Opinion Magazine
Number of visits: 9559331
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી —319

દીપક મહેતા|Opinion - Opinion|13 December 2025

રોયલ આલફ્રેડ સેલર્સ હોમ : એક ઈમારતના ત્રણ અવતાર            

ગયે શનિવારે પ્રિન્સની સાથોસાથ આપણી સવારી પણ વેલિન્ગટન સર્કલ સુધી આવી પહોંચી હતી. મુંબઈના રોકાણ દરમ્યાન પ્રિન્સ ઘણા દેશી રાજાઓને મળ્યા હતા – તેમના મહેલે કે ઉતારે જઈને. પ્રિન્સના આગમન ટાણે હાજર રહેવા વડોદરાના મહારાજા ખંડેરાવ બીજા ગાયકવાડ મુંબઈમાં તંબુ તાણીને રહ્યા હતા. મુંબઈના ગવર્નર સર વિલિયમ વેસી-ફિટઝીરાલ્ડને સાથે લઈને પ્રિન્સ ચાલ્યા વડોદરા નરેશને મળવા. પછી?

ગાયકવાડે માન આપીને, આપ્યો ડગલો એક,

જમ્બીઓ વળી જડેલ ઝવેરે, રકમ લાખ બે નેક.

સેલર શાહજાદાને નામે, સેલર હોમ બનાવવા. 

અરજ કરી વળી પથ્થર પહેલો, પ્રિન્સ પાસ ચણાવા.

પ્રિન્સની મુંબઈની મુલાકાતનું વર્ણન કરતું એક લાંબુ કાવ્ય ‘J.S.M. સ્વદેશી સુભેચ્છનાર’ તરફથી રચાઈને ‘સન્ડે રિવ્યુ’ પ્રેસમાં છપાવી પ્રગટ કરેલું (કિંમત બે આના) તેમાં ઉપરની પંક્તિઓ જોવા મળે છે. અલબત્ત, આવું દાન આપવાનું પહેલેથી જ નક્કી થઈ ગયું હોય. 

અને એટલે જ, બીજે દિવસે તો વડોદરા નરેશની હાજરીમાં પ્રિન્સે ‘રોયલ આલફ્રેડ સેલર્સ હોમ’ના મકાનનો પાયો પણ નાખી દીધો. પણ એ વાત સાંભળીએ એ જ કવિના શબ્દોમાં :

મેળો મોટો મળ્યો મેદાને આજ તો,

મળ્યા શેઠ સાઉકાર અને વિદ્વાન જો.

સેલર હોમ શરૂ કરી પાયો નાખવા,

ગાયકવાડને દેવા આદર-માન જો.

બજાર ગેટ નજીક જગા નક્કી થઈ,

શણગારી નિશાન સરસ બિછાને જો. 

તમાશગીર તણી તે ઠઠ થોડી નહિ,

પલટણ બેન્ડ ઊભું તિયાં આદર-માને જો.

તોપ તડાકા શાહજાદો આવે થયા,

ખુશાલીથી તીયાં પથર ચણીયો મહેલ જો.

(નોંધ : ઉપરની પંક્તિઓમાં લેખકની થોડી સરતચૂક થઈ છે. રોયલ આલ્ફ્રેડ સેલર્સ હોમ બાંધવા માટે જે જગ્યા પસંદ થઈ તે બજાર ગેટ નજીક નહિ, પણ એપોલો ગેટ નજીકની હતી.)

બંધાયા પછી થોડે વરસે લેવાયેલો સેલર્સ હોમનો ફોટો (રંગપૂરણી પછીથી કરેલી છે)

પ્રિન્સ મુંબઈમાં હતા ત્યારે GIP રેલવેની લોકલ ટ્રેનમાં પણ બેઠા હતા, અલબત્ત, ખાસ ટ્રેનમાં. તેમની મુલાકાત વખતે હજી ભોરઘાટનું કામ પૂરું થયું નહોતું. એ કામ જોવા તેઓ પેલા ‘આતી ક્યા ખંડાલા’ વાલા ખંડાલા ગયા હતા. સાથે હતા નામદાર ગવર્નર અને બીજા વીસેક જેટલા અધિકારીઓ. પહેલા તો ઘોડા ગાડીઓમાં બેસીને રસાલો પહોચ્યો પરળ સ્ટેશન. ત્યાં તેમને માટે ખાસ શણગારેલી સ્પેશિયલ ટ્રેન ઊભી હતી. સ્ટેશનનાં દરવાજા પાસે GIP રેલવેના અધિકારીઓએ પ્રિન્સનું અને ગવર્નરનું સ્વાગત કર્યું. સવારે લગભગ ૯ વાગે ટ્રેન ઊપડી. બપોરે સવા વાગે ખંડાલા પહોચી. ખંડાલા સ્ટેશન પર સર જમશેદજી જીજીભાઈએ પ્રિન્સ અને ગવર્નરનું સ્વાગત કર્યું. પ્રિન્સનો રસાલો સ્ટેશનેથી લંચ માટે સીધો સરસાહેબને બંગલે સીધાવ્યો. એ માટે સરસાહેબે પોતાની ચાર ઘોડાવાલી ગાડી અગાઉથી મુંબઈથી ખંડાલા મોકલી હતી. સરસાહેબને ઘરે જાને લગન હોય એ રીતે આખો બંગલો ધજા-પતાકા અને તોરણોથી શણગાર્યો હતો. જમ્યા પછી ભોર ઘાટનું કામ જોઇને બપોરે ત્રણ વાગે શાહી રસાલો ખાસ ટ્રેનમાં પાછો ફર્યો હતો. સ્પેશિયલ ટ્રેન સાંજે સાત વાગે પરેલ સ્ટેશને પહોચી. પાછા ફરતા પ્રિન્સે ખાસ આગ્રહ કરીને સર જમશેદજી જીજીભાઈને પોતાના ડબ્બામાં બેસાડ્યા હતા. 

પ્રિન્સની ટ્રેન ઊપડી પરળ સ્ટેશનેથી (ચિત્ર GIP રેલ્વેના સંગ્રહમાંથી)

પણ જેમ કાગડા બધે કાળા, તેમ સરકારો બધી સરખી. શું આજની કે શું અગાઉની, શું પોતીકી કે શું પારકી. પ્રિન્સને હાથે પાયાનો પથ્થર મૂકાઈ ગયો. વડોદરા નરેશને પ્રિન્સની સાથે બેસવાનું માન મળી ગયું. જેનો પાયાનો પથ્થર મૂકાઈ ગયો એ મકાન હવે બને કે નયે બને, શો ફરક પડે છે સરકારને! ૧૮૭૦ના માર્ચની ૨૦મી તારીખે પ્રિન્સ મુંબઈથી મદ્રાસ (હા ભઈ, આજનું ચેન્નાઈ) જવા નીકળી ગયા. જેનો પાયાનો પથ્થર મેં મૂકેલો તે મકાન બંધાઈ ગયું કે નહિ, એ જોવા પ્રિન્સ કાંઈ થોડા જ પાછા આવવાના છે. એટલે હવે, હાથી ચલત હૈ અપની રે ગત મેં … અને હા, એ વખતે દેશમાં ચૂંટણીઓ તો થતી જ નહિ. એટલે ચૂંટણી પહેલાં રાત-દિવસ એક કરીને, વેઠ વાળીને, આદર્યાં અધૂરાંને પૂરાં કરવાની ઉતાવળ કરવી પડતી નહિ! એટલે ૧૮૭૦માં પાયો નખાયા પછી ૧૮૭૨માં બાંધકામ શરૂ થયું અને ૧૮૭૬માં પૂરું થયું. પૂરા એક સો ખલાસીને રહેવા, ખાવા, પીવા(ના, એ ‘પીવા’ની નહિ હોં)ની સગવડ. ઉપરાંત બીજા વીસ અફસરો માટે રહેવાની લગભગ ઘર જેવી સગવડ. અને હા, પલંગમાં પડ્યા પડ્યા વાંચવું હોય તો લાઈબ્રેરી પણ ખરી. અને મકાનનું બાંધકામ કેવું? આવતે વરસે દોઢ સો વરસ પૂરાં થશે, તો ય અડીખમ ઊભું છે. એને ‘રિડેવલપમેન્ટ’ની જરૂર નથી પડી. પણ માંદાની માવજત માટે બંધાયેલું એટલે ભૂખડી બારસ જેવું મકાન નથી હોં! આગલા આખા ભાગમાં ઠેર ઠેર શિલ્પ, જેમાંનાં કેટલાંક ‘કોમિક’ પણ ખરાં. અને આ શિલ્પ બનાવેલાં સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસના ડિરેક્ટર લોકવૂડ કીપ્લિન્ગે. મકાનમાં જે લોખંડની નકશીદાર જાળીઓ જડી છે તે બનાવેલી એ જ સ્કૂલના બરજોરજી નવરોજીએ. અને આ મકાનનો જબરદસ્ત લોખંડી મુખ્ય દરવાજો સ્કોટલેન્ડની મેકફરલેન એન્ડ કંપનીએ બનાવેલો. 

પણ કહ્યું છે ને કે સમય સમય બળવાન હૈ. વખત જતાં આ મકાન જે કામ માટે બંધાયું હતું તે કામ ઓછું ને ઓછું થતું ગયું. એ વખતની મુંબઈ સરકારને ક્યારેક તો ગળે ઘંટીનું પડ બાંધ્યું હોય તેવું લાગતું. પણ બરાબર એ જ વખતે આ મકાનના નવા જન્મની તક ઊભી થઈ.

૧૯૩૫માં બ્રિટિશ સરકારે ‘ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ પસાર કર્યો. તેમાં અસલ બોમ્બે પ્રેસિડન્સીમાંથી સિંધને અલગ પાડી તેનો અલાયદો પ્રાંત (પ્રોવિન્સ) બનાવ્યો અને બાકીના હિસ્સાને બનાવ્યો બોમ્બે પ્રોવિન્સ. આ કાયદા હેઠળ ૧૯૩૭માં પહેલી વાર ધારાસભ્યો માટે ચૂંટણી કરવામાં આવી. એ ચૂંટણીમાં કાઁગ્રેસ પક્ષનો ભારે બહુમતીથી વિજય થયો. પણ કેટલાંક કારણોને લીધે તેણે પ્રધાન મંડળ રચવાની જવાબદારી સ્વીકારી નહિ. એટલે ગવર્નરે ધનજીશાહ કૂપરને મુખ્ય પ્રધાન થવા આમંત્રણ આપ્યું. તેમની ટીમના પ્રધાન મંડળના બીજા ત્રણ સભ્યો હતા જમનાદાસ મહેતા, સર સીદપ્પા કાંબળી, અને હુસેન અલી રહીમતુલ્લા. પણ આ સરકાર ઝાઝું ટકી નહિ. પછી બી.જી. ખેર પ્રાઈમ મિનિસ્ટર (એ વખતે ચીફ મિનિસ્ટરને પ્રાઈમ મિનિસ્ટર કહેતા) બન્યા. તેમના પ્રધાન મંડળમાં હતા કનૈયાલાલ મુનશી, અન્ના બાબાજી લાથે, મોરારજી દેસાઈ, મંચેરશાહ ગિલ્ડર, મહંમદ યાસીન નૂરી, અને લક્ષ્મણ માધવ પાટિલ. 

ચૂંટણી પછી ધારાસભા કહેતાં કાઉન્સિલની બેઠકો માટે મોટા મકાનની જરૂર ઊભી થઈ. અને બ્રિટિશ સરકારની નજરે ચડી સેલર્સ હોમની જાજરમાન ઈમારત. રાતોરાત ઈમારતમાં કેટલાક જરૂરી ફેરફાર કરી તેને જહાજના ખલાસીઓને બદલે રાજકારણના ખલાસીઓ જેવા વિધાન સભ્યોને લાયક બનાવ્યું. વિધાન સભાની બેઠકો માટે પાછલા ભાગમાં નવો હોલ પણ બાંધ્યો. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન થયા પછી આ મકાન બન્યું મહારાષ્ટ્રનું વિધાન ભવન. ૧૯૨૮થી ૧૯૮૨ સુધી તેનો ઉપયોગ વિધાન ભવન તરીકે થયો. 

વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને હાથે નવા વિધાન ભવનનું ઉદ્ઘાટન

પણ પછી આ મકાન નાનું પાડવા લાગ્યું. વળી નવું મંત્રાલય (એ વખતનું નામ ‘સચિવાલય’) અહીંથી દૂર, એટલે મંત્રીમહોદયોને અને લોકસેવકોને ઘણી આવનજાવન કરવી પડે. એટલે મંત્રાલયથી થોડે દૂર નવા વિધાનભવનનું બાંધકામ ૧૯૭૪ના મે મહિનાની ૨૭મી તારીખે શરૂ થયું. ૧૯૮૧ના એપ્રિલની ૧૯મી તારીખે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને હાથે તેનું ઉદ્ઘાટન થયું. મધપૂડા જેવા દેખાતા આ ઊંચા મકાનની એક વિશિષ્ટતા એ છે કે તેને ધરતીકંપથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એ અંગેની જાણકારી મેળવવા માટે એ વખતના જાહેર બાંધકામ ખાતાના પ્રધાન એસ.બી. ચવ્હાણે કેટલાક એન્જિનિયરોને મલએશિયા મોકલ્યા હતા. 

નવું વિધાન ભવન બંધાયા પછી પેલું સેલર્સ હોમવાળું મકાન ખાલી પડ્યું. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસની કચેરી એ મકાનમાં ખસેડાઈ. આ અંગે ઘણા લોકોના મનમાં ગૂંચવણ હોય છે એટલે થોડી સ્પષ્ટતા : અગાઉના સેલર્સ હોમમાં આવેલ DGPની ઓફીસ, અને ક્રાફર્ડ માર્કેટ પાસે આવેલી મુંબઈના પોલીસ કમિશનરની ઓફીસ એ બે જૂદી કચેરી છે. પહેલી તે આખા મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ ખાતાનું વડું મથક. બીજું તે મુંબઈ પોલીસનું વડું મથક. 

આ ડી.જી.પી. ઓફિસ અંગે બનેલો એક રમૂજી કિસ્સો ક્યારે ય ભૂલાતો નથી. એક જમાનામાં આ લખનાર ચર્ચગેટ પાસે આવેલી એક વિદેશી દૂતાવાસની કચેરીમાં કામ કરતો હતો. એ દેશથી જે વિદ્વાનો, નિષ્ણાતો, લેખકો, કલાકારો વગેરે મુંબઈ આવે તેમના કાર્યક્રમ મહારાષ્ટ્ર અને ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોએ ગોઠવવાનું કામ. એક વખત ગૂના શોધન વિજ્ઞાનના એક જાણકાર આવવાના હતા. તેમનું વ્યાખ્યાન ગોઠવવાની વિનંતી DGP ઓફિસે સ્વીકારી. વ્યાખ્યાનને દિવસે ઓફિસની મોટરમાં મહેમાન વક્તા, અમારા અમેરિકન ડિરેક્ટર, અને આ લખનાર નીકળ્યા. ફ્લોરા ફાઉન્ટનથી આગળ વધ્યા તો રસ્તાની બંને બાજુએ પોલીસનાં વાહનો લાઈનબંધ ઊભેલાં. આટલી બધી પોલીસ અહીં કેમ ખડકાઈ હશે એવી વિમાસણ થઈ. કાળા ઘોડા નજીક આવ્યા ત્યાં પોલીસે અમારી મોટર અટકાવી. કહે કે પોલીસનાં વાહનો સિવાયનાં વાહનોને આગળ જવાની પરવાનગી નથી. ‘એમ કેમ’ એમ પૂછ્યું તો કહે કે આજે અહીં કોઈક પરદેશી મહેમાનનું ભાષણ છે અને એ સાંભળવા DGP સાહેબે આખા રાજ્યમાંથી પોલીસ અધિકારીઓને બોલાવ્યા છે. અને એ મહેમાનની સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. 

આ બધી વાત મરાઠીમાં ચાલતી હતી. એટલે બંને અમેરિકનો વિમાસતા હતા કે આ બધું શું ચાલી રહ્યું છે. પણ વાત સાંભળીને આ લખનારને એ જ સમજાતું નહોતું કે હસવું કે રડવું? પણ આ સમય હસવા-રડવાનો નહિ, ઝડપથી ઉકેલ લાવવાનો હતો. એટલે પેલા પોલીસ અધિકારીને કહ્યું કે જે પરદેશી મહેમાન ભાષણ કરવા આવવાના છે, અને જેમની સલામતી માટે તમે ચુસ્ત બંદોબસ્ત કર્યો છે તે મહેમાનને લઈને જ અમે આવ્યા છીએ. અમે સમયસર નહિ પહોંચીએ તો આખા રાજ્યના પોલીસ અફસરો રાહ જોતા બેસી રહેશે. આ સાંભળી પેલા અફસરે તેના વોકીટોકી પર (એ વખતે હજી મોબાઈલ ફોનનું અવતરણ થયું નહોતું) કોઈક ઉચ્ચ અધિકારી સાથે વાત કરી અને પછી તરત અમને કહ્યું કે તમારી આગળ મારી જીપ પાઈલટ કાર તરીકે ચાલશે જેથી આગળ જતાં બીજું કોઈ તમને રોકે નહિ! અને એમ અમારો સંઘ કાશીએ, સોરી, DGP ઓફિસે પહોંચ્યો. 

પ્રિય વાચક! આપણા મુંબઈ વિશેની વાતોનો આ સંઘ હવે પછી ક્યાં પહોંચશે? ખબર પડશે આવતા શનિવારે.

e.mail ; deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 ડિસેમ્બર 2025 

Loading

13 December 2025 Vipool Kalyani
← સેલ્સમેનનો શરાબ

Search by

Opinion

  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved