જ્યારે આપણા દેશમાં નહોતી બનતી પેન્સિલ કે પેન!
પોતાની ભૂલ પોતે જ સુધારવાનું શીખવતું ઈરેઝર
ઘણા વિદ્યાર્થીને નડતો ગણિત નામનો ત્રણ માથાંવાળો રાક્ષસ!
માનશો? આ લખનાર ૧૯૪૭થી ૧૯૫૭ સુધી મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલમાં ભણતો હતો, ત્યારે ફક્ત ઈમ્પોર્ટેડ પેન્સિલ જ વાપરતો. ના, ના. એ કોઈ શ્રીમંત કુટુંબનો નબીરો નહોતો. અને છતાં પરદેશી પેન્સિલ જ વાપરવી પડતી, કારણ એ વખતે આપણા દેશમાં એક અમથી પેન્સિલ જેવી પેન્સિલ પણ બનતી નહોતી! ફેબર એન્ડ ફેબર કંપનીની ૧૨ પેન્સિલનું બોક્સ ત્રણ રૂપિયામાં ખરીદાતું જે આખું વરસ ચાલતું. આજની પેન્સિલો જેવી એ છેલબટાઉ નહિ. બ્રિટિશ અતડાપણું ત્યાંની પેન્સિલમાં પણ દેખાય. ત્રણ-ચાર કલરની આવે, પણ એક બોક્સમાં બધી પેન્સિલ એક જ કલરની હોય. મિક્સ એન્ડ મેચ નહિ. કદાચ બ્રિટિશ શિસ્તને કારણે, કદાચ વેચાણ વધારવાનો નુસખો. બે રંગની પેન્સિલ જોઈતી હોય તો બે બોક્સ ખરીદવાં પડે. ડ્રોઈંગ માટેની રંગીન પેન્સિલો પણ આ જ કંપનીની. બાર કે ચોવીસનું બોક્સ. દરેક જુદા રંગની. હવે પેન્સિલ આવે એટલે એના પાળેલા ગલુડિયા જેવું રબર કહેતાં ઇરેઝર પણ સાથે હોય જ. એમાં જુદા જુદા રંગ, ઘાટ, પણ કામ એક જ: પોતાની ભૂલ પોતે જ સુધારવાનું શીખવવું! તો વળી કેટલીક પેન્સિલમાં એવી સગવડ કે એક છેડેથી લખો, બીજે છેડેથી ભૂંસો. કારણ પેન્સિલને બીજે છેડે હોય નાનકડું રબર.
પરદેશી પેન્સિલ
પેન્સિલને છરી કે ચપ્પુથી છોલવાના કામમાં કેટલાક જબરા ઉસ્તાદ. છોલેલો છેડો એટલો સુંવાળો હોય કે આંગળી લસરી પડે. અને પેન્સિલની અણી તો એવી કાઢે કે આંગળીમાં ભોંકાય તો લોહીનો ટશિયો ફૂટે! પણ મારા જેવા ઢ માટે તો પેન્સિલ છોલવાનો સંચો જ માઈબાપ! એક હાથમાં સંચો, બીજામાં પેન્સિલ. પેન્સિલનો છેડો સંચામાં ખોસીને પેન્સિલને ગોળ ગોળ ફેરવો એટલે અણી નીકળી જાય. પણ ધ્યાન તો રાખવું પડે. જરા વધારે ઘુમાવો પેન્સિલ, તો બટ્ કરતીક ને બટકી જાય અણી. રોજ બે-ચાર પેન્સિલ, રબર, સંચો, નાની છ ઇંચની ફૂટપટ્ટી, એટલું તો લઈ જવું પડે સ્કૂલમાં. એટલે આવે પેન્સિલ બોક્સ. સમ્રાટ પ્લાસ્ટિકનું સામ્રાજ્ય હજી સ્થપાયું નહોતું. એટલે પેન્સિલ બોક્સ પતરાનાં. સોનેરી, રૂપેરી, લાલ વગેરે રંગનાં. એક વાર બોક્સમાં મૂક્યાં, કે પેન્સિલ, એને ભૂંસનાર રબર, ધાર કાઢનાર સંચો, માપનાર રૂલર, બધાં ડાહ્યાંડમરાં થઈને સાથે રહે. પણ જેવાં બહાર કાઢો કે એકબીજાં સામે ઘુરકિયાં કરવા માંડે. બરાબર આજના રાજકારાણીઓની જેમ!
એ વખતે સ્કૂલમાં આજની જેમ દસ નહિ, પણ અગિયાર ધોરણ. પછી મેટ્રિકની પરીક્ષા, આજની એસ.એસ.સી. ‘પહેલી ટ્રાયલે’ મેટ્રિકમાં પાસ થવું એ મોટી સિદ્ધિ ગણાય! આજની જેમ ૯૯.૯૫ ટકા માર્ક ન આવતા. પચાસ ટકા પરિણામ આવે તો તો શિક્ષણ જગતમાં ધરતીકંપ થતો : ‘આટલી બધી ઢીલ મૂકાશે તો તો શિક્ષણનું ધોરણ ખાડે જશે!’ જો ભૂલે જોગે ફર્સ્ટ ક્લાસ આવ્યો તો તો વિદ્યાર્થી જ નહિ, એનું કુટુંબ, સગાંવહાલાં, અડોશીપડોશી સાતમા આસમાને ઊડવા લાગે. બાકી પાંચમી ટ્રાયલે પણ પાસ ન થઈ શકે એવાં વિરલા-વિરલી પણ હતાં એ જમાનામાં. મોટા ભાગનાને નડે ગણિત નામનો ત્રણ માથાંવાળો રાક્ષસ! એલ્જિબ્રા, જોમેટ્રી, અને એરિથમેટિક એ ત્રણ તેનાં માથાં. ૧૯૫૭ની પરીક્ષાથી બોર્ડને સદ્બુદ્ધિ સૂઝી, અને આ ત્રણે વિષય ફરજિયાતમાંથી મરજિયાત બનાવ્યા! નહિતર આ લખનાર નોન-મેટ્રિક જ રહ્યો હોત. શરત એટલી કે ગણિત વગર સાયન્સ કોલેજમાં એડમિશન ન મળે. એ વખતે આજના જેવી કોમર્સ કોલેજોની બોલબાલા નહિ. મુંબઈ શહેરમાં એક આંગળીને વેઢે ગણી શકાય એટલી કોમર્સ કોલેજ : સિડનહામ, પોદ્દાર, સિદ્ધાર્થ, બીજી એક-બે. ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં બી.કોમ.ની ડિગ્રી પહેલી વાર અપાઈ છેક ૧૯૧૭માં, અને એમ.કોમ.ની એ પછી દસ વરસે, ૧૯૨૭માં. એ વખતે ભણતર માટે એક જોડકણું ખાસ્સુ પ્રચલિત હતું :
મેટ્રિકમાં માંદા પડ્યા, બી.એ.માં બેહાલ,
એમ.એ. મરણપથારીએ, એ વિદ્યાના હાલ.
હવે, તમે હાઈસ્કૂલમાં આવો એટલે તમને મળે પેન વાપરવાનો અધિકાર. અને એ પેન પણ પાછી પરદેશી. કારણ આપણા દેશમાં પેન જેવી પેન પણ બનતી નહિ, તેમાં વાપરવાની શાહી સુધ્ધાં બનતી નહિ! છેક ૧૯૬૧માં ભારત સરકારે આમંત્રણ આપીને એક ખાસમખાસ જાણકારને અમેરિકાથી બોલાવ્યા. તેઓ હતા ફાઉન્ટન પેન બનાવવામાં નિષ્ણાત! ૧૯૫૮થી સરકારે પેનની આયાત પર પૂરેપૂરો પ્રતિબંધ મૂકી દીધો અને એટલે દેશમાં પેન બનવા તો લાગી. પણ એ માલ એવો હલકો, રદ્દી કે વાપરનારા રાતી શાહીએ રડે! એટલે પેનની ગુણવત્તા કેમ સુધારવી એ અંગે એ નિષ્ણાતે સલાહ આપવાની હતી. પછી ધીમે ધીમે પેનની ગુણવત્તા તો સુધરી, પણ વર્ષો સુધી તેમાં વપરાતી નિબ કહેતાં ટાંક તો પરદેશથી જ આયાત થતી રહી.
કલમ, ખડિયો અને બ્લોટિંગ પેપર
હવે જેમ પેન્સિલની પાછળ પાછળ રબર-સંચો-બોક્સ આવે જ, એમ પેનને પણ કેટલાક ગોઠિયા વગર ન ચાલે. તેમાં સૌથી પહેલી તો શાહીની બાટલી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે જે કહ્યું છે કે चातुर्वर्ण्यं मया सृष्टं એ હકીકતમાં શાહી માટે કહ્યું હતું એમ અમારું માનવું છે. મારા-તમારા જેવા કાળી કે ભૂરી શાહી વાપરે. શિક્ષકો-અધ્યાપકો વગેરે લાલ. બધાથી જૂદા પડવાનો આગ્રહ રાખનારા થોડા વાપરે લીલી શાહી. એમ શાહીના કુલ ચાર વર્ણ કહેતાં કલર. આ શાહી આવતી પરદેશથી.
પરદેશી શાહી
પેનમાં શાહી ભરવાની ત્રણ મુખ્ય રીત. પહેલી સાવ સીધી ને સાદી. ઉપરથી પેનનું મોઢું ખોલવાનું અને શાહી રેડવાની. હા, પણ એ માટે ‘ડ્રોપર’ જરૂરી. એકદમ પાતળા કાચની આવે એટલે સંભાળીને વાપરવી પડે. ખુલ્લો છેડો શાહીના ખડિયામાં બોળીને ઉપલા છેડા પરની રબરની કાળી ટોપી બે આંગળીથી દબાવવાની, અને પછી ધીમે ધીમે છોડી દેવાની. થોડી શાહી ડ્રોપરમાં આવે તે પેનના ખુલ્લા મોઢામાં મૂકી, રબરની ટોપી ફરી દબાવીને ભરવાની. આવું પાંચ-સાત વાર કરો એટલે પેન તૃપ્તિનો ઓડકાર ખાય. તમે પૂરતું ધ્યાન ન રાખો તો આંગળાં શાહીથી ખરડાઈ જાય. બીજી રીત પેનના પાછલા છેડા પરનો પંપ વાપરીને શાહી ભરવાની. શેફર્સ નામની કંપનીની પેનમાં આગવી રીત. પેનની લગભગ વચમાં ધાતુની નાનકડી પટ્ટી ચમકતી હોય. તેને ઉપર-નીચે કરો એટલે શાહી પેનમાં ભરાતી જાય. હવે, કોઈ પણ પ્રવાહીની જેમ શાહીને પણ રેલાવું-પ્રસરવું બહુ ગમે. એટલે સહેજ પણ તક મળે કે ઢળી પડે, આંગળાં પર, કાગળ પર, કપડાં પર. એનો સામનો કરવા જોઈએ આછા ગુલાબી રંગનો બ્લોટિંગ પેપર. એ રાખવા માટે પાછા જાતજાતના ‘હોલ્ડર’ આવે. તો વળી કેટલાક તો અડધા ટેબલ પર બ્લોટિંગ પેપર છવાઈ જાય એવું પૂંઠાનું સાધન વાપરે!
પહેલાં તો પેનની જેમ શાહી પણ પરદેશથી જ આવતી. ક્વિંક, પાયલટ, વોટરમેન, સ્ટીફ્ન્સ, અને સ્વાન, એ પાંચ મુખ્ય કંપનીની શાહી આયાત થાય. પણ ૧૯૫૭માં સરકારે તેના પર પણ પ્રતિબંધ મૂકી દીધો અને દેશમાં શાહી બનવા લાગી. પણ આવડું મોટું બજાર ગુમાવવું પાલવે નહિ, એટલે આ કંપનીઓ આપણા દેશમાં શાહી બનાવવા લાગી. બીજી ‘દેશી’ કંપનીઓએ પણ ઝંપલાવ્યું. છતાં વરસો સુધી, શાહી બનાવવામાં વપરાતો ખાસ પ્રકારનો રંગ તો બધી કંપની પરદેશથી જ મગાવતી!
પરદેશી બોલ પોઈન્ટ પેનની જાહેર ખબર
પહેલાંના જમાનામાં ઘણા રાજા વખતોવખત નવી રાણી લાવતા. નવી આવે એટલે જૂની રાણી ભૂલાતી જાય. બોલ પેન નામની નવી રાણી આવી અને જૂની રાણી ફાઉન્ટન પેનના માઠા દિવસો આવ્યા. આમ તો બોલ પેનનો ઇતિહાસ લાંબો છે પણ ખરા અર્થમાં આ નવી રાણીનું આગમન થયું તે તો ૧૯૩૮ના જૂન મહિનાની ૧૫મી તારીખે. એ દિવસે ‘બિરો’ નામની કંપનીએ ‘બોલ પોઈન્ટ ફાઉન્ટન પેન’ માટેનો બ્રિટિશ પેટન્ટ મેળવ્યો. પણ બોલ પેનનો ફેલાવો ખરેખર વધ્યો તે તો બીજી વર્લ્ડ વોર પછી. અમેરિકાની મિલ્ટન રેનોલ્ડઝ કમ્પનીએ બિરો કમ્પનીની બોલ પેનના નમૂના ભેગા કર્યા. પછી તેની ડિઝાઈનમાં એવી રીતે ફેરફાર કર્યા કે બિરોના પેટન્ટનો ભંગ ન થાય. અને ૧૯૪૫ના ઓક્ટોબરની ૨૯મીએ પોતાની બોલ પેન ન્યૂ યોર્કના બજારમાં મૂકી. ત્યારે એક બોલ પેનની કિંમત હતી સાડા બાર ડોલર!
બોલ પેનની જનેતા જેવી બ્રિયો કંપનીએ છેક ૧૯૫૩માં આપણા દેશમાં બોલ પેન બનાવવાની દરખાસ્ત રજૂ કરેલી, પણ સરકારે નનૈયો ભણી દીધો. બોલ પેનમાં સૌથી વધુ મહત્ત્વની છે તેની ખાસ પ્રકારની શાહી. છેક ૧૯૬૨માં આ શાહી બનાવવાનો પરવાનો સરકારે રાજકોટની ધીરજલાલ મોહનલાલ જોશીની કંપનીને આપ્યો અને તે માટે કેલિફોર્નિયાની એક કંપનીની મદદ લેવાની મંજૂરી આપી. એટલે આ ગુજરાતી કંપનીએ બનાવી દેશની પહેલવહેલી બોલ પેન. ત્યારે પાર્લામેન્ટમાં સવાલ પૂછાયેલો કે શું પરદેશી કંપનીની મદદ લીધા વગર આ કામ થઈ શક્યું ન હોત? ત્યારે સરકારે જવાબ આપેલો કે ના, એમ કરવું શક્ય નહોતું! આજે તો જાતજાત ને ભાતભાતની બોલ પેનનો રાફડો ફાટ્યો છે. અને છતાં આજે પણ એવા મહાનુભાવો જોવા મળશે જે પદભ્રષ્ટ થયેલા રાજાના વફાદાર સેનાપતિની જેમ સ્થાનભ્રષ્ટ થયેલી ફાઉન્ટન પેનને જ વળગી રહ્યા છે. નરસિંહ મહેતાએ ગણાવેલા વૈષ્ણવજનનાં ઘણાં લક્ષણોમાંનું એક લક્ષણ તેમણે લેખણની બાબતમાં જીવનમાં ઉતાર્યું હોય છે: ‘પરસ્ત્રી જેને માત રે.’ ફાઉન્ટન પેન સિવાયની લેખણનું તેઓ મોઢું પણ જોતાં નથી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 11 ડિસેમ્બર 2021