Opinion Magazine
Number of visits: 9446173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—108

દીપક મહેતા|Opinion - Opinion|14 August 2021

પરદેશી કાપડ ભરેલો ખટારો અને બાબુ ગનુની શહાદત

ઠંડે કલેજે થયેલી હત્યા કે કમનસીબ અકસ્માત?

ટ્રક ડ્રાઈવર : નોકરી અંગ્રેજની કરું છું પણ છું હિન્દુસ્તાની 

શુક્રવાર, ૧૨ ડિસેમ્બર ૧૯૩૦. સવાર તો રોજ જેવી જ પડી હતી. વાતાવરણમાં ડિસેમ્બરની ટાઢક. દિવસ ઢળે એ પહેલાં મોટો ભડકો થવાનો છે એની તો કોઈને કલ્પના ય નહોતી. મુંબઈના કાલબાદેવી રોડ પર ભલે થોડી મોડી, પણ અવરજવર શરૂ થઈ હતી. ગાડામાં, ક્યારેક ખટારામાં, જાત જાતનો માલ ઠલવાઈ રહ્યો હતો – દેશી, અને પરદેશી પણ ખરો. હા, છેક ૧૯૨૧માં આ જ મુંબઈમાંથી પરદેશી કાપડ અને ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ ગાંધીજીએ દેશને કરી હતી. જુલાઈની ૩૧મીએ પરેલમાં આવેલી એલ્ફિન્સ્ટન મિલ પાસે પહેલવહેલી વાર પરદેશી કાપડની જાહેર હોળી કરીને ગાંધીજીએ આખા દેશને રસ્તો બતાવ્યો હતો. એ દિવસે કરેલા ભાષણમાં તેમણે કહેલું : ‘સ્વદેશી વગર સ્વરાજ શક્ય જ નથી. પરદેશી કાપડનો બહિષ્કાર એ સ્વતંત્રતા તરફનું પહેલું પગલું છે. આજે આપણે જે કર્યું તે પરદેશી કાપડની હોળી નહિ, પણ સ્વતંત્રતા માટેના યજ્ઞમાં પહેલી આહુતિ આપી છે. અને આ પવિત્ર કામનો આરંભ મારે હાથે થયો એને હું મારું સદ્ભાગ્ય માનું છું.’

છતાં છેક ૧૯૩૦ સુધી પરદેશી કાપડની આયાત પૂરેપૂરી બંધ થઈ નહોતી. ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૨મી તારીખે માન્ચેસ્ટરની એક મિલના પ્રતિનિધિ જ્યોર્જ ફ્રેઝરે પોલીસ રક્ષણની માગણી કરી. કેમ? જૂની હનુમાન ગલ્લીમાં તેનું ગોડાઉન હતું, કોટ વિસ્તારમાં ઓફિસ હતી. પરદેશી કાપડની ગાંસડીઓ ગોડાઉનથી ઓફિસ લઈ જવા માગતો હતો. પ્રિન્સેસ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની એક ટુકડી તેની સાથે જૂની હનુમાન ગલ્લી ગઈ. પણ આ વાતની ગંધ આવી ગઈ હતી એટલે કોન્ગ્રેસના બારેક સ્વયંસેવકો ગોડાઉનની બહાર પિકેટિંગ કરવા ઊભા રહી ગયા હતા. ગાંસડીઓ ભરીને પહેલો ખટારો નીકળ્યો ત્યારે કેટલાક સ્વયંસેવક તેનો રસ્તો રોકીને ઊભા રહી ગયા. પોલીસે તરત જ તેમની ધરપકડ કરી, અને પહેલો ખટારો કોઈ મુશ્કેલી વગર ગોડાઉન પરથી તો નીકળી ગયો. પણ કાલાબાદેવી રોડ અને ભાંગવાડીના કોર્નર પર એક બાવીસ વરસનો લવરમૂછિયો યુવાન ખટારાને રોકવા રસ્તા પર સૂઈ ગયો. એનું નામ બાબુ ગનુ. ભણ્યો નહોતો. પણ સાચું શું અને ખોટું શું એ ગણતાં શીખેલો. હતો મિલ મજૂર. એટલે જાત અનુભવે પરદેશી અને સ્વદેશી કાપડનું ગણિત બરાબર જાણતો હતો. એણે નક્કી કર્યું કે આ ખટારાને રસ્તામાં જ રોકવો અને કંપનીની ઓફિસ સુધી પહોંચવા ન દેવો.

વીર શહીદ બાબુ ગનુ

સમજાવટનો કશો અર્થ નથી એમ જણાતાં પોલીસે ટ્રક ડ્રાઈવર બલવીર સિંહને કહ્યું કે આ માણસના શરીર પરથી ટ્રક હંકારી જા. પણ તેણે કહ્યું કે હું નોકરી ભલે અંગ્રેજની કરતો હોઉં, પણ છું તો હિન્દુસ્તાની. મારા દેશભાઈના દેહ પરથી કોઈ હિસાબે ખટારો ચલાવીશ નહિ. આ સાંભળીને પોલીસ અધિકારીનો પિત્તો ગયો. ખેંચીને ડ્રાઈવરને ટ્રકમાંથી ઊતાર્યો, મારઝૂડ કરી. પછી પોતે ટ્રકમાં બેઠો. આગળ-પાછળનો કશો ય વિચાર કર્યા વગર પૂરેપૂરી નિર્દયતાપૂર્વક એ ગોરા પોલીસ અધિકારીએ ખટારો આગળ ચલાવ્યો. બીજી જ ક્ષણે બાબુ ગનુનો દેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. જૂની હનુમાન ગલ્લી આગળ જે પોલીસ ટૂકડી ઊભી હતી તે તરત ઘટના સ્થળે પહોંચી. ટ્રકને પ્રિન્સેસ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને લઈ ગયા અને બાબુ ગનુને નજીકની જી.ટી. હોસ્પિટલ લઈ ગયા.

બાબુ ગનુ હોસ્પિટલની સ્ટ્રેચર પર

આ બનાવના સમાચાર આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા. ટપોટપ દુકાનો બંધ થવા લાગી. બાબુ ગનુને જી.ટી. હોસ્પિટલ લઈ ગયા છે એવા ખબર ફેલાતાં લોકોનાં ટોળેટોળાં હોસ્પિટલની બહાર ભેગાં થયાં. ડોક્ટરોએ બાબુ ગનુને તપાસીને ખોપરીમાં ફ્રેકચર થયું છે એવું નિદાન કર્યું. ઓપરેશન કરતી વખતે જાણવા મળ્યું કે મગજ આખું છુંદાઈ ગયું છે. છેવટે સાંજે ૪:૩૫ વાગ્યે તેનો જીવનદીપ બુઝાઈ ગયો. આ ખબર ફેલાતાં ફરી લોકોનાં ટોળાં ભાંગવાડી પાસે ભેગાં થયાં. એ જગ્યા જાણે મંદિર બની ગઈ. ફૂલ-હારના ઢગલે ઢગલા. આસપાસ બધે અગરબત્તીની સુવાસ. ક્યાંક રામનામની ધૂન, તો ક્યાંક દેશભક્તિનાં ગીતો. પણ લોકો બિલકુલ શાંત હતા. પોલીસ પણ શાંતિથી ઊભી ઊભી બધું જોતી હતી. રાતના સાડા દસ વાગ્યા, પણ લોકોની ભીડ ઓછી થવાનું નામ લેતી નહોતી. પોલીસના ગોરા અધિકારીઓ હવે અકળાયા. તેમણે લાઠી ચાર્જ કરવાનું નક્કી કર્યું. ત્યાં ફરજ પર હતા તે પોલીસોને હુકમ આપવાને બદલે તેમણે લાઠીધારી ૫૦ પોલીસની નવી ટુકડી બોલાવી. હુકમ થતાં જ તેમણે આડેધડ લાઠી ચાર્જ શરૂ કર્યો. તેમાં સાત પુરુષ અને એક સ્ત્રીને ગંભીર ઈજાઓ થઈ. તેમને પણ જી.ટી. હોસ્પિટલમાં પોલીસે દાખલ કર્યાં. ધીમે ધીમે લોકો વિખરાયા. પછી ફૂલ-હાર, ધૂપ-દીવા વગેરેને પોલીસોએ પગ નીચે કચડીને આગ ચાંપી દીધી. આ જોઈને આજુબાજુમાં રહેતા કેટલાક લોકોએ પોતાના ઘરમાંથી શોધી શોધીને પરદેશી કપડાં એ આગમાં ફેંક્યાં.

બાબુ ગનુની શહીદીના સમાચાર

ડિરેક્ટર ઓફ ઇન્ફર્મેશન તરફથી અખબારી યાદી બહાર પાડવામાં આવી જે સરકાર તરફી બધાં અખબારોએ પહેલે પાને છાપી. એ યાદીમાં આ આખા બનાવને ‘પ્યોર એક્સિડન્ટ’ ઠરાવવામાં આવ્યો હતો. તેમાં જણાવેલું કે ગોડાઉનમાંથી કાપડની ગાંસડીઓ ભરીને ખટારો રવાના થયો ત્યારે કેટલાક કોંગ્રેસી સ્વયંસેવકોએ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તરત જ પોલીસે તેમની ધરપકડ કરી અને બે ખટારા ત્યાંથી સુખરૂપ રવાના થયા. પણ ત્રીજો ખટારો મુખ્ય રસ્તા પર આવ્યો ત્યારે આસપાસથી ટ્રક પર જોરદાર પથ્થરમારો થયો. તેથી ડ્રાઈવરને સારી એવી ઇજા થઈ, છતાં તેણે બહાદુરીપૂર્વક ખટારો આગળ ચલાવ્યો. પણ પછી તે બેભાન થઈને ઢળી પડ્યો. બાબુરાવ નામનો નવા નાગપાડાનો રહેવાસી યુવાન ટ્રકની આગળ દોડતો અને બૂમો પાડતો હતો. એકાએક તે રસ્તાની વચ્ચોવચ ઠોકર લાગતાં પડી ગયો. અને કમનસીબે બેભાન થયેલા ડ્રાઈવરના ટ્રકનાં પૈડાં તળે આવીને ગંભીર રીતે ઘવાયો. એક અંગ્રેજ સાર્જન્ટ અપ્રતિમ હિંમત અને કુશળતા બતાવીને ચાલતી ટ્રકમાં ચડી ગયો અને ટ્રકને રોકી. ટ્રકની પાછળ પાછળ એક વિક્ટોરિયામાં બે સાર્જન્ટ અને એક હેડ કોન્સ્ટેબલ જઈ રહ્યા હતા. તેમને રોકીને લોકોએ હુમલો કર્યો તેમાં ત્રણે ઘવાયા હતા. પોલીસ બાબુરાવને તાબડતોબ હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરોના પૂરેપૂરા પ્રયત્નો છતાં કમનસીબે એ યુવાનને બચાવી શકાયો નહિ. બાબુરાવને જાણી જોઈને ખટારા નીચે કચડી નાખવામાં આવ્યો એમ કહેવું એ સદંતર ખોટું અને વાહિયાત છે. આ આખો બનાવ કેવળ એક કમનસીબ અકસ્માત હતો. વળી આ ખટારો એક અંગ્રેજ સાર્જન્ટ ચલાવી રહ્યો હતો એમ કહેવું એ પણ સદંતર ખોટું છે. એ તો ફક્ત ટ્રકને રોકવા માટે તેના પર બહાદુરીપૂર્વક ચડ્યો હતો. જો તેણે આમ ન કર્યું હોત તો હજી બીજા ઘણા લોકોના જાન ગયા હોત. – સરકાર ઉવાચ.

અંગ્રેજી છાપાંઓમાં એક માત્ર બોમ્બે ક્રોનિકલે આ અખાબારી યાદીની સાથોસાથ, પહેલા જ પાના પર, પોતાનો વિસ્તૃત અહેવાલ છાપ્યો જેમાં સાચી હકીકત શી હતી તે જણાવ્યું.

કાલબાદેવી રોડ, ૨૦મી સદીની પહેલી પચ્ચીસીમાં

બીજે દિવસે સવારે આઠ વાગ્યે દાણા બંદરથી વીર શહીદ બાબુ ગનુની સ્મશાનયાત્રા શરૂ થઈ. મૂળજી જેઠા માર્કેટ, મંગળદાસ માર્કેટ, કાલબાદેવી, અને ઠાકુરદ્વાર થઈને તે સોનાપુરની સ્મશાનભૂમિ પહોંચી. ‘ગિરગામ સ્વાતંત્ર્ય સંઘ’ તરફથી મૂંગું સરઘસ કાઢવામાં આવ્યું. સાંજે પાંચ વાગ્યે ગિરગામ ચોપાટીથી શરૂ થયેલું સરઘસ ગિરગામ રોડ પર થઈને આઝાદ મેદાન પહોચ્યું. ત્યાં ભરાયેલી જાહેર સભામાં શહીદ બાબુ ગનુને ભાવસભર અંજલિઓ અપાઈ. સભાના પ્રમુખસ્થાનેથી બોલતાં લીલાવતી કનૈયાલાલ મુનશીએ કાલાબાદેવી રોડનું નામ બદલીને બાબુ ગનુ રોડ રાખવાની જાહેર માગણી કરી હતી. રવિવારે સવારે કેટલાક લોકોએ ભાંગવાડી પાસે બાબુ ગનુનો ફોટો ગોઠવીને તેને હારતોરા પહેરાવ્યા હતા. ફોટા પાસે બે અખંડ દીવા અને કોંગ્રેસનો ધ્વજ રાખવામાં આવ્યા હતા. રોજ સેંકડો લોકો આ ‘મંદિર’નાં દર્શને આવતા થયા હતા.

પણ આ બાબુ ગનુ હતા કોણ? ૧૯૦૮માં પૂણે જિલ્લાના મ્હાળુંગે, પડવળ ખાતે જન્મ. બાપ ગરીબ ખેડૂત. બાબુ ગનુ માંડ બે વરસના થયા ત્યાં તો બાપનું અવસાન થયું. આજીવિકાનો બધો મદાર ખેતી પર. થોડા વખત પછી એક માત્ર બળદ પણ મરી ગયો. હવે ખેતી કરવાનું અઘરું બન્યું. બાબુનાં માએ મુંબઈ જવાનો નિર્ણય લીધો. બાબુ, અને તેમનાં મોટાં ભાઈ-બહેનને સોંપ્યાં એક પડોશણને. અને પોતે એકલાં પહોંચ્યાં મુંબઈ. ગામડાની અભણ સ્ત્રી. ઘર કામ સિવાય મુંબઈમાં બીજું શું કરી શકે? થોડા પૈસા ભેગા થયા એટલે ત્રણે બાળકોને મુંબઈ બોલાવી લીધાં. ત્રણમાંથી કોઈને નિશાળે મોકલવાનું તો પોસાય એમ જ નહોતું. બાબુએ કાપડની મિલમાં મજૂરી કરવાનું શરૂ કર્યું. સાથોસાથ સ્થાનિક રાજકારણમાં રસ લેતા થયા. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. તેમાં ય પરદેશી કાપડનો બહિષ્કાર અને સ્વદેશીનો પુરસ્કાર કરવાની વાત તો તેમના મનમાં બરાબરની ચોંટી ગઈ. અને એ વાત જ તેમને શહીદી તરફ દોરી ગઈ.

મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની નેતાગીરી નીચે બાબુ ગનુ જેવા અસંખ્ય લોકોએ શહીદી વહોરી લીધી તેને પરિણામે દેશ આઝાદ થયો. ૧૪-૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની એ રાત ક્યારે ય ભૂલાશે નહિ. મુંબઈ લગભગ આખી રાત જાગ્યું હતું. ઘરે ઘરેથી રેડિયો પરથી પંડિત નેહરુનો અવાજ મધરાતે વાતાવરણમાં ફેલાઈ ગયો હતો : “જબ તક એક એક ઇન્સાન હિન્દુસ્તાન કા આઝાદી કી હવા મે ન રહ સકે, ઔર ઉસ કી તકલીફેં દૂર ન હો, ઔર જો મુસીબતે હૈં ઉસકો હટાઈ ન જાય, તબ તક હમારા કામ પૂરા નહિ હોગા.” આજે જ્યારે દેશ આઝાદીના ૭૫માં વરસમાં પ્રવેશી રહ્યો છે ત્યારે પણ પંડિતજીનો એ અવાજ આપણા કાનમાં ગુંજી રહ્યો છે.

e.mail ; deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 14 ઑગસ્ટ 2021

Loading

14 August 2021 admin
← મતાધિકાર ન હોય તેવી વ્યક્તિ માટે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ હોવો જોઈએ …
પંદરમી ઑગસ્ટે અંગ્રેજો સત્તાની સોંપણી કરીને જતા રહ્યા એ આઝાદી હતી કે સત્તાંતરણ ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved