ચાલો, આજે જઈએ જોવા મુંબઈનાં કેટલાંક ઐતિહાસિક ચર્ચ
આપ જ આવા તો જોયા પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
મેં તો માનેલું, કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
દુર્બલ, દીન, નિરાશ, વળેલો,
દૂરથી દેખી શું રોયા? પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા.
આપણા એક બહુ મોટા ગજાના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ. ઝટ્ટ ન ઓળખ્યાને! પણ કવિ કાન્ત કહીએ તો આજે પણ ઘણા તરત કહે : ‘અરે! પેલા ‘સાગર અને શશી’ કાવ્યવાળા ને! તો કોઈ કહેશે ‘વસંત વિજય’ અને ‘ચક્રવાક મિથુન’ જેવાં અમર ખંડકાવ્યો લખેલાં તે જ કવિ ને! હા એ જ. અને તેમણે આખા ગુજરાતમાં ચકચાર જગાવેલી, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને. તે પછી તેમણે ખ્રિસ્તી ધર્મભાવનાનાં જે થોડાં કાવ્યો-ગીતો લખ્યાં તેમાંનું જ આ એક : આપ જ આવા તો જોયા પિતા પ્રભુ!
કવિ કાન્તે જેમની સ્તુતિ આ પ્રાર્થના ગીતમાં કરી છે તે ઈશુ ખ્રિસ્તના પ્રાગટ્યનું ટાણું નાતાલ, કહેતાં ક્રિસમસ. તે દિનથી માંડીને નવા વરસના પહેલા દહાડા સુધીના દિવસો એટલે જૂનાના ગમન, અને નવાના આગમનના દિવસો. પોતાની આગવી ભાષા-શૈલીથી ગુજરાતી ભાષાને રળિયાત કરનાર સ્વામી આનંદ આ પર્વ વિષે ‘ઈશુ ભાગવત’ પુસ્તકમાં કહે છે : “લાખુંલાખ વશવાસીયુંના તારણહારા ઈશુ ભગતના જલમનો દંન ઈ નાતાળનું પરબ. આપડી દિવાળી જેવું. ચાર ખંડ ધરતીનું વશવાસી લોક વરસો વરસ આ પરબ ઉજવે. દેવળુંના ઘંટ વાગે, ભજનભગતી થાય, નાનાં છોકરાંવ નવા કોકા પે’રીને માં’લે. ધરતીને માથે સુખ શાંતિ થાય, ને માણસું તમામ હૈયાનાં ઝેરવેર, સંધાય વામીને એકબીજાં હાર્યે હૈયાભીનાં થાય ઈ સાટું એકએકને ખમાવે. છોકરાંવને સાટું તો આ નાતાળ કેટલાં ય વરસથી મોટો ભાભો થઈ ગ્યો છે. ઈશુ ભગતને ગભરુડાં બાળ બહુ વા’લાં હતાં. અટલેં આ નાતાળ ભાભો ભગતના જલમદંનની આગલી રાતેં ટાઢવેળાનો રૂ-રજાઈની ડગલી પેરીને ને ગોદડિયું વીંટીને વન વગડાનાં હરણિયાં જોડેલ ગાડીમાં વરસોવરસ નીકળી પડે. ગાડીમાં ગોળધાણા, સાકરટોપરાં, કાજુદરાખ ને સક્કરપારાની કોથળિયું ને મઠાઇયુંનાં પડા ખડક્યા હોય. પછેં ગામેગામનાં છોકરાંવ ઊંઘતાં હોય તી ટાણે મધરાતેં ઘરે ઘરે જઈને કોઢારાની ગમાણ્યુંમાં, ચૂલાની