Opinion Magazine
Number of visits: 9612018
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—323 

દીપક મહેતા|Opinion - Opinion|10 January 2026

મુંબઈના મહેલો જોયા પછી જોવા જઈએ મુંબઈની જેલો 

આપણે જોયા મુંબઈના મહેલ. હવે શું જોશું? મુંબઈની જેલ. ગભરાતા નહિ. જેમ મહેલમાં રહેવા નહોતા ગયા, તેમ જેલમાં પણ રહેવા નહિ જઈએ. ફક્ત જોશું, જાણશું. મુંબઈની પહેલી જેલ બંધાવી હતી મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓંગીઆરે. ખરા અર્થમાં મુંબઈનો ઘડવૈયો. પણ નથી મળતી એની જન્મ તારીખ. ઈ.સ. ૧૬૪૦ના કોઈક દિવસે જન્મ. જેમ જન્મ તારીખ મળતી નથી, તેમ નથી મળતું ક્યાં ય તેમનું બાવલું કે તેમનું ચિત્ર જોવા. ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું. ક્યાં ભણ્યા, શું ભણ્યા? નથી ખબર. ૧૬૬૧ના નવેમ્બરમાં સુરત ખાતેની અંગ્રેજોની ‘કોઠી’(ઓફિસ)માં કારકૂન તરીકે નીમાયા. પછી બન્યા સ્ટોર કીપર. પછી નોકરીમાં કેટલાં પગથિયાં, ક્યારે ચડ્યા એ જાણવા મળતું નથી. પણ ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે સુરત-મુંબઈના પહેલા ગવર્નર સર જ્યોર્જ ઓક્સેન્ડનનું મૃત્યુ થયું તે પછી ઓંગીઆરની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ. ૧૬૭૦ના જાન્યુઆરીની ૧૧મી તારીખે ઓંગીઆર સુરતથી વહાણમાં બેઠા અને થોડા દિવસ પછી મુંબઈ પહોંચ્યા. 

તે મુંબઈ આવ્યા ત્યારે મુંબઈમાં લગભગ જંગલરાજ હતું. ચોર-લૂંટારા ધોળે દિવસે ય લોકોને રંજાડતા. ખુદ ડેપ્યુટી ગવર્નર કેપ્ટન હેન્રી યંગ લાંચ-રુશ્વત માટે નામચીન. ઓંગીઆરે એ અંગે તપાસ કરીને યોગ્ય પગલાં લીધાં. પછી વળી મુંબઈમાંના ગોરા લશ્કરની એક ટુકડીએ બળવો કર્યો. ઓંગીઆરે કડક હાથે બળવો દબાવી દીધો. એટલું જ નહિ, બળવાખોરોના નેતા કોર્પોરલ ફેકને ફાંસીની સજા કરી અને જાહેરમાં એ સજાનો અમલ કરાવ્યો.

મુંબઈ આવ્યા પછી ઓંગીઆરને સમજાયું કે અહીં કોટ વિસ્તારમાં એક વિશાળ મકાન બાંધવાની જરૂર છે. આ મકાનમાં મુંબઈની કોર્ટ બેસી શકે એવી સગવડ હોય. મુંબઈના લશ્કર અને અંગ્રેજ રહેવાસીઓ માટે જરૂરી એવો ખાધાખોરાકીનો સામાન રાખવાનાં ગોદામ પણ હોય. લશ્કર માટેનો દારૂગોળો, હથિયારો, અને બીજો સરંજામ પણ રાખી શકાય એવી સગવડ હોય. અને ગુનેગારોને રાખવા માટેની જેલ પણ હોય. આજની ભાષામાં એક ‘મલ્ટી પર્પઝ’ મકાન. એ વખતે ઓળખાતું ‘જનરલ હાઉસ’ તરીકે. ઓંગીઆરની પોતાની ઓફિસ પણ એ જ મકાનમાં. અને જ્યારે એ ઓફિસમાં હોય ત્યારે બારણાં સતત ખુલ્લાં જ રહે. મુંબઈનો કોઈ પણ રહેવાસી – ગોરો કે ‘દેશી’ – આવીને ગવર્નરને મળી શકે. 

ટાઉન હોલ બંધાયો ત્યારે લંડનમાં બેઠેલા ખેરખાંઓએ ખરચ અંગે કેટલા વાંધા-વચકા કાઢેલા એ આપણે અગાઉ જોયું છે. પણ ઓંગીઆરે તો લંડનમાં કોઈને પૂછ્યા વગર બોમ્બે ગ્રીન(આજનું હોર્નીમન સર્કલ)થી થોડે દૂર, ગનબો સ્ટ્રીટ અને બોરા બજાર સ્ટ્રીટ જ્યાં કાટખૂણે મળે છે ત્યાં જગ્યા પસંદ કરી લીધી. ત્યાં બાંધવાના મકાનનો પ્લાન જાતે બનાવી લીધો. અને એ પ્રમાણે મકાન બંધાવી પણ લીધું. બધું થઈ ગયા પછી હિસાબ મોકલ્યો લંડનના ડિરેક્ટરોને. તરત ભડક્યા: આટલો બધો ખરચ? અને તે ય અમને પૂછ્યા ગાછ્યા વગર? ઓંગીઆરે ઠંડે કલેજે જવાબ મોકલ્યો. આ ખરચ તમને ન પોસાતો હોય તો બધો ખરચ હું અંગત રીતે ભોગવી લઈશ. પણ પછી જ્યાં સુધી આ મકાન કોઈ પણ સરકારી કામ માટે વપરાતું રહે ત્યાં સુધી હું માગું તેટલું ભાડું સરકારે મને ચૂકવવું પડશે! કહેવાની જરૂર ખરી, કે લંડનના સાહેબોએ ખરચની પૂરેપૂરી રકમ મંજૂર કરી દીધી.

માપલા પોરનો નકશો 

એક બાજુ ગનબો સ્ટ્રીટ (આજનું નામ રુસ્તમ સીધવા સ્ટ્રીટ) અને બીજી બાજુ બોરા બજાર સ્ટ્રીટ. એક જમાનામાં આ સ્ટ્રીટ પરની ઘણીખરી દુકાનો બોરા(વહોરા)ઓની હતી એટલે આ નામ. અને હજી આજે પણ આ નામ બદલાયું નથી. પણ ગનબો સ્ટ્રીટનો કિસ્સો મજેદાર છે. ૧૯મી સદીના મુંબઈના જ્યોતિર્ધરોમાંના એક તે જગન્નાથ શંકરશેઠ. તેમનું કુટુંબ મૂળ કોંકણનું. જગન્નાથજીના દાદા ગણબાશેઠ કોંકણથી મુંબઈ આવીને વસ્યા. વેપાર-વણજ ખૂબ ખીલ્યો. કોટ વિસ્તારમાં પોતાનો બંગલો બાંધ્યો. અંગ્રેજો સાથે મીઠા સંબંધ. એટલે જે રસ્તા પર તેમનો બંગલો હતો તેને અંગ્રેજોએ તેમનું નામ આપ્યું. પણ ‘ગણબા’ના અંગ્રેજી ઉચ્ચાર પ્રમાણે નામ આપ્યું Gunbow Street. વખત જતાં આ વાત વિસરાઈ ગઈ. કેટલાક માનવા લાગ્યા કે આ કોઈ અંગ્રેજનું નામ હશે. આઝાદી પછી જ્યારે મુંબઈના રસ્તાઓનાં પાટિયાં પરથી અંગ્રેજોનાં નામ ભૂંસીને નવાં નામ લખાવા લાગ્યાં ત્યારે આ રસ્તો બની ગયો રુસ્તમ સીધવા માર્ગ. નામ બદલવાની નેતાઓની હોંશમાં એક મરાઠી માણૂસનું નામ ભૂંસીને તેની જગ્યાએ એક પારસીનું નામ લખાઈ ગયું!

બોરા બજાર સ્ટ્રીટ, ૧૮૭૫માં

  ખેર! સમયના રસ્તે આપણે ઘણા આગળ નીકળી ગયા. પાછા જઈએ જેરાલ્ડ ઓંગીઆરે બંધાવેલા વિશાળ મકાન પાસે. બોરા બજાર સ્ટ્રીટ પર આવતા-જતા લોકોને રોજ દેખાય જેલમાં પુરાયેલા ગુનેગાર કેદીઓ. કારણ જેલના આગલા ભાગમાં સળીઆ જડેલા હતા અને એ સળીઆ પાછળ ઊભેલા કેદીઓ રસ્તા પરથી આવતા-જતા લોકો પાસે ભીખ માગતા! પણ કેમ? કારણ એ વખતે અહીં જ નહિ, ગ્રેટ બ્રિટનમાં પણ નિયમ એવો હતો કે જેલમાં રહેવા-ખાવાનો ખરચ કેદીઓએ પોતે સરકારને ચૂકવવો પડે! એ સળીઆવાળી જગ્યાની પાછળ નાની ઓરડીઓ હતી જેમાં કેદીઓ રાતે સૂઈ શકતા. તેની પાછળ બે હોલ હતા. જેમાં કેદીઓ જમતા, કસરત કે મજૂરીના કામ કરતા. 

જેલની જાળીમાંથી લંબાતા હાથ 

જેલની પાછળના ભાગમાં હતું વિશાળ કોર્ટ હાઉસ. જ્યાં બ્રિટિશ શાસનની પહેલી અદાલત બેસતી. એ અદાલતમાં બાર અંગ્રેજ ન્યાયાધીશોની નિમણૂક ઑંગીઆરે કરેલી અને તેઓ પોતે ગવર્નર ઉપરાંત ચીફ જસ્ટીસ પણ હતા. કોર્ટ હાઉસની પાછલી બાજુએ વિશાળ પોર્ચ બાંધેલો હતો જેમાં થઈને કોર્ટ હાઉસમાં દાખલ થવાતું. છેલ્લા પાછલા ભાગમાં નાનાં મોટાં ગોડાઉન હતાં જેમાં જાતભાતનો સરકારી સામાન સંઘરાતો. પાછલી બાજુના દરવાજામાંથી આ સામાનની આવા-જા થતી. ૧૮૦૩ની આગમાં આ વિશાલ ઈમારતનો ઘણોખરો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. તેમાંનો કેટલોક ભાગ ફરીથી બાંધવામાં આવેલો.

મલબાર હિલ પરથી દેખાતી કોટમાં લાગેલી આગ (૧૮૦૩)

ક્યારે, અને શા માટે, એ તો ચોક્કસ જાણવા મળતું નથી પણ આ બધી ઇમારતો સરકારે વેચી નાખી અને એ ખરીદનાર હતા મૂસા માપલા નામના ધનાઢ્ય વેપારીના વડવાઓ. આ મૂસા માપલા હતા એ જમાનાના મોટા વેપારી. અંગ્રેજોના માનીતા. કહેવાય છે કે એક વખત કોટ વિસ્તારની ઘણીખરી જમીન આઠ જમીનદારોની માલિકીની હતી, અને એ આઠમાંના એક હતા મૂસા માપલા. તેમણે આ જગ્યામાં નાનાં-મોટાં મકાનો બાંધીને માપલાઓને મોટી સંખ્યામાં વસાવ્યા. તેથી એ મકાનો ‘માપલા પોર’ તરીકે ઓળખાયા. આજની ભાષામાં કહીએ તો આ માપલા પોર એક Gated Community હતું. અને હા, તેના નામમાંના ‘પોર’નો સંબંધ સંસ્કૃતના ‘પુર’ સાથે નહિ, પણ ગુજરાતીના ‘પોળ’ શબ્દ સાથે છે. 

ઓંગીઅરે બંધાવેલા વિશાળ મકાનમાંથી જેલ ક્યારે અને શા માટે ખસેડવી પડી એ જાણવા મળતું નથી. પણ ત્યાંની જેલ બંધ થયા પછી કેદીઓને ડોંગરીના કિલ્લામાં રાખવામાં આવેલા. ૧૭૨૮માં મુંબઈના ન્યાયાધીશોએ સરકારને દરખાસ્ત મોકલી કે ૨,૦૦૦ રૂપિયાના ખર્ચે ડોંગરીના કિલ્લાના એક ભાગને જેલ બનાવી શકાય તેમ છે. અલબત્ત, લંડનમાં બેઠેલા બડેખાંઓએ આવો ખરચ કરવાનો નનૈયો ભણી દીધો. એટલે મુંબઈના ગોરા અને બીજા કેટલાક રહેવાસીઓ પર ટેક્સ નાખીને આ રકમ ઊભી કરવાનું નક્કી થયું. જો કે પછી કોઈક કારણસર ડોંગરીના કિલ્લાને જેલ તરીકે વાપરવાને બદલે ૫,૦૦૦ રૂપિયાના ખર્ચે કિલ્લાની બાજુમાં જેલ માટે નવું મકાન બાંધવામાં આવ્યું.

પણ ૧૭૩૯માં મરાઠા લશ્કર ડોંગરીના કિલ્લા પર ચડાઈ કરે એવો ભય ઊભો થયો. ત્યારે એ મકાન ખાલી કરવામાં આવ્યું. મોદી નામના કોઈ શખસ પાસેથી તેનું મકાન મહીને ૨૫ રૂપિયાના ભાડે રાખીને કેદીઓને ત્યાં ખસેડવામાં આવ્યા. કેદીઓને ખાધાખોરાકી પૂરી પાડવાની જવાબદારી પણ એ મકાન માલિકને સોંપવામાં આવી. વખત જતાં ભાડા પેટે ૧,૭૪૨ રૂપિયા અને ખાધાખોરાકી પૂરી પાડવા પેટે ૧,૦૩૬ રૂપિયાનું બિલ મોદીએ સરકારને મોકલ્યું. પણ સરકારે આ બિલ પેટે ફક્ત ૩૯૮ રૂપિયા ૩ આના ૯ પાઈની જ રકમ ચૂકવી! જો કે લાંબી લખાપટ્ટી પછી સરકારે બાકીની રકમ પણ ચૂકવી દીધી. પણ ૧૭૪૫માં આ મકાન જર્જરિત થઈ ગયું છે અને તેને રિપેર કરવાની જરૂર છે એમ સરકારને લાગ્યું. પણ સમારકામ પેટે એક ફદિયું પણ ખરચવાની મકાન માલિક અને સરાકાર, બન્નેએ ના પાડી દીધી. એટલે જેલને મરીન યાર્ડમાં ખસેડવાનું નક્કી થયું. પણ બ્રિટિશ નૌકાદળના અધિકારીઓએ આ અંગે નનૈયો ભણી દીધો. એટલે પછી કેદીઓને ડોંગરીના કિલ્લાના એક જર્જરિત ભાગમાં રાખવામાં આવ્યા. ૧૭૬૯માં એ કિલ્લો તોડી પાડવાનું નક્કી થયું ત્યારે ન છૂટકે નૌકાદળના અધિકારીઓ કેદીઓને મરીન યાર્ડમાં રાખવા તૈયાર થયા. પણ એ જગ્યા બહુ નાની હોવાથી ફોર્ટ જ્યોર્જના અમુક ભાગને જેલ તરીકે વાપરવાની દરખાસ્ત રજૂ થઈ. આ અંગેના ખરચનો અંદાજ તૈયાર કરવા માટે સરકારી ઇજનેરને જણાવાયું. ૧૭૭૮માં ઈજનેરે રૂ.૧૬,૨૫૨ અને ૩ આનાનો અંદાજ આપ્યો જે જોતાં વેંત એ દરખાસ્તને અભરાઈએ ચડાવી દેવાઈ. હવે સરકારને તુક્કો સૂઝ્યો કે આટલા ખરચમાં તો શહેરમાં ક્યાંક સારી જગ્યાએ જેલનું મકાન બાંધી શકાય. છેવટે ૧૭૯૯માં સરકારે ઉમરખાડી ખાતે જમીનનો પ્લોટ ખરીદ્યો અને ત્યાં જેલનું નવું મકાન બાંધવાનું શરૂ કર્યું. ૧૮૦૪માં એ પૂરું થયું.

આ બધી જેલોમાં ગુનેગારોને કેવી કેવી સજા થતી એની વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 જાન્યુઆરી 2026

Loading

10 January 2026 Vipool Kalyani
← હું એકની એક
તણખામાંથી ભડકો થઇ શકે તેવા વૈશ્વિક સંજોગો એટલે 2026નું જિઓપોલિટિકલ પ્રેશરકુકર  →

Search by

Opinion

  • તણખામાંથી ભડકો થઇ શકે તેવા વૈશ્વિક સંજોગો એટલે 2026નું જિઓપોલિટિકલ પ્રેશરકુકર 
  • હું એકની એક
  • આ જ વૃક્ષો હતાં
  • નવું વર્ષ ‘હોપ ઈઝ અ ડિસીઝન’ની પ્રેરણા સાથે શરૂ કરીએ … 
  • કુછ તો લોગ કહેંગે 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • આ જ વૃક્ષો હતાં
  • તારી યાદ નડે છે
  • માનવી …
  • પન્નાને–જન્મદિને, ડિસેમ્બર 28, 2025

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved