Opinion Magazine
Number of visits: 9446650
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 20

દીપક મહેતા|Opinion - Opinion|2 December 2019

મુંબઈના બંગલાથી ફૂટ પાથ પર

દિલ કા હાલ સુને દિલવાલા

મુંબઈના જીવનમાં, તેના લોકોની રહેણીકરણીમાં વૈવિધ્યનો પાર નથી. એક બાજુ ચાલની એક કે દોઢ ખોલીમાં પાંચ સાત સભ્યોનું કુટુંબ સાંકડમોકડ આખી જિંદગી જીવી નાખે છે તો બીજી બાજુ ચાર-પાંચ સભ્યોવાળું કુટુંબ આઠ-દસ કે તેથી વધુ ઓરડાવાળા બંગલામાં રહેતું હોય. આ બંગલો એ અંગ્રેજોએ આપણને આપેલી ભેટ છે. આપણી પરંપરામાં મહેલ, હવેલી, વાડો-વાડી, વગેરે હતાં, પણ બંગલો નહોતો. બંગલો શબ્દ આપણે – અને અંગ્રેજી ભાષાએ પણ – હિન્દી ભાષા પાસેથી અપનાવ્યો છે. બંગલો એટલે બંગાળમાં જોવા મળતું એક ખાસ પ્રકારનું ઘર. કલકત્તા અને બંગાળ એ અંગ્રેજોનું હિન્દુસ્તાનમાંનું મહત્ત્વનું થાણું. વેપાર અને લશ્કર બંને માટે મહત્ત્વનું. લશ્કરના ગોરા અફસરો ‘દેશી’ ઘરોમાં તો કેમ કરીને રહી શકે? એટલે એમને માટે ખાસ અલાયદાં ઘર બાંધવાં જોઈએ. બ્રિટિશ આર્મીના એન્જિનિયરોએ અફસરો માટે જે રહેઠાણ વિકસાવ્યાં તે શરૂઆતમાં માત્ર બંગાળમાં જ જોવા મળતાં એટલે હિન્દીમાં તે બંગલા તરીકે ઓળખાયાં. અને આપણે આ શબ્દ હિન્દી પાસેથી ઉછીનો લીધો. પણ દરેક ભાષાને પોતાની આગવી ખાસિયત હોય છે. જેમ કે આપણે અંગ્રેજીનો ‘બેબી’ શબ્દ અપનાવ્યો. અંગ્રેજીમાં તે નાના છોકરા તેમ જ નાની છોકરી બંને માટે વપરાય છે. પણ ગુજરાતીમાં મોટે ભાગે ઇકારાંત નામો નારી જાતિ સૂચવે છે. એટલે આપણે ‘બેબી’ શબ્દ છોકરી માટે જ વાપર્યો અને તેના પરથી ‘બાબો’ એવો ઓકારાંત શબ્દ છોકરા માટે બનાવી કાઢ્યો. મૂળ હિન્દી શબ્દ ‘બંગલા’ પણ ઘોડા જેવા આકારાંત રૂપો ગુજરાતીમાં નર જાતિનું બહુવચન દર્શાવે છે એટલે આપણે તેનું એક વચનનું રૂપ બનાવ્યું ‘બંગલો.’ તેવી જ રીતે નાના બંગલા માટે આપણે ‘બંગલી’ એવું નારી જાતિનું રૂપ પણ નીપજાવ્યું.

પરેલમાં આવેલો ગવર્નરનો બંગલો – આજની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ

પણ પાછા બંગાળના બંગલા તરફ જઈએ. અફસરો માટેનાં રહેઠાણની ડિઝાઈન એવી હોવી જોઈએ કે લગભગ દરેક સ્થળે ઓછામાં ઓછા ફેરફાર સાથે વાપરી શકાય. વળી લશ્કર એટલે ઊંચી-નીચી પદવીઓ, બહુ ચુસ્ત હાયરાર્કી. એટલે મૂળભૂત ડિઝાઈનમાં થોડો ફેરફાર કરવાથી અફસરની રેન્કનો ખ્યાલ આવે એવી પણ એ ડિઝાઈન હોવી જોઈએ. આવી કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને આર્મીના એન્જિનિયરોએ જે મકાન બાંધ્યાં તે ‘બંગલો’ તરીકે ઓળખાયાં. મુંબઈમાં પણ શરૂઆતમાં તો અંગ્રેજ અધિકારીઓ જ બંગલામાં રહેતા, લશ્કરના અને બીજા પણ. અને તેમના મોટા ભાગના બંગલા આજના કોટ વિસ્તારમાં આવ્યા હતા. ૧૭૫૭ સુધી મુંબઈનો ગવર્નર આજના લાયન્સ ગેટ વિસ્તારમાં આવેલા ‘બોમ્બે કાસલ’માં રહેતો. પછી થોડો વખત ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગ ગવર્નરનું રહેઠાણ બન્યું. પછી ગવર્નર પરેલ રહેવા ગયા. એ મકાનમાં આજે હાફકિન ઇન્સ્ટિટ્યૂટ કામ કરી રહી છે. મૂળ ‘સાન્સ પરેલી’ તરીકે ઓળખાતું આ મકાન પરેલના ટાપુ પર ૧૬૭૩માં બંધાયું હતું. મૂળે તો તે જેસુઈટ સંપ્રદાયનું ચેપલ હતું. વિલિયમ હોર્નબી, જે ૧૭૭૧થી ૧૭૮૪ સુધી મુંબઈના ગવર્નર હતા તેઓ એ મકાનમાં રહેનારા પહેલા ગવર્નર હતા. ૧૮૮૫માં મલબાર હિલ પરનો હાલમાં ‘રાજ ભવન’ તરીકે ઓળખાતો ભવ્ય બંગલો તૈયાર થયો અને ત્યારથી મુંબઈના ગવર્નર એ બંગલામાં રહે છે. એક જમાનામાં તેના કરતાં વધુ વિશાળ, સગવડભર્યો, ભવ્ય બીજો કોઈ બંગલો આખા મુંબઈમાં નહોતો.

સાધારણ રીતે બંગલો એક માળવાળો હોય. તેમાં ભોંયતળિયે દીવાન ખંડ, ભોજન ખંડ વગેરે હોય. ઉપરના માળે આજે આપણે જેને ‘બેડ રૂમ’ કહીએ છીએ તેવા ઓરડાઓ હોય. નીચેના બધા ઓરડાઓને જોડતી મોટી ઓશરી કે વરંડો હોય. તેની આસપાસ મોટું ખુલ્લું કમ્પાઉન્ડ હોય અને બગીચો પણ હોય. કમ્પાઉન્ડ ફરતી મજબૂત દીવાલ હોય. દરવાજે દરવાન બેઠો હોય. ૧૯મી સદીના બંગલામાં એક-બે કે વધુ ઘોડા ગાડી માટેની જગ્યા રહેતી. પછીથી મોટર માટેનાં ગેરેજ આવ્યાં. ગોરાઓના બંગલાઓની એક ખાસિયત હતી દોરીથી ખેંચાતો સિલિંગમાં લગાડેલો મસ મોટો કપડાનો પંખો. દોરી સતત ખેંચી ખેંચીને તેને ખેંચવાવાળો બિચારો પરસેવે રેબઝેબ થતો હોય, પણ ગોરા સાહેબ અને મડમ આરામથી પંખાની ઠંડી હવા ખાતાં હોય. ગોરાઓ સિવાય કેટલાક જમીનદારો પણ આવા પંખા વાપરતા. પણ તે સિવાયના બંગલામાં પંખા અને તેને ખેંચવાવાળા ભાગ્યે જ જોવા મળતા.

ગોરા સાહેબના બંગલામાં પંખો અને પંખાવાળો

સંસ્કૃતમાં એક જાણીતી ઉક્તિ છે – યથા રાજા તથા પ્રજા. લોકોને રહેણીકરણી, પહેરવેશ, ખાણીપીણી વગેરે બાબતોમાં રાજકર્તાઓનું અનુકરણ કે અનુસરણ કરવું હંમેશ ગમે છે. એટલે જેમને પોસાય તેવા ‘દેશી’ અમીરોએ પણ મુંબઈમાં બંગલા બંધાવવાનું શરૂ કર્યું. અલબત્ત, તેમાંનાં મોટા ભાગના કિલ્લાની બહાર – આજના કોટ વિસ્તારની બહાર હતા. મુખ્યત્વે પારસી અને હિંદુ વેપારીઓએ, અને પછી ઉદ્યોગપતિઓએ બંગલા બાંધ્યા. ગોરાઓની રહેણીકરણી કરતાં ‘દેશીઓ’ની કેટલીક બાબતોમાં જૂદી પડે એટલે તેને અનુરૂપ ફેરફારો બંગલાની ડિઝાઈનમાં કરવામાં આવ્યા. એ વખતે હજી ‘દેશીઓ’માં મોટાં સંયુક્ત કુટુંબો હતાં એટલે સભ્યોની સંખ્યા વધુ. તેથી દેશીઓ’ના બંગલામાં વધારે ઓરડા રહેતા. બીજું, દિવસ દરમ્યાન ઘરનાં પુરુષો અને સ્ત્રીઓ લગભગ અલગ અલગ રહે, અંગ્રેજોની જેમ મુક્તપણે હળેમળે નહિ. એટલે બંગલાના પાછળના ભાગમાં ઘરની સ્ત્રીઓ કામ-આરામ કરી શકે એવી સગવડ રખાતી. હિંદુ કુટુંબોમાં પૂજાપાઠનું પણ મહત્ત્વ. એટલે બંગલાના કોક ખૂણે પૂજાની ઓરડી કે દેવઘર રહેતું. શરૂઆતમાં ‘દેશીઓ’ના બંગલા બહારથી લગભગ ગોરાઓના બંગલા જેવા જ દેખાતા. પણ પછી ધીમે ધીમે હિંદુ કે પારસીઓએ સ્થાનિક સ્થાપત્યના કેટલાક અંશો તેમાં ઉમેર્યા. જેમ કે, આંગણામાં તુલસી ક્યારો. હવેલીના સ્થાપત્યમાં જોવા મળતા કેટલાક અંશો પણ ઉમેરાયા, જેમ કે લંબ ચોરસ બારીને બદલે ગવાક્ષ કે ઝરૂખા. કોતરણી કામ.

ઝીણા કોતરણી કામવાળો વાંદરાનો બંગલો

પછી જેમ જેમ મુંબઈનાં પરાંઓ વિકસતાં ગયાં તેમ તેમ કેટલાક ધનિકોએ તળ મુંબઈને બદલે પરામાં વસવાનું શરૂ કર્યું. ખુલ્લી, મોકળી જગ્યા, સ્વચ્છ આરોગ્યપરદ હવાપાણી, જમીનના સસ્તા દર વગેરે મુખ્ય આકર્ષણ. એટલે વાંદરા, ખાર, સાંતાક્રુઝ, વિલે પાર્લે જેવાં પરાંઓમાં ચાલો બંધાઈ તો સાથોસાથ બંગલા પણ બંધાયા. તેમાના ઘણાનાં નામ સાથે ‘લોજ’, કુટિર, જેવા શબ્દો જોડાયા હતા જેમ કે લિબર્ટી લોજ, જાનકી કુટિર, વગેરે. પણ હકીકતમાં એ મોટા બંગલા જ હતા. તો સાંતાક્રુઝ ઇસ્ટમાં આવેલ ‘મોર બંગલો’ જેવા કેટલાક સાથે બંગલો શબ્દ જોડાયો હતો. વાંદરામાં મોટે ભાગે ખ્રિસ્તીઓના બંગલા હતા. પરાંઓનો વિકાસ ઝડપી બન્યો તેનું એક મુખ્ય કારણ લોકલ ટ્રેનની સગવડ પણ હતું. તેને કારણે તળ મુંબઈ આવવા-જવાનું ઘણું સહેલું બન્યું. પરાના બંગલામાં રહેતા ધનવાનો પાસે પહેલાં ઘોડા ગાડી અને પછી મોટર આવે, છતાં તળ મુંબઈ જવા માટે તો તેઓ ટ્રેનનો જ ઉપયોગ કરતા. એમ કરવામાં તેમને નાનમ ન લાગતી. જેમ કે અગ્રણી ગુજરાતી લેખક અને વ્યવસાયે શેર બ્રોકર એવા ગુલાબદાસ બ્રોકર શેર બજાર જવા માટે પાર્લાથી ટ્રેનમાં જ જતા, પોતાની મોટર હોવા છતાં. ઘણાં ખરાં પશ્ચિમનાં પરાંઓમાં રેલવે લાઈનની પશ્ચિમ બાજુએ, દરિયા કાંઠા સુધીના વિસ્તારનો વિકાસ પહેલાં થયો. રેલવે લાઈનની પૂર્વ બાજુનો વિકાસ પછીથી થયો અને પ્રમાણમાં ધીમો થયો. પણ પછી પરાંઓની ઇસ્ટ બાજુએ પણ ચાલ અને બંગલા પણ બંધાયાં. વિલે પાર્લેના પ્રખ્યાત પાર્લે તિલક વિદ્યાલયની શરૂઆત એક બંગલામાં જ થઇ હતી.

વિલે પાર્લે ઇસ્ટનો બંગલો – જ્યાં પછીથી પાર્લે તિલક વિદ્યાલય શરૂ થયું

પણ મધ્યમ વર્ગના લોકોને ચાલમાં રહેવું ફાવે નહિ, અને બંગલા બાંધવાનું પોસાય નહિ. એટલે ધીમે ધીમે ફ્લેટ સિસ્ટમ શરૂ થઈ. શરૂઆતમાં તો મોટે ભાગે બંગલાના અમુક ભાગમાં માલિક રહે અને બાકીનો ભાગ બે-ત્રણ ભાડૂતને રહેવા આપે એવી વ્યવસ્થા હતી. પછી કેવળ ભાડેથી આપવા માટેના ફ્લેટ વાળાં મકાનો કે મકાનોનો સમૂહ બંધાયાં. નાણાવટી હોસ્પિટલની બાજુમાં આવેલ સુરેશ કોલોની આવા ફ્લેટ-સમૂહનું એક હજી સુધી ટકી રહેલું ઉદાહરણ છે. મધ્યમ વર્ગના પારસીઓ માટે પારસી પંચાયતે અને બીજા દાનવીર પારસીઓએ તળ મુંબઈ તેમ જ પરાંમાં પણ મોટી સંખ્યામ ફ્લેટ બાંધ્યા. તેવી જ રીતે મુસ્લિમ બિરાદરો માટેની વસાહતો પણ તળ મુંબઈ ઉપરાંત કેટલાંક પરાંઓમાં ઊભી થઈ. ઘણા ફ્લેટ ધરાવતી કોલોની કે સોસાયાટીઓમાં દાયકાઓ સુધી માત્ર રહેવાની વ્યવસ્થા હતી. બહુ બહુ તો કંપાઉંડમાં બે-ચાર બાંકડા હોય કે એક ખૂણામાં બાળકોને રમવા માટેનાં બે-ચાર સાધનો હોય. પણ છેલ્લા બે-ત્રણ દાયકામાં ગ્રાહકોને આકર્ષવા માટે બિલ્ડરો રહેણાકની જગ્યા ઉપરાંત હોલ, મંદિર કે દેરાસર, જિમ્નેઝિયમ, સ્વીમિંગ પૂલ, જેવી જાતજાતની સગવડો ઊભી કરે છે. અલબત્ત, આ ફ્લેટો ભાડેથી આપવા માટે નહિ પણ ઓનરશિપથી બે-પાંચ-દસ કરોડમાં વેચવા માટે હોય છે.

પારસી કોલોની, દાદરનું એક મકાન

૧૯૬૦માં મહારાષ્ટ્રનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ૧૯૭૦ પછી ખૂબ ઝડપથી મુંબઈનો વિકાસ થવા લાગ્યો. મુંબઈ પાસે બીજું બધું છે, પણ આ એક ટાપુ હોવાથી જગ્યા નથી. એટલે આડી લીટીમાં તેના વિકાસની મર્યાદા છે. જ્યારે અમદાવાદ કે દિલ્હી જેવાં શહેરોની આસપાસ પુષ્કળ જમીન છે એટલે તેમનો વિકાસ પાઘડી-પને થાય છે. મુંબઈનો વિકાસ ઊભી લીટીમાં કરવાનું અનિવાર્ય બન્યું. પહેલાં પાંચ કે સાત માળનાં મકાનો ઊંચાં ગણાતાં. એને બદલે હવે ૨૦-૨૫-૩૦ માળનાં મકાનો બંધાય છે. આવાં મકાનો જૂની ચાલીઓ, જૂના બંગલાઓનો ભોગ લેતાં જાય છે. તેમાં ય છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘રિડેવલપમેન્ટનું ભૂત ધૂણવા લાગ્યું છે એટલે ૩૦-૪૦ વર્ષ જૂનાં પાંચ-સાત માળની કોઓપરેટિવ સોસાયટીઓ જમીનદોસ્ત થઈ રહી છે. હવે પછીનાં થોડાં વર્ષોમાં ન્યૂ યોર્ક કે શાંઘાઈની જેમ મુંબઈ પણ સ્કાય સ્ક્રેપરનું શહેર બની જાય તો નવાઈ નહિ.

ધારાવીની ઝૂંપડપટ્ટી

મુંબઈમાં બંગલામાં રહેવાનું ન પોસાય તેવા લોકો ફ્લેટમાં રહે, ફ્લેટમાં રહેવું ન પોસાય તેવા લોકો ચાલમાં રહે, પણ ચાલમાં રહેવું ય ન પોસાય તેવા લોકો? તેવા લોકો માટે મુંબઈમાં ઠેર ઠેર બની છે ઝૂંપડપટ્ટીઓ. આ ઝૂંપડપટ્ટીઓનું પણ આગવા પ્રકારનું જીવન છે. કોઈ ઝૂંપડપટ્ટીમાં ગયા વગર ત્યાં રહ્યાનો અનુભવ મેળવવો હોય તો મધુ મંગેશ કર્ણિકની માહિમચી ખાડી કે જયવંત દળવીની ચક્ર જેવી મરાઠી નવલકથા વાંચવી. બંનેના ગુજરાતીમાં અનુવાદ પણ થયા છે. આ બે નવલકથાની તોલે આવે એવી ઝૂંપડપટ્ટી વિશેની કોઈ નવલકથા ગુજરાતીમાં તો લખાઈ નથી. દુનિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટીઓમાં જેની ગણના થાય છે તે ધારાવીની ઝૂંપડપટ્ટીની શરૂઆત છેક ૧૯મી સદીના મધ્ય ભાગમાં થઇ હતી. ૧૮મી સદીમાં ધારાવી એક ટાપુ હતો અને તેના પર મુખ્યત્વે મેનગ્રોવ્ઝ આવેલાં હતાં. ૧૯મી સદીમાં ત્યાં નાનકડું ગામડું ઊભું થયું જેમાં થોડા કોળી માછીમારો રહેતા હતા. આથી તે વિસ્તાર કોળી વાડા તરીકે પણ ઓળખાતો. તળ મુંબઈનો વિકાસ પહેલાં આડેધડ થયો હતો એટલે પ્રદૂષણ ફેલાવનારાં કારખાનાં ઠેર ઠેર જોવા મળતાં. તેમાં સૌથી વધુ પ્રદૂષણ કરનાર એ વખતે હતી ચામડાં કમાવાની ભઠ્ઠીઓ. અંગ્રેજ સરકારે આવાં પ્રદૂષણ ફેલાવનારાં કારખાનાં મુંબઈની બહાર ખસેડવાનું નક્કી કર્યું. એ વખતે મુંબઈની હદ માહિમ સુધી જ હતી. ૧૮૮૭માં ચામડાં પકવવાનું પહેલું કારખાનું ધારાવી ખાતે ખસેડાયું. પછી તો જાતભાતનાં કારખાનાં ત્યાં ખસેડાયાં, ઊભાં થયાં. તે વખતે ત્યાં મુખ્ય વસ્તી ચમાર અને કુંભાર જેવી જાતિઓની. પછી તો પરીકથામાંની રાજકુમારીની જેમ ધારાવીની ઝૂંપડપટ્ટી દિવસે નહિ તેટલી રાતે ને રાતે નહિ તેટલી દિવસે વધવા લાગી. આજે તેનો વિસ્તાર લગભગ બે ચોરસ કિલોમિટરનો છે, પણ વસ્તી છે સાત લાખ કરતાં વધુ! અને જાતજાતના ધંધા-ઉદ્યોગથી ધારાવી ધમધામે છે.

દિલ કા હાલ સુને દિલ વાલા

પણ ધારાવી જેવી ઝૂંપડપટ્ટીમાં પણ જગ્યા લેવાનું પોસાય નહિ એવા લોકો ક્યાં જાય? એમને સંઘરવા માટે છે મુંબઈની ફૂટ પાથ. એ ફૂટ પાથ પર રહેનારાઓ પણ ક્યારેક બે ઘડી કેવી રીતે આનંદ મેળવી લે છે એ જોવું હોય તો યુ ટ્યુબ પર જઈ રાજ કપૂરની ફિલ્મ શ્રી ૪૨૦નું ગીત જોવું :

દિલ કા હાલ સુને દિલ વાલા.
સીધી સી બાત, ન મિર્ચી મસાલા,
કહેતે રહેગા કહેને વાલા,
દિલ કા હાલ સુને દિલ વાલા.

મુંબઈના દિલ વિશેની થોડી વધુ વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 30 નવેમ્બર 2019

Loading

2 December 2019 admin
← ટૉલ્સ્ટૉય શતાબ્દી
શિક્ષણજગતનાં બે આંદોલનો : ફરક અને તફાવત સમજાવો (૧,૦૦૦ શબ્દોમાં) →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved