ટાઈમ મશીનમાં બેસીને જઈએ જમાનાઓ જૂના મુંબઈના પોઈન્ટ ઝીરો પર
“પાઠકો સે નિવેદન હૈ કિ યાત્રા કે દૌરાન વે અપની કુર્સી પર આરામ સે બૈઠે, કોઈ પટ્ટી બાંધને કી જરૂરત નહિ હૈ. મુંબઈ કે પોઈન્ટ ઝીરો તક કી દૂરી કિતની દેર મેં પૂરી કિ જાયેગી ઉસ કા હમે કોઈ અંદાજ નહિ. આપ કે વૈમાનિક હૈ હર્બર્ટ જ્યોર્જ વેલ્સ, ઉર્ફ H.G. Wells જો ૧૮૯૫ સે યે ટાઈમ મશીન ઉડા રહે હૈ.”
હા જી, મુંબઈનું પોઈન્ટ ઝીરો, કહેતાં કેન્દ્રબિંદુ, કહેતાં મધ્યબિંદુ. આજે તો મુંબઈ દિવસે ન વધે એટલી રાતે વધે, અને રાતે ન વધે એટલી દિવસે વધે એવી રાજકુંવરીની જેમ વધી, ફૂલીફાલી, ‘વિકસી’ રહ્યું છે. પણ એક જમાનામાં આ મુંબઈ શહેરને પણ એક પોઈન્ટ ઝીરો હતું. અને બીજી બધી જગ્યાઓનું અંતર એ પોઈન્ટ ઝીરોથી માપીને માઈલ સ્ટોન પણ શહેરમાં જુદી જુદી જગ્યાએ મૂકાતા. શહેર વિકસતું ગયું તેમ તેમ એ માઈલ સ્ટોન ઊખડાતા કે ઢબૂરાતા ગયા. પણ છેલ્લાં કેટલાંક વરસોમાં તેમાંથી ૧૬ માઈલ સ્ટોન મળી આવ્યા છે. અને તેમને યોગ્ય જગ્યાએ પાછા ગોઠવવામાં આવ્યા છે.
મુંબઈના પોઈન્ટ ઝીરો નજીક લીલા ઘાસથી ઊભરાતી લગભગ ગોળાકાર જગ્યા દેખાય છે. તેને એક ખૂણે એર પોર્ટના કંટ્રોલ ટાવર જેવી ઈમારત પણ દેખાય છે. તો ત્યાં જ ઉતારીએ આપણું આ ટાઈમ મશીન.

કોટન ગ્રીન પરનો કોટન મર્ચન્ટ
આ જગ્યાનું સૌથી જૂનું નામ બોમ્બે ગ્રીન અથવા કોટન ગ્રીન. એ જમાનામાં હિન્દુસ્તાનના કોટનની હજારો ગાંસડીઓ અહીં ખુલ્લામાં રાત-દિવસ પડી રહેતી – હા, ચોમાસાના ચાર મહિના બાદ કરતાં. અહીંથી બળદ ગાડામાં જતી પાલવા કહેતાં એપોલો બંદર, અને ત્યાંથી પાલ કહેતાં શઢવાળાં વહાણોમાં ચડીને એ ગાંસડીઓ જતી ગ્રેટ બ્રિટન. અને માત્ર ચોમાસામાં નહિ, અહીં બારે મહિના લીલું છમ ઘાસ પથરાયેલું રહેતું એટલે નામ પડ્યું કોટન ગ્રીન. આ કોટન ગ્રીનની ધાર પર દરિયાને અડીને આવેલો હતો બોમ્બે કાસલ. પોર્ટુગીઝ શાસકોએ મુંબઈમાં બાંધેલો સૌથી પહેલો ફોર્ટ કહેતાં કોટ. પોર્ટુગીઝ ગવર્નરો આ બોમ્બે કાસલમાં બેસીને રાજ કરતા જેને તેઓ ‘બોમ બહિઆ’ કે ‘બોમ બાઈમ’ કહેતા એ ટાપુ પર. આ નામનો અર્થ થાય ‘સરસ કાંઠો’. પોર્ટુગીઝો પાસેથી અંગ્રેજોને મુંબઈ દાયજામાં મળ્યું તે પછી પહેલવહેલો અંગ્રેજ ગવર્નર જ્યોર્જ ઓક્સેનડન મુંબઈ ફક્ત એક જ વાર આવ્યો હતો, પોર્ટુગીઝો પાસેથી મુંબઈનો કબજો લેવા. ફક્ત એક દિવસ મુંબઈમાં રોકાઈને તે સુરત પાછો ફર્યો હતો અને પછી ક્યારે ય મુંબઈમાં પગ મૂક્યો નહોતો! પણ બીજા ગવર્નર જેરાલ્ડ ઓંગીઆરે તો મુંબઈમાં જ ધામા નાખેલા. અને એ સાહેબ રહેતા પોર્ટુગીઝોએ બાંધેલા બોમ્બે કાસલમાં. આ ઓંગીઆર તે ગવર્નર તો ખરો જ, પણ મુંબઈ શહેરનો એ પહેલો સ્વપ્નદૃષ્ટા, પહેલો ઘડવૈયો. બીજા સૌને જ્યાં કેવળ પથરો દેખાય છે, ત્યાં શિલ્પકારને મૂર્તિ દેખાય છે. પોતાની નજર સામેના સાત ભૂખડી બારસ ટાપુઓને જોઈને આ ઓંગીઆરે જ મુંબઈ માટે કહ્યું હતું : “The city which by God’s assistance is intended to be built.” ઓંગીઆરે પહેલું કામ કર્યું પોર્ટુગીઝોએ બાંધેલા નાનકડા કિલ્લાને વધુ મોટો અને મજબૂત કરવાનું. બીજું કામ કર્યું દેશાવરથી વેપારીઓ અને કારીગરોને લાવીને મુંબઈમાં વસાવવાનું. દીવ બંદરેથી નીમા પારેખ નામના મોટા વેપારીને અને બીજા નાના-મોટા વેપારીઓને મુંબઈ આવવા નોતરું આપ્યું. પણ તેમણે કહ્યું કે તમારી સરકાર અમારી ધાર્મિક બાબતોમાં માથું નહિ મારે એવી લેખિત બાંહેધરી આપો તો આવીએ. અને ઓંગીઆરે ૧૬૭૭ના માર્ચની ૨૨મી તારીખે એ અંગેના લેખિત કરાર પર સહીસિક્કા કર્યા. બસ, પછી તો આજના ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લોકો મુંબઈ આવીને વસવા લાગ્યા. નવસારી અને સુરતથી પારસીઓ આવ્યા અને મુંબઈમાં શરૂ કર્યો લાકડાનાં વહાણ બાંધવાનો ઉદ્યોગ. પછીથી એ કુટુંબની અટક પડી વહાડિયા કે વાડિયા. પારસીઓએ અંતિમ ક્રિયા કરવા માટે દોખમું બાંધવા જમીન માગી તો ઓંગીઆરે મલબાર હિલ પર તેમને જમીન આપી જ્યાં પછીથી ટાવર ઓફ સાઇલન્સ બંધાયો. આર્મેનિયન વેપારીઓ આવ્યા. તો તેમને પોતાનું ચર્ચ બાંધવા ૧૬૭૬માં ઓંગીઆરે ફોર્ટની અંદર જમીન આપી. ઓંગીઆરે મુંબઈનું ગવર્નરપદ લીધું ત્યારે મુંબઈની વસતી હતી દસ હજાર! પછીનાં દસ વરસમાં વધીને વસતી થઈ સાઈઠ હજાર!

નીમા પારેખ સાથેનો કરાર, ગવર્નર ઓંગીઆરની સહી સાથે
તો બીજી બાજુ આ જ ઓંગીઆરે ખ્રિસ્તી ધર્મના પ્રોટેસ્ટન્ટ પંથની પહેલી ચર્ચ બાંધવાની પણ શરૂઆત કરી. એ જમાનામાં તેણે નક્કી કરેલું કે એક સાથે એક હજાર શ્રદ્ધાળુઓ સમાઈ શકે એવી મોટી ચર્ચ બાંધવી! એ ચર્ચ બાંધવા માટે શરૂ કરેલા ફંડફાળામાં તેણે પોતે અંગત રીતે પાંચ હજાર રૂપિયા જેટલી રકમ આપી. અને ચર્ચને ચાંદીનું chalice ભેટ આપ્યું. હાથ નીચેના અફસરોને કડક સૂચના કે ચર્ચ માટે ફંડ-ફાળો ઉઘરાવતી વખતે બિન-ખ્રિસ્તીઓને સહેજ પણ દબાણ નહિ કરવાનું. પણ પછી એક વાર સુરત ગયો ઓંગીઆર. ત્યાં માંદો પડ્યો. મૃત્યુ પામ્યો, ૩૦ જૂન ૧૬૭૭. ઉંમર વરસ સાડત્રીસ! સુરતના એ વખતના ખ્રિસ્તીઓ માટેના કબ્રસ્તાનમાં દફનાવાયો. નથી કોઈ એનું ચિત્ર, કે પૂતળું, કે સ્મારક – નથી મુંબઈમાં કે નથી બીજે ક્યાં ય દેશ કે પરદેશમાં.

સેન્ટ થોમસ કેથીડ્રલ, કલોક ટાવર વગરનું અને કલોક ટાવરવાળું
ઓંગીઆરે જે ચર્ચ બાંધવાનું શરૂ કર્યું તે આ કોટન ગ્રીનને એક છેડે આવેલ સેન્ટ થોમસ કેથીડ્રલ. આ ચર્ચનો પાયો નખાયો ઓંગીઆરની હાજરીમાં, ૧૬૭૬માં. પણ ઓંગીઆરના અવસાન પછી કામ ખોરંભે પડ્યું, પૈસાના અભાવે. પછી કામ શરૂ થાય, પણ એક યા બીજા કારણ સર બંધ પડે, ચાલુ થાય. છેવટે ૧૭૧૮ના ક્રિસમસના દિવસે આ ચર્ચ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. વળી ૧૮૩૭ પહેલાં તેમાં સમારકામ અને નવા ઉમેરા કરવામાં આવ્યા. આજે આ ચર્ચની ટોચે જે ટાવર છે તે મૂળ ઈમારતમાં નહોતો. પછીથી ઉમેરવામાં આવ્યો. અને એ નવી ચર્ચમાં પ્રાર્થનાની શરૂઆત થઈ ૧૮૩૭માં.
મુંબઈના ફોર્ટ કહેતાં કોટને હતા ત્રણ ગેટ કે દરવાજા. જે ગેટથી દાખલ થઈને આ ચર્ચ સુધી પહોંચી શકાય તેનું નામ પડ્યું ચર્ચ ગેટ. પછી જ્યારે બી.બી.સી.આઈ. રેલવેની ટ્રેન શરૂ થઈ ત્યારે જે સ્ટેશને ઊતરીને આ ચર્ચ સુધી જવાય તે સ્ટેશનનું નામ પાડ્યું ચર્ચ ગેટ સ્ટેશન. અને એ સ્ટેશનથી કોટના ચર્ચ ગેટ સુધી ચાલતાં પહોંચાય તે રસ્તાનું નામ પડ્યું ચર્ચ ગેટ સ્ટ્રીટ. આઝાદી પછી નામ બદલાઈને થયું વીર નરીમાન રોડ. ખુરશેદ ફરામજી નરીમાન (૧૮૮૩-૧૯૪૮) દેશની આઝાદી માટેની ચળવળમાં ભાગ લેનાર એક અગ્રણી હતા. ૧૯૩૦માં નમક સત્યાગ્રહ અંગેના કાર્યક્રમો મુંબઈમાં યોજવામાં તેમનો મોટો ફાળો. પરિણામે ૧૯૩૫-૧૯૩૬ના એક વરસ માટે મુંબઈના મેયર બન્યા. ૧૯૩૭માં સ્થાનિક સ્વરાજ્ય માટેની ચૂંટણીમાં કાઁગ્રેસ પક્ષનો જ્વલંત વિજય થયો. નરીમાનને હતું કે તેમની કારકિર્દી અને મેયરનું પદ જોઈને તેમને મુંબઈના પહેલા ચીફ મિનિસ્ટર બનાવવામાં આવશે. પણ કાઁગેસ પક્ષે પસંદગીનો કળશ બી.જી. ખેર પર ઢોળ્યો. એટલે નરીમાન ગિન્નાયા. પક્ષના વડાઓને ફરિયાદ કરી. પણ કશું વળ્યું નહિ. એટલે પછી કૉન્ગ્રેસના નેતાઓ સામે મન ફાવે તેવા આક્ષેપો જાહેરમાં કરવા લાગ્યા. પરિણામે તેમને કાઁગ્રેસમાંથી બરતરફ કર્યા. સુભાષચંદ્ર બોઝે ૧૯૩૯માં શરૂ કરેલી નવી પાર્ટી ફોરવર્ડ બ્લોકમાં નરીમાન જોડાયા. પણ તે પછી પણ મુંબઈના રાજકારણમાં તેમનો ગજ વાગ્યો નહિ. આ રસ્તા સાથે તેમનું નામ જોડવાનું એક જ કારણ – આ રસ્તા પર આવેલા ‘રેડીમની મેન્શન’માં નરીમાન રહેતા હતા.

મુંબઈનું ઝીરો પોઈન્ટ – સેન્ટ થોમસ કેથીડ્રલ
સોફા પર બેસીને, મસ્સાલાવાળી ચાની ચુસ્કી લેતાં લેતાં ટાઈમ મશીનમાં પ્રવાસ કરતા અમારા માનવંતા વાચકોને થતું હશે કે આજે આ ‘ચર્ચ પુરાણ’ કેમ? કારણ એક જમાનામાં મુંબઈનું ઝીરો પોઈન્ટ કે સેન્ટર પોઈન્ટ કે કેન્દ્ર બિંદુ મનાતું હતું આ સેન્ટ થોમસ કેથીડ્રલ. એટલે કે મુંબઈના બધા રસ્તા ત્યાંથી શરૂ થાય અને ત્યાં જ પૂરા થાય એમ મનાતું. કોઈ જગ્યાએ ‘ચાર માઈલ’નો માઈલ સ્ટોન જડ્યો હોય તો તેનો અર્થ એ કે એ જગ્યા આ ચર્ચથી ચાર માઈલ દૂર આવેલી છે. પણ કહે છે ને કે ‘ચડે તે પડવા માટે.’ કોટનની નિકાસ ઓછી ને ઓછી થતી ગઈ. કોટન ગ્રીનમાંથી પહેલાં કોટન ગયું, પછી ગ્રીન ગયું. આખો વિસ્તાર એક મોટો ઉકરડો બની ગયો. લોકો ત્યાંથી પસાર થતાં નાક પર રૂમાલ દાબે. વખત જતાં મુંબઈના પોલીસ કમિશનર ચાર્લ્સ ફોર્જેટને વિચાર આવ્યો, એ જગ્યાએ મોટો બગીચો બનાવવાનો, એ બગીચા ફરતો ગોળાકાર રસ્તો બનાવવાનો. અને એ રસ્તાની ધારે ગોળાકારમાં એક સરખાં મકાનો બાંધવાનો. ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન અને ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ તેમની દરખાસ્તને ટેકો આપ્યો. ૧૮૭૨માં ચક્રાકાર બગીચો તૈયાર. અને પછી બંધાયાં ગાર્ડન ફરતાં ગોળ આકારનાં એક સરખાં મકાનો. જેમણે આ દરખાસ્તને ટેકો આપેલો તે ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટનનું નામ આ વિસ્તાર સાથે જોડાયું, એલ્ફિન્સ્ટન સર્કલ. પછીથી બદલાઈને થયું હોર્નીમન સર્કલ. ‘ઇન્ડિયન ક્રોનિકલ’ નામના દૈનિકના તંત્રી બેન્જામીન હોર્નીમન પોતે બ્રિટિશ હોવા છતાં હિન્દુસ્તાનની આઝાદી માટેની લડતને જોરદાર ટેકો આપતા હતા. એ માટે બ્રિટિશ સરકારે તેમને હિન્દુસ્તાનમાંથી તડીપાર કર્યા. પણ કાયદાની વાડમાં કોઈક છીંડું શોધીને હોર્નીમન પાછા હિન્દુસ્તાન આવ્યા, અને પોતાના છાપાનું તંત્રીપદ પાછું સંભાળીને બ્રિટિશ સરકારની આકરી ટીકા કરવા લાગ્યા. આઝાદી પછી એલ્ફિન્સ્ટન સર્કલને નવું નામ અપાયું, હોર્નીમન સર્કલ. વીસમી સદીમાં મુંબઈ ફુગ્ગાની જેમ એટલું ફૂલતું ગયું અને ઉત્તર દિશામાં વિસ્તરતું ગયું કે તેનું સેન્ટર પોઈન્ટ સતત બદલાતું રહ્યું. આજે તો હવે મુંબઈ એક મલ્ટી પોઈન્ટ મહાનગર બની ગયું છે.
એક જમાનામાં જેટલું મહત્ત્વ સેન્ટ થોમસ કેથીડ્રલનું હતું, લગભગ તેટલું જ મહત્ત્વ તેનાથી થોડે દૂર આવેલા એક મકાનનું હતું. પણ એ મકાન વિશેની વાત ટાઈમ મશીનની બીજી ખેપમાં. પણ હા, હવે પછી આપણે ઊડશું નહિ. આપણું આ ટાઈમ મશીન આકાશમાં ઊડી શકે છે તેમ પાણીમાં તરી શકે છે અને જમીન પર ચાલી પણ શકે છે. એટલ તેની મદદથી જૂના જમાનાના મુંબઈના રસ્તાઓ પર ચાલશું. ચાલતાં ચાલતાં જોશું, અને જોતાં જોતા ચાલશું.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 ઓક્ટોબર 2025
 

