Opinion Magazine
Number of visits: 9612664
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—322

દીપક મહેતા|Opinion - Opinion|3 January 2026

મુંબઈનો વાંકાનેર પેલેસ : ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ            

એક હતો રાજા. હા, જી. બાળવાર્તાઓથી ટેવાયેલા હશો તો તમે તરત કહેશો : ‘અને એક હતી રાણી.’ હવે જ્યાં રાજા હોય ત્યાં રાણી(ઓ) તો હોવાની જ. પણ આપણે આજે રાજાની રાણીની વાત નથી કરવાના. પણ એક રાજાના મુંબઈમાં આવેલા મહેલની વાત કરવાના છીએ. આજથી દાયકાઓ પહેલાંની વાત. કાઠિયાવાડમાં ઢગલાબંધ દેશી રાજ્યો હતાં. પાછાં તે વખતની ટ્રેનની જેમ ત્રણ ભાગમાં વહેચાયેલાં : પહેલો વર્ગ, બીજો વર્ગ, અને ત્રીજો વર્ગ. તેમાં બીજા વર્ગનું એક રાજ્ય તે વાંકાનેર. અને એ હતું સલામી રાજ્ય. એટલે કે એના રાજવી નવ તોપોની સલામીના હકદાર. કાઠિયાવાડમાં આવેલા હળવદના રાજા ચંદ્રસિંહ. તેના યુવરાજ પૃથ્વીરાજ. તેના દીકરા સરતાનજીએ વાંકાનેરનું રાજ્ય સ્થાપ્યું. ૧૬૧૦માં વાંકાનેર શહેર વસાવ્યું. આસપાસનો પ્રદેશ જીતી લીધો.

વાંકાનેર રાજ્યનો ધ્વજ

૧૮૦૭-૧૮૦૮માં કંપની સરકારે કાઠિયાવાડનાં રજવાડાં પાસેથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું. કાઠિયાવાડના ઝાલાવાડ પ્રાંતમાં આવતું વાંકાનેરનું રાજ્ય વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીના તાબા હેઠળ મૂકાયું. આ વાંકાનેર રાજ્યની ગાદી પર ૧૮૮૧ના જૂનની ૨૫મી તારીખે અમરસિંહજી બેઠા ત્યારે તેમની ઉંમર હતી બે વરસ! એટલે રાજ્યનો કારભાર ઝાલાવાડના પોલિટીકલ એજન્ટે સંભાળ્યો. થોડા મોટા થયા એટલે રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણવા મોકલ્યા. ત્યાં ભણ્યા પછી પહેલાં તેમણે હિન્દુસ્તાનનાં મુખ્ય શહેરોની મુલાકાત લીધી અને પછી ઈંગ્લન્ડ જઈ ત્યાં ચાર મહિના રહ્યા. પેરિસ સહિત યરપનાં કેટલાંક શહેરોની મુલાકાત લઈ ૧૮૯૮ના ઓક્ટોબરની ૨૨મી તારીખે વાંકાનેર પાછા આવ્યા. પુખ્ત ઉંમરના થતાં ૧૮૯૯ના માર્ચની ૧૮મી તારીખે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ જે.એમ. હન્ટરે સત્તાનાં સૂત્રો તેમને સોંપ્યાં.

વાંકાનેર નરેશ અમરસિંહજી

કાઠિયાવાડનાં દેશી રાજ્યો પોલિટિકલ એજન્ટના અંકુશ નીચે મૂકાયાં ત્યારથી ત્યાંના રાજાઓનો મુંબઈનો આવરો-જાવરો વધ્યો. એટલે તેમાંના કેટલાક રાજાઓએ મુંબઈમાં મહેલ બંધાવ્યા. સગવડ તો ખરી જ, પણ મુંબઈમાં મહેલ હોય એટલે એ રાજ્યનો વટ પડે. વાંકાનેરના રાજવી અમરસિંહજીએ પણ મુંબઈમાં વાંકાનેર પેલેસ બંધાવવાનું નક્કી કર્યું. જ્યાં અબજોપતિ જ રહેતા એવા વોર્ડન રોડ (આજના ભુલાભાઈ દેસાઈ રોડ) પર પચાસ હજાર ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો. પછી તેના પર બંધાનારા મહેલની ડિઝાઈન તૈયાર કરવાનું કામ સોંપ્યું જાણીતા બ્રિટિશ સ્થપતિ ક્લોડ બેટલેને. 

