Opinion Magazine
Number of visits: 9448847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—218

દીપક મહેતા|Opinion - Opinion|14 October 2023

દસ વરસની ઉંમરે ખાલી ખિસ્સે મુંબઈ આવેલો છોકરો બન્યો શેઠ ગોકળદાસ તેજપાલ    

સમય : ઈ.સ. ૧૮૬૫નો એક દિવસ. સ્થળ: મ્યુનસિપલ કમિશનરની ઓફિસ

પાત્રો : મ્યુનસિપલ કમિશનર આર્થર ક્રાફર્ડ (૧૮૩૫-૧૯૧૧), શેઠ ગોકળદાસ તેજપાલ (૧૮૨૨-૧૮૬૭), અને તેમના મુનીમ. 

સ્વામી આનંદ (૧૮૮૭-૧૯૭૬), રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ.  

*

શેઠ ગોકળદાસ તેજપાલ 

ક્રાફર્ડ : વેલકમ સેટ ગોખુલદાસ. શુ ખબર ચે?

શેઠ ગોકળદાસ : શેર બજાર રાતોરાત ભાંગ્યું તે દિવસથી બધા ખબર તો બુરા જ આવે છે, સાહેબ!

ક્રાફર્ડ : પણ અમે સાંભળ્યું છે કે બીજાઓ જેટલા તુમારા ખરાબ હાલ થયેલા નથી છે.

શેઠ ગોકળદાસ : એ તો ઉપરવાળાની મહેરબાની અને વડીલોના આશીર્વાદનું ફળ. પણ આજે હુજૂરે મને યાદ કર્યો તેનું કારણ …

ક્રાફર્ડ : ઓકે. હવે હું કારનની વાત પર જ આવું. અમારી સરકાર મુંબઈમાં ‘દેશી’ લોકો માટે એક મહોતી હોસ્પિટલ બાંધવા માગે છે.

શેઠ ગોકળદાસ : હા જી. એ તો બહુ જરૂરી છે. 

ક્રાફર્ડ : પણ પ્રોબલમ એ છે કે તેને માટે સરકાર પાસે પૈસા નથી. એટલે હમોએ રૂસ્તમજી જમશેદજી જીજીભોયને વાત કરેલા અને તેઓ પંદર હજાર પાઉન્ડ આપવા રાજી થયેલા. બીજા દસ હજાર પાઉન્ડ સરકાર ખરચશે.

શેઠ ગોકળદાસ : બે અદબી માફ કરજો સાહેબ, પણ સાંભળ્યું છે કે હાલમાં તેઓની સ્થિતિ …

ક્રાફર્ડ : એ જ તો પ્રોબલમ છે. શેર બજારની સાથે તેઓ બી ડૂબી ગિયા છે. એટલે એવન એક પાઈ બી આપી સકે તેમ નથી.

શેઠ ગોકળદાસ : મને ખાતરી છે કે આપના જેવા દૂરંદેશી હાકેમે બીજો રસ્તો વિચારી રાખ્યો જ હશે. 

ક્રાફર્ડ : હા, અને એ બીજો રસ્તો છે શેઠ ગોકળદાસ તેજપાલ.

શેઠ ગોકળદાસ (મનમાં) : હવે સમજાયું કે સાહેબ આટલી નમનતાઈથી કેમ વાત કરે છે આજે. (પ્રગટ) : સાહેબ, આપ કહો એમાં વિચાર કરવાનો હોય જ નહિ. પણ આપ જાણો જ છો કે મને પણ ઘા નહિ તો ઘસરકો તો વાગ્યો જ છે. 

ક્રાફર્ડ : એલફન્ટને એવા ઘસરકા વાગે એથી …

ગોકળદાસ : બસ સાહેબ! આપીશ. પંદર હજાર પાઉન્ડ હું આપીશ. અને દસ હજાર પાઉન્ડ સરકાર આપશે.

ક્રાફર્ડ : તમોની પાસેથી હંમે આવા જવાબની જ હોપ રાખેલી. સરકાર અને હું આપના આભારી છીએ. અને હા. આ હોસ્પિટલ સાથે સરકાર તમારું નામ જોડશે : ગોકળદાસ તેજપાલ હોસ્પિટલ. અને આવતા અનેક વરસ સુધી લોકો તમને દુઆ દેશે.

*

દી.મ. : પણ સરકાર જેનું નામ. હોસ્પિટલના મકાનનું બાંધકામ શરૂ થયું છેક ૧૮૭૦ના મે મહિનાની ૧૦મી તારીખે અને પૂરું થયું ૧૮૭૪ના એપ્રિલની ૮મી તારીખે.

વાછા શેઠ : પણ કામ શુરુ થયું તે આગમચ ૧૮૬૭માં ગોકળદાસ શેઠ તો પ્રભુને પ્યારા થઈ ગિયા હુતા.

સ્વામી આનંદ : આ શેઠ ગોકળદાસના ખાનદાનની વાત જીવરાજ બાલુની વાત સાથે ઘણી મળતી આવે છે. કચ્છ અબડાસાનું કોઠારા ગામ. આ ગામના ઠક્કર ખટાઉ કેશવજીએ કારમી ગરીબીથી ત્રાસીને દસ વરસની ઉંમરના દીકરા નાનજીને પડખેના ગામનું કોઈ કોટીયું વહાણ જાય તેમાં ટંડેલને આજીજી કરીને મુંબઈ કૂટી ખાવા ચડાવી દીધો. બે ટંક ચાલે એટલા ભાતા ઉપરાંત ગાંઠે પાઈ બંધાવેલી નહિ. 

વાછા શેઠ : અજાણ્યો મલક. નહિ કોઈની ઓલખ કે નહિ પાલખ. પેટમાં તો બલાડા બોલે. રડવા લાગ્યો. એક મજૂરને દયા આવી. પોતાના ભાતાની પોટલીમાંથી થોરૂં ખવરાવ્યું. પછી લઈ ગયો એક ગુજરાતી મોદીની દુકાને. નાનજી હૂતો કચ્છી. પાધરું ગુજરાતી બોલતાં બી આવરે નહિ. પેલા મજૂરે મોદીને એક આનો આપી છોકરાને ખજૂર આપવા કહ્યું. મોદીને બી દયા આવી હોસે તેથી બે આના જેટલું ખજૂર આપ્યું. બાજુમાં એક મહેતાજીની નિશાળ. છોકરાને કીધું કે નિશાળની બહાર બેસીને ખજૂર વેચવા માંડ. સાંજ સુધીમાં છોકરાએ છ પૈસાનો નફો કીધો. રોટલો ઘરીને ખાધો અને પછી મોદીની દુકાનને ઓટલે સૂઈ ગયો. વરસ થયું તે વારે દસ રૂપિયા બચાવ્યા તે દેશમાં બાપને મોકલ્યા. 

સ્વામી આનંદ : પણ આ દસ રૂપિયા એ તો આભ ફાટ્યું હોય ત્યાં થીગડું દીધા જેવી વાત હતી. એટલે બાપે તો પાંચ વરસના તેજપાલને પણ વહાણમાં ચડાવી ધકેલી દીધો મુંબઈ! નાનજીને માથે તો આભ ફાટી પડ્યું. એક પેટ માંડ ભરાતું હતું ત્યાં બે પેટ પાળવાં કેમનાં? છતાં થોડા દિવસ રાખ્યો. પણ પછી ના છૂટકે વતન પાછો મોકલી દીધો.

દી.મ. : બીજી બાજુ નાનજી નવાં નવાં કામ શીખતો જાય. સારા-નરસા મિક્સ કપાસને તારવી જુદા પાડવાનું કામ શીખ્યો. પગાર મહીને પાંચ રૂપિયા. પછી સારા નમૂના તારવી ઓફિસોમાં પહોંચાડવા લાગ્યો. છ મહિનામાં પગાર પંદર. રૂની ગાંસડીઓ પર માર્કાની છાપ મારતાં શીખ્યો. ઉમર ૧૬, પગાર ૩૦. હવે બાપને લખીને ભાઈને પાછો બોલાવી લીધો. ત્યારે તેજપાલની ઉંમર સાત. માર્કા મારવાના કામમાં નાનજી અંગ્રેજી બારાખડી શીખી ગયેલો તે નાના ભાઈને શીખવી અને કપાસ પારખતાં પણ શીખવ્યું. એ કામ ભાઈને સોંપીને કપાસનો પોતીકો ધંધો શરૂ કર્યો. પહેલે જ સોદે સો રૂપિયાનો નફો.

સ્વામી આનંદ : વીસ વરસની ઉંમરે ગાંઠે દસ હજારની મૂડી. દેશ જઈ પરણી આવ્યો. પછી મલબારમાં પેઢી નાખી કોપરા, કરિયાણાં, તેજાનાનો વેપાર જમાવ્યો. તેજપાલને પરણાવ્યો. નાનજીને સંતાન ન થયું. તેજપાલને દીકરો ને બે દીકરી. દીકરાનું નામ પાડ્યું ગોકળદાસ. ગાંઠે મૂડી ત્રણ લાખ. પણ અચાનક ૩૧ની ઉંમરે તેજપાલ ગુજરી ગયો!

દી.મ.: ગોકળદાસ તેજપાલનો જન્મ મુંબઈમાં, સને ૧૮૨૨. પાંચ ગુજરાતી સુધી ભણ્યો અને પછી નિશાળ છોડી. પણ પારસી માસ્ટર પાસે અંગ્રેજી ભણ્યો.

સ્વામી આનંદ : નાનજી શેઠે ગોકળદાસને ધંધામાં પલોટવા માંડ્યો. કિશોર ગોકળદાસે પાણીમાં માછલીની જેમ બધું શીખવા માંડ્યું. નાનકડી ઓરડીમાં પેઢી. કામ ચૌદ કલાક. ઉઘરાણીમાં માળાના દાદર ચડવા, દિવસ બધો ગલીકૂંચીઓ રવડી પગનાં પાણી ઉતારતાં, મોડી રાતે રોજનું નામું પૂરું કરવું, પુરાંત સાચવવી. વેપાર અને ઘર ઉપરાંત બીજી દુનિયા ન મળે. 

વાછા શેઠ : તે વારે લોકો ગારીઘોરા ને ચાકર રાખે તે મંદિરે અને ઓફિસે જવા. બીજો કોઈ ઝાઝો ખરચ નહિ. કરકસર તો ત્રીજો ભાઈ એમ મનાય. 

સ્વામી આનંદ : હા જી. પણ ભાઈના મરણ પછી નાનજીનો ઉમંગ તૂટી ગયો. મલબારનો વેપાર બંધ કર્યો. પથારો સંકેલવા માંડ્યો. ૧૮૩૯ની આસપાસ ટૂંક બીમારી ભોગવી ગુજરી ગયા. મરણ વેળાએ ગાંઠે છ લાખનો જીવ. વારસ ગોકળદાસ. ઉંમર વરસ ૧૭. ઘા જીરવીને ગોકળદાસે વેપારમાં મન પરોવ્યું. મલબારનો વેપાર ફરી ચાલુ કર્યો. કોટમાં હોળી ચકલે રહેતા.

દી.મ. : મુંબઈના કોટમાં હોળી ચકલો?

સ્વામી આનંદ : હા, હતો. બોરી બંદર સ્ટેશનથી થોડે દૂરના ભાગમાં ભાટિયાઓની ઝાઝી વસતી. એ સ્ટેશનની બહાર નીકળો ત્યાં એક બગીચો આવે. એનું નામ ભાટિયા બાગ.

દી.મ. : હા, હા. થોડા દિવસ પહેલાં જ ત્યાંથી પસાર થતાં જોયેલો, એલ.આર. તેરસી ભાટિયા બાગ. હવે એની રખાવટ પણ સારી રીતે થાય છે.

સ્વામી આનંદ : ગોકળદાસ, ઠિંગણું કાઠું, શરીરે સ્થૂળ, તેજસ્વી આંખો, સૂઝ ગજબની. ઘેર ગાડી ઘોડા, પણ રહેણી બહુ સાદીનરવી. બરકત વધ્યે ગઈ. મિલકત કરોડે ગણાવા લાગી. જો કે અમેરિકન લડાઈ પછી રૂના ભાવ ભોંય થયા તેમાં ૨/૩ જેટલી પૂંજી ગુમાવી. 

દી.મ. : ભાટિયા કોમ વલ્લભ સમ્પ્રદાયી પુષ્ટિમાર્ગી વૈષ્ણવોની. રુઢિચુસ્ત. એટલે ગોકળદાસ જૂનવાણી માનસ અને રહેણીકરણીના. પણ એમના સારે નસીબે એક દોસ્ત મળ્યા તે ભાટિયા કોમના સૌથી વધુ જાહેર જુસ્સાવાળા શેઠ લખમીદાસ ખીમજી, અગ્રણી સુધારક. એમની અસર નીચે ગોકળદાસ જૂનવાણી વિચારોમાંથી બહાર આવતા ગયા. તેમણે કરેલી સખાવતો પાછળ સૌથી મોટી પ્રેરણા આ લખમીદાસ શેઠની. 

સ્વામી આનંદ : એટલું જ નહિ, ગોકળદાસ ‘સુધારાવાળાઓ’ સાથે ઊઠતા-બેસતા થયા. કરસનદાસ મૂળજી, કવિ નર્મદાશંકર, ડો. ભાઉ દાજી, બહેરામજી મલબારી, બધા સુધારાવાળા જોડે ઊઠબેસ. તેથી લાખોને ખર્ચે સ્કૂલો વગેરે કાઢ્યાં. પ્રેરણા લખમીદાસની, પૈસો ગોકળદાસનો. એમની જ અસરથી, કહેવાય છે કે, એ વખતે દેશ-વિદેશમાં ચકચાર જગાડનાર મહારાજ લાયબલ કેસ દરમ્યાન પણ ગોકળદાસ શેઠે સુધારાવાળાઓને છૂપી રીતે મદદ કરેલી. 

જી.ટી. હોસ્પિટલની અસલ ઈમારત

દી.મ. : વાછા શેઠ, બિલાડીને જેમ ઉંદરની વાસ આવે તેમ મને જૂની ચોપડીઓની ગંધ આવે, અને પછી બને ત્યાં સુધી એ ચોપડી મારા પેટમાં – સોરી, પટારામાં હોય. આવી એક ચોપડી તે ૧૪૪ પાનાંની ‘શેઠ ગોકળદાસ તેજપાલનાં ધર્મખાતાના કાયદાનો ખરડો’. જે તૈયાર કરેલો મથુરાદાસ લવજીએ, અને પોતાને ખર્ચે ઈ.સ. ૧૮૮૩માં છપાવેલો. ગોકળદાસ શેઠની કુલ ૩૭ સખાવતોથી શરૂ થયેલી સંસ્થાઓમાંથી કેટલીકનાં માત્ર નામ જોઈએ તો ય અચરજ થાય. ગોકળદાસ તેજપાલ બોર્ડિંગ સ્કૂલ, ગોકળદાસ તેજપાલ વિદ્યાલય (જી.ટી. હાઈસ્કૂલ), ગો.તે. એન્ગલોવર્નાક્યુલર સ્કૂલ, ગોકળદાસ તેજપાલ સંસ્કૃત વિદ્યાલય, ગો.તે. કન્યાશાળા, ગો.તે. કચ્છ માંડવી સંસ્કૃત પાઠશાળા, ગો.તે. ઇંગ્લિશ સ્કૂલ, ગો.તે. જખાઉ સ્કૂલ, ગો.તે. નળિયા સ્કૂલ, ગો.તે. વિંજાણ સ્કૂલ, ગો.તે. કોઠારા સ્કૂલ, ગો.તે. લો ફંડ, ગો.તે. લાઈબ્રેરી ફંડ, ગો.તે. લક્ષ્મીનારાયણ ધર્મ ફંડ. સખાવતોનો કુલ આંકડો ૩૭.

સ્વામી આનંદ : ભાઈ, તમે તો વિષ્ણુસહસ્રનામનો પાઠ કરતા હો તેમ નામો બોલી ગયા. પણ તેમાંની એક સંસ્થાનું નામ તો આપણા દેશના ઇતિહાસ સાથે જોડાઈ ગયું છે, ખબર છે?

વાછા શેઠ : સ્વામીજી! આય વાત કંઈ સમજાતી નઈ.

સ્વામી આનંદ : આપણા દેશની આઝાદી માટેની લડતમાં સૌથી મોટો ફાળો જો કોઈનો હોય તો તે ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસનો.

દી.મ. : આવી વાત કરવાની આજે ફેશન નથી, પણ સ્વામીજી! આપની વાત સો ટકા સાચી.

ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપના થઈ તેના પ્રતિનિધિઓ  

સ્વામી આનંદ : અંગ્રેજોની પ્રેરણા અને પુઢાકારીથી તેની સ્થાપના થઈ ૧૮૮૫ના ડિસેમ્બરની ૨૮મી તારીખે. એ વખતે આખા દેશમાંથી આવેલા ૭૨ પ્રતિનિધિઓની બેઠક મળી હતી ગોવાળિયા તળાવના કાંઠે આવેલી ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં.

દી.મ. : સ્વામીજી, એ મકાન તો મેં અનેક વાર જોયેલું. બાજુની જ ન્યૂ ઈરા સ્કૂલમાં દસ વરસ ભણવા ગયો ત્યારે ટ્રામમાંથી ઊતરી રોજ સ્કૂલે જતાં રસ્તામાં એ મકાન દેખાતું. અને એની પાછળ આવેલું લક્ષ્મીનારાયણ મંદિર. પણ હવે નથી રહી મારી એ સ્કૂલ કે નથી રહ્યું પાઠશાળાનું એ મકાન! એની જગ્યાએ આજે ઊભું છે તેજપાલ ઓડિટોરિયમ. 

સ્વામી આનંદ : એટલે જ તો કહ્યું છે કે ‘સમય સમય બળવાન હૈ, નહિ પુરુષ બળવાન.’ ચાલો, હવે મારો પણ જવાનો સમય થઈ ગયો. આવજો, અને મુંબઈ વિશેની તમારી વાતો ચાલુ રાખજો.

વાછા શેઠ : પધારજો સ્વામીજી.

દી.મ. : ફરી મળવાનું થશે એવી આશા સાથે આપને પાયલાગણ, સ્વામીજી.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 14 ઓક્ટોબર 2023)

Loading

14 October 2023 Vipool Kalyani
← 2023 નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીની સંઘર્ષકથા
સવર્ણ-અવર્ણની વાસ્તવિક્તા તરફ કોઈ આંગળી ચીંધે તો દેશની એકતા જોખમાય ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved