Opinion Magazine
Number of visits: 9450071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી —43

દીપક મહેતા|Opinion - Opinion|9 May 2020

ખ્રિસ્તી કબરસ્તાન બની ગયું બગીચો

રામજીનાં બે રૂપ, એક ગોરા એક કાળા

કેળે વાડીમાં ખીલતાં સંસ્કૃત નાટકો

હજી લોકડાઉન તો ચાલુ છે, એટલે પહેલાં જાદુઈ મોજડી પહેરી લઈએ અને પછી નીકળીએ લટાર મારવા. જગન્નાથ શંકરશેટની સ્મૃતિ ગયે અઠવાડિયે સંકોરી, હવે આગળ ચાલીએ.

સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચ

ગલી સાંકડી છે, પણ બહુ અવરજવર નથી કારણ બ્લાઈન્ડ કહેતાં આંધળી ગલી છે. ચાલુ દિવસે પણ અહીં છોકરાઓ ગલ્લી ક્રિકેટ રમી શકે છે. નામ છે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર લેન. ગલ્લીને છેડે તેમનું ચર્ચ આવેલું છે. આસપાસની ખ્રિસ્તી વસ્તીનું તે માનીતું ચર્ચ છે. તેની પાછળ ખ્રિસ્તીઓનું મોટું કબરસ્તાન. આ ગલ્લી આંધળી છે, પણ એ કબરસ્તાનમાં પગપાળા જઈ  શકાય એવી નાની કેડી ચર્ચની બાજુમાં. વચ્ચે દરવાજો. પણ તે મોટે ભાગે ઉઘાડો જ રહે. કબરસ્તાનમાંથી પસાર થવાની બીક ન હોય તો એ કેડી પર થઈ, કબરસ્તાનમાં જઈ, સામી બાજુના ક્વીન્સ રોડ, (આજના મહર્ષિ કર્વે રોડ) પર નીકળી શકાય. ઘણા લોકો એ રીતે આવ-જા કરે પણ ખરા, દિવસે. હકીકતમાં ત્રણ અંતિમ સંસ્કારભૂમિ એક લાઈનમાં. મુસ્લિમો માટેનું બડા કબરસ્તાન, હિન્દુઓની જગન્નાથ શંકરશેટ સ્મશાનભૂમિ (સોનાપુર) અને ખ્રિસ્તીઓનું કબરસ્તાન. પણ આજે હવે ખ્રિસ્તી કબરસ્તાન જોવા નહીં મળે. તેની બધી જગ્યા વપરાઈ ગઈ, નવી દફનવિધિ કરવાનું બંધ થયું. એ પછી ઘણે વર્ષે ખ્રિસ્તીઓએ એ જગ્યા મુંબઈની મ્યુનિસિપાલિટીને બગીચો બનાવવા માટે આપી દીધી. હા, બે શરત રાખી. એક : જગ્યા ફક્ત બગીચા માટે વાપરવાની, ઇમારતો બાંધવા માટે નહિ. બીજી શરત એ કે એક કબર, ફક્ત એક કબર, બગીચામાં જાળવી રાખવાની, કબરસ્તાનની સ્મૃતિ રૂપે.

કબરસ્તાન બન્યું સ. કા. પાટીલ ઉદ્યાન

એ જગ્યાએ જે બગીચો તૈયાર થયો તેની સાથે એસ.કે. પાટીલનું નામ જોડાયું. જો કે લોકો તેને જાપાનીઝ ગાર્ડન તરીકે વધુ ઓળખે, કારણ તેનો લે-આઉટ જાપાની બગીચા જેવો છે. નવીનીકરણ કર્યા પછી ૨૦૧૯માં આ બગીચો ફરી ખુલ્લો મૂકાયો. પણ ત્યારે પાટીલના નામ સાથે એક સ્થાનિક રાજકારણીએ પોતાનું નામ બગીચાના દરવાજા પર મૂકાવી દીધું!  છેલ્લાં ચાલીસ વરસથી અહીં ફરવા આવનારાઓની માનીતી જગ્યા છે ‘સખી કુટુંબ’ નામની એક નાનકડી હોટેલ. સ્ત્રીઓ ચલાવે છે. અસ્સલ ઘરના સ્વાદવાળો મહારાષ્ટ્રી નાસ્તો કિફાયત ભાવે વેચે. 

મુંબઈના બેતાજ બાદશાહ સ.કા. પાટીલ

પણ આ એસ.કે. પાટીલ હતા કોણ? સદોબા કાનોજી પાટિલ. ઈ.સ. ૧૯૦૦ના ઓગસ્ટની ૧૪મીએ કુડાળ તાલુકાના આન્દુર્લે નામના નાના ગામડામાં જન્મ. મેટ્રિક થયા પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થયા પણ ઇન્ટરની પરીક્ષા પછી ભણવાનું છોડીને ગાંધીજીની આઝાદી માટેની લડતમાં જોડાયા. દસ-બાર વખત જેલમાં ગયા. પછી લંડન જઈ પત્રકારત્વનું શિક્ષણ લીધું અને પોતાનું પ્રેસ અને ‘પ્રકાશ’ નામનું અઠવાડિક શરૂ કર્યું. આઝાદી પછી ૧૯૪૯થી ૧૯૫૧, સતત ત્રણ વખત મુંબઈના મેયર ચૂંટાયા અને મુંબઈના બેતાજ બાદશાહનું બિરુદ પામ્યા. ૧૯૫૨ અને ૧૯૫૭માં દક્ષિણ મુંબઈથી ચૂંટણી જીતીને પાર્લામેન્ટના સભ્ય બન્યા. પણ પછી ૧૯૬૨માં એ વખતે જુવાન ગણાય તેવા જ્યોર્જ ફર્નાન્ડિસ સામે હાર્યા. જો કે પછી પેટા ચૂંટણીમાં ગુજરાતના સાબરકાંઠામાંથી ચૂંટાઈને પાર્લામેન્ટમાં ગયા. (૧૯૬૭માં ડો. કૈલાસ નામના સાવ નવા નિશાળિયા જેવા કોન્ગ્રેસી ઉમેદવારે ફર્નાન્ડિસને હરાવીને સાટું વાળ્યું. જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી, અને ઇન્દિરા ગાંધીના પ્રધાન મંડળમાં પાટિલ મહત્ત્વનાં ખાતાંના પ્રધાન બન્યા. પણ સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ સાથે તેમણે તાલ ન મેળવ્યો અને મહારાષ્ટ્ર અને ગુજરાતથી અલગ એવા મુંબઈ શહેરના ત્રીજા રાજ્યની હિમાયત કરી. ૧૯૬૯માં ઇન્દિરા કોન્ગ્રેસ છોડીને મોરારજી દેસાઈ સાથે અલગ કોન્ગ્રેસ(ઓ)ની સ્થાપના કરી. તેના તરફથી ૧૯૭૧માં બનાસકાંઠાથી ફરી ચૂંટણીમાં ઊભા રહ્યા, પણ હાર્યા. તે પછી તેઓ સક્રિય રાજકારણથી દૂર થતા ગયા. સંયુક્ત મહારાષ્ટ્ર માટેની ચળવળ સાથે રહ્યા હોત તો નવા મહારાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્ય મંત્રી બની શક્યા હોત. ૧૯૮૧ના જૂનની ૨૪મી તારીખે તેમનું અવસાન થયું. 

રસ્તાની એક બાજુ ચિત્રા સ્ટુડિયો અને બીજી બાજુ વેન્ગાર્ડ સ્ટુડિયો. જ્યારે કેમેરા હાથવગા નહોતા થયા, ફોટા પાડવાનું ખર્ચાળ અને અઘરું હતું ત્યારે આવા સ્ટુડિયોની બોલબાલા હતી. આવા એકાદ સ્ટુડિયોમાં જઈને બે-ચાર ફોટા ન પડાવે ત્યાં સુધી નવાં પરણેલાંને લગ્ન અધૂરાં લાગતાં. પણ પહેલાં ડિજિટલ કેમેરા અને પછી મોબાઈલ કેમેરાને કારણે આવા સ્ટુડિયોનું મહત્ત્વ ઘટતું જાય છે. આથી ઘણા બંધ થયા, પણ આવા કેટલાક હઠાગ્રહપૂર્વક ચાલુ રહ્યા છે, કારણ બદલાતા સમય, જરૂરિયાત અને માગ પ્રમાણે બદલાતા રહ્યા છે. પણ આપણે આગળ વધીએ.

ઝાવબા રામ મંદિર ૧૯મી સદીમાં અને આજે

થોડું ચાલ્યા ત્યાં જમણી બાજુ આવ્યો ઝાવબા વાડીનો વિસ્તાર. ૧૮મી સદીમાં તેનું મૂળ નામ રણબિલ વાડી. ત્યારે ખરેખર એ વાડી જ હતી. પછી વિશ્વનાથ વિઠોજી ઝાવબા નામના પાઠારે પ્રભુએ આ જગ્યા ખરીદી લીધી. અને તેમની કોમના લોકો અહીં આવીને વસવા લાગ્યા. વિશ્વનાથના પૌત્ર વિઠોબા ઝાવાબાએ અહીં રામનું મંદિર બંધાવ્યું. તેના પરથી આ વિસ્તાર ઠાકુરદ્વાર તરીકે ઓળખાય છે. અસલ તો અહીં  રહેણાકનું ઘર હતું અને તેમાં નાનકડું મંદિર હતું. પણ પછી વિઠોબાએ પોતાના વસિયતનામામાં આ ઘરને મંદિર બનાવવાનું વારસોને જણાવ્યું. વીસ હજાર રૂપિયાને ખર્ચે નવું મંદિર બંધાયું. વસિયતનામાની જોગવાઈઓ બહુ વિગતવાર હતી. સરકારી લોન પરનું વ્યાજ અને બીજી આવકના દર મહિને એક સો રૂપિયા આવતા હતા. તેમાંથી મહિને ૬૫ રૂપિયા મંદિરનો નિભાવ ખર્ચ. વધે તે ૪૫ રૂપિયા અને બીજી દાનમાં જે રકમ મળે તે મૂર્તિનાં ઘરેણાં અને વાઘા ખરીદવા માટે જ વાપરવાની. ૧૮૯૫માં પ્રગટ થયેલા કે. રઘુનાથજીના પુસ્તક ‘ધ હિંદુ ટેમ્પલ્સ ઓફ બોમ્બે’માં આ વિગતો આપી છે. પાઠારે પ્રભુની વસ્તીને અહીંની જગ્યા ઓછી પડી ત્યારે અગાઉ આપણે જેની વાત કરી છે તે નવી વાડીમાં તેઓ વસ્યા. આ મંદિરનું સત્તાવાર નામ ‘ઝાવબા શ્રી રામ મંદિર’ છે પણ સ્થાનિક લોકો તેને ‘ગોરા રામજીનું મંદિર’ તરીકે ઓળખે છે.

કાળા રામજીનું મંદિર

પણ ખુદ રામજીને દ્વારે આવો કાળા-ગોરાનો ભેદ કેમ? કારણ અહીંથી થોડે દૂર બીજું એક રામ મંદિર આવેલું છે જેમાં રામની મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે એટલે તે કાળા રામજીનું મંદિર અને સફેદ આરસની મૂર્તિવાળું આ ગોરા રામજીનું મંદિર. કાળા રામજીનું મંદિર આજે પણ તરત ધ્યાન ખેંચે એવું નથી, કારણ એક નાના ઘુમ્મટને બાદ કરીએ તો બહારથી તે રહેણાકના મકાન જેવું જ દેખાય છે. તેના દરવાજા પર પિત્તળની તકતી લગાડવામાં આવી છે તેમાં જણાવ્યા પ્રમાણે ઈ.સ. ૧૮૭૮ના માર્ચની ૧૪મી તારીખે આ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. વિઠોબા વાસુદેવ ઝાવબાએ તે બંધાવ્યું હતું. મંદિરના બહારના – રસ્તા તરફ પડતા ભાગમાં પરસાળ છે જેમાં રોજ સાંજે કીર્તન થાય. મહારાષ્ટ્રની પરંપરામાં કીર્તનકાર ઊભા ઊભા ગાઈને કીર્તન કરે, વચમાં વચમાં થોડું નર્તન કે અભિનય પણ કરતા જાય. મુખ્યત્વે ઓર્ગન (પગ વાજું) અને તબલાંનો સંગાથ હોય. જો કે હવે ઓર્ગનને બદલે હાર્મોનિયમ પણ વપરાય છે. આ લખનાર અગાઉ હજારો વાર આ રસ્તેથી પસાર થયેલો, કીર્તનનો અવાજ કાને પડેલો, પણ કોઈ દિવસ એ મંદિરમાં પગ મૂકવાનું ન બન્યું. કારણ? એ વખતે ધરમ-ધ્યાન, પૂજાપાઠ વગેરેમાં ઝાઝી શ્રદ્ધા જ નહોતી (આજે ય નથી).

જરા આગળ જઈએ એટલે આવે ઠાકુરદ્વાર રોડ. ડાબી બાજુ જઈએ તો ચર્ની રોડ સ્ટેશન પાસે પહોંચાય. જમણી બાજુએ જઈએ તો વાંકેચૂંકે રસ્તે ઠેઠ ભૂલેશ્વર સુધી પહોંચી જવાય. રસ્તામાં ઠાકુરદ્વાર રોડ અને ફણસ વાડીના નાકા પર જવાહર મેન્શન અને વિનય હેલ્થ હોમ આવે અને ત્યાંથી પસાર થઈએ તો ઉસળ-મિસળ ખાધા વગર કેમ ચાલે? પણ અત્યારે લોકડાઉનમાં બધું બંધ, એટલે એ તરફ નહિ જઈએ. બધું હતું તેવું થઈ જાય પછી જશું. અત્યારે ગિરગામ રોડ પર આગળ વધી કેળે વાડી જઈએ. હવે સત્તાવાર નામ છે ડો. ભાલેરાવ માર્ગ. સાંકડી, વાંકીચૂંકી ગલી છે. પણ આપણે અંદર જવું છે કારણ અંદર મુંબઈ મરાઠી ગ્રંથસંગ્રહાલયની મોટી ઈમારત આવેલી છે. સાથે મજાનું થિયેટર પણ છે. પહેલાં આ બંને નહોતાં. હતું એક નાનકડું મકાન અને નાનું ઓપન એર થિયેટર. ત્યાં મરાઠી નાટકો તો ભજવાતાં જ, પણ સાથોસાથ સંસ્કૃત નાટકો પણ ભજવાતાં અને એ જોવા પણ સારી સંખ્યામાં પ્રેક્ષકો આવતા. સંસ્કૃત નાટક રાતે આઠ વાગે શરૂ થાય અને સવારે દોઢ-બે વાગે માંડ પૂરું થાય. શાકુન્તલ, સ્વપ્નવાસવદત્તમ્‌, મૃચ્છકટિક, ઉત્તરરામ ચરિત જેવાં નાટકો દાજી ભાટવડેકર અને તેમના સાથીઓ ભજવતા. નાટક આટલાં લાંબાં ચાલતાં એનું મુખ્ય કારણ એ કે નાટકમાં આવતા શ્લોકો રાગદારી સાથે ગવાતા. એક-એક શ્લોક પાંચ-સાત-દસ મિનિટ સુધી ગવાતો રહે. મરાઠી રંગભૂમિની પરંપરા પ્રમાણે બધા નટ-નટી સારાં ગાયક પણ હોય જ. પ્રેક્ષકો એ શ્લોકગાન માણે, વન્સમોર પણ આપે! શ્લોક ગવાય એટલો વખત બાકીનાં પાત્રો સ્થિર ઊભાં રહે.

ડો. દાજી ભાટવડેકર

આ દાજી ભાટવડેકર એટલે એક જમાનાનું મરાઠી નાટક અને ફિલ્મ જગતમાં ગાજતું નામ. અસ્સલ મુંબઈકર. ૧૯૨૧ના સપ્ટેમ્બરની ૧૫મી તારીખે બે પાંદડે સુખી કુટુંબમાં જન્મ. દર અગિયારસે ઘરમાં ભજન-કીર્તન થાય. તે સાંભળીને સંગીત અને અભિનયમાં રસ પડ્યો. આઠ વરસની ઉંમરથી કીર્તન કરવા લાગ્યા. દાજી મૂળ જૂની મરાઠી રંગભૂમિના પહાડી અવાજવાળા અભિનેતા. પણ પછી એ રંગભૂમિનું રૂપ બદલાયું નવાં નાટકોમાં ગીત-સંગીત નહિ, સંવાદો બોલવાની રીત જુદી. એટલે દાજીએ સંસ્કૃત નાટકો ભજવવાનું શરૂ કર્યું. ૧૯૫૦થી ૧૯૮૦ દરમ્યાન ભજવેલાં સંસ્કૃત નાટકોની ભજવણી તેઓ મરાઠી સંગીત નાટકની પદ્ધતિ પ્રમાણે કરતા. સંસ્કૃત નાટકોની ભજવણી વિષે મહાનિબંધ લખીને તેમણે મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. નાટ્યક્ષેત્રે કરેલી કામગીરી માટે ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા. ૧૯૬૫માં તેમને સંગીત નાટક અકાદમી (દિલ્હી)નો ‘રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક’ એનાયત થયો. ૨૦૦૬ના ડિસેમ્બરની ૨૬મી તારીખે દાજીનું અવસાન થયું.

સારે નસીબે આ લખનારને દાજીનો અભિનય મરાઠી અને સંસ્કૃત, બંને નાટકોમાં જોવાની તક મળી. જિંદગીનાં પહેલાં ત્રીસેક વરસ ગિરગામ વિસ્તારમાં ગાળ્યાં એટલે ખાસ કશી મહેનત વગર મરાઠી ભાષા આવડી ગઈ (પહેલાં ગુજરાતી અર્થમાં અને પછી મરાઠી અર્થમાં). દત્તાત્રેય ગાડગીળ અને પ્રાદ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા જેવા પંડિત શિક્ષકો પાસે સ્કૂલ અને કોલેજમાં મળીને બારેક વરસ સંસ્કૃત ભણવાની તક મળી. એટલે સંસ્કૃત નાટકો સમજાય અને ગમે પણ.

બીજાં બે વ્યવહારિક કારણ. એક તો આ કેળે વાડીનું થિયેટર ઘરેથી ચાલીને જવાય એટલા અંતરે. બીજું, આજની જેમ એ વખતે પણ ગુજરાતી નાટકો કરતાં મરાઠી નાટકોની ટિકિટના ભાવ ઘણા ઓછા. એટલે એ વધુ પોસાય. ખેર, હવે તો એ બધું સ્વપ્નમાંની વાસવદત્તા જેવું બની ગયું છે. નથી એ ઓપન એર થિયેટર રહ્યું, નથી એવાં સંસ્કૃત નાટકો ભજવાતાં, નથી એ ગિરગામમાં રહેવાનું. સ્વપ્નવાસવદત્તમ્ નાટકમાં રાજા ઉદયન મિત્ર વિદૂષકને એક પ્રશ્ન પૂછે છે : એવી કઈ વસ્તુ છે કે જે માણસને સુખ અને દુઃખ બંને આપે છે. રાજા એ વખતે પ્રેમમાં ગળાડૂબ છે એટલે એ વિદૂષક પાસેથી ‘પ્રેમ’ એવા જવાબની આશા રાખે છે. પણ વિદૂષક સાવ અણધાર્યો જવાબ આપે છે : ‘લાડુ.’ રાજા પૂછે છે, ‘એ વળી કઈ રીતે?’ ‘લાડુ જો મારી થાળીમાં હોય તો મને સુખ આપે, પણ જો બીજાની થાળીમાં હોય તો મને દુઃખ આપે.’ સ્મરણોનું પણ પ્રેમ જેવું જ છે. એ સુખ અને દુઃખ બંને આપે છે, આ લખનારને. હવે ગિરગામ રોડ પર આગળ વધશું, પણ આવતે શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 09 મે 2020 

Loading

9 May 2020 admin
← દોડ : પાનસિંહ તોમરની અને ઇરફાનની
કવિતા બોલો ભાઈ કવિતા … →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved