Opinion Magazine
Number of visits: 9447103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 15

દીપક મહેતા|Opinion - Opinion|21 October 2019

૧૮૫૭માં સ્થપાયેલી  મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલાં બે ગુજરાતીઓનાં નામ

સર કાવસજી જહાંગીર અને પ્રેમચંદ રાયચંદ

ગાંધીજીને પગલે ચાલતાં ચાલતાં આપણે છેક ૨૦મી સદીના પાંચમાં દાયકા સુધી આવી ગયા. પણ હવે ગાડી રિવર્સ ગિયરમાં નાખીને પાછા પહોંચી જઈએ ૧૯મી સદીના મધ્યભાગના મુંબઈમાં. ૧૮૫૭નું વર્ષ એટલે આપણા પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામનું વર્ષ. અને એ જ વર્ષે મુંબઈ શહેર માટે જ નહિ, આખા મુંબઈ ઇલાકા માટે બીજી એક ઐતિહાસિક ઘટના ઘટી. અને યાદ રહે, એ વખતે આજનાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોનો સમાવેશ એ વખતે મુંબઈ ઇલાકામાં થતો હતો. છાપેલાં પુસ્તકો આવ્યાં, અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો આવી તે આપણે અગાઉ જોઈ ગયા. આજે થોડી વાત કરવી છે ઉચ્ચ શિક્ષણની.

રાજાબાઈ ટાવરનું બાંધકામ ચાલુ હતું ત્યારે કાવસજી જહાંગીર હોલ બંધાઈ ચૂક્યો હતો

૧૮૫૭માં દેશમાં પહેલી ત્રણ યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાંની એક યુનિવર્સિટી ઓફ બોમ્બે (આજની મુંબઈ યુનિવર્સિટી) ૧૮૫૭ના જુલાઈની ૧૮મી તારીખે અસ્તિત્વમાં આવી. પણ તે  વખતે તેને માટે અલગ મકાનની સગવડ થઇ નહોતી એટલે યુનિવર્સિટીની શરૂઆત ટાઉન હોલના મકાનમાં થઇ. અગાઉ એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત પણ ટાઉન હોલમાં જ થઇ હતી, પણ ભાયખળામાં તેને માટેનું નવું મકાન બંધાઈ રહેતાં ૧૮૫૬માં તે એ મકાનમાં ખસેડાઈ હતી. તે વખતે યુનિવર્સિટીમાં માત્ર બે જ વિદ્યાશાખા હતી – આર્ટસ અને મેડિસિન. પણ શરૂઆતમાં યુનિવર્સિટી પાસે શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આર્ટ્સના વિદ્યાર્થીઓ મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુર્ટ એલ્ફિન્સ્ટનની સ્મૃતિમાં ૧૮૩૫માં શરૂ થયેલી એલ્ફિન્સ્ટન ઇન્સ્ટીટ્યુશન(પછીથી કોલેજ)માં અને મેડિસિનના વિદ્યાર્થીઓ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા. મુંબઈના ગવર્નર સર રોબર્ટ ગ્રાન્ટની સ્મૃતિમાં આ કોલેજ ૧૮૩૫માં શરૂ થઇ હતી. ઉચ્ચ શિક્ષણ માટેની મુંબઈની આ બે જૂનામાં જૂની સંસ્થાઓ – મુંબઈ યુનિવર્સિટી કરતાં પણ જૂની. વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની સત્તા અગાઉ આ બે કોલેજો પાસે હતી તે તેમણે યુનિવર્સિટીને સોંપી દીધી.

એલ્ફિન્સ્ટન કોલેજનું ભાયખળાનું મકાન

૧૮૫૯માં યુનિવર્સિટીએ પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી. મુંબઈના ટાઉન હોલ ખાતે લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠા હતા, પણ તેમાંથી માત્ર ૨૨ પાસ થયા હતા. તેમાંના બે ગુજરાતીભાષી હતા : ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. એ વખતે મેટ્રિકની પરીક્ષામાં ગુજરાતી-મરાઠી વગેરે ભાષાઓના દરેકના ત્રણ-ત્રણ પેપર રહેતા : એક વ્યાકરણનો, બીજો અંગ્રેજીમાંથી અનુવાદનો, અને ત્રીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો. ત્યાર બાદ ૧૮૬૨માં પહેલી વાર બી.એ.ની પરીક્ષા લેવાઈ તેમાં છ છોકરા બેઠા હતા જેમાંથી ચાર છોકરા પાસ થયા હતા. તેમાંનો એક પણ ગુજરાતીભાષી નહોતો. જે ચાર છોકરાઓ પાસ થયા તે હતા મહાદેવ ગોવિંદ રાનડે, રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, બાળ મંગેશ વાગળે, અને વામન આબાજી મોડક. આગળ જતાં આ ચારેએ પોતપોતાના ક્ષેત્રમાં નામ કાઢ્યું હતું.

ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક

નાનાભાઈ હરિદાસ

પહેલા ગુજરાતી ગ્રેજ્યુએટ નગીનદાસ તુલસીદાસ મારફતિયા

પરીક્ષાના પરિણામમાં ભૂલોની શરૂઆત પણ આ પહેલી પરીક્ષાથી જ થઇ હતી, તેમાં માત્ર છ છોકરા બેઠા હતા છતાં. જ્યારે રિઝલ્ટ બહાર પડ્યું ત્યારે તેમાં ભાંડારકરનું નામ જ નહોતું, એટલે કે તેમને નાપાસ ઠરાવવામાં આવ્યા હતા. આ જોઈ તેમના એક પરીક્ષક એલેકઝાન્ડર ગ્રાન્ટને નવાઈ લાગી. આ છોકરો તો બહુ હોશિયાર હતો, તે ફેલ કેવી રીતે થાય? એટલે તેઓ જાતે યુનિવર્સિટીની ઓફિસમાં ગયા અને પરિણામની ચકાસણી કરી. ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે ભાંડારકર અને બીજા એક નાપાસ થયેલા વિદ્યાર્થીના માર્કની સેળભેળ થઇ ગઈ હતી અને તેથી ભાંડારકરને નાપાસ જાહેર કર્યા હતા. પછીથી યુનિવર્સિટીએ પોતાની ભૂલ સુધારી અને ભાંડારકરને રાનડેની સાથે પહેલા વર્ગમાં પાસ જાહેર કર્યા.  લાઈસેનસિયેટ ઇન મેડિસિનની ડિગ્રી મેળવનારાઓમાં ત્રણ પારસી હતા બરજોરજી બેરામજી, કેખોશરૂ રુસ્તમજી વિકાજી, નસરવાનજી જહાંગીર અને એક હતા મરાઠીભાષી શાંતારામ વિઠ્ઠલ. ૧૮૬૩ની બી.એ.ની બીજી પરીક્ષામાં માત્ર ત્રણ છોકરા ગ્રેજ્યુએટ થયા હતા, અને એમાંનો એક ગુજરાતીભાષી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. ૧૮૬૩ના એપ્રિલની છઠ્ઠી તારીખે તેમને બી.એ.ની ડિગ્રી મળી. આ નગીનદાસ તે કવિ નર્મદના મિત્ર. ૧૮૬૨માં છપાયેલા પહેલા મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’ના કર્તા. બી.એ. પછી એલએલ.બી. થઇ વ્યવસાયે વકીલ બન્યા, પણ વૃત્તિએ સમાજ સુધારાના પુરસ્કર્તા રહ્યા. પોતાની માતૃસંસ્થા વિષે લખેલો એક નિબંધ તેમણે ૧૮૬૯માં પ્રગટ કરેલો. નામ હતું જરા લાંબુ લચક : ‘મુંબઈનું સર્વવિદ્યોત્તેજકાલય એટલે મુંબઈની યુનિવર્સિટી વિષે એક ગુજરાતી નિબંધ.’

સર કાવસજી જહાંગીર

મુંબઈ યુનિવર્સિટીને પોતાનું મકાન નહોતું એ વાત સર કાવસજી જહાંગીર(૧૮૧૨-૧૮૭૮)ને ખૂંચતી હતી. એટલે ૧૮૬૩માં તેમણે મકાન બાંધવા માટે એક લાખ રૂપિયા (જે એ વખતે મોટી રકમ હતી) આપવાની ઓફર કરી. બીજે વર્ષે, ૧૮૬૪માં પ્રેમચંદ રાયચંદે (૧૮૩૧-૧૯૦૫) લાઈબ્રેરી અને તેને માટેના મકાન માટે બે લાખ રૂપિયા આપ્યા. પણ પછી તેમને થયું કે આ બે લાખની રકમ તો ઓછી ગણાય. એટલે બીજા બે લાખ રૂપિયા આપ્યા. સર કાવસજી જહાંગીરના દાનમાંથી જે સેનેટ હોય બંધાયો તેનું બાંધકામ છેક ૧૮૭૪ના નવેમ્બરમાં પૂરું થયું. યુનિવર્સીટીએ તેને સર કાવસજી જહાંગીર હોલ એવું નામ આપ્યું. જ્યારે યુનિવર્સિટી લાઈબ્રેરીના મકાન અને ટાવરનું બાંધકામ ૧૮૭૮ના નવેમ્બરમાં પૂરું થયું. પ્રેમચંદ રાયચંદની ઈચ્છાને માન આપીને ટાવર સાથે તેમનાં માતા રાજાબાઈનું નામ જોડવામાં આવ્યું. આ બંને ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે. આમ, મુંબઈ યુનિવર્સિટીની પહેલી બે મુખ્ય, મહત્ત્વની, અને સુંદર ઇમારતો સાથે બે ગુજરાતીઓનાં નામ જોડાયેલાં છે.

   

પ્રેમચંદ રાયચંદ

યુનિવર્સિટી ઓફ બોમ્બેની શરૂઆતથી જ તેમાં ગુજરાતી, મરાઠી સહિતની કેટલીક સ્થાનિક ભાષાઓના શિક્ષણની જોગવાઈ મેટ્રિકથી એમ.એ. સુધી કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોની માહિતી મળતી નથી, પણ ૧૮૬૩-૬૪માં ફર્સ્ટ એક્ઝામિનેશન ઇન આર્ટ્સના અભ્યાસક્રમમાં આ ગુજરાતી પુસ્તકોનો સમાવેશ થતો હતો : બાલમિત્ર ભાગ ૧,૨, નર્મદનું અલંકારપ્રવેશ અને દલપતરામ સંપાદિત કાવ્યદોહન ભાગ ૧નાં પહેલાં ૭૭ પાનાં. તો ૧૮૬૪-૬૫ના વર્ષ માટે આ ચાર પુસ્તકો હતાં : માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને લખેલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના ગુજરાતી અનુવાદના પહેલા બે ખંડ, ફરદુનજી મર્ઝબાનજીએ કરેલો પંચતંત્રનો અનુવાદ પન્ચોપાખ્યાન, શામળકૃત અબોલારાણી, અને કાવ્યદોહનનાં પા. ૭૭ થી ૧૫૦.

પરીક્ષા શરૂ થાય તે પહેલાં પેપર ફૂટી ન જાય તે માટે આજે યુનિવર્સિટીઓ જાતજાતની તરકીબ અજમાવે છે, અને છતાં ઘણી વાર પેપર ફૂટી જાય છે. જ્યારે એ જમાનામાં દરેક પ્રશ્નપત્રને મથાળે જ તેના પેપર સેટર્સનાં નામ છાપવામાં આવતાં! લેખિત પરીક્ષા પછીની મૌખિક પરીક્ષા પણ એ જ પેપર સેટર્સ લેતા, છતાં તેમનાં નામ આ રીતે જાહેર કરવામાં યુનિવર્સિટીને વાંધો જણાતો નહોતો. તેવી જ રીતે ઉત્તરપત્રમાં દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ નંબરની સાથોસાથ પોતાનું નામ પણ લખવું પડતું. એટલે કે એ વખતે યુનિવર્સિટીને પરીક્ષકો પર જ નહિ, વિદ્યાર્થીઓ પર પણ પૂરેપૂરો વિશ્વાસ હતો.

પણ દેશી ભાષાઓનું શિક્ષણ કમનસીબે ઝાઝો વખત ન ટક્યું. ૧૮૬૩માં સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા. બોમ્બે પ્રેસિડેન્સીમાં ૧૮૬૪ પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ તેમણે અગાઉ બનાવી હતી. એને આધારે તેમનું માનવું હતું કે યુનિવર્સિટી કક્ષાએ શીખવી શકાય એવાં પુસ્તકો દેશી ભાષાઓમાં નથી. એટલે તેમણે આદેશ આપ્યો : ડિગ્રી લેવલે દેશી ભાષાઓ ભણાવવાનું બંધ કરો. કેટલાક દેશીઓ ઉપરાંત ડો. જોન વિલ્સન જેવા અંગ્રેજોએ વિરોધ કર્યો, પણ તેમની વાત યુનિવર્સિટીએ માની નહિ, અને ૧૮૬૭થી દેશી ભાષાઓ ડિગ્રી લેવલે ભણાવવાનું બંધ કર્યું. એ પછી છેક ૧૮૮૧માં યુનિવર્સિટીની સેનેટમાં આ ભાષાઓ ભણાવવાનું ફરી ચાલુ કરવા અંગેની દરખાસ્તો રજૂ થઇ, પણ તે પસાર થઇ નહિ.  યુનિવર્સિટી ઓફ બોમ્બેના પહેલવહેલા ગ્રેજ્યુએટ મહાદેવ ગોવિંદ રાનડેએ ૧૮૯૪માં આ વાત પોતાના હાથમાં લીધી. વિદ્યાર્થી તરીકે તેઓ પોતે આ જ યુનિવર્સિટીમાં મરાઠી ભણ્યા હતા. કોઈ પણ તંત્ર ફેરફાર કરવા માટે રાતોરાત તૈયાર ન થાય એ હકીકત તેઓ જાણતા હતા. એટલે તેમણે માગણી કરી કે સંસ્કૃત, અરબી, ફારસી જેવી ક્લાસિકલ ભાષાઓ તો ભણાવાય છે જ, તો તેમની સાથે સાથે ‘દેશી’ ભાષાનું પણ એક-એક પુસ્તક અભ્યાસ ક્રમમાં દાખલ કરવું. પણ તેમની આટલી અમથી માગણી પણ સ્વીકારાઈ નહિ. ૧૮૯૮માં તેમણે આ માગણી ફરી રજૂ કરી. પણ રસ્તો જરા જૂદો લીધો. રોયલ એશિયાટિક સોસાયટીના જર્નલમાં અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લેખો લખીને તેમણે મરાઠી ભાષાનું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે તે બતાવ્યું. અને પછી ફરી દરખાસ્ત રજૂ કરી. હવે યુનિવર્સિટીએ આ અંગે ‘અભ્યાસ’ કરવા માટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી જેના એક સભ્ય રાનડે પોતે હતા. એ સમિતિની ભલામણને આધારે છેવટે યુનિવર્સિટીએ દેશી ભાષાઓ ફરીથી શીખવવાનું નક્કી કર્યું. પણ એ નિર્ણયના સમાચાર જાણવા માટે રાનડે પોતે હયાત નહોતા. કારણ એ અંગેનો ઠરાવ પસાર થયો તે પહેલાં જ ૧૯૦૧ના જાન્યુઆરીની ૧૬મી તારીખે તેમનું અવસાન થયું હતું. ગુજરાતી, મરાઠી વગેરેને માનભર્યું સ્થાન અપાવવાની આ ચળવળમાં એક ગુજરાતીએ રાનડેને સતત સાથ આપ્યો હતો. એ હતા સર ચીમનલાલ સેતલવાડ.

૧૮૭૫માં યુનિવર્સિટી ઓફ બોમ્બેને બેળગાંવના પોસ્ટ માસ્તર એસ. ખરસેતજીએ કાગળ લખીને પૂછાવ્યું કે મારી દીકરી ફિરોઝા સોરાબજી મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદામાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનો ‘હી’ શબ્દ જ વપરાયો હતો. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને પરીક્ષા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઇને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એ છોકરીનું નામ કોર્નેલિયા સોરાબજી. એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, બોમ્બે પ્રેસિડેન્સીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રેજ્યુએટ.

પહેલાં ગુજરાતી સ્ત્રી ગ્રેજ્યુએટ કોર્નેલિયા સોરાબજી

૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુદ્રણ, પુસ્તક પ્રકાશન અને શિક્ષણ, ત્રણે એકબીજાનો હાથ પકડીને ચાલ્યાં. તેને પરિણામે આપણા સમાજનો ગણનાપાત્ર ભાગ મધ્યકાલીન યુગમાંથી અર્વાચીન યુગમાં ધીમે ધીમે દાખલ થયો. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જે સુધારક યુગ અને પંડિત યુગની વાતો કરીએ છીએ તેમાં જે કાંઈ વિચારાયું, લખાયું, અને થયું તે મુદ્રણની સગવડ વગર અને અર્વાચીન શિક્ષણ વગર શક્ય બન્યું ન હોત. મુંબઈ યુનિવર્સિટી શરૂ થઇ તે પહેલાંની એલ્ફિન્સ્ટન કોલેજમાં થોડો વખત ભણનાર કવિ નર્મદે  ભણતરનું મહત્ત્વ સમજાવતાં ગાયું હતું:

સરસ નરસ સહુ સ્હેજ સમજશો, શ્રમથી જો ભણશો;
શ્રમથી જો ભણશો, પછી ઝટ વ્હેમો બહુ હણશો.
ભણીગણીને હિંમત ધરતાં, કદી ન ગણગણશો;
કહું હું નર્મદ વિશેષ નિત શું, ખરા સુખી બનશો.

‘ખરા સુખી’ બનવા માટે મુંબઈ અને તેના નાગરિકોએ શું શું કર્યું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ “ ગુજરાતી મિડ ડે”, 19 ઑક્ટોબર 2019

Loading

21 October 2019 admin
← ભાષાપ્રેમી સંગીતકાર ખુસરોઃ એક વતનપ્રેમી ભક્ત!
શિક્ષણની દુકાનોમાં પણ મંદીનો માહોલ ! →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved