Opinion Magazine
Number of visits: 9656139
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—327 

દીપક મહેતા|Opinion - Opinion|7 February 2026

મુંબઈ પોલીસના કમિશનર ફોર્જેટે ક્વીન્સ રોડ પર વહેલી સવારે વાઘ માર્યો!    

બ્રિટનની નેશનલ પોર્ટ્રેટ ગેલેરીમાં નસરવાનજી શેઠનું ચિત્ર 

આપણી ભાષામાં એક કહેતી છે : ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી.’ પણ આજે આ કહેતી સંભારવાનું કંઈ કારણ? યાદ છે, પ્રિય વાચક, ગયા શનિવારે આપણે છૂટા પડ્યા ત્યારે ક્યાં ઊભેલા હૂતા? નસરવાનજી માણેકજી પિતીતના બાવલા પાસે. એ બાવલા નીચે તો નાલ્લી તકતી ચોડેલી છે, જેમાં એવનનાં જનમ-મરણની તારીખ આપી છે અને બે-ચાર સોજ્જા બોલ લખિયા છે. ચાલો, જઈએ ગુગલદેવ કને. ગિયા. ૧૯૬૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગંગા જમના’માં લતા મંગેશકરે ગાયેલું, વૈજયંતીમાલા પર ફિલ્માવાયેલું પેલું ગીત યાદ આવી જાય: ‘ઢુંઢો, ઢુંઢો રે સાજના ઢુંઢો, મોરે કાન કા બાલા.’ ગુગલ દેવ પાસેથી માંડ પાંચ-દસ લીટી મલે. ગ્રેટ બ્રિટનની નેશનલ પોરટ્રેટ ગેલેરીમાં P. Vuccinoએ ૧૮૮૯માં તૈયાર કીધેલું પોરટ્રેટ છે, પણ નસરવાનજી શેઠ અંગેની કોઈ બી બાબત સાથે લખેલી નથી. રવિ અને કવિ કનેથી ખાલી હાથ આયા. હવે પૂછીએ અનુભવીને, ‘પારસી પ્રકાશ’ને. તેના ત્રણ ભાગ. દરેકનાં પાનાં આશરે હજાર-હજાર. એ બી મેગેઝીન સાઈઝનાં, ડબલ કોલમમાં ઝીના ટાઈપથી છાપેલાં. કમ્પ્યુટરની મદદ વગરના જમાનામાં દરેક ભાગમાં છેવટે આપેલી સૂચી કહેતાં ઇનડેક્સ માણેકજી પટેલે કઈ રીતે બનાવી હોસે તે તો ખોદાયજી જાને! પન એ ઇન્ડેક્સની મદદથી જઈએ ત્રીજા ભાગના પાના ૩૮૭-૩૮૮ ઉપર. અને વાંચીએ : ૧૮૯૧ના નવેમ્બર મહિનાની ૨૧મી તારીખે પુણેમાં નસરવાનજી શેઠ બેહસ્ત નશીન થીયા. તે વારે તેઓની ઉંમર ૬૫ વરસની હતી. તેઓ હુતા મુંબઈના એક નામચીન મિલ માલિક, વેપારી, મોટ્ટા સખાવતી. મુંબઈની પારસી પંચાયતને એ જમાનામાં ૭૫ હજાર રૂપિયાની દેણગી. ૧૮૮૮માં એવનના એક માત્ર બેટા જમશેદજી નાલ્લી વયમાં બેહસ્તનશીન થીયા તે વારે જબરો ઘા લાગીઓ. બેટાની યાદમાં, તેના ઉઠામણાના દિવસે રૂપિયા ૯,૭૫,૦૦૦ની સખાવત જાહેર કીધી. (આય, જમશેદજી એટલે ‘માહારી મજેહ’ નામની કવિતાની મોટ્ટી ચોપરી અને બે ભાગમાં દળદાર ‘કહેવત માળા’ના બનાવનાર. એવનની બાબતે આપરે અગાઉ લંબાણથી વાત કીધેલી છે એટલે ફરી નહિ કરીએ.) એ રકમમાંથી મુંબઈમાં ‘જમશેદજી નસરવાનજી પિતીત પારસી ઓર્ફનેજ’ ઊભું થિયું. આપરા આય મુંબઈમાં ફ્લોરા ફાઉન્ટન નજીક ઊભેલી જે.એન. પિતીત લાઈબ્રેરી બી નસરવાનજી શેઠની સખાવતનું ફરજંદ. બેહસ્ત નશીન થયેલો બેટો જમશેદજી હૂતો ચોપરીનો કીડો. એટલે અગાઉની એક ખખડધજ લાઈબ્રેરીને ટેકો આપીને બેઠી કીધી, નામ બી બદલાયું, જે.એન પિતીત લાઈબ્રેરી થિયું. 

૧૯મી સદીમાં ક્વીન્સ રોડ (રંગપૂરણી પાછળથી કરેલી છે)

પણ હવે નસરવાનજીને આરામથી ઊભા રહેવા દઈએ, અને પાછા જઈએ પોલીસ કમિશનર ફોર્જેટ પાસે. આજે તો દરિયો ખાસ્સો દૂર ગયો છે. પણ એક જમાનામાં ક્વીન્સ રોડ પછી BBCI રેલવેના પાટા, પછી લીલા ઘાંસવાળી જમીનનો પટ્ટો, અને પછી ઘૂઘવે દરિયો. આજના મરીન લાઈન્સ સ્ટેશનની લગભગ સામે, ક્વીન્સ રોડ પર બીજી બાજુએ, સોનાપુર – હિંદુ સ્મશાનભૂમિ. એ આજે પણ ત્યાં જ છે. એ વખતે આખો વિસ્તાર જંગલ જેવો. એક દિવસ સવારે બોમ્બે પોલીસનો એક સિપાઈ સ્મશાનની બહાર, રસ્તા પર ‘નિગરાણી’ રાખી રહ્યો હતો. એકાએક તેની નજર ગઈ, તો સામે, થોડે દૂર ઊભેલો એક વાઘ. જી, હા. ક્વીન્સ રોડ પર વાઘ. સિપાઈ પાસે હથિયારમાં ફક્ત એક લાકડી. વાઘ સિપાઈ પર હુમલો કરશે, હમણાં. એ જ વખતે બોમ્બે પોલીસના વડા ફોર્જેટનું ત્યાંથી પસાર થવું. સવારે ચાલવા નીકળ્યા હતા, એટલે બંદૂક તો તેમની પાસે પણ નહોતી. પણ કેડે ધારદાર કટારી ખોસેલી હતી. ઝાઝો વિચાર કર્યા વગર કૂદી પડ્યા વાઘ પર. પણ વાઘને થોડી જ ખબર હતી કે સામે ઊભેલો માણસ તો છે મુંબઈ શહેરનો પોલીસ કમિશનર! એ હવામાં કૂદ્યો. નીચે આવ્યો તેવો ફોર્જેટની કટારી તેની છાતીમાં. વાઘ વીફર્યો. પણ તરત કટારીનો બીજો ઘા. હા, વાઘના નખના ઉઝરડા તો ફોર્જેટના શરીર પર થયા. પણ ત્રીજે ઘાએ વાઘ થયો રામશરણ. બીજે દિવસે મુંબઈનાં લગભગ બધાં છાપામાં સમાચાર છપાયા કે પોલીસ કમિશનર ફોર્જેટે વાઘ માર્યો! કેમ ન છપાય? આજના મિનિસ્ટર કરતાં ય વધારે, એ વખતે પોલીસ કમિશનરનો રૂઆબ હતો – આગળ-પાછળ લાલ લાઈટવાળી જીપ વગર પણ!

મુંબઈના અંગ્રેજી અખબારમાં સમાચાર: ફોર્જેટે વાઘ માર્યો 

૧૮૫૭નું વરસ. પૂર્વમાં કલકત્તા, ઉત્તરમાં મેરઠ અને દેશના બીજા ભાગોમાંથી રોજેરોજ ‘બળવો આજે થશે કે કાલે’ એવા સમાચાર સતત આવ્યા કરતા હતા. એમાં વળી ગોરા લશ્કરના કેટલાક અમલદારોને વહેમ આવ્યો કે મુંબઈના અત્યંત પ્રતિષ્ઠિત રહેવાસી, નામદાર જગન્નાથ શંકરશેઠ (૧૮૦૪-૧૮૬૫) બળવા સાથે સંકળાયેલા લોકોને આશરો આપી રહ્યા છે. કેટલાક બ્રિટિશ લશ્કરી અફસરોનું કહેવું હતું કે સરકારે તાબડતોબ તેમની ધરપકડ કરવી જોઇએ. પણ તે વખતના ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન આ વાત માનવા તૈયાર નહિ. પણ ગોરા લશ્કરી અફસરોનું દબાણ વધતું ચાલ્યું. ગવર્નરે ફોર્જેટને બોલાવીને કહ્યું કે તમે જાતે તપાસ કરીને મને જણાવો કે આ વાત સાચી છે કે નહિ. ગીરગામ રોડ પર જગન્નાથ શંકરશેઠનો મોટ્ટો વાડો, કહેતાં બંગલો. તેની પાછળના ભાગમાં હતી તેમણે જ બંધાવેલી મોટી ધરમશાળા. મુંબઈ ઈલાકાના જ નહિ, પણ પર પ્રાંતના સાધુ-બાવા, નાના-મોટા વેપારીઓ, નોકરિયાતો, ભીખારીઓ, અને ક્યારેક હિંદુ સૈનિકો પણ મુંબઈ આવે ત્યારે આ ધરમશાળામાં ઊતરે. રાતે નવરા પડે ત્યારે ઓટલે બેસી અલકમલકની વાતો કરે. તેમાં ક્યારેક બળવા અંગે પણ વાતો થાય. એમાં વળી શહેરમાં અફવા ફેલાઈ કે જગન્નાથ શંકરશેઠ અને નાના સાહેબ પેશ્વા વચ્ચે કૈંક રંધાઈ રહ્યું છે. હવે તપાસ કર્યા વગર છૂટકો નહોતો. ફોર્જેટે પોતાના એક ખાસ વિશ્વાસુ બ્રાહ્મણને ભિખારીના વેશે એ ધરમશાળામાં ગોઠવી દીધો. રાતે બધા વાતો કરે ત્યારે એક ખૂણામાં બેસીને એ બધી વાતો સાંભળે. ત્રણ-ચાર દિવસ આ રીતે માહિતી મેળવ્યા પછી ગવર્નરને મળીને ફોર્જેટે કહ્યું કે જગન્નાથ શંકરશેઠને બળવાખોરો સાથે તસુભાર જેટલો ય સંબંધ નથી. અને ગવર્નરે તેમની વાત સ્વીકારી લીધી અને લશ્કરના ગોરા અધિકારીઓને બોલાવીને કહ્યું કે જગન્નાથ શંકરશેઠ પર શંકા રાખવાનું કોઈ જ કારણ નથી. 

નામદાર જગન્નાથ શંકરશેઠ

લશ્કરના ગોરા અધિકારીઓ અને ફોર્જેટ વચ્ચે બીજી એક બાબતમાં પણ મતભેદ હતો. લશ્કરના અધિકારીઓ માનતા કે મોહરમ કે દિવાળીના દિવસો દરમ્યાન મુંબઈના કોટમાં રહેતા ‘દેશીઓ’ બળવો કરશે. અને એટલે કોટ વિસ્તારમાં તેમણે લશ્કરનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો હતો. પણ ફોર્જેટ માનતા કે જો મુંબઈમાં બળવો થશે, તો ય એમાં લોકો પહેલ નહિ લે. પણ અંગ્રેજ લશ્કરના ‘દેશી’ સૈનિકો પહેલ કરશે. એ વખતે મુંબઈમાં ‘દેશી’ સૈનિકોની ત્રણ રેજિમેન્ટ, અને ગોરા સૈનિકોની એક. તેમાં ચાર સો સૈનિકો. ‘દેશી’ સૈનિકોની સંખ્યા ઘણી વધારે. મુંબઈમાંના સૈનિકોનો વડો બ્રિગેડિયર શોર્ટ ગવર્નરને કહેતો કે મુંબઈમાં ધાક બેસાડવા થોડા ‘દેશીઓ’ની ધરપકડ કરાવો. પણ ફોર્જેટના મનમાં પાકી ખાતરી કે જો મુંબઈમાં બળવો થશે તો તેની શરૂઆત દેશી સૈનિકો કરશે, મુંબઈના પ્રજાજનો નહિ. એટલે તેણે ગવર્નરને ખાનગી પત્ર લખીને પોતાનો અભિપ્રાય જણાવ્યો અને થોડા ‘દેશી’ આગેવાનોને પકડવાની લશ્કરની વાત માનવાની ના પાડી. તેણે કહ્યું કે હા, એક વાર દેશી સૈનિકો શરૂઆત કરે તો પછી થોડા દેશી લોકો તેમાં જોડાય એવું બની શકે. એ વખતે મુંબઈ પોલીસમાં ફક્ત ૬૦ અંગેજ અધિકારીઓ હતા. બાકીના બધા ‘દેશી.’ કાનપુરમાં બળવા દરમ્યાન જે બન્યું તે જાણ્યા પછી ફોર્જેટે ગવર્નરની સંમતિથી મુંબઈ પોલીસમાં પચાસ ગોરા ઘોડેસવાર અફસરોની નિમણૂક કરી. ત્યારે લશ્કરના વડાએ કહ્યું કે તહેવારો દરમ્યાન બોમ્બે પોલીસે પોતાના ગોરા અમલદારોને શહેરમાં ઠેર ઠેર ગોઠવી દેવા જોઈએ. ફોર્જેટે કહ્યું કે હું મારા બધા ગોરા અફસરોને ગોઠવી દઈશ ખરો. પણ શહેરમાં નહિ, દેશી સૈનિકોની બેરેકસની આસપાસ. ગવર્નર કહે કે આવા વખતમાં લશ્કરના હુકમનો અનાદર કરવો એ બહુ જ જોખમી પગલું ગણાય. પણ મને તમારા પર પૂરો ભરોસો છે એટલે તમને યોગ્ય લાગે તેમ કરો. ગોરા લશ્કરના વડાએ શહેરમાં ઠેર ઠેર પોતાના સૈનિકોને ગોઠવી દીધા, પણ ફોર્જેટે નહિ. તેણે પોતાના ગોરા અફસરોને ‘દેશી’ સૈનિકોની બરાકની આસપાસ ગોઠવ્યા. 

બીજી બાજુ હિંદુ અને મુસલમાન નાગરિકોની સભાઓ ગોઠવીને તેમને જણાવ્યું કે જો કોઈ ‘દેશી’ પર સરકારને વહેમ પણ જશે, તો તેનું આવી બનશે. બીજી બાજુ તહેવારો દરમ્યાન ફોર્જેટ પોતે છૂપા વેશે શહેરમાં ફરતો રહ્યો. ક્યાંક પણ લાગે કે કોઈ માણસ પૂર્વ અને ઉત્તરના બળવાખોરોની તરફેણમાં બોલે છે તો તરત જ બોમ્બે પોલીસ તેમની ધરપકડ કરી લેતી. એ માટે બોમ્બે પોલીસના ત્રણ-ચાર દેશી અધિકારીઓ પણ સતત છૂપા વેશે ફોર્જેટની સાથે રહેતા. ફોર્જેટ થોડીક અમથી વ્હીસલ વગાડે એ ભેગા પ્રગટ થઈ ધરપકડ કરતા. 

અને થોડા જ દિવસમાં ફોર્જેટ ધારતા હતા તેવું જ થયું. એસપ્લનેડ પરની દેશી સૈનિકોની છાવણીમાંના તંબુઓમાંથી બહાર નીકળીને ઢગલાબંધ ‘દેશી’ સૈનિકો રસ્તા પર ઊતરી આવ્યા. આ ખબર મળતાં જ ફોર્જેટે પોતાનો ઘોડો દોડાવ્યો. પોતાના તાબા હેઠળના મિસ્ટર એડગિન્ટન અને બીજા ગોરા પોલીસોને કહ્યું કે બનતી ઝડપથી તમે પણ ત્યાં પહોંચજો. ફોર્જેટે જઈને જોયું તો દેશી સૈનિકોનાં ટોળાં બેકાબૂ બન્યાં હતાં અને છાવણીની આસપાસનો ગોરા સૈનિકોનો પહેરો તોડીને બહાર રસ્તા પર ઊતરી આવવા મથતા હતા. જે થોડા ગોરા સૈનિકો હતા તે પોતાની તલવારો ઉગામીને તેમને રોકવાનો પ્રયત્ન કરતા હતા. ફોર્જેટને આવેલા જોઈ દેશી સૈનિકોએ બૂમો પાડી કહ્યું : મિસ્ટર ફોર્જેટ! તમે તાબડતોબ અહીંથી ચાલ્યા જાવ. ફોર્જેટે જવાબ આપ્યો. જો તમે બધા બળવો કરવા માગતા હો તો હું અહીંથી તસુભાર પણ ખસીશ નહિ. મારો જીવ જાય તો ભલે જાય. અને પછી તેમને ધમકી આપનાર ‘દેશી’ સૈનિકોની વધુ નજીક પોતાના ઘોડાને લઈ ગયા. ગોરા સૈનિકોને કહ્યું : ‘દરવાજા ખોલી નાખો. તેમને બહાર આવવા દો. હું તેમને પહોંચી વળીશ.’ આ સાંભળી ‘દેશી’ સૈનિકો ડઘાઈ ગયા. અને ધીમે ધીમે પોતાની છાવણીમાં પાછા જવા લાગ્યા. અને હા, આ કિસ્સો કલ્પિત નથી જ. Gazetteer of Bombay City and Islandના બીજા ભાગનાં પાનાં ૧૫૮-૧૫૯ પર તે નોંધાયેલો છે. હા, પછી ફોર્જેટે જે કર્યું – કે તેને કરવું પડ્યું – તે આજે આપણને ન ગમે. પણ આપણા ગમા-અણગમા પણ બદલાતા વખત સાથે બદલાતા રહે છે. પણ એ અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 ફેબ્રુઆરી 2026

Loading

7 February 2026 Vipool Kalyani
← માતૃભક્ત મન્જિરો

Search by

Opinion

  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ
  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved