીજી અનેક પ્રવૃત્તિ શરૂ થઈ. શેઠ દામોરદાસ ગોવર્ધનદાસ પરદેશ ગયા ત્યારે તેમણે કેટલાંક પ્રતિષ્ઠિત જાહેર પુસ્તકાલયોની મુલાકાત લીધી હતી. સ્વદેશ પાછા આવ્યા પછી આપણે ત્યાં પણ એવાં જાહેર પુસ્તકાલયો હોવાં જોઈએ એમ લાગતાં તેમણે પહેલાં ધોબી તળાવ પાસે પીપલ્સ ફ્રી રીડિંગ રૂમની સ્થાપના કરી. પછી દાતા તરીકે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે પુસ્તાકાલય શરૂ કરવા પ્રાર્થના સમાજને ૨,૧૦૦ રૂપિયાનું દાન આપ્યું અને એ પુસ્તકાલય સાથે પોતાના ગુરુ રામચંદ્ર ભાંડારકરનું નામ જોડવા સૂચવ્યું. ૧૮૯૭ના ડિસેમ્બર મહિનામાં ડો. ભાંડારકર ફ્રી લાયબ્રેરી એન્ડ રીડિંગ રૂમનું ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરને હાથે ઉદ્ઘાટન થયું.
તર્ખડકર ભાઈઓમાંના સૌથી મોટા દાદોબા પાંડુરંગ (૧૮૧૪-૧૮૮૨) ‘મરાઠી ભાષાના પાણિની’ તરીકે ઓળખાય છે. (સેંકડો વર્ષ પહેલાં પાણિનીએ રચેલું સંસ્કૃત વ્યાકરણ આજે પણ સૌથી વધુ પ્રમાણભૂત મનાય છે.) તેમનું રચેલું વ્યાકરણ દસકાઓ સુધી મહારાષ્ટ્રની સ્કૂલોમાં ભણાવાતું. વ્યવસાયે શિક્ષક દાદોબા પરમહંસ મંડળી સાથે પણ સંકળાયેલા હતા. કેટલોક વખત તેમની બદલી સુરત થઈ હતી ત્યારે તેમણે અને દુર્ગારામ મહેતાજીએ ત્યાં ‘માનવધર્મ સભા’ શરૂ કરી હતી.
ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકર
તેમના નાના ભાઈ ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરનો જન્મ ૧૮૨૩ના ડિસેમ્બરની ૨૩મી તારીખે. અવસાન ૧૮૯૮ના એપ્રિલની ૨૬મી તારીખે. પ્રાર્થના સમાજની સ્થાપનામાં તેમનો ઘણો મોટો ફાળો. વ્યવસાયે હતા ડોક્ટર. ૧૮૪૫માં મુંબઈમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ. માત્ર મુંબઈ ઈલાકાની જ નહિ, આખા દેશની એ પહેલવહેલી મેડિકલ કોલેજ. આ નવી કોલેજમાં આત્મારામ વિદ્યાર્થી તરીકે દાખલ થયા. તે વખતે હજી યુનિવર્સિટી ઓફ બોમ્બે સ્થપાઈ નહોતી. એટલે ગ્રાન્ટ મેડિકલ કોલેજ પોતે જ પરીક્ષા લેતી અને પોતે જ ડિગ્રી આપતી. એ રીતે પહેલી પરીક્ષા પાસ કરીને જે ચાર વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા તેમાંના એક તે આત્મારામ પાંડુરંગ. તેઓ ડોક્ટર બન્યા ત્યારે શીતળાની રસી મૂકવાની શરૂઆત થઈ હતી. ધર્મનું ઓઠું આગળ કરીને સનાતનીઓ તેનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે તે વખતે પછાત વિસ્તાર ગણાતા થાણેમાં રહીને આત્મારામે સંખ્યાબંધ લોકોને આ રસી મૂકવાનું કામ સફળતાથી કર્યું. વખત જતાં યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો બન્યા, મુંબઈના શેરીફ બન્યા, બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના ઉપપ્રમુખ બન્યા.
આ ઉપરાંત સ્કૂલના શિક્ષણ દરમ્યાન જ તેમને ધર્મસુધારણામાં રસ જાગ્યો હતો. વખત જતાં આ રસને કારણે જ તેમણે પ્રાર્થના સમાજની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને તેના પહેલા અધ્યક્ષ બન્યા. આત્મારામ શિક્ષણનું મહત્ત્વ બરાબર સમજ્યા હતા. તેમનાં બાળકોને ભણાવવા માટે અંગ્રેજ શિક્ષિકા ઘરે આવતાં. કેટલાંક સગાંઓએ અને બીજા લોકોએ તેનો વિરોધ કર્યો પણ આત્મારામ મક્કમ રહ્યા. દીકરાઓને તો ખરા જ, પોતાની ત્રણે દીકરીઓને પણ તેમણે ભણવા માટે વિલાયત મોકલેલી. એ જમાનાના ઘણા સમૃદ્ધ અને ‘સુધારાવાદી’ કુટુંબોની જેમ રહેણીકરણી ધીમે ધીમે અંગ્રેજો જેવી થતી ગયેલી. પ્રાર્થના સમાજમાંના તેમના આગળ પડતા સ્થાનને લીધે હિન્દુસ્તાનના બીજા ભાગોના – ખાસ કરીને બંગાળના – સુધારાવાદીઓ સાથે નિકટના સંબંધો બંધાયેલા. કેટલાક સાથે તો કૌટુંબિક સંબંધ પણ બંધાયેલો. તેમાંના એક હતા રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર. પણ હવે આજે મુંબઈથી તરત કલકત્તા જઈ શકાય તેમ નથી. આજનો આપણો ઘણો વખત ધર્મકથામાં ગયો. પણ હવે આવતે શનિવારે વાત માંડશું એક અજબગજબ પ્રેમકથાની. એક મરાઠી મુલગી અને એક બંગાળી બાબુ વચ્ચેની પ્રેમકથાની વાત.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 06 જૂન 2020