મુંબઈમાં ભંડારી આવ્યા, તાડી લાવ્યા અને પછી બની ગયા પોલીસ!
‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી,
સાધુ પુરુષને સૂઈ ન રહેવું.’
નરસિંહ મહેતાનું આ પ્રખ્યાત પ્રભાતિયું આજથી ૩૦૦-૪૦૦ વરસ પહેલાંના મુંબઈમાં જરા જૂદી રીતે પણ ગાઈ શકાય તેમ હતું :
‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી,
ભંડારી પુરુષને સૂઈ ન રહેવું.’
કોળી પછી મુંબઈના આદિ વતનીઓમાં ભંડારી લોકો આવે. મુખ્ય ધંધો તાડનાં ઝાડ પર ચડી, માટલીમાં તાડી કાઢવાનો અને પછી તે વેચવાનો. પણ તો પછી આ જમાતનું નામ ‘ભંડારી’ કેમ પડ્યું? આપણા દેશમાં આવાં નામ પાછળ કોઈ દંતકથા ન હોય એવું બને? પંડિત મહાદેવ શાસ્ત્રી જોશી નામના વિદ્વાને ‘ભંડારી’ નામ અંગે એક દંતકથા નોંધી છે : એક વખત તિલકાસુર નામના રાક્ષસે માઝા મૂકી હતી. ત્રણે લોકમાં હાહાકાર મચાવ્યો હતો. છેવટે ભગવાન શંકરે તેને પકડ્યો અને પીસવા માટે ઘાણીમાં નાખ્યો. એ એ ઘાણી ચલાવવાનું કામ સોંપ્યું તેમના માનીતા પોઠિયા નંદીને. પણ ઘાણી ચલાવીને નંદી તો થોડી વારમાં લોથપોથ. તેના પરસેવાની નદીઓ વહે. અને તો ય પેલો તિલકાસુર તો હેમખેમ, ને પાછો હસ્યા કરે. પોતાના માનીતા નંદિની દશા જોઈ ભગવાન શંકરને કપાળે પરસેવો થયો અને તેનાં ટીપાં પડવા લાગ્યાં. અને ત્યાં તો પરસેવાના એક ટીપામાંથી પ્રગટ થયો એક પુરુષ. વાન શામળો. કાઠું મજબૂત. તેણે પહેલાં તો ભગવાન શંકરને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. તેમનો કૃપાસ્પર્શ થયા પછી એ પુરુષે નંદીને ઘાણીએથી છોડાવ્યો અને તેની જગ્યા પોતે લીધી. એણે તો જે જોરથી ઘાણી ફેરવી, તે બે પાંચ ઘડીમાં તો પેલા તિલકાસુરના રામ રમી ગયા! ત્રણે લોકમાં આનંદ આનંદ. પણ હજી પેલા પુરુષની પરીક્ષા પૂરી થઈ નહોતી. ઘાણીથી થોડે દૂર ભગવાન શંકરે એક ખાસ્સું ઊંચું ઝાડ બનાવી દીધું. પછી પેલા માણસને કહ્યું : ‘મને બહુ તરસ લાગી છે. આ ઝાડ પર ચડી તેનો મીઠ્ઠો મધુરો રસ મારે માટે લઈ આવ.’ પેલો માણસ તો આંખના પલકારામાં એ ઊંચા ઝાડ પર ચડી ગયો. ફળનો રસ કાઢીને નીચે આવ્યો અને ભગવાન શંકરને ધર્યો. એ પીધા પછી ભગવાન શંકર પ્રસન્ન થયા અને પેલા માણસને પોતાની અલકા નગરીના ખજાના કહેતાં ભંડારનો વડો બનાવ્યો. અને ભગવાન શંકરે ઊભું કરી દીધેલું પેલું માયાવી ઝાડ તે તાડનું ઝાડ. બસ, પછી તો તે દિવસથી પેલા માણસના વંશજો ‘ભંડારી’ તરીકે ઓળખાયા. પણ કામ કરે તાડીમાડી ગાળવાનું.
‘ભંડારી’ અટક ધરાવતા લોકો પૂર્વ અને ઉત્તર ભારતમાં પણ જોવા મળે. પણ મુંબઈના અને મહારાષ્ટ્રના ભંડારીઓ પોતાને તેમનાથી જુદા માને છે. અસલ ધંધો ભલે તાડી ગાળવાનો, પણ પોતાને ક્ષત્રીય માને છે. એક જમાનામાં ભંડારીઓની અડધા કરતાં વધુ વસતી રત્નાગિરી જિલ્લામાં હતી. ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા. મુંબઈની ઉત્તરે સુરત સુધીના દરિયા કિનારા પર પણ તેમની વસતી જોવા મળે છે. ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વસેલા ભંડારીઓએ ઠેર ઠેર ચીકુની વાડીઓ ઊભી કરી છે. તેમાંથી દહાણુ, ઘોલવડ અને અમલસાડનાં ચીકુને આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતો GI Tag મળ્યો છે. ત્યાંનાં ચીકુ દેશમાં અનેક જગ્યાએ વેચવા મોકલાય છે. ચીકુની સાથોસાથ બીજા પાક તરીકે ‘લીલી’ નામનાં ફૂલ પણ તેઓ વાવે છે.

તાડના ઝાડ પર ભંડારી
ભંડારીઓ જે જમાનામાં મુંબઈ આવ્યા એ જમાનામાં મુંબઈનો ઘણો મોટો ભાગ ખેતરાઉ હતો. તાડ વાડી અને તાડ દેવ જેવાં નામો સૂચવે છે તેમ અહીં ઠેર ઠેર તાડની વાડીઓ હતી. ઉપરાંત ફણસ વાડી, ફોફળ વાડી, કાંદા વાડી, મુગભાત લેન, ખેત વાડી જેવાં નામો સૂચવે છે તેમ શહેરના જુદા જુદા ભાગોમાં વાડીઓ કે ખેતર હતાં. તેમાં ભંડારીનું કામ સહુથી પહેલાં શરૂ થાય. સવારના અંધારામાં સડસડાટ તાડના ઝાડ પર ચડી જાય. કેડે લટકતાં હોય કોયતો અને માટીની માટલી. તાડની ટોચે પહોંચી પહેલાં માટલી બાંધે. પછી થડની ટોચ પર ચોક્કસ જગ્યાએ કોયતાથી કાપો મૂકે. ટીપે ટીપે રસ ઝરીને માટલીમાં ભેગો થાય. ખાસ્સી વાર તાડની ટોચે બંધાઈને રહેવું પડે. સાંજે સૂરજ ઢળી જાય પછી પાછી એ જ કવાયત. ઝાડની ટોચ પરથી બીજું તો શું કરી શકે? આજુબાજુ નજર ફેરવે. ક્યારેક ઉપર જુએ, ક્યારેક નીચે.
મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆર ભારે ચતુર-સુજાણ. એ વખતે મુંબઈમાં પોલીસ જેવું કશું નહિ. નાની-મોટી ચોરીથી માંડીને ખૂનખરાબા થયા કરે, અવારનવાર. ઓન્ગીઆરે નોંધ્યું કે સવાર-સાંજ આ ભંડારીઓ તાડની ટોચે લાંબો વખત રહે છે. આજુબાજુ નજર ફેરવતા રહે છે. તેમણે થોડાક ભંડારીઓને ભેગા કર્યા. કહ્યું : તમે સવાર-સાંજ ઝાડની ટોચે હો ત્યારે આજુબાજુ નજર તો નાખતા હશો.
હોવ્વે.
એવે વખતે કોઈ નાની મોટી ચોરી, મારામારી, કે ખૂન પણ તમારી નજરે પડે, ખરું ને?
હોવ્વે.
બસ. તો તમારે એક કામ કરવાનું. આવું કાંઈ જુઓ ત્યારે તરત મને જાણ કરવાની.
હોવ્વે.
અને આમ, ભંડારીઓ બન્યા કંપની સરકારના પહેલવહેલા ‘ખબરીઓ.’ પણ ભંડારીઓનું કામ તો ફક્ત સવાર-સાંજનું. આખો દિવસ નવરા. ફરી થોડા ભંડારીઓને ઓન્ગીઆરે ભેગા કર્યા. દિવસે તમે નવરા બેઠા હો છો, ખરું ને?
હોવ્વે.
તો શહેરની ગલીઓમાં, ખેતરોમાં, રસ્તાઓ પર, દરિયા કિનારે આંટા મારો અને કોઈ ચોર-મવાલી, ઠગ-ધુતારો દેખાય તો એને બાવડું પકડી અમારી પાસે લઈ આવો. બોલો, થઈ શકશે તમારાથી આ કામ?
હોવ્વે.

તાડી માડી વિક્રી કેન્દ્ર
અને એમ શરૂઆત થઈ મુંબઈ પોલીસની. નામ આપ્યું ‘ભંડારી મિલિશિયા.’ યુનિફોર્મ કે એવું કાંઈ નહિ. હાથમાંનો દંડૂકો એ એની ઓળખાણ. એ વખતે મુંબઈની સરકાર સતત ભય સાથે જીવતી હતી. ડચ, પોર્ટુગિઝ, મોગલ, સીદી, મરાઠા, એ બધામાંથી કોણ, ક્યારે, કઈ દિશામાંથી મુંબઈ પર ચડી આવે, કાંઈ કહેવાય નહિ. એટલે ઓન્જીઆરે માહિમ, શિવરી, સાયન, અને બીજી કેટલીક જગ્યાએ ભન્ડારીઓની ટુકડીઓ ગોઠવી. આ ટુકડીઓની કામગીરી બેવડી હતી : કંપની સરકારના ગોરા લશ્કરને મદદરૂપ થવું, અને આજે જે ફરજો પોલીસ બજાવે છે તે પણ સાથોસાથ બજાવવી. એટલું જ નહિ, લંડનમાં બેઠેલા કંપનીનાં ડિરેક્ટરોને લખેલા એક કાગળમાં ઓન્જીઆરે ત્યાં સુધી લખ્યું હતું કે ‘દેશી’ ખ્રિસ્તીઓ કરતાં આ ભંડારીઓ વધુ ભરોસામંદ હોય છે. કારણ એક તો તેઓ વધુ બહાદુર હોય છે અને તેમની કંપની સરકાર પ્રત્યેની વફાદારી વધારે મજબૂત હોય છે. વળી ભંડારી સૈનિકો રાતના રખેવાળ તરીકે પણ વધુ બાહોશીથી કામ કરી શકે છે. ચોરી-ચપાટી કે લૂંટફાટ કરનારાઓને ઓળખીને પકડવામાં તેઓ કાબેલ હોય છે. આ પત્ર મળ્યા પછી કંપની સરકારના ખેરખાંઓએ ભંડારી સૈનિકોની સંખ્યા ૫૦૦થી વધારીને ૬૦૦ કરવાની મુંબઈ સરકારને પરવાનગી આપી. ઓન્જીઆર પછી ૧૬૮૧થી ૧૬૯૦ સુધી મુંબઈના ગવર્નરના પદે રહ્યા સર જોન ચાઈલ્ડ. તેમને આ ભંડારી સેના પાછળ થતો ખરચ બિનજરૂરી લાગ્યો એટલે તેમણે ૧૬૭૯માં એ સેનાને વિખેરી નાખવાની ભલામણ લંડન મોકલી. ત્યાંના સાહેબોને તો પૈસા બચે એવી કોઈ પણ દરખાસ્ત મધથી ય મીઠી લાગે. એટલે તરત ‘હા’ ભણી મોકલી. પણ એ રુક્કો મુંબઈ પહોંચ્યો ત્યારે એક બાજુ છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ પર ચડાઈ કરશે એવી વાતો ફેલાઈ હતી તો બીજી બાજુ સીદી ચાંચિયાઓ કંપનીનાં વહાણોને આંતરીને લૂંટી રહ્યા હતા. એટલે ખુદ ગવર્નરે જ ભંડારી સેનાને ખાલસા કરવાની વાતનો વીંટો વાળી દીધો. બ્રિટનમાં બેઠેલા માંધાતાઓને પણ પોતાની ભૂલ સમજાઈ અને ભંડારી સેના વિખેરી નાખવા અંગેનો પોતાનો આગલો ઠરાવ રદ્દબાતલ કરવો પડ્યો. જો કે પછી ઈ.સ. ૧૮૦૦માં છેવટે ભંડારી સેનાને વિખેરી નાખવામાં આવી. મુંબઈ પોલીસની વ્યવસ્થિત રીતે શરૂઆત થઈ તે પછી પણ ઘણા વખત સુધી મુંબઈ તેમાં સૌથી વધુ સિપાઈઓ ભંડારી જાતિના રહેતા.
કોળીઓ અને ભંડારીઓ વચ્ચેનો એક ફરક એ કે કોળીઓ મોટે ભાગે પરંપરાને વળગી રહ્યા. બીજા ક્ષેત્રોમાં ભાગ્યે જ ઝાઝો રસ લીધો. જ્યારે ભંડારીઓ શિક્ષણ, સમાજ, રાજકારણ, વ્યવસાયો, વગેરેમાં આગળ વધતા રહ્યા. તેમાંના કેટલાકની નોંધ તો મુંબઈ શહેરની બહાર રાજ્યમાં અને દેશમાં પણ લેવાતી રહી છે. મરાઠીમાં બાબાસાહેબ આંબેડકર અને બીજા કેટલાક અગ્રણીઓનાં સંશોધનાત્મક જીવનચરિત્રો લખનાર ધનંજય કીર, જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર મહેશ માંજરેકર, જાણીતા અભિનેતા નાના પાટેકર, મરાઠી રંગભૂમિના પ્રખ્યાત નટ મછીન્દ્રનાથ કામ્બલી, સચિન તેંદુલકરના ક્રિકેટ-ગુરુ રમાકાંત આચરેકર, વિજય માંજરેકર, સંજય માંજરેકર, અને પદ્માકર શિવાલકર જેવા ક્રિકેટરો, પણ ભંડારી જાતિના.

ભંડારી સ્ટ્રીટ
ભંડારી કોમમાં લગ્ન વખતે દહેજ કે વાંકડો આપવા-લેવાનો ચાલ મુદ્દલ નથી. અગાઉ લગ્નપ્રસંગે માંસાહારી ભોજન પીરસાતું, પણ હવે તે બંધ થયું છે. પણ પ્રતીકાત્મક રીતે ભોજન શરૂ થાય એ પહેલાં એક મોટા કોળાનાં બે ફાડચાં કરવામાં આવે છે. પછી એ કોળાનું શાક ભોજનમાં બધાને પીરસવામાં આવે છે. તેમની લગ્નવિધિ રજપૂતોની લગ્નવિધિને મળતી આવે છે. લગ્નવિધિ વખતે હાજર રહેલા દરેક પુરુષનું એક પછી એક નામ પોકારવામાં આવે છે. એ પુરુષ ઊભો થાય એટલે કન્યાના પિતા તેની પાસે જઈને તેને કપાળે કંકુનો ચાંદલો કરે અને તેને પાનબીડું આપી સન્માન કરે.

ગોળ દેવળ, ૧૯૦૭ પછી ક્યારેક
મુંબઈના એક રસ્તા સાથે ભંડારીઓનું નામ જોડાયેલું છે. ભંડારી સ્ટ્રીટ ફોકલેન્ડ રોડ પાસેથી શરૂ થાય અને કુંભારવાડા પાસે પૂરી થાય. જો કે કેટલાકને મતે કુંભારવાડા નામ પછીથી પડ્યું. અસલ નામ હતું ભંડારવાડા. એક જમાનામાં આ વિસ્તારમાં ભંડારીઓની ઝાઝી વસતી હતી એટલે આ નામ. ભંડારી સ્ટ્રીટ નજીક મુંબઈનું સૌથી જૂનું શિવનું મંદિર આવેલું છે એ ફક્ત અકસ્માત ન હોય. મોટા ભાગના લોકો એને ‘ગોળ દેવળ’ તરીકે ઓળખે છે. કારણ રસ્તાની વચ્ચોવચ બંધાયેલું આ મંદિર આકારમાં ગોળ છે, બીજાં ઘણાંખરાં મંદિરોની ચોખૂણિયું નથી. અગાઉ ઘણી વાર આ મંદિરને નજીકમાં બીજે ક્યાંક ખસેડવાની યોજનાઓ થઈ હતી. પણ શિવભક્તોના ઉગ્ર વિરોધને કારણે પડતી મૂકાઈ હતી. મંદિર ખસેડવા માટે સુધરાઈએ નજીકમાં એક પ્લોટ પણ ખાલી રાખ્યો હતો. એ જગ્યા હવે નાગેશ્વર વાડી તરીકે ઓળખાય છે, અને ત્યાં એક ધર્મશાળા બંધાઈ છે.
ચાલો, ગોળ દેવળનાં દર્શન સાથે આજની આપણી યાત્રા થઈ પૂરી. હવે આવતે શનિવારે? નવી ગિલ્લી, નવો દાવ!
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 માર્ચ 2026)
![]()

