ચાલો આજે જઈએ મુંબઈની યહૂદી છોકરીનાં લગ્નમાં
લવજી કાસલમાંથી પાછાં ફરતાં મિસિસ પોસ્તાન્સનું મન વિચારે ચડી ગયું. હિન્દુસ્તાનમાં આવીને ઠરીઠામ થયેલા પારસીઓ એક સાથે બે વાનાં કરે શક્યા છે. તેમની મૂળ ઈરાની સંસ્કૃતિના, તેમના જરથોસ્તી ધર્મના ઘણા અંશો બહુ સભાનતાથી જાળવી શક્યા છે. તો બીજી બાજુ અહીંના લોકો અને તેમની રહેણીકરણીને એટલે અંશે અપનાવી લીધાં છે કે તેઓ ‘પરદેશી’ લાગે નહિ. અહીંના પારસીઓ ઘરમાં અને બહાર પણ ગુજરાતી ભાષા બોલે છે. અલબત્ત, એ બોલવાની તેમની પોતાની એક લઢણ છે જેને બીજા ગુજરાતીઓ ‘પારસી ગુજરાતી’ તરીકે ઓળખે છે.

૧૯મી સદીના મુંબઈમાં યહૂદી પુરુષો
જ્યારે મુંબઈમાં વસેલા યહૂદીઓનું એવું નથી. તેઓ પોતાનો અલગ ચોતરો બાંધીને રહે છે. પોતાના પરંપરાગત આચાર-વિચાર પ્રમાણે વર્તે છે. તે એટલે સુધી કે તેઓ કોઈ બિન-યહૂદીને પોતાને ઘરે ભાગ્યે જ આમંત્રે છે. એટલે જ્યારે એક યહૂદી કુટુંબ તરફથી દીકરીના લગ્નમાં હાજર રહેવાનું નોતરું મળ્યું, ત્યારે મેં તે તરત સ્વીકારી લીધું. બગદાદના એક મોટા વેપારીની દીકરી જેસિકાનાં લગ્ન હતાં. મને જરાક વિમાસણમાં પડેલી જોઈને મને આમંત્રણ આપનાર બાનુએ કહ્યું : ચિંતા ન કરો. આપણે બંને ત્યાં સાથે જશું. આ સાંભળી મને રાહત થઈ.
ઠરાવેલા દિવસે અમે બંને જુદી જુદી પાલખીમાં બેસીને લગ્નસ્થળે જવા નીકળ્યાં. અગાઉ મેં ક્યારે ય જોઈ નહોતી એવી બજારોમાંથી અમારી પાલખી પસાર થતી હતી. લોકોની અને પાલખી, ઘોડા ગાડી, સિગરામ વગેરે વાહનોની એટલી તો ભીડ હતી કે થોડી થોડી વારે જ્યારે પેલી સ્ત્રીની પાલખી નજરે પડતી ત્યારે ત્યારે મને ‘હાશ’ થતી. તેણે ભપકાદાર રેશમી કપડાં પહેર્યાં હતાં. પરંપરાગત પોશાક, રત્નજડિત ઘરેણાં, મારે માટે અજાણ્યો રસ્તો, એ રસ્તા પરતની ભારે ભીડ – અમે જાણે મુંબઈના નહિ, પણ બગદાદના કોઈ રસ્તા પરથી હારુન અલ રશીદને ત્યાં જઈ રહ્યાં હોઈએ એવું લાગતું હતું.
પરસેવે રેબઝેબ થયેલા ભોઈઓએ છેવટે એક મોટા મકાન પાસે અમારી પાલખીઓ ઉતારી. અમે ઊતર્યાં કે તરત વિનયવિવેક પૂર્વક અમને એક મોટા મકાનને ઉપલે માળે આવેલા એક મોટા હોલમાં લઈ ગયા. ત્યાં પાથરેલી ચટાઈઓ પર માથે પહેરેલી પાઘડી સાથે જ કેટલાક બાળકો સૂઈ ગયાં હતાં. એક આધેડ વયની બાઈ તેમનું ધ્યાન રાખવા બેઠી હતી. તેના હાથમાંના પંખા વડે તે થોડી થોડી વારે સૂતેલાં બાળકોને પવન નાખતી હતી. અમે ત્યાં થોડી વાર બેઠાં તે પછી બીજી બાજુનું બારણું ખૂલ્યું. જેનાં લગ્ન થવાનાં હતાં તે છોકરી તેની મા અને બહેનોની સાથે દાખલ થઈ અને એ બધાંએ અમને આવકાર આપ્યો. જેનાં લગ્ન થવાનાં હતાં તે છોકરીનાં અને તેની બહેનોનાં વસ્ત્રો લગભગ સરખાં હતાં. ફક્ત નવવધૂએ ઘરેણાં ઘણાં વધુ પહેર્યાં હતાં.

૧૯મી સદીના યહૂદીઓની લગ્નવિધિ
પરણવાની હતી તે છોકરીની ઉંમર ચૌદ વરસ કરતાં વધુ નહિ હોય. પણ તેના મોં પરના ભાવ અને બોલવા-ચાલવાની ઢબ પુખ્ત ઉંમરની સ્ત્રી જેવાં હતાં. તેનો વાન ઉજળો હતો. આંખો બદામી. ચહેરોમહોરો આકર્ષક. જો કે મોટા ભાગની યહૂદી સ્ત્રીઓ નાની ઉંમરમાં ભલે ગમે તેટલી દેખાવડી હોય. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ તેમના ચહેરા પર એક જાતની કઠોરતા દેખાવા લાગે છે. પણ આ છોકરી એ માટે હજી નાની હતી. યહૂદી સ્ત્રીઓને મોટે ભાગે નાની ઉંમરમાં પરણાવી દેવામાં આવે છે. પછીથી વાતવાતમાં મને ખબર પડી કે આ છોકરીની મોટી બહેન, જે સોળ વરસની હતી, તે બે બાળકોની મા બની ચૂકી હતી! દાખલ થતી વખતે મેં જે સૂતેલાં બાળકો જોયાં હતાં તેમાંના બે તો એ છોકરીના હતાં!
નવવધૂએ પહેરેલાં કપડાં જોઇને કોણ જાણે કેમ મને કેરોની નર્તકીઓ યાદ આવી ગઈ. ગળાથી કમર સુધીનો બારીક સફેદ મસલીનનો ‘અંડર ડ્રેસ.’ તેનો એક છેડો પાની સુધી લટકતો, જેને કારણે ભરત ભરેલી પીળા રંગની મોજડીઓ લગભગ ઢંકાઈ જતી હતી. કિરમજી રંગના સાટીનના ઝબ્બા જેવું કપડું કમરબંધથી બાંધેલું હતું. એ કમરબંધમાં જડેલું એક જ મોટું નંગ આ કુટુંબની સમૃદ્ધિની ચાડી ખાતું હતું. બંને બાંય પહોળી અને ખુલ્લી હતી અને તેના પર સોનાનાં બટન લટકતાં હતાં. ખૂબ જ બારીક ભરતકામવાળી કશ્મીરી શાલ ઉપરણા તરીકે રાખી હતી. કાન, નાક, ગળું, બાવડાં, હાથ, બધું જ મોંઘા દાટ ઘરેણાંથી લથબથ હતું. અને આ શણગાર પર છોગારૂપ હતી લાલ વેલવેટની નાનકડી ટોપી. રંગબેરંગી સ્કાર્ફ વડે તેને દાઢી સાથે બાંધી હતી. આવું શા માટે કર્યું હશે એ મને સમજાતું નહોતું. પણ આ એક અપવાદને બાદ કરતાં બાકીનો પોશાક દેખાવડી છોકરીને વધુ સુંદર બનાવે તેવો હતો.
યહૂદી સ્ત્રીઓમાં બીજો પણ એક વિચિત્ર રિવાજ છે. માથા પરના આગલા વાળ પર મેંદી લગાવી લગાવીને તેનો રંગ ભડક થઈ ગયો હોય. પણ પાછળના વાળ તો લિસ્સા ચમકતા, કાળા જ હોય! એ પાછલા વાળ પાછા ગૂંથીને એની લટો બનાવી હોય. અને દરેક લટને છેડે સોનાનો સિક્કો લટકતો હોય!
હું જેની સાથે આવેલી એ સ્ત્રીને ખ્યાલ આવી ગયો કે નવવધૂનાં કપડાં-ઘરેણાંમાં મને ઘણો રસ પડ્યો છે. એટલે તેણે મને કહ્યું : ‘ચાલો, આપણે અંદરના ઓરડામાં જઈને અમારી છોકરીઓ કઈ રીતે તૈયાર થાય છે એ જોઈએ.’ એટલે અમે અંદર ગયાં. ઓરડાની દીવાલો કોતરણીકામવાળા લાકડાના કબાટોથી ખીચોખીચ ભરેલી હતી. એ કબાટોમાં રંગબેરંગી કપડાં, ટોપીઓ, પગરખાં, અને બીજી કિંમતી જણસો ગોઠવી હતી. તો બીજાં કેટલાંક કબાટોમાં મોંઘાં દાટ ઘરેણાં હતાં. લગભગ બધાં ઘરેણાં પર નાની નાની સોનામહોરો લટકતી હતી.
મુંબઈમાં વસતા ઘણાખરા યહૂદીઓ ત્રણ ભાષા તો બહુ સહેલાઈથી બોલી શકે છે: ફ્રેંચ, અરબી, અને ફારસી. જો કે મારી સાથે તેમણે હિન્દુસ્તાનીમાં વાતચીત કરી. કારણ મને પેલી ત્રણ ભાષામાંથી એકે આવડતી નહોતી. યહૂદીઓ મોટે ભાગે નોકરો સાથે વાત કરવા માટે હિન્દુસ્તાનીનો ઉપયોગ કરતા હોય છે. અને તે બોલવાની તેમની રીત બહુ તોછડી હોય છે. પણ મારી સાથે વાત કરતી વખતે તેમણે શક્ય તેટલી હદે વિનયવિવેકથી વાત કરી.
વાતચીત દરમ્યાન યહૂદીઓમાં લગ્ન કઈ રીતે નક્કી થાય છે તે પણ મને જાણવા મળ્યું. તેમનામાં પ્રેમલગ્નનો લગભગ અભાવ છે. છોકરાની પરણવાની ઈચ્છા થાય એટલે તે માને વાત કરે. માના ધ્યાનમાં જે પાંચ-સાત લાયક છોકરીઓ હોય તેને વિષે તે દીકરા સાથે વાત કરે. પછી તેમાંથી સૌથી વધુ લાયક છોકરી કઈ તે છોકરાની મા જ નક્કી કરે. એ છોકરીને ઘરે જઈને તે લગ્નનું ‘માગું’ નાખે. જો સામો પક્ષ પણ રાજી હોય તો દીકરાની મા થોડાં સગાંવહાલાં અને સખીઓને લઈને એક દિવસ પેલા મુરતિયાને ત્યાં જાય. પહેલેથી જણાવ્યું હોય એટલે છોકરી બનીઠનીને ગાદીતકિયા પર બેઠી હોય. મોઢા પર ઘૂમટો તાણ્યો હોય. હાથ-પગ મેન્દીથી રંગ્યા હોય. પોતાની સખીઓ અને સગાંઓથી ઘેરાઈને તે બેઠી હોય. બન્ને પક્ષે થોડી ઔપચારિક વાતો થાય. પછી છોકરાની મા બટવામાંથી કિંમતી વીંટી કાઢીને પહેરાવે. બધાં ભેગાં મળીને ગીતો ગાય, ખાનપાન થાય. આ જલસો આખી રાત ચાલે.

યહૂદી ધર્મગુરુઓ
લગ્નવિધિ છોકરીને ઘરે જ થાય. ઘરના સૌથી મોટા ખંડમાં વચ્ચોવચ રેશમી સુશોભિત પડદો બાંધવામાં આવે. તેની એક બાજુ નવવધૂ અને બંને પક્ષની સ્ત્રીઓ બેઠી હોય. બીજી બાજુ વર અને તેના પુરુષ કુટુંબીઓ બેઠા હોય. અગાઉથી નક્કી કર્યા પ્રમાણેના વખતે સિનેગોગમાંથી કોહેન (ધર્મગુરુ) આવે. તેની સાથે આવેલ રબાઈ એક પ્યાલામાં વાઈન ભરે. તેમાં તાંબું, ચાંદી અને સોનાની એક-એક વસ્તુ મૂકે. પહેલાં એ જામ વરરાજાને આપે. તેમાંથી એક-બે ઘૂટડા પીને તે રબાઈને પાછો આપે. એટલે રબાઈ એ જામ નવવધૂને આપે. આખો જામ પીધા પછી તે ખાલી જામને ભોંય પર ફેંકી દે. લગ્ન પછી દીકરીને વિદાય આપતાં પહેલાં ઘરના ઉંબરા પાસે એક બકરો વધેરવામાં આવે. કન્યાના માથા પર રોટલો મૂકીને તેના કટકા કરવામાં આવે. એ કટકા ખાવા માટે નજીકનાં સગાંઓને અપાય. લગ્નનો ઉત્સવ પૂરા સાત દિવસ ચાલે. આઠમે દિવસે જમણવાર હોય તેમાં બંને પક્ષનાં સગાંવહાલાં, કોહેન, રબાઈ, સૌને નોતરવામાં આવે. જમણ પૂરું થયા પછી આવેલાં સૌ કોઈ રબાઈને નાની મોટી વસ્તુ કે રોકડ રકમ ભેટ આપે. તે લેતી વખતે રબાઈ આપનારનું નામ મોટેથી બોલે, જેને બીજાં સૌ તાળીઓથી વધાવતાં જાય. છેવટે લગ્નસમાપ્તિનું ગીત ગવાય અને પછી નવપરિણીત પત્ની સાથે વર રાજા વિદાય થાય.

ઈજિપ્તની આરબ નર્તકીઓ
લગ્ન પૂરાં થયા પછી અમે ઘરે જવા નીકળ્યાં ત્યારે બંને બાજુ કેટલાક ઊંચા, ગોરા, સશક્ત, દેખાવડા પુરુષો ઊભા રહ્યા હતા. તેમણે પણ ભપકાદાર કપડાં પહેર્યાં હતાં, માથે સાફા બાંધ્યા હતા. લગભગ દરેકને બહુ લાંબી દાઢી હતી. અમે પસાર થયા ત્યારે દરેકે ઝૂકી ઝૂકીને અમને ‘સલામ’ કરી હતી. પણ જાહેરમાં અજાણી સ્ત્રી સાથે વાત કરવાનું તેમના સમાજમાં યોગ્ય ન ગણાય એટલે તેમાંના કોઈએ એક હરફ પણ ઉચ્ચાર્યો નહિ. ઘરે પહોંચી ત્યાર પછી પણ લાંબા વખત સુધી હું આ લગ્ન વિષે વિચારતી રહી.
પૂરક માહિતી :
સેમ્યુઅલ સ્ટ્રીટ પર ૧૭૯૬માં બંધાયેલ ગેટ ઓફ મર્સી સિનેગોગ મુંબઈનું સૌથી જૂનું સિનેગોગ છે. આ ઉપરાંત બીજાં પાંચ સિનેગોગ મુંબઈમાં આવેલાં છે. થાણા, પનવેલ, અલીબાગ અને પુણે ખાતે પણ એક-એક સિનેગોગ આવેલ છે. આજે મુંબઈમાં યહૂદીઓની વસતી ૪ હજાર કરતાં ઓછી હોવાનું મનાય છે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 24 ફેબ્રુઆરી 2024)
 

