Opinion Magazine
Number of visits: 9524213
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી —315

દીપક મહેતા|Opinion - Opinion|16 November 2025

જ્યારે મુંબઈ હતું ટાઉન હોલ વગરનું ટાઉન         

સોમવાર, ૨૬ નવેમ્બર ૧૮૦૪

સમય : સાંજના ચાર  

સ્થળ : પરળમાં આવેલો મુંબઈના નામદાર ગવર્નરનો બંગલો

ગવર્નર્સ હાઉસ, પરળ

આમ તો અહીં રોજ સરકારી અધિકારીઓની આવન-જાવન ચાલુ હોય. પણ આજે કૈંક વધુ હતી. કેટલાક અફસરો પાલખીમાં બેસીને આવ્યા હતા. તેમને દરવાજે ઉતારીને પાલખીઓ થોડે દૂર રાખેલી જગ્યાએ જઈને ઊભી રહેતી. તો કેટલાક અધિકારીઓ બે ઘોડાની ગાડીમાં આવ્યા હતા. એમની ગાડીઓને ઊભી રાખવા માટે પણ થોડે દૂર અલગ જગ્યા હતી. તો કેટલાક અફસરો – ખાસ કરીને લશ્કરના – ઉમદા જાતવાન ઘોડા પર સવાર થઈને આવ્યા હતા. તેમના ઘોડાઓને પણ થોડે દૂર અલાયદી જગ્યામાં લઈ જઈને રાખ્યા હતા. આ બધા આવ્યા હતા નામદાર ગવર્નર જોનાથન ડંકનના નોતરાને માન આપીને. ડંકનનો જન્મ ૧૭૫૬ના મે મહિનાની ૧૫મી તારીખે. ૧૭૯૫ના ડિસેમ્બરની ૨૭મી તારીખે બોમ્બેના ગવર્નર બન્યા. પૂરાં ૧૬ વરસ એ હોદ્દા પર રહ્યા. ૧૮૧૧ના ઓગસ્ટની ૧૧મી તારીખે મુંબઈમાં જ તેમનું અવસાન થયું ત્યાં સુધી ગવર્નરના હોદ્દા પર રહ્યા. રાજકારણ ઉપરાંત હિન્દુસ્તાનના લોકો અને તેમની રહેણીકરણી, વિચારો વગેરેમાં હતો રસ. મુંબઈના બહુ જૂના રસ્તાઓમાંના એક રસ્તા સાથે તેમનું નામ જોડાયું હતું : ડંકન રોડ. આ રસ્તો એ વખતના બેલાસિસ રોડ અને ફોકલેન્ડ રોડને જોડતો હતો. આ ઉપરાંત મુંબઈમાં હતા ડંકન કોઝવે (સાયન કોઝવે), ડંકન ડોક (કોટ વિસ્તારમાં) અને ડંકન માર્કેટ (શેખ મેમણ સ્ટ્રીટમાં આવેલી). નવાઈની વાત એ છે કે વખતોવખતની ‘અંગ્રેજોનાં નામ હટાવો’ની ઝુંબેશ ચાલતી હોવા છતાં આજ સુધી ‘ડંકન રોડ’ અને ‘ડંકન ડોક’ એ બે નામ બચી ગયાં છે.  

ગવર્નર જોનાથન ડંકન (ચિત્ર)

એ વખતે મુંબઈની સર્વોચ્ચ અદાલત ‘રેકોર્ડર્સ કોર્ટ’ તરીકે ઓળખાતી. તેના જજ હતા સર જેમ્સ મેકિનટોશ. જન્મ ૧૭૬૫ના ઓક્ટોબરની ૨૫મી તારીખે. અવસાન ૧૮૩૨ના મે મહિનાની ૩૦મી તારીખે. ગજબની ખોપડી! પહેલાં ડોક્ટરનું ભણ્યા, પછી કાયદો ભણી બેરિસ્ટર થયા, અખબારોમાં પત્રકાર તરીકે કામ કર્યું, પ્રોફેસર બન્યા, ફ્રેંચ રેવોલ્યુશન વિષે ઊંડા અભ્યાસ પછી પુસ્તક લખ્યું. દાક્તરી છોડી વકીલ બન્યા. સર સાહેબ બન્યા પછી બોમ્બેની રેકોર્ડર્સ કોર્ટ’ના જજ નિમાયા. મુંબઈથી સ્વદેશ પાછા ગયા પછી ૧૮૧૩માં ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના સભ્ય બન્યા. ૧૮૧૮થી ૧૮૨૪ સુધી કાયદાના પ્રોફેસર બન્યા. ૧૮૩૦માં તેમની નિમણૂક ‘કમિશનર ફોર ધ અફેર્સ ઓફ ઇન્ડિયા’ તરીકે થઈ. પણ પછી એક દિવસ ઘરે જમવા બેઠા હતા. ચિકનનો સ્વાદ માણતા હતા. પણ કમનસીબે ચીકનનું હાડકું ગળામાં અટકી ગયું. શ્વાસ બંધ. તાબડતોબ હોસ્પિટલ લઈ જઈ ઓપરેશન તો કર્યું, અને ગળામાં અટકેલું હાડકું કાઢી નાખ્યું. પણ એ પછી તેમણે પથારી ન છોડી. ૧૮૩૨ના મે મહિનાની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું. 

સર જેમ્સ મેકિનટોશ

આ જજ મેકિનટોશે નામદાર ગવર્નર ડંકનને સૂચન કર્યું કે જે દેશ પર આપણે રાજ કરીએ છીએ તેના લોકો, તેમનાં ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય અને બીજી કલાઓ, શિલ્પ-સ્થાપત્ય વગેરેમાં જેમને રસ હોય તેવા અંગ્રેજોની એક મંડળી શરૂ કરવી જોઈએ. આ મંડળીના સભ્યો હિન્દુસ્તાન વિષે અભ્યાસ કરે, તેના વિષે ભાષણો કરે, લેખો લખે. ગવર્નરસાહેબને ગળે આ વાત શીરાના કોળિયાની જેમ ઊતરી ગઈ. અને કહે કે આવો રસ ધરાવતા બધાને ગવર્નર હાઉસમાં બોલાવીને એક મંડળી શરૂ કરીએ. આવા લોકોની યાદી બનાવી મેકિનટોશે, નોતરાં મોકલ્યાં ગવર્નર ડંકને. 

ગવર્નરનાં ટૂંકા આવકાર પછી મેકિનટોશે પોતાની દરખાસ્ત રજૂ કરી. હાજર રહેલા સૌએ તેને વધાવી લીધી. પણ કોઈએ પૂછ્યું : આ મંડળીનું નામ શું રાખશું? મેકિનટોશ : ‘લિટરરી સોસાયટી ઓફ બોમ્બે.’ હા, હિન્દુસ્તાનની આ પ્રકારની આ પહેલી સોસાયટી નહોતી. વીસ વરસ પહેલાં સર વિલિયમ જોન્સે કલકતામાં ધ એશિયાટિક સોસાયટી ઓફ બેન્ગાલ શરૂ કરી હતી. 

મેકિનટોશે સ્થાપેલી સોસાયટીએ પહેલું કામ કર્યું અગાઉ શરૂ થયેલી લાઈબ્રેરી ખરીદવાનું. ૧૭૮૯માં શરૂ થયેલી એ લાઈબ્રેરીમાં મુખ્યત્વે વૈદક અને સાહિત્યનાં પુસ્તકો હતાં. આ મંડળીના સભ્યો અવારનવાર મેકિનટોશને ઘરે મળતા, પોતાનાં સંશોધનો વિષે ચર્ચા કરતા કે ‘પેપર’ વાંચતા. વાત હિન્દુસ્તાનની કરતા, પણ સોસાયટીમાં કોઈ હિન્દુસ્તાની દાખલ થઈ શકતો નહિ. સોસાયટી હતી માત્ર ગોરા અભ્યાસીઓ માટે. 

પોતાની જગ્યા વગર સોસાયટી ફૂલીફાલી નહિ શકે એ વાત મેકિનટોશ બરાબર જાણતા હતા. પણ એ માટે યોગ્ય તકની રાહ જોતા હતા. પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને યરપના દેશોમાં, નાના-મોટા શહેરોમાં ટાઉન હોલનું ઘણું મહત્ત્વ. યરપનો સૌથી જૂનો ટાઉન હોલ ઇટલીના રોમમાં બંધાયો હતો, ઈ.સ. ૧૧૪૪માં. અલબત્ત, પછીથી વખતોવખત તેમાં સુધારા-વધારા થતા રહ્યા. જ્યારે એને લગભગ નવેસરથી બાંધવાનું નક્કી થયું ત્યારે તેની ડિઝાઈન બનાવી હતી બીજા કોઈએ નહિ, ખુદ માઈકલ એન્જેલોએ. મેકિનટોશ બોમ્બે આવ્યા ત્યાં સુધી જેને ખરા અર્થમાં ટાઉન હોલ કહી શકાય એવું કશું મુંબઈમાં નહોતું. કોક સરકારી મકાનમાં એકાદ મોટો ઓરડો ખાલી પડ્યો હોય તો તેને ‘ટાઉન હોલ’ નામ આપી દેતા. મોટે ભાગે જે મકાનમાં કોર્ટ હોય તે મકાનમાં આવો કોઈ ઓરડો હોય તેને ટાઉન હોલ નામ આપી દેતા.

યરપનો સૌથી જૂનો ટાઉન હોલ, રોમ. સ્થપતિ માઈકલ એન્જેલો

૧૮૧૧ના ઓક્ટોબરની ૧૦મી તારીખે જજ મેકિનટોશે મુંબઈ સરકારને એક પત્ર લખ્યો : “બોમ્બેમાં વસતા અગ્રણી બ્રિટિશ લોકોની લાગણી અને માગની રજૂ કરવા આ પત્ર આપને લખી રહ્યો છું. મુંબઈ શહેર બીજી ઘણી બાબતોમાં સમૃદ્ધ છે. પણ અહીં એક બહુ મોટી ખોટ છે. જ્યાં શહેરના લોકોની સભાઓ ભરી શકાય, કે જ્યાં તેમને માટે મનોરંજનના કાર્યક્રમો ગોઠવી શકાય એવી જગ્યા, એટલે કે ‘ટાઉન હોલ’ની ખોટ ઘણા લાંબા સમયથી વરતાય છે. બ્રિટિશ સામ્રાજ્યના એક ઝળકતા તારા જેવા મુંબઈ શહેર માટે આ હકીકત લાંછનરૂપ ગણાય. અત્યારે એવો સમય છે અને એવી તક છે કે જો સરકાર સહાય કરવા તૈયાર થાય તો મુંબઈ જેવા શહેરને શોભે એવો ટાઉન હોલ બાંધી શકાય. આવો ટાઉન હોલ બાંધવા પાછળ એક લાખ રૂપિયા (પ્રિય વાચક, આ છાપભૂલ નથી જ) જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચને પહોંચી વળવા માટે જરૂરી રકમ કઈ રીતે ઊભી કરવી એ અંગે પણ અમે વિચાર્યું છે. ૧. કોટન ગ્રીનમાં માર્ક્વીસ કોર્નવોલીસનું પૂતળું ઊભું કરવા માટે એક સમિતિ રચાઈ હતી. એ પૂતળું બનાવરાવ્યા પછી સમિતિ પાસે જે રકમ વધી છે તેમાંથી તેઓ ટાઉન હોલની ઈમારત બાંધવા માટે ૨૦ હજાર રૂપિયા આપવા તૈયાર છે. અલબત્ત, એવી શરત સાથે કે એ પૂતળું ટાઉન હોલમાં મૂકવામાં આવે. લિટરરી સોસાયટી ઓફ બોમ્બે પણ ટાઉન હોલ બાંધવા માટે દસ હજાર રૂપિયા આપવા તૈયાર છે. અલબત્ત, બદલામાં તેની ઓફિસ અને લાઈબ્રેરી માટે ટાઉન હોલમાં જગ્યા ફાળવવાની શરતે. ૩. છેલ્લાં કેટલાંક વરસથી મુંબઈ સરકાર કલકત્તા સરકારની ૪૦૦ રૂપિયાની લોટરી દર વરસે ખરીદે છે. આ રકમ કલકત્તા શહેરના વિકાસ પાછળ ખરચાય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કલકત્તા સરકાર ફક્ત એક વખત તેની લોટરીની આવકમાંથી મહીને એક હજાર રૂપિયા લેખે વીસ મહિનામાં વીસ હજાર રૂપિયા રાજીખુશીથી મુંબઈ સરકારને આપશે એમ અમે માનીએ છીએ. ૪. આ ઉપરાંત મુંબઈ સરકાર પણ ઉદારતાપૂર્વક પોતાના ફાળા તરીકે દસ હજાર રૂપિયા આપશે એવી અમે આશા રાખીએ છીએ. અત્યારે જો આટલી રકમની વ્યવસ્થા થઈ જાય તો ટાઉન હોલનું બંધકામ તરત જ શરૂ થઈ શકે તેમ છે. બ્રિટિશ સામ્રાજ્યની પ્રતિષ્ઠામાં વધારો કરે તેવી તેની ડિઝાઈન મેજર કૂપર તૈયાર કરી આપશે અને ટાઉન હોલના બાંધકામ પર પણ તેઓ પોતે દેખરેખ રાખશે. મારી આ દરખાસ્તનો સવેળા જવાબ આપના તરફથી મળશે એવી આશા રાખવામાં હું કોઈ અવિનય કરતો નહિ હોઉં એમ માનું છું.” 

મેકિનટોશે આશા રાખી હતી તેમ ૧૮૧૧ના ઓક્ટોબરની ૧૫મી તારીખે મુંબઈ સરકારે આ પત્ર વિચારણા માટે હાથ ધર્યો. વિચારણા કર્યા પછી ભલામણ સાથે કલકત્તાના ફોર્ટ વિલિયમ ખાતે ગવર્નર જનરલને મોકલી આપ્યો. (એ વખતે કલકત્તા સરકારના વડા હિન્દુસ્તાનના ગવર્નર જનરલનો હોદ્દો પણ ધરાવતા, અને બોમ્બે અને મદ્રાસના ગવર્નર તેમના હાથ નીચે ગણાતા.) ૧૮૧૧ના ડિસેમ્બરની ૧૦મી તારીખે મુંબઈ સરકારને જવાબ આપતા પત્રમાં ગવર્નર જનરલે લખ્યું કે આપની દરખાસ્ત પર અમે પૂરેપૂરી સહાનુભૂતિપૂર્વક વિચાર કર્યો છે. પણ અત્યારે દર મહીને જેટલી લોટરી ટિકિટ વેચાય છે તેના કરતાં વધુ ટિકિટ વેચી શકાય એમ અમને લાગતું નથી. અને એટલે બોમ્બેના ટાઉન હોલના બંધકામ માટે અમે કોઈ રકમ ફાળવી શકીએ એમ નથી. 

કલકત્તા સરકારે પૈસા આપવા અંગે નનૈયો ભણી દીધો છે એ ખબર ફેલાયા પછી ૧૮૧૨ના એપ્રિલની ૧૧મી તારીખે મેસર્સ ફોર્બ્સ એન્ડ કંપની અને મેસર્સ બ્રૂસ ફોસેટ એન્ડ કંપનીએ સાથે મળીને મુંબઈ સરકારને એક પત્ર લખી ટાઉન હોલના ખર્ચને પહોંચી વળવા માટે લોટરી શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી. દર મહિનાની પહેલી તારીખે એક સો રૂપિયાની કિમતની ૨,૪૦૦ લોટરી બહાર પાડવી અને તેમાંથી પહેલું ઇનામ એક લાખ રૂપિયાનું (એ વખતે ઘણી મોટી રકમ) અને બીજાં ઓછી રકમનાં ઇનામ આપ્યા પછી બાકીની બધી રકમ ટાઉન હોલના બાંધકામ માટે વાપરવી. 

આ દરખાસ્ત અંગે વિચાર કર્યા પછી મુંબઈ સરકારે બે વરસ માટે તે સ્વીકારી અને લોટરીના આયોજન પર દેખરેખ રાખવા વિલિયમ ટેલર મની, રિચાર્ડ ટોરીન, ઓ. વૂડહાઉસ, જેમ્સ ગાથર્ન રેમિન્ગટન, જોન કે, અને વિલિયમ …ની કમિશનર્સ તરીકે નિમણૂક કરી. અલબત્ત, સરકારે ઇનામોની સંખ્યામાં થોડો ઘટાડો કર્યો. પહેલી લોટરીને ધાર્યા કરતાં ઘણી વધુ સફળતા મળી. એટલે થોડા વખત પછી બીજી વખત લોટરી બહાર પડાઈ. પણ તે દરમ્યાન સરકારના જ કેટલાક અધિકારીઓએ નૈતિક કારણોને લીધે સરકાર લોટરી બહાર પાડે એ સામે વાંધો લીધો. તો કેટલાકે લોટરીના ખરચ અંગેના હિસાબો અંગે શંકા વ્યક્ત કરી. ખાસ્સી લાંબી ચાલેલી ચર્ચાને અંતે લોટરી માટે રચાયેલી કમિટિએ લોટરી છાપામાં જાહેર ખબર છપાવીને લોટરી ખરીદનારાઓને પૈસા પાછા આપી દીધા! એટલે ટાઉન હોલ બાંધવાની દરખાસ્ત હતી ત્યાંની ત્યાં. 

તો પછી ટાઉન હોલ બંધાયો કઈ રીતે? એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 15 નવેમ્બર 2025 

Loading

16 November 2025 Vipool Kalyani
← યુદ્ધ રોકવા સેક્સની હડતાળ!
‘15, પાર્ક એવન્યુ’: ખોવાયેલા આશ્રયની શાશ્વત શોધ  →

Search by

Opinion

  • ચલા મુરારી હીરો બનને : ‘કોમેડિયન’ની ‘હીરો’ બનવાના સંઘર્ષની કહાની
  • ‘15, પાર્ક એવન્યુ’: ખોવાયેલા આશ્રયની શાશ્વત શોધ 
  • યુદ્ધ રોકવા સેક્સની હડતાળ!
  • સમાધાનોમાં સુખનું સરનામું છે
  • તુમ જો હુએ મેરે હમસફર, રસ્તે બદલ ગયે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved