Opinion Magazine
Number of visits: 9624753
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—325

દીપક મહેતા|Opinion - Opinion|24 January 2026

મુંબઈ પોલીસના બદલાતા રંગ : લાલ, પીળો ને વાદળી, અને છેવટે ખાખી   

અદાલતની બહાર, મુંબઈ પોલીસ નાના-મોટા ગુનેગારો સાથે જે રીતે કામ પાર પાડતી હતી તેનાથી નારાજ રહેતા સર મેકિનટોશે ૧૮૧૧માં જે દરખાસ્ત સરકારને મોકલી આપી તેને આધાર તરીકે સ્વીકારીને મુંબઈ સરકારે ૧૮૧૨માં Rule, Ordinance and Regulation no.1 of 1812ની જાહેરાત કરી. ત્યાર બાદ છેક ૧૮૫૬ સુધી મુંબઈ પોલીસ મુખ્યત્વે એ નીતિ-નિયમોને આધારે કામ કરતી રહી. આ નિયમોને અનુસરીને ત્રણ ‘મેજિસ્ટ્રેટ ઓફ પોલીસની નિમણૂક કરવામાં આવી. ૧. કોટ વિસ્તાર માટે, જે સિનિયર મેજિસ્ટ્રેટ તરીકે ઓળખાતો. ૨. કોટની બહારના મઝગાંવ અને બ્રીચ કેન્ડી સુધીના વિસ્તારો માટે ૩. માહિમમાં ઓફીસ ધરાવતો ત્રીજો મેજિસ્ટ્રેટ બાકીના બધા વિસ્તારો માટે. એ વખતે મુંબઈ શહેરની હદ માહિમ સુધી જ હતી. આ ત્રણેનો પગાર હતો મહીને રૂપિયા ૫૦૦. દરે મેજિસ્ટ્રેટ ઓફ પોલીસની ઓફિસમાં નીચે પ્રમાણેનો સ્ટાફ :

પ્રભુ (ક્લાર્ક) પગાર મહીને રૂપિયા ૫૦, કાજી રૂ. ૮, ભટ (બ્રાહ્મણ) રૂ. ૮, રબી (યહૂદી) રૂ. ૧૨, પારસી મોબેદ રૂ. ૬, બે કોન્સ્ટેબલ દરેકને રૂ. ૯, બે હવાલદાર, દરેકને રૂ. ૮, ચાર પટાવાળા, દરેકને રૂ. ૬. કોણ જાણે કેમ પણ ૧૮૧૨માં પહેલા બે મેજિસ્ટ્રેટ ઓફ પોલીસની નિમણૂક થઈ. ત્રીજા (જેની ઓફિસ માહિમમાં હતી તેની નિમણૂક છેક ૧૮૩૦માં થઈ! આ ઉપરાંત મુંબઈગરાઓની દરેક મુખ્ય જ્ઞાતિનો એક-એક મુકાદમ નીમવામાં આવતો. તેનું કામ અંગ્રેજ અફસરોને જે-તે જ્ઞાતિનાં ધારાધોરણ, બંધનો, પરંપરા વગેરે સમજાવવાનું રહેતું. આખા મુંબઈની પોલીસ પાછળ સરકાર દર વરસે ૨૭,૨૦૪ રૂપિયા ખરચતી. આ ઉપરાંત દર વરસે હવાલદાર અને પટાવાળાના યુનિફોર્મ પાછળ ૧૪૨૫ રૂપિયાનો અને સ્ટેશનરી પાછળ બે હજાર ખર્ચાતા. અણધાર્યા ખરચને પહોંચી વળવા માટે દર વરસે ૮૮૮ રૂપિયાની જોગવાઈ કરવામાં આવતી. 

પોલીસ સ્ટેશનમાં કાજી, ભટ, રબી, મોબેદ, વગેરેની નિમણૂક શા માટે, એવો સવાલ સુજ્ઞ વાચકના મનમાં જરૂર ઊઠ્યો હશે. આ નિમણૂકો જેરાલ્ડ ઓન્ગીયારે શરૂ કરેલી પ્રથાને આભારી. તેમણે ‘દેશી’ લોકોના અંદર અંદરના ઝગડા અંગેના ચૂકાદા આપતી વખતે સ્થાનિક પરંપરાને ધ્યાનમાં રાખવાનું ઠરાવ્યું અને એ માટે દરેક જાતિ-જ્ઞાતિના પુરુષોના જ્ઞાતિવાર પંચ બનાવેલાં. વખત જતાં તે કામ માટે મુખ્ય ધર્મના એક-એક પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવી. આ પ્રથા ૧૮૬૨ સુધી ચાલુ રહી હતી. અલબત્ત, તેમની સલાહ માત્ર સિવિલ કેસમાં જ લેવાતી. બધા જ ક્રિમિનલ કેસમાં બ્રિટિશ કાનૂન લાગુ પડતો.

આ ત્રણ પોલીસ સ્ટેશન ઉપરાંત ‘મરીન પોલીસ’ની અલગ શાખા હતી. દરિયા કિનારે અને બંદરમાં થતા ગુનાઓ મરીન પોલીસના તાબામાં હતા. નાંગરેલાં વહાણમાંથી કે બંદરના ધક્કા પરથી થતી નાની-મોટી ચોરી, ઝગડા ઉપરાંત એક ખાસ પ્રકારનો ગુનો એ વખતે પ્રચલિત હતો. ઘણી વાર વેપારીઓ મોડી રાતે વહાણમાંનો બધો સામાન ઉતારી લીધા પછી વહાણને આગ ચાંપી દેતા! પણ કેમ? વીમા કંપની પાસેથી ‘આગમાં બળી ગયેલા’ માલનું વળતર મેળવવા! 

એ વખતે આખા શહેરમાં ગમે ત્યાં રાતને વખતે હથિયારબંધ ધાડપાડુઓ ત્રાટકતા અને જાન-માલની ખુવારી કરતા. આ ઉપરાંત નાની-મોટી ચોરીઓ તો લગભગ રોજ થતી. એટલે જેમની પાસે ગુમાવવા જેવું થોડું ઘણું પણ હોય તેઓ પોલીસ પર આધાર રાખવાને બદલે પોતાનો અલગ ‘ભૈયો’ રાખતા. જો કે તેની પાસે હથિયારમાં માત્ર એક લાઠી રહેતી. આ ‘ભૈયા’ તે આજની સોસાયટીઓમાં જોવા મળતી જડબેસલાખ ‘સિક્યોરીટી ગાર્ડઝ’ના વડવાઓ. 

૧૮૨૪માં રેકોર્ડર્સ કોર્ટ નાબૂદ કરીને તેને સ્થાને ‘સુપ્રીમ કોર્ટ’ની સ્થાપના મુંબઈ, કલકત્તા, અને મદ્રાસમાં કરવામાં આવી. ફરી ૧૮૬૨માં આ ‘સુપ્રીમ કોર્ટ’ની જગ્યા ત્રણ હાઈ કોર્ટે લીધી. આ ત્રણે હાઈ કોર્ટની સ્થાપના બ્રિટિશ પાર્લામેન્ટના કાયદા દ્વારા નહિ, પણ ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ બહાર પાડેલા ઢંઢેરાથી થઈ હતી. અને એટલે જ આજ સુધી બોમ્બે, કલકત્તા અને મદ્રાસ હાઈ કોર્ટનાં નામ બદલી શકાયાં નથી. 

જેને માટે એક જમાનામાં આપણાં છાપાં ‘હુલ્લડ’ શબ્દ વાપરતાં તે પહેલી વાર ૧૮૩૨માં થયું હતું, અને કહેવાય છે કે તેની શરૂઆત પારસીઓએ કરી હતી! હજી આજે પણ રસ્તે રખડતા કૂતરા અંગેના કેસ છેક દિલ્હીની સુપ્રીમ કોર્ટ સુધી જાય છે. આજના મુંબઈમાં છે તેના કરતાં એ વખતે રસ્તે રખડતા કૂતરાનો ત્રાસ ઘણો વધારે હતો. એટલે એવા કૂતરાને પકડી લાવે તેને કૂતરા દીઠ આઠ આના(આજના પચાસ પૈસા)નું ઇનામ આપવાની જાહેરાત સરકારે કરી. તેનાથી લલચાઈને કેટલાક લોકો ઘરના આંગણામાંથી પણ કૂતરા ઉપાડી જવા લાગ્યા. તેમાં એક દિવસ બે અંગ્રેજ કોન્સ્ટેબલ એક કૂતરાને એક પારસીના ઘરમાંથી ઉપાડી ગયા અને ઘરથી થોડે દૂર લઈ જઈને તેને મારી નાખ્યો. કોટ વિસ્તારમાં ખબર ફેલાઈ જતાં પારસી, જૈન, હિંદુ લોકોનાં ટોળાં ભેગાં થયાં અને પેલા બે ગોરા કોન્સ્ટેબલને ઘેરીને તેમના પર હુમલો કર્યો. બીજે દિવસે આખા શહેરમાં હડતાલ પડી અને લોકોનાં નાનાં મોટાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં. બ્રિટિશ સૈનિકો માટેની ખાધાખોરાકીની વસ્તુઓ અને બીજો સામાન કોટમાં એક ‘સ્ટોર’(કોઠાર)માં રાખવામાં આવતો. લોકોનાં ટોળાંએ આ કોઠારને આગ ચાંપીને બધો માલસામાન બાળી નાખ્યો. પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે એમ લાગ્યું, ત્યારે બ્રિટિશ સૈનિકોની ટુકડીઓને મામલો સોંપી દેવાયો. ત્યાર બાદ થોડા વખતમાં પરિસ્થિતિ થાળે પડી. 

ગેસનો દીવો 

એ અરસાના ‘બોમ્બે કુરિયર’ નામના અંગ્રેજી અખબારે નોંધ્યું હતું કે મુંબઈમાં નાના-મોટા ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને ગીરગાંવ, મઝગાંવ, ભાયખળા, વગેરે વિસ્તારમાં રાતને વખતે હાથમાં તલવાર અને બંદૂક જેવાં હથિયારો અને મશાલો લઈને લૂંટારું ટોળીઓ ત્રાટકે છે. એટલું જ નહિ, ચોરી કર્યા પછી એ ઘરને મશાલ વડે આગ ચાંપી દે છે. આવા ચોર-લૂંટારાને પોલીસની સહેજ પણ બીક હોતી નથી. ઘણી વાર તો પોલીસ પોતે જ આવી ટોળીઓ સાથે ભળેલી હોય છે! આ રીતે ચોરો કે ધાડપાડુઓ સાથે મળી ગયેલા બે પોલીસને પકડવાનો હુકમ મેજિસ્ટ્રેટે આપ્યો ત્યારે બીજા પોલીસોએ એ મેજિસ્ટ્રેટ પર જ લાઠીઓ વડે હુમલો કર્યો! સમાચારને અંતે એ છાપાએ લખ્યું કે જો બધા પોલીસોને તડીપાર કરવામાં આવે તો મુંબઈના લોકો કદાચ વધુ સલામત રહેશે! આ રીતે મેજિસ્ટ્રેટ પર પોલીસોએ જ હુમલો કર્યો તે પછી સરકારે પૂનાથી અર્ધ-લશ્કરી જવાનોને બોલાવીને શહેરમાં રાત્રે પેટ્રોલિંગ કરવાનું કામ તેમને સોંપી દીધું હતું! થોડા વખત પછી મુંબઈ પોલીસ અંગેના ખર્ચમાં સરકારે વરસે દસ હજાર રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. પણ મુંબઈમાં ગૂનાખોરીનું પ્રમાણ ઘટવા લાગ્યું તે ૧૮૪૩થી. ના. પોલીસને કારણે નહિ. એ સાલમાં મુખ્ય રસ્તાઓ પર તેલના દીવા મૂકવામાં આવ્યા. રોજ સાંજને વખતે આ દીવામાં તેલ પૂરીને તેને સળગાવવામાં આવતા. જેટલું તેલ પૂરાતું તે લગભગ મધરાત સુધી ચાલતું પછી ૧૮૬૫ના ઓક્ટોબરમાં મુખ્ય રસ્તાઓ પર ગેસના દીવા મૂકવામાં આવ્યા. ગેસના પહેલવહેલા દીવા એસ્પ્લનેડ રોડ (આજનો મહાત્મા ગાંધી રોડ) અને ભીંડી બજારમાં મૂકાયા. આ દીવા આખી રાત ચાલુ રહેતા. આ સગવડ વધતી ગઈ તેમ મુંબઈમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટતું ગયું.

મુંબઈ પોલીસના બદલાતા રંગ

હવે થોડી વાત બોમ્બે પોલીસના યુનિફોર્મ વિષે. ગવર્નર આંગીઆરના શાસનકાળ દરમ્યાન પહેલી વાર વ્યવસ્થિત પોલીસદળ બનાવવામાં આવ્યું ત્યારે પોલીસના સિપાઈઓનો યુનિફોર્મ લાલ ભડક રંગનો હતો. લાંબી બાંયનો કોટ, તેના પર કાળો પટ્ટો, ઘૂંટણની નીચે સુધી પહોંચતું એ જ રંગનું હાફ પેન્ટ, પગ પર કાળા રંગનો પટ્ટો વીંટાળેલો, પગમાં સફેદ સેન્ડલ, અને માથે કાળા રંગની લાંબી ટોપી. પછીથી તેમાં થોડો ફેરફાર થયો. લાંબી ટોપી અગવડભરી જણાતાં તેને બદલે કાળો ફેંટો, કાળા પટ્ટાને બદલે સફેદ કમરબંધ, સેન્ડલને બદલે બૂટ. પછી ૧૮૧૨માં જે યુનિફોર્મ અપનાવાયો તે દેશને આઝાદી મળી તે પછી પણ થોડાં વરસ ચાલુ રહ્યો. માથા પરની ચપટી પીળી ગોળ ટોપી. કોટ અને હાફ પેન્ટ, બંને ડાર્ક બ્લૂ કલરનાં. પગમાં કાળાં સેન્ડલ. કમરે બાંધેલા પટ્ટામાં ખોસેલો લાકડાનો દંડૂકો. 

આઝાદી માટેની લડત દરમ્યાન પોલીસની પીળી ટોપી એ અંગ્રેજ રાજસત્તાનું અને તેના દમનનું પ્રતિક બની ગઈ હતી. એટલે સૌથી પહેલાં એ દૂર કરવામાં આવી. ૧૯૪૮ના જુલાઈની વીસમી તારીખથી એ પીળી ટોપી દૂર થઈ અને તેની જગ્યા લીધી ડાર્ક બ્લૂ કલરની સર્વિસ કેપે. યુનિફોર્મનો ડાર્ક બ્લૂ કલર છેક ૧૯૭૮ સુધી ચાલુ રહ્યો. એ વરસે ખાખી રંગનો નવો યુનિફોર્મ દાખલ થયો. પણ જેમને એ ન પહેરવો હોય તેમને જૂનો ડાર્ક બ્લૂ યુનિફોર્મ પહેરવાની છૂટ આપવામાં આવી. ૧૯૮૧ના ઓક્ટોબરમાં એ છૂટ પાછી ખેંચી લેવામાં આવી અને ખાખી યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યો. સ્ત્રી પોલીસને ખાખી સાડી-બ્લાઉઝ પહેરવાનો વિકલ્પ આપવામાં આવ્યો. 

મુંબઈ રાજ્યના પહેલા ચીફ મિનિસ્ટર બી. જી. ખેર 

મુંબઈ પોલીસમાં સ્ત્રીઓની ભરતી કરવાની શરૂઆત ક્યારે થઈ? ૧૯૩૯માં. કેમ? ૧૯૩૭માં લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની યોજના દ્વારા પહેલી વાર સામાન્ય ચૂંટણી થઈ. તેમાં કાઁગ્રેસને બહુમતી મળતાં તેણે બી.જી. ખેરને મુંબઈ રાજ્યના વડા પ્રધાન તરીકે પસંદ કર્યા. (એ વખતે બોમ્બે, કલકત્તા, અને મદ્રાસની સરકારોના વડા પ્રાઈમ મિનિસ્ટર તરીકે ઓળખાતા.) તેમની સરકારે મુંબઈ શહેરમાં દારૂબંધી દાખલ કરી. પણ દારૂનો ધંધો કરનારા કાંઈ ગાંજ્યા જાય એવા નહોતા. તેમણે દારૂની હેરાફેરી માટે સ્ત્રીઓનો ઉપયોગ શરૂ કર્યો. કારણ કોઈ પુરુષ પોલીસ સ્ત્રીની જડતી લઈ ન શકે. એ માટે નજીકની સરકારી હોસ્પિટલમાંથી નર્સને બોલાવવી પડતી. એટલે મુંબઈ બહારના થાણા જેવા વિસ્તારોમાંથી રોજે રોજ કેટલીયે ‘સગર્ભા’ સ્ત્રીઓ મુંબઈ આવવા લાગી. તેમની સંખ્યા વધતી ચાલી. પોલીસે નોંધ્યું કે આ જ સ્ત્રીઓ જ્યારે પાછી ફરતી ત્યારે ‘સગર્ભા’ રહેતી નહિ. પોલીસને ખાતરી થઈ કે આ સ્ત્રીઓનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થાય છે. મુંબઈ પોલીસે ખાસ ‘પ્રોહીબિશન બ્રાંચ (જે X બ્રાંચ તરીકે ઓળખાતી) શરૂ કરી અને તેમાં ૨૧ સ્ત્રી કોન્સ્ટેબલની ભરતી કરી. તેમનું એકમાત્ર કામ શંકાસ્પદ લાગતી ‘સગર્ભા’ સ્ત્રીઓની જડતી લેવાનું હતું. તેમનો યુનિફોર્મ હતો કાળી સાડી અને કાળું બ્લાઉઝ. પણ પછી ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ લડતમાં સ્ત્રીઓએ ઘણી મોટી સંખ્યામાં ભાગ લીધો ત્યારે પોલીસ દળમાં ઘણી વધુ સ્ત્રીઓની ભરતી થઈ અને તેમનું કામ માત્ર ‘સગર્ભા’ સ્ત્રીઓની જડતી લેવાનું ન રહ્યું. 

બોમ્બે પોલીસ પુરાણનો વધુ એક અધ્યાય હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX   

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 24 જાન્યુઆરી 2026

Loading

24 January 2026 Vipool Kalyani
← ભારતીય સંવિધાનના અમલના લેખા-જોખા 

Search by

Opinion

  • ભારતીય સંવિધાનના અમલના લેખા-જોખા 
  • મતદાર યાદી સુધારણા : માંગે છે ફેરવિચારણા !
  • તેઓ ભલે ને મીઠું પકવતા, એથી શું : અગરિયાનાં છોકરાંને વળી ભણવું શું 
  • સહસ્રલિંગનું પવિત્ર તર્પણ : વીર મેઘમાયા
  • એક પંડિત પત્રકાર વિશેનો સ્મૃતિગ્રંથ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved