Opinion Magazine
Number of visits: 9446512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 17

દીપક મહેતા|Opinion - Opinion|11 November 2019

ચોપાટી જાયેંગે, ભેલપૂરી ખાયેંગે 

લકડી બંદર બન્યું ચોપાટી

જમશેદજી જીજીભાઈનો ચર્ની રોડ

તુલસીદાસજીની એક જાણીતી પંક્તિ છે : તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ. આ પંક્તિનો સાચો અર્થ સમજવો હોય તો સમી સાંજે ગિરગામ ચોપાટીના દરિયા કિનારે જવું. અહીં મોટરમાં બેઠા બેઠા દરિયાની હવા ખાતા માલેતુજારો પણ જોવા મળે, અને રેતીમાં પાથરેલી સાદડી પર લંબાવીને ચંપી કરાવતા નફિકરાઓ પણ જોવા મળે. તેમને જોઇને પેલું પ્રખ્યાત ફિલ્મી ગીત યાદ આવ્યા વગર રહે નહિ :

સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે,
આજા પ્યારે, પાસ હમારે, કાહે ગભરાય, કાહે ગભરાય.’ 

હાથ ચાલાકીના ખેલ બતાવનારા અહીં જોવા મળે, તો જીભ ચાલાકીથી લોકો પાસેથી પૈસા ઉઘરાવી લેનારા લેભાગુઓ પણ જોવા મળે. અને હા, આસપાસની દુનિયાનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ માનીને એકબીજાંમાં ગૂંથાઈ ગયેલાં પ્રેમીઓ માટે તો સ્વર્ગ અહીંથી વેંત જ છેટું હોય છે. હા, સવારે અહીં આવો તો કિનારા પર કેટલેક સ્થળે માણસો કરતાં વધુ તો કબૂતરો જોવા મળે. રૂપિયા બે રૂપિયાનું ચણ નાખીને ઢગલો પુણ્ય કમાઈ લેવાની ધગશ ધરાવતા લોકો ચણા વેરતા જાય અને પુણ્ય ઉસેટતા જાય.

લકડી બંદર બન્યું ચોપાટી

પણ આજથી સો-દોઢ સો વર્ષ પહેલાં અહીં આમાંનું કશું નહોતું. ફક્ત નાનાં વહાણો અહીં લાંગરતાં, અને પોતાનો માલ કાંઠાની રેતીમાં ઉતારતાં. એ માલ એટલે મુખ્યત્વે લાકડા. એટલે એ વખતે આ જગ્યા ‘લકડી બંદર’ તરીકે ઓળખાતી. પણ પછીથી ધીમે ધીમે તે ‘ચોપાટી’ના નામે ઓળખાવા લાગી. અરે, આજે આપણે જેને મલબાર હિલ કહીએ છીએ તેને પણ લોકો તો ચોપાટીની ટેકરી તરીકે જ ઓળખતા. પણ આ ચોપાટી નામ આવ્યું ક્યાંથી? તેના નામમાં આવતા ‘ચો’(ચાર)ને કારણે ઘણા કહે છે કે અહીં પાણીના ચાર પ્રવાહ ભેગા થતા તેથી ચોપાટી. તો વળી કેટલાક કહે છે કે અહીં ચાર રસ્તા ભેગા થતા એટલે ચોપાટી. પણ સાહેબ, મુંબઈમાં જ એક કરતાં વધુ ચોપાટી છે : પહેલી ગિરગામ ચોપાટી, પણ પછી વરલી ચોપાટી, દાદર ચોપાટી, ખાર-દાંડા ચોપાટી, જુહુ ચોપાટી, વગેરે. એટલું જ નહિ, દરિયા કાંઠે કે નદી તીરે આવેલાં ગુજરાતનાં ઘણાં શહેરોને પણ પોતપોતાની ‘ચોપાટી’ છે. જેમ કે સુરત, સોમનાથ, પોરબંદર, વેરાવળ, દ્વારકા, માધવપુર વગેરેની ચોપાટી. હવે, ચોપાટી’ શબ્દનો એક અર્થ થાય છે સપાટ કે સમથળ જમીન. મલબાર હિલની ટેકરી પૂરી થાય અને પછી લગભગ તરત આવે છે આ સમથળ, સપાટ જમીન. એટલે લોકો તેને ‘ચોપાટી’ તરીકે ઓળખતા હોય એમ બને. પણ પછી, એ શબ્દ સાથે ‘દરિયા કિનારો’ જોડાઈ ગયો અને એટલે બીજી જગ્યાઓએ આવેલી દરિયા કે નદી કિનારા પરની સપાટ કે સમથળ જમીન પણ ‘ચોપાટી’ તરીકે ઓળખાતી થઈ. કે પછી, ગુજરાતના દરિયા કાંઠાના કોઈ શહેર પાસેથી મુંબઈને ‘ચોપાટી’ શબ્દ મળ્યો હશે? સૌરાષ્ટ્રમાં ઘરની પરસાળ માટે વપરાતો શબ્દ ‘ચોપાડ’ આપણી ‘ચોપાટી’ને મળતો આવે છે. ચોપાડ એટલે ચારે તરફથી ખુલ્લી જગ્યા. અને હિન્દી ભાષામાં વપરાતા ‘ચોપાલ’ શબ્દનો અર્થ પણ થાય છે ‘ખુલ્લી સાર્વજનિક જગ્યા.’ મુંબઈની દક્ષિણે આવેલા મહારાષ્ટ્રના કોઈ દરિયા કિનારાને લોકો ‘ચોપાટી’ તરીકે ઓળખતા હોય એવું જાણ્યું નથી.

 

૧૯મી સદીમાં મલબાર હિલ પરથી ચોપાટી

આજે તો ગિરગામ ચોપાટીની આસપાસની ઘણી જગ્યા ચોપાટ કે સમથળ છે, પણ અગાઉ એવું નહોતું. દરિયા કીનારાની સાંકડી પટ્ટી પછી તરત શરૂ થતી જુદી જુદી જણસોની વાડીઓ. હવે તો એ વાડીઓનું નામ નિશાન રહ્યું નથી, છતાં આજે ય ગિરગામ વિસ્તારમાંના ઘણા લોકોની જીભે હજી આવાં નામો જ રમે છે : તાડવાડી, ફણસવાડી, કાંદાવાડી, કેળેવાડી, જામ્બુલવાડી, ફોફળ (સોપારી)વાડી, વગેરે. એટલે એક વખત આ બધો વિસ્તાર જાતજાતનાં વૃક્ષોથી ઘેરાયેલો હતો. તે પછી આવતી થોડી ખુલ્લી, સપાટ જમીનને લોકો ‘ચોપાટી’ કહેતા હોય તો તે સમજી શકાય.

અસલનું ચર્ચ ગેટ સ્ટેશન

પણ પછી મુંબઈમાં રેલવે આવી. પહેલી લાઈન તો બોરી બંદરથી થાણાની હતી, જી.આઈ.પી. રેલવેની. પછી આવી બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવે. તેનું કામ પ્રમાણમાં ધીમે ધીમે આગળ વધ્યું. ૧૮૫૯ સુધીમાં સુરતથી ગ્રાન્ટ રોડ સુધી પાટા નંખાયા અને તે જ વર્ષે ગ્રાન્ટ રોડ ટર્મિનસ ખુલ્લું મુકાયું. પછી ૧૮૬૧માં તે પાટા ચર્ચ ગેટ સુધી પહોંચ્યા, અને પછી ૧૮૭૩માં કોલાબા સુધી. ટ્રેનના પાટા ઓળંગવા જતાં આજે તો મુંબઈમાં દરરોજ કેટલા ય માણસોના જાન જાય છે. પણ ૧૯મી સદીમાં તો મુંબઈની વસ્તી ઘણી ઓછી. બે ટ્રેનો વચ્ચેનો સમય ગાળો લાંબો, અને છતાં એ વખતે પણ પાટા ઓળંગવા જતાં કેટલાક લોકો મોતને ભેટતા હતા. બી.બી.સી.આઈ. રેલવેના એક એન્જિનિયરના મનમાં થયું કે આમ માણસોને મરવા ન દેવાય. પણ તો કરવું શું? માણસો માટે રેલવે લાઈન ઉપર પૂલ બાંધવો. અને એવા પહેલા પૂલનું બાંધકામ શરૂ થયું ચોપાટી નજીક. આજે એ પૂલ કેનેડી બ્રિજ તરીકે ઓળખાય છે. દેખીતું છે કે આ નામને અમેરિકાના પ્રેસિડન્ટ જોન એફ કેનેડી સાથે કશું લાગતું વળગતું નથી. આવો પૂલ બાંધાવાનું જે એન્જિનિયરને સૂઝ્યું તેમનું નામ હતું જોન પિટ કેનેડી (૧૭૯૬-૧૮૭૯). ૧૮૫૦માં તેમની ચીફ એન્જિનિયર તરીકે નિમણૂક થઈ. તેઓ પૂલ બાંધવામાં નિષ્ણાત હતા. ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં પણ તેમણે કેટલાક પૂલ બાંધેલા. પણ તેમના નામ સાથે જોડાયેલો મુંબઈનો આ પૂલ ક્યારે બંધાયો તેની માહિતી રેલવેના દફતરમાં પણ સચવાઈ નથી! પણ ૧૮૫૦ અને ૧૮૭૦ની વચમાં ક્યારેક તે બંધાયો હશે. મુંબઈથી અમદાવાદ સુધીની રેલવે લાઈન નખાઈ ત્યારે નર્મદા નદી ઉપરનો પૂલ તથા વસઈની ખાડી પરનો પૂલ પણ આ કેનેડીએ જ બાંધ્યા હતા. મુંબઈના એક પૂલને તેમનું નામ અપાયું એટલું જ નહિ, ચોપાટીના દરિયા કિનારાનું પણ સત્તાવાર નામ એક જમાનામાં હતું કેનેડી સી ફેસ! જો કે એ નામ લોકોમાં ક્યારે ય પ્રચલિત થયું નહિ. પણ પી.એમ. બાથ બહારની ફૂટપાથની વચ્ચોવચ એક થાંભલા પર આ કેનેડી સી ફેસ નામ લખેલું તે આ લખનારે વર્ષો પહેલાં જોયેલું છે. આજે એ થાંભલો છે કે નહિ તેની ખબર નથી.

કોલાબાનું રેલવે સ્ટેશન

ચોપાટી નજીક આવેલો બીજો એક પુલ છે ફ્રેંચ બ્રિજ. આ નામને પણ ફ્રાંસ દેશ સાથે કશું જ લાગતું વળગતું નથી. કર્નલ પેટ્રિક ટી. ફ્રેંચ હતા બી.બી.સી.આઈ. રેલવેના સ્થાપક અધ્યક્ષ. તેમની યાદગીરીમાં આ પૂલ બંધાયો હતો. કર્નલ ફ્રેંચ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પણ અચ્છા ચાહક અને જાણકાર હતા. તેમણે કેટલોગ ઓફ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સટ્રુમેન્ટ તૈયાર કરીને રોયલ આઈરિશ એકેડેમીને ભેટ આપ્યું હતું. આ પુલની ધારે આવેલું બ્લેવેત્સ્કી લોજનું મકાન એક જમાનામાં શહેરનું એક મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર હતું. પણ ચોપાટીના દરિયા કિનારા સાથે સીધો સંકળાયેલો પૂલ તે તો સેન્ડહર્સ્ટ બ્રિજ. ઓપેરા હાઉસ થિયેટર આગળથી શરૂ થઇ તે દરિયા કિનારા પાસે પૂરો થાય છે. ૧૮૯૫થી ૧૯૦૦ સુધી બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર રહેલા લોર્ડ સેન્ડહર્સ્ટની યાદમાં આ પૂલને તેમનું નામ અપાયેલું. જી.આઈ.પી. (હાલની સેન્ટ્રલ) રેલવે પર તેમના નામનું સ્ટેશન પણ છે.

અસલનું ચર્ની રોડ સ્ટેશન

પણ ચોપાટીને સૌથી નજીકનો સંબંધ છે તે તો ચર્ની રોડ સ્ટેશન સાથે. દેખીતું છે કે સ્ટેશનનું નામ પડ્યું છે નજીક્ના ચર્ની રોડ પરથી. આ ચર્ની રોડ નામનો ઇતિહાસ પણ મજેનો છે. આજે આપણે જેને આઝાદ મેદાન તરીકે ઓળખીએ છીએ તે પહેલાં કેમ્પના મેદાન (લોક બોલીમાં કાંપનાં મેદાન) તરીકે ઓળખાતું હતું. ત્યાં પુષ્કળ ઘાસ ઊગતું હતું અને શહેરના ગોવાળો-ભરવાડો પોતાનાં ઢોરઢાંખરને રોજ ત્યાં ચરાવવા લઇ જતા. સરકાર ભલે કોઈ પણ હોય, લોકોની અગવડ કેમ વધે એના પેંતરા જ લડાવતી હોય છે. તે વખતની અંગ્રેજ સરકારને થયું કે આ મેદાનની જમીન તો સરકારી છે. એટલે તેના પરનું ઘાસ પણ સરકારી છે. તો એ ઘાસ મફતમાં ઢોર ખાઈ જાય એ કેમ ચાલે? એટલે ૧૮૩૮માં ત્યાં ઢોર ચરાવવા માટે સરકારે ફી ઉઘરાવવાનું શરૂ કર્યું. હવે તમે જ કહો, જે વસ્તુ મફતમાં મળતી હોય તેને માટે ફદિયાં ચૂકવવાં કોને ગમે? અને ગૌરક્ષકો તો એ વખતે પણ હતા. સર જમશેદજી જીજીભાઈને થયું કે આ તો સરકારી જુલમ કહેવાય. ઠાકુરદ્વાર પાસે પણ ઘણી જમીનમાં ઘાસ ઊગતું હતું. જમશેદજીએ ગાંઠનાં ગોપીચંદન કરીને એ જમીન ખરીદી લીધી અને ઢોર ઢાંખરને મફત ચરાવવા માટે ખુલ્લી મૂકી દીધી. ઢોરને ચરાવવા માટેની જગ્યાને મરાઠીમાં ‘ચરણી’ કહે છે. એટલે એ જગ્યા ‘ચરણી’ તરીકે ઓળખાવા લાગી. પછીથી ત્યાં જે રસ્તો બન્યો તેનું નામ પણ ચર્ની રોડ અને જે રેલવે સ્ટેશન બન્યું તેનું નામ પણ પડ્યું ચર્ની રોડ સ્ટેશન.

જમશેદજી જીજીભાઈ

આ સર જમશેદજી જીજીભાઈનો જન્મ મુંબઈમાં ૧૭૮૩ના જુલાઇની ૧૫મી તારીખે અને બેહસ્તનશીન થયા ૧૮૫૯ના એપ્રિલની ૧૪મી તારીખે. મૂળ વતની ગુજરાતના ઓલપાડ ગામના. ૧૬ વર્ષની વયે કલકત્તા અને ત્યાંથી ચીન ગયા. પછી તો ચીનના પાંચ-છ પ્રવાસો કરી કપાસ અને અફીણના વેપારમાં પુષ્કળ કમાયા. ૪૦ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તો તેમની પાસે બે કરોડ રુપિયાની મૂડી હતી, જે એ જમાનામાં અધધધ કહેવાય. ૧૮૧૮માં તેમણે ‘જમશેદજી જીજીભાઈ એન્ડ કંપની’  શરૂ કરી. તેના બીજા ભાગીદારો હતા મોતીચંદ અમીચંદ, મહંમદઅલી રોગા, અને રોજેરિયો દ ફારિયા. – એક હિંદુ, એક મુસ્લિમ અને એક ગોવન ખ્રિસ્તી. પણ જમશેદજીએ કમાઈ જાણ્યું તેમ પૈસા વાપરી પણ જાણ્યા. પુષ્કળ સખાવતો કરી. માહિમ અને વાંદરાને જોડતો રસ્તો બાંધવા માટે સરકારે કહ્યું કે પૈસા નથી, ત્યારે જમશેદજીએ પોતાનાં પત્નીના નામે પૈસા આપી તે બંધાવ્યો. જે આંજે પણ લેડી જમશેદજી રોડ તરીકે ઓળખાય છે. સર જે.જે. હોસ્પિટલ બાંધવા માટે તેમણે એક લાખ રૂપિયા દાનમાં આપેલા. જે.જે. સ્કૂલ ઓફ આર્ટસ, જે.જે. કોલેજ ઓફ આર્ચિટેક્ચર, વગેરે પણ તેમના દાનને પ્રતાપે બંધાઈ. પૂના વોટર વર્કસ બાંધવાના ખર્ચના ૬૬ ટકા જેટલી રકમ તેમણે આપેલી અને બાકીની સરકારે. ૧૮૩૮માં ‘બોમ્બે ટાઈમ્સ’ નામનું અંગ્રેજી અખબાર શરૂ થયું તેના સ્થાપકોમાંના એક હતા જમશેદજી. આજનું ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ તે આ બોમ્બે ટાઈમ્સનો જ નવો અવતાર. બ્રિટિશ સરકારે ૧૮૪૨માં તેમને નાઈટહૂડથી નવાજ્યા, અને ૧૮૫૮માં બેરોનેટ બનાવ્યા. આવું સન્માન રાણી વિક્ટોરિયા પાસેથી મેળવનાર જમશેદજી પહેલા હિન્દી હતા.      

આપણી ભાષાની એક ખૂબ જાણીતી અને માનીતી નવલકથાની એક મુખ્ય ઘટના સાથે ચર્ની રોડ સ્ટેશન, ચોપાટી, વાલકેશ્વર એ બધી જગ્યાઓ સંકળાયેલી છે. પણ એ નવલકથા અને તેના લેખકના આ બધી જગ્યાઓ સાથેના સંબંધની વાત હવે પછી. અત્યારે તો પહેલાં ચોપાટીની ભેળનો સ્વાદ માણી લઈએ, મલાઈ કુલ્ફી ઝાપટી લઈએ અને ટ્રેન પકડવા માટે ચર્ની રોડ જતાં પેલું પ્રખ્યાત ગીત ગણગણી લઈએ:

ચોપાટી જાયેંગે, ભેલપૂરી ખાયેંગે,
અચ્છી અચ્છી સુરતોં સે આંખે લડાયેંગે
હલ્લા મચાયેંગે, ગુલ્લા મચાયેંગે
બેન્ડ બાજા બાજેગા ધમ ધમ ધમ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 09 નવેમ્બર 2019

Loading

11 November 2019 admin
← હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે મૂળ ભેદ શું છે ?
સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સદિચ્છા અને ન્યાયના ભેળસેળવાળો છે. અથવા તો એમ કહી શકાય કે નથી સદિચ્છા કે નથી ન્યાય →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved