ઇસ્ટરના પવિત્ર દિવસોમાં પવન પાવડીને સથવારે મુલાકાત મુંબઈનાં કેટલાંક ચર્ચની
અને પ્રાર્થના કે અમારા શહેરને જલદીથી સાજુંસારું, હસતું-રમતું, હરતું-ફરતું કરી દેજો
‘મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે’
કવિ મનોજ ખંડેરિયાની આ પંક્તિઓ આજે યાદ કરવા પાછળ ખાસ કારણ છે. ઈસ્ટરના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. એટલે વિચાર આવ્યો કે મુંબઈનાં કેટલાંક ચર્ચની મુલાકાત લેવી જોઈએ. પણ અત્યારે તો લોકડાઉન ચાલે છે. ચર્ચનાં બારણાં પણ બંધ છે. પણ આપણી પાસે તો પવન પાવડી છે ને, શબ્દોની પવન પાવડી. એ આપણને ઘડીના છઠ્ઠા ભાગમાં ગમે ત્યાં લઈ જશે, ગમે તે સમયમાં લઈ જશે. તો ચાલો, તૈયાર થઈ જાવ, વાચક મિત્ર.
‘પવન પાવડી!’
‘હુકમ માલિક.’
‘ચાલ.’
‘ક્યાં જવાનું છે?’
‘પહેલાં ચાલ માઉન્ટ પોઈસર.’
‘જેવો આપનો હુકમ, માલિક.’
માઉન્ટ પોઈસરનું ચર્ચ
તો આ છે બોરીવલી નજીક આવેલું માઉન્ટ પોઈસર, અને અહીં આવેલું છે મુંબઈનું જૂનામાં જૂનું ચર્ચ. જો કે એ વખતે આ વિસ્તાર મુંબઈનો ભાગ નહોતો. અહીં ખંભાતના સુલતાન બહાદુરશાહનું રાજ ચાલતું. પણ તેના રાજ્ય પર મોગલ બાદશાહ હુમાયુએ આક્રમણ કર્યું એટલે ખંભાતનો સુલતાન પોર્તુગીઝોની મદદ માટે દોડ્યો. પોર્તુગીઝો આવી તક જવા દે? તેમણે સેન્ટ મેથ્યુ નામના પોતાના વહાણ પર સુલતાનને વાટાઘાટ માટે બોલાવ્યો. એ વહાણ પર ૧૫૩૪ના ડિસેમ્બરની ૨૩મી તારીખે વસઈના કરાર પર સહીસિક્કા થયા. વસઈ અને તેની આસપાસનો પ્રદેશ, દમણ, મુંબઈના ટાપુઓ, વગેરે પ્રદેશ સુલતાને પોર્તુગીઝોને હવાલે કર્યો. ૧૫૪૭માં ફ્રાન્સિસ્કન પાદરી એન્ટોનિયો દ પોર્તો અહીં આવ્યા અને તેમણે જે ચર્ચની સ્થાપના કરી તે આજે અવર લેડી ઇમેક્યુલેટ કનસેપ્શન તરીકે ઓળખાય છે. પરંપરાગત માન્યતા પ્રમાણે આ ચર્ચની સ્થાપના ૧૫૪૪માં થઈ હતી. પણ ઇતિહાસકારો કહે છે કે આ પાદરી ૧૫૪૭માં જ આ વિસ્તારમાં પહેલી વાર આવ્યા હતા એટલે આ ચર્ચની સ્થાપના ૧૫૪૭ પછી જ થઈ હોવી જોઈએ. થોડાં વર્ષો પછી પોર્તુગીઝ ગવર્નરે આ ચર્ચના નિભાવ માટે અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે માઉન્ટ પોઈસર ગામ એ પાદરીને ભેટ આપ્યું. પછી ૧૫૫૬ અને ૧૫૫૯ વચ્ચે ગોરેગાંવ અને આરંગલ એ બે ગામો એ પાદરીએ ખરીદી લીધાં. ચર્ચની બાજુમાં ‘રોયલ કોલેજ’ અને મોનાસ્ટ્રી શરૂ કરી. પણ પછી મરાઠા આક્રમણને કારણે આ ચર્ચની માઠી દશા બેઠી. તે છેક ૧૮૮૮માં વાંદરાના ભાવિકોએ ચર્ચનું મકાન નવેસરથી બંધાવ્યું. ત્યાર બાદ ૧૯૧૨ અને ૧૯૬૦માં પણ તેનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યું. દર વર્ષે ૮મી ડિસેમ્બરે અહીં ‘ફીસ્ટ’ની ઉજવણી થાય છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે.
ખંભાતના સુલતાન અને હુમાયુના લશ્કરો વચ્ચેનું યુદ્ધ
‘ચલો પવન પાવડી આગળ વધો.’
‘હવે ક્યાં જવાનું છે, માલિક?’
‘હવે લઈ જા અમને વાંદરા.’
‘માલિક, ઇસ્ટ કે વેસ્ટ?’
‘વેસ્ટમાં આવેલ સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ.’
‘જેવો આપનો હુકમ, આકા.’
સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ
તો કદરદાન મહેરબાન વાચક! આ છે મુંબઈનું બીજા નંબરનું સૌથી જૂનું ચર્ચ. મુંબઈના ટાપુઓ પોર્તુગીઝોના હાથમાં આવ્યા તે પછી વાંદરાનો વિસ્તાર જેસુઈટ પાદરીઓને સોંપવામાં આવ્યો. બ્રધર મેનોએલ ગોમ્સ, જે ‘એપોસ્ટલ ઓફ સાલસેટ’ તરીકે ઓળખાય છે તે અહીં આવીને વસ્યા. તેઓ ‘દેશી’ લોકોની ભાષા જાણતા હતા એટલે સહેલાઈથી તેમની સાથે ભળી શકતા હતા. એ વખતની એક ધનવાન સ્ત્રીએ વાંદરામાં ચર્ચ બાંધવા માટે મોટી રકમનું દાન આપ્યું. એટલે ૧૫૭૫માં આ ચર્ચ બાંધવાનું કામ શરૂ થયું. એ વખતે આખા સાલસેટ(આજના મુંબઈ)માં એ સૌથી મોટું અને સુંદર ચર્ચ ગણાતું હતું. પણ છેલ્લાં ૪૦૦ વર્ષમાં આ ચર્ચને ઘણી આસમાની-સુલતાની જોવી પડી છે. ચર્ચનું બાંધકામ શરૂ થયું તે પછી કલકત્તાના બિશપે અને મુંબઈની સરકારે તે સામે વાંધો લીધો હતો. કારણ એ વખતે હિન્દુસ્તાનમાં નવાં ધર્મસ્થાનકો બાંધવાની તેઓ વિરુદ્ધ હતા. આના જવાબમાં જણાવાયું હતું કે બીજા ધર્મના લોકો મુંબઈમાં પોતાનાં ધર્મસ્થાનકો સરકારની પરવાનગી લીધા વગર અને કશી રોકટોક વગર બાંધી શકે છે, તો ખ્રિસ્તી ધર્મ સામે જ આવો ભેદભાવ શા માટે? ૧૬૧૮માં આવેલા મોટા વાવાઝોડામાં આ ચર્ચનું આખું છાપરું ઊડી ગયું! પછી ૧૭૩૯માં સાલસેટ ઉપર મરાઠાઓએ આક્રમણ કર્યું ત્યારે આ ચર્ચ તેમના હાથમાં ન આવે એટલા ખાતર પોર્ટુગીઝોએ જ તેને ધરાશાયી કર્યું હતું! લાકડાનો બનેલો ચર્ચનો પોર્ટિકો (આગલો ભાગ) જર્જરિત થયો હોવાથી ૧૯૬૬માં તેને તોડીને નવું બાંધકામ થયું હતું. આ ચર્ચના આંગણામાં જે મોટો ક્રોસ આવેલો છે તે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવ્યો છે. ચર્ચના બે મિનારા પણ તોડીને નવેસરથી બાંધવામાં આવ્યા છે. આ ચર્ચમાં ‘મધર ઓફ પર્લ’ તરીકે ઓળખાતું મધર મેરીનું પૂતળું પણ એક બાજુ જોવા મળે છે. તેને અંગે એવી દંતકથા છે કે વાંદરાના માછીમારોને આ પૂતળું દરિયામાંથી મળ્યું હતું અને તેઓ એને ચર્ચમાં લઈ આવ્યા હતા. તેનું અહીં સ્થાપન કરવામાં આવ્યું હતું. આજે પણ ખ્રિસ્તીઓ ઉપરાંત હિંદુ, મુસ્લિમ અને પારસી લોકો પણ આ પૂતળાને પૂજે છે.
‘ચાલ, પવન પાવડી, હવે આગળ જઈએ.’
‘પણ ક્યાં, બોસ?’
‘હોર્નીમેન સર્કલ.’
‘ખબર છે, બોસ? આ જગ્યા પહેલાં એલ્ફિન્સ્ટન સર્કલ તરીકે ઓળખાતી, અને તેની પહેલાં કોટન ગ્રીન તરીકે. એ વખતે અહીં રૂનો વેપાર થતો.’
‘અરે, પવન પાવડી! તને આ બધી ખબર ક્યાંથી?’
‘કેમ, ભૂલી ગયા બોસ, હું માત્ર સ્થળમાં જ નહિ, કાળમાં પણ ભમી શકું છુ.’
સેન્ટ થોમસ કથીડ્રલ
તો વાચક રાજ્જા! આ છે સેન્ટ થોમસ કેથીડ્રલ. એની કથા જરા લાંબી છે. અગાઉ આપણે જે બે ચર્ચની મુલાકાત લીધી તે મુંબઈ પર પોર્તુગીઝોનું રાજ હતું ત્યારે બંધાયેલાં.
જ્યારે આ ચર્ચ બ્રિટિશ રાજ દરમ્યાન બંધાયું છે. જેને બ્રિટિશ મુંબઈના પિતા તરીકે ઓળખી શકાય તે ગવર્નર ગેરાલ્ડ ઓન્ગીઆરને આ ચર્ચ બાંધવાનો વિચાર આવ્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરો પાસેથી તેમણે ૫૦ હજાર રૂપિયાનો ફાળો ભેગો કર્યો. ૧૬૭૬માં ચર્ચના મકાનનો પાયો નખાયો. ત્રણ વરસ સુધી તો અહી બાંધકામ ચાલ્યું, પણ પછી ઠપ થઈ ગયું. તે ત્રીસ વરસ સુધી એ કામ આગળ વધ્યું જ નહિ. ત્યાર બાદ મુંબઈ સરકાર અને તેના ગવર્નરે મોટી રકમ દાનમાં આપી એટલે ૧૭૧૫ના નવેમ્બરની ૧૮મી તારીખે ફરી એક વાર પાયો નાખવાનો વિધિ થયો. ૧૭૧૮માં મકાન બંધાઈ રહ્યું અને તે વરસના ક્રિસમસના દિવસે મુંબઈના ગવર્નર ચાર્લ્સ બૂનને હાથે તેનું ઉદ્ઘાટન થયું. એ વખતે હજી મુંબઈ શહેર ફરતે ફોર્ટ કહેતાં કોટ ઊભો હતો. તેને ત્રણ દરવાજા હતા. તેમાંના એક દરવાજાથી શરૂ થતો રસ્તો સેન્ટ થોમસ કેથીડ્રલ સુધી જતો હતો તેથી એ દરવાજો ચર્ચગેટ તરીકે ઓળખાતો. પછી જ્યારે કોલાબા સુધી જતી રેલવે લાઈન શરૂ થઈ ત્યારે કોટ વિસ્તારના એક સ્ટેશન સાથે આ ગેટને જોડતો રસ્તો બન્યો, તે ચર્ચગેટ સ્ટ્રીટ તરીકે ઓળખાયો અને તે સ્ટેશન ચર્ચગેટ સ્ટેશન બન્યું. આઝાદી પછી ચર્ચગેટ સ્ટ્રીટનું નામ બદલીને વીર નરીમાન રોડ કરવામાં આવ્યું, પણ એ સ્ટેશનનું નામ તો આજ સુધી ચર્ચગેટ જ રહ્યું છે. આજે જ્યાં ફ્લોરા ફાઉન્ટન છે ત્યાં આ ચર્ચગેટ નામનો દરવાજો ઊભો હતો. ૧૮૬૨માં જ્યારે કિલ્લો તોડી પડાયો ત્યારે એ દરવાજો તોડીને ત્યાં ફાઉન્ટન કહેતાં ફુવારો બાંધવામાં આવ્યો. એક જમાનામાં આ સેન્ટ થોમસ કેથીડ્રલને મુંબઈનું મધ્યબિંદુ માનવામાં આવતું અને આખા શહેરમાં તેનાથી અંતર બતાવતા ૧૬ માઈલ સ્ટોન મૂકવામાં આવ્યા હતા. કાળક્રમે તે દટાઈ કે તૂટી ગયા. પણ ઘણી મહેનત પછી તેમાંથી ૧૧ માઈલ સ્ટોન ફરી શોધી કાઢવામાં આવ્યા છે.
કોટનો દરવાજો, ચર્ચ ગેટ
‘પવન પાવડી, હવે ચાલો કુલાબા.’
‘જી હજૂર. મૂળ તો આ ટાપુ પર કોળીઓની જ વસ્તી. તેના પરથી નામ પડ્યું કુલાબા કે કોલાબા. ખરું ને હજૂર?’
‘હા સાવ સાચી વાત.’
૧૯મી સદીમાં દોરાયેલો અફઘાન ચર્ચનો સ્કેચ
તો કદરદાન મહેરબાન, આ છે કોલાબામાં આવેલું અફઘાન ચર્ચ. હકીકતમાં તો આ ચર્ચ સાથે સેન્ટ જોનનું નામ જોડાયેલું છે, પણ ઓળખાય છે અફઘાન ચર્ચ તરીકે જ. કારણ પહેલા અફઘાન યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની યાદમાં તે બંધાયું હતું. એ સૈનિકોમાંના ઘણા આ ચર્ચની આસપાસના વિસ્તારના રહેવાસી હતા. માર્યા ગયેલા બધા સૈનિકોનાં નામ ચર્ચની એક દિવાલ પર કોતરવામાં આવ્યા છે. ૧૮૪૭ના ડિસેમ્બરની ચોથી તારીખે તે વખતના ગવર્નર સર જ્યોર્જ રસેલ કલાર્કે આ ચર્ચનો પાયો નાખ્યો. ૧૮૫૮ના જાન્યુઆરીની સાતમી તારીખે મુંબઈના બીશપ જોન હાર્ડિંગે તેનું ઉદ્ઘાટન કર્યું. પણ તે વખતે કેટલુંક બાંધકામ અધૂરું રહ્યું હતું. તે પૂરું કરવા માટે સર કાવસજી જહાંગીરે સાડા સાત હજાર રૂપિયાનું દાન આપ્યું હતું.
‘ચાલો પવન પાવડી, પાછા બાંદોરા જઈએ.’
‘કેમ માલિક? તમારું પાકીટ-બાકિટ પડી ગયું કે શું?’
‘ના, ના, દર્શન કરવાં છે.’
‘માલિક, દર્શન કરવા તો મંદિરમાં જવાય, ચર્ચમાં નહિ.’
‘મને ખબર છે, ચાંપલા! પણ આ ચર્ચમાં માત્ર ખ્રિસ્તીઓ જ નથી જતા, હિંદુ, મુસલમાન, પારસી જેવા બીજા અનેક સંપ્રદાયના લોકો પણ જાય છે.’
‘ત્યારે એમ કહોને માલિક, કે મોત માવલીનાં દર્શને જવું છે. ચાલો.’
માઉન્ટ મેરી ઉર્ફે મોત માવલી
વાચક રાજ્જા! મુંબઈનું આ એક જૂનું અને છતાં નવું, નવું અને છતાં જૂનું ચર્ચ છે. નામ છે માઉન્ટ મેરી ચર્ચ. દરિયા કિનારે આવેલી ૮૦ મીટર ઊંચી ટેકરી પર આ ચર્ચ બંધાયેલું છે. હાલના મકાનનું બાંધકામ ઈ.સ. ૧૯૦૪માં પૂરું થયું હતું, પણ આ ચર્ચનો ઇતિહાસ ખાસ્સો જૂનો છે. પોર્તુગાલથી આવેલા જેસુઇટ પાદરીઓ મધર મેરીની લાકડાની મૂર્તિ પોતાની સાથે લેતા આવેલા અને તેને માટે આ જગ્યાએ એક ચેપલ (નાનું ચર્ચ) બાંધેલું. પણ ઈ.સ. ૧૭૦૦માં આરબ ચાંચિયાઓએ અહીં આક્રમણ કર્યું હતું. તેમણે આ મૂર્તિનો જમણો હાથ કાપી નાખ્યો હતો અને ચેપલ તોડી નાખ્યું હતું. ૧૭૬૦માં ફરી ચર્ચ બંધાયું અને તેમાં નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. જો કે હાલના ચર્ચમાં ફરી મૂળ મૂર્તિ સ્થાપવામાં આવી છે. ઘણી ચડતી પડતી આ ચર્ચે જોઈ છે, પણ બહુ બહોળા વર્ગની શ્રદ્ધા કાયમ રહી છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અહીં મોટો મેળો ભરાય છે જેમાં લાખો ભાવિકો ઉમટે છે. વર્ષ દરમ્યાન પણ ઘણા લોકો બાધા-આખડી રાખે છે અને તે ફળતાં મીણનાં નાનાં પૂતળાં, શરીરનાં અંગો કે એવી બીજી વસ્તુઓ ચડાવવા અહીં આવે છે. અનેક સંપ્રદાયના લોકો અહીં આવી ‘મોત માવલી’નાં દર્શન કરે છે.
વાચક મિત્રો, આજની આપણી સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં બાળપણની એક યાદ કહી દઉં. ગિરગામ રોડ પરના એક મકાનમાં જિંદગીનાં પહેલાં ત્રીસેક વર્ષ વીત્યાં. વર્ષો સુધી એ મકાનની સામે રોજ એક ભિખારી ઊભો રહેતો. બટકો, આંધળો, આખે મોઢે શીળીના ગોબા ભરેલો. રોજ સવારે વહુ તેને મૂકી જાય અને સાંજે ઘરે લઈ જાય. આખો દિવસ ઊભો ઊભો એ ભિખારી ખૂબ ઉત્કટતાથી માત્ર એક જ વાક્ય સતત બોલ્યા કરે : ‘પોટાલા ભૂખ લાગલી, મોત માવલી દ્યા.’ આજે તેના જેટલી જ ઉત્કટતાથી પ્રાર્થના કરવાનું મન થાય છે : ‘હે મોત માવલી, અમારા શહેરને જલદીથી કોરોનામુક્ત, સાજુંસારું, હસતું-રમતું, હરતું-ફરતું કરી દેજો.’
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 11 ઍપ્રિલ 2020