Opinion Magazine
Number of visits: 9505588
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—313 

દીપક મહેતા|Opinion - Opinion|1 November 2025

ક્યાં ખોવાઈ ગયાં મુંબઈના ફોર્ટમાં આવેલાં એ ટેંક, ટેંક બંદર, ટેંક બેસ્ટિયન?    

ગુજરાતી અનુવાદકોએ જેનું નામ જુલે વર્ન પાડ્યું છે તે ફ્રેંચ લેખક ઝૂલ વર્ન (૧૮૨૮-૧૯૦૫) એટલે વિજ્ઞાન કથાઓનો આદિ પુરુષ. એક પછી એક વિજ્ઞાન કથા ફ્રેન્ચમાં લખતો ગયો અને દરેકનો અંગ્રેજી અનુવાદ બે-ત્રણ વરસમાં તો થઈ જ જાય! આપણે ત્યાં મૂળશંકર મો. ભટ્ટે તેની કેટલીક વિજ્ઞાન કથાના અનુવાદ કર્યા. પછી બીજા કેટલાકે પણ કર્યા. એક નવલકથાના અંગ્રેજી અનુવાદનું નામ છે Journey to the Centre of the Earth. મૂળ ફ્રેંચ કથા પ્રગટ થઈ ૧૮૬૪માં, બીજી આવૃત્તિ ૧૮૬૭માં, તેનો અંગ્રેજી અનુવાદ ૧૮૭૪માં. પૃથ્વીના પેટાળમાં ઊતરીને તેના કેન્દ્રબિંદુ સુધી જવાનું આપણું ગજું નહિ. પણ આપણે તો પ્રયત્ન કરી રહ્યા છીએ આમચી મુંબઈના મધ્યબિંદુ પર પહોંચીને તેની આસપાસ લટાર મારવાનો. ગયે અઠવાડિયે આપણે પહોચ્યાં હતાં મુંબઈનું કેન્દ્રબિંદુ મનાતા સેન્ટ થોમસ કેથીડ્રલ સુધી. 

એક જમાનામાં કોટ વિસ્તારમાં અંગ્રેજ ગવર્નર રહેતા તેમ અંગ્રેજ લશ્કરના વડા પણ અહીં જ રહેતા. તેમનું રહેઠાણ એડમિરલ્ટી હાઉસ તરીકે ઓળખાતું. મુંબઈના પહેલવહેલા એડમિરલ્ટી હાઉસનો ઉલ્લેખ છેક ૧૭૭૩માં પ્રગટ થયેલા એક પુસ્તકમાં મળે છે. વ્યવસાયે ડોક્ટર અને બ્રિટિશ લશ્કરમાં કામ કરતા તેના લેખક એડવર્ડ ઇવ્ઝ ૧૭૫૫થી ૧૭૫૭ સુધી બ્રિટિશ લશ્કર સાથે હિન્દુસ્તાનમાં ઘણે ઠેકાણે ફર્યા હતા. તેમણે પોતાની મુસાફરી આધારિત પુસ્તક From England to India લખ્યું જે ૧૭૭૩માં પ્રગટ થયું હતું. આ પુસ્તકમાં તેઓ નોંધે છે કે બ્રિટિશ લશ્કરના એડમિરલ અને તેમનાં પત્ની ‘ટેન્ક હાઉસ’ નામના મકાનમાં રહેતાં હતાં. આ હતું મુંબઈનું પહેલવહેલું એડમિરલ્ટી હાઉસ. 

બોમ્બે મિન્ટ સામે આવેલું ટેંક કહેતાં તળાવ (ચિત્ર)

૧૮૬૫માં મુંબઈનો ફોર્ટ કહેતાં કિલ્લો તોડી પડાયો તે પહેલાં કોટમાં મુખ્યત્વે અંગ્રેજોની વસતી. થોડા માલેતુજાર પારસી વેપારીઓ પણ ખરા. બીજી બધી સગવડોનું તો સમજ્યા, પણ કોટમાં રહેતા આ લોકો પીવાનું પાણી ક્યાંથી લાવતા? નળના પાણીની શરૂઆત તો થઈ છેક ૧૮૬૦માં. તો જવાબ એ છે કે કોટની અંદર નાના મોટા કૂવા ઉપરાંત એક મોટું ટેંક કહેતાં તળાવ આવેલું હતું. કોટની અંદર રહેતા લોકોની પાણીની જરૂરિયાત આ કૂવા અને ટેંક પૂરી પાડતાં. ૧૮૨૪માં બોમ્બે મિન્ટનું મકાન બંધાઈ રહ્યું તેની બરાબર સામે આ ટેંક કહેતાં તળાવ આવેલું હતું. મુંબઈના ફોર્ટના બેસ્ટિયન કહેતાં બુરજને જુદાં જુદાં નામ આપવામાં આવેલાં. આ તળાવ નજીક આવેલા બેસ્ટિયનનું નામ હતું ‘ટેન્ક બેસ્ટિયન.’ આ ટેંક હાઉસ ૧૬૮૬ થી ૧૬૯૦ સુધી મુંબઈના ડેપ્યુટી ગવર્નર રહેલા સર જે. વાયબર્ને બાંધ્યું હતું. મુંબઈના કલેકટરની ઓફીસમાંના એક દસ્તાવેજ પ્રમાણે આ મકાનની પૂર્વ દિશામાં બંદર તરફ જતો રસ્તો હતો, પશ્ચિમે કોટન ગ્રીન આવેલું હતું, ઉત્તરે લુહારોની દુકાનો આવેલી હતી, અને દક્ષિણે નામદાર સરકારનું બંદર આવેલું હતું. 

આ ટેંક હાઉસની એક વાત મરાઠીભાષીઓ કહે તેમ ગમ્મતભરી છે. ૧૭૧૫ના ફેબ્રુઆરીમાં તેના માલિક જોન હિલ પાસેથી કંપની સરકારે આ મકાન ત્રણ હજાર રૂપિયામાં ખરીદ્યું અને ૧૭૧૯માં એ જ મકાન, એ જ જોન હિલને પાછું વેચી દીધું હતું, ફક્ત રૂપિયા એક સો ને એંસીમાં! (આપણા આજના રાજકારણીઓએ શીખવા જેવું, નહિ?) આ મકાન બંધાયું ત્યારે એની આસપાસ દીવાલ જ નહોતી. પણ પછી પાસેના ટેંકમાં નહાવા અને ઢોર ચારવા આવતા લોકો બહુ ગંદકી કરે છે એમ જણાવી તેની આસપાસ કંપાઉન્ડ વોલ બાંધવામાં આવી. ૧૭૫૧માં પ્રગટ થયેલા Voyage to the East Indies પુસ્તકમાં આપેલા નકશામાં પણ ટેંક હાઉસ આ જ જગ્યાએ હોવાનું બતાવ્યું છે. 

૧૮૯૩માં પૂણે ખાતે તૈયાર થયેલા નકશામાં બતાવેલું ટેંક કહેતા તળાવ

જ્યારે મુંબઈમાં કોઈ એડમિરલ ન હોય ત્યારે આ જ મકાન મુંબઈના ગવર્નરના રહેઠાણ તરીકે વપરાતું. ૧૭૫૦ના નવેમ્બરની ૧૭મી તારીખે સવારે ૧૧ વાગ્યે આ જ ટેંક હાઉસમાંથી નીકળીને નામદાર ગવર્નર વિલિયમ વેક બંદરે ગયા હતા. નિવૃત્ત થતા આ ગવર્નરને વિદાયમાન આપવા સરકારમાં ઊંચો હોદ્દો ધરાવતા અમલદારો તથા શહેરના આગેવાન નાગરિકો હાજર હતા. બોમ્બે ફોર્ટની રાંગ પરથી વિદાય થતા ગવર્નરને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. 

પણ મુંબઈના ગવર્નર માટે કાયમી રહેઠાણ હોય જ નહિ એ સરકારને યોગ્ય જણાતું નહોતું. એટલે ૧૭૫૭ અને ૧૭૫૮માં મુંબઈ સરકારે લંડનમાં બેઠેલા હાકેમોને એક વધુ મકાન ખરીદવા માટે અરજી કરી. મિસ્ટર જોન સ્પેન્સરનું મકાન ૧૫,૧૬૧ રૂપિયામાં મળી શકે તેમ છે એમ પણ જણાવ્યું. બીજી બાજુ નેવીના એડમિરલોને પણ હવે ટેંક હાઉસ માફક આવતું નહોતું. એડમિરલ સેમ્યુઅલ કોર્નિશે સરકારને પત્ર લખી જણાવ્યું કે આ મકાનની આસપાસની ગંદકીની બહુ માઠી અસર મારી તબિયત પર થઈ રહી છે. વળી આ મકાન મારા મોભાને છાજે એવું પણ નથી. એટલે આપને મારી વિનંતી છે કે એડમિરલને રહેવા માટે એક નવું મકાન ખરીદવામાં આવે. આ નવા રહેઠાણ માટે મને મિસ્ટર ચાર્લ્સ વ્હાઈટહિલ્સનું મકાન બધી રીતે યોગ્ય લાગે છે. એક તો એ ડોકયાર્ડની નજીક આવેલું છે. બીજું, ત્યાંથી ઘણો લાંબો દરિયા કિનારો જોઈ શકાય છે. એટલે એડમિરલ જો ત્યાં રહેતા હોય તો તેની નજર આખા દરિયા કિનારા પર રહી શકે. પણ મિસ્ટર વ્હાઈટહિલ્સ એ મકાન વેચવા તૈયાર નહોતા, પણ ભાડે આપવા તૈયાર હતા. મુંબઈ સરકાર મહીને ૩૫૦ રૂપિયા ભાડું આપવા તૈયાર થઈ. ઉપરાંત એ મકાનમાં જે કાંઈ સમુંનમું કરવું પડે, રંગરોગાન કરવાં પડે, તે બધું જ સરકારે પોતાને ખર્ચે કરાવવાનું. પણ મુંબઈ સરકારે જ્યારે આ દરખાસ્ત લંડન મોકલી ત્યારે ત્યાં બેઠેલા હાકેમોને મહીને ૩૫૦ રૂપિયાનું ભાડું ઘણું વધારે લાગ્યું. અને તેમણે દરખાસ્ત નામંજૂર કરી. પણ વ્હાઈટહિલ્સનું આ મકાન આવેલું ક્યાં? તો કહે પેલા ટેંક પર. હેં? ટેંક પર? હા. વ્હાઈટહિલ્સે પોતાને ખર્ચે એ તળાવ પૂરાવીને તેના પર પોતાનું મકાન બાંધ્યું હતું!

કોલાબાનું કોટન ગ્રીન (ચિત્ર)

નેવીના એડમિરલ માટે વ્હાઈટહિલ્સનું મકાન ભાડે રાખવાની મંજૂરી લંડનના બડેખાંઓએ આપી નહિ. પણ ૧૭૬૪ના મે મહિનાની ૧૩મી તારીખે એડમિરલ અને કમાન્ડર મલબાર કિનારા અને મદ્રાસ તરફ જવા રવાના થયા પછી થોડા જ દિવસોમાં, ૧૭૬૪ના ઓક્ટોબરમાં મુંબઈ સરકારે વ્હાઈટહિલ્સનું મકાન અને તેની બાજુમાં આવેલું જોન હન્ટરનું મકાન પણ ખરીદી લીધાં! અને કેટલીક સરકારી ઓફિસો અને સેક્રેટરીએટ ઓફિસ એ મકાનોમાં ખસેડી! 

આ બંને મકાનો એલ્ફિન્સ્ટન સર્કલના ઉત્તર-પશ્ચિમ ખૂણા પર આવેલાં હતાં. ૧૮૨૯માં સરકારી ઓફિસો બીજે ખસેડાયા પછી આ બે મકાનો લશ્કરના ઉપયોગ માટે ફાળવવામાં આવ્યાં. અમેરિકન સિવિલ વોર વખતે મુંબઈની બધી બજારોમાં અભૂતપૂર્વ તેજી આવી ત્યારે આ બે મકાનોના પાંચ નાના ભાગ પાડી ૧૮૬૪ની પહેલી ઓગસ્ટે મુંબઈ સરકારે જુદી જુદી વ્યક્તિઓને તે વેચી નાખ્યા!  આ પાંચ ભાગ ખરીદનાર હતા : દાદાભાઈ હોરમસજી કામા, બમનજી એદલજી, મેરવાનજી ફરામજી પાંડે, અને માણેકજી એદલજી હાંસોટિયા (તેમણે બે ભાગ ખરીદેલા). આ વેચાણમાંથી સરકારને કુલ આવક થઈ ૬,૬૪,૧૩૮ રૂપિયા! 

હવે આપણે મુંબઈના એક જૂનામાં જૂના મકાન પાસે આવી ગયા છીએ. પણ તેની વાત આવતા અઠવાડિયા પર મુલતવી રાખીને અમારા માનવંતા વાચકોની એક-બે શંકા દૂર કરવા તરફ વળવું પડશે.

ખોલાસો : અમારા કેટલાક બાજ-નજર વાચક-વાચીકાએ અમને સવાલ કર્યા છે. 

સવાલ ૧. અમે તો સાંભળ્યું છે કે ‘કોટન ગ્રીન’ કોલાબામાં હતું, અને તમે કહો છો કે આજે જ્યાં સેન્ટ થોમસ કથીડ્રલ ઊભું છે એ વિસ્તારમાં કોટન ગ્રીન આવેલું હતું. સાચું શું? 

જવાબ : બંને સાચા. પહેલું કોટન ગ્રીન હતું ફોર્ટની અંદર, જે પછીથી બન્યું એલ્ફિન્સ્ટન સર્કલ, અને પછી બન્યું હોર્નીમન સર્કલ. ૧૮૩૮માં કોલાબા કોઝ વે બંધાઈ રહ્યો ત્યાં સુધી કોલાબાનો ટાપુ બીજા ટાપુઓથી અલગ હતો. હોડી કે મછવા સિવાય ત્યાં જવા માટે બીજું કોઈ સાધન નહોતું. ૧૮૩૮ પછી કોલાબા વિસ્તારનો વિકાસ ઝડપથી થયો. ત્યારે કોટનની નિકાસ માટેનું કેન્દ્ર, કોટન ગ્રીન, કોલાબા ખસેડાયું. છેક ૧૯૧૦ સુધી કોલાબાથી કોટનની નિકાસ થતી હતી. ૧૮૭૫માં સાસૂન ડોક બંધાયા પછી આયાત-નિકાસ માટે કોલાબાનું મહત્ત્વ ઘણું વધ્યું. 

હાર્બર લાઈન પરનું કોટન ગ્રીન સ્ટેશન

સવાલ ૨ : સેન્ટ્રલ રેલવેની હાર્બર બ્રાંચ પર આવેલા એક સ્ટેશનનું નામ ‘કોટન ગ્રીન’ હતું. એ સ્ટેશનને અને ફોર્ટમાં આવેલા કોટન ગ્રીન વચ્ચે કશો સંબંધ ખરો?

જવાબ : ના, જી. જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેના દફતરમાં સચવાયેલી માહિતી પ્રમાણે હાર્બર લાઈન પરનો ટ્રેન વ્યવહાર મુસાફરો માટે ૧૯૧૧ના ફેબ્રુઆરીની પહેલી તારીખે ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારે એ લાઈન પર આટલાં જ સ્ટેશન હતાં : ટેંક બંદર (પેલા તળાવ કહેતાં ટેંક પાસે આવેલા બંદરનું નામ. પછીથી બન્યું રે રોડ), શિવરી (કામચલાઉ) અને શિવરી (કાયમી), અને કોળી વાડા (પછીથી જી.ટી.બી. નગર.) આ લાઈન પર કોટન ગ્રીન સ્ટેશન તો છેક ૧૯૨૩માં બંધાયું અને એ વરસના નવેમ્બરની પહેલી તારીખે ખુલ્લું મૂકાયું. આ સ્ટેશન નજીક કોટન એક્સચેન્જનું લીલા રંગનું મકાન આવેલું હતું તેના પરથી સ્ટેશનનું નામ પડ્યું કોટન ગ્રીન. તેને ફોર્ટ કે કોલાબાના કોટન ગ્રીન સાથે કશી લેવાદેવા નથી. ૨૦૨૪માં મુંબઈનાં કેટલાંક રેલવે સ્ટેશનનાં નામ બદલાયાં ત્યારે કોટન ગ્રીનનું નામ બદલીને ‘કાલાચોકી’ રાખવામાં આવ્યું છે. આશા છે, અમારા ચતુર-સુજાણ વાચકોને હવે સંતોષ થયો હશે. 

મુંબઈનાં જૂનામાં જૂનાં મકાનોમાંના એક મકાન પાસે આવીને આજે આપણે ઊભા છીએ. એ મકાનના ભૂતકાળના દરવાજામાં દાખલ થશું આવતે શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 નવેમ્બર 2025 

Loading

1 November 2025 Vipool Kalyani
← પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !

Search by

Opinion

  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved