‘તારામાં મીઠું નથી’ એમ જેમને ક્યારે ય ન કહેવાય એવી જાત અગરિયાની
બરાબર યાદ છે, આ લખનારને. આજથી ૪૦-૫૦ વરસ પહેલાં બોમ્બે સેન્ટ્રલથી ગુજરાત તરફ જતી ટ્રેનમાં બેસીએ ત્યારે બોરીવલી પછી ધીમે ધીમે મકાનો ઓછાં થતાં જાય અને પાટાની ડાબી બાજુ જમીન પર ધોળી ફુલ્લ ચાદર પથરાતી જાય. દિવસની ટ્રેન હોય તો ક્યાંક દરિયાનું પાણી અને ક્યાંક કાચા મીઠાની બનેલી એ ચાદર ઝગારા મારતી હોય. આ ચાદર તે મીઠાના અગર. આપણે જેને મજૂર માનીએ એવા અગરિયાઓ મોટા પાવડા વડે મીઠું ઉસેટીને એના ઢગલા કરતા હોય. હા, આ મીઠું તે આજનું પ્લાસ્ટિકમાં પેક થયેલું રિફાઇન્ડ આયોડાઈઝડ સોલ્ટ નહિ. દરિયાનાં પાણીની ખારાશની સાથોસાથ તેમાંનો થોડોઘણો કચરો પણ સમાવતું ‘કાચું’ મીઠું. પછી એને સાફ કરીને સફેદ દાણાદાર મીઠું બનાવે અને પાલી-અડધી પાલીના માપે બે-ચાર આનામાં વેચાય. બેસતા વરસની સવારે ચારેક વાગ્યામાં છોકરાઓ નીકળી પડે અને બૂમો પાડતા જાય: ‘દિવાળીનાં શકન! સબરસ લ્યો સબરસ.’ ત્રીજે-ચોથે માળેથી કોઈ બૂમ પાડે એટલે સડસડાટ દાદર ચડી બારણું ખખડાવે. છાપાના કાગળમાં લાલ દોરા વડે બાંધેલું પડીકું હાથમાં આપે. એમાં હોય બે-પાંચ ચમચા જેટલું પેલું આખું મીઠું. બદલામાં પાવલી (આજના ૨૫ પૈસા) આપો એટલે હસતે મોઢે ધડધડાટ દાદર ઊતરી જાય. પછી બીજું મકાન, ત્રીજું …

૧૯મી સદીનું આગરી કુટુંબ
આ ‘અગર’ એટલે શું? બીજા શબ્દકોશો બહુ મદદરૂપ નથી થતા. પણ ભગવદ્ગોમંડળ કોશ મદદે આવે છે. તે કહે છે : “અગર : મીઠાની ખળી. દરિયા કિનારે મીઠું પકવવાના ખાડા. પ્રથમ દરિયા કિનારે જગ્યા પસંદ કરી બધે બંધ ચોરસ ક્યારા કરીને તેમાં ભરતીનું પાણી ૪થી ૬ આંગળ લઈ તેને સુકાવા દઈ મીઠું પકાવાય છે.” અને આ કોશ ‘અગર’ શબ્દ સંસ્કૃતના ‘આકર’માંથી ઊતરી આવ્યો છે એમ કહે છે. આકર એટલે ‘ખાણ.’ અને ‘અગરિયો’ શબ્દનો અર્થ આપે છે ‘મીઠું પકવનાર, અગરવાળો.’
આ ‘અગર’ શબ્દ મરાઠીમાં પણ વપરાય છે. અને મીઠું પકવનાર ‘અગરી’ કે ‘આગરી’ તરીકે ઓળખાય છે. પણ વાત એટલેથી અટકતી નથી. મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારે મીઠું પકવતા લોકોની આખી જાત-જમાત ‘આગરી’ તરીકે ઓળખાય છે. અને કોળી અને ભંડારી પછી મુંબઈના જૂનામાં જૂના વતનીઓમાં આ ‘આગરી’ લોકોનો પણ સમાવેશ થાય છે. પણ કોળી અને ભંડારીનો સમાવેશ ‘ઉજળિયાત’ વર્ગમાં થાય છે. જ્યારે પરંપરાગત સમાજ વ્યવસ્થા પ્રમાણે આગરીઓ શૂદ્ર જાતિના મનાય છે. અને તેમનું કામ લગભગ ‘મજૂર’ જેવું છે. સાધારણ રીતે આ સમાજના લોકો મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારે જોવા મળે છે. તે અંગે આગરી સમાજમાં એક દંતકથા પ્રચલિત છે. એ કથા પ્રમાણે અસલમાં આગરી લોકો રાજા રાવણના દરબારમાં ઢોલ વગાડવાનું કામ કરતા હતા. એક દિવસ એ ઢોલીઓએ એવી સરસ રીતે ઢોલ વગાડ્યા કે રાજા રાવણ તેમના પર પ્રસન્ન થયા અને તેમને કાયમી વસવાટ માટે ભારતના પશ્ચિમ કિનારાની પટ્ટી ભેટ આપી.

મીઠાના અગરમાં ખભેખભા મિલાવીને
એટલે કે આ સમાજના લોકો લોક-વાજિંત્રો વગાડવામાં હોશિયાર હતા એમ માની શકાય. તો વળી કેટલાકને મતે આગરીઓ કુશળ કડિયા પણ હતા. ચિમાજી આપ્પાએ વસઈનો કિલ્લો જીતી લીધો ત્યારે પોતાના સૈન્ય સાથે ૨૦૦ જેટલા આગરીઓને પણ રાખ્યા હતા. વસઈના કિલ્લાની દીવાલ ભેદીને મરાઠા લશ્કરને અંદર દાખલ થવા માટે રસ્તો બનાવ્યો તે આ ૨૦૦ આગરીઓએ. આવા કડિયા કામમાં કુશળ આગરીઓ ‘પાથરવટ’ તરીકે ઓળખાતા. તો બીજી એક દંતકથા પ્રમાણે ભગવાન શ્રીરામના સીતા સાથેનાં લગ્ન વખતે ‘ધવલ’ (ગુજરાતીમાં ‘ધોળ’) ગાવાનું કામ આગરી ગાયકોએ કર્યું હતું. ત્યારથી ધવલ કે ધોળ ગાવાની પ્રથા શરૂ થઈ. આગરી સમાજમાં પહેલવહેલાં ‘ધવલ’ મહદમ્બા નામની સ્ત્રીએ રચ્યાં હતાં. આજે પણ ધવલ ગાનારી સ્ત્રીઓ ‘ધવલારીન’ તરીકે ઓળખાય છે. એટલું જ નહિ, ઘણી ખરી લગ્નવિધિ પણ આ સ્ત્રીઓ જ કરાવે છે. રામ-સીતાના લગ્નના એક ‘ધવલ’ની શરૂઆતની બે પંક્તિ :
મિથિલા નગરી જનક પુરામધી ગો,
ઉપવાર સીતા ઝાલી આતા લગનાચી ગો.
(આગરીઓના ધવલમાં લગભગ દરેક પંક્તિને અંતે ‘ગો’ આવે છે.)

સાંજ પહેલાની સાંજ ઢળી છે – અગરિયાને માથે
આગરી જમાતનો ઇતિહાસ લગભગ ૬૦૦ વરસનો છે. એ વખતે અલીબાગ તાલુકામાં ત્રણ રાજ્યો : ચૌલ, આવાસ-સાસવણે, અને સાગરગઢ. તેમાં પહેલાં બે હિંદુ રાજાઓના તાબામાં હતાં. જ્યારે સાગરગઢ પર દિલ્હીના બાદશાહના સૂબાની હકુમત હતી. બંને હિંદુ રાજ્યો સાગરગઢના સૂબાને ખંડણી આપતા જેમાંનો મોટો ભાગ સૂબો દિલ્હી મોકલતો. વખત જતાં સૂબો માથાભારે થઈ ગયો અને ખંડણીની રકમ દિલ્હી મોકલવાનું બંધ કર્યું. બાદશાહે પોતાના એક ઉમરાવને લશ્કર લઈને સાગરગઢ મોકલ્યો પણ તે હારીને પાછો ફર્યો. એટલે બાદશાહે બીજા સરદારને તૈયાર કર્યો અને મૂંગીપૈઠણના બિંબ રાજાને હુકમ કર્યો કે એ સરદારને મદદ કરવી. બંનેએ ભેગા મળીને સાગરગઢના સૂબાને હરાવ્યો અને કેદ કરી દિલ્હી મોકલ્યો. પણ પછી બિંબ રાજા પોતાને વતન જવાને બદલે સાગરગઢમાં જ રહેવા લાગ્યો. એટલું જ નહિ, ચૌલ અને આવાસ-સાસણેનાં બંને હિંદુ રાજ્યો પણ જીતી લીધાં. હવે તેને બહુ મોટી સેનાની જરૂર રહી નહોતી. એટલે સૈનિકોમાંના મોટા ભાગનાને અલીબાગ, પેણ, પનવેલ, કર્જત, રોહે, જંજિરા વગેરે દરિયા કાંઠાના પ્રદેશોમાં મોકલી દીધા. આ બધા પ્રદેશમાં ખારાપાટ હોવાથી મીઠું પકવવાનું પ્રમાણમાં સહેલું હતું. એટલે આ લોકોએ એ ધંધો અપનાવી લીધો.

ચાલો! આજનું કામ પૂરું.
આગરી લોકોનાં પરંપરાગત ઘર કેવળ કુદરતી સામગ્રી વડે બનેલાં રહેતાં. મોટા ભાગનાં ઘર ચોખૂણિયાં. આગળના ભાગમાં નાનો ઓટલો. તેની પાછળ વચલો ઓરડો. તેની એક બાજુએ રસોડું અને બીજી બાજુએ ‘કોઠીની ખોલી’ એટલે કે કોઠાર. ઘરની ભીંતો માટીની, અને છાપરું સૂકા ઘાસનું. આગરી જમાતની સ્ત્રી સાત કે આઠ વારનું લૂગડું ગોઠણ ઢંકાય એ રીતે ચપોચપ પહેરે. અગાઉ આગરી સ્ત્રીઓ ચોળી પહેરતી નહોતી, પણ હવે પહેરતી થઈ છે. દિવસનો મોટો ભાગ તે ઘરકામમાં પરોવાયેલી રહે. પણ લણણી વખતે ખેતરમાં જઈ પોતાના મરદને મદદ કરે. સાધારણ રીતે ૧૪થી ૧૮ વરસની ઉંમરે આગરી છોકરીનાં ‘લગિન’ થઈ જાય છે. હવે ઘણી છોકરીઓ ‘ઇસકોલ’ જતી થઈ છે. જો કે ત્રણ-ચાર વરસ કરતાં વધુ તે ભાગ્યે જ ભણે છે. તો બીજી બાજુ, આ લોકોની ધાર્મિક વિધિઓમાં દેવ કરતાં દેવીઓનું જ વધારે મહત્ત્વ હોય છે. એકવીરા, મમ્બાઈ, ગોરાઈ (તેના પરથી મુંબઈના એક વિસ્તારનું પણ નામ પડ્યું છે) વગેરે દેવીઓની તેઓ પૂજા કરે છે. આ જમાતમાં લગ્ન વખતે દહેજની પ્રથા બિલકુલ નથી. મંડપ દેવતાનું સ્થાપન અને વર-વધૂ એકબીજાને હાર પહેરાવે, એ બે જ વિધિ બ્રાહ્મણ પુરોહિત કરાવે છે. બીજી ચાલીસ જેટલી વિધિ આગરી સમાજની જ સ્ત્રી કરાવે છે જે ‘ધવલારીણ’ તરીકે ઓળખાય છે.
એક જમાનામાં આગરી લોકોની વસતી મુંબઈના ચાર ભાગોમાં વહેચાયેલી હતી. મોટી અને નાની શિવડી, ભોઈવાડા, વડાળા, માટુંગા માહિમ, અને પરળ વગેરે ચૌદ જગ્યાના આગરી પોતાને ‘ચૌદા પાટિલ’ તરીકે ઓળખાવતા. આજના ગોવંડી, માનખુર્દ, તુર્ભે, ગવાણ, માહુલ, ચેમ્બુર, વગેરે ભાગમાં તેમનાં બાર ગામ હતાં તેથી ત્યાંના આગરીઓ ‘બારા પાટિલ’ કહેવાતા. પણ પછી જેમ જેમ મુંબઈ શહેરનો ‘વિકાસ’ થતો ગયો તેમતેમ આગરીઓનાં ગામ નકશા પરથી ભૂંસાતાં ગયાં. ૨૦૨૫માં શરૂ થયેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને ડી.બી. પાટિલનું નામ આપવાની માગણી ઘણા વખત સુધી થતી રહી. આ પાટિલ આગરી સમાજના એક અગ્રણી નેતા હતા એટલું જ નહિ, આ એરપોર્ટ જે જમીન પર ઊભું થયું છે એમાંની ઘણી જમીન મૂળ આગરી લોકોની માલિકીની હતી.
આજે હવે ગુજરાત જતી ટ્રેનમાં બેઠા હો તો રસ્તામાં મીઠાના અગર ભાગ્યે જ જોવા મળે. પણ હજી પૂર્વનાં કેટલાંક પરાંમાં છૂટા છવાયા મીઠાના અગર સચવાયા છે. તેમાંના મુખ્ય છે વડાળા, ભાઈન્દર, ભાંડુપ, અને માણેક મહાલ (નાયગાંવ ઈસ્ટ).
આજે મુંબઈમાં જો કોઈ વસ્તુ અત્યંત દુર્લભ હોય તો તે છે જમીન. કેટલી બધી ઝોપડપટ્ટીઓ ભૂસાઈ ગઈ અને તેની જગ્યાએ ઊભાં થઈ ગયાં બહુમાળી મકાનો. મુંબઈની ત્રણ-ચાર મોટામાં મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક તે ધારાવીની ઝૂંપડપટ્ટી. દેશના એક ટોચના ઉદ્યોગપતિને તેનું ‘રિડેવલપમેન્ટ’ કરવાનું કામ મળ્યું. હવે ધારાવીમાં રહેનારાઓના બે મુખ્ય ભાગ. એક, ત્યાંના રહેવાસી તરીકે સરકારી ચોપડે નોંધાયેલા લોકો, અને બીજા, નોંધાયા ન હોય પણ લાંબા સમયથી ત્યાં રહેતા હોય એવા રહેવાસીઓ.
બિલ્ડર કહે કે સરકારી ચોપડે નોંધાયેલા રહેવાસીઓને તો બદલામાં નવી જગ્યા આપું, વધુ જગ્યા આપું, પણ નોંધાયા જ ન હોય તેને કઈ રીતે આપું? એ માટેની જગ્યા ક્યાં? સરકાર કહે કે જગ્યા અમે આપીએ પણ તમે ઘર બાંધીને ન નોંધાયેલા રહેવાસેઓને પણ ઘર આપો. હવે સવાલ ઊભો થયો કે જગ્યા આપવી તો ક્યાં આપવી? એટલી ખુલ્લી જગ્યા મુંબઈમાં બચી છે જ ક્યાં? અને કોઈક સરકારી નોકર કે મંત્રી મહોદયના મગજમાં ઝબકારો થયો : ‘આ મીઠું પકવવાને નામે અગરિયાઓ પાસે કેટલી બધી જમીન છે! એમાંથી આપી દઈએ થોડી. ત્યારે કોઈ અધિકારીએ ધ્યાન ખેંચ્યું કે પણ એ જમીન કાંઈ મહારાષ્ટ્ર સરકારની માલિકીની નથી. કેન્દ્ર સરકારની છે અને તેનો વહીવટ ‘સોલ્ટ કમિશનર’ કરે છે. એમ? તો દિલ્હીમાં પણ સરકાર તો આપણી છે ને? દિલ્હીવાળાને કહીએ કે એ જમીન આપણને આપી દે. મફતમાં? ના. આપણે સોલ્ટ કમિશનરને કીમત ચૂકવી દેશું. પણ સાહેબ, કાયદો મનાઈ કરે છે એ રીતે એ જમીનની માલિકી બદલવાની. કાયદો બનાવે છે કોણ? સરકાર. તો એ જ સરકાર કાયદો બદલી પણ શકે ને? અને દિલ્હીવાળાઓએ કાયદો બદલ્યો. ‘જાહેર કામોમાં ઉપયોગ કરવા માટે’ સોલ્ટ કમિશનરની માલિકીની જગ્યા વેચી શકાય. પછી વાત આવી રાજ્યની મંજૂરીની. અરે! એમાં તે શી મોટી વાત છે. ચાલો, મંજૂર. હવે ભાવ-તાલ? ૨૫૬ એકર જમીન માટે સોલ્ટ કમિશનરને આપો ૩૨૦ કરોડ રૂપિયા. અને હા. જેમને અહીં પાકાં બાંધેલાં ઘર મળશે એ લોકો ધારાવીના રહેવાસી તરીકે નોંધાયેલા નથી. એટલે તેમણે નવા ઘરનું ભાડું દર મહીને ચૂકવવું પડશે. ત્યારે બિલ્ડર કહે કે તેમને આપતાં જેટલાં ઘર વધશે તે હું બજાર ભાવે વેચીશ. ચાલો! સરકાર, ડેવલપર, ધારાવીના વણનોંધાયેલા રહેવાસીઓ – બધાં ખુશ ખુશ. પણ પેલા અગરીઆનું શું થશે? એ ક્યાં જશે? પોતાની જમીન પર બિલ્ડરે બાંધેલા ઘર માટે તે આખી જિંદગી ભાડું ભરશે. અને અગર જ નહિ હોય તો પછી અગરિયા કરશે શું? પણ એવી બધી નાની-નાની ચિંતા કરવા બેસે સરકાર, તો ‘વિકાસ’ ક્યાંથી થાય? એટલે વિકાસના યજ્ઞમાં હોમી દો અગરિયાઓને નાળિયેર માનીને.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 માર્ચ 2026
![]()

