Opinion Magazine
Number of visits: 9700400
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—329

દીપક મહેતા|Opinion - Opinion|21 February 2026

મુંબઈના પોલીસ કમિશનરે જાતે છૂપો વેશ ધારણ કરીને બળવાનું કાવતરું પકડી પાડ્યું      

જાહેરમાં ફાંસી આપવા માટેનો માંચડો – ગિબેટ

પોલીસ કમિશનર ફોર્જેટે પોતાના જાનના જોખમે કંપની સરકારના લશ્કરના દેશી સૈનિકોનો બળવો શરૂ થાય એ પહેલાં જ દાબી દીધો. છતાં બ્રિટિશ લશ્કરના વડા પોતાની જિદ્દ છોડતા નહોતા : નક્કી, દિવાળીના તહેવારના દિવસોમાં કોટમાં આવેલ બજારના દેશી લોકો બળવો પોકારશે. ફોર્જેટ આ વાત માનતા નહોતા. છતાં કોટ વિસ્તારના લોકોને ચેતવવા ખાતર તેમણે બોમ્બે પોલીસના મકાનના કમ્પાઉન્ડમાં એક ખાસ પ્રકારનો ફાંસીનો માચડો (Gibbet) ઊભો કરાવ્યો અને શહેરના કેટલાક આગેવાનોને ત્યાં બોલાવી જાહેર કર્યું કે જો કોઈ પણ ઇસમ બળવો કરવાનો વિચાર સુધ્ધાં કરશે તો તેને ધોળે દિવસે, રાહદારીઓની હાજરીમાં, આ માંચડા પર લટકાવીને તાબડતોબ ફાંસી આપવામાં આવશે. આવી ચેતવણી પછી કોટ વિસ્તારના ‘દેશી’ લોકો તો સપનામાં ય ‘બળવો’ કરવાનો વિચાર નહિ કરે એમ ફોર્જેટને લાગ્યું. પણ બીજી બાજુથી બીક વધી રહી છે એમ પણ તેને લાગ્યું. ફોર્જેટના ખબરીઓએ તેમને જણાવ્યું કે રોજ રાતે કેટલાક ‘દેશી’ સૈનિકો એક ઘરમાં ભેગા થઈ કશીક ગૂસપૂસ કરી રહ્યા છે. ફોર્જેટે પોતાના ખબરીઓને તાબડતોબ તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું. બ્રિટિશ આર્મીના દેશી સૈનિકો સાથે જેને ઘરોબો હતો એવો એક ઇસમ તે ગંગાપ્રસાદ. એ ‘ભગત’ હતો, ગોર હતો, અને વૈદ પણ હતો. એટલે ઘણા સૈનિકોને તેનામાં પુષ્કળ વિશ્વાસ. ધોબી તળાવથી થોડે દૂર આવેલા સોનાપુર વિસ્તારના એક ઘરમાં લગભગ રોજ રાત્રે તે જતો. અને મોડી રાતે ઘરે પાછો જતો. આ ખબર મળતાં જ તાબડતોબ ફોર્જેટે આ ગંગાપ્રસાદની ધરપકડ કરી અને પોલીસની જાણીતી-માનીતી રીતે તેની પાસેથી બધી બાતમી મેળવી લીધી. બીજી જ રાતે વેશપલટો કરીને ફોર્જેટ પહોંચ્યા સોનાપુર વિસ્તારમાં આવેલા પેલા ઘરે. ત્યાં બેઠેલા ‘દેશી’ સિપાઈઓ જે ઘૂસપૂસ કરતા હતા તે બધી સાંભળી લીધી. આ સિપાઈઓ ભેગા મળીને દિવાળીના દિવસો દરમ્યાન બળવો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. એ વખતે લૂંટફાટ કરીને બનતી ઝડપે મુંબઈ છોડી ભાગી જવાની યોજના ઘડતા હતા. પણ આ કાવતરું ઘડનારાઓ હતા તો કંપની સરકારના લશ્કરના સૈનિકો. એટલે ફોર્જેટ પોતે સીધી રીતે તેમની સામે કશાં પગલાં લઈ શકે તેમ નહોતું. બ્રિટિશ લશ્કરના અફસરો ફોર્જેટની વાત માનવા તૈયાર નહોતા. એટલે ફોર્જેટ લશ્કરના વડા મેજર બેરોને મળ્યો અને બધી વાતથી તેમને વાકેફ કર્યા. તેઓ છૂપા વેશે ફોર્જેટ સાથે સોનાપુર વિસ્તારના મકાનમાં જવા તૈયાર થયા. ત્યાંની વાતો સાંભળીને મેજર બેરો તો ડઘાઈ જ ગયા. તેમણે તાબડતોબ એ ખબર જનરલ શોર્ટને પહોંચાડ્યા. બધી વાત સાંભળ્યા પછી શોર્ટ બોલ્યા : ‘છેવટે ફોર્જેટે આપણને બધાને ઊંઘતા પકડી પાડ્યા!’ સંબંધિત સૈનિકો પર તાબડતોબ લશ્કરી અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. બે મુખ્ય આરોપી ડ્રિલ હવાલદાર સય્યદ હુસેન અને સિપાઈ મંગલ ગુડેરાને સજા-એ-મૌત ફરમાવવામાં આવી અને તેમના છ સાગરિતોને આજીવન બ્રિટિશ રાજના પ્રદેશમાંથી તડીપાર કરવામાં આવ્યા. બે સૈનિકોને દેહાંત દંડની શિક્ષા માટે પોલીસ કમીશનરની ઓફિસની બહાર ફોર્જેટે જે ફાંસીનો માચડો ઊભો કરાવેલો તેનો ઉપયોગ કરવામાં ન આવ્યો. પણ કોટની બહારના એસપ્લનેડ મેદાન(આજનું આઝાદ મેદાન)માં બે લશ્કરી તોપ લાવવામાં આવી. દિવાળીને દિવસે બન્ને ગુનેગારોને તોપના મોઢા સાથે મુશ્કેટાટ બાંધવામાં આવ્યા. અને પછી તોપના ગોળા વડે તેમના શરીરના ફુરચેફુરચા ઉડાડી દેવામાં આવ્યા. તે પછી મુંબઈના રહેવાસીઓ કે લશ્કરના દેશી સૈનિકોમાંથી કોઈએ સપનામાં પણ બળવો કરવાનો વિચાર કર્યો નહિ. બીજા ત્રીસ ગુનેગારોને પણ તડીપારની સજા થઈ હતી. પણ લોકોની લાગણી વધુ પડતી ઉશ્કેરાય નહિ એટલે નામદાર ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટને તેમને માફી આપી.

તોપને મોઢે બાંધીને અપાતી દેહાંત દંડની સજા

હા, આજે આપણને તોપને મોઢે ગુનેગારને બાંધીને ફાંસીની સજા આપવાનું ક્રૂર અને ઘાતકી લાગે. પણ એ વખતે યરપમાં તો સજા આપવાની આવી રીતો પ્રચલિત હતી જ. પણ આપણા દેશમાં મોગલ સામ્રાજ્યમાં પણ આવી, કે આના કરતાં વધુ ઘાતકી રીતો પ્રચલિત હતી. જેમ કે, ગુનેગારને જીવતેજીવત ભીંતમાં ચણી લેવો કે તેના હાથ-પગ પર મોટા ખીલા ઠોકીને તેને ભીંત સાથે જીવતો જડી દેવો. લોર્ડ એલ્ફિન્સ્ટનનું માનવું હતું કે જો મુંબઈમાં બળવો થયો હોત તો તેને પૂના, હૈદરાબાદ, અને મુંબઈ ઈલાકાનાં બીજાં શહેરોમાં ફેલાતાં વાર ન લાગી હોત. અને પછી બળવાની એ જ્વાલા મદ્રાસ સુધી પહોંચી હોત. બળવો શમી ગયો અને કંપનીના રાજને બદલે તાજનું રાજ સ્થપાયું તે પછી, ૧૮૫૯ના મે મહિનાની ૨૩મી તારીખે લખાયેલા એક પત્ર દ્વારા નામદાર ગવર્નરે ફોર્જેટનો ખાસ આભાર માન્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું : ‘મિસ્ટર ફોર્જેટે જે કામ સફળતાપૂર્વક પાર પાડ્યું તે કામ અસાધારણ હિંમત, ચોકસાઈ, અને નિર્ણયશક્તિ માગી લે તેવું હતું. કપરી કસોટીના કાળમાં મિસ્ટર ફોર્જેટમાં રહેલા આ બધા જ ઉમદા ગુણો પૂરેપૂરા ખીલી ઊઠ્યા હતા.’ 

૧૮૫૭ના બળવાના ઘા લગભગ રૂઝાવા આવ્યા હતા ત્યાં મુંબઈએ, અને એટલે પોલીસ કમિશનર ફોર્જેટે, નવી, અને સાવ જૂદી જાતની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આ પરિસ્થિતિ તે અસાધારણ સમૃદ્ધિની પરિસ્થિતિ. ૧૮૬૧ના એપ્રિલની ૧૨મી તારીખે અમેરિકામાં આંતરવિગ્રહ શરૂ થયો. પરિણામે માન્ચેસ્ટરની કાપડ મિલોને અમેરિકન રૂ (કપાસ) મળતું બંધ થયું. એટલે એ મિલોએ હિન્દુસ્તાનથી, અને ખાસ કરીને મુંબઈથી ઊંચા ભાવે કપાસ ખરીદવાનું શરૂ કર્યું. પરિણામે હિન્દુસ્તાનના કપાસના ભાવ આસમાને ગયા. કહેવાય છે કે મુંબઈ શહેરના જ નહિ, મુંબઈ ઈલાકાના ઘણા લોકોએ ઘરનાં ગાદલાં-ઓશિકાં ફાડીને તેમાંનું રૂ પણ વેચી નાખ્યું હતું! મુંબઈમાં પૈસાની રેલમછેલ થઈ. કપાસના વેપારીઓને લોન આપવા રાતોરાત નવી બેંકો ઊભી થઈ. નવી નવી કંપનીઓ ઊભી થઇ. શેરની લે-વેચથી મુંબઈનું શેર બજાર ધમધમવા લાગ્યું. 

૧૮૬૩ના એપ્રિલમાં કવિ દલપતરામ મુંબઈની મુલાકાતે આવેલા ત્યારે મુંબઈની જાહોજલાલી જોઈ આભા થઈ ગયા હતા. તેમણે લખ્યું :

લંકાની લક્ષ્મી બધી, છે મુંબઈ મોઝાર,

જેણે મુંબઈ જોઈ નહિ, અફળ ગયો અવતાર.  

માન્ચેસ્ટર મોકલવા મુંબઈની ગોદી પર ખડકાયેલી કપાસની ગાંસડીઓ 

બરાબર આ જ વખતે, ૧૮૬૨માં, મુંબઈને નવા ગવર્નર મળ્યા, સર બાર્ટલ ફ્રેરે. એ હતા ઉદારમતવાદી. શેર બજારના બેતાજ બાદશાહ ગણાતા પ્રેમચંદ રાયચંદને ફ્રેરે સાથે સારો સંબંધ બંધાયો. નવી બેંકો, નવા વેપારીઓ, નવી રેકલમેશન યોજનાઓને ગવર્નરે ટેકો આપ્યો. તો બીજી બાજુ એ વખતે ફૂટી નીકળેલી ઢગલાબંધ ‘રેકલમેશન’ કંપનીઓ દરિયો પૂરીને નવી જમીન મેળવવામાં પડી હતી. દેશાવરમાંથી મજૂરો, વેપારીઓ, આડતિયાઓ, વગેરેના ધાડે ધાડાં મુંબઈ આવવા લાગ્યાં. વસતી વધતી ગઈ. આ બધાંને લીધે પોલીસ કમિશનર ફોરજેટનું કામ ઘણું વધ્યું એટલું જ નહિ, કામનું સ્વરૂપ પણ બદલાયું. પહેલાં ચોર-ડાકુ પકડવાના હતા. મુંબઈમાં બળવો ન ફાટી નીકળે તેનું ધ્યાન રાખવાનું હતું. હવે વેપારવણજમાં હેરાફેરી કરી લોકોને ખંખેરતા વેપારીઓને પકડી પાડવાના હતા. રાતોરાત પૈસાદાર થઈ ગયેલા લોકોની સાથે તેમને ખંખેરી નાખનારા ઉસ્તાદો પણ મન ફાવે તેમ આખા શહેરમાં આવન-જાવન કરતા હતા. વધતી વસતી સાથે નાના મોટા ગૂના પણ વધ્યા જ. એ બધા સાથે કામ પાર પાડવાનું હતું પોલીસ કમિશનર ફોર્જેટે. વળી આ જ અરસામાં ફોર્જેટને માથે એક વધારાની જવાબદારી આવી : મુંબઈના મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો હોદ્દો પણ તેમને સોંપવામાં આવ્યો!

ફોર્જેટે કડક હાથે કામ લઈ મુંબઈમાં કાયદો અને વ્યવસ્થામાં પુષ્કળ સુધારા કર્યા તે અંગે આભાર વ્યક્ત કરવા મુંબઈના વેપારીઓએ ૧,૩૦૦ પાઉન્ડ જેટલી રકમ ભેગી કરી ફોર્જેટને ‘થેલી’ આપી. તો કોટન મર્ચન્ટ એસોસિયેશને ૧,૫૦૦ પાઉન્ડ જેટલી રકમ તેમને ભેટ ધરી. બેક-બે રેક્લ્મેશન કંપનીએ પોતાના પાંચ શેર ફોર્જેટને ભેટ આપ્યા. એ શેરનો ભાવ જ્યારે આસમાને ગયો ત્યારે એ વેચીને ૧૩,૫૮૦ પાઉન્ડ જેટલી રકમ ફોર્જેટને મોકલી આપી. (એ જમાનામાં સરકારની મંજૂરી લીધા પછી સરકારી નોકરો આવી ભેટો સ્વીકારી શકતા.) પણ હા, ફોર્જેટના મનની એક વાત તેના મનમાં જ રહી ગઈ. તેને હતું કે ૧૮૫૭ના બળવા વખતે  પોતે જે કાંઈ કર્યું તેને ધ્યાનમાં લઈને ઉપરીઓ તેને ‘સર’નો, કે નહિ તો બીજો કોઈ ઇલકાબ આપશે. પણ સરકારે વખાણ કર્યા, વધારાનું પેન્શન મંજૂર કર્યું, પણ કોઈ ઈલ્કાબ ફોર્જેટને આપ્યો નહિ. કેટલાક માને છે કે તેનું કારણ એ કે ફોર્જેટ પાક્કો અંગ્રેજ બચ્ચો નહિ, એન્ગલો ઇન્ડિયન ઓલાદનો હતો.

નિવૃત્તિ પછી સ્વદેશમાં ફોર્જેટે બંધાવેલ ‘કાવસજી જહાંગીર હોલ’ 

છેવટે ૧૮૬૪ના એપ્રિલમાં ફોર્જેટે નિવૃત્તિ લીધી અને ઈંગ્લન્ડ પાછા જવાની તૈયારી કરી. એ વખતે કોઈક કારણે સર કાવસજી જહાંગીરે તેને બહુ મોટી રકમ ભેટ આપી. એટલે ગ્રેટ બ્રિટન ગયા પછી ફોર્જેટે ૨૬ એકર જેટલી જમીન ખરીદી. તેના પર બાંધવાના મકાનનો નકશો પોતે બનાવ્યો અને એ પ્રમાણે જે ભવ્ય ઈમારત ઊભી થઈ તેને નામ આપ્યું ‘કાવસજી જહાંગીર હોલ.’ તેણે બંધાવેલી ઈમારતમાં ભારતીય સ્થાપત્યનાં ઘણાં લક્ષણો જોવા મળતાં હતાં. ૧૮૯૦ના જાન્યુઆરીની ૨૭મી તારીખે લંડનમાં ફોર્જેટનું અવસાન થયું. 

મુંબઈની ફોર્જેટ સ્ટ્રીટ પર આંટો મારવા આપણે નીકળેલા. અને પહોંચી ગયા છેક લંડન. 

હવે? ન જાણ્યું જાનકી નાથે … તો આપણે તે વળી કોણ જાણનારા?

e.mail `; deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 ફેબ્રુઆરી 2026

Loading

21 February 2026 Vipool Kalyani
← સોનમ વાંગચુકનો ગુનો શો છે : લોક-સહભાગિતા માંગવી એ?
યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા →

Search by

Opinion

  • સોનમ વાંગચુકનો ગુનો શો છે : લોક-સહભાગિતા માંગવી એ?
  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved