આજે આપણે બધાએ જવાનું છે મુંબઈની કંપની સરકારની જેલમાં
મુંબઈની જેલોની વાત કર્યા પછી ગુનેગારોને થતી સજાઓની થોડી વાત.
૪ મે ૧૮૦૧ : આર્થર ફોર્બ્સ મિશેલ, બાવીસ વરસનો આશાસ્પદ યુવાન. ૧૯ વરસનો હતો ત્યારે મલબારમાં હતો. સરકારને અને ત્યાંના અંગ્રેજોને ઘણી રીતે મદદરૂપ થતો. પછી એ જમાનાની ખૂબ જાણીતી ફોર્બ્સ એન્ડ કંપનીમાં ભાગીદાર બનીને મુંબઈ આવ્યો. જ્યોર્જ બ્રિજિસ બેલાસિસ નામના લશ્કરના લેફ્ટનન્ટે તેનું ખૂન કર્યું. તેના પરનો ખટલો લશ્કરી અદાલતમાં ચાલ્યો. ૧૪ વરસ માટે તડીપાર થયો. એ વખતે તડી પાર થયેલા બ્રિટિશ ગુનેગારોને પૂર્વ ઓસ્ટ્રેલિયા મોકલી દેતા. પણ બેલાસિસની પહોંચ ઠેઠ બ્રિટિશ રાજના તાજ સુધી. તેની પત્ની રૂપ રૂપનો અંબાર. ‘મિસ કિંગ’ બનેલી. બંને પતિપત્ની સિડની પહોચ્યાં. બ્રિટિશ સામ્રાજ્યના શહેનશાહે પોતાના જન્મ દિવસે માફી આપી દીધી. બેલાસિસ અને પત્ની તરત હિન્દુસ્તાન પાછાં આવ્યાં. બેલાસિસે અંગ્રેજોના દુ:શ્મન પેશ્વા દરબારને સાધ્યા. તેમના લશ્કરમાં જોડાઈ ગયો. વખત જતાં પેશ્વાના લશ્કરની તોપચી સેનાનો વડો બન્યો!
૧૮૦૪ : ચોરીના ગુનામાં કસૂરવાર ઠરેલા જેમ્સ પેનિકોને ત્રણ મહિનાની કેદ. દર મહિને એક દિવસ તેને સતત ચાબૂક ફટકારતાં ફટકારતાં એપોલો ગેટથી બજાર ગેટ સુધી ચલાવીને લઈ જવાનો.
૧૮૦૪ : કોર્ટમાં જુઠ્ઠી જુબાની આપવાના ગૂના સબબ ઈસ્માઈલ શેખને પાંચ વરસની કેદ. એ દરમ્યાન દર વરસે પહેલી ઓક્ટોબરને દિવસે કોર્ટ હાઉસની બહાર આવેલી ‘પીલરી’ પર આખો દિવસ ઊભા રહેવાની સજા.

મુંબઈ પોલિસ ૧૮૫૫–૧૮૬૨નો યુનિફોર્મ +-
હા, જી. આપ પૂછશો કે અ ‘પીલરી’ એટલે વળી શું? ગ્રેટ બ્રિટન સહિત યરપના ઘણા દેશોમાં ૧૯મી સદી સુધી આ ઘાતકી સજા પ્રચલિત હતી. કોઈ જાહેર જગ્યાએ – કોર્ટની બહાર, બજારમાં, મોટા ચોકમાં, લાકડાની પીલરી કાયમ માટે ખોડી રખાતી. બે મજબૂત લાકડાં. એક ઊભું, બીજું તેના પર આડું. ગુનેગારનું માથું અને હાથના બે પંજા બહાર રહે એવાં ત્રણ બાકોરાં. એ રીતે ગુનેગારને ઊભો રાખીને તેની પાછલી બાજુએ તેવાં જ બે ઊભાં-આડાં લાકડાં જડી દેવામાં આવે. એમ કર્યા પછી ફક્ત માથું અને હાથના પંજા સિવાય ગુનેગાર તેના શરીરનું કોઈ અંગ સહેજ પણ હલાવી ન શકે. ટાઢ, તડકો કે વરસાદ હોય તો પણ સજાનો અમલ તો થાય જ. આ રીતે ઊભા રખાયેલા ગુનેગાર પર ત્યાંથી પસાર થતા લોકો સડેલાં ઈંડાં કે ટમેટાં કે નાના પથરા નાખતા જાય, ગુનેગારને ગાળો દેતા જાય.

ડેનિયલ ડેફો
હા. ગ્રેટ બ્રિટનના ઇતિહાસમાં એક જ એવો કિસ્સો નોંધાયેલો છે કે જ્યારે આ રીતે ઊભા કરાયેલા ગુનેગાર પર લોકોએ ઈંડાં, ટમેટાં કે પથરા નાખવાને બદલે ફૂલ-હાર નાખ્યા હતા. એ ગુનેગારનું નામ ડેનિયલ ડેફો (૧૬૬૦-૧૭૩૧). નવલકથા રોબિન્સન ક્રૂઝોને કારણે જગવિખ્યાત બનેલો લેખક. કહેવાય છે કે બાઈબલ પછી જો કોઈ પણ પુસ્તકના સૌથી વધુ ભાષામાં અનુવાદ થયા હોય તો તે રોબિન્સન ક્રૂઝોના. પણ લેખક ઉપરાંત ડેફો વેપારી, રાજકારણી, અને છૂપો જાસૂસ પણ હતો. ૧૬૯૨માં વેપારમાં ખોટ ગઈ. સાત સો પાઉન્ડનું દેવું થયું. એ વખતે ગ્રેટ બ્રિટનમાં, (અને એટલે હિન્દુસ્તાનમાં પણ) દેવાદારને બહુ આકરી સજા થાય તેવા કાયદા હતા. અને જેલમાં રહીને ગુનેગાર ગમે તે રીતે દેવું ભરપાઈ કરી દે તો પણ લેણદાર ‘હા’ પાડે નહિ ત્યાં સુધી ગુનેગારને છોડવામાં આવે નહિ. જેલમાં પુરાયેલા ડેફો પાસે વિરોધ પક્ષનો એક નેતા ગયો અને કહ્યું : ‘હું તમારું સાત સો પાઉન્ડનું દેવું ભરી દેવા તૈયાર છું’. ડેફોએ પૂછ્યું : ‘બદલામાં મારે શું કરવાનું?’ ‘તમારા પક્ષની દરેકે દરેક છૂપી-ખાનગી વાત મને પહોંચાડવાની.’ ડેફો કબૂલ થયો અને જેલમાંથી છૂટ્યો. પણ તે પહેલાં તેનં જાહેરમાં પીલરી પર ઊભો રાખવામાં આવ્યો ત્યારે કેટલા ય લોકોએ તેના પર પથરાને બદલે પુષ્પો વરસાવેલાં અને ગળામાં હારતોરા પહેરાવેલા – એવી હતી લેખક ડેફોની લોકપ્રિયતા! ગ્રેટ બ્રિટનમાં કાયદા દ્વારા ૧૮૩૭માં પીલરીની સજા નાબૂદ કરવામાં આવી. છતાં છેક ૧૮૭૨ સુધી ક્યારેક ક્યારેક તેનો અમલ થતો હોવાના દાખલા મળતા રહે છે. બ્રિટનમાં આ સજા નાબૂદ્દ થયા પછી હિન્દુસ્તાનમાંથી પણ ધીમે ધીમે તેનો ઉપયોગ બંધ થયો. પણ કાયદેસર રીતે આ સજા છેક ૧૯૦૯માં નાબૂદ કરવામાં આવી.

પ્રખ્યાત લેખક ડેનિયલ ડેફોને થયેલી પીલરીની સજા
૧૮૦૬ : હવે પાછા આવીએ મુંબઈ. ઘડિયાળની ચોરી કરનાર એક માણસને બે વરસ સુધી મુંબઈની ગોદીમાં મજૂરી કરવાની સજા કરવામાં આવી. તો બીજા એક વેપારીને ચોરીના ગુના સબબ તેની જ દુકાનની બહાર પીલરીની સજા કરવામાં આવી.

સર મેકિનટોશ
એશિયાટિક સોસાયટી ઊભી કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવનાર જેમ્સ મેકિનટોશ વિષે આપણે અગાઉ વાત કરી છે. ૧૮૦૬માં તેમનું ખૂન થયું હોવાની અફવા મુંબઈમાં ફેલાઈ ગઈ. જો કે ખૂન થયું નહોતું, પણ ખૂન કરવાનો પ્રયત્ન થયો હતો. મેકિનટોશ રેકોર્ડર્સ કોર્ટના ચીફ જજ હતા. કંપની સરકારના લશ્કરના બે ગોરા લેફ્ટનન્ટ પર મેકિનટોશની અદાલતમાં કેસ ચાલતો હતો. ખટલો ચાલુ હતો તે દરમ્યાન એક દિવસ બંને આરોપી એક મોટું લાકડાનું ખોખું સાથે લઈને અદાલતમાં આવ્યા. કહે કે અમારા બચાવમાં રજૂ કરવાના દસ્તાવેજો આ ખોખામાં લાવ્યા છીએ. પણ કોર્ટના રખેવાળોને શંકા ગઈ એટલે ખોખુ ઉઘાડ્યું તો અંદરથી નીકળી કારતૂસ ભરેલી ચાર પિસ્તોલ! તેમની યોજના હતી પહેલાં મેકિનટોશનું ખૂન કરવું, અને પછી તરત આપઘાત કરવો! આ કાવતરું પકડાયા પછી મેકિનટોશે ઠંડે કલેજે અદાલતમાં એટલું જ કહ્યું : ‘જો આ કાવતરું સફળ થયું હોત તો જે ન્યાયાસન પર બેસીને ન્યાય તોળતો હોય તેને પોતાના લોહીથી રંગનાર હું પહેલવહેલો ન્યાયાધીશ બન્યો હોત!’ એટલું જ નહિ, ૧૮૨૪ના નવેમ્બરની છઠ્ઠી તારીખે એ લશ્કરી અધિકારીઓને એક પત્ર લખીને મેકિનટોશે માફી આપી હતી! (ગૂનો બહુ ગંભીર ન હોય તો એ વખતે આ રીતે માફી આપી શકાતી.)
૧૮૧૦ : સરકારી ટ્રેઝરી કહેતાં, તોષાખાનું, તિજોરી. તેનો વડો હતો જ્યોર્જ કમિંગ ઓસબોર્ન. અગાઉ મુંબઈના ગવર્નરનો પ્રાઈવેટ સેક્રેટરી હતો. પછી ફોરેન એન્ડ પોલિટિકલ ડિપાર્ટમેન્ટનો સેક્રેટરી. તેનું ખૂન કરવાનો આરોપ ત્રણ માલેતુજાર શખ્સો પર મૂકાયો. ત્રણે ટ્રેઝરીમાં કામ કરતા. ત્રણેને પાંચ-પાંચ વરસની કેદની સજા. દર વરસે એક દિવસ પીલરી પર વિતાવવાનો. દર વરસે બે વાર બજારમાં તેમને હન્ટરથી ફટકા મારવાના. અને લટકામા દસ હજાર રૂપિયાનો દંડ. એ ન ભરી શકે તો જેલમાંથી છૂટકારો થાય નહિ.
ચાર્લ્સ જોસેફ બ્રિસકો નામનો એક અંગ્રેજ. ત્રણ ગુનેગારો પાસેથી લાંચ લીધી – સજામાંથી બચાવવાની લાલચ આપીને. વાત ફૂટી ગઈ. ચાર્લ્સ ભાઈ પર કેસ ચાલ્યો. ત્રણ જ દિવસમાં અદાલતે ફેંસલો આપ્યો: મુંબઈની જેલમાં ત્રણ વરસ માટે કેદ.
આ બધી વાતો તો કેટલાક મોટા ખટલાની થઈ, જે રેકોર્ડર્સ કોર્ટ સુધી પહોંચેલા. પણ સાધારણ ગુનાઓ – ચોરીચપાટી, મારામારી, વ્યક્તિ કે સમૂહ પરના હુમલા, વગેરેના કેસ ચલાવવાની સત્તા સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલિસ(પછીથી પોલિસ કમિશનર)ને આપવામાં આવી હતી. ગુનેગારને પકડીને તેની ઓફિસમાં લાવવામાં આવે કે તરત જ તે પોતે તેના પર ખટલો ચલાવે. અને સજા પણ કરે જેનો અમલ એ જ વખતે તેની ઓફિસમાં જ કરવામાં આવે. અલબત્ત આ બધું ‘નિયમસર’ થતું. પણ ૧૭૫૩થી ૧૮૦૭ સુધી જે ‘નિયમો’ હેઠળ આ કારવાઈ થતી હતી તેને ન તો બોમ્બે ગવર્નમેન્ટે મંજૂર કરેલા કે ન તો લંડનમાં બેઠેલા કંપની સરકારના ડિરેક્ટરોએ. એટલે મેકિનટોશના વડપણ હેઠળની રેકોર્ડર્સ કોર્ટે આ નિયમોને ‘ગેરકાનૂની’ ઠરાવ્યા હતા. તેવી જ રીતે ૧૮૦૭થી ૧૮૧૧ દરમ્યાન ઘડાયેલા ‘નિયમો’ને પણ આ જ અદાલતે ગેરકાનૂની’ ઠરાવ્યા કારણ એ નિયમો અદાલતમાં રજિસ્ટર કરાવવામાં આવ્યા નહોતા. મેકિનટોશને મતે આ ‘પોલીસ અદાલત’ની કારવાઈ ‘ગેરકાયદેસર’ની હતી. ૧૮૦૮ના ફેબ્રુઆરીની ૨૮મીથી ૧૮૦૯ના જાન્યુઆરીની ૩૧મી સુધીમાં પોલિસ અદાલતે ૨૧૭ ‘ગુનેગાર’ને તડીપાર કર્યા હતા અને ૬૪ને મુંબઈની ગોદીમાં મજૂરી કરવાની સજા કરી હતી. તો બીજી બાજુ ઘણી વાર, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સવારે ગુનેગારને સજા કરતા અને સાંજે તેમને ‘માફી’ આપીને છોડી મૂકતા! (આ રીતે ‘માફી’ મેળવવા માટે પોલીસને શું આપવું પડતું હશે એ સુજ્ઞ વાચકોને જણાવવાની જરૂર ન હોય.) કાયદો અને ન્યાયનાં મૂલ્યોમાં અપાર શ્રદ્ધા ધરાવનાર મેકિનટોશ આ પદ્ધતિથી સદંતર વિરુદ્ધ હતા. છેવટે ૧૮૦૮માં મુંબઈ પોલીસ અંગેનો નવો કાયદો ગ્રેટ બ્રિટનમાં પસાર કરવામાં આવ્યો. પરિણામે પોલીસ વ્યવસ્થાના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાનું જરૂરી બન્યું. એ ફેરફારોની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 જાન્યુઆરી 2૦૨6
![]()