વાંકાનેર પેલેસના સ્થપતિ બેટલે

બેટલેનો જન્મ ૧૮૭૯ના ઓક્ટોબરની ૧૭મી તારીખે. અવસાન મુંબઈમાં ૧૯૫૬ના માર્ચની ૨૦મી તારીખે. ઈંગ્લન્ડમાં અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૧૩માં મુંબઈ આવીને ગ્રેગસન એન્ડ કિંગની સાથે ભાગીદારીમાં પ્રેક્ટીસ શરૂ કરી. બેટલેએ ડિઝાઈન કરેલી મુંબઈની કેટલીક જાણીતી ઈમારતો : બોમ્બે જિમખાના (૧૯૧૭), બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન (૧૯૩૦), કચ્છના મહારાજાનો દરિયા મહાલ (૧૯૩૦), સાઉથ કોર્ટ (૧૯૩૬), મહંમદ અલી ઝીણાનો બંગલો (૧૯૩૭), કોલાબામાં આવેલ પારસીઓની વસાહત ખુશરૂ બાગ (૧૯૩૭-૧૯૫૯), બોમ્બે ક્લબ (૧૯૩૯), લાલભાઈ હાઉસ (૧૯૪૨) અને બ્રીચ કેન્ડી હોસપિટલ (૧૯૫૦). આ ઉપરાંત અમદાવાદનાં ટાઉન હોલ, એમ.જે. લાઈબ્રેરી, વીજળી ઘર, શોધન હાઉસ, વગેરેની ડિઝાઈન પણ તેમણે જ તૈયાર કરી હતી. ૧૯૧૪માં તેઓ જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં વિઝીટિંગ પ્રોફેસર બન્યા. પછી ૧૯૨૩થી પૂરાં વીસ વરસ સુધી તેના પ્રિન્સીપાલના પદે રહ્યા. તેમણે જ બનાવેલા એક મકાન – બોમ્બે ક્લબ – માં ૧૯૫૬માં તેમનું અવસાન થયું. 

વાંકાનેરનું રાજપાટ હતું ત્યાં સુધી તો કશી ચિંતા નહોતી. રાજાનું કામ રૈયત પર કરવેરા નાખીને પૈસા ઉઘરાવવાનું. પણ ૧૯૪૭માં એકાએક બધું બદલાઈ ગયું. રાજા હતા તે પ્રજા બની ગયા. અને પ્રજાના પ્રતિનિધિઓ બન્યા રાજા. અને આ નવા રાજાઓ જે ટેક્સ માગે તે અગાઉના રાજવીઓએ પણ ભરવો જ પડે. ૧૯૫૭માં ઇન્કમ ટેક્સ વિભાગે ૧૮ લાખ રૂપિયા ભરવાની નોટીસ મોકલી ‘વાંકાનેરના રાજવી’ને. પેલેસ બંધાવનાર અમરસિંહજીનું તો ૧૯૫૪ના જૂનની ૨૫મીએ અવસાન થઈ ચૂક્યું હતું. તેમની રાજગાદી પર ‘બિરાજમાન’ થયા હતા તેમના કુંવર પ્રતાપસિંહજી. ઇન્કમ ટેક્સની મોટી (એ જમાનામાં આ રકમ મોટી જ ગણાય) રકમ ભરવાની નોટીસ તેમને મળી હતી. એ રકમ ઊભી કરવા માટે તેમણે વાંકાનેર હાઉસ વેચી નાખવાનું નક્કી કર્યું. અને ૧૮ લાખમાં સોદો થઈ ગયો. ખરીદનાર, અમેરિકન સરકાર. 

હિન્દુસ્તાન અને અમેરિકા વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો ખાસ્સા જૂના. છેક ૧૮૩૮ના ઓક્ટોબરની પાંચમી તારીખે અમેરિકાના પ્રેસિડન્ટ માર્ટીન વાન બરેને એક ખરીતા દ્વારા ન્યૂ યોર્કના ફિલેમોન એસ. પાર્કરની નિમણૂક મુંબઈ ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી હતી. અલબત્ત, અમેરિકાના સૌથી પહેલા રાજદૂત કલકત્તા ખાતે નિમાયા હતા. અમેરિકાના પહેલા પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટને ૧૭૯૨ના નવેમ્બરમાં બેન્જામીન જોયની નિમણૂક કલકત્તા ખાતેના એલચી તરીકે કરી હતી. 

લિંકન હાઉસ

પણ અમેરિકન સરકારને મુંબઈમાં આવો મહેલ ખરીદવાની શી જરૂર? કારણ આઝાદી પછી બંને દેશોના સંબંધોનો વિકાસ થતાં વેપાર રોજગાર અંગેનું મુંબઈ સાથેનું કામ વધતું ગયું. ઉપરાંત અભ્યાસ માટે અને બીજાં કારણોને લીધે પણ મોટી સંખ્યામાં આપણા લોકો અમેરિકા જતા થયા. એટલે મોટી જગ્યાની જરૂર હતી. અમેરિકાનો વટ પડે એવી જગ્યા કોન્સુલેટ માટે લેવી એવો ઈરાદો પણ ખરો. એ વખતે વોર્ડન રોડનો વિસ્તાર પ્રમાણમાં ઓછી વસતીવાળો, શાંત, સલામત. એટલે અમેરિકન કોન્સુલેટ માટે અમેરિકન સરકારે વાંકાનેર પેલેસ ખરીદી લીધો. નામ બદલીને કર્યું લિંકન હાઉસ. તેમાં જરૂરી ફેરફાર કર્યા. સલામતીની વ્યવસ્થા ઘણી જડબેસલાક કરી. વર્ષો સુધી વહેલી સવારથી બહાર અમેરિકન વિઝા માટેના અરજદારોની લાંબી લાઈનો લાગતી. તો ઘણી વાર એક યા બીજા રાજકીય પક્ષ તરફથી દેખાવો યોજાતા ત્યારે પોલીસ બંદોબસ્ત ખૂબ વધી જતો.

પણ કહે છે ને કે જેનો આરંભ, તેનો અંત પણ હોય જ. એક યા બીજા કારણસર અમેરિકન સરકારે લિંકન હાઉસ ખાલી કરવાનું અને BKCમાં પોતાનું નવું મકાન બાંધવાનું નક્કી કર્યું. એ બંધાઈ રહ્યા પછી ૨૦૧૧ના નવેમ્બરની ૨૧મી તારીખથી અમેરિકન કોનસ્યુલેટનું કામકાજ BKCના નવા મકાનમાં શરૂ થયું. હવે લિંકન હાઉસ ખાલી પડ્યું હતું એટલે અમેરિકન સરકારે તે વેચવાનું નક્કી કર્યું. વાટાઘાટો થઈ, બોલીઓ બોલાઈ. છેવટે સોદો નક્કી થયો, ૭૫૦ કરોડ રૂપિયામાં. ત્યાં સુધીમાં મુંબઈની બીજી કોઈ ઈમારત આટલા ઊંચા ભાવે વેચાઈ નહોતી.

સાયરસ પૂનાવાલા

૨૦૧૫ના સપ્ટેમ્બરમાં આવી જંગી રકમ આપીને લિંકન હાઉસ ખરીદનાર હતા સાયરસ સોલી પૂનાવાલા. હા, જી. આ એ જ, સીરમ ઇન્સ્ટિટ્યૂટવાળા પૂનાવાલા. કોવીડ-૧૯ના કપરા કાળમાં તેમની ઇન્સ્ટિટ્યૂટે તેની રસી શોધી અને આખા દેશમાં પહોંચાડીને લાખો-કરોડો લોકોના જીવ બચાવ્યા હતા. તેમના આ અનન્ય ફાળાને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૨૦૨૨માં તેમને પદ્મભૂષણથી નવાજ્યા હતા. 

પણ હજી આજ સુધી લિંકન હાઉસનો સત્તાવાર કબજો પૂનાવાલાને મળ્યો નથી. કેમ? ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર, બંનેએ આ સોદા સામે વાંધો ઊઠાવ્યો છે અને આ ઈમારત જે જમીન પર આવેલી છે તે જમીન સરકારની માલિકીની છે એવો દાવો કર્યો છે. એટલે છેલ્લા ઘણા વખતથી લિંકન હાઉસ અવાવરુ થઈને પડ્યું છે. કશું સમુંનમું થતું નથી એટલે ઈમારતની હાલત કથળતી જાય છે. જ્યાં રોજ લોકોની લાંબી લાંબી લાઈન લાગતી અને તેની વ્યવસ્થા માટે કેટલાયે ચોકીદારો તહેનાત થતા એ ઈમારતના દરવાજા પાસે આજે માંડ બે-ત્રણ ચોકિયાતો બેઠા હોય છે. એ ખંડેર જેવા થતા જતા લિંકન હાઉસ ઉર્ફે વાંકાનેર પેલેસને જોઈને ૧૯મી સદીના અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને કવિ બહેરામજી મલબારીના પ્રખ્યાત કાવ્યની પંક્તિઓ યાદ આવે :

રાજા રાણા! અક્કડ શેના? વિસાત શી તમ રાજ્ય તણી,

કઈ સત્તા પર કૂદકા મારો? લાખ કોટિના ભલે ધણી.

લાખ તો મૂઠી રાખ બરાબર, ક્રોડ છોડશે સરવાળે,

સત્તા સૂકા ઘાસ બરાબર, બળી આસપાસે બાળે.

ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ,

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 03 જાન્યુઆરી 2026

Loading

3 January 2026 Vipool Kalyani
← સ્નૉ વ્હાઈટ, સ્લિપિંગ બ્યૂટી, સિન્ડરેલા – કોણે લખી હતી આ વાર્તાઓ ?  
રાષ્ટૃની કલ્પનામાં શરતનું ઉમેરણ એ રાષ્ટૃના પતનનું કારણ બને ! →

Search by

Opinion

  • તણખામાંથી ભડકો થઇ શકે તેવા વૈશ્વિક સંજોગો એટલે 2026નું જિઓપોલિટિકલ પ્રેશરકુકર 
  • ચલ મન મુંબઈ નગરી—323 
  • હું એકની એક
  • આ જ વૃક્ષો હતાં
  • નવું વર્ષ ‘હોપ ઈઝ અ ડિસીઝન’ની પ્રેરણા સાથે શરૂ કરીએ … 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • આ જ વૃક્ષો હતાં
  • તારી યાદ નડે છે
  • માનવી …
  • પન્નાને–જન્મદિને, ડિસેમ્બર 28, 2025

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved