Opinion Magazine
Number of visits: 9446806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 29 : ‘એ.આઈ.’-ના ઇતિહાસની લગીર ઝાંખી – ૨

સુમન શાહ|Opinion - Opinion|8 October 2023

સુમન શાહ

૧૯૫૦-માં બ્રિટિશ વિદ્વાન ઍલન ટ્યુરિન્ગ એક પેપર પ્રકાશિત કરે છે, ‘Computing Machinery and Intelligence’. એમનું એ પેપર ‘એ.આઈ.’-ના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન કહેવાય છે. એમાં એમણે ‘વિચારી શકે’ એવાં મશીનોની શક્યતાનો ખયાલ પ્રસ્તુત કર્યો, જો કે એમણે કહ્યું કે મશીનો ‘વિચારી શકે’-ની વ્યાખ્યા આપવાનું પોતા માટે મુશ્કેલ છે. પરન્તુ એમણે પ્રશ્ન કર્યો કે સમસ્યાઓના ઉકેલ માટે જો માણસો માહિતી અને તર્કના વિનિયોગથી નિર્ણયો લઈ શકે છે, તો મશીનો પણ એ કામ કેમ ન કરી શકે -? અને તો, જરૂર કહી શકાય કે મશીનો ‘વિચારી શકે’ છે.

બીજી રીતે જોઈએ તો એમનો એ ખયાલ બુદ્ધિશાળી – ઇન્ટેલિજન્ટ – મશીનની શક્યતા વિશે હતો, એટલે કે ‘મશીની બુદ્ધિ’ માટે હતો. એ પરત્વે એમણે એક કસોટી રજૂ કરી, જે આજે પણ ‘Turing Test’ તરીકે ઓળખાય છે. એમાં એમણે ચર્ચ્યું છે કે બુદ્ધિશાળી મશીનો શી રીતે બની શકે તેમ જ તેમની બુદ્ધિની પરીક્ષા શી રીતે થઈ શકે.

પણ ટ્યુરિન્ગ-વિચારધારાથી પ્રગતિ ન થઈ શકી. એક કારણ એ કે કમ્પ્યુટરોમાં પરિવર્તનો લાવવાની ખાસ જરૂરત હતી. ૧૯૪૯ પહેલાં કમ્પ્યુટરો કમાન્ડ્સ અનુસાર પ્રયોજન પાર પાડતાં ખરાં પણ પોતાના તે અનુભવોને તેઓ સ્ટોર ન્હૉતાં કરી શકતાં. એટલે કે, એમને કામો કરવાનું કહી શકાય પણ પોતે શું કર્યું તેને તેઓ યાદ રાખી શકે નહીં. બીજું કારણ એ હતું કે કમ્પ્યુટિન્ગ પોતે અતિ ખર્ચાળ હતું.

રૉકવૅલ ઍન્યોહા કહે છે કે ઓગણીસસો-પચાસીની શરૂઆતનાં વર્ષોમાં, કમ્પ્યુટર ભાડે રાખો તેનો પણ મહિને ખર્ચ ૨૦ લાખ ડૉલર લગી પ્હૉંચી જતો’તો ! દેખીતું છે કે માત્ર પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને મોટી ટૅક્નોલૉજિ-કમ્પનીઓ જ એમાં ધન અને સમયનો ખર્ચ કરી શકે !

૧૯૫૬-માં ‘એ.આઈ.’-ક્ષેત્રમાં સંશોધનો માટે, જેને ઍકેડેમિક ડિસિપ્લિન કહેવાય, એવો એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો, અમેરિકાના ન્યૂ હૅમ્પશાયરની ‘ડાર્ટમથ કૉલેજ ઇન હૅનોવેર’-માં. છ અઠવાડિયાના એ વર્કશૉપમાં કમ્પ્યુટર-વિજ્ઞાન, ગણિતવિદ્યા, મનોવિજ્ઞાન, ઍન્જિનીયરિન્ગ, અર્થશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ, ફિલોસૉફી એમ વિવિધ ક્ષેત્રના અગ્રણી વિજ્ઞાનીઓ અને સંશોધકો એકઠા થયેલા.

વર્કશોપનો હેતુ એ હતો કે બુદ્ધિશાળી મશીનો સરજી શકાય એ વિષયમાં વિમર્શ-પરામર્શ કરવો, અને તે માટે એક નૂતન સંશોધનક્ષેત્રનો પાયો નાખવો. એ કારણે આ વર્કશોપ પણ ‘એ.આઈ.’-ના ઇતિહાસમાં ’એ.આઈ.’-ના વિકાસ અંગે પ્રભાવક સીમાચિહ્ન કહેવાય છે. વર્કશોપનું આયોજન કરેલું જોહ્ન મૅકાર્થી અને મર્વિન મિન્સ્કીએ. વર્કશોપમાં મૅકાર્થીએ પહેલી વાર ‘આર્ટફિશ્યલ ઇન્ટેલિજન્સ’ સંજ્ઞા યોજેલી, જે આજ પર્યન્ત પ્રયોજાય છે.

વર્કશોપની ઘટના પછીના દાયકાઓમાં એનાં દૂરગામી પરિણામો જોવા મળ્યાં છે – લગભગ બધા સહભાગીઓએ ‘એ.આઈ.’-ને કેન્દ્રમાં રાખીને લેખો કર્યા છે. કેટલાકોએ ‘એ.આઈ.’ માટે સંશોધનક્ષેત્રો સ્થાપ્યાં છે, અને તેઓ સૌ આ ક્ષેત્રના સમ્પન્ન વિદ્વાન પુરવાર થયા છે. એમના વડે એક સહિયારી આગાહી રજૂ થયેલી કે થોડાં જ વરસોમાં માનવબુદ્ધિ-સમ બુદ્ધિશાળી મશીનનો આવિષ્કાર થવાનો છે. એમની આ આગાહી સાચી પડે એ માટે મિલિયન્સ ઑફ ડૉલર્સ પણ મળી આવેલા.

ત્યારપછીના સમયમાં, ૧૯૭૪ સુધીમાં, ઘણી પ્રગતિ થઈ. કમ્પ્યુટરોનું સામર્થ્ય વધ્યું; એમની ઝડપમાં વધારો થયો; ઘણી માહિતી સ્ટોર કરી શકે એવાં થયાં; સસ્તાં થયાં; વપરાશકારોના પ્રવેશને પણ વધારે આવકારતાં થયાં; અને લોકોને માટે સુગમ પણ થયાં. ખાસ તો મશીન લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સમાં સુધારા થયા, જેથી વપરાશકારને સમજાવા લાગ્યું કે કયું ઑલ્ગોરીધમ પ્રયોજીશ તો ધાર્યું પરિણામ મળશે. કમ્પ્યુટરો બીજગણિતના વર્ડ-પ્રૉબ્લેમ્સના ઉકેલ આપતાં થયાં, ભૂમિતિના પ્રમેયો સિદ્ધ કરતાં થયાં, અને રસપ્રદ વાત એ કે કમ્પ્યુટરોને અંગ્રેજી ભાષા બોલતાં આવડી ગયું, મશીનની આટલી બધી શક્તિ જોઈને સૌને આશ્ચર્યાનન્દ થતો હતો.

ક્રમે ક્રમે સંશોધનોમાં વિવિધ અભિગમો દાખલ થયા. ‘એ.આઈ.’-વિકાસમાં અનિવાર્ય એવા એક સમર્થ અભિગમની નૉંધ લેવી જોઈએ :

૧૯૫૬-માં ઍલન નેવેલ, હર્બટ સાયમન અને જોહ્ન શૉ ‘The Logic Theory Machine : A Complex Information Processing System’ નામક પેપર પ્રકાશિત કરે છે. પેપરમાં ‘એ.આઈ.’-ના સૌ પ્રથમ પ્રોગ્રામ Logic Theorist-ના વિકાસનું વર્ણન છે. એથી એ ખયાલ સાચો પડ્યો કે જ્ઞાનપરક સંકુલ પ્રક્રિયાઓ માટે કમ્પ્યુટરોનો વિનિયોગ થઈ શકે છે. ઉપરાન્ત, બુદ્ધિશાળી સિસ્ટમ્સ કેવી રીતે ડિઝાઇન કરવી તે વિષયની સમજ પર પણ એનો ઊંડો પ્રભાવ પડ્યો છે, અને તેથી વિવિધ ક્ષેત્રોમાં સમસ્યાઓના ઉકેલ માટેની નવી ટૅક્નિક્સનો પણ વિકાસ થયો છે.

એમાં હ્યુરિસ્ટિક સર્ચ અને સિમ્બોલિક રીઝનિન્ગ જેવી ટૅક્નિક્સથી લૉજિકમાં પ્રમેયોને પુરવાર કરી શકાય છે. હ્યુરિસ્ટિક સર્ચ કોયડાઓના ઉકેલ શોધી આપનારું એક ઑલ્ગોરીધમ છે. સિમ્બોલિક રીઝનિન્ગ એક સ્વરૂપનો તર્ક છે, જેમાં મુખ્યત્વે વિભાવનાઓ અને સમ્બન્ધભૂમિકાઓ પ્રયોજાય છે. એથી તર્કવિષયક પઝલ્સ, ગાણિતિક પ્રૉબ્લેમ્સ કે નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગ પ્રૉબ્લેમ્સ જેવા વિવિધ કોયડાઓના ઉકેલ સાંપડે છે. આ બન્ને ટૅકનિક્સનો ‘એ.આઈ.’-સિસ્ટમ્સમાં વિનિયોગ થાય છે. પહેલાથી કોયડાનો ઉકેલ મળે છે અને બીજાથી એ ઉકેલની ગુણવત્તાનું મૂલ્યાંકન થાય છે.

અંગ્રેજી વગેરે માનવ ભાષાઓને પ્રોસેસ કરવા માટેના NLP-ની વાત અગાઉનાં પ્રકરણોમાં હું કરી ગયો છું. એનો પ્રારમ્ભ એવા સંશોધનપરક વિચારથી થયેલો કે કમ્પ્યુટરો અંગ્રેજી જેવી માનવ ભાષાઓમાં સંક્રમણ સાધી શકવાં જોઈએ. ડૅનિયલ બોબ્રોએ STUDENT પ્રોગ્રામ બનાવેલો, એ શરૂ શરૂની સફળતા હતી, તદનુસાર, હાઇસ્કૂલના બીજગણિતના વર્ડ-પ્રૉબ્લેમ્સના ઉકેલ મળવા લાગેલા.

જોસેફ વીજેનબામ ૧૯૬૪-થી ૧૯૬૭ દરમ્યાન મથી રહેલા કે પોતે શી ટૅક્નોલૉજિ શોધે જેથી મશીન અને માણસ વચ્ચે સંક્રમણ થાય. અને એમણે ELIZA સરજ્યું. એ પ્રોગ્રામ દ્વારા થયેલી વાતચીતો એટલી તો વાસ્તવિક લાગતી હતી કે વપરાશકારો ક્યારેક તો બની જતા – તેઓને થતું કે તેઓ માણસો સાથે વાતો કરી રહ્યા છે ! જો કે એલિઝા તો વારંવાર પૂછવામાં આવતા કે માહિતી માગતા પ્રશ્નોના પહેલેથી લખાયેલા તૈયાર પ્રતિભાવો – canned responses – જ આપતું હતું. વ્યાકરણના કેટલાક નિયમોને વશ વર્તવા પોતાના ઉત્તરોને જરાતરા જુદી રીતે ગોઠવી લેતું’તું.

ELIZA પહેલું ચૅટરબોટ ગણાય છે. જો કે કેટલાક જાણકારો એને ખરા અર્થમાં ઇન્ટેલિજન્ટ નથી ગણતા કેમ કે કેટલીયે વાર એને નથી સમજાતું કે વપરાશકાર દ્વારા શું કહેવામાં આવેલું.

આઠમા દાયકામાં પ્રચલનમાં આવેલી Expert Systems ‘એ આઈ ’-ના ઇતિહાસમાં મહત્ત્વનું સીમાચિહ્ન છે. એના સ્થાપક છે, સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના કમ્પ્યુટર-વિજ્ઞાની ઍડવર્ડ ફિજેનબામ. તેઓ Stanford’s Knowledge Systems Laboratory-ના સ્થાપક પણ છે. તેઓ ‘એ.આઈ.’-ના વિવિધ સ્થાપકોમાંના એક તરીકે સુખ્યાત છે. ‘એ.આઈ.’-ના ઉપકારોના વકીલ રૂપે હમેશાં બોલતા હોય છે. એમણે પણ આગ્રહ રાખ્યો છે કે ‘એ.આઈ.’ સદ્ અર્થે જ પ્રયોજાવું જોઈએ.

તેઓ એવું કમ્પ્યુટર વિકસાવવા માગતા હતા, જે માનવ-નિષ્ણાતોની વર્તણૂક અને નિર્ણયોને વધારે તેજ બનાવે, પ્રગતિકર બનાવે. એમનું મન્તવ્ય હતું કે રોગોનાં નિદાન, નાણાંકીય આગાહીઓ કે ઍન્જિનીયરિન્ગ ડિઝાઇન જેવાં ક્ષેત્રોના સંકુલ અને કઠિન પ્રશ્નોના નિરાકરણ માટે એનો વિનિયોગ કરી શકાય.

ફિજેનબામ અને એમના સહકાર્યકરોએ એવી ઉપકારક અનેક સિસ્ટમ્સ વિકસાવી, જેમાં પ્રમુખ ગણાતી આ છે : બૅક્ટેરિયલ ઇન્ફૅક્શન્સના નિદાન માટેની, MYCIN. ઑર્ગેનિક મોલેક્યુલ્સના નિદાન માટેની, DENDRAL. સિમ્બૉલિક મૅથેમૅટિક્સના પરફૉરમન્સ માટેની, MACSYMA. કમ્પ્યુટર સિસ્ટમ્સની રચના માટે, એટલે કે તેના વિવિધ ભાગોની ગોઠવણી માટેની, XCON.

આ સિસ્ટમ્સથી ‘એ.આઈ.’-પ્રોગ્રામ્સ રોજબરોજના માનવજીવનમાં પહેલી વાર વપરાતા થયા. પોતાનાં ક્ષેત્રોમાં દાક્તરો ગણિતજ્ઞો કમ્પ્યુટર-વિજ્ઞાનીઓ માટે જે પ્રશ્નોના ઉકેલ અતિ મુશ્કેલ કે સમય ખાનારા હતા, તેનું આ સિસ્ટમ્સથી નિરાકરણ થઈ ગયું છે, એ પ્રકારે ઘણો ઉપકાર થયો છે. સાથોસાથ, વૈજ્ઞાનિક સંશોધન અને એન્જિનીયરિન્ગના વિકાસ ક્ષેત્ર રૂપે ‘એ.આઈ.’-ની પ્રતિષ્ઠા પણ થઈ છે.

ઍક્સપર્ટ સિસ્ટમ્સ શેને કારણે સમર્થ બની? નિષ્ણાત કે નિપુણ લેખાય તેવા સંચિત જ્ઞાનપુંજથી. તેથી, નવમા દાયકામાં knowledge based systems ‘એ.આઈ.’-સંશોધનોમાં આવશ્યક મનાઇ. એ જ્ઞાન-આધારિત સિસ્ટમ્સ કમ્પ્યુટર-પ્રોગ્રામ્સ છે, જે ડેટાના કેન્દ્રસ્થ ભંડારનો, નૉલેજ બેઝનો, ઉપયોગ કરીને કોયડાઓના ઉકેલ માટેની પદ્ધતિઓ નીપજાવી આપે છે. સાથોસાથ, ‘એ.આઈ.’-સંશોધનોમાં knowledge engineering પણ એટલું જ મહત્ત્વનું છે. આ યાન્ત્રિકતા જ્ઞાનની સમ્પ્રાપ્તિ, જ્ઞાનની પ્રસ્તુતિ, જ્ઞાન સાથેની તાર્કિકતા વગેરે મુદ્દા સાથે સંકળાયેલી છે. પ્રશ્નોના ઉકેલ સંદર્ભે એની જરૂરત હોય છે.

જ્યારે જ્યારે ઉચ્ચ કક્ષાના જ્ઞાન સાથે પાનું પાડવાનું આવે ત્યારે ત્યારે આ યાન્ત્રિકતાની મદદ લેવાય છે. મશીન લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સ, નેચરલ લૅન્ગવેજ પ્રોસેસિન્ગ જેવી ‘એ.આઈ.’ માટે અતિ આવશ્યક બાબતો માટે પણ એની જરૂર પડે છે. જ્ઞાન વિના માણસનું નથી ચાલતું, તો આ તો મશીન છે !

૧૯૭૪-માં એવું બન્યું કે યુ.ઍસ. અને બ્રિટિશ સરકારોએ ‘એ.આઈ.’-સંશોધનોને ફણ્ડ આપવાનું બંધ કરી દીધું. મુખ્ય કારણ એ હતું કે ગણિતજ્ઞ અને ઍરોડાયનેમિક્સ ક્ષેત્રના સુખ્યાત બ્રિટિશ વિદ્વાન જેમ્સ લાઇટહિલે ૧૯૭૩-માં ‘Artificial Intelligence: A Paper Symposium’ નામનો એક અહેવાલ પ્રકાશિત કરેલો. એમાં, ‘એ.આઈ.’-સંશોધકોની ટીકા કરેલી કે તેઓએ અતિ-મહત્ત્વાકાંક્ષી વચનો આપેલાં પણ તેનાં પાલનમાં નિષ્ફળ નીવડ્યા છે. વળી, જેમ્સે કહેલું કે ‘એ.આઈ.’-ના પાયાના પ્રશ્નો વિશે પણ કશી પ્રગતિ જોવા નથી મળતી. એમના એ અહેવાલથી પ્રેરાઇને અન્ય અગ્રણી વિજ્ઞાનીઓએ પણ સૂર પુરાવેલો. મર્વિન મિન્સ્કીએ કહેલું કે ‘’એ.આઈ.’ ઇઝ ઇન બિગ ટ્રબલ’’.

પરિણામે, સંશોધનો ઠપ પડી ગયેલાં, અને ‘એ.આઈ.’-ના મંદવાડનો પ્રારમ્ભ થઈ ગયેલો, જેને પાછલાં વર્ષોમાં ‘AI winter’ જેવું સૂચક પણ રૂપાળું નામ આપવામાં આવ્યું છે.

પરન્તુ, ૧૯૮૨-માં જપાનની સરકાર ભારે, આશરે 500 મિલિયન ડૉલર, ફણ્ડ્સ ફાળવીને The 5th Generation Computer Systems project શરૂ કરે છે, અને ૧૯૮૨-થી ૧૯૯૨ સુધી ચલાવે છે. 

‘એ.આઈ.’-માં રીસર્ચ ઍન્ડ ડૅવલપમૅન્ટ માટેનો મોટા પાયાનો આ પ્રોજેક્ટ વિશ્વમાં સૌથી પહેલો રાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો. પરિણામે ‘એ.આઈ.’-નું વૈશ્વિક ક્ષેત્ર પ્રભાવિત થયેલું. ‘એ.આઈ.’ તેમ જ એના ઉપયોગો વિશેની જાગૃતિમાં વિકાસ થયેલો. એ અર્થમાં જપાની ભેજાં સમયથી આગળ હતાં.

પરિણામ એ હતું કે નવીન કમ્પ્યુટર હાર્ડવેઅર અને સૉફ્ટવેઅર વિકસ્યાં. એથી કમ્પ્યુટરો માણસની જેમ વધુ ને વધુ વિચારતાં થયાં, તર્કનો ઉપયોગ કરવા લાગ્યાં.

પ્રોજેક્ટે ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન આપેલું અને તદનુસારના વિકાસ થયા હતા – 

: ૧ : Knowledge processing : જ્ઞાન પરત્વે થનારી રજૂઆતો માટે નવી રીતપદ્ધતિઓ વિકસી 

: ૨ : Inference : જ્ઞાનમાંથી અનુમાન કરવા માટેનાં નવાં ઑલ્ગોરીધમ્સ વિકસ્યાં 

: ૩ : Natural language processing : કમ્પ્યુટરો માનવ-ભાષાઓ સમજે અને ઉત્પન્ન કરે એ માટેની નવી રીત-પદ્ધતિ વિકસી.

પ્રોજેક્ટની એક સિદ્ધિ હતી, Prolog programming language-ની એણે હાંસલ કરેલી લોકપ્રિયતા. એ છે, PROgramming in LOGic. એ ’એ.આઈ.’ અને કમ્પ્યુટરના ભાષાવિજ્ઞાન સાથે જોડાયેલી પ્રોગ્રામિન્ગ ભાષા છે. પ્રથમ-તર્ક, ઔપચારિક તર્ક, પ્રયોજીને એ હકીકતો અને નિયમોની રીતે લખાય છે. હકીકતો જાણીતી હોય, નિયમો એને વ્યાખ્યાયિત કરે, જેથી આગળનાં અનુમાનો કરવામાં મદદ મળે. એનો પણ ‘એ.આઈ.’-સંશોધનોમાં વિનિયોગ થાય છે.

આજે પણ જપાન સરકાર છૂટે હાથે ફણ્ડ્સ ફાળવે છે. ૨૦૧૭-માં એણે New AI Strategy રજૂ કરી છે – એટલા માટે કે ૨૦૩૦-માં ‘એ.આઈ.’-ક્ષેત્રે જપાનને વૈશ્વિક નેતા બનવું છે !

(ક્રમશ:) 
(10/07/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

8 October 2023 Vipool Kalyani
← સાઇબર ફ્રોડમાં 200 ટકા વધારોઃ માણસની લાલચ અને ડર પર ખેલનારા સાઇબર ગુનેગારો
એક અનોખી મૂંઝવણ : કોઈ પાસે કશું જ આપવા માટે નથી  →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved