Opinion Magazine
Number of visits: 9448276
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—145

દીપક મહેતા|Opinion - Opinion|14 May 2022

પહેલા ગુજરાતી નાટકનાં અવલોકન બે અંગ્રેજી અખબારે લખેલાં

તેંતાલીસ વરસ સુધી નાટકોનાં અવલોકન લખનાર નાટકનો જીવ

શનિવાર, તારીખ ૨૯મી ઓક્ટોબર ૧૮૫૩ની રાતે ગ્રાન્ટ રોડ પરના જગન્નાથ શંકર શેઠના બંધાવેલા થિયેટરમાં પારસી નાટક મંડળીએ ગુજરાતી રંગભૂમિની ભવ્ય ઈમારતની પહેલી ઈંટ મૂકી એ તો હવે બધા સ્વીકારે છે. ‘રુસ્તમ અને શોરાબ’ નાટક તથા ‘ધનજી ગરકનો ફારસ’ એ સાંજે ભજવાયાં એ ગુજરાતી રંગભૂમિ પર ભજવાયેલાં પહેલાં નાટક. પણ બીજી એક વાત મોટે ભાગે ધ્યાન બહાર રહી ગઈ છે. અને તે એ કે ગુજરાતી નાટકનાં અવલોકન કહો, સમીક્ષા કહો, અહેવાલ કહો, એની શરૂઆત પણ આ પહેલા નાટક સાથે જ થઈ હતી. એ વખતે મુંબઈમાં આંગળીને વેઢે ગણી શકાય એટલાં અખબાર પ્રગટ થતાં. ૧૯મી સદીનાં ગુજરાતી અખબારોની ફાઈલો તો જવા દો, છૂટા-છવાયા અંકો ય આજે ભાગ્યે જ જોવા મળે. નહિતર આવી વિરલ ઘટનાની નોંધ એ વખતનાં ગુજરાતી અખબારોએ લીધી જ હોય. પણ ‘બોમ્બે કુરિયર’ અને ‘બોમ્બે ગેઝેટ’, એ બે એ વખતનાં અંગ્રેજી અખબારો. અને બંનેએ આ અપૂર્વ ઘટનાની નોંધ લીધી હતી, ભલે અંગ્રેજીમાં. સોમવાર, ૩૧ ઓક્ટોબરના ‘બોમ્બે ગેઝેટ’ના અંકમાં આ નાટકનો અહેવાલ પ્રગટ થયો હતો. તો ‘બોમ્બે કુરિયરે’ પણ તે જ દિવસના અંકમાં આ ઘટનાની નોંધ લીધી હતી. એ નોંધને આધારે ‘પારસી પ્રકાશ’ જણાવે છે: “પારસીઓમાં નાટકનું કામ આ પહેલવહેલું હોવાથી નાટક શાળા ઉભરાઈ ગઈ હતી.” આ નાટકમાં જેમણે અભિનય કરેલો તેમનાં નામ પણ ‘પારસી પ્રકાશ’ આપે છે : પેસ્તનજી ધનજીભાઈ માસ્તર, નાનાભાઈ રૂસ્તમજી રાણીના, દાદાભાઈ નસરવાનજી એલીએટના, માણેકજી મહેરવાનજી મેહરહોમજીના, મંચેરશાહ માણેકજી  મોદી, બહેરામજી જીવણજી ઝવેરી, ભીખાજી ખરશેદજી મૂસ, મંચેરજી ફરદુનજી સુનાવાલા, કાવસજી હોરમજજી બિલીમોરિયા, ડોક્ટર રૂસ્તમજી હાથીરામ, ડોક્ટર મહેરવાનજી ઈજનેર, અને કાવસજી નસરવાનજી કોહીદારૂ.

૧૮૫૩માં પહેલા ગુજરાતી નાટકનાં અવલોકન પ્રગટ કરનાર બે અંગ્રેજી અખબાર

૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે ‘ગુજરાતી નાટક મંડળી’ શરૂ થઈ તે પહેલાં બિન-પારસી ગુજરાતી નાટક મુંબઈમાં ભજવાતાં નહિ. લગભગ આ જ અરસામાં, ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખે ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના તંત્રીપદે ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પહેલો અંક પ્રગટ થયો. શરૂઆતથી જ તેમાં મુંબઈમાં ભજવાતાં ગુજરાતી નાટકોનાં અવલોકન પ્રગટ થતાં. પણ આપણે ‘ગુજરાતી’ની ફાઈલો પણ સાચવી નથી. હા, દૂર દૂરના વોશિંગ્ટનમાં આવેલી લાઈબ્રેરી ઓફ કાઁગ્રેસમાં તેની લગભગ સંપૂર્ણ કહી શકાય તેવી ફાઈલો સચવાઈ છે.

ઇચ્છારામે શરૂ કરેલું ‘ગુજરાતી’ એ બિન-પારસી દ્વારા શરૂ થયેલું પહેલું ગુજરાતી સાપ્તાહિક, તો ૧૯૧૩માં રણછોડદાસ લોટવાલાએ શરૂ કરેલું ‘હિન્દુસ્તાન’ એ પહેલવહેલું બિન-પારસી ગુજરાતી દૈનિક. પણ પહેલેથી જ સમાજ સુધારાની બાબતમાં ‘ગુજરાતી’ અને ‘હિન્દુસ્તાન’ બંને એકમેકનાં કટ્ટર વિરોધી. હિન્દુસ્તાન સમાજ સુધારાની તરફેણ જ નહિ, પુરસ્કાર કરનારું. જ્યારે ‘ગુજરાતી’ રૂઢિવાદી. આ બંને વચ્ચેનું વૈમનસ્ય ગુજરાતી નાટકોનાં અવલોકનો સુધી પણ કઈ રીતે પહોંચેલું એની વાત રઘુનાથ બ્રહ્મભટ્ટની આત્મકથા ‘સ્મરણ-મંજરી’માંથી જાણવા મળે છે. તેમનું શૃંગી ઋષિ નાટક મોરબી નાટક મંડળી દ્વારા મુંબઈમાં ૧૯૧૪માં ભજવાયું. ત્યારે નાટક કંપનીએ કોઈક કારણસર ‘ગુજરાતી’ને અને બીજાં કેટલાંક સામયિકોને જાહેર ખબર આપી, પણ ‘હિન્દુસ્તાન’ને નહિ. અને પહેલા પ્રયોગ પછી તરત જ ‘હિન્દુસ્તાન’ આ નાટક પર તૂટી પડ્યું. શૃંગી ઋષિને તપમાંથી ચળાવવા માટે મોહલેખા પ્રયત્ન કરે છે એ સીનનો પડદો એ વખતે વેશ્યા વ્યવસાય માટે બદનામ થયેલા પીલા (પ્લે) હાઉસનાં દૃશ્યનો રાખેલો. એટલે હિન્દુસ્તાને પહેલે પાને મોટું મથાળું ફટકાર્યું :  ‘નાટકનો બગડતો જતો તખ્તો.’ ‘બીભત્સ રસની પરિસીમા.’ ‘અશ્લીલતાની અવધિ.’ ‘હિન્દુસ્તાન’માંનાં આવાં લખાણોથી સરકારને પણ લાગ્યું કે આ નાટક નક્કી બીભત્સ હોવું જોઈએ. મુંબઈના પોલીસ ડિટેક્ટીવ ઓફિસરો વાડીલાલ બારોલિયા અને મણિ લાલ દેસાઈ નાટક જોવા આવ્યા. અને પછી આ નાટકમાં અશ્લીલ કે બીભત્સ કહી શકાય એવું કશું જ નથી એમ જાહેર કર્યું. છતાં હિન્દુસ્તાનના આ ‘અવલોકન’ની અસર તો થઈ જ. મુંબઈમાં માંડ ચાર મહિના આ નાટક ભજવી શકાયું.

પહેલું ગુજરાતી નાટક ભજવવામાં, પહેલું નાટ્યાવલોકન પ્રગટ કરવામાં, નાટક માટેનું પહેલું થિયેટર બાંધવામાં જેમ મુંબઈએ પહેલ કરી, તેમ નાટક અને રંગભૂમિ અંગેનું પહેલવહેલું ગુજરાતી સામયિક શરૂ કરવામાં પણ પહેલ કરી તે મુંબઈએ જ. વિક્રમ સંવત ૧૯૭૯ના નૂતન વર્ષના દિવસે (ઈ.સ. ૧૯૨૩) ત્રિમાસિક ‘રંગભૂમિ’નો પહેલો અંક પ્રગટ થયો. તંત્રી હતા નૃસિંહ વિભાકર. ૧૮૮૮ના ફેબ્રુઆરીની ૨૫મી તારીખે જૂનાગઢમાં જન્મ. સ્કૂલનું શિક્ષણ પણ ત્યાં જ. એકાદ વરસ બહાઉદ્દિન કોલેજમાં ભણ્યા પછી મુંબઈ આવી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થયા અને ૧૯૦૮માં બી.એ. થયા. ૧૯૧૦માં એલ.એલબી. થયા પછી બેરિસ્ટર થવા બ્રિટન ગયા. પાછા આવીને એકાદ વરસ માટે મુંબઈની સિડનહામ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. અને પછી શરૂ કરી વકીલાત. પણ તેમનો જીવ નાટક અને રંગભૂમિનો. એટલે લખ્યાં નાટકો. ૧૯૧૩-૧૪ના અરસામાં મુંબઈની આર્ય નાટક મંડળીએ તેમનું લખેલું ‘સિદ્ધાર્થ બુદ્ધ’ નાટક ભજવેલું. ૧૯૧૭માં તે પુસ્તક રૂપે પ્રગટ થયું. એ પછી બીજાં ચાર નાટક : સ્ત્રીના અધિકારનો પ્રશ્ન ચર્ચતું ‘સ્નેહ-સરિતા,’ સ્વરાજ્યની ભાવનાને મૂર્તિમંત કરતુ ‘સુધાચંદ્ર’, હોમરૂલ લીગની ચળવળને નિરૂપતું ‘મધુબંસરી’, અને મજૂરોની જાગૃતિને વિષય બનાવતું ‘મેઘ-માલિની.’ જયશંકર સુંદરીને ધ્યાનમાં રાખીને લખાયેલું ‘અબજોનાં બંધન’ લખ્યું જેમાં ‘મહાદેવી લક્ષ્મીની મર્યાદાઓનો નિર્દેશ કરીને’ બહારની મુક્તિની ભાવના વ્યક્ત કરી હતી. તેનો પહેલો પ્રયોગ ૧૯૨૨ના ડિસેમ્બરની બીજી તારીખે મુંબઈના વિક્ટોરિયા થિયેટરમાં ભજવાયો હતો. આવા વિષયો પર ગુજરાતીમાં નાટકો લખનાર વિભાકર પહેલા હતા. માત્ર ૩૭ વરસની ઉંમરે, ૧૯૨૫ના મે મહિનાની ૨૮મી તારીખે તેમનું અવસાન થયું.

રંગભૂમિ ત્રૈમાસિક અને તેના સ્થાપક તંત્રી નૃસિંહ વિભાકર

રંગભૂમિ ત્રિમાસિકનો દોઢસો પાનાંનો પહેલો અંક આખો આર્ટ પેપર પર છાપેલો. એમાંની લેખ સામગ્રીને બહુરંગી, એકરંગી (મોનોક્રોમ) અને બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રોથી સજાવેલ. બહુરંગી કવર પર આજે કેલેન્ડર આર્ટનું લાગે તેવું રાધાકૃષ્ણનું ચિત્ર છાપ્યું છે. પહેલે પાને ‘રંગભૂમિનાં હો અભિવંદન’ નામની વિભાકરની પોતાનીએ ‘ભૈરવીની ગઝલ’ છાપી છે. ‘શિખર પરથી દૃષ્ટિપતટ’ નામથી લખાયેલી તંત્રી નોંધ પછી કનૈયાલાલ મુનશીનો ‘આવકાર’ છાપ્યો છે. આ ઉપરાંત પહેલા અંકની કેટલીક સામગ્રી: ‘નાટ્ય કળા અને પ્રજા જીવન’ નામનો ધૂમકેતુનો લેખ, ૨૦૦૦ વર્ષ પૂર્વેની ઉજ્જયિનીની નાટકશાળા નામનો ચંદ્રશંકર બૂચનો લેખ, રંગભૂમિ અને માતૃભૂમિ પરનો બરજોરજી ભરુચાનો લેખ, રંગભૂમિ અને સાક્ષરો વચ્ચેના સંબંધની ચર્ચા કરતો ચંદ્રશંકર પંડ્યાનો લેખ, મુંબઈની રંગભૂમિનાં મશહૂર પાત્રો નામની લેખમાળામાં જયશંકર સુંદરીનો પરિચય આપતો લેખ, લંડનની અને બંગાળીની રંગભૂમિ વિશેના પરિચયાત્મક લેખો, અને ‘નાટકનો પ્રારંભ’ નામના રણછોડભાઈ ઉદયરામના લાંબા લેખનો પહેલો હપ્તો. પહેલા અંકમાં છપાયેલી એક જાહેરાત આજે તો કોઈ સામયિક ન જ છાપે : “આ અંકમાં સ્થળ અને સમયના સંકોચને લીધે અમે કેટલીક જાહેર ખબરો દાખલ કરી નથી શક્યા તે માટે માફી ચાહીએ છીએ.” પણ થોડો વખત પ્રગટ થયા પછી વિભાકરના અકાળ અવસાનને કારણે આ ‘રંગભૂમિ’ ત્રિમાસિક ‘નવચેતન’ માસિક સાથે જોડાઈ ગયું હતું, એમ નોંધાયું છે.

૧૯૫૩માં શરૂ થયેલું  માસિક ગુજરાતી નાટ્ય

ગુજરાતી નાટક અને રંગભૂમિ વિશેનું બીજું સામયિક પણ મુંબઈથી જ શરૂ થયેલું. ૧૯૫૩માં ગુજરાતી રંગભૂમિની શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે ‘ગુજરાતી નાટ્ય મંડળ’ની સ્થાપના થઈ અને તેણે શરૂ કર્યું માસિક ‘ગુજરાતી નાટ્ય.’ ૧૯૫૩ના એપ્રિલ-મેમાં તેનો પહેલો અંક પ્રગટ થયેલો. પહેલા તંત્રી હતા રંગભૂમિના જાજરમાન અદાકાર પ્રા. મધુકર રાંદેરિયા. પછીથી પ્રાગજી ડોસા તંત્રી બન્યા. વખત જતાં ચાર સભ્યોના તંત્રી મંડળને ‘ગુજરાતી નાટ્ય’ સોંપાયું. આ ચાર તે જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, મુરલી ઠાકુર, અને પ્રાગજી ડોસા. પણ એ વ્યવસ્થા કારગત નહિ નીવડી હોય એટલે મોહનલાલ મહેતા ‘સોપાન’ અને ગુલાબદાસ બ્રોકર જોડિયા તંત્રી બન્યા. ગુજરાતી ઉપરાંત બીજી ભાષાનાં નાટકો અને રંગભૂમિનો પરિચય આપતા લેખો, નાટક અને રંગભૂમિ સાથે સંકળાયેલી વ્યક્તિઓની મુલાકાતો, પરિચય, અગાઉના નાટકો, લેખકો, નાટક કંપનીઓ વગેરેના પરિચય-લેખો, જેવી સામગ્રી આ માસિકમાં પ્રગટ થતી. ડિસેમ્બર ૧૯૬૦ પછીના અંકો જોવા મળ્યા નથી એટલે ‘ગુજરાતી નાટ્ય’ ક્યારે બંધ પડ્યું તે ચોક્કસ કહી શકાય તેમ નથી.

નાટકનો જીવ ઉત્પલ ભાયાણી

પૂરાં ૪૩ વરસ. એટલે કે ૨,૨૩૬ અઠવાડિયાં. દર રવિવારે એક યા બીજા નાટકનું અવલોકન હોય જ, મુંબઈમાં ભજવાતા કોઈને કોઈ નાટકનું. એ નાટક ગુજરાતી જ હોય એવું નહિ. મરાઠી, અંગ્રેજી, હિન્દીનું પણ હોઈ શકે. અને આ કામ એકલે હાથે એક જ વ્યક્તિએ કર્યું. એ વ્યક્તિ તે ઉત્પલ ભાયાણી (૧૯૫૩-૨૦૧૯). વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ જીવ નાટકનો. તેમનાં અવલોકનો થાબડભાણિયાં બિલકુલ નહીં. નાટક જેવું લાગ્યું હોય તેવું જ તેને વિષે લખાય. અને અવલોકન લખીને ભૂલી જવાનું, એવું નહિ. એક-એક વરસનાં અવલોકન પુસ્તકરૂપે પણ સાચવ્યાં. મુંબઈની ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ ભવિષ્યમાં કોઈ લખે એવી બીક રાખવા જેવું વાતાવરણ તો નથી. પણ ભૂલેચૂકે જો કોઈ એવું કામ કરે તો આ ૪૩ વરસનાં ગ્રંથસ્થ થયેલાં અવલોકન તેને માટે સોનાની ખાણ બની રહે તેમ છે. ગુજરાતીમાં તો નહિ જ, દેશની બીજી કોઈ ભાષામાં પણ એક જ વ્યક્તિએ આટલા લાંબા સમયપટને આવરી લઈ અત્યંત નિયમિતતાથી નાટ્યાવાલોકન લખ્યાં હોય એવું બન્યું હોવાનો સંભવ નથી. મરાઠી કે બંગાળી પ્રજાને આવો એકનિષ્ઠ નાટ્યપ્રેમી મળ્યો હોત તો એ પ્રજાએ તેની પૂજા કરી હોત. આવું અનન્ય કામ ઉત્પલ ભાયાણીએ મુંબઈમાં કર્યું એનો આનંદ જ નહિ, એનું ગૌરવ પણ આપણને હોવું ઘટે. પણ … જવા દો.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે” 14 મે 2022

Loading

14 May 2022 admin
← મારા પ્રકાશિત – અપ્રકાશિત હાઈકુ
શું રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved