Opinion Magazine
Number of visits: 9448703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—124

દીપક મહેતા|Opinion - Opinion|18 December 2021

ગ્રામોફોન આવ્યું ઘરે ઘરે સંગીત લાવ્યું

કોણ જાણે કેમ બધાં ગ્રામોફોન કાળા રંગનાં જ આવતાં

રેકર્ડની ત્રણ ન્યાત તો પિનની ચાર જાત 

એક છોટા સા મંદિર બનાયેંગે,
અપની દેવી કો ઉસમેં બિઠાયેંગે.

એક જમાનામાં કુંવારા જુવાનોમાં આ ગીત ખાસ્સું પોપ્યુલર થયેલું. મોટેથી ગાવાની હિંમત તો ન ચાલે, એટલે કોઈ રૂપાળી પોટ્ટીને જોઈને મનમાં ગણગણી લે. પણ કહી શકશો, આ ગીત કઈ ફિલ્મનું છે? ૧૯૩૮માં રિલીઝ થયેલી એ ફિલ્મનું નામ હતું ‘ગ્રામોફોન સિંગર.’ સુંદરદાસ, તેની પત્ની મોહિની, અને તિલોત્તમા વચ્ચેના પ્રણય ત્રિકોણની વાત. એ ત્રણ પાત્રો ભજવ્યાં હતાં એ જમાનાના અગ્રણી એક્ટર-ગાયક સુરેન્દ્ર, પ્રભા અને બિબોએ. પણ તમે કહેશો : આમાં ગ્રામોફોન વચમાં કેવી રીતે આવ્યું? સુંદરદાસ અને મોહિનીનો સુખી સંસાર. પણ સુંદરદાસ અને તિલોત્તમા બંને જાણીતાં ગ્રામોફોન સિંગર. તિલોત્તમા પહેલાં સુંદરદાસના અવાજના અને પછી ખુદ સુંદરદાસના પ્રેમમાં પડે છે. અને પછી … પણ આપણે કાંઈ ફિલ્મની વાત નથી કરવી. વાત કરવી છે ગ્રામોફોનની.

આમ તો, છેક ૧૮૯૮થી પરદેશી ગ્રામોફોન મશીન મુંબઈમાં અને કલકત્તામાં વેચાતાં થયાં હતાં. એ હતાં ભૂંગળાવાળાં, અને હાથથી હેન્ડલ ફેરવીને ચલાવવાનાં. વગાડવા માટેની રેકર્ડ પણ બ્રિટન-અમેરિકાથી આવે, બધી પશ્ચિમી સંગીતની. અને આ બધું એટલું તો મોંઘુ દાટ કે મોટા શ્રીમંતોને જ પોસાય. પણ પછી ભૂંગળા ગયાં, સાઉન્ડ બોક્સ આવ્યાં, સ્પ્રિંગની ચાવી આવી. અને સૌથી વધુ મહત્ત્વનું તે તો આપણાં ‘દેશી’ ગાયક-ગાયિકાનાં ગીતોનું રેકોર્ડિંગ કલકત્તામાં શરૂ થયું. ગ્રામોફોન અને રેકર્ડ આવ્યાં ત્યારે હજી ‘સારા ઘરની’ સ્ત્રીઓ જાહેરમાં ગાતી-નાચતી નહિ, નાટકમાં પણ ભાગ ન લેવાય! હજી ફિલ્મો તો આવી નહોતી. એટલે રેકોર્ડિંગ કંપનીએ ‘નોચ ગર્લ્સ’નો આશરો લીધો. મિસ દુલારી, મલકાજાન, અંગુરબાલા, ઇન્દુબાલા, કમલાબાઈ, ગોહરજાન એ જમાનાની જાણીતી ગાયિકાઓ બની અને એમનો અવાજ અનેક ઘરોમાં સંભળાતો થયો. શરૂઆત હિન્દી-ઉર્દૂ ગઝલ અને દાદરા, ઠુમરી, વગેરેથી થઈ. પછી આવ્યું ભક્તિ સંગીત, લોક સંગીત, નાટ્ય સંગીત, અને છેલ્લે ફિલ્મ સંગીત. અને પાછું આ બધું દેશની જુદી જુદી ભાષાઓમાં. ગુજરાતીની વાત કરીએ તો આવ્યું બાળસંગીત, આવ્યા ગરબા-રાસ, આવ્યાં લગ્ન ગીતો.

સાઉન્ડ બોક્સવાળું ગ્રામોફોન

ગીતોનું રેકોર્ડિંગ દેશમાં થતું, પણ તે પછી રેકર્ડ ‘પ્રેસ’ કરવા માટે તો એ રેકોર્ડિંગ પરદેશ જ મોકલવાં પડતાં. મોટા ભાગની રેકર્ડ જર્મનીમાં પ્રેસ થતી અને ત્યાંથી આપણા દેશમાં આયાત થતી. શરૂઆતની રેકર્ડોમાં ગાયક કે ગાયિકા છેલ્લે અંગ્રેજીમાં પોતાનું નામ બોલે છે તે આ કારણે. જર્મન ટેકનિશિયનોને આપણી ભાષાઓ તો આવડે નહિ. એટલે અંગ્રેજીમાં બોલાયેલું નામ રેકર્ડ બનાવામાં અને પછી તેને ઓળખવામાં મદદ કરે. ધીમે ધીમે ગ્રામોફોન અને રેકર્ડે મુંબઈના મધ્યમ વર્ગનાં ઘરોમાં પ્રવેશ કર્યો. જે ઘરમાં ગ્રામોફોન હોય એ ઘરનો અડોશપડોશમાં છાકો પડી જતો. વીસમી સદીનાં પહેલાં પચાસેક વરસ મુંબઈનાં ઘરોમાં ગ્રામોફોનનું સ્થાન રહ્યું.

આ લખનારને આજે ય તે બરાબર યાદ છે એ કાળું, નાનું, સાઉન્ડ બોક્સવાળું એચ.એમ.વી. કંપનીનું ગ્રામોફોન. (કોણ જાણે કેમ એ વખતે બધાં ગ્રામોફોન કાળા રંગનાં જ આવતાં.) દિવાળીના ચાર દિવસ સવારના પહોરમાં ગ્રામોફોન વગાડવાનું એટલે વગાડવાનું જ. ધનતેરસ અને કાળી ચૌદસે સવારે છથી સાડા છ. દિવાળીને દિવસે સાડા પાંચથી છ. અને બેસતે વરસે પાંચથી સાડા પાંચ. દિવાળી અને બેસતે વરસે સૌથી પહેલાં બિસ્મિલ્લા ખાંની શરણાઈની રેકર્ડ વગાડવાની. તે પહેલાંના બે દિવસ વાગે ક્લેરિનેટ પર વગાડેલા રાગ સગરાઈ કાનડાની રેકર્ડ. આ ક્લેરિનેટ તે આપણી શરણાઈને મળતું આવતું પશ્ચિમી વાદ્ય. એ વખતે કેટલાક કલાકારો તેના પર આપણું રાગ સંગીત વગાડતા. પછી બીજાં હિન્દી-ગુજરાતી-બંગાળી ગીતો વગાડવાનાં. આમ, દિવાળીના ચાર દિવસ ઘરમાં સવારની શરૂઆત થાય સંગીતથી. અને એ શરૂઆત કરવાનું ઉત્તરદાયીત્ત્વ સોપાયેલું આ નાચીઝને. એટલે સવારના પહોરમાં મીઠાઈ ખાધા વગર મોઢું ગળ્યું ગળ્યું.

ચાર રંગ, ચાર જાતની પિન

ગ્રામોફોનનો રૂઆબ ગજબનો. પહેલાં હળવે હાથે કાળું ઢાકણું ખોલવાનું. પછી સફેદ કપડાના ચોખ્ખા કટકાથી ટર્ન ટેબલ સાફ કરવાનું. તેના પર લીલા રંગનું મખમલ જેવું કપડું જડેલું હોય. પહેલાં જૂની પિન કાઢીને એક ખાલી ડાબલીમાં મૂકી દેવાની, જેથી ભૂલમાં પણ કોઈને વાગી ન જાય. પછી બીજી દાબડીમાંથી નવી પિન કાઢવાની. દાબડી પાછી ચાર રંગની આવે. કાળા રંગની દાબડીની પિનનો સૌથી મોટો અવાજ. લાલ રંગના ઢાંકણાવાળી દાબડીની પિનથી મોટો અવાજ આવે. લીલા ઢાંકણાવાળી ડાબલીની પિનથી એકદમ ‘સોફ્ટ’ અવાજ આવે. પીળા રંગની દાબડી એ બંને વચ્ચેની, મધ્યમ, માફકસરનો અવાજ. સાઉન્ડ બોક્સમાં અવાજ નાનો મોટો કરવાની સગવડ એ વખતે નહિ. એટલે એ માટે આ ચાર જાતની પિન પર આધાર. હવે જાડા કાગળની ‘સ્લીવ’માંથી હળવે હાથે કાળી, ચકમકતી રેકર્ડને સંભાળીને કાઢવાની. એ વખતે હજી ‘વિન્યાલ’ની રેકર્ડ આવેલી નહિ. એટલે તડ પડતાં કે તૂટતાં વાર ન લાગે. અરે, ઉઝરડો પડ્યો હોય તો ય પિન આગળ વધે જ નહિ. એકની એક પંક્તિ વાગ્યા કરે. ઘણાં ગલઢેરાંને એકની એક વાત ફરી ફરી કરવાની ટેવ હોય છે. ત્યારે કહેવાતું કે ‘એમની તો પિન અટકી ગઈ છે.’ રેકર્ડને ટર્ન ટેબલ પર મૂકવાની. હવે કામ કરવાનું ચાવી ચડાવવાનું. હળવે હાથે હેન્ડલ ઘુમાવો એમ સ્પ્રિંગ વાઈન્ડ થતી જાય. એક વાર વાઈન્ડ કરો પછી રેકર્ડની બંને બાજુ વગાડી શકો. સ્ટોપર ખોલીને ગ્રામોફોન ચલાવવાનું. ટર્ન ટેબલ સાથે રેકર્ડ ઘૂમવા લાગે એટલે સાઉન્ડ બોક્સનું હેન્ડલ ઉપાડીને પિનને રેકર્ડની બહારની ધાર પર મૂકવાની. અને આખા ઘરમાં જ્યુથિકા રોયનો અવાજ ગુંજી રહે : ‘ઘૂંઘટ કા પટ ખોલ, તોહે પિયા મિલેંગે.’

ગ્રામોફોન રેકર્ડ

એ વખતે ગ્રામોફોન રેકર્ડમાં સમાજવાદનો જમાનો હતો. નાની-મોટીનો ભેદ નહોતો. બધી રેકર્ડ ૧૦ ઇંચ અને ૭૮ RPM(રાઉન્ડ પર મિનિટ)ની. સાડા ત્રણ મિનિટ વાગે. પણ પછી રેકર્ડની દુનિયામાં નાની-મોટીના ભેદ ઊભા થયા. બાર ઈંચની લોંગ પ્લેયિંગ (LP) રેકર્ડ ૩૩ RPMની. અને સૌથી નાની ૭ ઈંચની, ૪૫ RPMની. પણ આ નાની-મોટી રેકર્ડ એક જ મશીન પર વગાડવાનું શક્ય બન્યું તે તો ચાવીવાળાંને બદલે ઇલેક્ટ્રિકથી ચાલતાં ગ્રામોફોન આવ્યાં તે પછી. તેમાં પછી તો નાનાં લાઉડ સ્પીકર પણ મૂકાયાં. ગ્રામોફોનને રેડિયો સાથે જોડીને બન્યું રેડિયોગ્રામ. રેકોર્ડિંગ કરવાનું અને રેકર્ડ પ્રેસ કરવાનું વધુ ને વધુ સહેલું અને સસ્તું બનતું ગયું. એક જમાનામાં આઝાદ મેદાન કે ક્રોસ મેદાનમાં દર વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર દરમ્યાન ‘ફન-ફેર’ કે મેળા ભરાતા. તેમાં નાનાં રેકોર્ડિંગ બૂથ પણ હોય. પાંચ રૂપિયા (એ વખતે એ નાની રકમ નહોતી) આપીને તમે બૂથમાં જાવ. ગમે તે ગાવ કે બોલો. પછી પાંચ-દસ મિનિટ રાહ જોવાની. જાડા પૂંઠા પર લગાડેલા લાખવાળી તમારી નાનકડી રેકર્ડ તૈયાર. ત્યાં તો સાંભળી જ શકો, ઘરે જઈને પણ ગ્રામોફોન પર સાંભળી શકો.

દાયકાઓ સુધી આપણા દેશમાં ગ્રામોફોન રેકર્ડની દુનિયામાં એચ.એમ.વી., કોલમ્બિયા, અને એન્જલ, એ ત્રણ કંપનીએ અડ્ડો જમાવેલો. પણ પછી ‘દેશી’ઓ પણ આગળ આવ્યા. કલકત્તામાં ‘હિન્દુસ્તાન રેકર્ડ’ શરૂ થઈ, તો મુંબઈમાં નેશનલ રેકોર્ડિંગ કંપની. ૧૯૩૫ના જૂન મહિનાની ૨૭મી તારીખે તેની સ્થાપના થઈ. તેનું સરનામું હતું ૧૧૦ મેડોઝ સ્ટ્રીટ, આજનું નામ નગીનદાસ માસ્તર રોડ, કોટ, મુંબઈ ૧. (એ જમાનામાં દેશમાં પિન કોડ નહોતા.) આ લખનારના અંગત સંગ્રહમાં તેનું ઓક્ટોબર ૧૯૩૮નું ‘દિવાળી રિલીઝ’નું કેટલોગ છે. તેના પૂંઠા પર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો ફોટો છાપ્યો છે. કેમ? એ દિવાળીએ કંપની તેમની બે નવી રેકર્ડ બજારમાં મૂકવાની હતી. ટીએમ ૮૩૪૪ નંબરની રેકર્ડની બંને બાજુ પર મેઘાણીનું અત્યંત જાણીતું, દેશદાઝથી ઊભરાતું કાવ્ય ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ તેમના જ અવાજમાં રજૂ થયું હતું. બીજી રેકર્ડ ટીએમ ૮૩૨૭ પર મેઘાણીએ ગાયેલાં બે હાલરડાં હતાં ‘તારે આવડી લાલપ ક્યાંથી,’ અને ‘તમે મારા દેવાના દીધેલ છો.’ આ ઉપરાંત રંગભૂમિનાં જાણીતાં કલાકાર અમીરબાઈ કર્ણાટકીનાં નાટ્યગીતો, સુમતિબહેન દરુ અને પાર્ટીના ગરબા, કમલેશ એન્ડ પાર્ટીનું કોમેડી નાટક ‘ગોર જજમાન’ વગેરે નવી રેકર્ડો પણ એ દિવાળીએ કંપનીએ બજારમાં મૂકી હતી. એ વખતની જાહેર ખબરની ભાષાનો એક નમૂનો જુઓ. સુમતિ દરૂ અને તેમની રેકર્ડનો પરિચય આપ્યા પછી અંતે લખ્યું છે : “જ્યારે અમારા ડિલર્સ પાસે આ રેકર્ડ સાંભળવા જાવ ત્યારે વધુ નહિ તો દોઢ રૂપિયો તો આપના ખિસ્સ્સામાં રાખાશો જ, નહિ તો કોઈ સ્નેહી પાસેથી ઉછીનો લઈને પણ આ રેકર્ડ તમારે ખરીદવી જ પડશે. – એ જ આ રેકર્ડનો જાદુ છે.”

એમ્પલિફાયર અને મોટાં લાઉડ સ્પીકર આવ્યાં તે પછી ગ્રામોફોન ઘરની બહાર નીકળ્યું. સાર્વજનિક સમારંભો કે કાર્યક્રમોમાં રેકર્ડો વગાડવાનું સામાન્ય બન્યું. સત્યનારાયણની પૂજા છે? વગાડો ભક્તિગીતો. ગણેશોત્સવ છે? મંડપમાં વગાડો :

जय देव जय देव, जय मंगल मूर्ति
दर्शनमात्रे मनःकामना पूर्ति
जय देव जय देव

નવરાત્રીના નવ દિવસ રાતે સંભળાય :

જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ …

અરે! બેટરીથી ચાલતાં ગ્રામોફોન, એમ્પલિફાયર, સ્પીકરની મદદથી વરઘોડામાં પણ રેકર્ડો વગાડતા! પેટ્રોમેક્સના દીવા માથે ઉપાડીને ચાલતી ‘બાઈઓ’ અને જૂની પુરાણી જીપમાં ગોઠવેલ લાઉડસ્પીકરમાંથી વાગતાં ગીતો એ તો મોભાની નિશાની ગણાતી. પણ જે ઊગે છે તે આથમે છે, જે ચડે છે તે પડે છે. ગ્રામોફોન અને તેની રેકર્ડે ઘણાં વરસ જાહોજલાલી ભોગવી. પણ પછી ગ્રામોફોન ઓશિયાળું બનીને ખૂણો પાળતું થયું. ઘરમાં આવ્યો માથાભારે રેડિયો. પણ એની વાત હવે પછી ક્યારેક.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 18 ડિસેમ્બર 2021 

Loading

18 December 2021 admin
← મારા વિવેચનની તળભૂમિ અને પ્રવાસભૂમિ
ભારતમાં મધ્યમ વર્ગ સંપત્તિની દૃષ્ટિએ લગભગ નિર્ધન છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved