Opinion Magazine
Number of visits: 9513373
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—314 

દીપક મહેતા|Opinion - Opinion|8 November 2025

એક ઈમારતના અનેક અવતાર : સરકારી કોર્ટ–કચેરી, હોટેલ, ખાનગી ઓફિસો         

ખાનગી માલિકીનું, જાહેર વપરાશ માટેનું (પણ ધર્મસ્થાન નહિ), એવું મુંબઈનું સૌથી જૂનું, પણ આજે ય ઊભું હોય, એવું મકાન કયું? એક હિન્ટ : આપણું ટાઈમ મશીન બોમ્બેના ઝીરો પોઈન્ટ સેન્ટ થોમસ કેથીડ્રલ નજીક ઊતરેલું. એ જગ્યાથી થોડે દૂર આવેલું છે એ મકાન. એનું આજનું નામ છે ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગ. હેરિટેજ મકાનોની જાળવણી અંગેની સભાનતા આપણે ત્યાં આવી એ પહેલાં જ આ મકાનને માથે ઘણી વીતી ચૂકી છે. આજે ભોંયતળિયે અપ માર્કેટ સ્ટોર આવેલો છે. ઉપરના માળમાં નાની મોટી ઓફિસો આવેલી છે. મકાનનો ઉપલો માલ રહેઠાણ માટે વપરાતો હશે એમ લાગે છે કારણ એ માળની બહાર રોજે રોજ કપડાં સૂકાતાં હોય છે. હા, એના ભૂતકાળની યાદ આપતી એક તકતી પ્રવેશ દ્વાર આગળ ચોડી છે. પણ તેમાંની હકીકતો ઊણી અને અધૂરી છે. 

ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગ – આજે

સાધારણ રીતે એમ મનાય છે કે મુંબઈના ગવર્નર વિલિયમ હોર્નબી (૧૭૨૩-૧૮૦૩) આ ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગમાં રહેતા હતા. ૧૭૭૧થી ૧૭૮૪ સુધી તેઓ મુંબઈના ગવર્નર હતા. લંડનમાં બેઠેલા ડાયરેકટરોની મરજી વિરુદ્ધ જઈને તેમણે મહાલક્ષ્મી પાસે હોર્ન્બી વેલાર્ડનું બાંધકામ કરાવ્યું હતું. કોટ વિસ્તારના એક મુખ્ય રસ્તા સાથે પણ તેમનું નામ જોડવામાં આવ્યું હતું. હોર્ન્બી રોડ. આજનું નામ દાદાભાઈ નવરોજી રોડ. પણ બોમ્બે ગવર્નમેન્ટના સરકારી દફતરના ચોપડાનાં પાનાં ઉથલાવતાં કૈંક જુદી જ વાત જાણવા મળે છે. ૧૭૪૮-૧૭૪૯માં જ્યોર્જ ક્રિગ્સ અને માઈકલ રસોર આ મકાનના માલિકો હતા. ૧૭૫૭-૧૭૫૮માં મિસ્ટર ક્રિગ્સે પોતાનો હિસ્સો જોન બાપ્તિસ્તાને વેચી નાખ્યો. ૧૭૭૧-૧૭૭૨માં ગવર્નર હોર્ન્બીએ આ આખું મકાન ખરીદી લીધું હતું. જો કે હોર્ન્બી પોતે આ મકાનમાં રહ્યા હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. બલકે તેઓ થોડો વખત મિસ્ટર સ્પેન્સરના મકાનમાં રહ્યા હતા એવી ચોક્કસ માહિતી મળે છે. એ મકાન એપોલો સ્ટ્રીટ પર આવેલું હતું અને પાછળથી થોડા વખત માટે એ મકાનમાં સરકારનું સેક્રેટરીએટ ખસેડવામાં આવ્યું હતું. બનવા જોગ છે કે એપોલો સ્ટ્રીટના મકાનનો ઉપયોગ સેક્રેટરીએટ તરીકે કરવામાં આવ્યો તે પછી કામચલાઉ ધોરણે કોઈ ગવર્નર ગ્રેટ વેસ્ટર્ન હાઉસમાં રહ્યા હોય. ૧૭૬૪થી ૧૭૮૧ સુધી અવારનવાર બ્રિટિશ લશ્કરના એડમિરલ ગ્રેટ વેસ્ટર્ન હાઉસમાં રહેતા હતા. ૧૭૮૧માં આ મકાનને હોસ્પિટલ બનાવવાની દરખાસ્ત વિલિયમ ટેનન્ટ, જેમ્સ બોન્ડ, સામ રિચાર્ડસન, અને જ્યોર્જ બીચ નામના ચાર ડોક્ટરોએ સરકાર પાસે રજૂ કરી હતી. પણ તે સ્વીકારાઈ નહોતી. બલકે ૧૭૮૨ના ઓક્ટોબરની ૨૫મી તારીખે સરકારે આ મકાન હોર્નબી પાસેથી મહિને ૨,૦૦૦ રૂપિયાના ભાડે લીધું હતું, નેવીના એડમિરલને રહેવા માટે. ૧૭૮૬માં સરકારે બજાર ગેટ કોર્ટ હાઉસ હરજીવન સિરપાટને વેચી દીધું અને મેયર્સ કોર્ટને ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગમાં ખસેડી. પણ બે વરસ પછી સર આર્કિબાલ્ડ કેમ્પબેલ અને તેમના અફસરોને રહેવાની જગ્યા કરવા માટે મેયર્સ કોર્ટને ત્યાંથી હટાવીને બીજે લઈ ગયા. ૧૭૯૮ સુધી સરકાર દર વરસે નવો કરાર કરીને આ મકાન ભાડે રાખતી હતી. ઈ.સ. ૧૮૦૦ના એપ્રિલથી રેકોર્ડર્સ કોર્ટને ફરી હોર્ન્બી હાઉસમાં ખસેડવામાં આવી. ૧૮૨૭-૧૮૨૮માં ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગની માલિકી જોન હોર્નબીને નામે તબદિલ થઈ હતી. તે પછી છેક ૧૮૭૮-૧૮૭૯માં ગવર્નર હોર્નબીના વારસો પાસેથી આલ્બર્ટ અબ્દુલ્લા ડેવિડ સાસૂને આ મકાન ૩,૮૫,૦૦૦ રૂપિયામાં ખરીદી લીધું હતું.  ઈ.સ. ૧૮૦૦થી ૧૮૨૪ સુધી રેકોર્ડર્સ કોર્ટ આ જ મકાનમાં કામ કરતી હતી. ૧૮૨૪ના મે મહિનાની ૮મી તારીખે રેકોર્ડર્સ કોર્ટ બોમ્બે પ્રેસિડન્સીની સુપ્રિમ કોર્ટ બની હતી. તે પછી પણ એ આ જ મકાનમાં કામ કરતી હતી. ૧૮૬૨ના ઓગસ્ટની ૧૪મીથી એ કોર્ટ બોમ્બે હાઈ કોર્ટ બની. બોમ્બે હાઈ કોર્ટનો ઉદ્ઘાટન વિધિ એશિયાટિક સોસાયટીના મકાનમાં આવેલા ટાઉન હોલમાં થયો હતો પણ બીજા દિવસથી તેણે કામકાજ શરૂ કર્યું તે આ ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગમાં. ૧૮૭૯ના માર્ચની પહેલી તારીખે કોટ વિસ્તારમાં બંધાયેલા નવા મકાનમાં બોમ્બે હાઈ કોર્ટ ખસેડાઈ. જે આજ સુધી ત્યાં કામ કરી રહી છે. બોમ્બે હાઈ કોર્ટે આ મકાન ખાલી કર્યું તે પછી ૧૮૮૩માં સાસૂન કુટુંબે ત્યાં ગ્રેટ વેસ્ટર્ન હોટેલ શરૂ કરી હતી. એ વખતે પાછળની ખુલ્લી જગ્યામાં પાંચ માળની નવી ઈમારત બાંધવામાં આવી. એ વખતના જાણીતા સ્થપતિ એમ.એન. ચાંદાભોયે તે માટેનો પ્લાન બનાવ્યો હતો અને બાંધકામ પર દેખરેખ પણ રાખી હતી. આ મકાનની અસલ બાંધણીમાં પ્રવેશ દ્વાર આગળ મોટો પોર્ચ હતો. પણ થોડાં વરસ પછી એ રસ્તો પહોળો કરવાનું કામ શરૂ થયું. તેમાં એ પોર્ચ વચમાં આવતો હતો એટલે તોડી પાડવામાં આવ્યો.  

ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગની બહાર ચોડેલી આરસની તક્તી

હા, હજી એક કોયડો વણઉકેલ્યો રહે છે : ગવર્નર હોર્નબીએ આ મકાન શા માટે ખરીદ્યું હશે?  કારણ કોઈ ગવર્નર કાયમ માટે મુંબઈ રહે એવું તો બન્યું નથી. વહેળલા-મોડા દરેક ગવર્નર પાછા ગ્રેટ બ્રિટન જતા જ. ૧૭૭૧માં તેઓ ગવર્નર તરીકે મુંબઈ આવ્યા પછી એક-બે વરસમાં આ મકાન તેઓ શા માટે ખરીદે એ સમજવું મુશ્કેલ છે. કોટ વિસ્તાર છોડીને પરળ ખાતે આવેલા નવા ગવર્નર્સ હાઉસમાં રહેવા જનાર પહેલા ગવર્નર આ હોર્નબી હતા. પણ બીજી બાજુ, સરકારી દફતરો ઉથલાવતાં પાકી માહિતી મળે છે કે આ ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગના માલિક હતા વિલિયમ હોર્નબી. મુંબઈના કલેકટરના ભાડુઆતોના રજિસ્ટરમાં ૧૭૭૧-૧૭૭૨ દરમ્યાન પહેલી વાર આ મકાનના માલિક તરીકે વિલિયમ હોર્નબીનું નામ જોવા મળે છે. (કાનૂની દૃષ્ટિએ આજે પણ કલેકટરની માલિકીની જમીન પર આવેલા મકાનમાં રહેનારાઓ કલેક્ટરના ભાડૂત ગણાય છે.) વળી ૧૭૮૨ના ઓક્ટોબરમાં મહીને ૨૦૦૦ રૂપિયાના ભાડે દસ વરસ માટે સરકારે આ મકાન હોર્ન્બી પાસેથી ભાડે લીધું અને એડમિરલ્ટી હાઉસ તરીકે વાપરવાનું શરૂ કર્યું. ૧૭૮૬માં આ મકાનના એક ભાગમાં અદાલત (કોર્ટ હાઉસ) શરૂ કરવામાં આવી અને બાકીના ભાગનો ઉપયોગ મેયર્સ કોર્ટની ફાઈલો રાખવા માટે કરવામાં આવ્યો. પણ ૧૭૮૮માં કોર્ટને ત્યાંથી કાઢીને એ જગ્યા બ્રિટિશ લશ્કરની ૭૧મી રેજિમેન્ટના અફસરોને રહેણાક માટે આપવામાં આવી. 

સેન્ટ એન્ડ્રુઝ કથીડ્રલ અને ગ્રેટ વેસ્ટર્ન હોટેલની વચમાં આવેલું આઈસ હાઉસ

ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગના જૂના ફોટા જોઈએ તો તેની બાજુમાં એક વિચિત્ર લાગતી ઈમારત દેખાય છે. ફોટામાં દેખાતી એ ઈમારત ગુંબજવાળી છે. તેની દીવાલો ઘણી જાડી છે અને તેમાં એક પણ બારી નથી. અરે! ઈમારતમાં દાખલ થવાનો દરવાજો પણ દેખાતો નથી. અને ના, એ શિવલિંગ તો નથી જ. પણ શિવજીનું નિવાસસ્થાન હિમાલય. હિમ કહેતાં બરફનું આલય, એટલે કે નિવાસસ્થાન. તો આ અજબ જેવું લાગતું મકાન પણ હતું હિમનું આલય, ઉર્ફે બરફઘર. રસ્તાની સામી બાજુ ડોકયાર્ડ. આજે કોઈના માન્યામાં વાત ન આવે, પણ ૧૮૪૩ પહેલાં મુંબઈ જેવા મુંબઈમાં બરફ અજાણ્યો હતો. ૧૮૪૩માં પહેલી વાર અમેરિકાથી બરફ મુંબઈ લાવવામાં આવ્યો, દરિયાઈ માર્ગે. એ બરફને સંઘરવા માટે ડોકયાર્ડની સામે અને ગ્રેટ વેસ્ટર્ન હોટેલની બાજુમાં બંધાયું આ બરફ ઘર. બહારની ગરમીથી બરફ ઝટ પીગળી ન જાય એટલે આ ઈમારતમાં એક પણ બારી નહોતી. એક માત્ર બારણું ઉપરના ભાગમાં હતું (જે ફોટામાં નથી દેખાતું.) એ બારણાની અડોઅડ દીવાલની બહારની અને અંદરની બાજુએ પગથિયાં હતાં. ડોકયાર્ડથી બળદ ગાડામાં આવેલા બરફ ભરેલા જાડા શણના કોથળા મજૂરો પહેલાં ઉપર ચડાવતા અને પછી પેલા ઉપરના બારણાથી નીચે જતી સીડી મારફત બરફ ભરેલા કોથળા  અંદર ઉતારીને એક ઉપર એક ખડકતા. બધો બરફ આ રીતે આઈસ હાઉસમાં ભરાઈ જાય એટલે પેલું એકમાત્ર બારણું બંધ! પછી બરફ વેચવો હોય ત્યારે એ બારણું ખૂલે. અમેરિકાથી બરફ ‘એક્સપોર્ટ’ કરવાનો ઈજારો એકમાત્ર ફ્રેડરિક ટ્યૂડર નામના અમીર પાસે હતો. બરફના આ ધંધામાં તે એટલું કમાયો કે તે ‘આઈસ કિંગ’ તરીકે ઓળખાવા લાગ્યો. 

મુંબઈના ગવર્નર વિલિયમ હોર્નબી

આ આયાતી બરફ સાથે એક ગમતીલો કિસ્સો જોડાયેલો છે. પશ્ચિમની કોઈ પણ વસ્તુ, વિચાર, રહેણીકરણી, વગેરે અપનાવવામાં હંમેશાં પારસીઓ પહેલા હોય. પહેલવહેલો બરફ મુંબઈના આઈસ હાઉસમાં પહોંચ્યો એના એક-બે દિવસ પછી સર જમશેદજી જીજીભાઈએ પોતાને ઘરે મિજબાની રાખી, અને ઘણા બધા લોકોને નોતર્યા. પેલા આયાતી બરફની મદદથી બનાવ્યું ઠંડા ઠંડા, કૂલ કૂલ, આઈસક્રીમ. મુંબઈમાં આ પહેલવહેલી વાર આઈસક્રીમ બન્યું અને મહેમાનોને પીરસાયું. ઘણાખરા મહેમાનોએ મન મૂકીને ઝાપટ્યું. અને બીજે જ દિવસે તેમાંના મોટા ભાગનાને શરદી, ઉધરસ, ઘણાને તાવ પણ! કારણ આઈસક્રીમ જેવી ઠંડી વસ્તુ ખાવાની તેમને બિલકુલ ટેવ જ નહિ! અને તરત કેટલાંક ‘દેશી’ અખબારોએ (એટલે કે અંગ્રેજી સિવાયનાં અખબારોએ) કાગારોળ કરી મૂકી. “સરસાહેબની પાર્ટીમાં જનારા પડ્યા માંદા!’ તો અંગ્રેજી છાપાંએ બરફ એટલે શું, તેની મદદથી આઈસ્ક્રીમ કઈ રીતે બનાવાય, વગેરે બાબતો પર ‘અભ્યાસપૂર્ણ’ લેખો લખાવી પ્રગટ કર્યા!

પ્રિય વાચક! આ નવેમ્બરનું પહેલું અઠવાડિયું તો પૂરું થયું તો ય મુંબઈમાંથી વિદાય લેવાનું ગરમી તો નામ નથી લેતી. એટલે આવતા શનિવાર સુધી તમે પણ આઈસ્ક્રીમની લિજ્જત માણો!

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 નવેમ્બર 2025 

Loading

8 November 2025 Vipool Kalyani
← પરીક્ષિતના મુખે ‘રમેશતા’ 

Search by

Opinion

  • પરીક્ષિતના મુખે ‘રમેશતા’ 
  • बुलंदियों पर ठहरना कमाल होता है !
  • માહિતીના અધિકારને વીસ વર્ષ
  • ગુડ્ડી : પૂણે ઇન્સ્ટિટ્યૂટનો ગોવર્ધન કેવી રીતે સિનેમાનો અસરાની બની ગયો
  • મહિલા વિશ્વ કપ અને ભારતીય સંવેદનો …

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ

Poetry

  • નદી
  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved