બદનામ બસ્તી ‘કામાઠીપુરા’ નામ પડ્યું તેલુગુભાષી મજૂરો ‘કામાઠી’ના નામ પરથી
સંસ્કૃતમાં એક ઉક્તિ છે: ‘યુદ્ધસ્ય કથા રમ્યા.’ તો આજે વાતની શરૂઆત કરીએ એક યુદ્ધની વાતથી. દુનિયાના એક ખૂણે લડાઈ થાય તો આજે એની ધણધણાટી આખી દુનિયામાં ફેલાઈ જાય છે. આજથી ૨૦૦-૩૦૦ વરસ પહેલાં ભલે એવું ન થતું હોય. પણ હિન્દુસ્તાનના એક ખૂણે લડાઈ થાય અને એની અસર પડે ક્યાંક દૂર દૂરના પ્રદેશમાં, એવું તો ત્યારે ય બનતું. આજના મહારાષ્ટ્રમાં એક કિલ્લો આવેલો છે : ખરડાનો કિલ્લો. પણ ઈ.સ. ૧૭૯૫ના પહેલા બે મહિના સુધી ત્યાં હકૂમત હતી હૈદરાબાદના નિઝામની. એ વખતે હિન્દુસ્તાનના રાજાઓ એકબીજાનો પ્રદેશ જીતવા માટે અવારનવાર લડ્યા કરતા. એ રીતે નિઝામના રાજ્યમાંથી શેર માંસનો ટુકડો કાપી લેવા મરાઠા સામ્રાજ્યે કરાડના કિલ્લા પર ચડાઈ કરી, તારીખ ૧૧ માર્ચ ૧૭૯૫ના દિવસે. તેમાં પેશ્વાના લશ્કર ઉપરાંત ગ્વાલિયર, નાગપુર, ઇન્દોર અને બરોડા રાજ્યોએ પણ ભાગ લીધેલો. સામે હતું હૈદરાબાદના નિઝામનું લશ્કર. અગાઉ નિઝામ સાથે બ્રિટિશ સરકારે કોલકરાર કરેલા કે કોઈ હુમલો કરે ત્યારે એકબીજાને મદદ કરવી. એ પ્રમાણે નિઝામે કંપની સરકાર પાસે ધા નાખી : ‘મદદ કરો, માઈબાપ, મદદ કરો’. પણ નિઝામને ખાતર કંપની સરકાર મરાઠાઓ સાથે પંગો લેવા માગતી નહોતી. એટલે ગવર્નર જનરલ જોન શોરે ગરજ વરતીને નિઝામની અરજ એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી. નિઝામ પર હુમલો કરનાર લશ્કરની આગેવાની તો પાંચ-પાંચ મહારથીઓએ લીધેલી : સવાઈ માધવરાવ, દોલતરાવ શિંદે, જીવા દાદા બક્ષી, તુકોજીરાવ હોળકર, રાઘોજી ભોસલે, અને ગોવિંદરાવ ગાયકવાડ. મરાઠા લશ્કરમાં કુલ એક લાખ ૮૩ હજાર સૈનિકો, અને ૫૯ તોપ! નિઝામના લશ્કરમાં ૧૭ હજાર સૈનિકો, અને એની આગેવાની લીધી હતી ભાડૂતી ફ્રેંચ સેનાપતિ મિશેલ રેમન્ડે.

ખરાડનો કિલ્લો
શું ધારો છો? આ લડાઈ કેટલી લાંબી ચાલી હશે? ફક્ત એક દિવસ! સાંજ પડતાં પહેલાં તો નિઝામનું લશ્કર ખરાડના કિલ્લામાં ભરાઈ ગયું. મરાઠા સૈન્યે ૨૨ દિવસ સુધી એ કિલ્લાને ઘેરો ઘાલ્યો. છેવટે હારી-થાકી નિઝામે સુલેહ કરી. અગાઉ પેશવા સરકારનું અપમાન કરનાર પોતાના વડા પ્રધાન અઝીમ-અલ-ઓમરાને હાંકી કાઢ્યો. મરાઠા સામ્રાજ્યને મોટી રકમની ખંડણી આપી, અને દૌલતાબાદ, ઔરંગાબાદ, અને શોલાપુર તથા તેની આસપાસનો વિસ્તાર મરાઠાઓને સોંપ્યો. અને હા, પેલો ખરાડનો કિલ્લો પણ મરાઠા માલિકીનો બન્યો.
હા, જી. ખબર છે અમને. વાચકો વિચારતા હશે કે ચલ મન મુંબઈની ગાડી આજે આવા અજાણ્યા પાટે કેમ ચડી ગઈ? તો સાંભળો એનું કારણ. આ ખરાડ અને એની આસપાસના પ્રદેશમાં ‘કામાઠી’ નામની એક તેલુગુભાષી જાતિ રહે. કડિયા કામમાં પાવરધી. લડાઈ પૂરી થયા પછી એ જાતિના ઘણા લોકોએ માતૃભૂમિ છોડી વાટ પકડી મુંબઈની. અજાણ્યો મલક. ત્યાંની ભાષા જાણે નહિ. પણ નસીબના બળિયા. તે એ લોકો મુંબઈ આવ્યા એ જ વખતે મુંબઈના સાત ટાપુને જોડવાનું કામ ગવર્નર વિલિયમ હોર્નબીએ હાથમાં લીધું.
તેમની ચોક્કસ જન્મ તારીખ તો જાણવા મળતી નથી. પણ ૧૭૨૩ના માર્ચની ૧૧મી તારીખે તેમને બાપ્તિસ્માં આપવામાં આવ્યું હતું. ૧૮૦૩ના નવેમ્બરની ૧૮મી તારીખે તેમનું અવસાન થયું. ૧૭૪૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં રાઈટર (ક્લાર્ક) તરીકે જોડાયા. ધગશ અને મહેનતને પ્રતાપે આગળ વધતાં વધતાં ૧૭૭૧માં મુંબઈના ગવર્નર બન્યા. અહીં આવીને જે જોયું તેનાથી તેમને પારાવાર દુ:ખ થયું. મુંબઈના સાત ટાપુ. સાતે એકબીજાથી અલગ. એક પરથી બીજા ટાપુ પર જવા માટે કાં હોડી વાપરવી પડે. કાં ઓટને વખતે કેટલાક ટાપુ આસપાસ પાણી એટલું ઓછું હોય કે કાદવ કિચડમાં ચાલીને એક પરથી બીજા ટાપુ પર જઈ શકાય. દરિયા કિનારે, અને બીજે બધે કચરાના ઢગલા. એને કારણે જાતજાતની બીમારીઓ ફેલાય. કંપની સરકારના ઘણા નોકરો કાં ગંભીર માંદગીને કારણે સ્વદેશ પાછા ચાલ્યા જાય. કાં અહીં જ રહીને જીવ ગુમાવે.
હોર્નબીએ મનમાં પાકી ગાંઠ વાળી : આ સાત ટાપુને એકબીજા સાથે જોડવા જ જોઈએ. ગંદકી ઓછી કરવી જ જોઈએ. પણ શરૂઆત ક્યાંથી કરવી? મુંબઈના મુખ્ય ટાપુ અને તેની નજીકમાં વરળી ટાપુ વચ્ચે લગભગ એક માઈલનું અંતર. ભરતીને વખતે દરિયાનાં પાણી છેક ભાયખળા, ભીંડી બજાર, પાયધૂની સુધી પહોંચી જાય. આ પાણી ગંદકી ફેલાવે, અને એ ગંદકી ફેલાવે રોગચાળો. ગવર્નર હોર્નબીને લાગ્યું કે સૌથી પહેલું કામ મુંબઈના ટાપુ અને વરળીના ટાપુ વચ્ચે બંધ બાંધીને દરિયાનાં પાણીને અંદર ઘૂસતાં રોકવાં જોઈએ. ઇજનેરો પાસે પ્લાન બનાવડાવ્યા. આજના મહાલક્ષ્મી અને Atria Mall વચ્ચે બંધ બાંધવા માટે. ખર્ચનો અંદાજ? રૂપિયા એક લાખ! પણ આવડી મોટી (!) રકમ લંડનમાં બેઠેલા હાકેમોની પરવાનગી વગર તો ખર્ચાય નહિ. એટલે દરખાસ્ત મોકલી લંડન. પણ પછી તેમની મંજૂરીની રાહ જોયા વગર કામ શરૂ કરાવી દીધું!

કામાઠી પુરુષો, ૧૯મી સદીમાં
અને એ બંધ બાંધવાના કામમાં મોટી સંખ્યામાં જોડાયા બેવતન બનેલા કામાઠીઓ. પણ પછી લંડનના બડેખાંઓએ કહ્યું કે બે ટાપુને જોડવા માટે આટલો મોટો ખર્ચ કરવાની જરૂર નથી. જેમ ચાલે છે તેમ ચાલવા દો. પણ ગવર્નર હોર્નબીએ તેમની વાત એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી. અને કામ ચાલુ રખાવ્યું. એ ખબર લંડન પહોંચતાં ત્યાંના હાકેમોએ હોર્ન્બીને બરતરફ કરતો રુક્કો મોકલ્યો. હોર્ન્બીએ તે વાંચીને નાખી દીધો કચરાની ટોપલીમાં. પણ લંડનની પરવાનગી વગર કામ માટેના પૈસા કાઢવા ક્યાંથી?

મુંબઈના ગવર્નર વિલિયમ હોર્નબી
હોર્નબીને મિસ રોઝ નેસબિટ નામની એક ધનવાન સ્ત્રી સાથે સારી ઓળખાણ. એ રહે મઝગાવમાં. ગવર્નરે તેને કહ્યું કે બાકીના કામના પૈસા હમણા તું આપ. પછી તને પાછા મેળવી આપીશ. અને એમ, ઉછીના પૈસા લઈને પણ કામ આગળ ચલાવ્યું. આ નેસબિટના પતિ કંપની સરકારના નૌકા સૈન્યમાં કોમોડોર અને બોમ્બેના હાર્બર માસ્ટર. એટલે કે મુંબઈનાં બધાં બંદરોના ઉપરી. નેસબિટ જેટલી દાનેશ્વરી એટલી જ ધર્મપરાયણ. મઝગાવમાં રહે ત્યાં પોતાની જગ્યા પર ૧૭૮૭માં ખાનગી ચેપલ (ચર્ચ કરતાં નાનું તે ચેપલ) બંધાવ્યું. સાથે પ્રિસ્ટને રહેવા માટેનું મકાન પણ ખરું. ૧૮૧૯માં મૃત્યુ થયું તે પહેલાં એ ચેપલ, મકાન, અને બધી જમીન ચર્ચને દાનમાં આપી દીધી. તેના પાર્થિવ દેહને ત્યાં જ દફનાવવામાં આવ્યો. વખત જતાં એ ચેપલમાં સુધારા, વધારા કરીને તેને ચર્ચ બનાવવામાં આવ્યું. ૧૮૮૧માં શરૂ થયેલું એ સેન્ટ એન ચર્ચ આજે પણ ઊભું છે. પછી ચર્ચની બાજુમાં એક નાનકડી સ્કૂલ શરૂ થઈ, જે વખત જતાં બની સેન્ટ મેરીઝ હાઈ સ્કૂલ. મઝગાંવથી પરળ જતા રસ્તા સાથે તેનું નામ જોડવામાં આવ્યું. એ નેસ્બિટ રોડ નામ સદ્ભાગ્યે આજ સુધી બચી ગયું છે. એક અંગ્રેજ સ્ત્રીનું નામ હોવા છતાં.

ખંભાલા હિલ પરથી દેખાતું દૃશ્ય – હોર્નબી વેલાર્ડ અને વરળી, ૧૮૭૦
પણ આ હોર્નબી વેલાર્ડના બાંધકામે વતન છોડીને આવેલા કામાઠીઓને લાંબા વખત સુધી રોજી-રોટી પૂરી પાડી. ત્યાર બાદ બીજા ટાપુઓને જોડતાં બાંધકામ એક પછી એક થયાં તેમાં પણ આ કામાઠીઓનો મોટો ફાળો. આજે પણ મોટાં બાંધકામ થતાં હોય ત્યારે મજૂરોના રહેવાની વ્યવસ્થા એ સ્થળથી બને તેટલી નજીક કરવામાં આવે છે. હોર્ન્બી વેલાર્ડનું કામ ચાલતું હતું ત્યારે કામાઠીઓને રહેવા માટે સરકારે પાકાં મકાન બાંધ્યાં. તેની એક બાજુ બેલાસીસ રોડ, બીજી બાજુ ડંકન રોડ, ત્રીજી બાજુ ગ્રાન્ટ રોડ, અને ચોથી બાજુ સુક્લાજી સ્ટ્રીટ. આવા લંબચોરસ વિસ્તારમાં એકબીજીને કાટખૂણે કાપતી બાર ગલ્લી. તેના મકાનોમાં વસાવ્યા કામાઠી મજૂરોને. અને એટલે એ વિસ્તાર ઓળખાયો કામાઠીપુરા તરીકે. દેશ છોડીને આવેલા ઘણાખરા મજૂરો બૈરી-છોકરાંને ‘દેશ’માં મૂકીને આવે. એટલે તેમને વખતોવખત ‘સુંવાળા સંગાથ’ની જરૂર પડે. એટલે ધીમે ધીમે એ વિસ્તારમાં વેશ્યાઓએ પ્રવેશ કર્યો. અને વખત જતાં બાંધકામની જરૂરિયાતો પૂરી પાડનારાને બદલે એ વિસ્તાર મુંબઈના રહેવાસીઓની કામઇચ્છા પૂરી પાડનારીઓનો મુંબઈનો સૌથી મોટો વિસ્તાર બની ગયો. અને એટલે ‘સારા ઘરના’ મુંબઈગરાઓ ‘કામાઠીપુરા’ નામ કાને પડતાં જ જાણે અભડાઈ જતા. વખત જતાં ત્યાં વસતી સામાન્યાઓ મુંબઈના બીજા વિસ્તારોમાં રહેતી થઈ. અને હવે તો આ વિસ્તારને માથે પણ ‘રિડેવલપમેન્ટ’નું ભૂત ભમતું થયું છે.
સરકારી બાંધકામ ઓછાં થયાં, શરીરશ્રમને બદલે મશીન વડે થવા લાગ્યાં. એટલે પેલા આજના આંધ્રપ્ર દેશથી આવેલા કામાઠીઓ બીજાં નાનાં મોટાં મજૂરીનાં કામ કરતા થયા, ઘર-નોકર તરીકે પણ કામ કરતા થયા. આ લખનારને બરાબર યાદ છે. ગીરગામ રોડ પરના વજેરામ બિલ્ડિંગમાં રહેતો ત્યારે વરસો સુધી ‘નરસુ’ નામનો એક તેલુગુભાષી કામાઠી ઘરકામ માટે આવતો. બે-ચાર હિન્દી અને બે-ચાર ગુજરાતી શબ્દો માંડ બોલી શકે. છતાં મારાં મા ઘરકામનું ગાડું ગબડાવતાં. આ લખનારને અને તેના મોટા ભાઈને પણ વઢી શકે એટલો ઘરમાં એનો હક્ક. ઘરનું કોઈ પણ જમવા બેસે એ પહેલાં મા એ ‘નરસુ’ની થાળી પીરસીને અલગ મૂકી દે. વરસે બે-વરસે એક વાર ‘દેશ’માં જાય. વરસો સુધી કામ કર્યા પછી એક વાર એ રીતે ગયો તે ગયો. પાછો ન આવ્યો. તેને શું થયું તેની ય કાંઈ ખબર પડી નહિ.
મુંબઈ મુંબઈ બની શક્યું તેના મૂળમાં રહી છે આ કામાઠીઓ અને બીજા લાખો મજૂરોની મહેનત. આજે કાળી મજૂરીનાં ઘણાંખરાં કામ મશીનો ઘણી વધુ ઝડપથી, ઘણી વધુ સારી અને સસ્તી રીતે કરી શકે છે. પણ કોઈ પણ ઈમારત એટલી જ ઊંચી બની શકે, જેટલો તેનો પાયો ઊંડો અને મજબૂત હોય. આમચી મુંબઈની ઇમારતને મજબૂત બનાવવા માટે આ કામાઠી જેવા કેટલા ય લોકો પાયાનો પથ્થર બન્યા છે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 એપ્રિલ 2026
![]()