આગોઠ્યમાં, ભીંતનાં ગોખલામાં કે નેવાને ખપેડે, એવાં એ ઘરેઘરનાં ભૂલકાંભટુડાં સંધાવેં વાટકી, નળિયું, કોરું કોડિયું, જી કાંય મેલી રાખ્યું હોય તીમાં કાંય ને કાંય ઓલ્યાં પડીકા ને કોથળિયુંમાંથી કાઢીકાઢીને ભાભો સારાં શકનનું મેલી જાય! એકોએક છોકરાંવ જી વશવાસ રાખે તી સંધાયને સવારને પો’ર ઈ જડે. ચોકિયાત થઈને પારખાં લેવા સાટુ જાગરણ કરે ને બેશી રે, તીને ના જડે. ઈમ કાંય સાચાખોટાનાં પારખાં દેવુંનાં નો કરાય. ભાભો એવાં ચબાવલાં છોકરાંવનું ઘર તરીને હાલે.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) હા. ઈમ કાંય સાચાખોટાનાં પારખાં દેવુંનાં નો કરાય. દેવુંનાં તો દર્શન કરાય, પૂજા-અર્ચન કરાય. અત્યારે આપણી આ મુંબઈ નગરીમાં એક બાજુથી શિયાળાની શીત લહરો પ્રસરી છે, તો બીજી બાજુ જુદી જુદી ચર્ચમાંથી ઊઠતી પ્રભુ પ્રાર્થનાઓની સુરાવલીની ઉષ્મા ફેલાઈ રહી છે. અને ક્રિસમસથી નવા વરસ સુધીના દિવસો એટલે ભગવાન ઈશુને ભજવાના દિવસો.
પણ આ ખ્રિસ્તી ધર્મ મુંબઈમાં આવ્યો ક્યાંથી? ક્યારથી? સાધારણ રીતે ઘણાં માને છે કે અંગ્રેજો આવ્યા અને સાથે ખ્રિસ્તી ધર્મ લાવ્યા. પણ ના. આ ધર્મ તો ઘણો વહેલો અહીં આવી ગયો હતો. કોસ્માસ ઇન્ડિકોપ્લેસ્ટસ નામનો એક ગ્રીક વેપારી. વેપાર માટે રાતો સમુદ્ર અને હિન્દી મહાસાગર ખૂંદી વળેલો. દેશ દેશનાં પાણી પીધેલાં. પરિણામે જે અનુભવો થયા, જે જાણકારી મળી તેને આધારે લખ્યું સચિત્ર પુસ્તક ‘ક્રિશ્ચિયન ટોપોગ્રાફી’. આ પુસ્તક લખાયું ઈ.સ. ૫૫૦ની આસપાસ. હિન્દુસ્તાનની મુસાફરી દરમિયાન એ મુસાફરે પશ્ચિમ કાંઠાનાં ઘણાં બંદરની મુલાકાત લીધેલી. એ વખતે થાણા, કલ્યાણ, સોપારા, રેવ દાંડા વગેરે મોટાં બંદર. દેશી-પરદેશી વહાણો વિદેશ સુધી આવન-જાવન કરે. આ પ્રવાસીએ તેના પુસ્તકમાં લખ્યું છે કે કલ્યાણ બંદરે તેણે ખ્રિસ્તીઓની વસાહત જોઈ હતી અને તેમના બિશપની નિમણૂક પર્શિયાથી થતી હતી. એટલે કે છેક છઠ્ઠી સદીમાં પણ મુંબઈ નજીક ખ્રિસ્તીઓની વસતી હતી. એ પછી બીજો ઉલ્લેખ મળે છે ઈ.સ. ૧૩૨૧માં. ફ્રેંચ પાદરી જોર્ડાનસ ઓફ સેવેરાક નોંધે છે કે એ વખતે થાણામાં ૧૫ ખ્રિસ્તી કુટુંબો વસતાં હતાં. તે પોતે સોપારા(મૂળ નામ શૂર્પારક, આજનું નામ નાલાસોપારા)ની ખ્રિસ્તી વસાહતમાં રહી ધર્મપ્રચાર કરતા હતા.

રેવ દાંડા ચર્ચ – અસલ નહિ, આજનું
૧૫૩૪માં પોર્ટુગીઝોએ વસઈ, સાલસેટ, થાણા અને મુંબઈ પર કબજો જમાવ્યો. તેમનાં વહાણોમાં સૈનિકોની સાથોસાથ પાદરીઓ પણ હતા. આ પાદરીઓ આસપાસના મુલકમાં પથરાઈ ગયા અને વ્યવસ્થિત રીતે ધર્મપ્રચારનું કામ શરૂ કર્યું. તેમણે હિન્દુસ્તાનના પશ્ચિમ કિનારા પરનું સૌથી પહેલું પોર્ટુગીઝ ચર્ચ ચૌલ રેવ ડાંડા ખાતે ઊભું કર્યું. આ ચૌલ આવેલું આજના અલીબાગ નજીક. તેના કિલ્લાના અવશેષો માંડ બચ્યા છે. અસલ ચર્ચનું તો નામોનિશાન જોવા મળતું નથી. પણ એક નાનકડા ઝૂંપડા જેવા મકાન પર મરાઠીમાં લખેલું બોર્ડ ઝૂલે છે: माय-द-देऊस, चर्च रेवदंडा.

બોરીવલીનું ચર્ચ – અંદરથી
રેવદંડાથી સીધા જઈએ બોરીવલી. એક જમાનામાં અહીં બહુ મોટા પ્રમાણમાં બોરડીનાં ઝાડ હતાં. એટલે નામ પડ્યું બોરીવલી, એમ મનાય છે. ૧૫મી સદિથી ૧૭મી સદી સુધીમાં મરાઠીમાં લખાયેલ ગ્રંથ ‘મહિકાવતીચી બખર’માં बोरीवळी, बोरीयली ग्राम નામ જોવા મળે છે. એક જમાનામાં અહીં આદિવાસીઓ અને ઈસ્ટઇન્ડિયનોની મુખ્ય વસ્તી. આ બોરીવલીમાં છેક ૧૫૪૭માં Our Lady of Immaculate Conception Churuchની સ્થાપના થઈ હતી. આ ચર્ચ જ્યાં આવેલી છે તે માઉન્ટ પોઈસર એ વખતે આ આખા પ્રદેશનું મધ્યબિંદુ હતું. જો કે ૧૭૩૯થી આ ચર્ચની પડતી દશા થઈ હતી. આ વિસ્તાર પર મરાઠાઓએ ચડાઈ કરી ત્યારે તેમણે આ ચર્ચને જમીનદોસ્ત કરી નાખ્યું હતું. પછીનાં ૧૫૦ વરસ તે માત્ર ખંડિયેર બની રહ્યું હતું. ૧૮૮૮માં મૂળ ચર્ચના ખંડિયરો જેમનાં તેમ રાખીને તેની બાજુમાં ચર્ચનું નવું મકાન બાંધવામાં આવ્યું હતું. ફરી ૧૯૧૨ પછી તે મુંબઈનાં પરાંઓનું એક મહત્ત્વનું ચર્ચ બની રહ્યું છે.

વાંદરાનું ચર્ચ – અસલ અને આજે
મુંબઈના જૂનામાં જૂના ચર્ચમાં જેની ગણના થાય છે એવું એક ચર્ચ તે વાન્દરે(વાંદરા)માં દરિયા કિનારે આવેલ સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ. ૧૫૩૪માં વાંદરા પોર્ટુગીઝોના તાબામાં આવ્યું. ૧૫૬૮માં તેમણે તે પોર્ટુગીઝ પાદરીઓ(જેસુઈટ)ને સોંપ્યું. ૧૫૭૫ સુધીમાં એક ભવ્ય ચર્ચનું બાંધકામ શરૂ થઈ ગયું. એ જમાનામાં આ ચર્ચ બાંધવાનો અધધ ખરચ થયો હતો રૂપિયા ૪૫,૩૫૪. અને એ બધા પૈસા આપ્યા હતા એક અનામી શ્રદ્ધાળુ સ્ત્રીએ. બંધાયા પછી ઘણા વખત સુધી આ ચર્ચની ગણના મુંબઈના સૌથી મોટા અને ભવ્ય ચર્ચ તરીકે થતી હતી.

દાદર પોર્ટુગીઝ ચર્ચ – નવો અવતાર
મુંબઈનાં બીજાં બધાં ચર્ચ કરતાં બાહ્ય દેખાવમાં તદ્દન નોખું તરી આવે એવું એક ચર્ચ તે દાદરનું પોર્ટુગીઝ ચર્ચ. હાલની ઈમારતની ડિઝાઈન બનાવી હતી વિશ્વવિખ્યાત સ્થપતિ ચાર્લ્સ કોરિયાએ. ચર્ચની ઈમારતનાં મૂળભૂત તત્ત્વોને જાળવીને તેમણે આખા પરિસરને એકદમ મોર્ડન લૂક આપ્યો છે. આ નવી ઈમારત બાંધવાનું કામ ૧૯૭૪માં શરૂ થયું અને ૧૯૭૭માં પૂરું થયું. પણ આજની આ ઈમારત પાછળ ૪૦૦ કરતાં વધુ વરસોનો ઇતિહાસ રહેલો છે. એનું નામ ચર્ચ ઓફ અવાર લેડી ઓફ સાલવેશન. સ્થાપના થયેલી છેક ૧૫૯૬માં. પોર્ટુગીઝ ફ્રાનસિસકન સંપ્રદાયે બાંધેલું. જો કે કેટલાકને મતે તેની સ્થાપના ૧૫૧૨માં થયેલી, અને એટલે એ મુંબઈનું સૌથી જૂનું ચર્ચ છે.
હવે જઈએ કોલ્હે કલ્યાણ. મરાઠીમાં કોલ્હે એટલે શિયાળ. તેમની અહીં હતી ઝાઝી વસતી. ચોમાસામાં મીઠી નદી બેઉ કાંઠે ઊભરાતી હોય ત્યારે એમાં મગર પણ તણાઈ આવે. જે થોડાઘણા લોકો અહીં વસતા તે કાં ખેતી કરે, કાં માછીમારી. ઈ.સ. ૧૬૦૦ પછી એ જ મીઠી નદીમાં મછવાઓમાં બેસીને પોર્ટુગાલી પાદરીઓ અહીં આવ્યા. તેમણે અસલ નામ બદલીને નવું નામ રાખ્યું કાલીના. ફાધર માનોએલ દ મેથિયાસે ૧૬૦૬માં અહીં ‘ચર્ચ ઓફ અવર લેડી ઓફ ઈજિપ્ત’ની સ્થાપના કરી. ૧૮૮૨ના બોમ્બે ગેઝેટીઅરમાં જણાવ્યું છે કે આ ચર્ચનું મકાન ૯૧ ફૂટ લાંબું, ૪૦ ફૂટ પહોળું, અને ૨૯ ફૂટ ઊંચું હતું. જો કે પછીથી વખતોવખત અસલ ઈમારતમાં ફેરફાર થતા રહ્યા છે.
આજે એ સ્ટેશનની એકાદ ઈંટ પણ જોવા મળતી નથી, પણ એક જમાનામાં અંધેરીથી ટ્રોમ્બે જતી જી.આઈ.પી. રેલવેની સાલસેટ ટ્રોમ્બે રેલવે લાઈન પર કાલીના સ્ટેશન આવેલું હતું. જો કે આ લાઈન માત્ર છ વરસ જ ચાલી હતી. ૧૯૨૮માં તે શરૂ થઈ અને ૧૯૩૪માં બંધ થઈ. કારણ? સાંતાક્રુઝ એરપોર્ટ બાંધવા માટે એ જગ્યાની જરૂર હતી. પણ એ ટ્રેન ચાલુ હતી ત્યારે નવેમ્બરની શરૂઆતથી જાન્યુઆરીના અંત સુધી અંધેરી-સાંતાક્રુઝના પારસી જમીનદારો અને બીજા કેટલાક શેઠિયાઓ એ ટ્રેનમાં બેસીને શિયાળનો શિકાર કરવા કોલ્હે કલ્યાણ જતા. વહેલી સવારથી સવારના સાડા આઠ સુધી શિયાળનો શિકાર કરીને એ જ ટ્રેનમાં ઘરે પાછા આવતા.

મલબાર હિલ પરનું ચર્ચ
મુંબઈના ગવર્નર મલબાર હિલ રહેવા ગયા તે પછી બીજા પણ ઘણા અંગ્રેજ અમલદારો ત્યાં રહેતા થયા. એ વખતનું મલબાર હિલ એટલે અસ્સલ હિલ સ્ટેશન જોઈ લો. ચડતા-ઊતરતા ઢોળાવો ઉપર વાંકીચૂંકી કેડી જેવા રસ્તા. આજુબાજુ પુષ્કળ ખુલ્લી જગ્યાવાળા બંગલા. નોકર-ચાકરનું સુખ. પણ એક વાતનું મોટું દુ:ખ. ગોરા રહેવાસીઓએ રવિવારે પ્રાર્થના કરવા આઠ કિલો મીટર દૂર આવેલ એલ્ફિન્સ્ટન સર્કલ પાસેના સેન્ટ થોમસ કેથીડ્રલ સુધી જવું-આવવું પડે! ૧૮૮૦થી ૧૮૮૫ સુધી મુંબઈના ગવર્નર હતા સર જેમ્સ ફર્ગ્યુંસન (૧૮૩૨-૧૯૦૭). તેમણે અને તેમનાં પત્ની લેડીસાહેબાએ નક્કી કર્યું કે મલબાર હિલ પર જ એક ચર્ચ બાંધવું જોઈએ. રોયલ એન્જિનિયર્સના મેજર મન્ટને સોંપી જવાબદારી. લિટલ ગીબ્સ રોડ પર ૧૮૮૧માં ઓલ સેન્ટ્સ ચર્ચનું બાંધકામ શરૂ થયું. લેડી ફર્ગ્યુસનને હાથે પાયાનો પથ્થર મૂકાયો. અને ૧૮૮૨ના જાન્યુઆરીની ૧૬મી મેથી તે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકાયું. કાયદે આઝમ મહંમદ અલી ઝીણાની એકમાત્ર દીકરી દીના ઝીણાએ આ જ ચર્ચમાં ૧૯૩૮ના નવેમ્બરની ૧૬મી તારીખે નેવિલ વાડિયા સાથે લગ્ન કર્યાં હતાં. અને એક જમાનાની જાણીતી અભિનેત્રી પરવીન બાબીએ ૧૯૯૭ના જૂનની ૨૧મીએ આ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો.
આજની વાતની શરૂઆત આપણે કવિ ‘કાન્ત’ના એક કાવ્યની થોડી પંક્તિઓથી કરી હતી. અંતે પણ તેમના બીજા એક કાવ્યની પંક્તિઓ ગણગણીએ :
ઊંચાં પાણી મને આ સતાવે પિતા!
પ્રભુ તારક! સત્વર ઉધ્ધારી લ્યો!
મારાં પાપ તણો અરે પાર નથી:
મારા અંતરમાં કશો સાર નથી:
ભાવસાગરે અન્ય આધાર નથી:
પ્રભુ તારક! સત્ત્વર ઉધ્ધારી લ્યો!
ચાલો, આવજો ૨૦૨૫. ફરી મળીશું ૨૦૨૬ના પહેલા શનિવારે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 ડિસેમ્બર 2025
![]()

