Opinion Magazine
Number of visits: 9450072
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 44

દીપક મહેતા|Opinion - Opinion|17 May 2020

કાંદા વાડીમાં કાંદાની નહિ, કંકોતરીની બજાર

ગાયનાં બે મોઢાંવાળી વાડીમાંથી આગ ઝરતાં ભાષણ

કેળે વાડીમાં સંસ્કૃત નાટક જોઈને મોડી રાતે બહાર નીકળેલા એટલે ઘરે જઈ, આરામ કરી, પાછા તાજામાજા થઈ નીકળી પડીએ લટાર મારવા. હા, પેલી જાદુઈ મોજડી પહેરવાનું ભૂલતા નહિ. કેળે વાડીની સામેની બાજુએ, એટલે કે રસ્તાની જમણી બાજુ દેખાય કાંદા વાડી. નામના પાટિયા પર હવે લખાય છે ‘ખાડિલકર રોડ’ પણ આજે ય લોકો તો તેને કાંદા વાડી જ કહે છે. એક જમાનામાં ત્યાં કાંદા ઊગતા હશે, પણ આજે તો આ આખા રસ્તા પર કંકોતરી, કાર્ડ, કવર, કાગળની દુકાનો ફૂટી નીકળી છે. આ સામગ્રી માટેની મુંબઈની આ મોટામાં મોટી બજાર. આ રસ્તો છે પણ ઘણો લાંબો. તેનો એક છેડો ગિરગામ રોડ પર, તો બીજો છેક સી.પી. ટેંક પર. પણ મુંબઈના ઇતિહાસમાં આ રસ્તો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બે કારણે. લોકમાન્ય ટિળકના સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત પૂણેમાં થઈ, પણ તે પછી મુંબઈમાં ૧૯૦૧માં કેશવજી નાઈક ચાલમાં તેની શરૂઆત થઈ હતી. આ ચાલ આ કાંદા વાડીમાં જ આવેલી છે. આજે પણ અહીં અસલનાં સાદાઈ, ભક્તિભાવ અને ઉત્સાહથી દસ દિવસ માટે ગણેશોત્સવ ઉજવાય છે.

કેશવજી નાઈક ચાલ

પણ આ રસ્તા સાથે જેમનું નામ જોડાયું છે તે ખાડિલકર હતા કોણ? એમનું પૂરું નામ કૃષ્ણાજી પ્રભાકર ખાડિલકર. ૧૮૭૨ના નવેમ્બરની ૨૩મીએ જન્મ, અવસાન ૧૯૪૮ના ઓગસ્ટની ૨૬મી તારીખે. પૂણેની ફર્ગ્યુસન અને ડેક્કન કોલેજમાં અભ્યાસ કરી તત્ત્વજ્ઞાન સાથે બી.એ. પછી મુંબઈમાં અભ્યાસ કરી એલ.એલ.બી. થયા. એક પુસ્તકના અવલોકન નિમિત્તે લોકમાન્ય ટિળક સાથે પરિચય. પોતાના ‘કેસરી’ દૈનિકમાં જોડાવા ટિળકે આમંત્રણ આપ્યું અને ૧૮૯૭માં જોડાયા. ૧૯૦૮માં ટિળકને જેલની સજા થઈ ત્યારે ખાડિલકરે ‘કેસરી’ના તંત્રી તરીકે કામ કર્યું. ૧૯૧૮માં ટિળક વિલાયત ગયા ત્યારે ફરી ‘કેસરી’ના તંત્રી બન્યા. પણ ૧૯૨૦માં ટિળકનું અવસાન થયા પછી ખાડિલકરનો ‘કેસરી’ સાથેનો સંબંધ પૂરો થયો. એટલું જ નહિ, ટિળકની રાજકીય વિચારણાથી તેઓ દૂર થતા ગયા અને ગાંધીજીના પ્રભાવ નીચે આવ્યા. ૧૯૨૧થી મુંબઈના ‘લોકમાન્ય’ દૈનિકના તંત્રી બન્યા. પછી ૧૯૨૩ના માર્ચની સાતમી તારીખે પોતાનું નવું દૈનિક ‘નવાકાળ’ આ કાંદા વાડીમાંથી જ શરૂ કર્યું. એક અગ્રલેખને કારણે ૧૯૨૯ના ફેબ્રુઆરીની ૯મી તારીખે બ્રિટિશ સરકારે રાજદ્રોહનો કેસ કર્યો. ૨૭મી માર્ચે ખાડિલકરને એક વરસની કેદ અને બે હજારના દંડની સજા થઈ. જેલમાં જતી વખતે જ ખાડિલકરે તંત્રીપદ છોડવાનું નક્કી કરી લીધું હતું. અને એ પ્રમાણે એ જ વરસના માર્ચથી તેમના મોટા dIકરા યશવંત ઉર્ફે અપ્પાસાહેબ ખાડિલકર તંત્રી બન્યા.

નાટયાચાર્ય ખાડિલકર

પણ અગ્રણી પત્રકાર એ કૃશ્નાજી ખાડિલકરની એક ઓળખાણ. બીજી ઓળખાણ તે નાટયાચાર્ય ખાડિલકર. તેમણે ૧૫ જેટલાં નાટકો – જેમાંનાં ઘણાં સંગીત નાટકો હતાં – લખ્યાં જે મરાઠી રંગભૂમિ પર અત્યંત સફળતાથી ભજવાયાં. તેમણે ઘણાં નાટકોમાં પૌરાણિક પાત્રો અને પ્રસંગોનું આલેખન કર્યું છે, પણ તે એવી રીતે કે અંગ્રેજ સરકારનાં દમન, અત્યાચાર વગેરેનું સૂચન તથા તેનો પ્રતિકાર કરવાની પ્રેરણા તેમાંથી મળી રહે. પરિણામે ૧૯૧૦માં અંગ્રેજ સરકારે તેમનું ‘કીચકવધ’ નાટક જપ્ત કર્યું અને તે ભજવવા પર પ્રતિબંધ મૂક્યો. સંગીત માનાપમાન, સંગીત વિદ્યાહરણ, સંગીત સ્વયંવર, સંગીત દ્રૌપદી, સંગીત ત્રિદંડી સન્યાસ, સંગીત મેનકા, સંગીત સાવિત્રી એ તેમનાં મુખ્ય નાટકો. તેમાંનાં સંગીત માનાપમાન જેવાં કેટલાંક નાટકો આજ સુધી ભજવાતાં રહ્યાં છે. મરાઠી નાટક અને રંગભૂમિના ઇતિહાસમાં ખાડિલકરનું સ્થાન અનન્ય ગણાય છે.

સંગીત નાટક માનાપમાનનાં ગીતોની ગ્રામોફોન રેકર્ડ

થોડે દૂર જતાં રસ્તાની ડાબી બાજુએ એક નવાઈ ભરી ચીજ આજે પણ જોવા મળે. એક ગલ્લીના મુખ આગળ, મુખની બંને બાજુ, ગાયના મોઢાની શિલ્પાકૃતિ જોવા મળશે. મુંબઈના બીજા કોઈ રસ્તા કે ગલ્લીના મુખ આગળ આ રીતે ગાય કે બીજા કોઈ પ્રાણીની મુખાકૃતિ જોવા નહિ મળે. અને આ ગલ્લીનું નામ પણ છે ગાય વાડી. કહે છે કે અહીં અગાઉ ગૌશાળા હતી એટલે નામ પડ્યું ગાય વાડી. ખેતરો અને વાડીઓ હોય ત્યાં ઢોર-ઢાંખર પણ હોય જ. અને બીજાં ઢોર કરતાં આપણી પરંપરામાં ગાય વધુ પવિત્ર મનાય. એટલે જ્યાં ગૌશાળા હોય એ ગલ્લીનું નામ ગાય વાડી પડે તો તે સ્વાભાવિક ગણાય.

પણ આ ગાય વાડીનો ગાઢ સંબંધ ગુજરાતી છાપકામના વિકાસ સાથે છે એ વાતની આજે ભાગ્યે જ કોઈને ખબર હશે. આપણે ત્યાં કમ્પ્યુટર આવ્યાં અને છાપકામને તેની મદદ મળી. અત્યારે આપના હાથમાં જે છાપું છે તે અને બીજાં બધાં જ છાપાં કમ્પ્યુટર પર જ તૈયાર થાય છે અને પછી છપાય છે. એટલે તો બધા પત્રકારો ઘરે બેસીને કામ કરીને છાપું તૈયાર કરી શકે છે અને છાપું આપના ઘર સુધી પહોંચીએ શકે છે. પણ કમ્પ્યુટર આવ્યાં તે પહેલાં મુવેબલ ટાઈપનો, બીબાંનો જમાનો હતો. એક એક અક્ષર, અરે એક એક કાનો માતરના ટાઈપ, હાથ વડે ભેગા કરી, ગોઠવી, છાપવા માટેનું મેટર તૈયાર કરવું પડતું. એટલે મેટલ ફોન્ટ – ધાતુનાં બીબાં, મુવેબલ ટાઈપ એ છાપકામ માટેનું અનિવાર્ય સાધન હતું. આ ટાઈપ રોજ બંધાય અને રોજ છોડાય, રોજ તેની મદદથી છાપકામ થાય, એટલે ટાઈપ થોડા થોડા ઘસાતા જાય, ક્યારેક તૂટી પણ જાય. એટલે વરસે બે વરસે દરેક છાપખાનાએ જૂના ટાઈપ કાઢીને નવા વસાવવા પડે. આ કામ કરે ટાઈપ ફાઉન્ડ્રી. ત્યાં જૂના ટાઈપ ઓગાળીને તેમાંથી નવા ટાઈપ બને, નવી ધાતુ પણ ઉમેરાય જ. આ ટાઈપ પાડવાનું કામ ખૂબ કૂનેહ, જાણકારી, મહેનત માગી લે. પણ પોતાના વગર છાપખાનાં ચાલી શકવાનાં નથી, એ જાણતા હોવાથી ઘણી ટાઈપ ફાઉન્ડ્રીના માલિકો માથાભારે થઈ જતા.

ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ

મોંમાગ્યા ભાવ લે, નવો માલ આપવામાં વાર લગાડે, એટલે એક છાપખાનાવાળાને થયું કે આપણી પોતાની જ ટાઈપ ફાઉન્ડ્રી કરી હોય તો કોઈની સાડીબારી નહિ. એમનું નામ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ. મૂળ સુરતના વતની. સૂર્યરામ અને પ્રાણકુંવરને ત્યાં સુરતની દેસાઈ પોળમાં ૧૮૫૩ના ઓગસ્ટની ૧૦મી તારીખે ઇચ્છારામનો જન્મ. પિતા સૂર્યરામે અંગ્રેજ સરકારના લશ્કરમાં સાત રૂપિયાના પગારે સિપાઈ તરીકેની નોકરીથી કારકિર્દી શરૂ કરેલી. પહેલા અફઘાન યુદ્ધમાં લડવા કાબુલ ગયેલા. લડાઈમાં પંદર-સોળ ઘા સામી છાતીએ ઝીલીને પાછા આવેલા. માસિક ૪૬ રૂપિયાના પેન્શન સાથે નિવૃત્ત થયેલા.

શરૂઆતનો અભ્યાસ ગામઠી નિશાળમાં કર્યા પછી ૧૮૬૬માં સુરતની અંગ્રેજી સ્કૂલમાં ઇચ્છારામ દાખલ થયા. પણ ભૂમિતિનો ભારે કંટાળો એટલે ક્લાસ બંક કરીને બાલાજીના મંદિરમાં કથા-વાર્તા સાંભળવા ચાલ્યા જાય. તેર વર્ષની ઉંમરે લગ્ન. ભણવામાં મન ચોંટતું નહોતું. તબિયત પણ નરમગરમ રહેતી. એટલે મેટ્રિક થતાં પહેલાં જ અભ્યાસ છોડ્યો. પણ વાંચવા-લખવાનો જબરો શોખ. છાપેલાં પુસ્તકો ઉપરાંત હસ્તપ્રતો વાંચતાં પણ શીખી ગયેલા. ક્યારેક પુસ્તક ખરીદવાના પૈસા ન હોય તો આખેઆખા પુસ્તકની નકલ હાથે લખીને કરી લેતા! પણ પુસ્તકો વાંચવાથી કાંઈ રોજ રોટલા ભેગા ન થવાય. તેમાં વળી એક વાર માએ ઠપકો આપ્યો : ‘રામને રળવું નહિ, ને સીતાને દળવું નહિ.’ બસ. સુરતના ‘દેશીમિત્ર’ છાપખાનામાં જઈ કમ્પોઝ કરવાનું કામ શીખ્યા. પણ નોકરીનાં ફાંફાં. એમાં વળી મા સાથે ઝગડો થયો. બેકાર જમાઈને મહિને પચાસ રૂપિયા આપવાનું સસરાએ શરૂ કર્યું, અને રહેવા માટે પોતાનું એક મકાન આપ્યું.

મગનલાલ ઠાકોરદાસ મોદી

૧૮૮૦ની એક સવારે ઇચ્છારામના બાળપણના દોસ્ત મગનલાલ ઠાકોરદાસ મોદી (સુરતની એમ.ટી.બી. કોલેજ શરૂ કરવા માટે બે લાખ રૂપિયાનું દાન આપનાર રૂના મોટા વેપારી. આજનાં આપણાં જાણીતાં કવયિત્રી પન્ના નાયકના દાદા) ખાસ ઇચ્છારામને મળવા મુંબઈથી સુરત આવ્યા. તે વખતે ઇચ્છારામ કાનના દુખાવા અને તાવથી પીડાતા હતા. પણ તેની દરકાર કર્યા વગર મગનલાલે કહ્યું : “આમ સસરાનું ખાઈને ક્યાં સુધી પડ્યો રહીશ? ચાલ મારી સાથે મુંબઈ. અહીં બેકારીમાં સબડવા કરતાં તો મુંબઈમાં મરવું સારું.” અને મગનલાલ લગભગ પરાણે ઇચ્છારામને મુંબઈ લઇ ગયા. તાવ તો રસ્તામાં જ ઊતરી ગયો. કાનનો દુખાવો પણ ઘટી ગયો. હકીકતમાં મગનલાલને સુરત મોકલ્યા હતા એક જાણીતા વ્યાપારી અને જાહેર જીવનના અગ્રણી સર મંગળદાસ નથ્થુભાઈએ. તેઓ નવું અઠવાડિક કાઢવા માગતા હતા અને તેના અધિપતિ (તંત્રી) તરીકે ઇચ્છારામની ભલામણ થઈ હતી.

આ વાત જાણતાં જ ઇચ્છારામ તો રાજીના રેડ. મુંબઈમાં કવિ નર્મદને મળ્યા, મણિલાલ નભુભાઈને મળ્યા, રતિરામ દુર્ગારામ દવેને મળ્યા, બીજા કેટલાક અગ્રણીઓને મળ્યા. સૌનો સહકાર મળ્યો. નવા અઠવાડિક માટે કવિ નર્મદે નામ સૂચવ્યું ગુજરાતી, અને ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખે ‘ગુજરાતી સાપ્તાહિક’નો પહેલો અંક બહાર પડ્યો. પછી વખત જતાં આ સાપ્તાહિક છાપવા માટે એલ્ફિન્સ્ટન સર્કલ (આજનું હોર્નિમેન સર્કલ) પાસે ‘ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ’ શરૂ કર્યું. ફરી થોડાં વરસ પછી ઈચ્છારામને પોતાની ટાઈપ ફાઉન્ડ્રી શરૂ કરવાનો વિચાર આવ્યો. જે મગનલાલ મોદી સુરતથી મુંબઈ લઈ આવ્યા હતા તેમને વાત કરી. ટાઈપ ફાઉન્ડ્રીના એક અનુભવી કાલીદાસ પૂંજારામ પારેખને સાથે લીધા, અને ઈ.સ. ૧૯૦૦ના ઓક્ટોબરની ત્રીજી તારીખે, દશેરાના દિવસે, આ જ ગાય વાડી ખાતે એ ત્રણેએ ગુજરાતી ટાઈપ ફાઉન્ડ્રી શરૂ કરી. ‘ગુજરાતી’ છાપવા અંગેની અગવડ તો દૂર થઈ જ, પણ ધંધાની એક નવી દિશા ઉઘડી. વખત જતાં દેવનાગરી, અંગ્રેજી, ગુરુમુખી, અને બીજી ભાષાના ટાઈપ પણ બનાવીને વેચ્યા. જે જમાનામાં આપણા દેશના ભલભલા ઉદ્યોગપતિઓએ બેકવર્ડ ઈન્ટિગ્રેશનનું નામ પણ નહોતું સાંભળ્યું એ જમાનામાં ઇચ્છારામે એ કરી બતાવ્યું. પોતે લેખક અને પત્રકાર, એટલે સામયિક શરૂ કર્યું. તે છાપવા માટે પ્રેસ શરૂ કર્યું. તેને ટાઈપ પૂરા પાડવા માટે ટાઈપ ફાઉન્ડ્રી શરૂ કરી.

આચાર્ય અત્રે

તો આ ગાયવાડી સાથે મરાઠી માણૂસનું એક લાડકું – અને એટલું જ ચર્ચાસ્પદ – નામ જોડાયેલું છે : આચાર્ય અત્રે. મોટા ગજાના નાટકકાર, પત્રકાર, અઠંગ વક્તા. લખે ત્યારે કલમ અને બોલે ત્યારે જીભ લાવા રસમાં બોળીને જ આગળ વધે. આ ગાય વાડીમાં પહેલાં એક નાનું મેદાન હતું. ત્યાં આચાર્ય અત્રેએ કેટલાંયે આગ ઝરતાં ભાષણ કરેલાં. ૧૮૯૮ના ઓગસ્ટની ૧૩મી તારીખે આચાર્ય અત્રેનો જન્મ. મરાઠી રંગભૂમિને ધબકતી રાખવામાં તેમનો મોટો ફાળો. સાષ્ટાંગ નમસ્કાર, લગ્નાચી બેડી, ઉદ્યાચે સંસાર, ઘરા બાહેર, એમનાં જાણીતાં નાટકો. પણ મરાઠી રંગભૂમિ પર ઇતિહાસ સર્જ્યો તે તો તેમના નાટક તો મી નવ્હેચ નાટકે. લગ્નની બેડી ઉપરાંત તેમનાં બીજાં કેટલાંક નાટકોનાં અનુવાદ-રૂપાંતર ગુજરાતીમાં પણ ભજવાયેલાં. પણ ઉપેન્દ્ર ત્રિવેદીની મુખ્ય ભૂમિકા સાથે ‘અભિનયસમ્રાટ’ નામથી ભજવાયેલા તો મી નવ્હે ચ નાટકે ગુજરાતી રંગભૂમિ પર પણ ઇતિહાસ સર્જેલો. સંયુક્ત મહારાષ્ટ્ર માટેની ચળવળને લોકો સુધી પહોંચાડવામાં તેમના ભાષણોનો મોટો ફાળો. ૧૯૬૯ના જૂનની ૧૩મી તારીખે તેમનું અવસાન થયું.

આચાર્ય અત્રેની તડ ને ફડ બોલવાની રીતનો એક નાનકડો કિસ્સો : એક વાર અત્રે એક નાટક જોવા ગયા. નાટકની ભજવણી તદ્દન કંગાળ હતી. નાટક પૂરું થયા પછી દિગ્દર્શકે પૂછ્યું : ‘આપને સૌથી સારું કામ કોનું લાગ્યું?’ આચાર્ય અત્રેએ સણસણતો જવાબ આપ્યો : ‘પ્રોમ્પ્ટરનું.’ અત્યારે હવે આ લખનારને પણ વિંગમાંથી પ્રોમ્પ્ટરનો અવાજ સંભળાય છે : ‘બહુ થયું, હવે આજનો ખેલ ખતમ.’ એટલે હવે પછીનો ખેલ આવતા શનિવારે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 મે 2020

Loading

17 May 2020 admin
← ભેટ
‘મેડિકલ ડિપ્લોમસી’ : સખાવતથી પાવર વધારવાની રમત? →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved