કમાન્ડર નાણાવટીના કેસમાં બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો તો આવ્યો, પણ …
તારીખ : ૧૪ ઓગસ્ટ, ૧૮૬૨. સ્થળ : બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીનો હોલ. સમય : બપોરના ૪. ઘટના : બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના.
ના, બોમ્બે, મદ્રાસ, અને કલકત્તા હાઈ કોર્ટ કોઈ કાયદા દ્વારા નથી સ્થપાઈ, પણ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાને પ્રતાપે સ્થપાઈ હતી. બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતા ઢંઢેરા પર રાણી વિક્ટોરિયાએ ૧૮૬૨ના જૂનની ૨૩મીને સોમવારે સહી-સિક્કા કર્યાં હતાં અને બીજા દિવસના સરકારી ગેઝેટમાં એ ઢંઢેરો પ્રગટ થયો હતો. આ હાઈ કોર્ટના પહેલવહેલા છ જજનાં નામ પણ આ જ ઢંઢેરામાં આમેજ કરવામાં આવ્યાં હતાં. હાલનું મકાન ૧૮૭૮ના નવેમ્બરમાં બંધાઈ રહ્યા પછી બોમ્બે હાઈ કોર્ટ એ મકાનમાં ખસેડાઈ હતી.
બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતો બ્રિટનની રાણીનો ઢંઢેરો
જ્યૂરીનો બહુમતી નિર્ણય જજ મહેતાએ સ્વીકાર્યો નહિ, તે perverse હોવાનું જણાવ્યું અને કેસ ‘રેફરન્સ’ માટે બોમ્બે હાઈ કોર્ટને મોકલી આપ્યો. જસ્ટિસ શેલત અને જસ્ટિસ નાયકની ડિવિઝન બેન્ચ આગળ ‘રેફરન્સ’ની સુનાવણી શરૂ થઈ. સાધારણ રીતે આવા ‘રેફરન્સ’ના કેસનો નિવેડો આવતાં બહુ દિવસ ન લાગે. કારણ જ્યુરી અને જજ, બેમાંથી કોણ સાચું એટલું જ નક્કી કરવાનું હોય. પણ આ કેસ બોમ્બે હાઈ કોર્ટમાં શરૂ થયો ત્યારે જ બંને પક્ષના વકીલોએ આગ્રહપૂર્વક જણાવ્યું કે આ કેસ અંગે કેટલીક બાબતોની વિગતવાર રજૂઆત કરવાનું અમને અનિવાર્ય જણાય છે. એટલે તેમની વિનંતી બંને ન્યાયાધીશોએ સ્વીકારી અને લાગતાવળગતા વકીલોને પોતપોતાની વાત રજૂ કરવાની મંજૂરી આપી. એટલે કેસની સુનાવણી લંબાઈ.
અગાઉ સેશન્સ કોર્ટમાં હાજર રહેલા લોકોએ અવારનવાર ધાંધલ-ધમાલ કરી હતી એ હકીકતને ધ્યાનમાં રાખીને પહેલેથી જ સુનાવણી વખતે માત્ર કેસ માટે જરૂરી હોય તેટલા જ લોકોને હાજર રહેવા દેવામાં આવ્યા. બંને પક્ષના વકીલોએ એક-એક સાક્ષીની જુબાની, રજૂ થયેલા પુરાવાઓ, વગેરેનું જે પીંજણ કર્યું તેમાં આપણને ઝાઝી ગતાગમ ન પડે. એટલે જઈએ સીધા જજમેન્ટના દિવસે બોમ્બે હાઈ કોર્ટમાં. હા, પોતાની વાત પૂરી કરતાં પહેલાં કમાન્ડર નાણાવટીના (બચાવ પક્ષના) વકીલ એ.એસ.આર. ચારીએ કમાન્ડરને બચાવવા છેલ્લો પાસો નાખ્યો હતો. બંને ન્યાયાધીશોને તેમણે કહ્યું : “અગર જો આપને એમ લાગે જ કે જ્યુરીના માનવંતા સભ્યોના નિર્ણયમાં ફેરબદલ કરવાની જરૂર છે, તો પણ હું આપનું એ હકીકત પ્રત્યે જરૂર ધ્યાન દોરીશ કે જ્યુરીના સભ્યો અને જસ્ટિસ મહેતા વચ્ચે બીજી બાબતો અંગે મતભેદ છે, છતાં એક બાબતમાં જ્યુરીના આઠ સભ્યો અને જજ મહેતા સહમત થાય છે. અને એ એક બાબત તે એ કે કમાન્ડર કાવસ નાણાવટી ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ હેઠળ ખૂનના ગુનેગાર ઠરતા નથી.” આમ કહેવા પાછળનો ચારીનો હેતુ એ હતો કે કમાન્ડર નાણાવટી ગુનેગાર ઠરે તો પણ તેમને ફાંસીની સજા ન થાય.
જો કે આ કેસમાં આજ સુધી બનતું આવ્યું છે તેમ કેટલુંક અણધાર્યું બને તે માટે હાજર રહેલા બધા તૈયાર હતા, અને આપણે પણ તૈયાર રહેવાનું. અદાલતનું કામકાજ શરૂ થયું ત્યારે જસ્ટિસ શેલતે જાહેર કર્યું કે મારા સાથી જસ્ટિસ નાયક અને હું અમારા ચુકાદા અલગ-અલગ જાહેર કરશું. અને એ સાથે જ બંને પક્ષકારોની, તેમના વકીલોની, કોર્ટમાં હાજર રહેલા થોડા લોકોની, અને આ ખબર ફરી વળતાં લોકોની આતુરતા આસમાને જઈ પહોંચી. કારણ, બે ચુકાદા અલગ અલગ રજૂ થાય એનો સીધો અર્થ એ કે બંને ન્યાયાધીશમાં મતભેદ છે. નહિતર સામાન્ય રીતે સિનિયર જજ બંનેનો સંયુક્ત ચુકાદો જાહેર કરે.
ઓનરેબલ જસ્ટિસ શેલત
જસ્ટિસ શેલતને પોતાનો ચુકાદો જાહેર કરતાં પૂરા ત્રણ દિવસ લાગ્યા. તેમણે કહ્યું : નીચલી અદાલતમાં રજૂ થયેલા પુરાવા જોતાં અને સાક્ષીઓની જુબાનીની દખલ લેતાં એટલું તો નક્કી થાય છે કે આરોપી કમાન્ડર નાણાવટીની જિંદગી, એની કારકિર્દી, ધૂળમાં મળી જાય એવું મરનાર પ્રેમ આહુજાનું વર્તન હતું. આવે વખતે કોઈ પણ માણસ હતાશ થઈ જાય, તેને પારાવાર ગુસ્સો આવે, તો તે સમજી શકાય તેમ છે. આમ કરવા બદલ મરનાર આહુજાને પાઠ ભણાવવાની અદમ્ય ઈચ્છા થાય તો તેમાં કશું અસ્વાભાવિક નથી. તેમની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત તો તેને પણ આવી અદમ્ય ઇચ્છા થઈ હોત.
પણ કોઈના પણ બૂરા કામનો બદલો બીજા બૂરા કામ વડે લેવામાં આવે તો તેને આપણા દેશનો કાયદો મંજૂરી આપતો નથી. ગમે તેવી અસહ્ય પરિસ્થિતિમાં પણ કાયદાની અવગણના કરી શકાય નહિ. બંને પક્ષ તરફથી અહીં જે રજૂઆત થઈ છે તેને સાંભળ્યા પછી મારો નિર્ણય એ છે કે આરોપી કમાન્ડર નાણાવટી ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ ગુનેગાર હોવાનું સાબિત થાય છે. અને એટલે હું તેમને માટે આજીવન કારાવાસની સજા જાહેર કરું છું.
આ જાહેરાત પછી જસ્ટિસ નાયકે જાહેર કર્યું કે મારો ચુકાદો હું આવતી કાલે જાહેર કરીશ.
હવે? દેખીતું છે કે બંને જજમાં નિર્ણય અંગે એકમતિ નથી. એટલે ખટલો સુપ્રીમ કોર્ટમાં જશે? કે બંને જજે કોઈક વચલો રસ્તો વિચારી રાખ્યો હશે? જેમને અદાલતમાં હાજર રહેવાની છૂટ હતી તે બધા બીજે દિવસે રોજ કરતાં વહેલા આવીને બેસી ગયા હતા. ક્યારે અગિયાર વાગે, અને ક્યારે નામદાર ન્યાયાધીશો કોર્ટ રૂમની પાછળ આવેલા બારણામાંથી દાખલ થાય! બધાની નજર મંડાઈ હતી એ બારણા તરફ. પક્ષીનું પીછું ખરે તો તેનો અવાજ પણ સંભળાય એવી શાંતિ, કોર્ટમાં. બહાર પણ લોકોનાં ટોળાં મોટાં ને મોટાં થતાં જતાં હતાં. પણ કડક પોલીસ બંદોબસ્તને કારણે લોકો શાંત હતા.
બરાબર અગિયાર વાગ્યે બન્ને જજસાહેબો કોર્ટ રૂમમાં દાખલ થયા અને જસ્ટિસ નાઈકે પોતાનો ચુકાદો આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અસાધારણ ઉશ્કેરણીના સંજોગોમાં આરોપીથી આ કામ થઈ ગયું એવો બચાવ સ્વીકારી શકાય તેમ નથી. કારણ આવી દેખીતી ઉશ્કેરણી મરનાર પ્રેમ આહુજા દ્વારા થઈ હોવાનું બચાવ પક્ષ સાબિત કરી શક્યો નથી. ફરિયાદ પક્ષ અને સરકારી વકીલ તરફથી જે રજૂઆત થઈ હતી તેને આધારે સ્પષ્ટપણે એમ જણાય છે કે આરોપી કમાન્ડર નાણાવટીએ જે કાંઈ કર્યું તે સમજી બુઝીને, પૂરા હોશહવાસમાં રહીને, અગાઉથી કરેલા આયોજન પૂર્વક કર્યું હતું. મરનાર આહુજાના બેડ રૂમમાં ભરી રિવોલ્વર સાથે આરોપી કમાન્ડર નાણાવટી દાખલ થયા તે આહુજાને મારી નાખવાના ઈરાદા સાથે. તો બીજી બાજુ, બંને વચ્ચે ઝપાઝપી થઈ, અને તે દરમ્યાન અકસ્માત રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટી ગઈ એવી બચાવ પક્ષની રજૂઆત પણ સ્વીકારી શકાય તેમ નથી. કારણ એક તો, જો ઝપાઝપી થઈ હોય તો મરનાર આહુજાએ કમ્મરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે નહિ. બીજું, બનાવ પછી મરનાર આહુજાનાં ચશ્માં પૂરેપૂરી સાબુત હાલતમાં તેના બાથ રૂમની ફર્શ પરથી મળી આવ્યાં હતાં. જો ઝપાઝપી થઈ હોય તો આમ બનવું શક્ય નથી. જો ઝપાઝપી થઈ હોય તો આરોપીના શરીર પર ક્યાં ય ઉઝરડા પણ ન હોય, તેનાં કપડાં પર લોહીનો એકાદ ડાઘ પણ ન હોય, એમ બનવું સંભવિત નથી જણાતું. એટલે મરનાર આહુજાનું મોત એ એક અકસ્માત હતો એવો બચાવ સ્વીકારી શકાય તેમ નથી. ટ્રાયલ કોર્ટના જજ મહેતા અને જ્યુરીના બહુમતી સભ્યો વચ્ચે એક બાબતે સહમતી છે કે કમાન્ડર નાણાવટીએ ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ ગુનો કર્યો નથી. પણ તેમની આવી સહમતી હાઈ કોર્ટ માટે બંધનકર્તા નથી. નીચલી અદાલતમાં થયેલી સમગ્ર કાર્યવાહીને નજરમાં રાખીને હાઈ કોર્ટે પોતાનો નિર્ણય લેવાનો અને જાહેર કરવાનો રહે છે. જજ નાઈકે નીચલી અદાલતના જજ મહેતાની કેટલીક ઊણપો કે ક્ષતિઓ બતાવી હતી.
શુક્રવાર, ૧૧ માર્ચ, ૧૯૬૦: જસ્ટિસ શેલતે બંને જજનો સંયુક્ત ચુકાદો જાહેર કરતાં કહ્યું : જ્યુરીનો ચુકાદો ‘perverse’ હતો એવી જજ મહેતાની વાત સાથે હું સહમત થાઉં છું. કારણ આ ચુકાદો અદાલતમાં રજૂ થયેલ જુબાનીઓ અને પુરાવાઓથી વિરુદ્ધનો હતો. આરોપી નાણાવટીએ ખૂનનો ગુનો કર્યો નહોતો, પણ તેમણે ખૂન નહિ તેવા સદોષ મનુષ્યવધનો ગુનો કર્યો હતો એ વાત સાથે અમે સહમત થઈ શકતા નથી. આ અદાલત જેમ નીચલી અદાલતની જ્યુરીના નિર્ણય સાથે સહમત થવા બંધાયેલી નથી, તેમ એ અદાલતના જજના નિર્ણય સાથે સહમત થવા પણ બંધાયેલી નથી. ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ આરોપી કમાંડર નાણાવટીને આ અદાલત દ્વારા ગુનેગાર ઠરાવવામાં આવે છે અને તે ગુના સબબ તેમને સખત મજૂરી સાથેની આજીવન (એટલે કે ૧૪ વરસ) કારાવાસની સજા ફરમાવવામાં આવે છે.
આ ચુકાદો જાહેર થયો ત્યારે બોમ્બે હાઈ કોર્ટમાં જુદા જુદા પક્ષો તરફથી જે વકીલો હાજર હતા તેમાંનાં થોડાંક નામ: વાય.વી. ચંદ્રચૂડ, વી.એચ. ગુમાસ્તે, સી.એમ. ત્રિવેદી, રામ જેઠમલાની, એ.એસ.આર. ચારી, બેરિસ્ટર રજની પટેલ, એસ.આર. મોકાશી. છેલ્લે બોમ્બે હાઈ કોર્ટના જસ્ટીસ શેલતે જાહેર કર્યું : અમારા આ ચુકાદાના અનુસંધાનમાં આરોપી કમાન્ડર કાવસ નાણાવટીનો કબજો નેવલ પોલીસની કસ્ટડીમાંથી લઈને તેમને આર્થર રોડ ખાતેની પોલીસ કસ્ટડીમાં તાકીદે તબદીલ કરવાનો હું લાગતા વળગતા બોમ્બે પોલીસના અધિકારીઓને આદેશ આપું છું અને તે માટે જરૂરી વોરંટ જારી કરું છું.
બોમ્બે હાઈ કોર્ટની સુનાવણી દરમ્યાન ક્યારે ય કમાન્ડર નાણાવટીને અદાલતમાં હાજર કરવામાં આવ્યા નહોતા. એટલે બોમ્બે હાઈ કોર્ટનો ફેંસલો જાહેર થયો ત્યારે તેઓ નેવલ પોલીસની કસ્ટડીમાં હતા. બોમ્બે હાઈ કોર્ટનો હુકમ થતાં તરત જ બોમ્બે પોલીસે નાણાવટીને તાબામાં લેવાની તૈયારી ચીલ ઝડપે કરી લીધી. બે કલાકમાં બોમ્બે પોલીસની ટીમ બોમ્બે હાઈ કોર્ટના વોરંટ સાથે આઈ.એન.એસ. કુન્જાલી(નેવલ પોલીસની જેલ)ને બારણે પહોંચી ગઈ. અને અદાલતનો હુકમ તથા વોરંટ બતાવી કમાન્ડર નાણાવટીને પોતાના તાબામાં સોંપવા નેવલ પોલીસને તાકીદ કરી. ત્યારે તેના જવાબમાં નેવલ પોલીસના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીની સોંપણી કરવાને બદલે બોમ્બે પોલીસના હાથમાં એક કાગળ મૂક્યો. અને એ કાગળ વાંચ્યા પછી બોમ્બે પોલીસની ટીમ ખાલી હાથે અને વીલે મોઢે પાછી ફરી.
પણ કેમ? એ કાગળમાં એવું તે શું લખ્યું હતું? કોણે લખ્યું હતું?
જવાબ આવતે અઠવાડિયે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 06 સપ્ટેમ્બર 2025