દર બેસતે વરસે ભજવાતું શુકનિયાળ નાટક
માલવપતિ મુંજને કોપીરાઈટના ભંગની નોટિસ
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે
જે નાટકનું ગ્રાન્ડ રિહર્લસર જોતાંવેંત બધાંને લાગેલું કે આ નાટક તો ડબ્બો છે, એ નાટક કિયું? રિહર્લસર વખતે હરગોવિંદદાસ શેઠ બબડેલા કે ‘મારું મોત બગાડ્યું’ એ નાટક કિયું? એ નાટક તે ‘વડીલોના વાંકે.’ દેશી નાટક સમાજના કમાઉ દીકરાઓમાંનું એક. તેનું એક આઇકોનિક નાટક. અને હા, ‘વડીલો’ એટલે પ્રભુલાલ દ્વિવેદી. અગાઉ ૧૯૨૧માં તેમનું નાટક ‘અરુણોદય’ ભજવાયેલું. ‘વડીલો’ એટલે એની કાર્બન કોપી નહિ, પણ ‘અરુણોદય’ની મિરર ઈમેજ. અરુણોદયમાં નાયિકા પરદેશ જઈને ભણેલી હતી, પણ પતિ હતો અભણ ગામડિયો. ‘વડીલો’ની વાત એથી ઊંધી. નાયક ભણેલો-ગણેલો, નાયિકા અભણ ગામડિયણ. આ નાટકને પહેલાં તો નામ આપેલું ‘અણગમતાં.’ પછી નામ બદલાયું, ‘વડીલોના વાંકે’. ૧૯૩૮ના એપ્રિલની બીજી તારીખે પહેલી વાર ભજવાયું. પછી તો આ નાટક એટલું શુકનિયાળ બન્યું કે વરસો સુધી બેસતા વરસની બપોરે તે અચૂક ભજવાતું, હાઉસ ફૂલ સાથે. આ લખનાર પાસે તેની ઓપેરા બુકની એક નકલ છે. ૧૯૪૦ના જુલાઈની ૧૨મી તારીખે છપાયેલી એ ૧૧મી આવૃત્તિ છે. નકલ ત્રણ હજાર! લગભગ બે વરસમાં ૧૧ આવૃત્તિ! દરેકની ૩ હજાર નકલ હોય તો ૩૩ હજાર નકલ! નાટકના ત્રણ અંકમાં કુલ ૧૯ પ્રવેશ, ૨૧ ગીતો! પુરુષ પાત્રો આઠ, સ્ત્રી પાત્રો છ. સૌથી વધુ લોકપ્રિય થયેલાં ત્રણ ગીત: ૧: સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવમાત્ર અધૂરાં ૨: લેશો નિસાસા પરણેતરના ૩: મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા.
તેમાં ય ‘મીઠા લાગ્યા’ તો માત્ર આ નાટકનું જ નહિ, આપણી વ્યવસાયી રંગભૂમિનું જાણે કે સિગ્નેચર ટયૂન બની ગયું. સમતાનું પાત્ર ભજવતાં મોતીબાઈ આ ગીત ગાય ત્યારે પ્રેક્ષકો ડોલી ઊઠતા. 78 RPM રેકોર્ડના જમાનામાં આ ગીતની રેકોર્ડની હજારો નકલ વેચાયેલી એમ કહેવાય છે.
મોતીબાઈ
ભાવનગરના દેશી રાજ્યનું એક નાનકડું ગામડું, નામે ખૂંટવડા. કુંવરબાઈ અને ભભૂતગરને ત્યાં ૧૯૧૫માં દીકરીનો જન્મ. નામ પાડ્યું મોતીબાઈ. કુટુંબની જ્ઞાતિ ગુસાઈની. ઉજળિયાત વરણની જેમ આ જ્ઞાતિમાં સ્ત્રીઓના ગાવા-નાચવાનો બાધ નહિ. એ વખતના નાનકડા ગામડામાં, અને એ ય પાછી છોકરીની જાતને, ઝાઝું ભણતર તો ક્યાંથી મળે? પણ સાવ નાની ઉંમરે બોટાદમાં રામલીલામાં કામ કરવા મળ્યું. એ ઉંમરે અભિનયની ઝાઝી સમજ ક્યાંથી હોય? પણ તેમણે ગાયેલું એક ગીત લોકોને ગમી ગયેલું. પરિણામે એક નાનકડી નાટક કંપનીમાં કામ મળ્યું. રણજિત નાટક સમાજ એ જમાનાની કાઠિયાવાડની જાણીતી નાટક કંપની. એમાં જોડાઈને ત્રણ વરસ નાટકો કર્યાં. ‘એક અબળા’ નાટકમાં નિરંજનાની ભૂમિકા, ‘કાદુ મકરાણી’માં હસીનાની ભૂમિકા, ‘એક જ ભૂલ’માં કાંતિની, ‘સિદ્ધ સમ્રાટ’માં મનોરમાની, ‘હન્ટરવાલી’માં હન્ટરવાલીની ભૂમિકાઓ ભજવી. અને પછી જોડાયાં દેશી નાટક સમાજમાં. ઊગતો ભાનુ, સાચો સજ્જન, સંપત્તિ માટે, સંતાનોનાં વાંકે, સમય સાથે, ગંગા કિનારે, શંભુમેળો, સામે પાર, સાવિત્રી જેવાં નાટકોમાં કામ કર્યું. ‘વડીલોના વાંકે’ના બીજા અંકના સાતમા પ્રવેશમાં નાયક પુષ્કરના એક નોકરના મૃતદેહને પુશ્કરના મૃતદેહ તરીકે ઠસાવવાનો કારસો રચાય છે. એ મૃતદેહને બીજાં બધાં સમતાના પતિ તરીકે સ્વીકારી લે છે. પણ સમતા એ મૃતદેહ પાસે જતાં કશું દુઃખ અનુભવતી નથી. એને સ્પર્શ કરવા જતાં અચકાય છે, અને દૃઢતાથી કહે છે: ‘હથેવાળે સ્વીકારેલો હાથ આ નથી.” સમતાનું મોઢું તો એ મૃતદેહ તરફ છે. પ્રેક્ષકો સામે છે માત્ર પીઠ. અને એ પીઠથી મોતીબાઈ અદ્ભુત રીતે સમતાના ભાવો પ્રેક્ષકો સુધી પહોંચાડતાં.
૧૯૫૨-૧૯૫૩ના અરસામાં મોતીબાઈ દેશીમાંથી નિવૃત્ત થયાં. તેમની બેનિફિટ નાઈટમાં બોલતાં કહેલું: “આજે હું નિવૃત્ત થાઉં છું. પણ જ્યારે જ્યારે ‘વડીલોના વાંકે’ ભજવાશે અને મને સમતાનો પાઠ ભજવવા તેડું આવશે તો હું જરૂર આવીશ.’ પાત્ર વિશેની ઊંડી સમજ, ભાવની સુંદર અભિવ્યક્તિ અને શુદ્ધ ઉચ્ચારોને કારણે રંગમંચ પર તેઓ વિરલ સ્થાન પામી શક્યાં હતાં. ગુજરાત રાજ્ય સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમીએ ૧૯૬૪માં એમનું બહુમાન કર્યું હતું. ૧૯૯૫ના ઓગસ્ટની ૨૮મી તારીખે લીલિયા, લાઠી ખાતે તેમનું અવસાન થયું. પ્રભુલાલ દ્વિવેદીએ એક જ વાક્યમાં મોતીબાઈનું ઉચિત મૂલ્યાંકન કરેલું. “મોતીબાઈ કલાકાર નથી, પોતે જ કલા છે.”
વડીલોના વાંકેમાં મોતીબાઈ, કાસમભાઈ, કેશવલાલ કપાતર
મોતીબાઈની જેમ પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ પણ કાઠિયાવાડમાં. વીરપુર ગામમાં દયારામ અને ફૂલબાઈના ઘરે ૧૮૯૨ના નવેમ્બરની ૧૫મી તારીખે પ્રભુલાલભાઈનો જન્મ. ભણતર ચાર ચોપડીનું. પછી સ્કૂલ છોડી નોકરી કરવા ગયા કરાચી. પગાર મહીને રૂપિયા બાર. નવરાશને વખતે સ્થાનિક લાઈબ્રેરીમાં જઈ પુષ્કળ વાંચ્યું. પછી અજમેર, ત્યાંથી અમદાવાદ. નોકરીની શોધમાં. એક વાર શાંતિ ભુવન થિયેટર પાસેથી પસાર થતા હતા. થાક્યા હતા એટલે તેના ઓટલા પર બેઠા. થોડી વારે શ્રી આર્ય નાટક સમાજના પ્રખ્યાત નટ ગણપતરામ બેચરદાસ કૈંક કામસર બહાર આવ્યા. જુવાનને જોઈ પૂછ્યું: ‘કલાકાર છો?’ ‘જી ના. લેખક છું.’ ગણપતરામ કહે: થોડી વાર બેસજો. હું અમારા ડાયરેક્ટરને મોકલું છું. એ ડાયરેક્ટર તે પ્રાણસુખ એડીપોલો. તેમણે નામ-ઠામ જાણ્યા પછી પૂછ્યું: ‘કંઈ લખ્યું છે?’ થેલામાંથી નાટકનું એક દૃષ્ય કાઢી હાથમાં મૂક્યું. ‘હું નિરાંતે વાંચી જઈશ. કંઈ ગાતાં આવડે છે?’ ‘હા, તળાવની પાળ પર બેસીને ગાઈ શકાય તેવું.’ ‘ચાલો મારી સાથે. અહીં એક ઓરડી કાઢી આપું છું તેમાં રહેજો. અને હા, આજે જમજો મારે ત્યાં.’ એ વખતે નારાયણ વસનજી ઠક્કુરના નાટક ‘દેવી દમયન્તી’નાં રિહર્લસર ચાલે. એક દૃષ્ય જામતું નહોતું. ફરી લખી આપવાનું કહ્યું પ્રભુલાલને. નાટક ભજવાયું ત્યારે એ દૃષ્ય ઊંચકાયું. કંપનીના માલિક મોતીરામે કહ્યું: ‘હવે કંપનીમાં જ રહો. મહીને પાંત્રીસ રૂપિયા પગાર આપીશ.’ પહેલું નાટક ‘દેવી વત્સલા’ લખવાનું શરૂ કર્યું. પણ એક દિવસ માલિક મોતીરામે ટીકા કરી: ‘પેલો કવિ નકામા કાગળ બગાડે છે.’ સ્વમાની પ્રભુલાલે એ જ ઘડીએ નાટક કંપનીની નોકરી છોડી. આવ્યા મુંબઈ. ખિસ્સામાં ફક્ત ચૌદ આના. માધવબાગની ધરમશાળામાં સામાન મૂકી લક્ષ્મીનારાયણનાં દર્શન કરવા ગયા. બહાર આવી રસ્તા પર ઊભા રહી હવે ક્યાં જવું, શું કરવું એ વિચારતા ઊભા રહ્યા. ત્યાં એક મોટર તેમની નજીક આવી ઊભી રહી. ‘અરે પ્રભુલાલ! તમે અહીં ક્યાંથી?’ એ પૂછનાર હતા બેરિસ્ટર નૃસિંહ વિભાકર. નાટયકાર. રંગભૂમિના જબરા આશક. – એમને વિષે વધુ વાત હવે પછી ક્યારેક. બેરિસ્ટરે રાતે ઘરે જમવા બોલાવ્યા. બે-ચાર દિવસ પછી શ્રી મોરબી આર્ય સુબોધ નાટક મંડળીમાં નોકરી મળી. ત્યારે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પણ એ કંપનીમાં નોકરી કરે. માલિક મૂળજી આશારામ ઓઝાએ નાટકનું એક દૃષ્ય લખી લાવવા કહ્યું. વાંચીને શેઠ ભડક્યા: ‘તમે લખી રહ્યા. શું કહેલું ને શું ચિતરી લાવ્યા?’ ‘પણ ભૂલ શું થઈ છે એ તો બતાવો!’ ‘સામો જવાબ આપો છો? નોકરી કરવી હોય તો હું કહું તેમ લખવું પડશે.’ ‘ના, એ મારાથી નહિ બને.’ અને એ જ ઘડીએ આ નોકરી પણ છોડી. બહાર ઊભા હતા રઘુનાથભાઈ. એમણે વાત જાણી. કરાચી જવાની ટિકિટના પૈસા હાથમાં મૂક્યા. કરાચીમાં આર્ય નાટક સમાજમાં પ્રભુલાલભાઈનું ‘દેવી વત્સલા’ ભજવાયું. ત્રણ સો રૂપિયા મળ્યા. પછી લખ્યું ‘અરુણોદય.’ ૧૯૨૪માં આવ્યું ‘માલવપતિ મુંજ’ જે શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજે ભજવ્યું.
માલવપતિ મુંજમાં અશરફખાન અને સરસ્વતી દેવી
નાટકના હજી તો બે-ત્રણ ખેલ થયેલા, નાટક ઊંચકાશે એમ લાગતું હતું. ત્યાં તો અણધારી આફત. કંપનીને મળી લિગલ નોટિસ: ‘તમારું આ નાટક મારી પ્રખ્યાત નવલકથાને આધારે લખાયું છે ને એટલે મારા કોપી રાઈટનો ભંગ થયો છે. આ અંગે જવાબ આપવા લેખકને લઈને વહેલામાં વહેલી તકે મને મળવા આવો. નહિતર તમારું નાટક બંધ કરાવવાની મને ફરજ પડશે.’ પોતાના અસીલ વતી નોટિસ આપનાર હતી પ્રખ્યાત સોલિસીટરની કંપની અમરચંદ મંગળદાસ. અને તેમના અસીલ હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. અત્યંત બાહોશ વકીલ, અત્યંત જાણીતા લેખક. એ વખતે હાજી મહંમદ અલારખિયાના સચિત્ર માસિક ‘વીસમી સદી’ની બોલબાલા. મુનશીની ‘ગુજરાતનો નાથ’ તેમાં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ. તે પૂરી થયા પછી ૧૯૧૯ના મે અંકથી શરૂ થઈ લઘુનવલ ‘પૃથિવીવલ્લભ.’ ૧૯૨૧ના જૂન અંકમાં તેનો છેલ્લો હપતો છપાયેલો. નાટક રજૂ થયું ૧૯૨૪માં. વાડીલાલ શેઠ, મૂળચંદ મામા, પ્રભુલાલ દ્વિવેદી, અને રઘુનાથ બ્રહ્મભટ્ટ મુનશીને મળવા ગયા. પહેલી દલીલ એ કરી કે અમારું નાટક તમારી નવલકથા છપાઈ એ પહેલાં લખાયું હતું. પણ તારીખો જોતાં આ દલીલ ટકી શકી નહિ. એટલે બીજી દલીલ: નાટકનું કથાવસ્તુ અમે તમારી નવલકથા પરથી નહિ, ‘પ્રબંધ ચિંતામણી’ જેવા પ્રાચીન ગ્રંથો પરથી લીધું છે. પણ મુનશી જેવા બાહોશ વકીલના ભાથામાં એક કરતાં વધુ તીર તો હોય જ. કહે: પ્રબંધ ચિંતામણી અને બીજા પ્રાચીન ગ્રંથો પૃથિવીવલ્લભને પરસ્ત્રીકામુક, વિષયલંપટ હોવાનું બતાવે છે. જ્યારે મેં એનાથી ઊલટું, મૃણાલ પૃથિવીવલ્લભ તરફ આકર્ષાય છે અને પૃથિવીવલ્લભ તો તેના પ્રેમનો યોગ્ય પડઘો પાડે છે. પાત્રો અંગેની મારી આ નવી, મૌલિક વિભાવનાને જ તમારા લેખકે તેના નાટકમાં સાંગોપાંગ વણી લીધી છે. પછી ઉમેર્યું: હું પોતે વકીલ છું એટલે મારો કેસ હું જાતે જ લડીશ. પણ તમે ખુવાર થઈ જશો. છેવટે બંને પક્ષે સમાધાન કર્યું: મુનશીના કોપી રાઈટના ભંગ બદલ કંપનીએ બે હજાર રૂપિયા આપ્યા અને નાટકના દરેક ખેલ વખતે મુનશીને પાંચ ફ્રી પાસ આપવાનું કબૂલ્યું. બદલામાં મુનશીએ નાટક ભજવવાની છૂટ આપી. કહેવાય છે કે ૧૯૨૪થી ૧૯૬૩ દરમ્યાન આ નાટકના પાંચ હજાર ખેલ થયા હતા!
શ્રી દેશી નાટક સમાજનું પ્રિન્સેસ થિયેટર
આ નાટકમાં મુંજની ભૂમિકા ભજવનાર માસ્ટર અશરફખાનના કંઠે ગવાતું એક ગીત અમર બની ગયું છે:
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફૂલાતા નથી.
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે,
જે ચઢે, તે તે પડે, એ નિયમ પલટાતા નથી.
વખત જતાં મુંબઈની ભાંગવાડીની રંગભૂમિ પણ પહેલાં કરમાઈ, અને પછી લોપાઈ. તેની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 ઍપ્રિલ 2022